હાલરડાં/હાલો ! હાલો !

વિકિસ્રોતમાંથી
← હાં આં…આં હાલાં ! હાલરડાં
હાલો ! હાલો !
ઝવેરચંદ મેઘાણી
હાલા રે હાલા →


હાલો ! હાલો !

[શ્રી મહીપતરામ કૃત 'વનરાજ ચાવડો'માં તેમણે મૂકેલું ઉપલા જેવું જ જૂનું કંઠસ્થ ગુજરાતી હાલરડું.]

હાલોને તો ગોરી, ભાઈને પારણે હીરની દોરી;
ભાઈ તો મારો ગોરો, એની કેડે હીરાનો કંદોરો;
હાલો! હાલો!

ભાઈ મારો એવડો, શેરડીના સાંઠા જેવડો;
શેરડીને સાંઠે કીડી, ભાઈના મુખમાં પાનની બીડી;
હાલો! હાલો!

મારા ભાઈને કોઈ તેડે, તેને લાડવા બાંધું ચારે છેડે;
હાલ વાલ ને હલકિયાં, ભાઈને ઘોડીએ રમે ચરકલિયાં;
ચરકલિયાં તો ઊડી ગયાં, ભાઈનાં દુઃખડાં લેતાં ગયાં;
હાલો! હાલો!

ગોરી ને રે ગોરી, ભાઈને મોટી પાલ રે વોરી;
પાલનો વાંસ છે પોલો, ભાઈની મામીને લઈ ગયો કરણ ગોલો;
હાલો! હાલો!

હાલો ભાઈને, હાલો ને ગોરી, નવાનગરની ચી બારી;
છોકરાં પરણે ને મા કુંવારી, જુઓ રે લોકો કળીનાં કૌતક.
હાલો! હાલો!

ઓ પેલા ચાંદાને કીડી ધાવે,
બહેરો કહે કે બચ બચ બોલે;
આંધળો કહે કે લૂંટાઈ જઈએ;
નાગો કહે કે લૂંટાઈ જઈએ;

પાડો દૂઝે ને ભેંસ વલોવે,
મીનીબાઈ બેઠાં માખણ ચોરે;
હાલો! હાલો!

સૂતા રે સૂડા ને સૂતા પોપટ, સૂતા રૂડા રામ;
એક ન સૂતો મારો વનુભા, જગાડ્યું આખું ગામ.
એક ઘડી તું સૂઈ જા રે ભાઈ ! મારે ઘરમાં ઝાઝાં રે કામ.
કામ ને કાજ સૌ રહેવા દેજો, નાનડિયાને લઈ રહેજો;
કામકાજ મૂકો ને પડતાં, રે ભાઈને રાખો ને રડતા.
હાલો! હાલો!

નાધડિયા નિદ્રાળુ રે પાતળિયા ભૂખાળુ!
આખાને રૂવે રે બાવા! કકડો ખાઈને સૂવે.
હાલો! હાલો!

પાલણે પોલા વાંસ, રે બાવા! ઘોડીએ મોર ને હંસ.
પાલણિયાં પડિયાલાં, રે ભાઈનાં ઘોડિયાં છે રળિયાળાં,
હાલો! હાલો!

નાધડિયાનું પાલણું મેં તો ઘણેક દહેલે દીઠું;
ઓવારીને નાખું રે હું તો રાઈ ને મીઠું.
હાલો! હાલો!

હાલકડે ને ફૂલકડે કાંઈ મોતીના દડા,
સઘળા રે નિશાળિયામાં વનુભા મારા વડા.
વડા ને નિશાળિયા જોડે ભાઈ મારાને લેજો,
ભણ્યાંગણ્યાં નથી ભૂલ્યા, ભાઈની પરીક્ષા કરી લેજો.
હાલો! હાલો!

હાલકડે ને ફૂલકડે કાંઈ મોતીના રે બખિયા,
ભાઈ મારાને ઘોડિયે કાંઈ ચાંદો ને સૂરજ લખિયા.
હાલો! હાલો!

નાધડિયાના પાખી રે મારે સૂના હૂતા સંસાર,
જાગ્યા જ્યારે વનુભા ત્યારે રાંધ્યા હતા કંસાર.
હાલો! હાલો!

ભાઈ રે મારો ભાઈ! મહારાજાનો જમાઈ.
રાજાની કુંવરી કાળી, ભાઈએ જાન પાછી વાળી;
રાજાની કુંવરી ગોરી, ભાઈએ વહેલો પાછી જોડી;
મોય જોડ્યા ધોરી, રે ભાઈએ પાસે બેસાડ્યાં ગોરી,
હાલો! હાલો!

હાલો રે હાલો! ભાઈને હાલો ઘણો વા'લો;
ભાઈને ગોરીડાં રે ગાજો, ભાઈને રમવા તેડી જાજો;
ગોરી ગાયનાં દૂધ, ભાઈ પીશે ઊગતે સૂર;
ભાઈ માડીને છે વા'લો, ભાઈ મામાને છે વા'લો;
મામા પોહોડે સેજડી, વાયુ ઢોળે બે'ન ભાણેજડી.
હાલો! હાલો!

હાથે ને પગે કલ્લાં સાંકળા, રે માથે મગિયા ટોપી;
અટલસનાં અંગરખા, રે એને બખિયે બખિયે મોતી;
ભાઈ મારાનાં મુખડાં હું ફરીફરીને જોતી.
હાલો! હાલો !

ભાઈ મારો ભમતો, શેરીએ શેરીએ રમતો;
શેરીએ શેરીએ દીવા કરું, ભાઈ રમે ને હું જોતી ફરું.
હાલો! હાલો!