સ્નેહસૃષ્ટિ/સ્ત્રીના શિકાર

વિકિસ્રોતમાંથી
← પ્રવેશનું પહેલું પગથિયું સ્નેહસૃષ્ટિ
સ્ત્રીના શિકાર
રમણલાલ દેસાઈ
વેડફાતું વચન →



 
સ્ત્રીના શિકાર
 


ઘેર જઈ તેણે માતાને શુભ સમાચાર આપ્યા કે તેની નિમણૂક સારી જગાએ, સારા પગારે થઈ ચૂકી છે, અને બે વર્ષમાં તે પોતાનાં માતાપિતાને મોટરકારમાં ફરવાની સગવડ જરૂર કરી આપશે. ભારતીય યૌવનની બે મોહિની : એક નટી અને બીજી મોટરકાર, રાહ જોઈ રહેલી ચિંતાતુર માતાને સ્વાભાવિક રીતે જ હર્ષ થયો. પિતા તો પોતાને કામે ચાલ્યા ગયા હતા. માતાએ સારા સમાચારના બદલા તરીકે પુત્રને મિષ્ટાન્ન ખવરાવ્યું અને પુત્રે જમીને આરામ લેતે લેતે અનેક સૃષ્ટિઓ રચી, તોડી અને ફરી રચી.

એને એક વસ્તુ ખૂંચી… બહુ જ ખૂંચી. સુરેન્દ્રની ભલામણે તેની નિમણૂક થઈ હતી એ ભાવ તેના હૃદયને બહુ વાગ્યો. એને કોઈનો ઉપકાર, ઉઠાવવામાં વાંધો નહોતો; નિમણૂક કરાવીને સુરેન્દ્ર પોતાની નાલાયકી સમજી એ બંગલામાંથી દૂર ગયો હોત તો અત્યારે તેને ઘેર જઈ મધુકર તેનો આભાર માનત. પરંતુ મધુકરને સેક્રેટરીમાં ઠેસવી દઈને એ પોતે જ્યોત્સ્નાનો અંગત શિક્ષક બની ગયો હતો ! એકની એક ધનિક પુત્રીનું સાંનિધ્ય સ્વાભાવિક રીતે જ સુરેન્દ્રને વધુ લાભ અપાવે ! અંગત શિક્ષક પોતાના સેક્રેટરી-મંત્રી કરતાં વધારે જ લાભ પામે !

આમ મિત્ર ઉપર ઉપકાર કર્યાનો દેખાવ કરી સુરેન્દ્ર મધુકર કરતાં વધારે જગાએ ઠસી ગયો… અને નિકટતાનાં પરિણામો સહજ કલ્પી શકાય એવાં હતાં ! મધુકરને જ્યોત્સ્નાથી અલગ રાખ્યાનો લાભ મેળવી સુરેન્દ્રનાં સેક્રેટરી તરીકે વખાણ કરવામાં પરોપકારની છાપ પણ ઉપજાવી ! સુરેન્દ્ર પણ સુંદર લખાણો લખી શકતો હતો; મહેનતુ હતો. શા માટે એણે એ જગા ન સ્વીકારી ? એકાએક તેના મનમાં એક વિચાર શૂળની માફક ભોંકાયો :

‘મને બાળવા કે બનાવવા આ સુરેન્દ્રની તરકીબ હોય તો ?’

મધુકરને સુખમય નોકરી મળવાના કારણે ઠીક નિદ્રા આવવી જોઈતી હતી… તે આવવાની શરૂઆત થતી હતી.

એવામાં આ વિચાર તેના હૃદયમાં ભોંકાયો અને તેની નિદ્રા ઊડી ગઈ. આગળ આવવાની તમન્ના, ધનલોભ અને સ્ત્રીલાલસા સામાન્ય ક્રમમાં પણ જાદુ નિહાળવા પ્રેરાય છે. અને જ્યાં કાંઈ પણ ઉદ્દેશ ન હોય ત્યાં આંટીઘૂંટીનું કારખાનું ઊભું કરે છે. મધુકર જેને આજ દિન સુધી કશા હિસાબમાં લખતો નહિ, એ સુરેન્દ્ર આજ તેને નોકરી અપાવતો હતો. અને જેની મૈત્રીમાંથી વધતા જતા સંબંધમાં તે પરદેશની મુસાફરી અને લાભકારક પ્રેમની સંભાવના નિહાળી રહ્યો હતો એ જ્યોત્સ્નાનું સાંન્નિધ્ય પણ સુરેન્દ્ર મેળવી ચૂક્યો હતો !… મધુકર નહિ !

