સ્રોતસ્વિની/અનવસર
← ભાગીરથી | સ્રોતસ્વિની અનવસર દામોદર બોટાદકર |
ઉલૂક → |
અનવસર
( પૃથ્વી )
સુગન્ધ ઉર સિંચતી વન-વસંત વીતી ગઈ, રસાલ–રસ પોષતી ગઈ વિદાય વેળા વહી; નવીન પય પૂરતી, નવલ વિશ્વ ઉદ્ભાવતી, ભરી નવ કુતૂહલે પ્રકટ આજ વર્ષા થઈ.
અયિ ! મધુર કોકિલે ! વિરમ, મૌન રાખી મુખે, નવા જગત સન્મુખે ગહન ગાન એ ના ઘટે; નથી સમય સંપ્રતિ પુનિત પંચમેાચ્ચારનો, નથી સમય સર્વથા રસભર્યા કુહૂકારનો.
અરે ! નિકટ દૂર આ કટુ રટી રહ્યા દર્દુરો, અને અધમ ટિટ્ટિભો કંઈક જલ્પતા ઝિંગુરો; કરે બધિર કર્ણને પ્રખર–તાર–કોલાલલે, અપીર બની આકળા ઉર અશાંતિ ઉભી કરે.
વસી ગગન–ગહ્વરે ઘન ઘડી ઘડી ગર્જતો, અનેક સ્વર અંતરે સહજ સ્પર્શતાં પી જતો; નવીન ગિરિનિર્ઝરો ખળખળાટ કૈં કૈં કરે
પ્રચંડ વન–કેસરી ભયદ શબ્દ વિશ્વે ભરે. સુરમ્ય સ્વર આ વિશે જરૂર વ્યર્થ તારો જશે, અરે! રસિક માનસો નહિ જરાય ઝીલી શકે; કદી નવલ જંતુઓ તુજ પ્રવૃત્તિ એ જાણશે, અવાચ્ય સ્વર ઉચ્ચરી સ૨લ સ્વાન્તને શાપશે.
યથાસમય સૃષ્ટિમાં રસ વિશેષ તેં વિસ્તર્યો, અને પ્રણય-વર્ષણે જગત-તાપ સ્હેજે હર્યો ; હજુ સ્વર સુધા સમો હૃદયમાં વિરાજી રહ્યો, અને સ્મરણ સેવતાં અધિક હર્ષ આપી રહ્યો.
સમગ્ર વન, પાદપે, વિટ૫, પત્ર, પત્રાંકુરે, ગંભીર ગિરિકંદરે સ્વર હજુ ૨સીલો રમે, ગજાવી વન વાડીઓ હૃદય વિશ્વનાં રીઝવી, ભલે સુયશ સંગ્રહી ઉર વિરામ પામી રહી.
જશે દિવસ દોહ્યલા, વિષમ કાળ વીતી જશે, પ્રસંગવશ પામરો શમિત-શાંત સર્વે થશે; અનુક્રમણ સેવતી ફરી વસંત એ આવશે, ફરી સરસ સૌરભે વ્યથિત ચિત્ત સંતોષશે.
ધરી મૃદુલ મંજરી નવ રસાલ કૈં નાચશે, પ્રફુલ્લ બટમોગરો બહુ સુગન્ધથી બ્હેંકશે; બની ભ્રમર બ્હાવરા દશ દિશા વિષે દોડશે,
સુગન્ધભર કાનને અમર-ચિત્ત આકર્ષશે. અવશ્ય સખિ ! એ સમે મધુર કંઠથી કૂંજજે, વસન્તવિજયોત્સવે મન ભરી ભરી મ્હાલજે; મનેાજ્ઞ નવ ગીતથી હૃદય વિશ્વમાં રેડજે, અને સકળ ભૂતળે સુરાનેવાસ તું સ્થાપજે.