હાલરડાં/પારસી-ગુજરાતી હાલરડું
← સૈયરમાં રમે | હાલરડાં પારસી-ગુજરાતી હાલરડું ઝવેરચંદ મેઘાણી |
બેટા ! સો જાની ! → |
પારસી-ગુજરાતી હાલરડું
[એક ઘણા લાંબા હાલા-ગીતમાંથી નમૂનાની કડીઓ]
જી, જી, હો-ઓ હો-ઓ.
હો કરું હો ગાવું
રે ગાઈવાઈને નાંઢલિયાને પારણે પોહરારુ.
હો કરું હો બાઈ,
રે મરું! બાઈ મારીના જીવે રૂરા ભાઈ.
ભાઈને મરું ભલાઈ,
રે મરું! નાંઢલિયા વહાલા! તમોને જી માંગું નરાઈ.
મારા દાદારજીને કેહેવું,
રે હું તો તેની પાસે ઊવા ને દુવા માગી લેવું
દાદારજીના દુવા,
રે તમુને વધે, મરું! લાંબા આઈશ ને મોટા ઉવા.
ઉવાની વધે તમારી દોરી,
રે મરું! ફાવે ને સોભે નાંઢલિયા ધોરી.
મારા મેહર ઈજદની મે'રબાની,
રે તમુંને શરોરી ઈજદ કરે પાસબાની.
ઝોરીએ પોપટનાં જોરાં,
રે મરું! ઘેરમાં ફરે નાંઢલિયાનાં ટોલાં.
મામા ને ફૂઈના એક,
રે મરું! રમજો કેવરા ને મોઘરાની હેઠ.
કેવરો રે મોઘરો ચૂંટાવું.
રે મરું! નાંઢલિયાની ગોલાબે વારી ઞૂંઠાવું.
તું તો મારો જીવે,
રે મરું! ઘી સાથે સાકર ફૂલ ભરું રે મારે દીવે.
દીવેનાં ઘી તો ઘારાં,
રે મરું! માએ માસી મમઈ બપઈ ફુઈના પેટ કરમ ટાહરાં.
નાંઢલિયો=નાનડિયો, પોહરારું=પોઢાડું, રૂરા=રૂડા, નરાઈ=નરવાઈ, નીરોગીપણું. કહેવું=કહું, લેવું=લઉં, આઈશ=આયુષ્ય, 'ઝોરી’=ઝોળી, જોરાં=જોડાં, ટોલાં=ટોળાં. 'મેહર ઈજદ' અને 'શેરોરી ઈજદ' પારસી દેવદૂતો લાગે છે. ઘારાં=ઘાટાં, ઘણાં. મમઈ=માની મા. બપઈ=બાપની મા. ટારાં=ટાઢાં.