સ્નેહસૃષ્ટિ/વેડફાતું વચન

વિકિસ્રોતમાંથી
← સ્ત્રીના શિકાર સ્નેહસૃષ્ટિ
વેડફાતું વચન
રમણલાલ દેસાઈ
ચાર આંખ →





 
વેડફાતું વચન
 


જેમ જેમ મધુકર વિચારતો ગયો તેમ તેમ એને લાગતું જ ગયું કે સુરેન્દ્ર એને આભારમાં ડુબાવવા અને એમ કરીને એના અને જ્યોત્સ્નાના માર્ગમાંથી મધુકરને ખસેડવા માટે જ તેની યોજના કરી હતી. ચમક વગરના યુવકો ઘણી વાર ધનિક અને ગર્વિષ્ઠ યુવતીઓનું વધારે ધ્યાન ખેંચે છે. સુરેન્દ્ર જેવા યુવકમાં રસિકતા કે આકર્ષણ કાંઈ જ ન હતાં, છતાં ઘણી વાર આકર્ષણનો અભાવ સંયમને નામે યુવતીઓ ઉપર જાદુ કરે છે. કેટલાય સમયથી મધુકરને શંકા પડી હતી કે જ્યોત્સ્ના સુરેન્દ્ર તરફ ખેંચાતી જાય છે. જ્યોત્સ્નાના શિક્ષક તરીકે પોતાની ગોઠવણ કરી લેઈ મધુકરને સેક્રેટરીપદનો ટુકડો સુરેન્દ્રે ફેંક્યો એટલે એની શંકા નિશ્ચય બની ગઈ. અને મધુકરે જાણ્યું કે સુરેન્દ્રને એક ભલાભોળા મિત્ર કરતાં કુટિલ હરીફ તરીકે ઓળખવો એ જ વધારે સાચું અને સલામત ગણાય.

સદ્ભાગ્યે એક જ વસ્તુસ્થિતિ તેના લાભમાં કામ કરી રહી હતી : જ્યોત્સ્નાનાં માતાપિતાનો કબજો તેનો હતો ! અને અવરજવરની સુરેન્દ્ર કરતાં પણ વધારે મોટી શક્યતા મધુકરને પ્રાપ્ત થઈ હતી. એ લાભનો ઉપયોગ સુરેન્દ્રનો પગ એ ઘરમાંથી ટાળવા માટે જરૂર થઈ શકે એમ હતું. સુરેન્દ્ર જરા ઘરમાંથી ખસે એટલે જ્યોત્સ્નાને ખેંચવામાં મધુકરને કશીયે વાર લાગે એમ ન હતું.

માત્ર… બે મુશ્કેલીઓ તેને દેખાઈ. લાડમાં ઊછરેલી જ્યોત્સ્ના આગ્રહ કરી સુરેન્દ્રને પકડી રાખે તો એનાં માતાપિતા એની મરજી વિરુદ્ધ કાંઈ પણ કરે નહિ. માતાપિતાનું વાત્સલ્ય એકની એક દીકરી ઉપર અઢળક હતું.

અને બીજી અનિશ્ચિતતા શ્રીલતાની ગણાય. એ છોકરી મજબૂત મનની, દૃઢનિશ્ચયી અને અત્યંત ઊર્મિલ હતી. એને જતી કરવી એ કઠણ પ્રશ્ન બની જાય. છતાં એને જેમ જેમ જતી કરવામાં આવશે તેમ તેમ એ સમજી શકશે અને મધુકર તથા જ્યોત્સ્નાનો સંબંધ વધતાં તે જરૂર મધુકરને વચન-બંધનમાંથી મુક્ત કરી દેશે. અને વચન તો… માણસના હૃદય પ્રમાણે ફરે પણ ખરું ! હૃદયપરિવર્તન એ કાંઈ સદાય પાપ ગણાય નહિ.

