સ્નેહસૃષ્ટિ/સાધુ અને વિતંડા
← લગ્ન અને માનવખરીદી | સ્નેહસૃષ્ટિ સાધુ અને વિતંડા રમણલાલ દેસાઈ |
ગાંધીરંગ્યો સામ્યવાદ → |
જ્યોત્સ્નાના મનમાં સુરેન્દ્ર ક્યાં હશે એવો પ્રશ્ન ઊભો થયો ત્યારે નગરને છેડે આવેલા એક ભગ્ન શિવાલયની અર્ધભગ્ન ઓસરીમાં એક સાધુ જેવા દેખાતા માનવી પાસે સુરેન્દ્ર બેઠો હતો. સાધુની આસપાસ પેલો ભજનિક, તેની સ્ત્રી અને તેનાં બાળકો પણ બેઠાં હતાં. જે ભજનિકને સુરેન્દ્રે પોતાનો આખા માસનો પગાર આપી દીધો હતો એ જ ભજનિક કુટુંબ આગ્રહ કરી સુરેન્દ્રને પોતાના રહેઠાણમાં લેઈ આવ્યું હતું. જેને રહેવા માટે કોઈ પણ સ્થાન ન હોય એવા સાધુઓ, માગણ, ભિખારી અને બેકારોને આવાં ભગ્ન મંદિરો કદી આશ્રય આપી શકે ખરાં. તેમની જોડે જુગારીઓ, વ્યભિચારીઓ, ચોર, ડાકુ અને ગુંડાઓ પણ આ સ્થળનો લાભ લઈ શકે છે. આર્યમંદિરોએ ભક્તોને જ નહિ પરંતુ અભક્તોને પણ આશ્રય આપ્યો છે ખરો.
‘તારાં વખાણ આ ભજનિકોએ કર્યાં એટલે તને જોવા અને મળવા મેં બોલાવ્યો છે. તારો સમય તો જરા બગડ્યો, પરંતુ…’ સાધુએ સુરેન્દ્રને પોતાની પાસે બેસાડી કહ્યું.
‘નહિ મહારાજ ! મારો સમય બગડતો જ નથી. આપનાં દર્શન થયાં એ મોટો લાભ.’ સુરેન્દ્ર જવાબ આપ્યો.
‘તું સાધુઓમાં માને છે ખરો ?’ ખડખડ હસીને સાધુએ પૂછ્યું.
‘કેમ નહિ? સાધુત્વ તો આખી માનવજાતને પૂજ્ય હોય.’
‘હું તો અમારા સરખા, દેખાવ કરતા હિંદુ સાધુઓની વાત કરું છું.’
‘આપને જાણ્યા વગર, આપને ઓળખ્યા વગર હું કેમ કહી શકું કે આપ માત્ર દેખાવ કરતા હિંદુ સાધુ છો ? અને દેખાવ તો બધાય સાધુઓ કરે છે… અને અસાધુઓ પણ…’
’કદાચ એમાંથી જ ધર્મછાપ રહિત સમાજ ઊભો થશે.’ સાધુએ કહ્યું
સુરેન્દ્ર ચમક્યો. સાધુની વાણી વિશુદ્ધ હતી. ગામડિયા ભજનિક કે ભાષણખોર હિંદી-ગુજરાતી બોલતા સાધુની એ વાણી ન હતી. વળી વિશુદ્ધ ભાષા ઉચ્ચારી રહેલા સાધુને મુખે ધર્મછાપ રહિત સમાજની વાત સાંભળવી એ ખરેખર નવાઈનો પ્રસંગ કહેવાય.
‘આપ ધર્મછાપ રહિત સમાજમાં માનો છો ખરા ?’
‘ધર્મછાપ પાડવા લાયક ન રહે તો સમાજ એને છોડી જ દે ને ?’ સાધુએ કહ્યું. અને સુરેન્દ્ર સાધુ સામે જોઈ રહ્યો. ખાખીસંન્યાસી-ત્યાગી સરખા વેશમાં રહેલો આ પ્રૌઢ સાધુ સુરેન્દ્ર સરખા નવીનતાભર્યા યુવકની વાણી કેમ ઉચ્ચારી રહ્યો હતો ?
