સ્નેહસૃષ્ટિ/લગ્ન અને માનવખરીદી

વિકિસ્રોતમાંથી
← આંખના અંગાર સ્નેહસૃષ્ટિ
લગ્ન અને માનવખરીદી
રમણલાલ દેસાઈ
સાધુ અને વિતંડા →



૨૯
 
લગ્ન અને માનવખરીદી
 


મધુકર જરા છોભીલો પડ્યો, અને એકાએક તેણે જ્યોત્સ્નાના ખંડમાંથી બહાર જવા માંડ્યું.

‘કેમ મધુકર ! ક્યાં ચાલ્યો ?’ જ્યોત્સ્નાએ પૂછ્યું.

‘તું અને શ્રીલતા વાત કરી લો; પછી હું આવું છું.’ મધુકરે કહ્યું.

‘તું પણ શ્રીલતા સાથે વાત કરી શકે છે.’ જ્યોત્સ્નાએ કહ્યું.

‘મારાં માતાપિતા મારી રાહ જોતાં હશે.’ મધુકરે જવાબ આપ્યો. શ્રીલતાનું આછું હાસ્ય શ્રીલતાના એક વાક્ય સાથે મધુકરને કાને અથડાયું :

‘મધુકરનાં માતાપિતા ? એ તો એમનાથી શરમાય છે. તારા બંગલામાં ક્યાંથી ?’

‘જો મધુકર ! આ શ્રીલતા શું પૂછે છે ?’ જ્યોત્સ્નાએ પૂછ્યું.

‘એનું જીવન પૂછપરછમાંથી ઊંચે આવતું જ નથી… મારાં માતાપિતાની ટીકા કરનાર સાથે મારે શી વાત કરવી ? હું જાઉં છું. જ્યોત્સ્ના ! હવે તું જ જવાબ આપજે કે મારાં માતાપિતા અહીં કેમ આવ્યાં છે.’ આટલું કહી મધુકરે ખંડ છોડ્યો. છોડતે છોડતે મધુકરે શ્રીલતાની કટુતાભરી વાણી પણ સાંભળી :

‘ઘરનાં માલિક થવા આવ્યાં હશે બધાં, ખરું ને ?’

હવે મધુકરની ખાતરી થઈ ચૂકી કે શ્રીલતાએ જ્યોત્સ્ના અને મધુકરના સંબંધની છેલ્લામાં છેલ્લી વાત સાંભળી જ હશે. હવે શ્રીલતા એનો કેડો છોડશે પણ ખરી - ખરું જોતાં કેટલાય સમયથી એણે એ કેડો લેવો છોડી પણ દીધો હતો. એમાં મધુકરનો પણ શો ઇલાજ ? આખું જીવન માંગ અને પુરવઠો - Supply and Demand - ના સિદ્ધાંત ઉપર જ રચાયું છે. પ્રેમ અને લગ્નમાં પણ એ જ આર્થિક સિદ્ધાંત પ્રવર્તી રહ્યો છે ! અપવાદ તો બધામાં જ હોય. ઘેલછા કાઢતાં યુગલો એ સિદ્ધાંતને કદાચ બાજુએ મૂકે - અને પછી પસ્તાવામાં આખું જીવન વિતાવે ! પરંતુ અપવાદ નિયમને ફેરવી શકતો નથી.

