હવે હું નહોતો તે દરમિયાન રાજકોટમાં બન્યું તે જોઈએ. મારે કહેવું જોઈએ કે મારો મિત્ર શેખ મહેતાબ ઘણો અડપલાંખોર છે. તેણે મેઘજીભાઈને તેમનું વચન યાદ દેવડાવ્યું અને એક કાગળ લખી તેના પર મારી ખોટી સહી કરી તેમાં જણાવ્યું કે મારે ૫,૦૦૦ રૂપિયાની જરૂર છે વગેરે. તે કાગળ તેમને બતાવવામાં આવ્યો અને તે ખરેખર મારા કાગળ તરીકે ચાલી ગયો. એથી પછી એ તદ્દન ફુલાઈ ગયા અને મને રૂપિયા ૫,૦૦૦ આપવાનું તેમણે ગંભીર વચન આપ્યું. હું રાજકોટ પહોંચ્યો ત્યાં સુધી મને આ વાતની ખબર આપવામાં આવી નહોતી.
હવે પોરબંદર પાછા ફરીએ. છેવટે મારે નીકળવાનો દિવસ ઠરાવવામાં આવ્યો. મેં મારા કુટુંબીઓની વિદાય લીધી અને હું મારા ભાઈ કરસનદાસ તેમ જ મેઘજીના ખરેખર કંજૂસાઈના અવતાર જેવા પિતા સાથે રાજકોટ જવા ઊપડયો. રાજકોટ જતા પહેલાં મારું રાચરચીલું વેચી કાઢવાને અને ઘરનું ભાડું ચડતું રોકવાને હું ભાવનગર જઈ આવ્યો. આ કામ મેં એક જ દિવસમાં પતાવ્યું અને આડોશપાડોશના મિત્રોથી અને મારાં માયાળુ ઘરમાલિક બહેનથી હું છૂટો પડયો. એ લોકોને મને વિદાય આપતાં અાંખમાં ઝળઝળિયાં આવી ગયાં. તેમનું તેમ જ અનુપરામનું અને બીજા લોકોનું માયાળુપણું હું કદી નહીં વીસરું. આમાંથી પરવારીને હું રાજકોટ પહોંચ્યો.
પણ ત્રણ વરસ સુધી રાજકોટથી બહાર જતા પહેલાં મારે કર્નલ વૉટસનને મળવાનું હતું. ૧૮૮૮ની સાલના જૂન માસની ૧૯મી તારીખે તેમનું રાજકોટ આવવાનું થવાનું હતું. આ સાચે જ મારે માટે બહુ લાંબો ગાળો હતો કેમ કે હું રાજકોટ મેની શરૂઆતમાં પહોંચી ગયેલો. પણ એમાં મારું કંઈ ચાલે એવું નહોતું. મારા ભાઈ કર્નલ વૉટસન પાસે મોટી આશા રાખતા હતા. એ દિવસો કાઢવા ખરેખર કપરા હતા. રાતે મને બરાબર ઊંઘ આવતી નહીં અને સ્વપ્નાનો હુમલો હમેશ થતો. કેટલાક લોકો મને લંડન ન જવાને સમજાવતા તો બીજા વળી જવાની સલાહ આપતા. કોઈ કોઈ વાર મારી મા પણ મને ન જવાનું કહેતી અને સૌથી વધારે નવાઈની વાત તો એ કે મારા ભાઈ પણ વારંવાર પોતાનો વિચાર ફેરવતા. આમ મારું મન દ્વિધામાં રહેતું. પણ બધાં જાણતાં હતાં કે એક વાર એક વાત શરૂ કર્યા પછી હું તેને છોડું એવો નહોતો એટલે ચૂપ રહેતાં. એ દરમ્યાન મેઘજીભાઈના વચનને વિષે તેમને પૂછી જોવાનું મારા ભાઈએ મને કહ્યું. અલબત્ત, જવાબ તદ્દન નિરાશાજનક મળ્યો અને ત્યારથી તેણે હમેંશ દુશ્મનનો ભાગ ભજવવા માંડયો. જેની ને તેની આગળ તેણે મારું ભૂંડું બોલવા માંડયું. પણ તેનાં મહેણાંટોણાંની હું પૂરી અવગણના કરી શકયો. મારી વહાલી મા આથી તેના પર ખૂબ ગુસ્સે થઈ અને તે કેટલીક વાર બેચેન પણ થતી. પણ હું તેને સહેલાઈથી સાંત્વન આપી રાજી કરી શકતો અને મારી વહાલી મા મારે ખાતર દુ:ખી થઈ આંસુ સારતી હોય ત્યારે તેને સમજાવી રાજી કરી ખડખડાટ હસાવવામાં હું ઘણી વાર સફળ થયો છું તે વાતથી મને ઘણું સમાધાન છે. આખરે કર્નલ વૉટસન આવ્યા. હું તેમને મળ્યો. તેમણે કહ્યું: "હું એનો વિચાર કરીશ," પણ મને તેમની પાસેથી કદી કોઈ જાતની મદદ મળી નહીં. મને કહેતાં દિલગીરી થાય છે કે ઘણી મહેનતે તેમની પાસેથી પરિચયની નજીવી ચિઠ્ઠી હું મેળવી શકયો. અને તે આપતી વખતે તેમણે દમામથી કહેલું કે એ ચિઠ્ઠીની કિંમત એક લાખ રૂપિયા છે. એ વાત યાદ આવે છે ત્યારે આજે મને હસવું આવે છે!
હવે મારો નીકળવાનો દિવસ મુકરર કરવામાં આવ્યો. પહેલાં તે ઑગસ્ટની ચોથી હતી. પણ વાત હવે છેવટની હદે પહોંચી. હું ઇંગ્લંડ જવાનો છું એ વાત છાપાંઓમાં જાહેર થઈ. મારા ભાઈને કોઈ ને કોઈ મારા જવાની વાત પૂછતું જ હોય. આ ઘડીએ તેમણે મને જવાનું