લખાણ પર જાઓ


વનવૃક્ષો/બીલી

વિકિસ્રોતમાંથી
← ખાખરો વનવૃક્ષો
બીલી
ગિજુભાઈ બધેકા
અરણિ →



બીલી


દેવોને જેમ જાતજાતનાં ફૂલોનો શોખ છે તેમ જ તેમને પાંદડાઓનો પણ શોખ છે. શંકરનું પ્રિય પાંદડું બીલીપત્ર છે.

બ્રાહ્મણો બહુ ભાવથી ભોલાનાથ ઉપર બીલીનાં પાંદડાં ચઢાવે છે. બીલીના પત્રોનો અભિષેક થાય છે; એક મંત્ર બોલાય અને એક પાંદડું ચડાવાય. શંકરે તેને પોતાનું કર્યું તેથી બીલીનું ઝાડ પવિત્ર મનાય છે.

બીલીનાં પાંદડાં અજાણપણે પણ શંકર ઉપર પડી જાય તોપણ જેનાથી તે પડે તેને અભિષેકનું પુણ્ય મળે છે. પુરાણમાં વ્યાધ અને હરણાંની કથામાં બીલીના અભિષેકનો મહિમા છે.

મેં અને મારા મિત્રોએ શંકરબાપા ઉપર બીલીના પાંદડાં ઠીકઠીક ચડાવ્યાં છે. બીલીના પાંદડાં તીરખીએ ત્રણ ઝૂમખે થાય છે, અને તે ઉપરથી જ તે ઓળખાય છે. કોઈક જ વાર બીલીપત્ર પાંચ પાંદડે મળે છે, બે બાજુએ બે અને વચ્ચે એક. એનો મહિમા વળી વધારે છે.

આપણે કહી શકીએ કે બીલીના પાંદડાંની ગોઠવણ કલાયુક્ત છે.

બીલીનું ઝાડ સાધારણ રીતે રાયણ જેવડું થાય છે. તેનો છાંયો શીળો અને ઘટ્ટ હોય છે. બીલીના વૃક્ષ નીચે બિરાજતા શંકરને બીલેશ્વર કહે છે.

બીલીના ફળને બીલાં કહે છે. બીલાંથી છોકરાઓ રમે છે અને તેને પથરા ઉપર પછાડીને ફોડવામાં આનંદ લે છે. પાકેલા બીલાંનો સ્વાદ ગળચટ્ટો લાગે છે. ગામડાંના છોકરાઓ તે ખાય છે. બીલીનો ગર્ભ વૈદલોકો ઝાડા ઉપર ઔષધ તરીકે વાપરે છે.

બીલી વિષે વધારે માહિતી લેખકને નથી; પણ જો વધારે મળશે તો બીજી આવૃત્તિમાં તે ખુશીથી લખશે.