અકબર/અકબરનાં ધોરણો અને સામ્રાજ્ય વ્યવસ્થા.
← અકબરના રાજ્યનો ઇતિહાસ. | અકબર અકબરનાં ધોરણો અને સામ્રાજ્ય વ્યવસ્થા. ઉત્તમલાલ ત્રિવેદી |
પ્રકરણ ૧૨ મું.
અકબરનાં ધોરણો અને સામ્રાજ્ય વ્યવસ્થા.
અઈન–ઈ–અકબરીનો કર્ત્તા લખે છે કે નાના મોટાં બધાં રાજ્યનાં ત્રણે અંગની કૃતાર્થતા અને પ્રજાની ઈચ્છાનું સંપાદન, એ બધું, રાજાની વખત ગાળવાની રીત ઉપર આધાર રાખે છે.
આ કસોટીએ જોતાં અકબરે એક મનુષ્ય તરીકે તેમજ રાજા તરીકે મેળવેલી ફતેહનાં ન્યાયસિદ્ધ કારણો પોતેજ આપણને મળી શકે છે. એ પ્રત્યેક કામ જાતે કરતો એટલુંજ નહિ પણ રાજ્યકર્તાની વ્યક્તિના માત્ર ઉપર આધાર ન રહેતાં લોકોનાં હૃદયમાં ઊંડા મૂળ નંખાય એવી ઈમારત બાંધવાનો જે એના જીવતરનો મુખ્ય હેતુ હતો, તેનાં સાધનો વિષે વિચાર કરવાનો અને તે વિચારોને જાતે જ અમલમાં મૂકવાનો પણ તેના કાર્યક્રમમાં સમાવેશ હતો. આ હેતુ પાર પાડવામાં એણે જે સાધનો યોજ્યાં એનું વિવેચન કરતાં પહેલાં મનુષ્ય જાતની આધ્યાત્મિક સ્થિતિ સંબંધી વિચારોની સાથે એનું મન કેવું અનુકૂળ હતું અને તેથી એના ઉપર શી અસર થઈ હતી તે વિષયે બે શબ્દો બોલવાનું હું ધારૂં છું. આ વિષય ઉપર વિચાર કરવો એ સર્વથી વધારે અગત્યનું છે. કેમકે ધર્માંધ મુસલમાનોના સિદ્ધાન્ત પ્રમાણે હિન્દુ પ્રજા નિત્ય નરકની અધિકારીણી હતી. તે પ્રજાના આગ્રહો કાર્યસિદ્ધિ પૂર્વે અશક્ય ગણાય એટલે અંશે નરમ પાડવાને સમસ્ત પ્રજાવર્ગના પ્રમાણમાં માત્ર મુઠ્ઠીભર મુસલમાનોનો એક સરદાર સમર્થ થઈ શકે કે નહીં એ વિચારનો આધાર તે સરદારના મનના બંધારણ ઉપર અને પોતાના ધર્મવાળાઓથી ભિન્ન મતનું વિના આગ્રહ ગ્રહણ કરવાની અને તેની નિષ્પક્ષપાત તુલના કરવાની તેની શક્તિની ઇયત્તા ઉપર રહેલો છે. આ બાબતમાં ઉદાર નીતિ પૂર્ણ રીતે વાપરવાને આ વખત કેવળ પ્રતિકૂળ હતો, એટલું તો નિઃસંદેહ છે.
મુસલમાનો વિજેતા હતા એટલું જ નહિ પણ પોતાનો ધર્મ તલવારથી ફેલાવનારા વિજેતા હતા. તેઓમાંના ખરા ઝનુની લોકો હિંદુ ધર્મ અને તેના અનુયાયિઓ ઉપર અત્યંત ધિક્કારની નજરે જોતા હતા; જે ધિક્કાર તે કાળના એક ઇતિહાસકાર બદૌનીના લેખમાં પાને પાને જોઈ શકાય છે. આ ધિઃકાર માત્ર હિન્દુ ધર્મ ઉપરજ હતો એમ નહીં પણ મહમદીય ધર્મ સિવાયના બીજા બધા ધર્મના આચાર વિચાર ઉપર પણ એવીજ રીતનો ધિઃકાર હતો.
અકબર આજ ધર્મમાં જન્મેલો હતો. પણ જન્મથીજ એનું મન શોધકવૃત્તિનું હતું. અને કોઈ પણ વસ્તુને તે સિદ્ધવત્ માની લેતો જ નહીં. એની કેળવણીના વખતમાં, માત્ર હિંદુ ધર્મના હોવાથી જેમને એના દરબારીઓએ નિરંતરની માનસિક વ્યથામાં નાંખ્યા હતા, એવા રજપુત રાજાઓની પ્રામાણિકતા એકનિષ્ઠતા અને ઘણીવાર તેમના જીવનની ઉદારતા વગેરે તેમના સદ્ગુણો જોવાના ઘણા પ્રસંગો અકબરને મળ્યા હતા. એ સમજ્યો હતો કે આ માણસો અને આમનાજ ધર્મના બીજા માણસો એજ મારી પ્રજાનો ઘણો મોટો ભાગ છે. એણે વળી એમ પણ જોયું કે આમાંના ઘણા વિશ્વાસપાત્ર માણસો દરબારનો ધર્મ સ્વીકારવાથી વ્યવહારિક દૃષ્ટિએ એમને ઘણો લાભ થશે એમ સ્પષ્ટ જાણ્યા છતાં પણ પોતાના જ ધર્મને ચુસ્ત રીતે વળગી રહ્યા છે. આ કારણથી હું વિજેતા રાજા મુસલમાન છું તેટલા માટે મુસલમાની ધર્મ મનુષ્ય માત્રને માટે ખરો ધર્મ છે એવો સિદ્વાન્ત ગ્રહણ કરવા એનું વિચારશીલ મન પ્રથમથીજ નારાજ હતું. ધીમે ધીમે એના વિચારો નીચેના વચનમાં શબ્દરૂપે આવ્યા. “હજી હુંજ જ્યારે સુવિનીત નથી ત્યારે બીજાને મારેજ રસ્તે દોરવાનો હક્ક મારે શા સારૂ ધારણ કરવો.” જેમ જેમ બીજા વિચારો અને બીજા મતોનું એ લક્ષપૂર્વક શ્રવણ કરવા લાગ્યો તેમ તેમ એની શુદ્ધ શંકાઓ દૃઢ થવા માંડી અને કોઇ ધર્મના કોઈ સંપ્રદાયની તીવ્ર અનુદારતા જોતાં જોતાં સર્વને માટે સમાનભાવના ધોરણ ઉપર તે વધારે ને વધારે સ્થિર થવા લાગ્યો.
આ ફેરફાર કાંઈ એકદમ ન થતો. ઇતિહાસકાર બદૌની જે એક મતાંધ મુસલમાન હતા અને જે આ પ્રતાપી બાદશાહની સ્વધર્મભ્રષ્ટતાને ધિઃકારતો તેણે લખ્યું છે કે—
છેક નાનપણથી તે યુવાવસ્થા સુધીમાં અને યૌવનથી વૃદ્ધ વય સુધીમાં બાદશાહ ભિન્ન ભિન્ન સ્થિતિઓમાં અને તમામ સંપ્રદાયોના આચારો તથા તમામ ધર્મોના વિચારોમાં થઈને પસાર થયા છે. મુસલમાન આચારના ધોરણથી કેવળ વિરૂદ્ધ એવા સંશોધનથી જૂદા જૂદા ગ્રંથોમાંથી જે કાંઇ મળી આવ્યું તે પોતાની સારગ્રહણ કરવાની શક્તિને લીધે તેમણે એકઠું કર્યું છે એ રીતે કેટલાંક મૂળતત્વો ઉપર બંધાયેલા કેટલાક માનનીય વિચારોની એના હૃદય ઉપર છાપ પડતાં અને તેના ઉપર થયેલી જૂદી જાદી અસરોના પરિણામમાં જેમ કોઈ પાષાણ ઉપર બાહ્યરેખા થાય, તેમ ધીમે ધીમે તેના અંતઃકરણમાં એવો નિશ્ચય થવા લાગ્યો કે બધા ધર્મમાં બુદ્ધિશાળી માણસો અને બધી પ્રજામાં આગ્રહવિનાના વિચારવાળાઓ અને ચમત્કારિક શક્તિ ધરાવનારાઓ થઈ ગયા છે. જ્યારે કંઇક ખરૂં જ્ઞાન આમ બધા ધર્મમાં છે ત્યારે બધું સત્ય કોઈ પણ એક ધર્મમાં અને પ્રમાણમાં નવા, માત્ર એક હજારજ વર્ષ થયાં પ્રચલિત થયેલા, ઈસ્લામ ધર્મમાંજ, શા માટે ભરાઈ રહેલું હોય ? એક સંપ્રદાયવાળાએ બીજા જેની ના પાડે તેનો શા માટે સ્વીકાર કરવો પડે અને પોતાને ઉત્તમતા મળી ન હોય તેમ છતાં બીજા કરતાં અમે ઉત્તમ છીએ એ હક અમુક એકે શા માટે ધરાવવો જોઇએ ?
બદૌની આગળ ચાલતાં લખે છે કે અકબર બ્રાહ્મણો અને સંન્યાસીઓ સાથે સંવાદો કરતો અને તેની અસરથી જન્માંતરનો મત તેણે સ્વીકાર્યો હતો તો પણ તેની પેઠે ઇસ્લામનાજ ધર્મમાં જન્મેલા અને ઉછરેલા ફૈઝી અને અબુલફઝલ નામના બે ભાઈઓથી પોતાના ધર્મ સંબંધી અભ્યાસના માર્ગ ઉપર ઘણી અસર થઈ હતી, એમાં કોઈ શક નથી. આ બે પ્રતાપી પુરુષોના સંબંધમાં કાંઈક લખવું જરૂરનું છે. તેઓ આરબ કામના શેખ મુબારક નામના એક શેખના દીકરા હતા. શેખ મુબારકના પૂર્વજો રજપુતાનામાં આવેલા નગર આગળ વતન કરીને રહ્યા હતા. શેખ મુબારકે પોતાના પૂર્વજોના ધર્મના પ્રત્યેક અંગ ઉપાંગનું પુર્ણ જ્ઞાન થાય એવી રીતે અભ્યાસ કર્યો હતો. તેનું મન શોધક હતું અને તેનામાં સર્વગ્રાહક બુદ્ધિ હતી. જેમ એને જ્ઞાન થતું ગયું તેમ તેમ તેના વિચારો આગળ વધતા ગયા, અને તેથી જ્ઞાનનું ગ્રહણ તેમજ ધારણ કરવાને જે સમર્થ મનવાળા આ બાળકોને તેણે એવી કેળવણી આપી હતી કે જેથી ગમે તેવા મંડળમાં તેઓ પ્રકાશી શકે. મોટો શેખ ફૈઝી ૧૫૪૭ માં આગ્રા આગળ જન્મ્યો હતો. કેમકે આ વખતે તેનો બાપ તે શહેરની પડોસમાં રહેવા આવ્યો હતો. આમ તે અકબરથી પાંચે વર્ષે નાનો હતો. અકબરે વાયવ્ય પ્રાન્તોનો પુર્નવિજય મેળવ્યો ત્યાર પછી થોડી મુદ્દતમાં આશરે વીસ વર્ષની ઉમરના શેખ ફૈઝીએ સાહિત્યશાસ્ત્રીની અવે વૈદ્યકશાસ્ત્રીની શાન્ત અને સાદી જીંદગી ગાળવા માંડી હતી. વૈદ્ય તરીકેના પોતાના ધંધાની કમાણીથી ઉત્તેજિત થયેલી એની સહજ ઉદારતાએ એને ઘણાં સખાવતનાં કાર્યો કરાવવા પ્રેર્યો હતો. અને ગરીબ લોકોની મફત બરદાશ કરવાની તેની રીત પડી ગઈ હતી. ધર્મ વિષયમાં પોતાના પિતાને અનુસરીને શીયાપંથના કાંઈક અનભિમત વિચારો તરફ એનું વલણ હતું. એવું કહેવાય છે કે બાદશાહના કાજીને એકવાર પોતાને કાંઈક જમીન બક્ષવાની એણે અરજ કરી. કાજી સુન્ની હતો તેથી તેણે બક્ષીસ આપવાની ના કહી એટલુંજ નહીં પણ પોતાની કચેરીમાંથી તેને તિરસ્કાર કરીને કહાડી મુક્યો. દરમિયાન તે વખત અકબર ચીતોડને ઘેરો ઘાલતો હતો. ત્યાં ફૈઝીની મોટી બુદ્ધિ વિષે ચાલતી વાતોથી લોભાઇને તેને તેણે પોતાની છાવણીમાં બોલાવ્યો. ફૈઝીને ઘણા શત્રુઓ હતા અને ખાસ કરીને સુન્ની અથવા જુના મતના મુસલમાનોમાં ઘણા હતા. તેમણે કાંઈક ઈન્સાફ કરવા સારૂ ફૈઝીને બોલાવે છે એવો અર્થ લીધો અને ફૈઝી નાશી ન જાય એવી આગ્રાના સુબાને ચેતવણી આપી. ફૈઝીનો તો નાસવાનો વિચાર પણ નહોતો; પણ અકબરની છાવણીમાં તો તેને કેદી તરીકે લઈ ગયા. પ્રતાપી અકબર એને વિનયથી મળ્યો અને એની બહુદેશી બુદ્ધિથી મોહ પામીને પોતાના શાહજાદાઓની ઊંચી વિદ્યાના ગુરુ તરીકે પોતાના દરબારમાં થોડી મુદતમાં રાખ્યો. કોઈ કોઈ વાર એલચીનું કામ પણ એને સોંપવામાં આવતું.
ફૈઝીને મળતો પુષ્કળ વખત એ કાવ્ય રચવા પાછળ ગાળતો. તેત્રીસમા વર્ષમાં રાજકવિના જેવા એક હોદ્દા ઉપર એની યોજના થઈ. સાત વરસ પછી એ મરણ પામ્યો. તે દરમિયાન એ અકબરની કૃપાથી કદી પણ ભ્રષ્ટ થયેલ નહતો. એના સહવાસમાં અકબર આનંદ માનતો અને એની વાતચીતમાં હર્ષઘેલો થઈ જતો. એવું કહેવાય છે કે એણે એકસોને એક ગ્રંથો રચ્યા છે. ચાર હજાર અને ત્રણસેં ચુનંદા હસ્તલેખવાળો એનો સુંદર ગ્રંથસંગ્રહ બાદશાહી સંગ્રહમાં જોડી દેવામાં આવ્યો.