એકમાર્ગી દેખાતો સુરેન્દ્ર, નિરુપદ્રવી દેખાતો સુરેન્દ્ર ધાર્યા કરતાં વધારે ઊંડો અને કૂટ નીકળ્યો ! પરંતુ મધુકરની ઊંડાઈ છેક ઓછી તો હતી જ નહિ. યુવાન મિત્રોને, સાથે કે પાછળ ભણતી યુવતીઓને શિક્ષકો તથા પ્રોફેસરોને ભોળવવાની જ્યારે જ્યારે એને જરૂર પડી હતી ત્યારે ત્યારે એણે સફળતાપૂર્વક પોતાની છટા અને બાહોશીનો ઉપયોગ કર્યો હતો. શ્રીલતા નામની ચબરાક યુવતીના પિતા છેલ્લી ઘડીએ શ્રીલતાની સાથે તેને યુરોપ મોકલવાની તૈયારીમાં નિષ્ફળ નીવડ્યા ન હોત તો એ ક્યારનો યુરોપમાં ફરી વળ્યો હોત… અને શ્રીલતાને અંતે છોડી દીધી હોત… કે જે થાત તે ખરું ! જ્યોત્સ્નાના પિતા શ્રીલતાના પિતા કરતાં ઘણા વધારે સમૃદ્ધ હતા, અને મધુકરના મિત્રવર્તુળમાં જ્યોત્સ્ના આવી ચૂકી હતી એટલે શ્રીલતાને ખસતી કરવાનું વલણ પણ મધુકરે ક્યારનુંયે ધારણ કર્યું હતું !

વીર પુરુષે જે સાધન મળે એ સાધન દ્વારા યુદ્ધ ખેલવાનું રહ્યું. જ્યોત્સ્ના નહિ તો જ્યોત્સ્નાનાં માતાપિતાનું સાંનિધ્ય તેને મળ્યું હતું. એ પણ એક અસરકારક સાધન કહેવાય. એનો ઉપયોગ કરીને એ સુરેન્દ્રને માત કેમ ન કરી શકે ? રાવબહાદુર ઉપર છાપ તો એણે ઘણી સરસ પાડી હતી… અને જોકે જ્યોત્સ્નાએ આજ તેને મળવાની ના પાડી હતી એ સાચું… છતાં એના અત્યારના સંજોગમાં એની મના કેટલી લાંબી ચાલી શકે એ પ્રશ્ન જ હતો. આજે સવારે ભલે એણે ના કહી; આજ સાંજે પિતાના સેક્રેટરીને મળ્યા વગર તેને ન જ ચાલે એવો સંજોગ ઊભો કરતાં એને નહિ આવડે એમ તો હતું જ નહિ. મધુકર પથારીમાં બેઠો થઈ ગયો. તેનાથી મનમાં બોલાઈ ગયું :

‘ઠીક… હવે હું છું અને સુરેન્દ્ર છે !’ એવામાં જ ધીમે ધીમે ખખડાટ થાય નહિ, એ ઢબે તેની માતાએ તેના સૂવાના ખંડનું બારણું ખોલ્યું અને પુત્રને પથારીમાં બેઠેલો જોયો.

‘તું જાગે છે શું, મધુકર ?’ માએ પૂછ્યું.

‘હા મા ! ક્યારનો.’ મધુકરે જવાબ આપ્યો.

‘તું આરામ લેવા ગયો ત્યારના એક ભાઈ આવીને બેઠા છે.’

‘કોણ છે ? સુરેન્દ્ર તો નહિ ને ?’

‘ના, ના. સુરેન્દ્રને તો હું ક્યાં નથી ઓળખતી ?’

‘તો એમને પાંચેક મિનિટમાં અહીં જ મોકલી દે ને ?… કોણ છે એ સમજાયું નહિ.'

‘વારુ’, કહી માતા ખંડ બહાર નીકળી ગઈ. મધુકરે ઘરમાં પણ ગૌરવ વધે એવો ઝડપી પોશાક પહેરી લીધો અને એક મોટું પુસ્તક હાથમાં લેઈ આગંતુકની રાહ જોતો બેઠો. આખા ઘરમાં મધુકરનો જ ખંડ સુશોભિત હતો. છાપ પાડવાના અનેક માર્ગોનાં મોટાં પુસ્તકો હાથમાં રાખી ભવ્ય અભ્યાસ કરવાનો ડોળ પણ એક માર્ગ બની રહે છે. વિદ્યા પણ ઘણાની લાજ રાખી માનવીના દંભને પોષે છે ખરી.

