હાલરડાં/વાત્સલ્યના સૂરો

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← નિવેદન હાલરડાં
વાત્સલ્યના સૂરો
ઝવેરચંદ મેઘાણી
દ્યો ને રન્નાદે! →


વાત્સલ્યના સૂરો
[‘હાલરડાં’નો પ્રવેશક : 1928]


સાવ રે સોનાનું મારું પારણિયું
ને ઘૂઘરીનાં ઘમકાર, બાળા પોઢો ને !
ચાર પાયે ચાર પૂતળિયું
ને મોરવાયે બે મોર, બાળા પોઢો ને !

કઈ શુભ ઘડીએ પ્રભુએ માતાના દેહમાં બાળક મેલ્યું, વિશ્વકર્માએ સુતારની કલ્પનામાં પારણું મેલ્યું, અને સરસ્વતીએ કવિના કંઠમાં હાલરડું મેલ્યું !

એ ત્રણેય નાનકડી કૃતિઓમાં ઈશ્વરી સૃજનકલાનો મોટો વિજય અંકાયો છે. ત્રણેયના સમુચ્ચયમાં એક સિદ્ધિનું દર્શન થાય છે. ત્રણમાંથી એક લઈ લ્યો અને આખી કૃતિ ખંડિત લાગે છે. ત્રણેયનો સામટો સંયોગ આપણા ઘરસંસારને અનેરી શોભા, અનોખી મીઠપ આપે છે. જનેતાનું જીવન જીવવા જેવું - દુઃખોના મોટા જૂથની સામે પણ મીઠાશથી જીવવા જેવું - બને છે. ગૃહજીવનમાં અને દંપતીસંસારમાં એ અમૃત સીંચે છે. બાળકના કૂણા શરીર પર સ્પર્શ કરતી કરતી કાલાં જોડકણાં ગાતી માતા જાણે કે પોતાના પતિના જ સ્પર્શની પુલક અનુભવે છે. એને પોઢાડતી વેળા પણ જાણે પોતાના પતિને જ પોઢાડતી, હોય એવી ઊર્મિ અનુભવતી જનેતા ત્યાં હાલરડાનું સંગીત છાંટે છે. બાળક, પારણું અને હાલરડું એ પતિ તરફના હેતમાં નવું પોષણ ટપકાવે છે. લગ્ન-જીવનની શરૂઆતમાં ફાટ ! ફાટ ! થતો દંપતી-પ્રેમ સંસારના ટાઢા પવન પછી જ્યારે થીજી જાય છે, ત્યારે ફરી વાર એને ઓગાળી પ્રેમનાં વહન સ્થિરગતિએ વહાવનાર સૂર્યકિરણો આ ત્રણ છે : બાળક, પારણું અને હાલરડું. એને કોઈ અપમાનશો મા ! અવગણશો મા !

બાળકડું નવ મારીએ રે
પારણાનો રખેવાળ મારા વા’લા

પારણે બાળક ઝુલાવતી માતા જાણે કે આ તોફાની ‘પંચ મહાભૂત’ બાળકને બ્રહ્માંડ- -પારણામાં હીંચોળતી જગજ્જનનીનું નાનું-શું સ્વરૂપ છે, આછેરું પ્રતિબિમ્બ છે. રડતા ને પછાડા મારતા આ વિશ્વ-પ્રાણને વિરાટ પારણામાં હીંચતા બે ઘડી શાતા વળે છે. એનું નયન બે ઘડી નિદ્રામાં બિડાય છે. જગદમ્બા જાણે એને જંપાવવા માટે આ વાયુ, વર્ણો, સુગંધો અને સુસ્વાદોરૂપી સૂરોનું હાલરડું જ નિરંતર ગાઈ રહી છે.

એ હાલરડાંના સૂર આ પૃથ્વીને આરે ઊતર્યા. શિષ્ટ ગણાતી યુરોપીય જનેતા અને કાલીઘેલી મનાતી હિન્દી માતા, બન્નેના કંઠથી હાલરડાં ઊઠ્યાં. શબ્દો જુદા, પણ સ્વરો

એક જ સરખા :

હાલાં વાલાં
હા… હાલાં !
ઓળોળોળો હાં … હાલાં !
ઓળોળોળો હાલ્ય હાલૂડી હાલ્ય !

એ ગુર્જર સૂરો તેની સામે મૂકો યુરોપી સૂરો :

Balow, la-low !
Lulla la lulla, lulia, lullaby !
Shu heen Sho, lulo lo !
O ho ro, i ri ri, csdul gu lo !

સર્વમાં એક જ લહેકો : એક જ પોઢણ-સ્વર : કેમ કે માતૃત્વ એક જ છે. જાતિના ભેદો એને કદી રૂંધી શકશે નહિ. બાળક સર્વત્ર એક જ અને ભેદરહિત છે. જગતની નિર્દોષમાં નિર્દોષ કૃતિ તે બાળક છે. જગતનું મહાપુણ્ય તે એનું લાલનપાલન છે. પારણું અને હાલરડું એ લાલનનાં નિર્દોષ સાધનો છે.

હાલરડાંનો પ્રથમ જન્મ

આપણે ત્યાં કૃષ્ણની બાળ-લીલા : અને યુરોપમાં ઈસુના શૈશવ-ખેલ : બન્નેમાંથી માતાઓએ વાત્સલ્યનાં પોષણ લીધાં. બન્ને દ્વારા બાળક પ્રભુના ભુવન સાથે જોડાયું. હિન્દુ માતાઓને કનૈયાનું બાલસ્વરૂપ જેટલું સ્પર્શી શક્યું છે તેટલાં એનાં અન્ય સ્વરૂપો નથી સ્પર્શ્યાં. કૃષ્ણ એટલે એક આદર્શ બાળક : દેવમંદિરમાં રોજ રોજ એના હીંડોળા હીંચોળાય છે. પારણાં ઝુલાવાય છે. વૈષ્ણવોને વહાલામાં વહાલી મૂર્તિ ઘૂંટણભર ચાલતા બટુકડા લાલજી મહારાજની છે. અને એ બાળગોપાળ એટલે ગરીબમાંયે ગરીબ માતાનો બેટડો : એની ક્રીડા, એની લીલા, એની માખણચોરી, દોણીફોડની મસ્તી, થેઈ થેઈ પગલીઓ, આકાશી તારાનાં રમકડાં ઉતારવાની માગણી ! એ બધા શિશુખેલ, રાયથી રંક સુધી સમસ્ત ઘરોનાં બચ્ચાંમાં સ્વયંસ્કુરિત હોય છે. માટે જ કૃષ્ણની બાળલીલાનાં ગાન તે તમામ બાળકોની બાળલીલાનાં ગાન છે. માટે જ આપણાં ઘણાંખરાં લોક-હાલરડાં કૃષ્ણને સંબોધી ગવાયાં છે.

જૈનોમાં પણ તીર્થંકરોની માતાના ગર્ભાધાન, ગર્ભિણી માતાનાં સોળ સ્વપ્નાં, બાલ તીર્થંકરનો જન્મોત્સવ, એનાં ગીતો વગેરે વધુ મહિમાવંત હોય છે. ત્રિશલ્યાના કુમાર મહાવીરનાં હાલરડાં હોંશે હોંશે ગવાય છે.