શેખફૈઝી ઉપર અકબરની પૂર્ણ કૃપા હતી, પણ અઈનઇ–અકબરીના કર્તા શેખ અબુલફઝલ ઉપર અકબરની કૃપા વિશેષ હતી. અબુલફઝલ ૧૫૫૧ માં આગ્રામાં જન્મ્યો હતો. એને પણ એના ભાઈની પેઠે પોતાના પિતાના ઉમદા અને સર્વદેશી શિક્ષણનો સારો લાભ મળ્યો હતો. પ્રભાવવાળા અતઃકરણે સ્વતંત્ર વિચાર કર્યા પછી સ્વીકારેલા મતોને લીધે પોતાના પિતા ઉપર બહિષ્કાર અને તેથી પણ વિશેષ દુઃખ પડ્યું હતું. તે તેણે લક્ષમાં લીધું હતું અને મનમાં તો એ વાતથી એને રોષ પણ ઉપન્ન થયો હતો. બાળક મન ઉપર આની અસર એ થઈ કે સર્વ ધર્મ માટે સમાન સદ્ભાવ રાખવાના ગુણની યોગ્ય તુલના થઈ અને આગળ પાછળના સંજોગોના દબાણને લીધે પોતાના અભ્યાસ ઉપર અપૂર્વ શ્રમ લેવાનું ઉત્તેજન મળ્યું. પંદરે વર્ષે ન્યાય અને કર્ણપરંપરાથી પ્રાપ્ત સર્વ શાસ્ત્રોનો અભ્યાસ એણે પૂરો કર્યો અને વીસ વર્ષનો થયો ત્યાર પહેલાં તો તેણે શિક્ષાગુરુ તરીકે ધંધો ચાલુ કર્યો હતો.
શુભનામવાળા સ્વર્ગસ્થ પ્રોફેસર બ્લોકમાન લખે છે કે “આ વખતે પણ એનું જ્ઞાન કેટલું બહોળું હતું તે જણાવવા એક નીચેનો બનાવ મળી આવે છે. ઇસ્પહાનીના અમુલ્ય ગ્રંથનો એક હસ્તલેખ એના હાથમાં કાંઈક આવ્યો. કમનસીબે ઉપરથી નીચે સૂધી દરેક પાનાનો અરધો ભાગ અગ્નિથી કોઈ ઠેકાણે ઉકલે નહીં એવો થઈ ગયેલો હતો, અને કોઈક ઠેકાણે કેવળ નાશ પામ્યો હતો. આવા અમુલ્ય ગ્રંથનો ઉદ્ધાર કરવાનો ઠરાવ કરીને અબુલફઝલે બળેલો ભાગ કહાડી નાંખ્યો; દરેક પાને નવા કાગળો નાંખ્યા અને દરેકે દરેક પંક્તિનો ખૂટતો ભાગ પોતે લખવાનું શરૂ કર્યું. આ પ્રયત્નમાં ઊંડા વિચારથી કેટલીક વાર વાંચી ગયા પછી એ વિજયી થયો. થોડાક વખત પછી એજ ગ્રંથની આખી નકલ મળી આવી, અને પછી મુકાબલો કરતાં માલુમ પડ્યું કે અલબત કેટલેક ઠેકાણે શબ્દો જુદા હતા, કેટલેક પ્રસંગે કારણો પણ નવાંજ આપેલાં હતાં પણ બધું જોતાં અબુલફઝલે ઉદ્ધારેલો ભાગ મૂળની સાથે એટલો બધો અસાધારણ રીતે મળતો આવતો હતો કે એક કઠણ લેખકની લેખપદ્ધતિ અને વિચારપદ્ધતિમાં અબુલફઝલને ઊંડો ખૂંપી ગયેલો જોઈ તેના મિત્રોને મહોટું આશ્ચર્ય થયું.
અબુલફઝલ સ્વભાવે અભ્યાસી હતો, તેથી તેણે થોડોક વખત અકબરે મોકલેલા દરબારમાં આવવાના તેડાનો અનુકુળ જવાબ ન આપ્યો. પણ ઉપર વર્ણવી તે રીતે અકબરની સાથે જામેલી એના મોટા ભાઈ ફૈઝીની મિત્રતાએ અકબરની મૈત્રીને માટે રસ્તો કર્યો; અને ફૈઝીના ભાઈ તરીકે જ્યારે સને ૧૫૭૪ માં અબુલફઝલને અકબરની સમક્ષ રજુ કરવા તેડાવ્યો ત્યારે તેણે તેને એવો મનોહારી આવકાર દીધો કે ‘મસ્ત એકાંતવાસ’ ની જીંદગી ગાળવાના પોતાના ઠરાવ બાબત ફરીથી વિચાર કરવાનું અબુલફઝલને મન થયું; આ વખતે તેનું વય માત્ર ત્રેવીસ વર્ષનું હતું પણ આ દેશમાં પ્રાપ્ય જ્ઞાન મેળવવાનાં તમામ સાધનો તેણે ખુટાડ્યાં હતાં. એની સ્થિતિ તેના પોતાના શબ્દોમાં નીચે પ્રમાણે હતી. ‘મારા મનને કાંઈ વિશ્રાન્તિ મળતી નહતી. અને મારૂં અંતઃકરણ મોંગોલીઆના વિદ્વાનો અથવા લેબેનોન ઉપર રહેનારા સાધુઓ તરફ ખેંચાયું હોય એમ મને લાગતું. ટીબેટના લામાઓને અથવા પોર્ટુગાલના પાદરીઓને મળવાની મને પ્રબળ ઈચ્છા થતી અને પારસીઓના દસ્તુરો કે ઝન્દઅવેસ્તા જાણનારા વિદ્વાનોની સાથે હું ખુશીથી બેસવા ઉઠવા ઇચ્છતો. આ સમયથી તે દરબાર સાથે જોડાયો અને એની અને અકબરની વચ્ચે અન્યોન્યને માટે આદરસન્માન અને સદ્ભાવ ઉપર સ્થપાયેલી–જીવિતના આનંદ જેવી શુદ્ધ, મૈત્રી બંધાઈ. અબુલફઝલને અકબર જેવો એક યોગ્યતમ શિષ્ય મળ્યો. શિકારના આનંદને સમયે, રાજ્યની ચિંતાને સમયે કે યુદ્ધના શ્રમને સમયે પણ એના આ પ્રિયતમ મિત્રની અને એને હરાવવા પ્રયત્ન કરતા મુસલમાન ધર્માધ્યક્ષો અને શાસ્ત્રીઓની વચ્ચે થતા વિવાદોનું શ્રવણ કરવાના જેવો બીજો વિશ્રામ અકબરને સારો લાગતો નહતો. આ સંવિવાદો એ એના રાજ્યનો એક અગત્યનો બનાવ હતો. એમના સંબંધી કાંઈક સૂક્ષ્મ વિવેચન કર્યા વિના અકબરનો સ્વભાવ નહીં સમજી શકાય. સર્વેના ઉપર સમાનભાવ અને સર્વે માટે સમાન રાજ્યનીતિ, જેના પ્રવર્તનનો સમય હિંદના ઇતિહાસમાં એક અગત્યના યુગ જેવો થઈ ગયો છે, તે ધોરણોનું ગ્રહણ અકબરે કાંઈ એકદમ કર્યું નહતું. પોતાના રાજ્યના પ્રથમનાં વીસ વર્ષમાં પોતાની સત્તા સ્થિર રાખવાને એને વિજયો મેળવવા પડ્યા હતા. બિહાર બંગાળ અને ઓરીસા તથા ખાનદેશ અને ગુજરાત સહિત પશ્ચિમ હિંદુસ્તાનના દેશોના પદભ્રષ્ટ કરેલા વંશના પુરુષો લાગ શોધતા બેસી રહ્યા હતા. તે વખતે શાન્ત થઇને બેસી રહેવું એ સામા થવાને તેડું મોકલ્યા બરાબર હતું. આગળ વધ્યે જવાની એને ફરજ પડી. પૂર્વનો અનુભવ અને તેની દૃષ્ટિ નીચે રોજરોજ બનતી બીનાઓએ એક સરખી રીતે સાબિત કરી આપ્યું હતું કે જો અંદરની શાન્તિનો હિંદને કોઈ દિવસ અનુભવ કરાવવો હોય તો માત્ર એકજ સર્વોપરિ સત્તા–જરૂરની છે.
આ વીસ વર્ષની દરમિયાન અકબરને ફુરસદ તો ઘણી મળતી હતી. તે પોતાની હજુરના માણસો સાથે જીતાયલા દેશો બધા લોકોના સદ્ભાવથી સ્થિર રહી શકે એવી રાજ્યપદ્ધતિ સ્થાપવાના વિચાર કરવામાં ગાળતો. જુની પદ્ધતિ સાંપ્રતમાં પ્રતિકૂળ છે એમ તો એણે પોતાના મન સાથે નક્કી કર્યું હતું. જુદા જુદા ઈલાકાઓમાં કાયમનું લશ્કર રાખીને હિંદુસ્તાનનો કબજો રાખવો અને દેશના વતનીઓના મનોભાવ અને તેમના પ્રતાપનો અને જગત્ની બધી પ્રજાઓ કરતાં કાવ્ય અને રસ તરફ જેનું વિશેષ વલણ છે અને મનુષ્યજાત ઉપર અસર કરવામાં સમર્થતર બંધનથી જેઓ વડવાઓના પ્રતાપની વાર્તાઓને હજી વળગી રહે છે તેમના મનોરથનો કાંઈ પણ હીસાબ ન ગણવો ? એ તેને અશક્ય લાગ્યું.
ચાર ચાર સૈકા સૂધી અજમાવેલી જૂની રાજ્યપદ્ધતિ તેના પ્રવર્તકનાજ હાથમાં, અથવા તો પ્રવર્તકના નજીકના ઉત્તરાધિકારીના સમયમાં તો જરૂર, ભાંગી પડતી. અને આ સમજાયા છતાં અકબરના પૂર્વે કોઈએ એ સિવાય બીજી પદ્ધતિ અજમાવી ન હતી. એના પ્રતાપી દાદાને બીજી પદ્ધતિની જરૂર વિષે કાંઈજ ભાન થયું હતું પણ તે માટે જોઈતો વખત તેને મળી શક્યો ન હતો. કેમકે એને પણ સ્થિર રહેવા માટે પ્રથમતો વિજયો મેળવવાની જરૂર પડી હતી. એનોન બાપ તો વળી તેના પહેલાંના અફધાન બાદશાહોના કરતાં પણ આ ઉખાણો ઉકેલવામાં વધારે નિષ્ફળ થયો હતો. એક વધારે ચાલાક સેનાપતિને હાથે તેની પડતી થઈ, અને તેની પદ્ધતિ કાંઇ પણ ચિન્હ પાછળ રાખ્યા વિના નાશ પામી. હવે કાયમ રહી શકે એવી પદ્ધતિ સ્થાપવાની જરૂરનું ઊંડું ભાન અકબરને થયું. અને ધીમે ધીમે આટલું પણ એને જણાયું હતું કે ચિરસ્થાયિ પદ્ધિતિનો પાયો અન્યના સન્માન ઉપર, વર્ણના, ધર્મના અને ઈતિહાસના ભેદો વિષયે એક એકની સહિષ્ણુતા ઉપર, તથા બન્નેના સ્વાર્થના એકીકરણ ઉપર રચવો જોઈએ. અને રાજ્યરૂપી કમાનની કુંચીરૂપ પથ્થરના ખરવાથી તેના ઉપર બંધાયેલી આખી કમાન ભાંગી પડશે, એવી સ્પષ્ટ સમજણ સાથે તે કમાન ચણવી જોઈએ. આથી તેણે ઉપર કહ્યું તે મુજબ પોતાના રાજ્યનાં પહેલાં વીસ વર્ષ, પરાભવ પામેલા લોકોના મન ઉપર ઊંડી અસર કરે અને તેમના મનમાં પૂર્ણ વિશ્વાસ અને ખાત્રી થાય એવી રાજ્યપદ્ધતિ શોધી કહાડવાના વિષય ઉપર પોતાના રાજ્યના વિદ્વાનો સાથે ચર્ચા કરવામાં ગાળ્યાં.
અબુલફઝલનું ઓળખાણ થતાં પહેલાં નિરાશ થઈ અકબરે આ કામ લગભગ છોડી દીધું હતું. શાણી સલાહને બદલે મતાંધપણાની અને વિષમભાવ તરફના વલણવાળી શીખામણો એને મળતી હતી. એના પ્રથમના મંત્રીઓ તરફથી કાંઈ આશા રાખવાની હતી જ નહીં. આ લોકોના લખારાનો અને મુસલમાન મુસલમાનમાં પણ મતભેદને લીધે સીતમ ગુજારવા તરફના તેમનાં વલણ ઉપરથી અકબરને કંટાળો છૂટ્યો હતો. અબુલફઝલની પ્રશસ્ય ઉદારતા એના લક્ષમાં બરોબર ઉતરી ન હતી ત્યાર પહેલાં પણ પોતાના રાજ્યમાં એક મોટી સત્તારૂપ થઈ પડેલા મતાંધ ધર્માધ્યક્ષો સાથે કોઈ પણ રાજ્યપદ્ધતિનું સ્થાપન કરવા પહેલાં લડાઈ કરવી પડશે એવો તો એને નિશ્ચય થયો હતો. પ્રોફેસર બ્લોકમાન લખે છે કે પોતાની હિંદુ પ્રજાની યોગ્યતા વિષે ઘણો અનુકૂળ અભિપ્રાય એના મનમાં બંધાયાથી ફતેહપુર સીક્રીમાં કોઈ એકાંત સ્થળમાં પથ્થર ઉપર વિચારમાં બેઠો બેઠો પોતાના રાજ્યમાં સમાનભાવે રાજ્ય ચલાવવાનો તેણે નિશ્ચય કર્યો હતો. પણ પોતાના વિદ્વાનો અને ન્યાયશાસ્ત્રીઓના એકાન્ત અભિપ્રાયો ભેદ મટાડવાને બદલે અન્ય પ્રજાને હેરાન કરવાને વારંવાર એને આગ્રહ કરતા તેથી ‘હું ભુલું છું તો રાજા તરીકે તપાસ કરવી એ મારી ફરજ છે’. એમ વિચાર કરી તે બાબત ઉપર ચર્ચા કરવા માંડી. આ ચર્ચા પ્રત્યેક ગુસ્વારની રાત્રે આજ હેતુથી બંધાયેલા ઈબાદતખાના નામની ફતેહપુર સીક્રીના એક મકાનમાં ચાલતી.