જ્યોત્સ્નાને અપવાદ બનતી બચાવી લેનાર મધુકરથી પોતાના હૃદયને એમ તો કહેવાય એવું હતું જ નહિ કે તેણે શ્રીલતા પ્રત્યે પ્રેમ પ્રગટ કરી શ્રીલતાનું આકર્ષણ કર્યું ન હતું... હજી પણ શ્રીલતા કાંઈ ખાસ... ન ગમે એવી તો હતી જ નહિ. જ્યોત્સ્ના સરખી જ ઊંચી ! જ્યોત્સ્ના સરખી જ ભરેલા વાનવાળી ! જ્યોત્સ્ના કરતાં પણ કદાચ છટાદાર અને વધારે વાચાળ ! More stimulating! આકર્ષણ પણ જરા વધારે... અને સ્ત્રીમાં બીજું શું જોઈએ ? પરંતુ શ્રીલતા જેવું જ રૂપ અને આકર્ષણ જ્યોત્સ્નામાં હોય... અને વધારામાં એ એકલી જ ભારે મિલકતની વારસ હોય, તો મધુકર કયા સિદ્ધાંતને પકડી જ્યોત્સ્ના તરફ વધારે પ્રમાણમાં ન વળે ? શ્રીલતાનાં માતા-પિતા સુખી ભલે હોય ! હવે ધનિક તો નહિ જ ને ? અને બે વચ્ચે જો પસંદગી કરવાની હોય તો... ડહાપણ એ જ સૂચવે કે શ્રીલતાને છોડી જ્યોત્સ્નાને ચાહવું. અને ચાહવું એટલે ? કોઈ પણ દેખાવડો સ્ત્રીદેહ ચાહી શકાય ! એનું પોતાનું હૃદય તપાસતાં એને સ્પષ્ટ સમજાયું કે પરણ્યા પહેલાં તે કેટકેટલી છોકરીઓને ચાહી શક્યો હતો !

પછી શ્રીલતાને બાજુએ મૂકી જ્યોત્સ્ના પ્રત્યે તેનો પ્રેમ વળે તો તેથી એણે પોતે તેમ જ શ્રીલતાએ ખોટું લગાડવાની કે દુઃખી થવાની જરૂર ન રહે! શ્રીલતાની માલિકીની ભાવના જ તેને અણગમતી બનાવી રહી હતી! કેટલીક સ્ત્રીઓ એમ જ માને છે કે લગ્ન એટલે પુરુષનું ગુલામીખત ! શ્રીલતાની આંખ જ અવિશ્વાસ ભરેલી ! અનેક સૌન્દર્યો દર્શાવતી દુનિયામાં એક જ સૌન્દર્ય ઉપર ત્રાટક કેમ થઈ શકે ? શ્રીલતાને મધુકરે જતી કરી એ જ ઠીક કર્યું. જીવનભર દુઃખી થવા કરતાં થોડા સમયનું દુઃખ ચલાવી લેવાય ! આમ વિચાર કરી પોતાના હૃદયને મનાવી રહેલો મધુકર અદૃશ્ય થઈ ગયો.

પરંતુ શ્રીલતા અને જ્યોત્સ્ના તો લાંબો સમય સાથે ગાળી રહ્યાં. નાટક કે દૃશ્ય-શ્રેણીમાં શું શું કરવું, કોને બોલાવવાં, કોને કયો ભાવ સોંપવો. વગેરે બાબતો નક્કી થઈ ચૂકી હતી. સ્થળની પસંદગી પણ થઈ ગઈ હતી, અને હવે દિવસ પણ નક્કી થયો. દૃશ્યોમાં ભાગ લેનારમાં સ્ત્રીઓ જ હોય અને સહાયમાં માત્ર પુરુષોને જ રાખવા એ કાર્યપ્રણાલિકા પણ સર્વસંમત હતી - પુરુષોને પણ. એ કાર્યક્રમ પૂરો થયો એટલે બન્ને સખીઓની સામાન્ય તેમ જ વિશેષ વાતચીત પણ થઈ રહી:

'જ્યોત્સ્ના ! સ્ત્રીને પુરુષ વગર ન ચાલે ?' શ્રીલતાએ પૂછ્યું.

'પુરુષને ક્યાં સ્ત્રી વગર ચાલે છે ? એવું જ સ્ત્રીને પણ હોય.' જ્યોત્સ્નાએ કહ્યું. ‘પરંતુ... પુરુષ વગર ચલાવવાની સ્ત્રીઓએ ટેવ પાડી હોય તો ?'

'એટલે તું એમ માને છે કે પ્રેમ અગર લગ્ન એ ટેવનું જ પરિણામ છે, નહિ ?'