અને ઈસુ પણ જાણે બાળકોના જ ઉદ્ધાર માટે આવ્યો હતો. એ તારણહારને મોટી વયે પણ બચ્ચાંઓ જ વધુ વહાલાં હતાં. ‘સફર લીટલ ચીલ્ડ્રન ટુ કમ અન્ટુ મી’ (નાનાં બચ્ચાંને મારી નજીક આવવા દેજો !) એ એનું મહાકાવ્ય મનાયું છે. અને જેમ માઈકલ એંજેલો, રાફેલ ઈત્યાદિ કલાધરોએ કુમારી માતા મૅરીનાં ખોળામાં ખેલતા બાલ-ઈસુની કલ્પનાને ઉત્કૃષ્ટ રંગે રંગી ચિત્રપટ પર ઉતારી છે, તેમ ત્યાંના કવિઓએ પણ કરુણ સ્વરે એ બાલપ્રભુનાં હાલરડાં ગાયાં છે. જેમ એક કૃષ્ણનો અવતાર ટાળવા માટે મામા કંસે દેવકીજીનાં તમામ બચ્ચાં મારવાનો આદેશ દીધેલો, તેમ એક ઈસુનું અસ્તિત્વ રદ કરવા માટે રાજા હેરોડે પ્રજામાં નવાં જન્મતાં એકોએક બાળકને હણવાની આજ્ઞા ફેરવેલી. પાપી રાજાનો નાશ કરનાર બાલ રાજેન્દ્ર જન્મ્યો છે, છૂપો રહેવા માગતો નથી, મોટે સૂરે રડે

છે, અને માતા મેરી એને ફોસલાવે છે કે -

My sweet little baby, what meanest thou to cry?
By still my blessed baby, though cause thou hast to
mourn,
Whose blood most innocent to shed the cruel king has
sworn
And lo! alas! behold what slaughter he doth make,
Shedding the blood of infants all sweet Saviour for thy
sake.
A king, a king is born, they say, which king this king
would kill,
O woe and woeful heavy day when wretches have their will!
Lulla, la lulla, lulla, lullaby.

[મારા પ્યારા નાના બાળક, શીદ રડે છે તું?
ચૂપ રહે, પ્રભુના પ્યારા;
જોકે રડવાનું તને કારણ છે.
રાજાએ તારું નિર્દોષ લોહી રેડવાના શપથ લીધા છે.
હાય રે! શી કતલ એણે આદરી છે!
એક તારે ખાતર, ઓ તારણહાર! તમામ બચ્ચાંનાં લોહી રેડાય છે.
લોકો બોલે છે કે એક રાજેન્દ્ર જન્મ્યો છે, જે આ રાજાને મારશે.
ઓ નાથ! કેવો દુર્દિન! પાપીઓ સ્વચ્છંદે મહાલે છે.
લલ્લા! લા લલ્લા! લલ્લા લલ્લેબી!]

આપણા બાળ-કૃષ્ણને પણ માતાએ એ જ અર્થનાં હાલાં ગાયાં કે

રે મા! રો મા! રે બાળક!
બારણે બેઠું છે હાઉ
બારણે બેઠું છે હાઉ.

અંગ્રેજ કવિ, જનેતાના સૂરો કાઢીને પુનઃ પણ એ જ ‘તારણહાર'નાં સંભારણાં હાલરડે

ગાય છે કે –

Sweet baby in thy face
Holy image I can trace;
Sweet baby, once like thee
Thy maker lay and wept for me.

[મધુર બાળક! તારી મુખમુદ્રામાં હું એ પવિત્ર આકૃતિ નિહાળું છું, ઓ મીઠડા બચ્ચા! તારી માફક

એક વાર એ સરજનહાર પણ સૂતો હતો ને મારે માટે રડતો હતો.]

Wept for me thee, for all
When he was an infant small.

Thou his image ever see,
Heavenly face that smiles on thee.

[મારે. તારે અને સહુને માટે એ રડ્યો હતો, જ્યારે એ નાનું બાળક હતો ત્યારે. એ દિવ્ય વદન તારી સામે મલકી જ રહ્યું છે. તે નિરંતર એને નીરખતો જ રહેજે !]

When God with us was dwelling here,
In little babes he took delight
Such innocents as thou, my dear!
Are ever precious in his sight:
Sweet baby then, forbear to weep
Be still my baby, still baby sleep!

[પ્રભુ જ્યારે આંહીં આપણી સાથે વસતા હતા, ત્યારે એને નાનાં બચ્ચાંમાં આનંદ પડતો. મારા

વા’લા! તુજ સરખાં નિર્દોષ એની નજરે મહામૂલાં દીસતાં. માટે, ઓ મધુર બાળક ! રો નહિ. છાનું રહે ! પોઢી જા !

કવિ આગળ ગાય છે કે એ બાલપ્રભુને માટે તો આંહીં તારા જેવાં પારણાંયે નહોતાં, નહોતાં હીરચીર, કે નહોતાં હૂંફાળા ખોરડાં. એ તો અવતરેલા તબેલામાં : એનાં એવાં કષ્ટોને પરિણામે જ આજ તને આ સુખવૈભવ સાંપડ્યાં છે. ઓ મધુર બાળક ! છાનું રહે !]

સમાન સૂરો

સૂઈ જા, વીર, સૂઈ જા !
લાડકડા વીર સૂઈ જા !
તને રામજી રમાડે
વીર સૂઈ જા
તને સીતાજી સુવરાવે
વીર સૂઈ જા !

[‘રઢિયાળી રાત’]

એ આપણાં હાલરડાંની પંક્તિઓ : એ જ કલ્પના પશ્ચિમમાં ઉદ્‌ભવી કોઈ મહાન કવિના પ્રાણમાં :

Hush! my dear, lie still and slumber
Holy Angels guard thy bed
Heavenly blessing without number
Gently falling on thy head!

[ચૂપ, મારા વહાલા ! શાંત પડીને પોઢી જા. પુનિત દેવતાઓ તારી પથારી રક્ષે છે. તારા મસ્તક પર સ્વર્ગથી અનંત આશિષો ઝરે છે.]

‘હોલી એન્જલ્સ ગાર્ડ ધાઈ બેડ’ : તને રામજી રમાડે : તને લક્ષ્મણજી લડાવે ! તને સીતાજી સુવરાવે ! એકની એક વાત : એકનું એક હૃદય : ગૌરવરણું ને કાળું : ચકમકતાં સોનેરી જુલ્ફાંવાળું કે સીંદરી જેવા વળ દીધેલા વાળવાળું : એવા ભેદ એ પ્રભુની બનાવટમાં નથી, પારણાના ઝૂલનમાં નથી, કે માતાનાં હાલરડાંમાં નથી.

અંગ્રેજી કવિ શેક્સપિયરે કાવ્યભરી અને ભાષાની ભભકભરી શિષ્ટ વાણીમાં બાળ હીંચોળ્યું કે –

You spotted snakes with double tongue
Thorny hedgehogs, be not seen;
Newts and bline-worms do no wrong,
Come not near our fairy queen.
Philomel, with melody
Sing in our sweet lullaby
Lulla, lulla, lullaby;
Lulla, lulla, lullaby.


[બે-જીભાળા કાબરા સરપો ! કાંટાળા શેળાઓ ! ન નીકળતા, અમારી પરી રાણી પાસે ન આવતા. ઓ બુલબુલ ! મીઠી હલકે તું બેનબાનાં હાલાં ગાજે!]

એ જ ભાવ, સાદા, અણખીલ્યા, અર્ધવ્યક્ત સ્વરૂપમાં ગુજરાતી લોક-માતાએ ગાયો :

હડ્ય તૂતૂડાં હાંકું,
ભાઈને રોતો રે રાખું!
તૂતૂડાં જાજો દૂર,
ભાઈ તો શિરાવશે દૂધ ને કૂર :
દૂધ ને કૂર લાગે ગળ્યાં
ભાઈના આત્મા રે ઠર્યા.
હડ્ય તૂતૂડાં હસજો!
વાડીમાં જઈને રે વસજો!
હાં...હાં હાલાં!
[‘રઢિયાળી રાત’]

સ્વપ્નાં

જૂનાં લોક-હાલરડાંમાં સ્વપ્નાંની કલ્પના બહુ ખીલેલી જ નથી. કેવળ એક જ ગીતમાં-

નીંદરડી તું આવે જો આવે જો
મારા બચુ તે ભાઈ સારુ લાવે જો – નીંદરડી૦
તું બદામ મિસરી લાવે જો – નીંદરડી૦
તું પેંડા પતાસાં લાવે જો – નીંદરડી૦

એવું ફક્ત મીઠા ‘ખાઉ ખાઉ’નું જ અસ્પષ્ટ સ્વપ્ન લાવવાનું નિદ્રાને સંબોધન થયું. અંગ્રેજી કવિ યુજીન ફીલ્ડે આ કલ્પનાને સુરેખ બનાવીને આલેખી : જાણે અબોલા નગરીમાંથી નીંદરપરી સ્વપ્નો લઈને ચાલ્યાં આવે છે!