રાવબહાદરના ઘરમાંથી સંધ્યાકાળે નીકળતાં નીકળતાં મધુકરે સુરેન્દ્રને ધમકી આપી હતી. જેનો શરૂઆતનો ભાગ જ્યોત્સ્નાએ પણ છુપાઈને સાંભળ્યો હતો. સુરેન્દ્રને ધમકીની જરૂર ન હતી. ચબરાકીમાં ચઢિયાતો મધુકર સુરેન્દ્ર કરતાં શારીરિક શક્તિમાં વધારે બળવાન હોય એમ સુરેન્દ્ર તો માનતો જ ન હતો; પરંતુ મધુકર સુધ્ધાં માનતો ન હતો. કસરત, સંયમ, ગરીબી અને ખડતલપણામાં શ્રદ્ધા રાખતો સુરેન્દ્ર પોતાના દેહને ખૂબ મજબૂત બનાવી શક્યો હતો. અને મધુકર પણ સહુને સરસાઈમાં સારો દેખાવ માટે થોડી કસરત અને વધારે ભાગે સફાઈદાર અંગ્રેજી રમત રમતો હતો ખરો; છતાં તેની મોજશોખની ટેવ અને મોટાઈનો પ્રેમ તેના દેહને સુરેન્દ્ર જેવી સુઘડતા આપી શક્યાં નહિ. ધમકી સાંભળી તેની ફરજ સહજ હસી સુરેન્દ્ર તેને મૂકી બીજે રસ્તે ચાલ્યો ગયો હતો. અને જતાં જતાં કહેતો ગયો હતો :

‘તારી યોજનામાં મારી સંમતિ છે. તારી ધમકી સાચી પડશે એ દિવસે હું બહુ રાજી થઈશ.’

‘સાચું કહે છે ?’ મધુકરે પૂછ્યું.

‘તું જાણે છે, હું બનતાં સુધી જૂઠું બોલતો નથી.’

‘તો તારી સચ્ચાઈની વાત હું કહું જ્યોત્સ્નાને ?’

‘હા, શા માટે નહિ ? જોકે મેં ક્યારનીય એ વાત જ્યોત્સ્નાને જણાવી દીધી છે.’ એટલું કહી સુરેન્દ્ર મધુકરથી છૂટો પડ્યો અને પોતાના ઘર તરફ આગળ વધી રહ્યો. શ્રીલતાને ખસેડી નાખવાની વિચારશ્રેણી આગળ લંબાય તે પહેલાં જ તેને જાણે ભાસ થયો કે રાત્રિના દીપકપ્રકાશમાં શ્રીલતા જ સામેથી આવતી હતી. મધુકર સહજ ચમક્યો, અને ઝડપથી તેણે પાસેની ગલીમાં થઈને બીજો માર્ગ ગ્રહણ કર્યો. એ માર્ગ સહજ લાંબો હતો. અને તેને એ પણ ભાસ થયો કે શ્રીલતાએ તેને જોયો હતો અને કદાચ તેને ‘હલ્લો, મધુકર !’ જેવી કંઈક બૂમ પણ પાડી હતી, પરંતુ એણે જાણે કાંઈ જોયું ન હોય અને સાંભળ્યું ન હોય એવો દેખાવ કરી આડે રસ્તે ગુમ થઈ જવામાં સલામતી શોધી. અને શ્રીલતાથી બચીને સહેજ લાંબે રસ્તે પોતાને ઘેર પહોંચ્યો.

ઘેર પહોંચ્યો ત્યારે તેનાં માતાપિતા ઘેર જ બેઠાં હતાં. મધુકરની ઉડાઉ રીતભાત પિતાને પસંદ ન હતી એટલે પિતા તો તેની સાથે બહુ વાતચીત પણ કરતા નહિ. જોકે તેને સારી નોકરી મળવાથી તેઓ રાજી થયા હતા, છતાં તેમણે પોતાનો આનંદ ખાસ વ્યક્ત કર્યો ન હતો. પુત્રે કહેલી નોકરીની હકીકતો તેમણે એકબે વાક્યમાં જ સત્કાર કર્યો :

‘સારું થયું તું નોકરીએ લાગ્યો છે. મહિને દિવસે પગારમાંથી તું શું બચાવે છે એ હું જાણીશ ત્યારે તને મુબારકબાદી આપીશ.’

એટલે એ પિતાની સાથે એને બહુ વાત કરવાની તો હતી જ નહિ. પરંતુ માતા તેનાથી બહુ રાજી રહેતી એટલે આવતાં બરોબર તેણે કહ્યું :

‘જો. મા ! આટલું મોડું થાય છે. રાવબહાદુર અને તેમનાં પત્ની મને જલદી છોડતાં જ નથી.’