‘આપ સરખા સાધુઓ વધારે પ્રમાણમાં હોય તો કેવું સારું ?’ સુરેન્દ્રે પૂછ્યું.
‘તું પણ એ ક્રમમાં આવતો દેખાય છે.’ સાધુએ કહ્યું.
‘હું ? હું સાધુવેશમાં માનતો નથી.’
‘ન જ માનવું જોઈએ… પરંતુ વેશ બદલાય ખરા… નવા સાધુઓના નવા વેશ… તું પણ મારાં વસ્ત્રથી બહુ દૂર રહ્યો હોય એમ લાગતું નથી.’
‘મારે અને સાધુતાને કાંઈ સંબંધ નથી. હું તો પાર્થિવ માનવી છું… ધર્મ... ઈશ્વર… પ્રાર્થના… સમર્પણ… એ સર્વથી હું દૂર છું, મહારાજ !’
‘તેં આ ભગતને સો રૂપિયા આપી કુટુંબને જિવાડ્યું. એમાં તારી પાર્થિવતા કાંઈ દેખાઈ નહિ. એના કરતાં વધારે મોટું સમર્પણ મેં સાંભળ્યું નથી.’
‘પાસે હતા તે પૈસા આપી દીધા… જેને જરૂર હોય તેને પહેલું આપવું જ જોઈએ ને ?’
‘તારે જરૂર નહિ હોય એમ લાગે છે. ધનિક છો તું ?’
‘ધનિક તો નથી… પણ ધન ભેગું કરવું નથી… ધનિક બનવું પણ નથી.’ સુરેન્દ્રે કહ્યું.
‘કારણ ?’
‘ધન મને બંધનરૂપ લાગ્યું.’
‘જુનવાણી વિચારનો તું દેખાય છે.’
‘એમાં જુનવાણી વિચાર શાના ?’
‘અત્યારનું અર્થશાસ્ત્ર તો ઉત્પાદન વધારવા અને જરૂરિયાતો વધારવા ભલામણ કરે છે. જીવનકક્ષા ઊંચી ચડવી જોઈએ ને ?’ સાધુએ વર્તમાન અર્થવલણને આગળ કર્યું.
‘હું એ કબૂલ કરું છું.’
‘તું તો ભણેલો છે ને ? અંગ્રેજી ઉચ્ચ ભણતર !’
‘હા જી, કૉલેજનું ભણતર કોઈને પણ ભણેલો કહેવરાવે તો !’
‘એમ. એ. થઈ ગયો ?’
‘હા જી; ડૉક્ટરેટ પણ મળી છે.’
‘તો પછી… તું કંઈ નોકરીચાકરી કરતો નથી ?’
‘ના જી.’
‘તારું પોષણ કેમ ચાલે છે ?’
‘પોષણ નથી મળતું એવાઓને હું જોઉં છું ત્યારે મને લાગે છે કે મને ઠીકઠીક પોષણ મળે છે… વળી બેત્રણ વિદ્યાર્થીઓને હું અભ્યાસમાં સહાય કરું છું એટલે માસિક પોષણ મળી રહે છે.’
‘તારે કુટુંબ નથી ?’
‘ના જી, એટલું સુભાગ્ય છે.’
‘એકલો જ છે તું ?’
‘છેક એકલો તો નહીં… પરંતુ મા છે અને હું છું મારા કુટુંબમાં… બે જ જણ… સાચું પોષણ માએ કર્યું.’
‘હં… મા છે તારે ?… બીજું ભારણ નથી એમાં તું બચી ગયો લાગે છે. પરણ્યો પણ નથી ?’
‘ના જી.’
‘પરણીશ તો ખરો ને ?’
‘ના જી; હમણાં નહિ.’