The Rock-a-by, Lady from Hush-a-dau street
Comes stealing : comes creeping :
The poppies they hang from her
head to her feet
And each hath a dream that is
tiny and fleet
She bringeth her poppies to you, my sweet :
When she findeth you sleeping!

[અબોલા નગરીમાંથી હુલાવણ-પરી ચાલ્યાં આવે છે : છાનાંમાનાં, લળતાં, નમતાં, ચાલ્યાં આવે છે. એના પગથી માથા લગી ફૂલો ઝૂલે છે તે પ્રત્યેકમાં અક્કેક નાજુક મીઠડું સોણલું છુપાયું છે :

તને એ જ્યારે પોઢેલો દેખશે, ત્યારે, ઓ મારા મીઠુડા ! આવીને એ તારી હથેળીમાં આ સોણાભર્યા ફૂલો મેલી જશે.]

There is one little dream of a beautiful drum
‘Rub-a-dub'! it goeth :‘’
There is one little dream of a big sugar-plum,
And lo! thick and fast the other dreams come
Of popguns that bang, and tin-tops that hum
And a trumpet that bloweth.

[એક સોણું તો છે રૂપાળા ઢોલકાનું: ઢબૂક ! ઢબૂક ! એ તો વાગે છે: બીજું છે મોટા ગુલાબજાંબુનું અને ઓહોહોહો : બીજાં કેટલાંય સોણાં ! ભડિંગ કરતી બંદૂકનાં, ભમ ગાજતા ગરિયાના અને ભોં પો ભોં પો વાગતા રણશિંગાના – બધાં દોડ્યા જ આવે છે.]

આથી વધુ કવિત્વભર્યું સ્વપ્ન-હાલરડું શ્રીમતી સરોજિની નાયડુએ ગાયું છે :

From groves of spice
O'er fields of rice
athwart the lotus-stream,
I bring for you,
aglint with dew,
a little lovely dream.

[સુગંધી તેજાનાના બગીચામાંથી, ડાંગરના ખેતરમાંથી અને કમળખીલ્યા ઝરણમાંથી હું તારે માટે એક ઝાકળભીનું મીઠું સોણલું લાવું છું, બેટા!]

Sweet, shut your eyes!
The wind fire-flies
Dance through the fairy neem.
Form the poppy hole
For you I stole
A little lovely dream.

[ઓ પ્યારા! આંખો મીંચી દે. સુંદર લીંબડામાં આગિયા નાચે છે. ખસખસનાં ફૂલોમાંથી હું તારે માટે એક સોણલું ચોરી લાવી છું.]

Dear eyes, good-night!
In golden light
The stars around you gleam.
On you I press
with soft caress
A little lovely dream.

[આવજે! ઓ સુલોચન! કનકવરણા તેજમાં તારી ચોપાસ ચાંદરડાં ચળકે છે. તારા હોઠ ઉપર કૂણી બચ્ચી વાટે હું નાનું રૂપાળું સોણું ચાંપી દઉં છું.]

આવું કલ્પના-ભુવન બેશક લોક-હાલરડાંમાંયે નથી, તેમ શિષ્ટ કવિની કવિતામાં પણ ગુજરાતને સાંપડ્યું નથી. ગુજરાતી કવિતાઓને બાળકની ક્રીડામાં, બાળકની નિદ્રામાં,એની મીંચાયલી પાંપણોમાં અને શાંત સૂતેલી મુખમુદ્રામાં કાવ્યત્વનું દર્શન નથી થયું. ગુજરાતી કાવ્યદેવીના અંતરમાં વાત્સલ્યના સૂરો ઝાઝા નથી ઊઠ્યા. હાલરડાં ગાવાનો સમય હજુ એને આવવો બાકી છે.[૧]

યુરોપીય હાલરડાંનો પ્રવાહ

ગુજરાત વાત્સલ્યવિહોણું નથી, પણ એના કાવ્યવિહોણું લાગે છે, નહિ તો બાળકનાં,પારણાં આજ ઉદાસ, અબોલ અને કેવળ લાકડાંના માળખાં જ ન બની ગયાં હોત : પારણાંની દોરી બેતાલ ન ખેંચાતી હોત : કજિયાળા બાળકને માતા મારી પીટી, હચમચાવીને ન પોઢાડતી હોત. જૂનાં લોક-હાલરડાંમાં એકસૂરીલાપણાનો ('મોનટોની'નો) કંટાળો અનુભવતી આયુગની તરુણ જનેતાઓ પાસે નવા રસે છલકતી, નવી ઊર્મિને ધબકારે ધબકતી, નવી કલ્પના-કળીએ મહેકતી હાલરડાંની કવિતા નથી. આપણાં લોક-હાલરડાંનો પ્રવાહ આગળ ન વધી શક્યો; કેવળ કૃષ્ણનાં સોનારૂપાનાં પારણાં અને દૂધદહીંનાં ખાનપાન અથવા મામા કંસના સંહાર વિશેના થોડા નાજુક સ્વરોમાં રૂંધાઈ ગયો. ત્યાંથી વહનને આગળ ચલાવે તેવી કોઈ મેઘધારા ગુજરાતી કવિઓના કંઠમાંથી વરસી નહિ... નહિ તો,

તમે મારા દેવના દીધેલ છો
તમે મારા માગી લીધેલ છો
આવ્યા ત્યારે અમર થઈને રો’!
તમે મારું નગદ નાણું છો
તમે મારું ફૂલ વસાણું છો
આવ્યા ત્યારે અમર થઈને રો’! - એવા લોક-વાત્સલ્યના ઉમદા ઉચ્ચારણમાંથી શિષ્ટ કવિઓને નવી પ્રેરણા મળી ગઈ

હોત. યુરોપમાં નવયુગી કવિતાને વંધ્યત્વ નથી પાલવ્યું. સંતતિ-નિયમનના પ્રથમ સૂરો કાઢનાર એ પ્રદેશમાં, સભામાં જવા માટે જ્યાં બાળકો આયાને હવાલે સોંપાય છે તે ભૂમિમાં, કેવી મીઠી હલકે બાલપ્રેમની ગાથાઓ ગવાઈ ! આપણાં જ હાલરડાં જેવું એનું એક લોક-હાલરડું લઈએ :

My little sweet darling, my comfort and joy,
sing lullaby, lulla.
In beauty surpassing the prince of Troy
sing lullaby lulla.

એ લોક-સૂરોનો એની નરી સાદાઈને કારણે વિનાશ નથી થયો. એમાં જ કલમ બોળીને કવિએ નવયુગના ઉદ્‌ગારો ગાયા કે –

So fair, so dear, so warm upon my bosom
And in my hands the little rosy feet.
Sleep on, my little bird, my lamb, my blossom!
Sleep on, sleep on, my sweet.

[શાં રૂપાળાં, શાં ખારાં, શાં હૂંફાળાં એ અંગો મારી છાતી પર પડ્યાં છે ! ને મારા હાથમાં એના કેવા ગુલાબી નાનાં ચરણો રમે છે ! ઓ મારા પંખીડા ! મારા મેંઢા ! મારા હૈયા પર સૂતું રહે. સૂતું રહે,ઓ મધુર ! સૂતું રહે.]

Dear Lord, 'tis wonderful beyond all wonder,
This tender miracle vouchsafed to me,
One with myself, yet just so far asunder,
That I myself may see.

[ઓ પ્યારા પ્રભુ ! આ તો એક ચમત્કાર છે. તાજુબી છે. મારી સાથે એકમેક, ને છતાંયે અલાયદું પાડ્યું છે કે જેથી હું મારા જ એ સ્વરૂપને જોઈ શકું.]