‘સારું થયું, સારા માણસોનો સંગ ફળદાયક હોય છે. ભલે મોડું થાય; પણ એમને નારાજ ન કરતો.’

‘મારે લીધે તને જમવામાં વાર થાય છે, નહિ ? મને તો યશોદાબહેને એમને ઘેર જ જમી લેવાનું કહ્યું.’ મધુકરે પોતાનું મહત્ત્વ વધાર્યું.

‘તો હવે જા, ઉતાવળ કર. કોઈ બહેન તારી રાહ જુએ છે, તારા ખંડમાં… ક્યાંથી આવાં લફરા લઈ આવે છે તું ? માએ છેલ્લું વાક્ય બહુ ધીરે રહીને અને સહજ હસીને કહ્યું.

‘કોણ આવ્યું છે, મા ?’ મધુકરે પૂછ્યું.

‘નામ કહ્યું નહિ, પણ તને મળવા માટે બેસવાની હઠ લીધી. બાકી મેં તો કાલ સવારે આવવાનું કહ્યું હતું.’

મધુકર પોતાના ખંડમાં ગયો અને સફાઈદાર વસ્ત્રોમાં સજ્જ થઈને બેઠેલી શ્રીલતાને જોઈ તે સહજ આશ્ચર્ય પામ્યો. આશ્ચર્યમાં જ તેણે પૂછ્યું :

‘શ્રીલતા ! તું ક્યાંથી ? બહુ દિવસે ? અને આમ અચાનક ?’

‘તું મળે નહિ એટલે દિવસો બહુ જ થાય. અને રસ્તામાં મારી સાથે તને બોલવું ગમે નહિ એટલે મને એમ લાગ્યું કે હું તારે ઘેર આવીને જ તને મળું.’ શ્રીલતાએ કહ્યું.

‘શી વાત કરે છે તું, શ્રીલતા ? તું રસ્તામાં મળે અને હું તારી સાથે ન બોલું ?’ સામે આરામથી બેસવાનો ડોળ કરી મધુકર બોલ્યો.

‘હા. રસ્તામાં મેં તને જોયો; તેં મને જોઈ; મેં તને બૂમ પણ પાડી. પરંતુ તું જુદે જ રસ્તે સંતાઈ ગયો. ખરું કે નહિ ?’ શ્રીલતાએ મધુકરની સામે જોઈને કહ્યું.

‘હું તને જોઉ અને તને મળ્યા વગર જાઉ એ કદી બને ખરું ?’

‘હા, આજે બન્યું. અને હમણાં એવું, એવું બનતું જાય છે કે તને મળવું એ મને ઠીક લાગ્યું.’

‘એવું શું બનતું જાય છે ? ભણેલી છોકરીઓ પણ વહેમી બને તો દુનિયામાં રહેવાશે કેમ ? જો, હું તો આ બધી વસ્તુઓ લેવા સારું ગયો હતો અને તું જાણે છે કે જે રસ્તે હું આજે ગયો તે જ રસ્તે આ બધી વસ્તુઓ સારી મળે છે.’ કહી તેણે બેસતી વખતે મૂકેલાં કેટલાંક પડીકાં તરફ આંગળી દેખાડી.

‘એ તું જાણે. મને તો જે લાગ્યું કે હું કહું છું. અને મને અગર કોઈને પણ તારી રીતભાત એવી જ લાગે એમાં નવાઈ નથી.’

‘શાની નવાઈ નથી ?’

‘એક અગર બીજે બહાને તું જ્યોત્સ્નાને શોધતો જાય છે, એ જોયા પછી તારા વર્તનની નવાઈ ન જ લાગે.’

‘શ્રીલતા ! શાને વહેમાય છે ?’ મધુકરે જાણે પોતાને ઘણી લાગણી થઈ હોય એવી ઢબે કહ્યું.

‘હું તો કાંઈ વહેમાતી નથી. પણ હવે આજથી તને ચેતવણી આપતી જાઉ છું કે જ્યોત્સ્ના કદી તને પરણે નહિ - તું માથું કૂટીને મરી જાય તોપણ એટલું - ધ્યાનમાં રાખજે.’