'લગભગ... વંશપરંપરાની ટેવ... માણસ જાતની એક કુટેવ અને એમાં ધર્મ ભેળવ્યો એટલે દેખાદેખી એ ટેવ સારી મનાઈ.'

'મધુકર સાથે તારાં લગ્ન ન થાય તો તું એ ટેવ બદલી નાખજે.' જ્યોત્સ્નાએ કહ્યું અને બંને જણ હસ્યાં. હસતે હસતે શ્રીલતાએ જવાબ પણ આપ્યો. 'લગ્ન થશે તોય હું એ ટેવ બદલી નાખવાની છું. પુરુષ વગર ન જ ચાલે એ શું?'

એકાએક રાવબહાદુર જરા મોટેથી બોલતા દૂરથી સંભળાય. અને સખીઓનું હાસ્ય સમાઈ ગયું.

‘એ તે માણસો છે કે જાનવર ?' રાવબહાદુરનો કંઠ સંભળાયો.

જ્યોત્સ્નાએ પિતાને આટલું મોટેથી બોલતાં કદી સાંભળ્યા ન હતા. કોની વાત તેઓ કરતા હશે ? મધુકર અને એનાં માતાપિતા કારમાં ગયાં એ તરફ જ્યોત્સ્નાનું લક્ષ્ય ગયું જ હતું. એમના જતા બરાબર પિતાજી કોને અનુલક્ષીને વાત કરી રહ્યા હતા ?

જ્યોત્સ્ના અને શ્રીલતા ખંડમાંથી બહાર આવ્યાં. યશોદાબહેનને તેમણે બોલતાં અને રાવબહાદુરને સમજાવતા સાંભળ્યા :

'હોય માણસો એવાં ! કદી જોયું ન હોય એટલે ન બોલવાનું બોલાઈ જાય. આપણે તે છોકરાનું કામ છે કે માબાપનું?'

'કન્યા આપો. ભરેલું ઘર આપો. કાર આપો, છોકરાને વિલાયત મોકલો...ત્યાં સુધી તો મને કાંઈ લાગ્યું નહિ... પણ સાસુ-સસરાને અને એમનાં સગાંવહાલાંને જાત્રાએ જવાનો ખર્ચ આપો કહ્યું અને મારાથી રહેવાયું નહિ.' રાવબહાદુર બોલતા હતા.

'જુઓ ને ! દીકરીનું ભવિષ્ય વિચારવું હોય તો આપણે હાથવેંત નમવું પણ જોઈએ.' યશોદાબહેને કહ્યું. અને બંને પતિ-પત્ની અદૃશ્ય થયાં.

તેમણે જ્યોત્સ્ના અને શ્રીલતાને જોયાં ન હતાં. કદી ગુસ્સે ન થતાં માતા-પિતાને ગુસ્સાભરેલી ઢબે વાતચીત કરતાં સાંભળી બંને સખીઓ ખંડની બહાર તો આવી, પરંતુ માતા-પિતાની પાસે રજૂ થવા માટે જ્યોત્સ્ના અત્યારે ઉત્સુક ન હતી. વાત સાંભળી લેવા એ બન્ને એક થાંભલા પાછળ સહજ છુપાઈ પણ ખરી. બન્ને વડીલો અદૃશ્ય થયા પછી બન્ને સખીઓ સહજ હસી.  'જ્યોત્સ્ના ! આ તો... તારી કિંમત ચૂકવાય છે ? શ્રીલતા બોલી.

'મારી ? કે મારા પ્રેમીની ?' જ્યોત્સ્નાએ પ્રશ્ન કર્યો. પ્રશ્ન કરતાં તેની આંખ કાંઈ રમત રમી રહી.

'પ્રેમીની કિંમત - તો નક્કી થઈ ચૂકી.' શ્રીલતાએ કહ્યું. જરા રહી હસી તેણે ફરી પૂછ્યું :

'કેટલી કિંમત ?'

'તેં સાંભળ્યું નહિ પિતાજીએ શું કહ્યું તે ? કન્યા આપો, ઘર આપો...'

'એ સાંભળ્યું. પરંતુ એટલેથી પતશે ? એ તો માતા-પિતાએ માગેલી કિંમત !'