કેટલીક વખત તો અબુલફઝલ આમાં ગૌણભાગ લેતો અને મુસલમાન પક્ષવાદીઓને એક બીજાની દલીલોના જવાબ દઇ તોડી નાંખવાને માત્ર ઉશ્કેરતો. આ પક્ષવાદીઓ હિંદુ અને બીજા કાફર લોકોને હેરાન કરવા એ સારી વાત છે એ બાબતમાં એકમત થતાં એક એક ઉપર બેવફાઈના તોહમતો મૂકતા તેથી તેમણે બતાવેલી મતાંધતા અને અનુદારતાથી અકબરને કંટાળો છૂટ્યો. ઈસ્લામના ધર્મમાં ઐક્યને બદલે અતિશય વિભાગની પદ્ધતિ તેના જોવામાં આવી. વળી કેટલાક તો રાજ્યમાં મોટા અમલદાર છતાં પણ એક બીજાની સાથે કેવળ અવિનયથી વર્તતા તેથી પણ અકબરને કંટાળો છૂટ્યો હતો અને એક વાર તે ‘આવી રીતે હવે કોઈ મને નારાજ કરશે તો એને આ મકાન છોડવું પડશે’ એવી ચેતવણી આપવાની પણ એને જરૂર પડી હતી. આખરે એક સ્મરણીય સંધ્યાકાળે અબુલફઝલે અણીનો વખત આણી મુક્યો. ભાવી વિરોધની ગણત્રી કરીને એણે નીચેની ચર્ચા રજુ કરી: રાજા પોતાની પ્રજાનો માત્ર ઐહિક નહિ પણ પારલૌકિક વિનેતા તરીકે પણ લેખાવો જોઈએ કે કેમ ?
આ મત કુરાન સર્વ મનુષ્યકૃત ગ્રંથમાં શ્રેષ્ઠ છે એ ઇસ્લામના મુખ્ય ધોરણનો વિરોધી હતો. અબુલફઝલની ચર્ચાનો મુખ્ય મુદ્દો પૂર્વના વાદોમાં મુસલમાન વિદ્વાનોના કુરાનના કેટલાક ભાગોના અર્થમાં મતભેદ થયા છે એટલુંજ નહીં પણ મહમદની નીતિ સંબંધી પણ એમનામાં મતફેર છે, એ વાતમાં સમાયેલો હતો. આથી અબુલફઝલની તકરારથી ઉઠેલું તોફાન ભયંકર હતું. તે દિવસે હાજર હતા તેમાંનો કોઈ પણ વિદ્વાન કે શાસ્ત્રવેત્તા એવો નહતો કે જેણે આ દરખાસ્ત ઇસ્લામના મુખ્ય તત્વનો વિરોધ કરનારી છે એમ લેખ્યું નહોય. તેમ એમાંના વધારે સૂક્ષ્મબુદ્ધિ અને શાન્ત મિજાજના વિદ્વાનોએ એમ પણ લેખ્યું હતું કે પ્રથમની તકરારોમાં દર્શાવેલા વિચારો સ્પષ્ટ ન્યાય અને ઉત્કૃષ્ટ ધર્મની અવગણના કરનારા છે.
પણ હવે અકબરની સત્તાનો જેમાં સમાવેશ થયેલો છે તે દરખાસ્ત સ્હામે તેમનાથી વાંધો પણ કેમ લેવાય ? આ મુશ્કેલીમાં એ એવા ઠરાવ ઉપર આવ્યા કે જે તેઓના માનવામાં તોડ રૂપે હતો એમ છતાં ખરી રીતે આખા સવાલનું નિરાકરણ કરનાર નીવડ્યો. એમણે એક એવો લેખ ઘડી કહાડ્યો કે જેમાં અકબર બાદશાહ એક ઇન્સાફી રાજ્યકર્ત્તા છે એવી ખાત્રી દર્શાવવામાં આવી અને તેને મુજતાહીદ એટલે કે ઈસ્લામ સંબંધી દરેક બાબતમાં પ્રમાણ પુરુષની પદવી આપવામાં આવી. આ કબુલાતથી અબુલફઝલનો ધારેલો હેતુ સફળ થયો, કેમકે તેની સરત મુજબ ઈન્સાફી રાજાની બુદ્ધિ એ કાયદાનું એકજ મૂળ છે એમ નક્કી ઠર્યું. અને બધા વિદ્વાનો તેમજ ધર્મ શાસ્ત્રીઓનો સમુદાય ધર્મ સંબંધી બાબતોમાં અકબરના ઠરાવને વશ રહેવા બંધાયા.
અબુલફઝલ અકબરનામામાં લખે છે કે આ લેખથી ઘણાં ઉત્તમ પરિણામો આવ્યાં.
(૧) બધા ધર્મના આપ્ત પુરુષો અને વિદ્વાનોને એકઠા થવાની એક જગા જેવો હવે અકબરનો દરબાર થઈ રહ્યો. બધા ધર્મના સદ્વિચારોની યોગ્ય તુલના થઈ અને તેમાંના સારાં લક્ષણો તેમની ખામીથી ઢંકાઈ જતાં બચ્યાં (૨) સર્વત્ર સમાનભાવ એટલે સર્વ સાથે શાન્તિ સ્થપાઈ. (૩) અને વિરૂદ્ધ મતના તથા દુષ્ટ વિચારના માણસો બાદશાહના નિઃસ્વાર્થ હેતુઓ જોઈ શરમાઈ ગયા અને ફજેત થયા. અલબત આટલું આપણે કહેવું પડશે કે હિંદુઓને હેરાન કરવાના વિચારવાળા પક્ષના બે મુસલમાન સરદારોએ આ લેખ ઉપર કેવળ કમરજીથી સહી કરી હતી, પણ સહી કરી હતી ખરી; બીજી તરફ અબુલફઝલનો પિતા જેણે ઇસ્લામના તમામ ગ્રંથો અને તેના જૂદા જુદા વિભાગોના વિચારોનું પૂર્ણ જ્ઞાન મેળવ્યું હતું તેણે બહુ ખુશીથી સહી કરી અને વળી સહીની સાથે એટલું ઉમેર્યું કે આવી ઉત્કર્ષકારક હીલચાલની ભવિતવ્યતા ખરી પડવાની હું ઘણાં વર્ષથી આશા રાખતો હતો.
આ લેખથી અકબરની જીંદગીમાં અને તેના રાજ્યતંત્રમાં એક પરિવર્તન થયું. આ વેળા એ પહેલવહેલો સ્વતંત્ર થયો. પોતાના સહિષ્ણુતાના સમાનભાવના અને પરઅન્તઃકરણના ભાવ માટે આદરભાવ રાખવા સંબંધી પોતાના વિચારોને હવે એ ગતિ તથા બળ આપી શકતો. પોતાની સભામાં હિંદુ પારસી અને ખ્રીસ્તિઓને હવે એ બોલાવી શકતો. હવે જ હિંદના વતની રાજાઓના હિતાહિતનેજ આગ્રાની કેન્દ્રસત્તાનાં હિતાહિત કરવા સંબંધે પોતાના ચિરસિદ્ધ વિચારો અમલમાં મૂકવાનો પ્રયત્ન પણ કરી શકતો. ખરી રીતે આ લેખ તેના રાજ્યનો મહાન સ્વાતંત્ર્યલેખ છે.
આવી સ્વતંત્રતા આપનાર લેખ એણે શી રીતે મેળવ્યો તે બાબત મેં જરા બહુ વિસ્તારથી લખી છે, એમ જો વાંચનારને લાગે તો વાંચનાર મને ક્ષમા કરશે. કારણકે આ લેખ તે આ સમય પછીના તેના કાયદાઓની કુંચી છે. એનાથીજ ઈસ્લામના અનુદાર બંધનોથી બાદશાહનાં કાર્યો મુક્ત થયાં હતાં. એ લેખે અબુલફઝલનું નશીબ ઉઘાડ્યું એટલે આથી અકબરની સાથે અબુલફઝલને ચિરસ્થાયી મૈત્રી થઈ. બીજી તરફથી એ સર્વ મતાંધ પુરૂષોનો એકત્ર થયેલા દ્વેષનું પાત્ર પણ થઈ પડ્યો અને આખરે એમાંથી એનું ખૂન થયું.
આ પ્રમાણે લખેલી સત્તાનો જે પ્રથમ ઉપયોગ એણે કર્યો તે દીવાની અને ફોજદારી ઇન્સાફમાં સફાઈ કરવાનો હતો. એનો મુખ્ય ન્યાયાધીશ જે એક મતાંધ સુન્ની હતો અને જેણે પોતાની સત્તા સીઆ લોકોને તથા બીજા બધા કહેવાતા કાફરોને અને વળી અબુલફઝલના ભાઈ ફૈઝીને હેરાન કરવામાં વાપરી હતી તેને બહારથી પૂરા દમામ સહિત મક્કા કહાડ્યો. બીજા એક મોટા આના જેવાજ મતાંધ અધિકારીને પણ અધિકારથી ભ્રષ્ટ કર્યો અને કાયદામાં ધર્મના ભેદ ન ગણકારતાં સુન્ની સીયા મુસલમાન કે હિંદુ ગમે તે ધર્મના હોય તે બધા માણસોને સરખા ગણવાનો, ફોજદારી કે દીવાની ન્યાયાધીશની સમક્ષ આવેલી વાતમાં ધર્મ તત્વને કાંઈ પ્રવેશ ન થવા દેવો, એવો નિયમ સર્વના મગજ ઉપર ઠસાવી દીધો.
આ વખતથી રાજ્યના સુધારા સંબંધી અને એકીકરણ વિષયની યોજના કરવામાં અબુલફઝલ અને ફૈઝી એ બે ભાઈઓ બાદશાહના મુખ્ય વિશ્વાસપાત્ર સલાહકાર થયા. એ બન્નેને એણે ફોજમાં દાખલ કર્યા. કારણકે ફોજની નોકરીથી દરબારમાં એમને યોગ્ય માનમરતબો નિર્ભયતાથી મળી શકે તેમ હતું. અકબરની જૂદી જૂદી સવારીઓમાં એઓ ઘણું કરીને તેની સાથે જતા અને જમીન અને મહેસૂલ સંબંધી બાબતમાં સુધારાનું સૂચન કરતા. બાદશાહના વિચારોને ઉદ્દેશીને સલાહ અને ટેકો આપવાને તેઓ હમેશાં હાજર રહેતા.
દરમિયાન અકબર પોતાની પ્રજાના મોટા ભાગને એના માનવા પ્રમાણે અનુકૂળ પડે એવો, તે કાળની ખાસીયતને તથા પોતાની પ્રજાના વિચારોને અનુસરતા એક ધર્મ સંબંધી કાયદો તૈયાર કરતો હતો. આ કાયદાનું નામ દિન–એ–ઈલાહી–હતું. તેનું મુખ્ય સ્વરૂપ એ હતું. કે–ઈશ્વર એક છે અને અકબર પૃથ્વી ઉપર એનો ખલીફ–એટલે પ્રતિનિધિ છે. ઇસ્લામ ધર્મનાં સ્તોત્રો બહુજ સાંકડા વિચારના અને યોગ્ય ઉદારતાવાળા નહિ માલમ પડવાથી રદ કર્યો અને તેને બદલે પારસીઓના સ્તોત્રોને આધારે વધારે ઉદારતાવાળાં સ્તોત્રો રચાવ્યાં. અને તેનો વિધિ ભાગ હિંદુ શાસ્ત્રમાંથી લીધો. સરકારી દફતરમાં અને બાદશાહી ઉત્સવો સંબંધે જે નવો સંવત્સર ગણાવા માંડ્યો તો પારસીઓનોજ હતો. આ રીતથી મુસલમાન તરફથી કંઈ ઉઘાડે વિરોધ થતો ન જણાય પણ કેટલાક મતાંધ અને મગજમાં ધૂણીવાળા મુસલમાન ભાઇઓ બાદશાહના મુખ્ય સલાહકાર ઉપર પુષ્કળ દ્વેષ કરવા લાગ્યા. વળી તે હિંદુ રાજાઓને તથા અમીરોને લશ્કરમાં તથા દરબારમાં મોટા અધિકાર આપતો તે બાબતમાં તેઓ ઘણી ઈર્ષ્યા બતાવતા. ભગવાનદાસ, માનસિંહ, ટોડરમલ, બીરબલ વીગેરે અસાધારણ શક્તિવાળા માણસો હતા તે વાતનો તો તેમને કાંઈ હિસાબજ ન હતો. તેઓ હિંદુ હતા, અને હિંદુ હતા એટલા માટેજ મુસલમાન ઇતિહાસકારોને જ્યારે જ્યારે એમના નામ લખવાં પડ્યાં છે ત્યારે ત્યારે એમના ધર્મ ઉપર તિરસ્કાર બતાવ્યા વિના તથા પરલોકમાં એમને માટે રાખી મુકેલી દુર્દશાનું સૂચન કર્યા વિના ચાલ્યું નથી.
એ વખતે ગોવામાં વસતા પાર્ટુગીઝ લોકોના ધર્મ સંબંધી કાંઈક વાસ્તવિક જ્ઞાન મેળવવાને પણ અકબરે ઈચ્છા બતાવી હતી. ‘ન્યુટેસ્ટામેન્ટ’ ‘બાઈબલ’ નું એક ફારસી ભાષામાં શુદ્ધ ભાષાંતર કરાવવાનો એણે ફરીને હુકમ આપ્યો અને ગોવાના એક ‘મીશનરી’ પાદરી રોડોલ્ફો એકવેટીવાને આગ્રાની મુલાકાત લેવાને બોલાવ્યો.
આ પાદરીની મુલાકાત વખતે ઇબાદતખાનામાં એક પ્રસિદ્ધ ધર્મચર્ચા થઈ. આમાં ઘણા વિદ્વાન મુસલમાન ધર્મશાસ્ત્રીઓ, બ્રાહ્મણો, જૈનો, બુદ્ધ, હિંદુ, ચાર્વાકાદિ નાસ્તિક મતવાળાઓ ખ્રીસ્તી–યહુદી અને ફારસી વિદ્વાનોએ એક પછી એક ભાષણ કર્યાં. આ બનાવ અબુલફઝલે નીચે પ્રમાણે વર્ણવ્યો છે–
“દરેક જણ પોતાના નિશ્ચયો દલીલો સાથે નિઃશંક રીતે રજુ કરતા “અને તીખો વાદવિવાદ લાંબો વખત ચાલતો. દરેક પંથવાળાઓ પોતાનાજ “ખરાપણાના ગુમાનમાં તણાઈને પોતાના સામાવળીયાના મતો ઉપર “આક્ષેપ કરી તેનું ખંડન કરવાનો પ્રયત્ન કરતા એક દિવસ પાદરી “રોડોલ્ફોના આવવાથી ઈબાદતખાનું દીપી ઉઠ્યું. આ પાદરી ખ્રીસ્તી ધર્મ “વેત્તાઓમાં જ્ઞાન તથા ડાહાપણમાં એક્કો ગણાતો હતો. ઘણા તકરારી અને “મતાંધ માણસોએ એમના ઉપર આક્ષેપો કર્યા અને આથી આ સભાની “શાન્તવૃત્તિ અને ઇન્સાફ દેખાડી આપવાનો પ્રસંગ આવ્યો. આ વિદ્વાનોએ “જૂની વાતો રજૂ કરી પણ દલીલ કરી સત્ય શોધી કહાડવાને પ્રયત્ન કર્યો નહીં. એમની વાતો તોડી નાંખી અને એમને શરમિંદા પાડી નાંખ્યા ત્યારે તેમણે બાઈબલના અન્યોન્ય વિરોધી વચનો ઉપર આક્ષેપ કરવા માંડ્યો. પણ પોતાની વાતો સિદ્ધ કરી શક્યા નહીં. પૂરી શાન્તિથી અને પોતાના સિદ્ધાન્તોની સત્યતા ઉપર પૂરા ભરૂંસાથી પાદરીએ તેમની દલીલોના જવાબ વાળ્યા અને પછી નીચે પ્રમાણે બોલ્યો.”