Mine, Lord, all mine thy gift and
loving token.
તમે મારા દેવના દીધેલ છો.

કેવું હૂબહૂ મળે છે અને તે પછી –

તમે મારું ફૂલ વસાણું છો.

એની સાથે –

Only a tender flower sent us to rear.

એ પણ બરાબર મળે છે. ગુજરાતની અનામી, ઘેલી ગ્રામ્ય માતા, ને ઈંગ્લેન્ડની સુશિક્ષિત કવિમાતા મેથીઆઝ બાર ! બન્નેની વાણી એક છે. એક છે, કેમ કે એ વાણી વાત્સલ્યની છે.

બાળારાજાનું રાજપાટ

બાળારાજા ! બાળારાજા ! એ બાળક માટેનું આપણું બહુ પરિચિત સંબોધન છે. પરંતુ એ રાજાના મહારાજ્યની કલ્પના આપણને સાંપડી નથી. એ તો સૂઝી છે એક આંગ્લ જનેતાને : એનું નામ લૉરેન્સ આલ્મા : એણે હાલરડામાં બાળ રાજાનું રાજપાટ ગાયું :

King Baby on his throne
Sits reigning o! sits reigning o!
King Baby on his throne
Sits reigning all alone.

[બાળરાજા તખ્ત પર બેઠા બેઠા રાજ કરે છે. એકલા, એકલા એ જ એના તખ્ત પર બેઠા છે.]

His throne is mother's knee
So tender o, so tender o!
His throne is mother's knee
Where none may sit but he.

[માતાનો ખોળો એનું સિંહાસન છે : ઓહો કેવું સુંવાળું એ સિંહાસન એના વિના ત્યાં બીજું કોઈ ન બેસે.]

અને એનો મુગટ !

His crown it is of gold
So curly o, so curly o!

[પીળા કનકવરણા કેશના ગુચ્છાનો એ મુગટ ! ઓહો, કેવા વાંકડિયા વાળ!]

ને એનું સામ્રાજ્ય ક્યાં!

His kingdom is my heart
So loyal o! so loyal o!
[માતાનું હૃદય તે એનું રાજપાટ : કેવું રાજનિષ્ઠ!]

કોઈ ચક્રવર્તીને ન હોય તેવું. અને એના કાયદા? –

Divine are all his laws
So simple o! so simple o!

[ઈશ્વરી કાયદા! સાદા સરલ, સ્નેહનાં જ ધારાશાસ્ત્ર!]

જેનો આખરી આશય – અને એનું આદિકારણ –

With love for end and cause.

[કેવળ સ્નેહ, કેવળ મમતા, અન્ય કશું જ નહિ.]

વ્યથાગીતોનાં હાલરડાં

અંગ્રેજી હાલરડાંમાં તો કેવળ વિનોદ જ નહિ, કેવળ ખુશાલી નહિ, પણ વિધવા માતાનાં, ત્યજાયેલી-ઠગાયેલી જનેતાઓનાં પરદેશે પળેલા પિયુજીની વિજોગણ પત્નીઓનાં, આ કંઈ કંઈ મર્મગામી વ્યથાગીતો પણ ગવાયાં છે. ભેદક સૂરે માતા બાળકને કહે છે કે –

Oh, Bonnie birdeen,
Sweet bird of my heart
Tell me, o tell me,
How shall we part?

[ઓ મીઠા પંખી ! મારા હૃદય-માળાના ઓ મધુર પંખી ! કહે મને, આપણે કેવી રીતે વિખૂટાં પડશું?]

He calls me, he cries
Who is father to thee :
O birdeen his eyes
In these blue eyes I see.

[મને એ બોલાવે છે – તારો પિતા મને બોલાવે છે. ઓ પંખીડા ! તારી આ આસમાની આંખોમાં હું એની આંખો ઝલકતી દેખું છું.]

Weep not my wanton, smile on my knee:
When thou art old, there's grief enough for thee
He must go, he must kiss
Child and mother, baby bliss!
For he left his pretty boy
Father's sorrow, father's joy.

[ન રો મારા લાડકડા ! મારા ખોળામાં હાસ્ય કર. મોટો થઈશ ને, ત્યારે તારે ઘણુંયે રોવાનું સાંપડશે હો !

બાળકને અને માતાને છેલ્લી ચૂમી ભરીને તારા પિતાને જવું પડ્યું. ઓ મારા વહાલા ! એ તને – પોતાના હર્ષ – શોકના સાધનને – છોડીને ચાલ્યો ગયો! ]

એથીય વધુ કલ્પનામય, વધુ તીવ્ર વધુ વ્યથાજનક તો છે કોઈ સમુદ્ર નૌકા ખેડતા પિતાના પુત્રનું હાલરડું : શિયાળાની કોઈ અંધારી રાતે પ્રાણઘાતક પવન ફૂંકે છે, અને કૂબામાં ઝાંખો દીવો બાળતી જાગ્રત બેઠેલી વિજોગણ નાવિક-પત્નીના અંતરમાં સ્વામીના પ્રાણની રક્ષાની ચિંતા ફડફડે છે : એમાંથી દ્રવે છે મીઠું હાલરડું :

You are rockin full sweetly on[૨]
mamie's warm knee.
But daddie's a-rockin upon the salt sea.

[ઓ બચ્ચા! તું તો લહેરથી માડીના હૂંફાળા ખોળામાં ઝૂલે છે, પણ તારા બાપુ તો અત્યારે ખારા સમુદ્રને ખોળે હશે, વહાલા!]

The wild wind is ravin and mammie's heart's sair
The wild wind is ravin, andye dinna care.

[તોફાની પવન ફૂંકે છે, અને માવડીનું અંતર બળે છે. છતાંયે બચ્ચા ! તને મારા હૃદયની કશી ખેવના નથી. તું તો રડ્યા જ કરે છે.]

આવી કોઈ પંક્તિઓ ગુજરાત ક્યારે બતાવી શકશે ? મધસાગરે સાહસ ખેડતા ખારવાનાં કે કાળી મેઘલી રાતે ડુંગરામાં ગાયો ચારતા ગોવાળ ચારણોનાં નાનાં બચ્ચાંને પોઢાડવા મથતી ગરીબ માતાઓનાં અંતર ઉકેલવા, એની મધુર વ્યથાને કાવ્યમાં આલેખવા ગુર્જર કવિતા ચાલી આવે છે.

આગળ ચાલીએ : હાલરડું જાણે કે પ્રાર્થના બની જાય છે :[૩]

Sweet and low, Sweet and low,
Wind of the western sea,
Low, low, breathe and blow,
Wind of the western sea!
Over the rolling weters go,
Come from the dying moon and blow,
Blow him again to me:
While my little one, while my pretty one sleeps.

[ધીરે ધીરે ધીરે ધીરે ઓ આથમણા સાગરના વાયુ ! ધીરે વાજે ! ધીરી લહરે વાજે ! આથમતા ચંદ્રની અંદરથી જલદી ઊતરજે. અને મારું લાડકવાયું બચ્ચું હજુ તો પોઢેલું હોય ત્યાં જ તું એને – મારા નૌકાવિહારી પ્રિયતમને – આંહીં પહોંચાડી દેજે, ઓ પશ્ચિમના વાયુ !]

Sleep and rest, sleep and rest,
Father will come to thee soon;
Rest, rest, on mother's breast,
Father will come to thee soon;
Father will come to his babe in the nest
Silver sails all out of the west
Under the silver moon.
Sleep, my little one, sleep, my pretty one sleep.

[પોઢી જા ને વિસામો લે ! તારા બાપુ હવે જલદી આવશે. માડીની છાતીએ વિસામો લે ! તારા બાપુ હમણાં જ આવશે. રૂપલાવરણા ચંદ્રને અજવાળે, રૂપલા ધોળા શઢ ફરકાવતા તારા બાપુ પશ્ચિમમાંથી ચાલ્યા આવે છે. તારી પાસે આ નાના કૂબામાં ચાલ્યા આવે છે.]

