લખાણ પર જાઓ

સ્રોતસ્વિની/કદલી

વિકિસ્રોતમાંથી
← વનવલ્લરી સ્રોતસ્વિની
કદલી
દામોદર બોટાદકર
ભાગીરથી →


<poem>

કદલી

( શિખરિણી )

પતાકાની પેઠે પવન મહિં પત્રો ફરકતાં, પલાશી મિત્રોને વ્યજન વિનયે નિત્ય કરતાં; રસે ભીની રંભા ! ઉપવન તણું ભાગ્ય ભરતી, શકે શાંતિ માટે પ્રકટ વનદેવી વિલસતી.

સુધારસ્પર્ધી સ્કંધે લલિત ફળ દીપે લટકતાં, હવાને હિંદોલે અધિકતર અાંદોલિત થતાં, સુભાગી સંતાને નયન ભરીને તું નિરખતી, અનેરી આશાથી હૃદય મહિ હોંશે હરખતી.

પરંતુ એ તારાં પરિણત થતાં સુંદર ફળો, જવાની તું સ્વર્ગે ત્યજી જગતનો સાથ સઘળો ! રહ્યું ગાજી માથે મરણ તુજ જીવિત હરવા, ન જાણે વાત્સલ્યે ભરિતહ્રદયા એ ભય જરા.

અને જાણે તોએ નથી હૃદય શોકાતુર થતું, શકે શું ઉત્સાહે નિધન–પદવી કૈં નિરખતું ? ખરે ! સંતાનોનો વિરહ તુજને વ્યાકુલ કરે,

જવા બેઠાં જાણી અનુમરણને તું ઉર ચહે.
<poem>

અહો ! દેવી પ્રીતિ જરૂર જનનીની જગતમાં, હજારે સંબંધો પીગળી પડતા આ પ્રણયમાં; પિતા ભ્રાતા કેરો પુનિત વસુધામાં પ્રણય છે, પરંતુ માતાના પ્રણય તણું એ સામ્ય ન ભજે.

હજારે હૈયાની અનવરત આશીષ ઉછળે રમાડે રામાંચે, વદન નિરખી વિશ્વ વીસરે; પ્રસૂની પાસેથી જગ પ્રણયનું શિક્ષણ ગ્રહે, સગાં ને સ્નેહી સૌ અનુસરણ એનું અનુભવે.

પ્રજા પામે નિત્યે જનક-ઉરમાંથી કઠિનતા, અને માતા કેરૂં મૃદુ હ્રદય સેવી મૃદુલતા; અધીરા એ પ્રાણો સતત સુતની પાછળ ભમે, કરે શીળી છાયા, કઠિન ૫થના કંકર હરે.

ભવાબ્ધિનો ખારા સલિલ મહિં એ મિષ્ટ ઝરણું, વિબુધે વાંચ્છેલું શરણ સુખકારી શિશુ તણું; અહે ! એવી માતા મરણ-મુખમાં પુત્ર પડતાં, શકે જીવી કયાંથી અધમ સુખ માટે જગતનાં?

અને એ માતાના ઉદર થકી જે પુત્ર ઉપજે, રસેથી સિંચેલાં હૃદય નહિ એનાં કયમ રહે ? પરાર્થે એ પ્રાણે દઈ જગતને રંજિત કરે,

અમૂલા આસ્વાદે અમરફળને કાં નવ હસે ?
<poem>

સુકેલિ સંકેલી, અનશન વ્રતેથી કૃશ બની, ભલે તું મૃત્યુનું શરણ ગ્રહવા તત્પર થઈ ! ફળો મીઠાં મૂકી, ધરણિ મહિ ધન્યત્વ લઈને, સદા શાંતિ સેવે સુકૃતિ જન અંકે નિધનને.