રૂપિયા થાય. "એને થોડી અડદની દાળ અને એવું બીજું લઈ જવા દેજો. ત્યાં જાતે રાંધીને ખાશે એટલે ધર્મની બાબતમાં મુશ્કેલી નહીં આવે. આ વાત કોઈને કરશો નહીં. કોઈક સ્કૉલરશિપ મેળવવાની તજવીજ કરો. જૂનાગઢ ને પોરબંદર રાજને અરજી કરો. મારા દીકરા કેવળરામને[૧] મળો. તે છતાં પૈસાની મદદ ન મળે અને તમારી પાસે પૈસા ન હોય તો તમારું રાચરચીલું વેચી કાઢો. પણ મોહનદાસને તો કોઈ પણ હિસાબે લંડન મોકલો જ મોકલો. તમારા મરહૂમ પિતાની આબરૂ ચાલુ રાખવાનો એટલો જ રસ્તો છે." અમારા કુટુંબનાં બધાં માણસોને માવજી જોશી કહે તે વાત પર ભરોસો ઘણો. અને મારા ભાઈ સ્વભાવે સાંભળેલું ઝટ માનીને ચાલવાવાળા હોવાથી તેમણે માવજી જોશીને વચન આપ્યું કે હું મોહનદાસને લંડન મોકલીશ. હવે મારે મહેનત કરવાનો વખત આવ્યો.
આ વાત છાની રાખવાનું વચન આપેલું હોવા છતાં તે જ દિવસે મારા ભાઈએ તે ખુશાલભાઈને[૨] કરી. તેમણે અલબત્ત, હું મારો ધર્મ સાચવી શકું તો વાંધો નહીં કહી એ વાતને મંજૂરી આપી. તે જ દિવસે વળી એ વાત મેઘજીભાઈને[૩] કાને નાખવામાં આવી. તેમણે એ દરખાસ્તને પૂરી સંમતિ આપી અને મને રૂ. ૫,૦૦૦ આપવાનું કહ્યું. તેમાં મને થોડો ભરોસો હતો ખરો. અને મેં મારી વહાલી માને વાત કરી ત્યારે તેણે મને એ બધું માની લેવા જેટલું ભોળપણ બતાવવાને સારુ ઠપકો આપ્યો ને વધારામાં કહ્યું કે વખત આવશે ત્યારે એની પાસેથી તને પૈસો પણ મળવાનો નથી અને તે વખત આવવાનો પણ નથી.
તે દિવસે મારે કેવળરામની પાસે [જવાનું] હતું. તે મુજબ હું તેમને મળ્યો. ત્યાં કંઈ સંતોષકારક વાત ન થઈ. તેમણે કહ્યું કે તારો આશય સારો છે પણ "ત્યાં તને ઓછામાં ઓછા ૧૦,૦૦૦ રૂપિયા ખરચ થશે." આ મને ભારે ફટકો પડયો. વળી તેમણે કહ્યું, "તારે કોઈ ધાર્મિક આગ્રહ હશે તે બધા તારે છોડી દેવા પડશે. તારે માંસ ખાવું પડશે, દારૂ પીવો પડશે. તેના વગર તારાથી ત્યાં રહેવાશે નહીં. જેટલા વધારે પૈસા ખરચશે તેટલો તું વધારે હોશિયાર થવાનો. આ બહુ મહત્ત્વની વાત છે. હું તો ભાઈ તને ચોખ્ખી વાત કરું છું. માઠું ન લગાડીશ, પણ જો, તું હજી તદ્દન જુવાન છે, લંડનમાં પ્રલોભનોનો પાર નથી. તું તેમાં ફસાયા વગર રહે નહીં." આ વાતથી હું થોડો નિરાશ થયો. પણ એક વાર એક વાત મન પર લીધા પછી ઝટ છોડી દઉં એવો માણસ હું નથી. તેમણે મને મિ. ગુલામ મહમદ મુનશીનો દાખલો આપ્યો. મેં તેમને પૂછયું કે સ્કૉલરશિપ મેળવી આપવામાં તમે કોઈ રીતે મને મદદ કરી શકો ખરા કે નહીં? તેમણે ના પાડી. તેમણે કહ્યું કે એ વગર બીજું કંઈ હશે તો હું ખુશીથી કરીશ. મેં બધી વાત મારા ભાઈને જણાવી.
પછી મને મારી વહાલી માની સંમતિ મેળવવાનું કામ સોંપાયું. મને એ કામ બહુ અધરું લાગતું નહોતું. બેએક દિવસ પછી મારા ભાઈ ને હું કેવળરામને મળવા ગયા; તે વખતે તેઓ બહુ કામમાં હતા છતાં અમને મળ્યા. બેએક દહાડા પહેલાં મારે તેમની સાથે વાત થયેલી તેવી જ વાત ફરી તેમણે અમને બંનેને કરી. મારા ભાઈને તેમણે મને પોરબંદર મોકલવાની સલાહ આપી. એ સલાહ અમે સ્વીકારી. પછી અમે ઘેર આવ્યા. મેં મજાકમાં મારી વાત મારી મા