એ નાવિક-બાળનું હાલરડું ગાનાર અંગ્રેજી કવિવર ટેનિસન. ફક્ત વિધવા નહિ, ફક્ત વિજોગણ નહિ, પણ ફસાયેલી માતાનું વાત્સલ્ય પણ ત્યાંના કવિઓએ અનુકમ્પાના તાર પર ચડાવી કરુણ સૂરે ગાયું છે. કવિતાના પુનિત નીરમાં નવરાવી એ માતૃપ્રેમને નિષ્પાપ બનાવેલો છે અને હાલરડા વાટે નિર્દય લંપટ પુરુષ પ્રતિ ઊંડી આહ સંભળાવી છે :

Come little babe, come silly soul,
Thy father's shame, thy mother's grief.

[આવ, નાના બચ્ચા ! આવ, નાદાન આત્મા ! તારા પિતાની લજ્જા ! તારી માતાની વેદના ! આવ !]

Thou little thinkest, and less dost know,
The cause of this thy mother's moan.

[તને વિચાર પણ નથી, ખબર પણ નથી, કે મા શીદ કલ્પાંત કરે છે.]

But come to mother, babe, and play,
For father false is fled away.

[પરંતુ મા પાસે આવ, બેટા, અને રમ્યા કર, કેમ કે તારો બેવફા બાપ તો ભાગી ગયો છે.]

If any ask thy mother's name
Tell her, by love she purchased blame.

[કોઈ જો તારી માનું નામ પૂછે ને, તો કહેજે કે પ્રેમ આપીને એણે કલંક વહોર્યું છે !]

Ask blessings, babe, be not afraid,
His sugared words have me betrayed
God bless my babe, and lullaby
From this thy father's quality.

[પણ ચિંતા નહિ બચ્ચા ! તું તો, બસ, સહુના આશીર્વાદ જ માગજે. એના સાકરિયા શબ્દોએ જ મને ફસાવી હતી. ઓ પ્રભુ ! મારા બાળકને દુવા દેજો, પોઢાડજો, અને એના પિતાના જેવી લંપટતાથી એની રક્ષા કરજો !]

વીરરસનાં હાલરડાં[૪]

અંગ્રેજી કવિ વૉલ્ટર સ્કૉટે હાલરડાં વાટે માતાઓને તથા બાળકોને વીરરસ પાયો; પહાડો, કિલ્લાઓ, રણશિંગાં અને ઘમસાણોનાં દૃશ્યો બાળકનાં પારણાંની આસપાસ એણે ઊભાં કર્યાં :

O hush thee, my babie, thy sire was a knight;
Thy mother a lady both lovely and bright.
The woods and the glens, from the towers which we see.
They all are belonging, dear babie, to thee.
O ho ro, i ri ri, candul gulo.

[છાનો રહે, બચ્ચા ! તારો પિતા સામંત હતો. તારી માતા એક તેજસ્વી સુંદરી હતી. આ કિલ્લાના બુરજ પરથી દેખાતાં જંગલો ને ઝાડીઓ – બધાં તારાં જ છે, મારા પ્યારા બચ્ચા !]

O, fear not the bugle, though loudly it blows,
It calls but the warders that guard thy repose.
Their bows would be bended, their blades would be red,
Ere the step of a foeman draws near to thy bed.

[આ ઘોર સ્વરે રણશિંગું બને છે. પણ ડરીશ ના. એ તો તારી પથારીના ચોકીદારોને જ બોલાવે છે. તારી શય્યા પાસે શત્રુનું એક પગલું પડે તે પહેલાં તો એ પહેરેગીરોનાં ધનુષ્યોની કમાનો ખેંચાઈ જશે ને એની તરવારો દુશ્મનોનાં લોહીમાં લાલબંબોળ બનશે !]

અને, ઓ કુમાર ! તારે જાગી ઊઠવાનો સમય પણ હમણાં જ આવી પહોંચશે. આજ તો તું નીંદર કરી લે –

O ! hush thee, my babie, the time will soon come,
When thy sleep shall be broken by trumpet and drum,
Then hush thee, my darling, take rest while you may,
For strife comes with manhood, and waking with day.[૫]

[આજે તો પોઢી લે, બચ્ચા ! કેમ કે એ સમય જલદી આવી પહોંચશે, જ્યારે રણશિંગ ને પડઘમથી તારી નિદ્રા ઊડી જશે. માટે આજે તો આરામ લઈ લે; કેમ કે સંગ્રામ આવે છે. જુવાની બેસતાં, અને જાગૃતિ આવે છે દિવસ ઊગમતાં.]

કાઠિયાવાડ-ગુજરાતમાં ગઢો છે. કિલ્લા છે, સંગ્રામોના ને વીરમૃત્યુના ઇતિહાસ છે. પરંતુ કોણ જાણે શા કારણે એ શૌર્યના સૂરો જૂનાં હાલરડાંમાં જાગ્યા નથી. ફક્ત કૃષ્ણજીવનમાંથી કાળીનાગના દમનના ને કંસવધના ક્ષીણ ધ્વનિઓ ક્યાંક ક્યાંક લોકમાતાઓના કંઠમાંથી નીકળ્યા છે :

ડોશી એમ કરીને મેણું બોલિયાં રે લોલ,
તારા બાપનાં હતાં તે વેર વાળને રે લોલ,
માડી અમને તે વાત કરી આલને રે લોલ.
જાવું મામાને ઘેરે મળવા રે લોલ.
સાંકડી શેરીમાં મામો સામા મળ્યા રે લોલ,
ભાણેજ દેખીને મામો સંતાઈ ગિયા રે લોલ.
સંતા સંતા મા મામા મૂરખા રે લોલ,
આપણે મામો-ભાણેજ બહુ મળીએ રે લોલ.
હૈયું ભીંસીને મામો ભાણેજ બહુ મળ્યા રે લોલ,
તારા બાપનાં હતાં તે વેર વળી ગિયાં રે લોલ.
[‘રઢિયાળી રાત’]

અથવા તો –

મા મને હાઉલું દેખાડ્ય
મા મને હાઉલું દેખાડ્ય
હાઉ છે લંકા લખેશરી !
માડી, મને નવ જાણીશ નાનકો;
કાલે મોટેરો થઈશ.
કાલે મોટેરો થઈશ
વેરી મારીશ આપણા.
[‘રઢિયાળી રાત’]

અથવા કદાચ બહુ તો –

પાતાળે જઈ કાના હાં હાં હાં
નાથ્યો કાળી નાગ;
વારિ ને વરમાંડ ડોલ્યાં
મેવાડો મસ્તાન
ભાઈ ! ભાઈ ! મેવાડો મસ્તાન !
ઓળોળોળો હાલ્ય હાલુડા હાલ્ય !
હાલો વાલો રે બાળ કરસન કાળો
હરિને હીંચકો વા’લો!
[‘રઢિયાળી રાત’]

આવા સાદા સ્વરોમાં કોઈ કોઈ ઠેકાણે જ –

Their bows would be bended, their blades would be red
Ere the step of a foeman draws near to thy bed.

એ પંક્તિના વીર-ધ્વનિઓ લળકે છે.