“જો આ વિદ્વાનોનો અમારા પુસ્તક વિષે આવો અભિપ્રાય હોય અને જો કુરાનને તેઓ ઈશ્વરનું જ ખરૂં વચન માનતા હોય તો એક ભઠ્ઠી સળગાવો અને પછી હું મારૂં બાઈબલ હાથમાં રાખીને અને ઉલ્મા લોકો તેમના પવિત્ર પુસ્તકને હાથમાં રાખીને તે સત્યશોધક વેદિ ઉપર હીંડીએ તે પછી ખરૂં શું છે તે ખુલ્લું થશે.” કાળા અંતઃકરણવાળા અને નીચ સ્વભાવના વાદીઓ આ વખતે પાછા હઠ્યા અને આનો જવાબ ગુસ્સાભર્યા શબ્દોમાં જ આપ્યો. આ આગ્રહ અને અવિનયથી અકબરના નિષ્પક્ષપાત મનને બહુ ખેદ થયો અને પૂર્ણ વિચાર અને વિવેકથી નીચે પ્રમાણે બોલ્યો:—
“માત્ર ઉપરના ડોળથી અને અંતઃકરણના નિશ્ચય વિનાના મુસલમાન “ધર્મના શબ્દમાત્રને વળગી રહેવાથી કાંઈ ફાયદો નથી. મારી સત્તાના “બળે મેં ઘણા બ્રાહ્મણોને મારા પૂર્વજોનો–એટલે મારો ધર્મ જોરજુલમથી “પળાવ્યો છે. પણ સત્યના કિરણનું તેજ પામવાથી હવે મને ખાત્રી થાય “છે કે મિથ્યાભિમાનનાં કાળાં વાદળ અને સ્વાભિપ્રાયનું ધુમસ તમારા સહુ “ઉપર ઘેરાઈ આવ્યાથી સાબિતીની મશાલ વિના તમારાથી એક ડગલું “પણ આગળ ચલાવાનું નથી. શુદ્ધ નિર્મળ બુદ્ધિથી જે માર્ગ આપણે પસંદ “કરીયે તે માર્ગે ગયામાંજ લાભ થવાનો. માત્ર સ્વમતના શબ્દો ઉચ્ચારવાથી “કે સુન્નત કર્યાથી અથવા રાજ્યસત્તાના ભયથી જમીન ઉપર લાંબા પડીને “નમવાથી સર્વશક્તિમાન નિયંતા આગળ કોઇની ગણત્રી થતી નથી: કેમકે “જમીન ઉપર લાંબા થઈને નમવું એથી કાંઈ ઈશ્વરી આજ્ઞા પૂરેપૂરી પળાઈ “જતી નથી. પણ સત્યપરાયણતા રાખવી જોઈએ કેમકે સદાચાર ભવાંમાં “રહેતો નથી.”
આ વાદ સંબંધી કે આ ખ્રીસ્તી પાદરીએ સૂચવેલી પરીક્ષા વિષે આપણે પણે ગમે તે વિચાર બાંધીએ, પણ ઈબાદત–ખાનામાં ચાલતા વાદ પૂર્ણ શાન્તિથી અને નિષ્પક્ષપાતથી ચાલતા તે આ વાત સારી રીતે બતાવે છે, એટલું જ નહિ પણ અકબરના મનનું સાચું વલણ આ વાત બતાવી આપે છે, અને તે સારૂ આ આવકાર તેને પાત્ર છે. ખરી રીતે તમામ મત અને ધર્મપંથો ઉપર વિચાર કરીને દરેક ઉપર એની અનાસ્થા થઈ હતી. એ બધા મત મતાંતરોને માનવાને બદલે તેણે આ જગતના એક સર્વ શક્તિમાન્ કર્તાને ઓળખી લીધો અને સમાનભાવ સર્વેને સમાન ઈન્સાફ અને પ્રત્યેક માણસને પોતાનું માનસિક સ્વાતંત્ર્ય, બીજાની જીંદગી જોખમમાં ન આવે એવી રીતનું નુકશાન ન થાય ત્યાં સુધી–એ ત્રણ નિયમોને અમલમાં મૂક્વા સારૂ એ પોતે ઈશ્વરનો આ જગત્માં મોટામાં મોટો પ્રતિનિધિ છે, એમ માની લીધું હતું. મુસલમાનોની સાથે એ જરા સખ્તાઈથી વર્તતો, કારણ કે રાજ્યપક્ષના ધર્માધ્યક્ષો હમેશાં પરધર્મવાળાઓને હેરાન કરવા તરફ વલણવાળા હોય છે એમ તેણે જાણી લીધું હતું. પણ બધાઓનું કહેવું તે ધીરજથી સાંભળતો અને દરેક ધર્મના સ્વાર્થી ધર્માધ્યક્ષોએ પોતપોતાના ઈશ્વરના મોટા ઉદાર દૂરાવગાહી અને સર્વાભિમત ગુણોનો વિનાશ કરેલો છે, એમ જોવાથી, બધાએ માનેલા ઈશ્વરને, એમના ધર્માધ્યક્ષોને કોરે મૂકીને, એ નમ્યો.
સર્વશક્તિમાન ઈશ્વરનું સૂચક ચિન્હ સૂર્યમાં છે, એમ એ માનતો તેથી એને કેટલાકોએ જરથોસ્તીના ધર્મનો અનુયાયી કહ્યો છે. પારસીઓના ધર્મની સાદાઈને લીધે એ ધર્મ એને ઘણો મનપસંદ હતો એમાં તો કાંઈ શકજ નથી. પોતે ઘડી કહાડેલી યોજનામાં ધર્માધ્યક્ષ મંડળનો અભાવ હતો. સર્વશક્તિમાન પ્રભુએ મને બક્ષેલી ભૂમિમાં હું એનો પ્રતિનિધિ છું એમ સમજીને એણે પ્રત્યેક ધર્મનો સારો અંશ ચુંટી કહાડ્યો, કે જેથી બીજાને હેરાન કરવાના સાધનરૂપ મટીને ધર્મ બધાને સહાયરૂપ થઈ પડે. એની ધર્મ યોજનાની આ ઉદારતા એના સમકાલીનોને તો એની રાજ્યનીતિની ઉદારતા જેવીજ અગમ્ય હતી. એના અભિપ્રાય સર્વમાન્ય થવાને એનો ઉત્તરાધિકારી એના જેવોજ વૃત્તિનો હોવાનો જરૂર હતી. એ તો ત્રણે કાળમાં અશક્ય જ હતું, પરિણામ એવું આવ્યું કે એની રાજ્યનીતિ જે સાંકડી નેળમાંથી એણે મુક્ત કરી હતી તેજ નેળમાં એના મરણ પછી ધીમે ધીમે પાછી ભરાઈ પડી; અને એની ધર્મનીતિ એની જ સાથેજ શાન્ત થઈ. તેના ઉત્તરાધિકારીમાંના બે ઉદાસીન વૃત્તિના મુસલમાન હતા; તેમના વખત પછી પ્રતાપી અને ડાહ્યા અકબરે જમાવેલી બધી શ્રેષ્ઠતાનો નાશ કરવાને સારૂ ધર્મદ્વેષે પોતાની સત્તા જમાવી; તથા પરિણામે, મોઘલવંશના આત્મારૂપ બનેલું સમાનભાવનું નીતિ ધોરણ શિથિલ પડવાથી, અકબરની, સર્વને સરખો ઇન્સાફ આપવાની અને સર્વને માટે સમાનભાવની અમર્ત્ય નીતિને નવે અવતાર લાવનારી બીજી પ્રજાના રાજ્યને દાખલ થવાનો માર્ગ થયો.
ઉપરના વિસ્તારમાં હું એમ જણાવી ગયો છું કે બીજાની જીંદગી જોખમમાં ન આવતી હોય ત્યાં સુધી અકબર સહુના વિચાર પ્રમાણે સહુને સ્વતંત્રતાથી ચાલવા દેતો. આનું એણે હિંદુઓના સતી થવાના રીવાજના સંબંધમાં એક સ્પષ્ટ દૃષ્ટાંત આપ્યું. આ રીવાજ હિંદુઓમાં એટલા લાંબા વખતથી ચાલતો હતો કે એને અનુસરીને ન વર્તે તો બીચારી વિધવા પોતે જાતેજ પોતાના ઉપર કલંક વ્હોરી લે છે એમ મનાતું. ગમે તેમ હોય પણ મરવું કોઈને વ્હાલું નથી હોતું તેથી પોતાના સદ્ગુણની પીછાણવાળી પણ મિથ્યા વિચારનો ભોગ થઈ પડવાને નારાજ એવી ઘણી વિધવાઓ પોતાના સ્વામિની ચિતા, ઉપર ચઢવાને સ્પષ્ટ રીતે પોતાની અનિચ્છા દેખાડતી. પછી એમ બનતું કે ધર્માધ્યક્ષો, પરલોકમાં તને ભયંકર દુઃખ પડશે એવી ધમકીઓ આપીને અથવા ધર્મશાસ્ત્ર સંબંધી એના મન ઉપર અસર કરે એ બોધ કરીને એની અનિચ્છા દૂર થાય એટલે સુધી સમજાવતા. આવા કર્મોથી અકબરના દયાર્દ્ર મનને ધિઃકાર છૂટતો તેથી તેણે એનાથી જેટલું બન્યું તેટલું કરીને આ રીવાજ બંધ પાડવાની કોશીશ કરી. રજપુતાનાના રાજાઓને આ રીવાજ ઉપર ઘણો આદર હતો. કોઈ વિધવા પોતાના મનથી સતી થવા ઇચ્છતી હોય તો આવા ધર્મના એક કાનુનરૂપ થઇ પડેલા અને લાંબા વખતથી ચાલી આવેલો હોવાથી ઘણું માન પામેલા રીવાજની વચમાં કોઇનાથી આવી શકાતું નહિ. આ રીવાજના અટકાવનો હુકમ કહાડતાં પહેલાં તેને લાગ્યું કે મારાં દાખલ કરવા માંડેલાં ઉદાર ધોરણો અંતઃપુર સુધી પહોંચી જવા જોઇએ; પણ એણે એવો હુકમ કહાડ્યો કે કોઈ વિધવા પોતાનો ભોગ આપવા જરા પણ અનિચ્છા બતાવે તો તેને સતી કરતાં અટકાવવી.
માત્ર આવો હુકમ કહાડીનેજ તે બેસી રહ્યો નહીં, એકવાર જ્યારે અંબરના રાજા બીહારીમલ્લનો ભત્રીજો અને પોતાનો વિશ્વાસુ એલચી જયમલ્લ બંગાળાના ઉમરાવો તરફ દૂત કાર્ય ઉપર ગયો હતો ત્યારે પોતે અજમેરમાં હતો. તેવામાં ચૌસા અગાડી જયમલ્લ મરણ પામ્યાના સમાચાર તેને ત્યાંજ મળ્યા. જયમલ્લ ઉપર અકબરની પૂર્ણ કૃપા હતી. કેમકે રજપૂતાનાના સઘળા સરદારોમાં એણે પહેલવહેલી અકબરને નમતી આપી હતી અને ત્યાર પછી હમેશાં અકબરની ખરી અને વફાદારીથી નોકરી બજાવી હતી. તે જોધપુરના રાજા ઉદયસિંહની કુંવરી વેરે પરણ્યો હતો અને આ સ્ત્રી દૃઢ નિશ્ચયવાળી હતી. જ્યારે પોતાના સ્વામીના મરણના સમાચાર અંબર પહોંચ્યા ત્યારે તેણે સ્પષ્ટ રીતે સતી થવાની ના પાડી. બાદશાહના ફરમાન મુજબ પોતાની મરજી પ્રમાણે વર્તવાનો એને સ્વતંત્ર હક્ક હતો, પણ જ્યારે એ હક્ક એણે સતી થવાની ના કહેવામાં વાપર્યો તેના પુત્ર ઉદયસિંહ વગેરેએ એટલો તો અનિવાર્ય ઘોંઘાટ કરી મૂક્યો કે આખરે તેને સતી કરવા જરૂર પાડવાનો ઠરાવ થયો. આ ખબર અકબરને મળતાંજ આ જુલમ અટકાવવાનો એણે ઠરાવ કર્યો. એની મદદ વખતસરજ પહોંચી. કેમકે અગ્નિ સંસ્કાર થયો તેવામાં જ અકબરનાં માણસો જેમાં જયમલ્લનો કાકો પણ હતો, તે સ્મશાનમાં જઈ પહોંચ્યાં અને એકઠી થયેલા લોકોની મેદની વીખેરી નાંખી કુંવરીને બચાવી લીધી.
પોતાના ઉદાર મનવાળા અને વિદ્વાન મિત્રો ફૈઝી અનેઅબુલફઝલ ઉપર અકબરની પૂરી પ્રીતિ હતી તો પણ વિદ્યા ઉપર પ્રેમવાળા અને જ્ઞાન મેળવવાની ખરી ઈચ્છાવાળા સર્વેને તે ઉત્તેજન આપતો. ઢોંગ અને દંભને એ ધિઃકારતો. એને થોડાજ વખતમાં માલુમ પડ્યું કે દરબારના મુસલમાન ઉલ્માઓ આ બે અવગુણથી ભરેલા છે. અને આ વાત શોધી કહાડતાં વાંત તેને તેમના ઉપર કંટાળો છૂટ્યો અને તેમનો ઢોંગ ખુલ્લો કરવા સારૂં બનતી યુક્તિઓ વાપરવાનો નિશ્ચય કર્યો.