‘શું બધામાં “ના જી” “ના જી” કરે છે, છોકરા !… નચિકેતા, સત્યકામ. શુકદેવના યુગનો તું લાગે છે ! તારાથી આ વર્તમાન યુગમાં આ બધું બની શકશે ?’ હસતે હસતે સાધુએ સુરેન્દ્રને ઠપકો દીધો.
‘એ યુગ મારે માટે આવે તો ઘણું સારું. મહારાજ ! ધનસંપત્તિ જિતાય, સ્ત્રીનો મોહ જિતાય અને મૃત્યુ ઉપર વિજય મળે, બસ ! મારે આ જિંદગીમાં બીજું કાંઈ કરવાપણું પછી રહે જ નહિ !’ સુરેન્દ્ર પણ હસતે હસતે સાધુને જવાબ આપ્યો.
‘મળતું તો છે નહિ ! પછી જીતવાપણું ક્યાં ? જરા વધારે વિચારશીલ થા. અર્થકારણ સમજી લે. જીવનકક્ષામાં ઉચ્ચતા લાવવા મથન કર. આમ બધું ત્યાગવાથી તો તું નિષ્ફળતામાં ઊતરી જઈશ.’ સાધુએ શિખામણ આપી.
‘ધૃષ્ટતાની માફી માગી લઉં… પરંતુ આપ આ બધું જોયા છતાં સાધુ કેમ બન્યા ? આપણી ભાવના સમજ્યો હોઉં તો… સાધુ એટલે ત્યાગની મૂર્તિ… નહિ ?’
‘મારી વાત કરે છે તું ?’
‘મને ઓળખે છે ખરો તું ?’
‘આજે જ એ લાભ મને મળ્યો. દૂરથી જોયા છે ખરા.’
‘તો જાણી લે વધારામાં કે હું નિષ્ફળતાની મૂર્તિ છું. સાધુનાં વસ્ત્રોમાં ઘણી વાર નિષ્ફળતા સમાયેલી હોય છે.’
‘પણ સાધુત્વ તો સફળતા-નિષ્ફળતાથી પર હોય છે ને ?’
‘ફલિત ન થાય એવા કાર્યનો અર્થ શો ? વારુ… તને જોઈને… તને મળીને… મને એક રીતે આનંદ થયો… અને એક રીતે દિલગીરી પણ થઈ… આ ભજનિક કુટુંબને તેં સો રૂપિયા જેટલી રકમ આપી એમ મેં સાંભળ્યું ત્યારથી તને જોવા મારા સરખા સાધુને પણ ઉત્સુકતા ઊપજી… સો રૂપિયા જુગારમાં ફેંકાતા મેં જોયા છે, સંગીતમાં ફેંકાતા જોયા છે, નૃત્યોમાં ફેંકાતા જોયા છે. મંદિરમાં કે ગુરુચરણે ફેંકાતા જોયા છે, વેશ્યાગૃહે ફેંકાતા જોયા છે… પરંતુ ભૂખે મરતા માગણને કોઈએ આમ સો રૂપિયા આપ્યા હોય એમ મેં કદી જોયું નથી… ને આ ભજનિકનો આભાર તેં હજી અનુભવ્યો નથી.’ સાધુ બોલ્યા.
‘પરંતુ આપ મને જોઈને દિલગીર કેમ થયા ?’ સુરેન્દ્રે પૂછ્યું.
‘દિલગીર એટલા માટે કે… તારું પાર્થિવ જીવન વેડફાઈ રહ્યું છે. તું તો પાર્થિવ માનવી છે ને, તારા કહેવા પ્રમાણે ?’
‘હા જી, હું અધ્યાત્મમાં માનતો જ નથી. જડવાદી છું હું…’
‘માટે જ હું કહું છું કે તારું જીવન વેડફાઈ રહ્યું છે.’
‘મને સમજાતું નથી કે મારું જીવન કેમ વેડફાઈ શકે.’
‘તું સારું ભણેલો છે; તને સારી નોકરી મળવી જોઈએ. તું લેતો નહિ હોઉં તો તારું ભણતર વેડફાયું જ માનવું ને ?’