મહારાષ્ટ્રનાં હાલરડાં

એ વીરત્વના, રાષ્ટ્રભાવના સૂરો હાલરડાંમાં ઉતારવાનો યત્ન આજે મહારાષ્ટ્રમાં ઠીક થતો જણાય છે. ત્યાંના કવિઓ સમજ્યા લાગે છે કે શિવાજીએ છેક માતાના ગર્ભમાં બેઠાં બેઠાં શૌર્યગીતો સાંભળેલાં. તેઓને સમજ પડી લાગે છે કે છે વીરત્વની સાચી શાળા પારણાંમાંથી શરૂ થાય છે. અને બીજી એ સમજ આવી છે કે જેટલે અંશે નવાં હાલરડાં જૂનાંની સરળતાને રંગે રંગાશે તેટલે અંશે એનો રસ ગળી ગળીને માતાઓનાં જીવનમાં ઊતરશે. એ વિના નવા યત્નો માર્યા જાય છે. મહારાષ્ટ્રમાં ‘પાળણા’ એટલે કે પારણાં હાલરડાં નામનું જૂનું લોકસાહિત્ય હજુ સારી પેઠે સજીવન છે. આપણાં

હાલ્ય વાલ્ય ને હેલ્ય
વગડે વસતી રે ઢેલ્ય !
ઢેલ્યનાં પગલાં રે રાતાં
ભાઈના કાકા મામા છે માતા.
[‘રઢિયાળી રાત’]

એવાં છૂટક છૂટક ભાવનાં જોડકણાંની માફક મહારાષ્ટ્રમાં પણ –

લક્ષુમીબાઈ આલી, આલીસ જાઉ ન કો
ઘરાલા પદર સોડુ ન કો, કેશવ બાળ !
લક્ષુમીબાઈ આલી, તાંબ્યાની દૂધ પ્યાલી
ઘરાલા માનવલી, વાસુદેવ બાળાચ્યા !
માળયા ચા મળયા મધે માળી બૈસલા કૂબો મળે
કળયાં ઘાલી ટોપી મધે, કેશવ બાળાચ્યા !
[ભાઈ તો ગ્યા’તા વાડીમાં
ને માળી બેઠો’તો કૂબામાં
માળીએ તો ઘાલ્યાં ફૂલ
બચલા ભાઈની ટોપીમાં]

આવી રસાળી કડીઓ – જાણે કદી નહિ ખૂટે તેટલી – પારણાં હીંચોળતાં હીંચોળતાં દક્ષિણી માતાઓ ગાયા જ કરે છે. એનું સૌંદર્ય નિર્વ્યાજ છે, નિરાડમ્બરી છે. હવે એની પાસે આધુનિક મહારાષ્ટ્રી કવિ ગોવિંદે રચેલું બાળ શિવાજીનું. રાષ્ટ્રભાવનાથી ટપકતું રોમાંચક હાલરડું મૂકીએ –

‘શિવાજીચા પાળણા'

મી લોટીતે ઝોકા તુજ શિવ બાળા
સુન્દરા નિજ સ્નેહાળા.
તનુ શાન્તિને શાન્ત નિજ તુજ યેણ્યા
રાષ્ટ્રગીત ગાતે તાન્યા! [હે બાલુડા! શિવાજી ! હું તારુ પારણું ઝુલાવું છું. હો મારા સુંદર લાડકવાયા ! મારા ધાવણા

બચ્ચા ! હું આ રાષ્ટ્રગીત ગાઉં છું તેથી તને નિદ્રા આવશે, ને તારા દેહને શાતા વળશે.]

હિ દાસી જળે મહી અમ્બિકા માય
હંબરડા ફોડી હાય !
નિજ શત્રુની હિચે ભંગીલે છત્ર
માંગલ્ય સૂત્ર સ્વાતંત્ર્ય !
હ્યાં દુઃખાને દુઃખી ફાર હે પાહી
મા જીજાબાઈ તબ આઈ

[આ દાસીનું હૃદય સળગે છે, કેમ કે પૃથ્વી માતા વાછરુવિહોણી ગાય જેવી બની ભાંભરડા નાખે છે. શત્રુઓએ એનું છત્ર ભાંગી નાખ્યું છે, ને એના કંઠનું મંગલસૂત્ર તોડી નાખ્યું છે. જો ભાઈ ! આ દુઃખે બહુ દુખિયારી બની છું. હું તારી માતા જીજાબાઈ.]

બહુ શત્રુ માનલે ભેલે
મેલયોની આર્યધન નેલે!
આમુચે રાષ્ટ્ર તુઙવિલે
કાણી નિપજે ના શાસ્તા થા ચાંડાળા – સુન્દરા૦

(પીટ્યા શત્રુઓ બહુ ફાટ્યા, મુઆઓએ આપણી આર્યલક્ષ્મી લૂંટી આપણા દેશને પગ નીચે ચગદ્યો, પણ એ ચાંડાલોને સજા કરનારો કોઈ ન નીકળ્યો.]

ભૂમાતેચ્યા ભૂતકાલી ઉદ્ધરણી
ઝુલી રાણી મૃડરમણી;
શ્રીરામાને રાવણ વધિલા લહૂની
વાનરા વીર વનવોની
ઘે સ્વતંત્રતા કંસાચ્યા પાસોની
ગોવિંદ ગોપ જમવોની.

[પૂર્વે ભૂમિમાતાને ઉદ્ધારવા માટે રણમાં પાર્વતીજી ઝૂઝ્યાં, શ્રી રામે વાનરોને વીર બનાવી લડાઈમાં રાવણને હણ્યો. ગોવિંદ પ્રભુએ ગોવાળોને જમાવી કંસ પાસેથી સ્વતંત્રતા લીધી.]

તૂ તસા વીર હોશીલ કા?
તરવાર કરીં ઘરશીલ કા?
મિળવિશીલ માવળે ગડી કા?
રણી વધાવ વા દેશશત્રુઆ મેળા. – સુન્દરા૦

[તું એવો વીર થઈશ કે? હાથમાં તરવાર ધરીશ કે? માવળા લોકોને સાથીઓ બનાવી લઈશ કે? રણમાં દેશ-શત્રુઓનાં ટોળાંનો સંહાર કરીશ કે?]

ભૂભક્તિચેં પ્રબલ દુગ્ધ પાજીન
મી વીર તુલા બનવીન
રિપુરક્ત ભૂ તુઝા કરી ન્હાણીન
સ્વાતંત્ર્ય ધરી આણીન
મી સ્વતંત્ર વીરાજી માતા
મી સ્વતંત્ર સુધન્ય હોતા

ધ્વજ સ્વતંત્રતાચ્યા ડુલતા
ઠેવીન તનુ અશ્યા નંદમય વેળા. - સુન્દરા.

[દેશભક્તનું બલદાયી દૂધ પિવાડીને હું તને વીર બનાવીશ. રિપુઓના રક્તથી હું તારે જ હાથે મા-ભૂમિને નવરાવીશ, અને સ્વતંત્રતા ઘેર આણીશ. હું સ્વતંત્ર વીરની માતા બનીશ, તે દિવસે હું સ્વતંત્ર અને ધન્ય બનીશ. સ્વતંત્રતાનો ધ્વજ ફરકવા લાગશે, તેવી આનંદમય વેળાએ હું મારો દેહ છોડીશ.]

ગદ્‌ગદા તદા પાળણ્યાત શિબ હસલા
જણુ માતૃબોલ ત્યા રુચલા !
મગ કરી લીલા મૃદુલ મુષ્ટિ વળવૂન
જણુ મ્હણે ઈને રિપુ વધીન !
અશી આર્ય શિખા રક્ષિળ યા ભાવે હો
જાવળાશીતો ખેલે હો !
શ્રી જીજા આઈળા અસા ક્રીડતા તાન્હા
દાટલા પ્રીતિચા પાન્હા!

[ત્યારે પારણામાં શિવાજી ખડ ખડ હસી પડ્યો. જાણે માના બોલ એને રુચ્યા. રમતમાં ને રમતમાં એણે સુંવાળા હાથની મૂઠીઓ વાળી, જાણે કહેતો હોયની, કે હું આ મુક્કીથી રિપુઓનો વધ કરીશ.*[૬]

આવી રીતે હું આર્યોની શિખાની રક્ષા કરીશ – એવો ભાવ દર્શાવતા હોયની, તેમ એ પોતાના બાળ-મોવાળા સાથે રમવા લાગ્યો. ધાવણા બાળુડાને આમ રમતો નિહાળીને જીજાબાઈ માતાને થાનેલે પ્રેમનો પાનો ચડ્યો]


આ નવયુગી હાલરડાંમાં બલવંત રાષ્ટ્રભાવના સરલ શૈલીએ ઊતરી છે. સામાન્ય માતાઓ પણ સમજે એવી નૂતન કલ્પના આમાં પૂરેલી છે. મહારાષ્ટ્રની શિષ્ટ જનતા ઉપર એનો પ્રભાવ કદાચ મંત્ર-શો હશે. પરંતુ એ હાલરડું હજુ ગ્રામ્ય માતાઓને કંઠે ટપક્યું નથી, કેમકે હજુ પૂરેપૂરું ગળાયું નથી.