‘ચાલ, આપણે હવે વાત બદલી નાખીએ. મારાં માબાપ જૂના વિચારનાં છે.’

‘તે હું તારા જૂના વિચારનાં માબાપને બધું કહેતી જાઉં ?’

‘શું ?’

‘કે તેં મને લગ્ન કરવાનું વચન આપ્યું હતું ?’

‘શ્રીલતા, માફ કર ! આવી વાત હમણાં મારાં માબાપને કરીશ જ નહિ. મારું ઘર તું જુએ છે. હું તને મારા ઘરમાં - તારે લાયક ઘરમાં રાખી શકું નહિ ત્યાં સુધી લગ્નનો વિચાર મને શરમ ઉપજાવે છે… કદાચ એને લીધે જ હું તને નહિ મળતો હોઉં એમ કેમ ધારતી નથી ?’

‘વારુ, મધુકર ! હું તને તક આપતી જાઉં છું… પરંતુ વચનભંગ ન થાય તે જોજે… નહિ તો મારે કળ બળ કરીને વચન પળાવવું પડશે. વચનો તોડવા માટે ન જ હોય.’ કહી શ્રીલતા ઊભી થઈ.

‘અરે, અરે !… એમ શું ? ડિયર શ્રીલતા !… જવું છે, એમ ?… હું મૂકી જાઉં ?’ કહી શ્રીલતાને વાંસે હાથ મૂકી ખંડના બારણા તરફ મધુકરે તેને સાથ આપ્યો. પ્રેમ હોય તોય અને પ્રેમ ન હોય તો સ્ત્રીપુરુષના પરસ્પર સ્પર્શ આજની દુનિયામાં સોંઘા બનતા જાય છે.

એકાએક મધુકરે પોતાનો હાથ શ્રીલતાને ખભેથી લઈ લીધો. બારણામાં જ મધુકરનાં માતુશ્રી પુત્રને બોલાવવા અને યુવતી સાથેની એકાંત વાતનો અંત લાવવા માટે આવતાં હતાં. હજી ઘરનાં વડીલો દેખતાં પ્રેમઅભિનય કરવાની કક્ષાએ મધુકર પહોંચ્યો ન હતો. અને શ્રીલતા હજી તો પરાઈ છોકરી હતી.

પરંતુ માતાની ચકોર આંખે એ દૃશ્ય અદીઠ તો ન જ રહ્યું. શ્રીલતા અને મધુકર ઘરની બહાર આવ્યા અને રાત્રિ હોવાથી મધુકરે ફક્ત પૂછ્યું :

‘શ્રીલતા ! હું મૂકી જાઉ તને ?’

‘ના; હું એકલી જઈશ.’ કહી શ્રીલતા મધુકર સામે જોયા વગર ચાલી ગઈ.

મધુકર ઘરમાં આવ્યો એટલે માતાએ પૂછ્યું :

‘કોણ હતી એ છોકરી ?’

‘છે એક છોકરી. ભણી રહેવા આવી છે. ભણવામાં મારી મદદ માગે છે… ઠીકઠીક પૈસો છે… રાવબહાદુરને ત્યાં દાખલ થયો ન હોત તો મારે એને શીખવવા જવું પડત.’

‘પરણેલી છે એ છોકરી ?’

‘ના, મા !’

‘તે આમ એકલી એકલી રાત્રે રખડ્યા કરે છે ?’

‘હજી તો નવ જ વાગ્યા છે, મા ! અહીંથી હજી એ સિનેમા જોવા પણ જાય…અત્યારની ભણેલી છોકરીઓ ભારે હિંમતવાળી ! કોઈથી પણ ડરે નહિ.’

‘એ તો મને લાગ્યું જ. તેં ખભે હાથ મૂક્યો તોય એને કાંઈ લાગ્યું નહિ… ચિબાવલી કહીંની !’ માતાએ પોતાની દૃષ્ટિ અને અણગમાની સચોટતા દર્શાવ્યાં.

‘બા ! દુનિયા એટલી ઝડપથી આગળ વધે છે કે…’

‘એ જે થતું હોય છે. આપણે એ ઝડપે જવાની જરૂર નથી.’ ઓછું ભણેલી માતાએ આચારવિચારની ઝડપી પ્રગતિ વિશે પોતાનો અભિપ્રાય દર્શાવ્યો. ભણેલી સુધરેલી કહેવાતી માતાઓ પણ પોતાના પુત્રનો નીતિમાર્ગ કડક આંખે જુએ છે. મધુકરની માતા સુધરેલાં કહેવાય એટલું ભણ્યાં ન હતાં.