પ્રોફેસર બ્લોકમાન લખે છે કે અકબર અહંકારી અને મિથ્યાભિમાની મનુષ્યો ઉપર કોઈ દિવસ ક્ષમાની નજરથી જોતો નહીં; અને બધી જાતના મિથ્યાભિમાનમાં વિદ્વત્તાનું મિથ્યાભિમાન તે બહુજ ધિઃકારતો. એ વિદ્યા અને વિદ્વાનો ઉપર અપ્રીતિ રાખતો એવી તેના આવા નિશ્ચયથી નુકસાન પામેલા વર્ગની ફરિયાદનું આજ કારણ છે. ખરૂં જોતાં એમ કંઈ ન હતું. હિંદુરતાનમાં ખરી વસ્તુને ઉત્તેજન આપનાર કોઈ બાદશાહ આના જેવો થઈ ગયોજ નથી. આ વિષયમાં હિંદના હાલના રાજ્યકર્તાઓ એનું અનુકરણ કરે તો તે ઘણું ફાયદાકારક થાય. તે વખતમાં ઇતિહાસવેત્તાઓમાં સર્વથી કુશળ અગાધ શક્તિવાળો અને શોધકબુદ્ધિવાળો ખાંન–ઈ–આઝમ–મીરજાં નામનો અકબરની વ્હાલી આયાનો એક પુત્ર ઘણો વખત જુના ઇસ્લામ ધર્મને મજબૂતીથી વળગી રહ્યો હતો અને અકબરના નવા ધર્મને ધિઃકારતો અને ફૈઝી તથા અબુલફઝલની હાંસી કરતો. એણે વળી તેઓ ઢોંગી છે એમ ધારી એમનાં નામ પાડ્યાં હતાં. પણ આગળ ઉપર એને મક્કાની યાત્રાએ જવાનો પ્રસંગ આવ્યો ત્યારે ત્યાંના ધર્માધ્યક્ષોએ એવો નીચાવી નાંખ્યો કે ઇસ્લામ ધર્મ ઉપરનો તેનો પ્રેમ અજાણ્યેજ શાન્ત થઈ ગયો. આગ્રે આવ્યા પછી તેણે ‘બાદશાહી–ધર્મ’ સ્વીકાર્યો. તે કવિતા સારી લખતો અને બોલવાચાલવાની સરળતા તથા બુદ્ધિને માટે વખણાતો. એનાં ઘણાં સૂત્રોમાંનું એક આ સૂત્ર આપણને મળ્યું છે.
“માણસે ચાર સ્ત્રીયો પરણવી જોઈએ. એને કોકની સાથે વાત કરવા “જોઇએ માટે ઈરાની સ્ત્રી: ઘરકામ સારૂ ખોરાસાની: પોતાનાં બચ્ચાં “ઉછેરવા સારૂ હિંદુ: અને તર્કીસ્તાનમાં આવેલા મરવાન્હારની સ્ત્રી (બીજી “ત્રણેને ચેતવણી આપવા સારૂ માર ખાય એવી) પરણવી જોઈએ.”
અકબરની નોકરીમાં સમર્થ સરદારો અને ઉદાર પુરૂષોમાં એના પૂર્વના અતાલીક બેરામખાંનો પુત્ર મીરઝાં અબદુરરહીમ હતો. તેણે કેટલાંક વર્ષ સુધી ‘ખાનખાનાન’ એટલે કમાન્ડર–ઈન–ચીફ–નો અધિકાર ભોગવ્યો હતો. પણ તે જેવો રણમાં શૂરો હતો તેવો જ વિદ્વાન હતો. એણે તુર્કી ભાષામાં લખેલી બાબરની તવારીખ જેને અબુલફઝલે– ‘વ્યાવહારિક ડાહાપણનો સંગ્રહ એવું નામ આપ્યું છે તેનું તે વખતે અકબરના દરબારમાં ચાલતી ફારસી ભાષામાં ભાષાંતર કર્યું હતું; અને એક નકલ અકબરને ભેટ આપી હતી. એના વખતના બીજા વિદ્વાનોમાં તબાકત્–ઈ–અકબરી એટલે અકબરના રાજ્યનો ઈતિહાસ લખનાર નીઝામ–ઉ–દીન; તરીખી–ઈ—અલ્ફિ એટલે એક એક હજાર વર્ષ સુધીના ઇસ્લામ ધર્મના ઇતિહાસના લખનારા અને સર્વને માથે ધર્મચુસ્ત ઇતિહાસકાર–તરીખ–ઈ–બદૌની-એટલે બદૌનીના વખતનો હેવાલ એ પુસ્તકનો લખનાર તથા કાશ્મીરના એક ઇતિહાસને તપાસી જઈ ફરીથી લખનાર, અબદુલકાદીર બદૌની, એ હતા.
બદૌની એક પ્રતાપી પુરુષ હતો. એ અકબરથી બે વર્ષ મોહોટો હતો. છેક જુવાનીમાંથી તેણે તેના વખતના પ્રખ્યાત અને ધાર્મિક વિદ્વાનો પાસે ભિન્ન ભિન્ન શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હતો. અને સંગીત ઈતિહાસ અને ખગોળ શાસ્ત્રમાં ઊંચી પદવીને પામ્યો હતો. એનો સ્વર મધુર હોવાથી શુક્રવારને માટે દરબારી ઈમાન-તરીકે એની યોજના થઈ હતી. ચાળીસ વર્ષ સુધી બદૌની શેખ મુબારક તથા તેના દીકરાઓ ફૈઝી અને અબુલફઝલ સાથે દરબારમાં રહ્યો પરંતુ બદૌની ચુસ્ત મુસલમાન હોવાથી આ બન્નેને ધર્મદ્રોહી માનતો તેથી તેમની વચ્ચે જરાપણ ખરી મિત્રતા બંધાઇ ન હતી. અકબરની આજ્ઞાથી તેણે મૂળ સંસ્કૃતમાંથી રામાયણ તથા મહાભારતના કેટલાક અંશનું ફારસીમાં ભાષાંતર કર્યું હતું. તેની ઉપર ગણાવી ગયા તે તરીખ–ઈ–બદૌની નામનો ઇતિહાસ ગ્રંથ અકબરના ધર્મ સંબંધી વિચારો ઉપર પોતાની ટીકાથી તથા અકબરના રાજ્યના પ્રસિદ્ધ માણસોના ટુંકા હેવાલોને લીધે ખાસ કરીને કિંમતી છે.
બદૌની અકબર બાદશાહની પૂર્વે અગીઆર વર્ષ ઉપર મરણ પામ્યો હતો અને એનો મોટો ગ્રંથ જે તેણે બહુ કાળજીથી છુપાવી રાખ્યો હતો તે જહાંગીરના રાજ્યનો કેટલીક વખત વીત્યા પછી પ્રસિદ્ધ થયો. અકબરના નૂતન ધર્મ ઉપર ધિઃકારવાળા ચુસ્ત મુસલમાનોને તે ગ્રંથ ઉપર બેહદ પ્રીતિ હતી. અને જેમ જેમ એ ધર્મની નૂતનતા શમી ગઈ અને વિચારભેદ માટે ઉપદ્રવ થવા માંડ્યો તેમ તેમ તે ગ્રંથની કીમત દિવસે દિવસે વધવા માંડી. અકબરના રાજ્યના વિદ્યાગૌરવમાં પોતાના બુદ્ધિબળથી ઉદ્યોગથી અને પોતાની વિદ્વત્તાથી સહાયતા કરનારા બીજા વિદ્વાનોના સંબંધી કાંઈ નોંધ લેવાની જરૂર નથી. અમર થઈ ગયેલી અઈનમાં બધા નાના મોટા વિદ્વાનોની યાદી રાખવામાં આવેલી છે. પણ વિદ્યા તથા હુન્નરને બાદશાહે પંડે ઉત્તેજન આપ્યું હતું તે સંબંધી બે બોલ લખવા ઉચિત છે. એમ લાગે છે કે પોતાના રાજ્ય બહારથી જે ગ્રંથો મળી આવે છે તથા હિંદુ મૂળ ગ્રંથો અને તેમનાં ભાષાંતરો એકઠા કરવાની અને ફારસીમાં તેમનાં ભાષાંતરો કરાવવાની તે નિરંતર કાળજી રાખતો અને બધા ગ્રંથોને પોતાના પુસ્તકાલયમાં સંગ્રહ કરવામાં ઘણું લક્ષ આપતો. આ ગ્રન્થસંગ્રહ સંબંધી આઈનનો કર્તા લખે છે કે એના ઘણા વિભાગ કરવામાં આવ્યા હતા. “એમાંના કેટલાંક પુસ્તકો અંતઃપુરમાં અને કેટલાંક અંતઃપુરની બહાર રાખવામાં આવે છે. પુસ્તકાલયના પ્રતિવિભાગના પેટાભાગ પાડેલા છે. જેનું ધોરણ પુસ્તકોના મહત્વ ઉપર અને જે શાસ્ત્ર સંબંધી તે પુસ્તક હોય તે શાસ્ત્રની લેખાતી કિંમત ઉપર રાખવામાં આવેલું છે. ગદ્યાત્મક ગ્રંથો, પદ્યાત્મક પુસ્તકો તેમજ ફારસી ગ્રીક, કાશ્મીરની અને આરેબીક ભાષાનાં પુસ્તકો એ બધાં જૂદા જૂદા વર્ગોમાં રાખવામાં આવેલાં છે. આ પ્રમાણેજ તેમની તપાસ પણ રાખવામાં આવે છે. અનુભવી માણસો હમેશાં બાદશાહ પાસે પુસ્તકો લાવે છે અને તેને વાંચી સંભળાવે છે. દરેક પુસ્તક આદિથી અંતસૂધી પોતે સાંભળે છે. વાંચનારાઓ જે જે પાને બંધ કરે ત્યાં ત્યાં પાનાની સંખ્યાના પ્રમાણમાં બાદશાહ પોતાને હાથે નીશાન રાખે છે, અને વાંચેલા પાનાનાં પ્રમાણમાં વાંચનારાઓને રોકડ નાણાં અથવા સોના રૂપાની બક્ષીસ આપે છે. વખણાયેલાં પુસ્તકોમાંનું કવચિત્જ કોઈ પુસ્તક બાદશાહના દીવાનખાનામાં વંચાયું નહિ હોય અને પૂર્વકાળની ઇતિહાસની વાર્તાઓ કે પદાર્થ વિજ્ઞાનની જાણવા જેવી વાતો અથવા તત્વશાસ્ત્રના કોઈ ખાસ હૃદયગ્રાહી વિષય એવા નહીં હોય કે જેથી આ પ્રાજ્ઞનો અગ્રણી–બાદશાહ અજાણ્યો હોય.’ ત્યાર પછી તેમાં બાદશાહનાં ખાસ પ્રીતિવાળાં પુસ્તકો કે જેના સંબંધી પૂર્વે કાંઈ કાંઈ લખાઈ ગયેલું છે તેની એક મોટી યાદી આવે છે.
અકબરના રાજ્યની તવારીખ ઉપર વિદ્વાનો અને સાહિત્યથી થયેલી અસર બતાવવાને પૂરતો હેવાલ ઉપર અપાઈ ગયેલો છે. ખાસ કરીને ફૈઝી અને અબુલફઝલ એ બે ભાઈઓની અસર જ્યાં સુધી એ જીવ્યા ત્યાં સુધી સર્વોપરિ હતી. અબુલફઝલની કીર્તિ એના મરણ પછી પણ રહેવા પામી, કારણકે એણે આપેલા બોધને લીધે અકબરનો સહજ સ્વભાવ દૃઢ થયો હતો. જે ધોરણો આ બે ભાઈઓ ચાહતા તે ધોરણો અકબરના સ્વભાવને અનુકૂળ હતાં. એ ધોરણો એ હતાં કે સર્વેના અભિપ્રાય માટે ખરી ડહાપણ ભરેલી સહિષ્ણુતા રાખવી, વર્ણ કે ધર્મ ઉપર લક્ષ ન આપતાં સર્વને ઈન્સાફ આપવો, આ દેશના વતનીઓ ઉપર પડતો બોજો જેમ બને તેમ ઓછો કરવો; અને પોતાના વંશના પુરાતનપણાના અભિમાની અને મુસલમાનને આગંતુક યવન ગણનારા રજપૂતોનાં, આ દેશ આપણે પરાક્રમથી મેળવ્યો છે તેથી તે બધો આપણોજ છે અને આ લોકો આપણા ગુલામ થવાનેજ લાયક છે, એવો હક ધરાવવામાં તત્પર ઉઝ્બેક અને મુગલ સરદારોનાં, વળી અફધાન વંશની આણમાં ચાર સૈકા સુધી વસતી કરી રહેલી તેથી દેશમાં વતની જેવીજ થઈ ગયેલી બીજી કોમોનાં, તેમજ માયાળુપણાથી અને સારી સંભાવના કર્યાથી હમેશાં આર્દ્રભાવને પામતા આ દેશના મૂળ વતનીઓનાં હિતાહિત એક કરવાં.
એક વર્ગ એવો હતો કે જેનું સમાધાન કરવું અશક્ય હતું. તે વર્ગ તે પોતાનો વારો આવતાં હજી રાજ્ય મળશે એવી આશા રાખનાર અને ઓરીસા, બિહાર અને પશ્ચિમ હિંદુસ્તાનના ઘણા ભાગોમાં મોટાં સૈન્ય રાખી સત્તા ચલાવનાર જે, પૂર્વના મુસલમાન બાદશાહોના વંશજોનો વર્ગ હતો તેઓ અમારો હક અકબર કરતાં વધારે છે એમ માનતા અને પોતાના બાપદાદાઓ તો માત્ર સપાટી ઉપરજ રહેતા, પણ અકબર તો જમીનમાં ઊંડાં મૂળ રાખતો હતો, એ વાત નહીં સમજતાં અકબરના હક્કની સામે થતા અને તેની અવગણના કરતા. આમની સાથે સમાધાન કરવા સારૂ તેણે શા શા પ્રયત્નો કર્યા હતા અને તેમની જ વર્તણુકથી આખરે એમને કહાડી મૂક્વાની અકબરને કેમ જરૂર પડી હતી તે પાછલા પ્રકરણમાં કહી ગયા છીયે.
ફૈઝી અને અબુલફઝલની સંગતથી દૃઢીભૂત થયેલા અકબરમા સહજ ઉદાર નીતિતત્ત્વોની આ બાદશાહે દાખલ કરેલી રાજ્યવ્યવસ્થાની પદ્ધતિ ઉપર શી અસર થઈ તેનો હવે વિચાર કરીએ. આજ પ્રકરણમાં પહેલા ‘મેં મારી કારકીર્દિમાં મારે હાથે ઘણા બ્રાહ્મણોને એક વખત મુસલમાન ધર્મ પાળવાની ફરજ પાડી છે’ એ મતલબનું અકબરનું વચન લખાઈ ગયેલું છે. અકબર પંડેજ કહે છે એટલે એમ બન્યું હશે પણ આ લેખકને આવી રીતે કોઈને બળથી ધર્મભ્રષ્ટ કર્યાની કંઈ નોંધ હાથ આવી નથી. જ્યારે તે બાળવયનો હતો અને મુખ્ય સત્તા બેરામના હાથમાં હતી ત્યારે જ એ પ્રમાણે બનેલું હોવું જોઈએ. જે ક્ષણથી એણે સત્તા હાથમાં લીધી એટલે–જે દિવસે સર્વસત્તાધીશ બેરામખાંને મક્કે જવાની રજા આપી તે જ ક્ષણે તેણે હિંદુ અને મુસલમાનોને કંઈ પણ ભેદ વિના પિતાની નોકરીમાં રાખવાનો નિશ્ચય જાહેર કર્યો હતો. અને આ નિશ્ચયમાંથી એ કદી પણ હઠ્યો નહિ. પોતાના રાજ્યના સાતમા વર્ષમાં જ્યારે તે પચીસ વર્ષનો હતો ત્યારે અકબરે, પરાભવ પામેલાનાં બૈરાં–છોકરાંને વેચવાની અથવા ગુલામ તરીકે પોતાની પાસેજ રાખવાની, રજા આપવાનો પોતાના વિજયશીલ લશ્કરને તે વખત સુધી ચાલતો આવેલો રિવાજ નાબુદ કર્યો. શત્રુની ગમે તેવી કસુર હોય તો પણ તેમનાં બૈરાં–છોકરાં તથા તેનાં માણસોને તેમને પોતાને અથવા તેમનાં સગાંસંબંધીઓને ઘેર જ્યાં મરજીમાં આવે ત્યાં જવાની પૂરી છૂટ એક બાદશાહી ઢંઢેરાથી મળી. ‘મોટો કે નાનો ગમે તે હોય પણ તેને ગુલામ કરવો નહીં.’ ઉદાર મનના બાદશાહે એવી દલીલ કરી કે જે ધણીએ ખોટો રસ્તા પકડ્યો તો તેમાં તેની સ્ત્રીની શી કસૂર ? જે બાપે રાજદ્રોહ કર્યો તો તેમાં છોકરાંનો શો વાંક ?