ગુજરાતમાં પણ એવી વીરગાથાઓ ઉતારવાનું કર્તવ્ય નવયુગી શાયરોનું છે. વનરાજ, પ્રતાપ, શિવાજી અને અભિમન્યુનો દેશ બાલવીરત્વના ઇતિહાસવિહોણો નથી. એનાં નામાં- કામાં જે દિવસે સાદી છતાં મર્મગામી વાણીમાં પારણાંની દોરી તાણનાર માતાને કંઠે ઊતરશે, તે દિવસે એ પારણાંમાંથી એક્કેક યોદ્ધો ઊઠશે. એની માતા જ્યારે એને કહેશે કે –

The woods and the glens, from the towers
which we see,
They all are belonging, dear babie, to thee.

તે વેળા પોતાના દેશની માટીનાં ઢેફાં પ્રત્યેનું મમત્વ એને અંતરે બરાબર બાઝશે

અને કંઈક બાળકો એ માટીને પોતાના રુધિરથી ભીંજાવવાનાં સ્વપ્નો સેવશે.

મદાલસાનું હાલરડું

કારણ કે હાલરડાંની અસર કેવી થાય છે તેનું દૃષ્ટાંત તો ખુદ આપણી જ તવારીખમાં ૫ડ્યું છે. ઋતુધ્વજ રાજાની રાણી મદાલસા વૈરાગ્યમાં ગળી ગઈ હતી, એટલે એણે પોતાના બાળકને હીંચોળતી વેળાએ આ જગતની નશ્વરતા, આત્માની અમરતા, સુખ-વૈભવની ક્ષણભંગુરતા ઈત્યાદિ ભાવોથી ભરેલાં ગંભીર હાલરડાં ગાયાં કર્યાં કે –

ત્વમસિ તત શુદ્ધબુદ્ધ નિરંજન
ભવમાયાવર્જિતજ્ઞાતા
ભવસ્વપ્નં ચ મોહનિદ્રાં ત્યજ
મદાલસાહ સુતં માતા !

[ઓ બેટા' તું તો શુદ્ધબુદ્ધ નિરંજન છે : જગતની માયાથી રહિત જ્ઞાતા છે. આ જીવન-સ્વપ્નને તથા મોહનિદ્રાને છોડી દે' એમ માતા મદાલસા પુત્રને કહે છે.]

નામવિમુક્ત શુદ્ધોઽસિ રે સુત
મયા કલ્પિતં તવ નામ
ન તે શરીરં ચાસ્ય ત્વમસિ
કિ રોદિષિ ત્વં સુખધામ !

[રે બેટા ! તું તો શુદ્ધ છે, નામરહિત છે, તારું નામ તો મેં કલ્પેલું છે. આ શરીર તારું નથી, કે નથી તું એનો. તો હે સુખમય ! તું શીદ રેડે છે !]

એવા એવા સચોટ શબ્દોમાં રાણીએ વૈરાગ્ય પ્રબોધતી સંસ્કૃત લાવણીઓ ગાયા કરી છે અને છેવટે -

વિમલવિજ્ઞાનવિશ્વેશ્વરવ્યાપક
સત્યબ્રહ્મ ત્વમસિ જ્ઞાતા
પ્રાહ મદાલસાઽલર્ક સુતં પ્રતિ
શાસ્ત્રપ્રસિદ્ધા વરમાતા!

આ હાલરડાની અગોચર અસરને પરિણામે રાણીના એક પછી એક કુમારો વૈરાગ્ય તરફ ઢળી જઈ. યુવાવસ્થામાં પહોંચતાં જ ભગવાં પહેરીને ચાલી નીકળેલા. છેવટે સાતમા કુમારની દોરી ખેંચીને એ હાલરડું ગાતાંની વાર જ રાજાએ દોટ દઈ, દોરી ઝૂંટવી લીધી ને કહ્યું કે 'હવે આ એકને રહેવા દે. નહિ તો મારું સિંહાસન સુનું પડશે. તું કહે તો હું ચાલ્યો જાઉં, પણ એને એકને એ હાલરડું સંભળાવવું રહેવા દે!'

એ કથા પરથી પુરવાર થાય છે કે હાલરડાં તો કંઈક યુગોથી ચાલ્યાં આવે છે. સંસ્કૃતમાં પણ એનું સાહિત્ય રચાતું હતું. અને આજે રવીન્દ્રનાથ જેવા કવિવરે પણ એ જુગજુગના વાત્સલ્ય-સ્વરોની અંદર પોતાનાં 'શિશુ' નામક ગીતો ઉમેરીને નવું જ માધુર્ય પૂરેલું છે.

હાલરડાંમાં જોડકણાં

હાલરડાંમાં તો ઊંડા અર્થો ન મૂકીએ તોય ચાલે. બાળકને તાલબદ્ધ સૂરો સંભળાવીએ. તો એ તાલનું પણ ભાવપ્રેરક વાતાવરણ પારણાને વીંટળાઈ વળશે. બાળક તો જોડકણાંનું (‘નર્સરી ર્‌હાઈમ્સ'નું) પણ ભૂખ્યું છે. ટૂંકી પંક્તિઓ –

ભાઈ મારો છે સાગનો સોટો
આવતી વહુનો ચોટલો મોટો
હાં...હાંલાં!
ઘોડાંની પડઘી વાગે
ભાઈ મારો નીંદરમાંથી જાગે;
ભાઈ ભાઈ હું રે કરું
ભાઈની વાંસે હું રે ફરું.
ભાઈને કોઈએ દીઠો!
ફૂલની વાડીમાં જઈ પેઠો.

એમાં તાલ ('રિધમ') છે, અને અસંબદ્ધ છતાં રમ્ય કલ્પનાઓ છે. મારવાડમાં પણ એ જ જાતનું હાલરડું ચાલે છે :

હાલાં હાલાં કરતા'તાં
સંતોકરા મામા રમતા'તા;
રમતે ખેલતે બાજરી વાઈ
બાજરીરા ખેતમેં ઢેલડી વિંયાઈ;
ઢેલડીરા બચિયા રાતા રે ભાઈ
સંતોકરા મામા માતા રે ભાઈ
હાલાં.. હાલાં!

બાજરાનું ખેતર : ઢેલડીનું વિયાવું: બચ્ચાંનો રાતો રંગ: એમાં કાવ્ય છે, શબ્દોની કોમળ રચના છે, તાલની તરલતા છે, પારણે હીંચતા શિશુને માટે એમાં નિદ્રાની લહરીઓ છે. માતાનો એમાં વિનોદ છે. અને જુઓ :

સંતોકરા મામા આવતા'તા
ઢાલ પછેડો લાવતા'તા,
ઢાલ પછેડે નવલી ભાત
સંતોક ઓઢે દિ' ને રાત.
ઓઢી ઓઢી જૂનો કર્યો
સરવર પાળે ઝીલવા ગ્યાં
હાડિયો આવ્યો લઈ ગિયો
કાનમાં વાત કહી ગિયો
હાલાં! હાલાં!

ઢાલ-પછેડો : સરોવરની પાળ : સંતોક ઝીલણિયાં રમે : કાગડો આવે : કાનમાં કંઈક વાત કહી જાય ને પછેડો ચાંચમાં લઈ જાય: એક નાની-શી રમ્ય ને નિગૂઢ દુનિયા ઊભી થઈ. એમ બાળકને શીખવવામાં પણ તાલસૂરની સહાય લેવાય :

પા પા પગલી!
મામાની ડગલી!
પા પા પગલી!
મામાની ડગલી!

