હાલરડાં/પારણિયામાં પોઢ્યો

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← નંદકિશોર હાલરડાં
પારણિયામાં પોઢ્યો
ઝવેરચંદ મેઘાણી
થેઈ ! થેઈ ! →


પારણિયામાં પોઢો

ઓળોળોળો હાલ્ય હાલ્ય રે
પ્રીતમ પારણિયામાં પોઢ્યો.

ઘણા સોનાનું પારણું ને કોરે વીજળી વ્રળકે.
પારણિયાને ફેર ફરતી રતન ચૂનીઓ ઝળકે.
- ઓળોળોળો.

સોનાની સાંકળીઓ સુંદર રેશમની છે દોરી,
ચાર ખૂણે ચંદરવા ટાંક્યા, વચ્ચે સૂરજની જોડી.
- ઓળોળોળો.

મોર ચકલીઓ પૂતળીઓ ને ઝૂમખડાં સોનાના,
રૂમઝૂમ રૂમઝૂમ બજી રહ્યાં મારા લાલ રહો ને છાના.
- ઓળોળોળો.

હીર ચીરનાં બાળોતિયાં ને હાથમાં ધાવણી ઝાલી,
લાડકવાયો બાળક ઝૂલે, મે'ર કરી મતવાલી.
- ઓળોળોળો.

ભીડ થઈ જશોદાને મંદિર જોવા છેલછબીલા,
પગતળિયે પિલાઈ ગયા પ્રેમીજન ભગતીવાળા.
- ઓળોળોળો.