હાલરડાં/નંદકિશોર
Appearance
< હાલરડાં
← ઘોઘર આવ્યા | હાલરડાં નંદકિશોર ઝવેરચંદ મેઘાણી |
પારણિયામાં પોઢ્યો → |
નંદકિશોર
નંદકિશોર રે નંદકિશોર,
ઝૂલે પારણિયે નંદકિશોર
સોનાના મોર ઝૂલે નંદકિશોર
પ્યારાને પારણે સોનાના મોર.
કોઈ રે કાનાને નેણે સારો કાજળિયાં,
ફરતી મેલાવો રૂડી કસુંબલ કોર. – પ્યારાને૦
હીરા માણેક તો જડિયાં પારણિયે,
બાજુ શોભે રૂડી મોતીડાંની કોર. – પ્યારાને૦
સોનાનાં સોગઠાં રૂપાનાં રમકડાં,
કાનો કરે છે માંહીં મીઠા કલ્લોલ. – પ્યારાને૦
હેતે કરીને ગોપી હરિને ઝુલાવે,
હાથે શોભે છે રૂડી હીરલાની દોર. – પ્યારાને૦
બ્રહ્માનંદ કહે ખમા રસિયા વાલમને,
અવિચળ રહો રાધાકૃષ્ણની જોડ. – પ્યારાને૦