‘એવું કાંઈ નથી. નોકરી કર્યા વગર પણ હું મારા ભણતરનો ઉપયોગ કરી શકું છું… અને હું જે રીતે ઉપયોગ કરી રહ્યો છું તે રીતે નોકરી સ્વીકારતાં હું ભણતરનો ઉપયોગ કરી શકું જ નહિ.’
‘ભણતરનો શો ઉપયોગ તું કરે છે ?’
‘જેમને સાધન નથી… સગવડ નથી… શક્તિ નથી… આંખ નથી, એમની પાસે જઈ હું મારું ભણતર વેરી દઉં છું… જે કોઈ નોકરિયાતથી બને એમ નથી.’
‘ધન મેળવ્યા પછી એ બધું ન બની શકે ?’
‘કોઈ ધનિકે વિદ્યા વેરી એમ સાંભળ્યું છે ?’
‘મોટાં મોટાં ટ્રસ્ટ, ફાઉન્ડેશન્સ, અભ્યાસઆસનો -Chairs, પ્રયોગશાળાઓ, પુસ્તકાલયો, અભ્યાસવર્તુલો… આ બધું ધનિકો ન હોય તો ક્યાંથી થાય ?’
‘આપે નવો જમાનો જોયો-અનુભવ્યો લાગે છે !’ સુરેન્દ્રે પૂછ્યું.
‘હું જીવું છું જ નવા જમાનામાં. પછી એ જોયા વગર કેમ રહું ?’
‘આપે કહી એ બધી જ સંસ્થાઓનાં હાડમાંસમાં પૈસાદારો ભલે હોય. એનો આત્મા તો કોઈ વૈજ્ઞાનિકનો, ફિલસૂફનો, સાહિત્યકારનો જ હોય ને ?’
‘તું આત્મામાં માને છે ખરો… જડવાદી હોઈને ?’
‘શરીર અને શરીરને જીવંત રાખતા તત્ત્વનો - મનનો ફેર સમજાવવા પૂરતો.’
‘તારી સરખામણી કબૂલ કરીએ; ભલે, પરંતુ એ હાડમાંસ વગર આત્મા ઊભો ન થાય ને ? તારે આત્મા બનવું હોય તોપણ ધનના કલેવર વગર કેમ ચાલશે ?’
‘મહારાજ ! ધનનાં કલેવરમાંથી ઊભો થયેલો આત્મા ભૂત, પ્રેત અને જીન સરખો બની ગયેલો છે… આપ જોતા નથી આજની દુનિયાને ? અર્થશાસ્ત્રમાંથી વ્યાજ ઉપજાવ્યું; ફિલસૂફીમાંથી મહાપુરુષ - અતિપુરુષ - ઉપજાવ્યો; રાજકારણમાંથી રાજા અને સરમુખત્યાર સર્જાયા : અને પ્રયોગશાળામાંથી અણુશક્તિની મારણક્રિયા ઉપજાવી… ધનનું કલેવર ન હોત તો આજના સમાજનો આત્મા દૈત્ય નહિ, દેવરૂપે પ્રગટ થયો હોત. સુરેન્દ્ર જરા ભાષણનું સ્વરૂપ પોતાની વાતચીતને આપી રહ્યો હતો. જેની અસર સાધુ ઉપર સ્મિતના સ્વરૂપમાં પ્રગટી નીકળી. સાધુએ હસીને કહ્યું :
‘ભલે, તું પૈસાને આઘો મૂક. પરણતો કેમ નથી ? આ જ વય સાચી છે કે જ્યારે તારે લગ્ન કરવું જોઈએ.’
‘લગ્નમાં… પણ… ધન સરખું જ બંધન હું જોઈ રહ્યો છું… અને મારા સરખા ધનહીનને કોણ પરણે ? કોઈ યુવતીને પરણવા પણ કેમ દેવાય ?’ સુરેન્દ્ર જવાબ આપ્યો.