આગંતુક પધાર્યા. તેમણે ઘરની અને આ દંભની સફાઈનો તફાવત એકદમ સમજી લીધો અને કહ્યું :

‘જય જય ! મધુકરભાઈ.’

હજી હમણાં જ વિદ્યાર્થી અવસ્થામાં આળોટી ચૂકેલા મધુકરને મધુકરભાઈ તરીકેનું કદી સંબોધન થયું ન હતું. એને એ સંબોધનથી આશ્ચર્ય પણ થયું અને સાથે સાથે પોતાની મહત્તાનો પણ એને ખ્યાલ આવ્યો.

‘હા, આવો. જય જય ! બેસો.’ મધુકર વગર ઊઠ્યે જ આગંતુકને પોતાની સામેની ખુરશી ઉપર બેસવા કહ્યું. આવનારનો દેખાવ ઊભા થઈને આવકાર આપવા સરખો તેને લાગ્યો નહિ.

આગંતુકે બેસી ખંડ ઉપર દૃષ્ટિ ફેરવી કહ્યું : ‘સરસ ગોઠવણ છે, ભાઈ ! અભ્યાસનો બહુ શોખ લાગે છે '

'ઠીક, સાધારણ. આજના યુગમાં અભ્યાસ વગર કેમ ચાલે ?

'બહુ સાચું કહ્યું. મધુકરભાઈ ! મારે અને આપને ઠીક ફાવશે. હું પણ એક અદનો અભ્યાસી છું.'

‘કહો, કેમ આવવું થયું ? હું શું કરી શકું આપને માટે ?’ મધુકરે અંગ્રેજી વાક્યરચનાને ગુજરાતીમાં ઉતારી.

‘એક જ વાત આપ મારે માટે કરી શકો એમ છો. મારું હસ્તલિખિત પુસ્તક રાવબહાદુરને ત્યાં મૂક્યું છે. એનું અર્પણ મારે રાવબહાદુરને કરવું છે. અર્પણને લાયક એ પુસ્તક છે એમ આપ મત આપો એટલી જ વિનંતી ! આવેલા ગૃહસ્થે કહ્યું.

‘આપ લેખક છો ?’

‘હા જી.’

‘શું નામ આપનું ?’

‘મારું નામ તો… આમ… તદ્દન સાદું છે… ભલાભાઈ મારું નામ…’

‘એને “ભુલાભાઈ”માં ફેરવી નાખો. તુરત આગળ આવી જશો.’

‘આમ તો હું આગળ આવેલો જ છું… “પદ્મરાગ” તખલ્લુસથી હું જાણીતો છું. એ નામે ઘણા લેખો લખું છું… અને એ નામે અસ્વીકાર પામતો લેખક હું “યોગિની” કે “કિશોરી” એવાં નામે પણ કદી કદી પસાર કરાવી લઉ છું.’

‘એમ ?… વારુ, આપનું પુસ્તક હું જોઈ જઈશ…’

‘અને રાવબહાદુર મને અર્પણના બદલામાં જે રકમ આપશે તેટલામાં હું આપને ભાગ આપીશ.’ ધીમે રહીને ભલાભાઈ ઉર્ફે “પદ્મપરાગે” ચારેપાસ નજર નાખી મધુકરને કહ્યું. અને મધુકરના ઉપર એ બોલની શી અસર થાય છે એ જોવા મધુકરના મુખ ઉપર તેમણે તીક્ષ્ણ નજર ફેરવી.

મધુકર જરા ચમક્યો ખરો, પરંતુ આવી માનસિક ચમક મુખ ઉપર જરાય ન દેખાય એવી એણે કેળવણી લીધેલી હતી. મોટા માણસના સેક્રેટરી બનવામાં આવા અણધાર્યા લાભ, અને તે પણ આર્થિક લાભ, આમ આપોઆપ આવી પડતા હશે એનો ચમકાવનારો પ્રથમ ખ્યાલ મધુકરને થયો. લાગણી દબાવી તેણે કહ્યું :

‘જુઓ, ભલાભાઈ ! ધનિક લેખકોને ઉત્તેજન આપે એમાં હું માનું છું… પરંતુ આપનું પુસ્તક મેં હજી જોયું નથી…’

‘જરા નિરાંતે જોશો તો આપને ખાતરી થશે કે એ પુસ્તક ખાસ ઉત્તેજનને યોગ્ય છે… અને કાંઈ ન સમજાય અને મારી જરૂર પડે તો મને બોલાવી સાથે રાખી વાંચવાની તકલીફ આપ લેશો એમ કહેવા માટે હું આવ્યો છું.’