બીજા પણ દુષ્ટ રીવાજોને સુધારવામાં આજ ઉદાર અને દીર્ધદષ્ટિવાળી નીતિ આટલાજ બળથી ચલાવવામાં આવી. બીજે જ વર્ષે એટલે એના રાજ્યના આઠમાજ વર્ષમાં અત્યંત ઉપજવાળો પણ એના મત પ્રમાણે પોતાની હિંદુ પ્રજાના મનને દુઃખ લગાડે એવો એક વેરો કહાડી નાંખવાનો એણે વિચાર કર્યો. હિંદુ જેવા યાત્રાળુ લોકો આખા જગતમાં કોઈ નથી; એમનાં પ્રત્યેક પવિત્ર મંદિરમાં કોઈ ખાસ દેવ હોય છે અને તેમાં પણ વળી કોઈમાં ખાસ માહાત્મ્ય હોય છે; અને એવાં મંદિરો હિંદુસ્તાનના દરેક પ્રાંતમાં આવી રહેલાં છે. યાત્રાળુઓને કરવાની મુસાફરી ઘણી વાર બહુજ લાંબી અને કંટાળા ભરેલી હોય છે, અને ઘણું કરી પુણ્યનું પ્રમાણ યાત્રાની લંબાઈના પ્રમાણમાં વધતું ઘટતું હોય છે. અકબરની પૂર્વના અફઘાન રાજાઓએ આ યાત્રાઓને એક મોટું અને સદાસર્વદાનું ઉપજનું મૂળ માન્યું હતું અને તેમણે યાત્રાળુઓ ઉપર સહુ સહુના કહેવાતા અથવા નક્કી થયેલા ગજા પ્રમાણે એક વેરો નાંખ્યો હતો.
અબુલફઝલ કહે છે કે આ વેરાની ઘણી ઉપજ હતી તેમાંથી પ્રતિવર્ષ લાખો રૂપીયા ઉપજતા. હિંદુઓના ધર્મ પ્રમાણે અથવા એ ધર્મના આચાર્યો બ્રાહ્મણોના મત પ્રમાણે યાત્રા એ સર્વ હિંદુને માથે એક નિયત કર્તવ્ય હતું. અકબરે વિચાર કર્યો કે તેઓ કેટલી કેટલી અગવડો વેઠતા વેઠતા અને પગે પડતા પડતા સેંકડો ગાઉની મુસાફરી કરે તેટલા માટે રાજ્ય એને લૂટે એ શું ? આ બાબતમાં હિંદુ પ્રજાની મનોવૃત્તિ અકબરને કાને તરતજ પહોંચી. આ વેરાને મહેસૂલના સહેલામાં સહેલું મૂળ જેઓ માનતા તેમણે એવી દલીલ રજુ કરી કે યાત્રા કરવી એ એક નિરર્થક વહેમ હિંદુ લોકોમાં ભરાયેલો છે તે તેઓ કોઈ દિવસ છોડવાના નથી, એટલે આ મહેસુલની વસુલાત ચોકસ અને ચાલુ હોવાથી, આવો કર ઘટાડી નાંખવો એ યોગ્યનીતિ નથી. આ વેરો લોકસમૂહના વહેમ ઉપર છે અને હિંદુ લોકો ઘેર રહે તો એમાંથી મુક્ત થઈ શકે એટલું તો અકબરે કબુલ રાખ્યું. પરંતુ એણે એવો વિચાર કર્યો કે–યાત્રા એ હિંદુ ધર્મનું એક અંગ છે એટલે કે ઈશ્વરનું ભજન કરવાનો એક રસ્તો છે, તો જેને તે લોક એક ઈશ્વરી આજ્ઞા તરીકે માને છે તેને વશ રહેવામાં જરા પણ વિઘ્ન નાંખવું એ ખોટુંજ છે. આમ સમજી એણે એ વેરો રદ્દ કર્યો.
એજ રીતે મુસલમાન બાદશાહોએ ઇતર ધર્મવાળાઓ ઉપર નાંખેલા જઝીઆ વેરાનું પણ બન્યું. આ વેરો હિંદના અફઘાન બાદશાહોએ એમના મુસલમાન રાજ્યની સ્થાપનાના આરંભમાંજ નાંખ્યો હતો. જેમને આ વેરો આપવો પડતો એને આ વેરા જેવો બીજો એક પણ વેરો કઠણ લાગતો નહીં. તેમજ આ વેરા જેવો મનુષ્યજાત ઉપર જોરજુલમ ગુજારવાની તક પણ બીજો એક વેરો આપતો નહીં. અકબરના પહેલાંના બાદશાહો અને અહીંના વતનીઓનો સદ્ભાવ પ્રાપ્ત ન કરી શક્યા તેનું કારણ આ વેરાને અંગે થતો કામક્રમ પણ હોઇ શકે. તરીખ–ઈ–ફીરોઝશાહીનો કર્તા લખે છે કે જ્યારે દિવાનનો વસુલાતી અધિકારી વેરો ઉઘરાવવા આવે ત્યારે તે વેરો પૂર્ણ નમ્રતાથી અને કંઇ પણ બોલ્યા ચાલ્યા વિના આપવો જોઈએ. અને આ અધિકારીની મરજી એમના મોંમાં થુંક્વાની થાય તો વટલાવાનો ભય બીલકુલ ન રાખતાં એમણે એમનાં મોં ઉઘાડવાં જોઈએ કે તે અધિકારી છૂટથી થુંકે. આવા અપમાનનો અને મોંમાં થુંકવાનો હેતુ એજ કે–ઇસ્લામ ધર્મવાળાના રક્ષણ નીચે રહેતી કાફર પ્રજાની પરવશતા સિદ્ધ કરવી; ઇસ્લામનો ધર્મ જે ખરો ધર્મ છે તેનું માહાત્મ્ય વધારવું તથા ખોટા ધર્મો માટે પોતાનો ધિઃક્કાર બતાવવો. આ રીતે વર્તનારા અધિકારીઓ ઈસ્લામ ધર્મના ખરા તત્વથી વિરૂદ્ધ ચાલતા એ સિદ્ધ કરવાની કંઈ જરૂર નથી. દુનીઆમાં કોઈ પણ એવો નથી, કે જેને મતાંધ અનુયાયિઓના ઉન્મત્ત ઉમંગથી ખમવું પડ્યું ન હોય. મુસલમાન ધર્મને બીજા બધા જેટલું તો ખમવું પડ્યું હતું જ, પણ ઉપરના ઇંતેખાબથી–એક અસાધારણ પ્રકાશ પામેલા બાદશાહના માણસો પણ ધર્મને બહાને પોતાના ધર્મનાં ખરાં ફરમાનોની વિરૂદ્ધ વર્તન ચલાવીને–પરાભવ પામેલી પ્રજા ઉપર જુલમ ગુજારવા અને તેમનું અપમાન કરવામાં કેટલે દરજ્જે શક્તિવાન થાય છે એ સિદ્ધ થઈ શકે છે.
આ વેરો ઉઘરાવતાં સત્તાનો દુરુપયોગ થવાનો સ્વતઃસિદ્ધ સંભવ છે એમ અકબર કળી ગયો હતો, એટલું જ નહિ પરંતુ આ કર કેવળ દુષ્ટ છે એ પણ એ સમજ્યો હતો. ‘કાફર’ એ શબ્દજ એ ધિક્કારતો. એ વારે વારે પોકારતો કે ‘હુંજ ખરો છું એવી કોને ખાત્રી છે ?’ સર્વ ધર્મોમાં કંઇક શુભ હોય છે એમ સમજવાથી કોઈ પણ માણસના અંતઃકરણપૂર્વકના ધર્મ ઉપર વેરો નાંખવો એ તેને રૂચ્યું નહીં. એટલે એણે પોતાના રાજ્યના નવમા વર્ષમાં માત્ર ત્રેવીસ વર્ષની ઉમ્મરે પેલા બે તેજસ્વી બંધુ ફૈઝી અને અબુલફઝલ સાથે સંબંધ થયા પહેલાં ત્રણ વર્ષ ઉપરજ વસ્તુની ખરી યોગ્યાયોગ્યતા વિચારનારી પોતાની જ બુદ્ધિથી દોરાઈને, જઝીઆ વેરો રદ્દ કરવાનો હુકમ કહાડ્યો. તે વખતથી ધર્મમતના સંબંધે ઈશ્વર આગળ સર્વે સરખા થઈને રહ્યા.
હિંદુ જનસમાજની સાથે અકબરનો વ્યવહાર તેમના ધર્મ મત સંબધે વિષમ લાગતા કરોને રદ્દ કરવા માત્રમાંજ સમાઈ રહેલો ન હતો: લોકોના કલ્યાણમાં અને સુખમાં વિઘ્ન રૂપ થઈ પડતા નિષેધોને દૂર કરવામાં જેમ બને તેમ થોડી રાજસત્તા દેખાડીને તે પ્રયત્ન કરતો. સતીના સંબંધમાં એણે જે જે કર્યું તે તે હું ઉપર જણાવી ગયો છું. તેનાજ જેવા વિધવાપુનરૂદ્વાહના સવાલને પણ એણે ઘણું ઉત્તેજન આપ્યું હતું. ઉત્તેજન આપ્યા ઉપરાંત પણ એણે આવાં લગ્નો કાયદેસર છે એવો હુકમ કહાડ્યો હતો. એજ નીતિથી એણે હિંદુઓમાં મૂળ ઘાલીને રહેલો અને વાતમાં તો હજી ડાહ્યા માણસોથી નિંદાતો, બાળલગ્નનો રીવાજ બંધ કરવાનો હુકમ કહાડ્યો. તેમજ તેણે યજ્ઞાર્થ પશુવધ અને દિવ્ય પણ અટકાવ્યાં. પોતાના સહધર્મિઓની સાથે પણ એ ઓછો સખત નહતો: પણ એમની સાથે એણે અપરોક્ષ આજ્ઞા કરતાં પોતાના વર્તનથી દાખલો બેસાડવાની, સમજણ પાડવાની અને બોધ કરવાની રીત રાખી હતી.
બેહદ ભજન કરવાની, અપવાસો કરવાની, બહુ દાનની તેમજ અતિશય યાત્રાની રીતોને એ મંદ પાડતો પણ મના કરતો નહીં. આનો મુખ્ય આધાર પોતપેાતાના સ્વભાવે ઉપર રહેલો છે. પણ અકબર એમ તો જાણતો કે ઘણે ભાગે ધર્મ સંબંધી મોટી મોટી વાતો કરનારા પુરુષો દંભીજ હોય છે, વળી તેને એમ પણ ભરૂસો હતો કે લાંબા વખત સુધી ભજન કરવા કરતાં અને ધર્મદંભ રાખવા કરતાં બીજી ઘણી રીતે માણસ પોતાની જીંદગીનો શુભ ઉપયોગ કરી શકે છે. સુન્નતના રીવાજની અલબત અકબરથી મના તો થઈ ન શકી પણ અકબરે એ હુકમ કર્યો હતો કે બાર વર્ષની ઉમર પહેલાં કોઈ છોકરાને સુન્નત કરવી નહીં. હિંદુઓના ધર્મવિચારોને ધ્યાનમાં લઇને તેણે ગોવધનો નિષેધ કર્યો હતો. બીજી તરફથી તેણે ડુક્કરનો વધ કરવાનું તથા તેનું માંસ આહારમાં લેવાનું ધર્માનુસારી છે એમ ઠરાવ્યું. કુતરાંને હાલ પણ જેમ ચુસ્ત મુસલમાનો અપવિત્ર ગણે છે તેમ તે વખતમાં પણ તેઓ અપવિત્રજ ગણતા, પણ અકબરે તેમને પવિત્ર ગણ્યાં હતાં. દારૂનો મુસલમાનોને નિષેધ છે. એના પરિમિત ઉપયોગને અકબરે ઉત્તેજન આપ્યું હતું.
સને ૧૫૯ર માં દાઢી રાખવાની રીત કહાડી નાંખ્યાથી ચુસ્ત મુસલમાનોને તેણે ઘણું માઠું લગાડ્યું હતું. હિંદ જેવા ગરમ દેશમાં ચ્હેરો સાફ રાખવાથી થતા ફાયદા ગણાવવાની અત્રે જરૂર નથીજ. આ હુકમ જોકે ફરજીઆત ન હતો તોપણ બાદશાહી કચેરીમાં આ રીત રાખવી ન રાખવી એ એક લાક્ષણિક ચિન્હ થઈ પડ્યું હતું. ચુસ્ત મુસલમાનને દાઢી કઢાવવા જેવી બીજી કોઈ વસ્તુ વધારે અણગમતી નહીં હોય; તે વખતે તેમજ હતું; હમણાં પણ એમજ છે. તે વખતે બાદશાહે બેસાડેલા દાખલાથી ઘણો બડબડાટ થયો અને ગુપ્ત બેદીલી ફેલાઈ.