'બીજા કોની કિંમત બાકી રહી ?'

'પરણ્યાની કિંમત... એ વળી જુદી જ હોય ને ?'

'પરણ્યો માગશે તે કિંમતમાં હું જ હોઈશ ને ?' જ્યોત્સ્ના બોલી. સખીઓની વાતચીત મર્યાદાને છેલ્લે કિનારે જ ફરતી રહે છે - ગમે એવી ડાહીડમરી ગંભીર સખીઓ હોય તોય !

'એટલેથી નહિ થાય, જોજે ! એની કિંમત વધ્યે જ જવાની.' શ્રીલતા બોલી.

‘ત્યારે.... લગ્ન.... એટલે લોહીનો જ વ્યાપાર ! નહિ ?'

'એ તારે જે કહેવું અને માનવું હોય તે ખરું... પરંતુ સભ્ય લગ્નોમાં પણ વ્યાપાર નહિ હોય એમ ન માનીશ.'

'વ્યાપારમાં તો સ્ત્રીઓ વેચાય. તું તો પુરુષની કિંમત માગે છે. પુરુષો પણ વેચાતા મળે શું ?'

‘એ તો અર્થશાસ્ત્રનો સિદ્ધાંત જ છે... જેવી માંગ અને જેવો પુરવઠો! મધુકરે મને બેત્રણ વાર એ સિદ્ધાંત સમજાવ્યો હતો. અને... મધુકર એનું નવું દૃષ્ટાંત !' શ્રીલતાએ સમજણ પાડી.

'એટલે... પુરુષોની પણ કિંમત લગ્નમાં ચૂકવવી પડે ખરી !.. સ્ત્રીએ !... માત્ર દેહમાં જ નહિ, દામમાં પણ !' જ્યોત્સ્નાએ વૈખરીમાં વિચારને ઉતાર્યો.

‘કોમવાદ ગયો એમ માની આપણે રાજી થઈએ છીએ.. નહિ ?... છતાં ઘણીયે કોમો હજી ગુજરાતમાં જીવતી જાગતી અને ઝૂઝતી છે, જેમાં પુરુષના ભણતર પાછળ, પુરુષની સમૃદ્ધિ પાછળ, પુરુષની મોટાઈ પાછળ કોઈ સ્ત્રીના જ - અરે, એની પત્નીના જ પૈસા હોય છે.... તું અસંતોષ ન કરીશ.. પુરુષની કિંમત આપવામાં તું એકલી જ નહિ હો.' ‘એટલે... મધુકર સારામાં સારો પતિ લાગતો હોય તો એને હીરા, માણેક અને સોને તોળવો જ જોઈએ.'

'હાસ્તો.. હું અને તું મધુકરની પાછળ ફરીએ તો આપણે એ માગે તે કિંમત આપવી જ જોઈએ ને ?'

‘હં !' કહી જ્યોત્સ્ના સહજ હસી.

'હસી ન કાઢીશ મારી વાત. જેટલાં બને એટલાં વહેલાં લગ્ન લઈ લે. હજી પ્રમાણમાં મધુકર હલકો છે... વખત જશે તેમ તેમ ભાર વધતો જશે... એની સામી તુલામાં...' શ્રીલતા હસતે હસતે બોલી, અને જ્યોત્સ્નાએ એના વાંસામાં થપાટ મારી કહ્યું :

'હવે કેટલું બકવું છે ?'

'બકવું તો બહુ છે, પણ સાંભળે છે કોણ?'

'ચાલ હવે... હું તને કારમાં મૂકી જાઉં.' જ્યોત્સ્નાએ કહ્યું.

‘બહેન ! તારે કાર છે એટલે સહુ તારી સામે જુએ છે... મારે કાર નથી એટલે... મારે રખડી જવાનું...'