‘જરૂર નથી, ભલાભાઈ ! આપનું કામ એ સેક્રેટરી તરીકેનું મારું પહેલું જ કામ માની હું ઝડપથી કરીશ… બીજું કાંઈ ?’

‘આપનો આભાર હું નહિ ભૂલું… કાલે આ વખતે આપને હું મળી જાઉ ?’

‘ભલે.’ મધુકરે કહ્યું અને નમસ્કાર કરી ભલાભાઈ મધુકરથી છૂટા પડ્યા.

મધુકરે સિસોટીમાં સરસ ઢાળવાળું ગીત ગાતે ગાતે ઘડિયાળમાં નજર નાખી કપડાં પહેરવા માંડ્યાં. માને ચા બનાવવાનો હુકમ કર્યો અને જોકે પાંચ વાગવાને વાર હતી છતાં રાવબહાદુરને બંગલે વહેલા પહોંચી જવાનો વિચાર કર્યો. શા માટે નહિ ? લેખકે ભલાભાઈનું પુસ્તક રાવબહાદુરના લેખનખંડમાં જ મૂક્યું હતું. ત્યાં જઈ પુસ્તક વહેલું વાંચી રાવબહાદુર ઉપર વધારે છાપ પાડવાની સગવડ એમાંથી ઊભી થાય એમ હતું.

અને જ્યોત્સ્નાએ સવારે મળવાની તેને કેમ ના પાડી હતી એની સ્પષ્ટતા પણ મેળવી લેવાય !

ચા પીતે પીતે માતાને રાજી કરી મધુકર રાવબહાદુરને બંગલે જવા નીકળ્યો. નિયમિતપણું સહુ માલિકોને ગમે. નિયમિતપણાને સ્પષ્ટ કરતા બે માર્ગ : એક વહેલાં જઈને અને બીજો મોડાં પાડીને. વહેલાં થઈને નિયમિતપણું તોડનાર નોકર હોય તો તે પોતાની તરફેણમાં વાતાવરણ ઊભું કરે છે.

મધુકર પાંચને બદલે ચાર વાગ્યે રાવબહાદુરને બંગલે પહોંચી ગયો. એક ભણેલોગણેલો મોટો નોકર - સાહેબની પાયરીનો - ઘરમાં આવ્યો હતો. એની આખા ઘરમાં ખબર પડી ગઈ હતી. મુલાકાતના ખંડને ઉઘાડી લેખનખંડમાં નાના નોકરોએ મધુકરનો પ્રવેશ કરાવ્યો. ધનવાનો બપોરે જરા આરામ કરે છે. આરામ પછી ચા પીએ છે અને પાંચેક વાગ્યે સાંજનો તેમનો દિવસ ઊગે છે. મધુકરે બેસીને ભલાભાઈ લેખકના પુસ્તકને ઊથલાવ્યું. બેચાર અંગત નહિ એવા કાગળો જોઈ તેના જવાબો પણ તૈયાર કરી નાખ્યા અને પાંચને ટકોરે રાવબહાદુર તથા તેમનાં પત્ની ખંડમાં આવ્યાં ત્યારે મધુકર સમજપૂર્વક તલ્લીન બનીને ભલાભાઈ ઉર્ફે પદ્મરાગ લેખકનાં પુસ્તકના છેલ્લા પાન ઉપર નજર નાખી રહ્યો હતો.

‘ઓહો ! તમે આવી પહોંચ્યા છો ?’ રાવબહાદુરે વખાણની લઢણથી પૂછ્યું.

‘જી.’

‘ક્યારના આવ્યા છો ?’

‘કલાક થયો.’

‘એમ ? અત્યારના જુવાનોમાં નિયમિતપણું બહુ દેખાતું નથી. તમે અપવાદ લાગો છો.’