અકબરના બીજા શુભ ગુણોમાં પોતાનાં સગાંસંબંધી ઉપરનો પ્રેમ એ પણ ગણવો જોઈએ. અઝીઝ કરીને એનો એક દુધભાઈ એને વારંવાર ગુસ્સે કરતો પણ એને જરા પણ શિક્ષા કરતાં એ કહેતો કે મારી અને અઝીઝની વચ્ચે એક દુધની નદી છે જે મારાથી ઓળંગી શકાતી નથી. આ વચનમાં સમાયેલું સત્ય એના સંબંધીઓ સાથેની સર્વ વર્તણુકમાં દેખાતું હતું. જો છેક સુધરે એમ ન હોય અથવા ખુન જેવો કોઈ ગંભીર ગુનો કર્યો હોય તો તો એક જુદી વાત. બાકી એ હમેશાં પોતાના નામ સ્વભાવથી અને ઉદારતાથી પોતાનાં સંબંધીઓને મેળવી લેતો. ગુન્હેગારોને ક્ષમા કરવી, ફરી અધિકાર ઉપર નીમવા અને તેમના ઉપર વિશ્વાસ રાખવો એ એને ઘણું ગમતું. અને આ ગુણોથી કેટલીકવાર એ ઠગાતો તોપણ આખરે એની અસર સારી થતી. પુત્ર તરીકે એ સારો હતો. પતિ તરીકે પ્રેમાળ અને પિતા તરીકે જરાક હદ ઉપરાંત માયાવાળો હતો.
એના પુત્રો એની આબાદીની અવસ્થામાં જન્મ્યા હતા: જે દુર્ભાગ્યથી એમને ઘણું નુકશાન થયું હતું. શાહજાદો દાનીઆલ નાનપણમાં ઘણો તેજ અને ભવિષ્યમાં સારો નીવડે એવો હતો, પણ આસપાસની લાલચોથી અને તેના રક્ષકોએ ન વાર્યાથી, એ નાનપણમાંજ મરણને વશ થયો. શાહજાદા મુરાદનુ પણ તેમજ થયું. એનો ઉત્તરાધિકારી જહાંગીર ઘણી રીતે તેના પિતાના કરતાં ઉલટોજ હતો. પોતાના પિતાના પ્રિયતમ મિત્ર અબુલફઝલનું એણે ખૂન કરાવ્યું હતું. અને અકબરના રાજ્યના છેવટના ભાગમાં પિતાની હયાતીમાં રાજપદ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવા માટે દાખલો એણેજ બેસાડ્યો હતો. આ દાખલો આગળ ઉપર મોગલવંશમાં નિયમરૂપ થઈ પડ્યો. આ નાલાયક પુત્ર તરફની અકબરની વર્તણુક—અનુકરણીય હતી, તેની ધીરજ અને ક્ષમાબુદ્ધિ કેવળ અનુપમ જ હતાં. વળી અકબર ક્રૂરતાને ધિક્કારતો અને પોતાની ફરજ બજાવવી એ સર્જનહારની સેવા કર્યાં બરાબર ગણતો.
ફરજ સંબંધે નાની મોટી બાબતનો તફાવત એના મનમાં ન હતો. અમુક હુકમ કહાડવો જોઈએ એવો હુકમ આપીને જ એ બેસી રહેતો નહીં. એ હુકમના અમલ ઉપર એ બારીકીથી જોતો. જો ધારેલી મતલબ પાર પડી તો એનો પૂર્ણ ઉપચય કરતો. અને એની પ્રજાની જુદી જુદી કોમો ઉપર એની શી અસર થાય છે તે વિગતવાર તપાસતો. સામા માણસની પોતે કરેલી પરીક્ષા ઉપર તેને પૂર્ણ વિશ્વાસ હતો. ચહેરા ઉપરથી મનુષ્ય સ્વભાવ જાણવાનું જ્ઞાન એને નિઃસંશય ઘણું સારૂં હતું. અબુલફઝલ લખી ગયો છે કે કેટલાક માણસો ઉપર માત્ર દૃષ્ટિ ફેરવ્યાથી એ એમના સ્વભાવાદિ જાણતો, અને હિંદુ સંબંધી સર્વ બાબત ઉપર આક્ષેપ કરવાની એની રીતને અનુસરીને બદૌની પણ આટલું સ્વીકારે છે કે આવી રીતનો પુરૂષ પરીક્ષાની શક્તિ જોગી લોકો તરફથી એને પ્રસાદીમાં મળી હતી.
આટલી ઉદારતા અને વિચારોનો વિકાસ છતાં અકબર વહેમથી મુક્ત ન હતો. તિથિઓની શુભ–અશુભતામાં એને શ્રદ્ધા હતી. બ્લૉકમેન કહે છે કે ઝોરોએસ્ટરના ધર્મના અભ્યાસથી આ શ્રદ્ધા એને પ્રાપ્ત થઈ હતી. કેમકે એ ધર્મનું એ એક ખાસ લક્ષણ છે. એના જે દરબારીઓ ગુપ્ત રીતે એના ધર્મ સંબંધી સુધારાની વિરૂદ્ધ હતા તે એના વિજયોનું માન એના ઉત્તમ ભાગ્યને આપે છે. બદૌની શત્રુનો પરાભવ કરવામાં એનું હમેશના સદ્ભાગ્ય સંબંધી કેટલુંક કહે છે. ખરી રીતે પોતાના મંત્રીઓની સાથે પુખ્ત વિચારથી બાંધેલા નિયમો અને ધોરણોનો અમલ થવામાં એ પૂર્ણ લક્ષ આપતો, એનાથી જ એને સર્વત્ર વિજય મળતો હતો.
વગડામાં રમાતી રમતોનો તે ઘણો શોખીન હતો. ખાસ કરીને શીકારનો તેને બહુ જ શોખ હતો. પણ સલીમના જન્મ પછી તે શુક્રવારે શીકાર કરતો નહીં. જહાંગીર બાદશાહને પ્રમાણ માનીએ તો અકબરે સલીમની માના નિર્વિઘ્ન છુટા છેડા થાય તો શુક્રવારને દિવસે કોઈ દિવસ શીકાર નહીં કરૂં એવી બાધા લીધી હતી, અને તે બધા તેણે જન્મ પર્યંત પાળી હતી. અકબરને ગાનતાનનો ઘણો શોખ હતો, એટલુંજ નહીં પણ તે પોતે પણ સારો ગવૈયો હતો એમ માનવાને આપણી પાસે પુષ્કળ પુરાવો છે. ખ્વારીઝમના પુરાતન સંગીતમાં એ આનંદ માનતો અને અબુલફઝલના કહેવા પ્રમાણે તો એણે પંડે પણ નાના મોટા સહુને આનંદ આપે એવાં બસેં સંગીત કાવ્યો બનાવ્યાં હતાં. એજ પ્રમાણ ઉપરથી આપણે જાણીયે છીએ કે બાદશાહને સંગીતશાસ્ત્રનું કેળવાયેલા ગવૈયાઓ કરતાં પણ વિશેષ જ્ઞાન હતું. પૂર્વ તરફના રાજ્યકર્તાઓ સર્વ કાળમાં સંગીતમાં આનંદ પામતા માલમ પડ્યા છે. આ અકબરના દરબારમાં પણ હમેશાં પુષ્કળ ગાનતાનની ગમત થતી. એને નૂતન શોધ કરવાની પણ મોટે અંશે ઈશ્વરી બક્ષિસ હતી. અઈનમાં લખ્યું છે કે એણે એક ગાડી, તોપો સાફ કરવાનું એક ચક્ર, અને હાથીનું એક સાજ શોધી કહાડ્યું હતું. વળી પોતાના લશ્કરનાં અને તોપખાનાનાં માણસોના પોષાકમાં પણ એણે કેટલાક સુધારા કર્યા હતા.
ખોરાકમાં અકબર બહુ સાદો હતો અને હમેશાં માત્ર એકજ વખત નિયમસર જમતો. તેને માંસાહાર ગમતો નહીં અને મહીનાના મહીના એનાથી દૂર રહેતો. એને લીલા મેવા ઉપર સવિશેષ પ્રીતિ હતી અને તે ઉત્પન્ન કરવાનો એણે ખાસ અભ્યાસ કર્યો હતો. અબુલફઝલ લખી ગયો છે કે લીલા મેવાને એ ઈશ્વરની મોટામાં મોટી બક્ષીસ માનતો–અને તેણે ઈરાન અને તુરાનમાંથી ફલોદ્યાનપાલકોને આગ્રા અને ફતેહપુર સીક્રીમાં વસવા સારૂ બોલાવ્યા હતા. એક ઠેકાણે એ લખે છે કે ‘ટેટી અને દ્રાક્ષ પુષ્કળ થયાં છે અને બહુ સારાં થયાં છે. અને તડબુચ, પીચ, બદામ, પીસ્તાં, નારંગી વગેરે સર્વત્ર મળી આવે છે’ વળી તે ઉમેરે છે કે—કાબુલ, કંદહાર, કાશ્મીર,બદક્ષાન અને છેક સમરકંદથી પણ પુષ્કળ મેવો મંગાવતો. અઇનમાં આવાં ફળની એક મોટી યાદી આપેલી છે જે વાંચી હિંદુસ્તાન જાણવાવાળા વાંચનારાને ઘણો આનંદ થશે. તે વખતે પણ હિંદુસ્તાનના મેવામાં આમ્રફળ શ્રેષ્ઠ ગણાતું હતું એ જાણીને કાંઈક વિનોદ થાય છે. આ ફળ, રૂપ રસ અને ગંધ ત્રણેમાં અનુપમ વર્ણવાયું છે, અને કેટલાક ફલોપાસકો તો એને ટેટી અને દ્રાક્ષના કરતાં પણ ચઢીઆતું માને છે.
અકબરના નિત્યનિયમના સંબંધમાં અને આગ્રા અને ફતેહપુર સીક્રીમાં સાધારણ રીતે તે શી રીતે દિવસ નિર્ગમન કરતો તેના સંબંધમાં હવે કાંઈક બોલીએ. એમ લાગે છે કે અકબર મોડી રાત સુધી જાગતો અને વાર્તાવિનોદમાં તથા વાદવિવાદોમાં વહાણાં વહી જતાં હતાં. અબુલફઝલ કહે છે તે પ્રમાણે આ વિષયમાં સૂર્યોદય પહેલાં એક પ્રહર સુધી તે નિમગ્ન રહેતો, અને પછી ગવૈયા દાખલ થતા. પ્રભાત થતાં પોતે ખાનગી મેહેલમાં જતો. ત્યાં સ્નાન કરી પોષાક ધારણ કરી એકાદ કલાક પછી દરબારી મંડળની સલામ સ્વીકારવા હાજર થતો. પછી રોજકામનો આરંભ થતો. ઘણુંખરૂં મધ્યાન્હ પહેલાં તો કામ ક્યારનુંએ પૂરૂં થઈ રહેતું. ઘણુંખરૂં અકબર એકવાર ભોજન લેતો અને સવારનું કામ પૂરૂં થાય ત્યારે થાળી આવતી. ભોજનની અમુક ઘડી એમ નિયમ ન હતો. બપોર પછી જરા નિદ્રા લેતો. કોઈ કોઈ વાર પરોઢમાં તે વગડાની રમત રમતો અને કોઈ વાર સાયંકાળ પછીનો વખત પણ ચૌગાન અથવા પોલોની રમતમાં ગાળતો, જેમાં પલાશનો દડા વપરાતા. જે વખતે બહુ તાપ પડતો તે વખત આરામ લેવાનો અને સ્વસ્થ થવાનો હતો.
અકબરે થોડાં વર્ષ રાજ્ય કર્યું એટલામાં જ એને રજપૂતાનાના રાજ્યવંશોને મૈત્રી કરતાં પણ કાંઈક વધારે ગાઢ સંબંધથી પોતાની ગાદી સાથે જોડી લેવાની જરૂર જણાઈ આવી હતી. રાજસ્થાનના ઊંચા રજપૂતો જે જાતના સંબંધને એક જાતની ભ્રષ્ટતા સમજતા તે સંબંધમાં તેમને ઉતારવા એમના સહજ આગ્રહોનો એણે શી રીતે પરાભવ કર્યો તે વાતની નિરીક્ષા કરતાં આપણને કંઈક રસ આવે છે. એમ જણાય છે કે હુમાયૂંએ કેટલેક અંશે રસ્તો કર્યો હતો. કર્નલ ટોડ પોતાના વિદ્વત્તા ભર્યા અને મોહક ગ્રંથમાં, હુમાયૂં પોતાના રાજ્યના પ્રારંભમાં ચીતોડવાળી કુંવરી કુર્ણાવતીનો ભાઈ થયો હતો અને તેની સેવામાં રહેવા એણે વચન આપ્યું હતું, એ વાત આપણને જણાવે છે. આ તેની સેવા એણે વફાદારીથી બજાવી હતી. તે તેને હમેશાં ‘વ્હાલી સગુણી બહેન’ એમ કહીને બોલાવતો. વળી તેણે અમ્બરના રાજા બિહારીમલ્લની પણ પ્રીતિ સંપાદન કરી હતી. બિહારીમલ્લ તો આ ગ્રંથમાં આટલી બધી વાર આવી ગયેલા ભગવાનદાસનો પિતા થાય.
આગળ ઉપર અકબર એની કુંવરીને પરણ્યો અને અમ્બરની ગાદી સાથે આ રીતે એનો સંબંધ જોડાયાથી, ભગવાનદાસ અને તેનો ભત્રીજો તથા દત્તકપુત્ર માનસિંહ જે તેનો એક મોટામાં મોટો સેનાપતિ હતો, તેમને પોતાના દૃઢ મિત્ર તરીકે ગણવા શક્તિવાન થયો. ભગવાનદાસ વિષે આગળ લખતાં કર્નલ ટોડ લખે છે કે તે અકબરનો એક મિત્ર હતો. અકબર આવા માણસોને પોતાની ગાદી સાથે સંબંધ કરવાની કિંમત જાણતો. રજપૂતાનાના રાજાઓની ખરી મનોવૃત્તિઓ જાણવાની એના જેવી બીજા કોઈને પણ તક ન હતી. તેથી આગળ વધતાં એ લખે છે કે ‘પરંતુ ભગવાનદાસનું નામ ઇસ્લામીઓ જોડે લગ્ન વ્યવહાર બાંધવાથી રજપૂત શુદ્ધતાને દૂષિત કરવામાં પ્રથમ પુરૂષ તરીકે–અધમ ગણાઈ ગયેલું છે.’ આ જાતનો દુરાગ્રહ હમેશાં મજબૂત હોય છે; કુતરાની માફક એક્વાર ત્યાગ કરેલી વસ્તુ ઉપર પુનઃ આદર કરે છે.
ભગવાનદાસ અને તેના ભત્રિજા 'માનસિંહના જેવા પરાક્રમી અને ઉદાર અંતઃકરણના રાજાઓ રજપૂતાનામાં કદી ઉત્પન્ન થયા નથી. અકબરની સાથેના એમના ગાઢ સંબંધથી મુગલના સર્વોપરિપણા વિષયે રજપૂતોના મનનું બીજી કોઈ પણ બાબતથી ન થયેલું સમાધાન થયું હતું. આ સંબંધ વળી ભગવાનદાસની એક કુંવરી વેરે સલીમનાં લગ્નથી સુદૃઢ થયો હતો. આ પરાક્રમી કોમ ઉપર અકબરના રાજ્યની ખરી અસર શી હતી તે કર્નલ ટોડ, જેનો રજપૂત સંબંધી સદ્ભાવ રજપૂતોના પોતાના કરતાં પણ વધારે ઊંડો હતો તેના અકબરના ઈતિહાસના નીચેના ઉપસંહારથી જણાઈ આવે છે.