'કાંઈ રખડી જાય એવી નથી, હરામખોર !' કહી જોરથી શ્રીલતાનો હાથ પકડી તેને આગળ ખેંચી. પોતે બહાર નીકળે છે એવી માતાપિતાને ખબર આપવા નોકરને આજ્ઞા કરી અને તેની કાર તો હાજર જ હતી - નિત્ય નિયમ પ્રમાણે શ્રીલતાને બેસાડી જ્યોત્સ્ના પણ કારમાં બેઠી. શ્રીલતાએ તીરછી આંખ કરી પૂછ્યું :

'આજે મધુકર તો સાથમાં નથી !'

'એના વગર આજ ચલાવીશું.'

'પછી સુરેન્દ્રને શોધવા ચક્કરે ચઢવું છે ?' શ્રીલતાએ પૂછ્યું અને જ્યોત્સ્નાએ કાર આગળ વધારી. જ્યોત્સ્નાએ જવાબ આપ્યો :

‘સુરેન્દ્રને શોધવાનું મેં મૂકી દીધું... પછી જ મધુકરને તારી પાસેથી ખૂંચવી લીધો...' કાર ચાલતી હતી, અને જ્યોત્સ્નાએ તીરછી આંખે શ્રીલતા તરફ જોયું.

'હવે અકસ્માત કરીશ ! જરા કાળજીથી ચલાવ... જે કર્યું તે તેં સારું જ કર્યું.' શ્રીલતા બોલી.

'સુરેન્દ્રને મૂકી દીધો તેં?'

'હા. પેલાં ઝૂંપડાં, ચાલીઓ અને ઢેડવાડા શોધવા મટ્યા... સુરેન્દ્રને છોડીને.'

પરંતુ મધુકરને ખૂંચવી લીધો તે? તારી પાસેથી ?' 'એ પણ સારું કર્યું. તું હવે એને કેવો સાચવી રાખે છે એ હું જોઉં છું... તારા કરતાં વધારે સંપત્તિવાળી છોકરીની શોધમાં જ હું છું.

'તું શોધમાં છે ?'

'શા માટે ?'

'તારી પાસેથી મધુકરને ખસેડવાનો ખેલ કરવા માટે... પણ જ્યોત્સ્ના ! તેં બિચારા સુરેન્દ્રને ઘરમાં આવતો જ બંધ કર્યો !'

'તો શું થાય? પુરુષોની એક ભૂલ સુધારવાની જરૂર છે.'

'કઈ?'

‘કે સ્ત્રીઓ જ તેમની પાછળ દોડતી રહે છે એવી તેમની માન્યતા ! એ ભૂલ છે.'

'ભૂલ તો ભૂલ ! સ્ત્રીઓ નહિ દોડે તો પુરુષ દોડતા ફરશે... એ ચકભિલ્લુ ચાલ્યા જ કરવાનું... છતાં સુરેન્દ્ર સરખો પોતાની જાતની આસપાસ કોટ બાંધી દેતો કોઈ ભાગ્યે જ હોય...'

જ્યોત્સ્નાએ કાંઈ જવાબ આપ્યો નહિ. સીધી નજરે તેણે ગાડી ચલાવ્યે જ રાખી. સુરેન્દ્રને શોધવા જવાનું એણે બંધ કર્યું હતું. એમાં એણે શું ગુમાવ્યું હતું?

એકાએક જ્યોત્સ્નાને અણગમો આવી ગયો. સુરેન્દ્ર ક્યાં હશે ? શું કરતો હશે? વગર પૈસે એનું કેમ ચાલતું હશે? એને ઘેર તપાસ ન થાય? એને પ્રેમનું બંધન ભલે ન ફાવતું હોય; એને સહાય પણ ન આપી શકાય એવી સ્થિતિ ઉપજાવવામાં એની પણ ભૂલ થતી હોય તો? મિત્ર તરીકે ભૂલ સુધારવાની જ્યોત્સ્નાની ફરજ નહિ ?

જ્યોત્સ્નાએ કારને સુરેન્દ્રના ઘર તરફ લીધી, અને તેના જ ઘર આગળ અટકાવી.

'કેમ અહીં, જ્યોત્સ્ના ? તમારા “ડૉન ક્વિક્ઝોટ” ઘેર નહિ હોય અત્યારે.' શ્રીલતાએ કહ્યું.