રાવબહાદુર ઉપર ફરી ચોટ વાગી અને મધુકરે ધારેલી અસર ઉપજાવી. પછી તો રાવબહાદુરની જીવનરેખા મોકલવાની તજવીજ થઈ. કાગળોના જવાબો પણ ઝડપથી પસંદ કરાવાયા અને પદ્મપરાગના પુસ્તકની પણ ભલામણ થઈ - જે ભલામણને અંગે પાંચસોને બદલે હજાર રૂપિયા છપામણી અર્થે લેખકને આપવા રાવબહાદુર રાજી થયા.

અને સંધ્યાકાળ થયો. રાવબહાદુરે તેને જવાની રજા આપી. જતાં જતાં ઘરની અંદર જઈ જ્યોત્સ્નાને મળવાની ઇચ્છા સહ મધુકરે ખંડનું દ્વાર ખોલ્યું અને બહાર નીકળવાને રસ્તે જ એણે પોતાની સામે જ્યોત્સ્ના અને સુરેન્દ્રને સાથે સાથે આવતાં દીઠાં મધુકરની આંખ ફરી ગઈ. છતાં હસતું મુખ રાખી તેણે જ્યોત્સ્નાને નમસ્કાર કર્યા.

‘હલો ! તું છે કે ?… ઠીક છે ત્યારે ! સુરેન્દ્ર અને તું બન્ને અળી ગયાં.’ મધુકરે સુરેન્દ્ર નામ ઉપર ભાર મૂકી કહ્યું.

‘બાય બાય ! બંને સાથે જઈ શકો છો.’ કહી ઝડપથી જ્યોત્સ્ના પાછી ફરી અદૃશ્ય થઈ ગઈ.

સુરેન્દ્રે સાહજિક રીતે કહ્યું : ‘મધુકર ! તને રાવબહાદુર પાસે ઠીક ફાવશે.’

‘અને તને જ્યોત્સ્ના પાસે ! નહિ ?’ કહી કટાક્ષભર્યું સ્મિત મધુકરે કર્યું.

સુરેન્દ્ર જરા ચમક્યો. તેની આંખ સહજ સ્થિર બની અને તેણે કહ્યું :

‘મધુકર ! આપણે પારકા ઘરમાં છીએ. બાગબગીચાની અગર રસ્તાની સાર્વજનિક જીભ અહીં ન વપરાય.’

‘એમ કે ? તારી શિખામણ માટે જરૂર પડ્યે હું ઉપકાર માનીશ પણ તું જરાય મનમાં માનતો નહિ કે હું તારી મહેરબાની ઉપર જીવું છું.’

‘મધુકર ! મિત્રો વચ્ચે મહેરબાની કેવી ?’

‘તને મેં ક્યારે કહ્યું હતું કે તારે અહીં મારી ભલામણ કરવી ?’

‘તેં વારંવાર નોકરીની ઈચ્છા મારી આગળ બતાવી છે.’

‘હું તો અહીંની નોકરીની વાત કરું છું… આ બંગલામાં તારી મહેરબાની મારે ન જોઈએ.’

‘એમાં તને મારી મહેરબાની લાગતી હોય તો હજી આ જગ્યા તું છોડી શકે છે. રાવબહાદુરને બીજા સેક્રેટરી મળી રહેશે. હું તને આગ્રહ નહિ કરું.’

મધુકરની આંખમાં ખૂનભરી તલવાર ચમકી રહી. તેણે ધીમેથી - અત્યંત ધીમેથી પરંતુ ઝેરભરી વાણીમાં કહ્યું :

‘હું આ જગ્યા છોડું ? પહેલાં આ ઘરને અને જ્યોત્સ્નાને તારાથી છોડાવીશ... પછી જ જરૂર પડ્યે આ જગા છોડીશ.’

સુરેન્દ્ર સહજ હસ્યો અને બોલ્યો :

‘તારા માનસની મને સમજ પડતી નથી.'

'શાની પડે ? તારે શિક્ષક બની જ્યોત્સ્નાની અંગત બાજુએ રહેવું છે... અને મને...'

શબ્દો અસ્પષ્ટ બની ગયા અને બન્ને મિત્રો પગથિયાં ઊતરી અંધકારમાં અદૃશ્ય થયા.

જ્યોત્સ્ના એક વિશાળ થાંભલાની આડે ઊભી રહી અદૃશ્ય બની બંને મિત્રોની વાત સાંભળી રહી હતી. એણે પાછાં પગલાં ભર્યા. અને મનમાં વિચાર રમી રહ્યો : મધુકર એમ જ માને છે કે સ્ત્રીઓ એનો શિકાર થવા સર્જાઈ છે !