‘અને જો ! પસંદગીની વહુ લાવે તોય આપણા ઘરમાં સમાય એવી લાવજે” વધારામાં માતાએ કહ્યું.

‘હજી કમાવા તો દે… પછી આ બધી વાત છે ને ?’ મધુકરે માને મુદત આપી.

‘ભલું પૂછવું અત્યારનાં છોકરા છોકરીનું !… અને આ તો, બાપ ! શી જબરી છોકરી હતી !… કહ્યું કે મધુકર નથી. તોય એ તો બેઠી જ… આટલી રાત્રે… કહે કે મળીને જ જવું છે !… શી સાડી ઉરાડતી ચાલે છે ! એની સાડીનો સઢ આપણા ઘરમાં ન માય દીકરા !’ માતાએ બહુ જ સ્પષ્ટતા કરી… પુત્રે આપેલી અસ્પષ્ટ ખાતરીને ગણકાર્યા વગર.

પરંતુ પુત્રે માતાને બાંયધરી આપી :

‘મા ! હું તને ખાતરી આપું છું. પરણીશ તોય આ છોકરીને તો નહિ જ. પછી કાંઈ ?’

પુત્રના લગ્નની વાત માતાઓને તો બહુ જ ગમે છે. મના કરીને પણ પુત્રના લગ્નની કલ્પનામાં માતા રાચે છે. પોતાના ઘરમાં કેવી કન્યા શોભે, કન્યાને પોતે કેવી કેળવણી આપી ઘરરખુ બનાવશે. ધર્મકાર્ય અને સ્વચ્છતાના પાઠો સાસુ તરીકે કેવી ઢબે પઢાવશે, અને બાળઉછેર માટે અણઆવડતવાળી વહુને સાસુ કેમ માર્ગદર્શન કરશે, એ સંબંધી રસભરી વિગતો પુત્રને જમાડતાં માતાએ કરી. લગ્ન સાથે લગ્નના અનિવાર્ય પરિણામ સરખા સંતાનને પણ યાદ કરી રહેલી માતાની વાતચીત નીતિપ્રેરક ગણી શકાય કે કેમ એ વિચાર કરતા મધુકરે ક્યારનોયે અંતિમ નિશ્ચય નીતિના સ્વરૂપ વિશે કરી જ લીધેલો હતો. નીતિ એટલે ? સફળતા અપાવે એ માર્ગ તે નીતિ ! તત્કાલીન સંજોગોનો ઝડપી અને લાભકારક ઉકેલ આપે એનું નામ નીતિ !

અને કોઈ નિર્બળ ક્ષણે શ્રીલતાની ચમકથી મોહ પામી તેને પ્રેમનું, લગ્નનું અને સહચારનું વચન આપી ચૂકેલો મધુકર તે ક્ષણની ધૂનમાં વચનને દૃઢ કરવા એક સુંદર વીંટી પણ પહેરાવી ચૂક્યો હતો !

હવે એ કાર્યમાં ભૂલ લાગી ! અને શ્રીલતા મધુકરને ભૂલનો ભોગ બનાવે એવી ચીવટવાળી પણ હતી !

સૂતે સૂતે એણે અનેક યોજનાઓ ઘડી. એકે યોજના માફક આવી નહિ. શ્રીલતા એ યોજનાઓમાં ક્યાં તડ પાડી દે એ કહેવાય એમ ન હતું.

અંતે એણે નિશ્ચય કર્યો-

સુરેન્દ્રને દૂર કરવો, જ્યોત્સ્નાથી !

રાવબહાદુરના દિલનો ઝડપી કબજો લેવો !

અને સુરેન્દ્રથી દૂર થયેલી જ્યોત્સ્નાને હાથ કરવી !

મધુકર સરખા સર્વગુણસંપન્ન યુવકને એ બહુ મુશ્કેલ ન કહેવાય.

પછી તો… સહજ… શ્રીલતા આપોઆપ ખરી પડશે… મધુકરના જીવનમાંથી.