'બનતાં સુધી તો નહિ જ હોય. માટે આવી છું... ચાલ, જરા સુરેન્દ્રનાં માને મળી લઈએ.'

'હજી એની મા ગમે છે ખરી! તું મધુકરને રઝળાવવાની જ છે!' કહી શ્રીલતા કારમાંથી ઊતરી અને જ્યોત્સ્ના સાથે સુરેન્દ્રના નાનકડા પરંતુ ચોખ્ખા ઘરને બારણે આવી ઊભી રહી. ‘આવો બહેન ! અંદર. કોનું કામ છે? સુરેન્દ્ર તો ઘરમાં નથી.’ ઘરની અંદર એક પાટ ઉપર બેસી કાંઈ કામ કરતાં સુરેન્દ્રનાં માતાએ કહ્યું.

‘આપને જ મળવા આવ્યાં છીએ… સુરેન્દ્રનું કામ નથી… અને એ હોત તો વધારે સારું થાત… પણ કાંઈ નહિ.’ કહી જ્યોત્સ્ના તથા શ્રીલતા અંદર આવ્યાં અને પાટ ઉપર સુરેન્દ્રનાં માતા પાસે બેસી ગયાં.

‘બહુ સારું કર્યું, બહેનો ! કહો મને મળવા જેવું શું કામ છે ?’ માતાએ પૂછ્યું.

‘એક તો સુરેન્દ્રનાં માતાજીને અમારે જોવાં હતાં… સુરેન્દ્ર કદી અમને ઘેર બોલાવતો નથી.’ શ્રીલતાએ કહ્યું.

માતાજી હસ્યાં અને બોલ્યાં :

‘સુરેન્દ્રની મા અને સુરેન્દ્રનું ઘર જોવા લાયક ન હોય તે ન જ બતાવે ને ?’

‘અમને તો એ ખરેખર જોવા જેવા લાગ્યાં. આંગણામાં સાથિયો. પગથિયાં સ્વચ્છ, અને બધું જ ચોખ્ખું જોઈને અમે કેટલીય વાર સુરેન્દ્રને કહ્યું કે એ અમને ઘરમાં બોલાવે… પણ એ શેનો માને ?’ શ્રીલતાએ જવાબ આપ્યો.

‘ઘરમાં આવવું તમારાં સરખાંને ન જ ફાવે… નહિ ખુરશી, નહિ કોચ-સૉફા, નહિ કલામય છબીઓ…’

સુરેન્દ્રની માતાના વિવેકમાં એટલું તો બંનેને દેખાયું કે એ માતા નવીન ઢબથી અપરિચિત અજ્ઞાન બાઈ તો ન જ હતાં.

‘જે છે એ કેટલું સરસ ગોઠવાયું છે ? મારા ઘરમાં તો ભારેમાં ભારે વસ્તુઓ પણ આંખને વાગતી લાગે છે. અહીં તો આંખને ભાર જ લાગતો નથી.’ જ્યોત્સ્નાએ કહ્યું.

‘ભણેલી બહેનોને ગમ્યું એ મને ગમ્યું. કહો બહેનો ! ક્યાંથી આવ્યાં? મારું શું કામ પડ્યું ?’ માએ પૂછ્યું.

‘સુરેન્દ્રના પૈસા આપવા હું આવી છું.’ જ્યોત્સ્નાએ કહ્યું.

‘સુરેન્દ્રના? તમે રાવબહાદુરનાં દીકરી તો નહિ ને ?’ માએ પૂછ્યું.

‘હા જી. સુરેન્દ્ર મને જ શીખવવા આવતા હતા. આ મારી બહેનપણી છે, શ્રીલતા.’

‘બહુ સારું. સુરેન્દ્રને શાના પૈસા આપો છો ?’

‘ગયા મહિનાનો પગાર આપવો બાકી છે, તે આપવા હું આવી છું.’ જ્યોત્સ્નાએ કહ્યું.