એને તાલે તાલે નાનું બાળક પોતાના ઘૂઘરીઓ ઘમઘમતા પગ માંડે અને તે પછી વળી વધુ ત્વરિત ગતિએ ચલાવવા માટે –

ડગ મગ ! ડગ મગ ! ડગલાં ભરતા
હરજી મંદિર આવ્યા,
પગમાં ડાક જશોદા માએ
ગોકુળ માંહી ચલાવ્યા
થેઈ ! થેઈ ! ચરણ ભરોને કાન
વેંચું મુક્તાફળ ને પાન !

એ તરલ તાલવાળું હાલરડું ગવાય. એ તો ઓરડાની અંદર ચાલતી ચાલ્યા. શેરીમાં રમવા સારુ વળી જુદો વધુ તરલ તાલ ! ને વધુ કોમલ કલ્પના :

ધુંબડી સૈયરમાં રમે.
ધુંબડી કાજળની કોર,
ધુંબડી આંબાની છાંય,
ધુંબડી સૈયરમાં રમે!

વળી તાલ બદલાયો :

ગા દોવાને ગોણીઓ
ઉપર તાંબડી ધુંબડ જાઈને કાજે
ધુંબડી સૈયરમાં રમે.

ફરી પલટો :

શેરીએ રમે
સહુને ગમે
ધુંબડી સૈયરમાં રમે
બારીએ રમે
બાપને ગમે – ધુંબડી.
મેડીએ રમે
માને ગમે - ધુંબડી.

એ જ શૈલીનું અંગ્રેજી હાલરડું જોઈએ :

Brown eyes
Straight nose;
Dirt pies
Rumpled clothes.
Falling down
Off chairs
Breaking crown
Down stairs
Folded hands

Saying prayers
Understands
Not, not cares.
Thinks it odd
Smiles away :
Yet may God
Hear her pray!

આ રીતે નાજુક તાલમાંથી પણ ભાવવાહી રમત નીતરે છે. હાલરડાંમાં પાંડિત્ય ન હોય, ને છતાં ભવ્ય કલ્પના હોઈ શકે. પ્રકૃતિની ગહનતાને સરસ સ્ત્રી-વાણીમાં કેવી રીત અવતારી શકાય એ પણ લોકકવિએ કરી બતાવ્યું છે. એ હાલરડામાં મૂકે છે :

તારા મંડળમાં તકતો દીસે
તે મારા ગજવે ઘાલો
ચાંદલિયો ચૂંટીને મારા
હાથડિયામાં આલો. - થેઈ થેઈ.
એવાં રૂપાળાં રમકડાં,
માતાજી, મુજને આલો
આર તારા વીણીને મારા
ગુંજવડામાં ઘાલો. થેઈ થેઈ.

એનું જ રૂપાંતર લગભગ એ-ના એ શબ્દોમાં કવિ ન્હાનાલાલના એક બાલગીતમાં છે:

નવલખ તારા વીણી, મા, મારા
ગજવામાં ઘાલો
મા, મને ચાંદલિયો વહાલો!

કવિતા પાંડિત્યના પ્રદર્શનને કાજે નથી. કવિતાની નિગૂઢતા એટલે ન સમજાય તેવી શબ્દ-જટિલતા નહિ. કવિતા તો ચંદ્રસૂર્યની કિરણમાલા જેવી હોય, પવનની લહરી જેવી હોય, એ તો માતાનાં ગર્ભાધાનથી જ બાળકને રમત અને સંસ્કારો આપે, ભોંયમાં બીજારોપણ થાય ત્યારે જળ શોષાવીને અંદર ઉતારે, કોંટો ફૂટ્યો તેને ઝુલાવે ને જોર આપે. ઝાડ ફાલે ત્યારે એના પાંદડે પાંદડે ચમકીને જાણે દીવા જલાવે. બાળક પરત્વે કવિતાનું પણ એ જ કર્તવ્ય છે. બાળકને તાલ આપો, એ નૃત્યનું ભૂખ્યું છે. અને હાલરડાંની લહરીઓ આપો, એ સંગીતનું તરસ્યું છે. જનેતાઓના જીવનમાં છેક ગર્ભાધાનથી જ કવિતાનું સિંચન શરૂ કરી દો. અને કંઠે કૂણાં મીઠાં, કલ્પના-નીતરતાં હાલરડાં રેડીને એના બોજારૂપ બનેલા જીવનમાં આનંદ પ્રગટાવો : અને આજકાલ તો વિશેષે પુરુષોની લાલસામાંથી નીપજી રહેલાં બાળકો વિશે માવતરને સાચું ભાન કરાવો કે –

તમે મારાં દેવના દીધેલ છો
તમે મારાં માગી લીધેલ છો
આવ્યાં ત્યારે અમર થઈને રો'!

 1. 1 સ્વપ્નાંનાં હાલરડાં રચવાના થોડા પ્રયાસો મેં કર્યા છે :

  નીંદરભરી રે ગુલાલે ભરી
  બેનીબાની અંખિયાં નીંદરભરી રે
  [ ‘વેણીનાં ફૂલ’ ]

  સોણલાં લાવે રે, સોણલાં લાવે રે
  વીરાને પારણે ઝુલાવા
  નીંદરડી સોણલાં લાવે રે
  [ ‘કિલ્લોલ’ ]

 2. 2 મારો પ્રયાસ આ ભાવને ઉતારવાનો આમ છે –

  હાલરડું વા'લું

  વાલીડા વીરને હાલરડું વા'લું
  હૈયાના હીરને હાલરડું વા'લું
  તને દેખાડું સોણલું રૂપાળું હો
  વીરને હાલરડું વા'લું.

  *

  તારાં પોઢણ લાલ હીંગોળે પારણે
  પીવાનાં દૂધ તારે મીઠાં રે
  બાપુને આજ મેં તો ભૂખ્યા ઉજાગરે
  ઘુમન્તા સાગરમાં દીઠા. – હો વીરને૦
  [‘કિલ્લોલ’]

 3. ૩. મેં આ સૂરોમાંથી ગુજરાતીમાં ખેંચેલ છે :

  ખલાસી બાળનું હાલરડું

  ધીરા વાજો રે ધીરા વાજો !
  વાહુલિયા રે ધીરા ધીરા વાજો !


  મીઠી લ્હરે મધદરિયે જાજો,
  સ્વામી કેરા શઢની દોરી સ્હાજો.
  આકળિયા નવ રે જરી થાજો – વાહુલિયા રે૦
  [‘કિલ્લોલ’]

 4. વીરરસનાં હાલરડાં ‘શિવાજીનું હાલરડું’, ‘વનરાજનું હાલરડું’, ‘સોણલાં’ વગેરે રચવાના મારા પ્રયત્નો ‘કિલ્લોલ’માં છે.
 5. સરખાવો ‘શિવાજીનું હાલરડું’માં –

  પોઢજો રે મારાં બાળ, પોઢી લેજો પેટ ભરીને આજ
  કાલે કાળાં જુદ્ધ ખેલાશે, સૂવા ટાણું ક્યાંય નૈ રે’શે.

  અને ‘વનરાજનું હાલરડું’માં –

  હાં રે વીરા, આજુની રાત, આરામ,
  હાં રે વાલા, આજુનો દિન વિશરામ,

  કાલે ને કેસરિયા રે ખાંડાધારે ખેલજો હો રાજ !
  કાલે કંકુભરિયા રે અરિને તેડાં મેલજો હો રાજ !
  [‘કિલ્લોલ’].

 6. * સરખાવો : 'વનરાજનું હાલરડું' માં –

  મૂઠડિયું ભીડીને રે મોભી મારો પોઢિયો હો રાજ !
  દાઢડિયું ભીંસીને રે બાળો મારી પોઢિયો હો રાજ !
  હા રે જાણે તાણીને ઝાલી તલવાર
  હાં રે જાણે સૂઝે છે જુદ્ધ મોજાર
  સપનામાં સંહારે રે માભૂમિના કાળને હો રાજ.
  [ 'કિલ્લોલ' ]