એનો બીજો જવાબ સાચો ન હતો. સ્ત્રીઓ તરફ તેની દૃષ્ટિ ભલે વધારે જતી ન હોય છતાં એને કોઈ યુવતી ચાહી ન શકે એવો એ અણગમતો પુરુષ તો ન જ હતો.
અને એ જાણતો જ હતો કે જ્યોત્સ્નાએ તો એને જેટલું સ્પષ્ટ અને ખુલ્લું કહી શકાય એટલું પ્રેમનું આમંત્રણ આપ્યું જ હતું. એક ધનિક, સંસ્કારી, વિદ્વાન યુવતી તેને ચાહી રહી હતી એટલું ન સમજે એવું સુષુપ્ત પરુષત્વ પણ તેનું ન હતું ! બોલતે બોલતે તેની આંખ સામે જ્યોત્સ્ના ક્ષણભર આવીને ઊડી પણ ગઈ… કદાચ એ ખોટું બોલી રહ્યો હતો એ કહેવા માટે પણ એની છાયા એની આંખ આગળ આવી ગઈ હોય !… તે ક્ષણે જ્યોત્સ્નાનો સ્થૂલ દેહ તો સુરેન્દ્રની માતા પાસે બેઠો હતો, જેનો ખ્યાલ સુરેન્દ્રને ન જ હોય.
ખ્યાલ એટલો ચોક્કસ હોય કે ન હોય તોય જ્યોત્સ્ના સુરેન્દ્રની આંખ આગળ આવી ગઈ એટલું ભાન તો સુરેન્દ્રને અવશ્ય થયું. અને તે સાધુ આગળ સાચી હકીકત કહેતો ન હતો એમ એને પોતાને પણ લાગ્યું. સાધુએ અંગત વાત પતાવતાં કહ્યું :
‘તું જ્યાં સુધી પરણે નહિ ત્યાં સુધી હું તને અવારનવાર અહીં બોલાવતો રહીશ… અત્યારે તો તારી એક જ સલાહ લેવાની છે. આ તારા સો રૂપિયામાંથી આ ભજનિક કુટુંબને માટે જીવનભરનો વ્યવસાય ચાલે એવું શું કરી શકાય ?’
આજની દુનિયામાં સો રૂપિયાનો તો હિસાબ જ નથી. આજનો શેખચલ્લી પણ જૂના શેખચલ્લી સરખી કલ્પના કરે તો ઘીનો ઘાડવો નહિ પણ ઘીનો ડબ્બો વેચવાની કલ્પના કરે ! દસશેર પાંચશેર ઘીમાં શેખચલ્લીની કલ્પનાસૃષ્ટિ ઊભી ન જ થાય. એટલે માત્ર રૂપિયા આપવાથી નહિ પરંતુ બીજી જ કોઈ વ્યવસ્થા કરવાથી માનવીનું કાયમી આર્થિક દુઃખ ઘટે એમ હતું.
શિવાલયની આસપાસ ખાલી જમીન હતી. વિસ્તૃત જમીન હતી, પડતર જમીન હતી. હજી કોઈના ઉપયોગમાં એ જમીન આવી ન હતી. શિવાલયમાં એક કૂવો પણ હતો. આ નિરાધાર કુટુંબને આ જમીનમાં સો રૂપિયા નાખવા હોય તો ? ખેતી કરી પોષણમાં જેટલો વધારો થઈ શકે એટલો કરવો હોય તો ?
સરકારની પરવાનગી લેવી પડે, માપ કરાવવું પડે, દાણ ભરવું પડે; અને એમાં સમય વિતાવવો પડે !
‘અરે, તમે ખેતી શરૂ જ કરી દો ને, ભગત !’ સુરેન્દ્ર કહ્યું.
‘તું સામ્યવાદી છે ?’ સાધુએ પૂછ્યું.
‘અડધોપડધો… જરા ગાંધીરંગ્યો સામ્યવાદી.’
‘એ નવી વ્યાખ્યા !’ સાધુએ કહ્યું.