‘પગાર તો આવી ગયો. બહેન ! અને એણે એનો ઉપયોગ પણ કરી દીધો… તમને કદાચ ખબર નહિ હોય.’ માતાએ કહ્યું.

‘એ તો… એણે આપને કહ્યું નહિ હોય… પગાર આપતાં જરા વાર લાગી એટલે વાપરી નાખ્યાનું બહાનું કાઢ્યું હશે. હજી એને પગાર અપાયો જ નથી. માતાજી ! આ રકમ હું અહીં મૂકી જાઉ છું… તમને હરકત પડી હશે… માફી પણ માગી લઉ.’ જ્યોત્સ્ના બોલી, અને સો રૂપિયાની નોટ કાઢી એણે માની પાસે મૂકી.

‘સુરેન્દ્ર આવશે એટલે હું કહીશ… હમણાં તો હું જોખમ રાખીને શું કરું ?…. પગાર નહિ લીધો હોય તો… ક્યાં જવાનો છે ? આવીને લઈ જશે… હું તો પૈસાને અડકતી જ નથી… મારું વ્રત છે.’ માએ કહ્યું અને રૂપિયા લેવાની વિવેક પુરઃસર પરંતુ સ્પષ્ટ ના પાડી. ભણેલી યૌવનાઓ આ નિર્ધન માતાનું ગૌરવ નિહાળી ચમકી ગઈ. સુરેન્દ્રને સહાય આપવાની વૃત્તિને પાછી ખસેડી નાખતી માતા પાસે વધારે યુક્તિ નહિ ચાલે એમ બંનેને સ્પષ્ટ થયું. થોડી વાતચીત પછી બંને જણીએ સુરેન્દ્રની માતા પાસે વિદાય લીધી અને જતે જતે પૂછ્યું ;

‘સુરેન્દ્ર ક્યાં હશે… અત્યારે ?’

‘ચોક્કસ ક્યાં એ તો કહેવાય નહિ… કોઈની દવા લાવતો હશે કે કોઈને ભાગવત વાંચી સંભળાવતો હશે… રાત્રે મોડો આવે છે.’

સુરેન્દ્ર તો મળી શક્યો નહિ, સુરેન્દ્રની માતા મળી. પગાર આખો વપરાઈ ગયાની હકીકત માતા જાણતાં હતાં. ઉપરની રકમ લેવાની તેમણે ચોખ્ખી ના પાડી… શું, કેટલીક ગરીબી વેચાતી ન હોય એમ બને ખરું ? ગરીબીમાં પણ ગૌરવ હોય ખરું ?

રાજદ્વારી મુત્સદ્દીગીરીનો એક સિદ્ધાંત છે કે દરેક માનવીની કાંઈ અને કાંઈ કિંમત હોય જ - નાની યા મોટી. પરંતુ આ સુરેન્દ્રની કિંમત થાય એમ ન હતું. આ જ્યોત્સ્નાનું સમર્પણ સુધ્ધાં સુરેન્દ્રને માન્ય ન હતું. અને એ જ સુરેન્દ્રની માતા ! ગરીબીમાં પણ કેટલી તેજસ્વિતા ? જ્યોત્સ્નાની સંપત્તિને - અરે જગતની આખી સંપત્તિને માતા ઝાંખી પાડતી હતી !

‘હવે જા મધુકરની મા પાસે… પગે લાગીને પગ પાસે રૂપિયા મૂકી દે, ઝડપથી લઈ લેશે !’ શ્રીલતા બોલી અને હસી પણ ખરી.

‘પરંતુ… મને સુરેન્દ્રનો વિચાર આવે છે… આખો મહિનો એ શું શું કરશે ?’ જ્યોત્સ્નાએ કહ્યું.

‘સુરેન્દ્રને જ પૂછી જો… સીધેસીધું.’

‘પણ એ હશે ક્યાં ?’ ઉચ્ચાર પામ્યા વગરનો પ્રશ્ન જ્યોત્સ્નાના મનમાં જ રહી ગયો.

ખરે, સુરેન્દ્ર ક્યાં હોય અત્યારે ?