હાલરડાં/દ્યો ને રન્નાદે!

વિકિસ્રોતમાંથી
← વાત્સલ્યના સૂરો હાલરડાં
દ્યો ને રન્નાદે
ઝવેરચંદ મેઘાણી
જનેતાના હૈયામાં →


હાલરડાં

દ્યો ને રન્નાદે!


[બાળક માતાના પેટમાં હોય ત્યારથી જ એને માટે હાલરડું ગવાય. પહેલી વાર ગર્ભ ધારણ કરતી સ્ત્રીનો 'ખોળો ભરવાનો' અવસર આવે છે તેને સીમંત કહે છે. એ સીમંતને પ્રસંગે રાંદલ અથવા રન્નાદે (સૂર્યની રાણી)ની સ્થાપના ઘરમાં કરી હોય છે. તેની સન્મુખે એ સ્ત્રીને બેસારીને બીજી સ્ત્રીઓ ટોળે વળી ગાય છે. ગીતમાં વર્ણવેલાં લક્ષણો રાય-રંક સર્વનાં બાળકોમાં સામાન્ય હોય છે.]


લીંપ્યું ને ગૂંપ્યું મારું આંગણું,
પગલીનો પાડનાર દ્યો ને, રન્નાદે!
વાંઝિયા-મેણાં, માતા, દોયલાં.

દળણાં દળીને ઊભી રહી,
પાળ્યું[૧]‌નો પાડનાર દ્યો ને, રન્નાદે !
વાંઝિયા-મેણાં, માતા, દોયલાં.

પાણી ભરીને ઊભી રહી,
છેડાનો ઝલનાર દ્યો ને, રન્નાદે!
વાંઝિયા-મેણાં, માતા, દોયલાં.

મહીડાં વલોવી ઊભી રહી,
માખણનો માગનાર દ્યો ને, રન્નાદે !
વાંઝિયા-મેણાં, માતા, દોયલાં.

રોટલા ઘડીને ઊભી રહી,
ચાનકીનો માગનાર દ્યો ને, રન્નાદે !
વાંઝિયા-મેણાં, માતા, દોયલાં.
ધોયોધફોયો મારો સાડલો,
ખોળાનો ખૂંદનાર દ્યો ને, રન્નાદે !
વાંઝિયા-મેણાં, માતા, દોયલાં.

પછી પ્રાર્થનાની ફ્લસિદ્ધિરૂપે ઉપલી દરેક કડી આ પ્રમાણે ફેરફાર કરી ગવાય છે :

લીંપ્યું ને ગૂંપ્યું મારું આંગણું
પગલીનો પાડનાર દીધો, રન્નાદે !
અનિરુદ્ધ કુંવર મારે લાડકો.

ક્યાંક આમ પણ ગવાય છે :

ઘરને પછવાડે રૂડું ઘોડિયું,
પારણાનો પોઢનાર દીધો, રન્નાદે,
વાંઝિયા-મેણાં માએ ભાંગિયાં –

  1. પાળ્યું ઘંટીના થાળામાં, દળતી વખતે ચડતી લોટની શગ.