લખાણ પર જાઓ

હાલરડાં/હાં આં…આં હાલાં !

વિકિસ્રોતમાંથી
← હાલો વા'લો રે હાલરડાં
હાં આં…આં હાલાં !
ઝવેરચંદ મેઘાણી
હાલો ! હાલો ! →


હાં આં...... આં હાલાં !

[નિદ્રાને ઘૂંટે તેવી અને બાળકના રુદન-સ્વરો સાથે મળી જાય તેવી એકસૂરીલી હલકથી સૌરાષ્ટ્રમાં ગવાતું.]

હાલ્ય હાલ્ય ને હાંસીનો,
રાતો ચૂડો ભાઈની માશીનો;
માશી ગ્યાં છે માળવે,
ભાઈનાં પગલાં રે જાળવે.
 હાં હાં હાલાં!

હાલ્ય હાલ્ય ને હાંસી
લાડવા લાવશે ભાઈની માશી,
માશી ગ્યાં છે મ'વે
લાડવા કરશું રે હવે.
 હાં...હાં હાલાં!

હાલ્ય હાલ્ય ને હલકી,
આંગણે રોપાવો રે રૂડી ગલકી;
ગલકીનાં ફૂલ છે રાતાં,
ભાઈનાં મોસાળિયાં છે માતા;
માતાં થૈને આવ્યાં,
આંગલાં ટોપી રે લાવ્યાં;
આગલાં ટોપીએ નવનવી ભાત
ભાઈ તો રમશે દા'ડો ને રાત;
મોસાળમાં મામી છે ધુતારી
આંગલાં લેશે રે ઉતારી;
મામાને માથે રે મોળિયાં,
ભાઈનાં ઉતરાવશે હિંગળોકિયાં ઘોડિયાં.
 હાં...હાં હાલાં!

હાલ્ય હાલ્ય ને હેવૈયો,
ભાઈને ભાવે રે લાડુ સેવૈયો;
સેવૈયો પડયો છે શેરીમાં,
ભાઈ તો રમશે મા'દેવની દેરીમાં;
દેરીએ દેરીએ દીવા કરું,
ભાઈને ઘેરે તેડાવી વિવા કરું,
વિવા કરતાં લાગી વાર,
ભાઈના મામા પરણે બીજી વાર.
 હાં...હાં હાલાં!

હાલ્ય વાલ્યના રે હાકા,
લાડવા લાવે રે ભાઈના કાકા;
હાલ્ય હાલ્ય ને હુવા,
લાડવા લાવે રે ભાઈના ફુઆ:
ફુઆના તો ફોક,
લાડવા લાવશે ગામનાં લોક;
લોકની શી પેર,
લાડવા કરશું આપણે ઘેર;
ઘરમાં નથી ઘી ને ગોળ,
લાડવા કરશું રે પોર;
પોરનાં ટાણાં વયો જાય,
ત્યાં તો ભાઈ રે મોટો થઈ જાય.
 હાં...હાં હાલાં!

હાલ્ય વાલ્ય ને હેલ્ય,
વગડે વસતી રે ઢેલ્ય;
ઢેલ્યનાં પગલાં તો રાતાં,
ભાઈના કાકા મામા છે માતા.
 હાં... હાં હાલાં!

હાલ્ય હાલ્ય ને હડકલી,
ભાઈને ઓઢવા જોવે ધડકલી.
 હાં...હાં હાલાં!

ભાઈ માગે છે વણઝારો,
સવાશેર સોનું લઈ શણગારો;

સોનું પડ્યું છે શેરીમાં,
ભાઈ મારો રમશે મા'દેવજીની દેરીમાં.
હાં...હાં હાલાં!

ભાઈને દેશો નૈ ગાળ,
ભાઈ તો રિસાઈ જાશે મોસાળ;
મોસાળે મામી છે જૂઠી,
ધોકો લઈને રે ઊઠી;
ધોકો પડ્યો છે વાટમાં,
ને ભાઈ રમે રે હાટમાં,
હાં...હાં હાલાં!

ભાઈ મારો છે ડાયો,
પાટલે બેસીને રે નાયો;
પાટલો ગ્યો રે ખસી,
ભાઈ મારો ઊઠ્યો રે હસી,
હાં...હાં હાલાં!

ભાઈ મારો છે સાગનો સોટો,
આવતી વહુનો ચોટલો મોટો;
હાં...હાં હાલાં!

ભાઈ મારો છે લાડકો,
જમશે ઘી-સાકરનો રે વાડકો;
ઘી-સાકર તો ગળ્યાં;
ભાઈના વેરીનાં મોં બળ્યાં;
ઘી-સાકર ખાશે મારા બચુભાઈ,
વાટકો ચાટે રે મીનીબાઈ.
હાં... હાં હાલાં!

ભાઈ મારો છે રે રાંક,
હાથે સાવ સોનાનો છે વાંક;
વાંકે વાંકે રે જાળી,
ભાઈની સાસુ છે કાળી!
વાંકે વાંકે રે ઘૂઘરી,

ભાઈની કાકી મામી છે સુથરી !
વાંકે વાંકે મોતી થોડાં,
ભાઈને ઘેરે ગાડી ને ઘોડાં;
ઘોડાંની પડઘી વાગે,
ભાઈ મારો નીંદરમાંથી જાગે;
ઘોડા ખાશે રે ગોળ,
ભાઈને ઘેરે હાથીની રે જોડ.
હાં...હાં હાલાં!

ભાઈ મારો છે ગોરો
એની ડોકમાં સોનાનો રે દોરો;
દોરે દોરે રે જાળી,
ભાઈની કાકી રે કાળી.
હાં... હાં હાલાં!

ભાઈ મારો છે અટારો,
ઘી ને ખીચડી ચટાડો;
ખીચડીમાં ઘી થોડું,
ભાઈને સારુ વાઢી ફોડું.
ઘી વિના ખીચડી લૂખી,
ભાઈના પેટમાં રે દુઃખી !
હાં...હાં હાલાં!

ભાઈ ભાઈ હું રે કરું,
ભાઈ વાંસે ભૂલી ફરું;
ભાઈને કોઈએ દીઠો,
ફૂલની વાડીમાં જઈ પેઠો;
ફૂલની વાડી વેડાવો,
ભાઈને ઘેરે રે તેડાવો.
હાં...હાં હાલાં!

હડ્ય તુતુડાં હાંકું,
ભાઈને રોતો રે રાખું;
તુતડાં જાજો દૂર,

ભાઈ તો શિરાવશે દૂધ ને કૂર;
દૂધ ને કૂર તો લાગે ગળ્યાં,
ભાઈના આતમા રે ઠર્યા;
હડ્ય તુતુડાં હસજો,
વાડીમાં જઈને રે વસજો.
હાં...હાં હાલાં!