આ ગ્રંથકાર લખે છે કે અકબર મુગલ રાજ્યનો ખરો સ્થાપનાર હતો. એજ રજપૂતોની સ્વતંત્રતાનો પ્રથમ વિજેતા હતો. આ હેતુ સાધવામાં એના સદ્ગુણોની એને પ્રબળ મદદ હતી. કેમકે સામાના મનનું સ્વારસ્ય અને તેમને અચૂક રીતે પ્રવૃત્તિમાં દોરનારા હેતુઓ જાણી લેવાની એની ચતુરાઈથી રજપૂતોની આસપાસ નાંખેલી લોઢાની સાંકળોને તેણે સેનાની સાંકળો બનાવી હતી. પછી લાંબા કાળના પરિચયને લીધે, અને ખાસ કરીને જ્યારે બાદશાહે એમના જાત્યભિમાનને સંતોષ પમાડે એવાં કાર્યોમાં અથવા નીચ મનોવિકારને તૃપ્ત કરવામાં પોતાની સત્તા વાપરવા માંડી ત્યારે તેઓ આ સાંકળોથી ટેવાઈ ગયેલા હતા: અકબર બાદશાહની નીતિનાં તત્વો સમજવાની અશક્તિને લીધે એના વિજયોનો હેતુ એકત્ર કરવાનો હતો, એ વાતને સમજાતાં, અકબર, તેની પહેલાંના અફઘાન અને પઠાણ પાદશાહોના જેવોજ હતો એમ ગણીને, કર્નલ ટોડ અકબરની જીતો સંબંધે વાંધો ઉઠાવે છે. પણ કર્નલ ટોડને આટલું ઉમેરવાની જરૂર પડી છે કે આખરે એના રાજ્યલોભે કરેલા ઘા રૂઝાવવામાં એ સફળ થયો અને એની જાતિના કોઈને પણ ન મળેલા એવા પ્રમાણમાં લાખો લોકોની પ્રશંસા પામ્યો.’ આ સ્થળે મારે ઉમેરવાની જરૂર નથી કે જો રાજ્યનો મુખ્ય હેતુ લોકોને સુખી કરવાનો હોય અને તે સાધવામાં વિજયથી એકત્રતા કરવાની જરૂર હોય તો સાધન પણ સાધ્યના ગુણથી ગુણી થાય છે. અકબરે રજપૂતાનામાં રાજ્ય કરવા સારૂ રજપૂતાના જીત્યું ન હતું. એની જીતનો હેતુ એ હતો કે બધા રજપૂત રાજાઓ પોતાના સામ્રાજ્યના પ્રતાપથી આખા રાજ્યને મળેલી શાન્તિ અને આબાદીનાં સુખનો, તે પ્રતાપનો તાપનો અનુભવ લેવાની જરૂર વિના, પોતપોતાના રાજ્યોમાં ઉપભોગ કરે.
રજપૂત રાજાઓમાં તે કાળમાં સર્વથી વધારે બળવાન જોધપુરના રાજા ઉદયસિંગની દીકરી અકબરે સલીમને અપાવી. આ શાહજાદીને એક કુંવર અવતર્યો, જે શાહજહાન નામ ધારણ કરી સલીમ પછી બાદશાહ થયો. કર્નલ ટોડ લખે છે કે આવા સુખકર ફળવાળું આ લગ્ન અકબરે જોધપુરના રાજાને ચાર પ્રાન્તો આપીને સાધ્યું, જેથી જોધપુરની ઉપજ બમણી થઈ. પછી તે ઉમેરે છે કે મારવાડ અને અમ્બર જેવાં દૃષ્ટાન્તોથી લોભાઇને અને લાલચને જીતવાની સત્તા ઓછી હોવાથી સંખ્યાબંધ બહાદૂર પટાવતો સાથે રાજસ્થાનના નાના નાના રાજાઓ દિલ્હીના સુબારૂપે થઈને રહ્યા અને આ ફેરફારથી એમાંના ઘણાખરાઓના માનમરતબા વધ્યા. મુગલ ઇતિહાસકારે એમને ‘એકજ વખતે મુગલ તપ્તના સ્તંભ અને આભૂષણ’ તરીકે વર્ણવ્યા છે તે ખરૂં છે.
રજપૂતાનાના રાજાઓ સંબંધે અકબરની નીતિના વાજબીપણાને માટે રજપૂત લોકો ઉપર મમતાવાળા આ ગ્રંથકારનો અભિપ્રાય બસ છે.
બાદશાહી કુટુંબમાં થયેલાં લગ્નના વિષયમાં કહેવું જોઇએ કે અકબરને બહુ બેગમો કહેવાતી; પણ સપ્રમાણ તો આઠજ કહેવામાં આવી છે. એની પહેલી બેગમ એના કાકા હીન્ડાલ મીર્ઝાની શાહજાદી હતી. એનાથી તેને કાંઈ સંતાન થયાં નહીં અને તે ચોરાશી વર્ષની થઈ ત્યાંસુધી જીવી. એની બીજી બેગમ પણ એની ફોઈ જે મીરઝા નુરૂદીનને પરણી હતી તેની દીકરી હતી. તે કવિ હતી અને મખૂફી એ નામ ધારણ કરી લખતી. એની ત્રીજી બેગમ રાજા ભગવાનદાસની બહેન અને રાજા બિહારીમલ્લની દીકરી હતી. એની સાથે બાદશાહનું લગ્ન ૧૫૬૦ માં થયું હતું. એની ચોથી બેગમ જે પહેલાં અબદુલવાસીને પરણી હતી તે પોતાની ખુબસુરતીને માટે પ્રખ્યાત હતી. પાંચમી બેગમ જહાંગીરની માતા જોધબાઈ જોધપુરની કુંવરી હતી. ભવિષ્યની રાજમાતા તરીકે એ જનાનખાનામાં સર્વોપરિ હતી. એની છઠ્ઠી સાતમી અને આઠમી બેગમો મુસલમાન હતી.
રાજ્યવ્યવહાર સારૂ પ્રબંધો રચવાની બાબતમાં અકબરે મેહેસુલ ઉઘરાવાની રીત ઉપર બહુ લક્ષ આપ્યું હતું. તે ગાદીએ બેઠો ત્યારે શેરશાહ જેણે અકબરના પિતાને હરાવી પદભ્રષ્ટ કર્યો હતો તેણે દાખલ કરેલી રીત ચાલતી હતી. (૧) જમીનની ખરી માપણી કરવી, (૨) દર વીઘાદીઠ જમીનના નંબરોની સરાસરી ઉપજનો નિર્ણય કરવો, (૩) પ્રત્યેક ખેડુએ એ સરાસરીમાંથી સરકારને આપવાનું પ્રમાણ નક્કી કરવું (૪) અને એ રીતે નક્કી કરેલા ઉપજના ભાગ ઉપરથી સરકારને આપવાનાં નાણાંની રકમ નક્કી કરવી. આ ધોરણો ઉપર શેરશાહની રીત રચાઈ હતી. અકબરે ધારેલું કામ આ રીતની દરમિયાન ન આવતાં એનાં ધોરણોને યથાસ્થિત કરવાનું હતું. અને આ હેતુથી એણે પહેલાં વપરાયલાં ભિન્ન ભિન્ન ધોરણોને બદલે એક ધોરણ નક્કી કર્યું.
અઇનકાર લખે છે કે, આ પ્રસશ્ય પ્રબંધથી અધિકારીઓના મતનો અનિશ્ચય ભાગ્યો. પ્રજા જૂદી જૂદી જાતના જુલમથી મુક્ત થઈ, ઉપજ વધી અને રાજ્ય આબાદ થયું. તેમજ, અકબરે માપણી માટે, સુધરેલાં સાધનો વાપર્યાં. આખા રાજ્યની ખેડવાણ જમીનની નવેસરથી માપણી કરી. અઈનકાર કહે છે કે દરેક વિઘા દીઠ અધમણ દાણા રાજ્યભાગ તરીકે તે લેતો. વરસ જતાં આ ભાગ નાણાંના રૂપમાં તે લેવા લાગ્યો. દરેક પરગણામાં એ રાજ્યના પશુઓ માટે, ખેડુતોને બીમાં આપવા માટે, વખતે દુકાળ પડે તો કામમાં આવે તે માટે, અને ગરીબોને અન્નદાન માટે, દાણાના કોઠારે ભરાવી રાખતો. અને આ કોઠારો વિશ્વાસપાત્રતાને માટે ખાસ પસંદ કરેલા અધિકારીઓને સોંપાતા.
તેના અમલના પ્રથમના ભાગમાં ફળદ્રુપતાના પ્રમાણમાં જમીનના ત્રણ વર્ગ પાડ્યા હતા અને દરેક વર્ગના અકેક વીઘાની ઉપજની નીકળેલી સરાસરી પ્રમાણે દર નક્કી થતા. પરંતુ જો આવી રીતે નક્કી કરેલા દરથી કોઈ ખેડુ નારાજ થાય તો પોતાની ઉપજની જુદી કીંમત તે ઠરાવી શકતો. એજ રીતે જમીનની જાતના પ્રમાણમાં દરની સમતા સિદ્ધ કરવા સારૂ તથા જમીન બોળાણ જાય કે એવા બીજા દૈવયોગથી થતા નુકસાનમાંથી ખેડુને બચાવવા સારૂ વળી જમીનના પાંચ વર્ગ પાડ્યા હતા. વળી જમીનની જૂદી જૂદી જાતોનો વિવેકપૂર્વક નિર્ણય થવા સારૂ બીજા નિયમો પણ કાળજીથી રચવામાં આવ્યા હતા અને તે બધાનો હેતુ ખેડુ અને રાજ્ય બન્નેને ઈન્સાફ થાય એવી રીત સ્થાપવાનો હતો.
ધીમે ધીમે જેમ જેમ રાજ્ય સુસ્થાપિત થતું ગયું તેમ તેમ સરકારને આપવાના દર નક્કી કરવાનું વધારે સારૂ ધોરણ દાખલ થતું ગયું. ગામડાંના મુખીઓ પાસે માપણી થઇ તે પહેલાંના છેલ્લાં ઓગણીસ વરસના દાણાના ભાવ મંગાવ્યા. આની સરાસરી કહાડી અને ઉપજની કિંમત ચાલતા ભાવ પ્રમાણે નક્કી કરવામાં આવી. પહેલાં તો આ દર વર્ષોવર્ષ ઠરતા પણ તે બહુ અગવડ ભરેલું લાગવાથી દસ દસ વર્ષના ઠરાવ થવા માંડ્યા.
આ મહેસુલની યોજના ખામી વિનાની કરવા અકબરે મહેસુલ સારૂ રાજ્યના નવા વિભાગો કર્યા. આ યોજના પ્રમાણે અકબરે એક કરોડ દામ એટલે પચીસ હજાર રૂપીયાની ઉપજવાળા તાલુકા બનાવ્યા. આ તાલુકાનો અધિકારી કરોડી કહેવાતો. જ્યારે એક કરોડીના હાથમાં બે લાખ દામ એકઠા થાય ત્યારે તેણે રાજધાનીની તીજોરીના અધિકારીને એટલા દામ મોકલાવી આપવા પડતા. પણ થોડા વખત પછી એમ માલૂમ પડ્યું કે આવી આંકડાની ગણત્રી ઉપર કરેલા બીજી રીતે અનિયમિત વિભાગોથી કેટલીક ગરબડ થતી અને હિંદુઓને સહુથી વધારે પ્રિય એવા કેટલાક જુના રીવાજોને અડચણ થતી. એટલે થોડી વખત અજમાશ કર્યા પછી આ કૃત્રિમ વિભાગની રીત છોડી દઈ અહીંના લોકોની જુની રીત પ્રમાણે, એટલે પ્રદેશની સ્વાભાવિક સ્થિતિ અને તેમાં ચાલતી ગ્રામ યોજનાને અનુસાર, નવેસરથી વિભાગ પાડ્યા.
અકબર ઈજારો આપવાની રીતથી બહુ વિરુદ્ધ હતો કારણ કે તે રીતે બહુ જુલમ ગુજરતો. એના અધિકારીઓને ખાસ કરીને તેણે એવો હુકમ આપેલો હતું કે ગામના મુખી મારફત લોકની સાથે કામ ન પાડતાં જેમ બને તેમ તેમની સાથે સીધો વ્યવહાર રાખો. આ એક નૂતનતા હતી અને જો કે એનો ઉદ્દેશ શ્રેષ્ઠ હતો તોપણ પ્રત્યેક સ્થળે તે સમી ઉતરતી નહીં. હિંદમાં રીવાજની બહુ કિંમત છે. આ રીવાજે જ ગામના મુખ્ય માણસની સત્તા સ્વીકારી હતી અને વ્યવહારમાં કંઈ નહિ તો એની સાથે રહીને કામ પાડવાની તો જરૂર જ હતી.
જ્યારે બાદશાહે જમીન ધારણ કરનારાઓના હક વગેરેની બાબતમાં તપાસ કરી ત્યારે એને માલૂમ પડ્યું કે એના પૂર્વના બાદશાહોએ નાલાયક પાત્રોને જમીન બક્ષીસ કરેલી છે એટલુંજ નહીં પણ એના પોતાના અધિકારીઓ જૂદી જૂદી તરેહની લાંચો અને બીજી લાલચોને વશ થઈ અપરાધી થયા છે. આ જુલમના સંબંધમાં ફૈઝી એના દરબારમાં દાખલ થયો ત્યાર પછી થોડી જ વારે તેની આંખ ઉઘડી હતી, અને જે લોકો પવિત્રતાનો બહુ ઢોંગ રાખતા હતા તેઓ જ આમાં મોટા અપરાધી છે એ જાણી એને ત્રાસ થયો. આ પછી તરતજ આ બધાને મર્મમાં ને મર્મમાં મક્કે મોકલાવી દીધા અને પછી આખા ખાતાની પૂરી તપાસ થઇ. ચાર વર્ગને રાજ્ય તરફથી મદદ આપવી સારી છે એમ નક્કી થયું હતું. પહેલું તો જે લોકો વિદ્યામાં અને સાહિત્યમાં ભક્તિવાળા હોઈ નિર્ધન હોય: આવા લોકોને પોતાના પેટની ચિંતા હેરાન ન કરે એવી ગોઠવણ કરવાનું ઠીક જણાયું હતું. બીજો “જન સંસર્ગ ત્યાગ કરી કામ ક્રોધાદિક મનોવિકારો સાથે યુદ્ધ કરતાં યમનિયમાદિકમાંજ મગ્ન રહેનાર વર્ગ. ત્રીજો નબળા અને ગરીબ લોકો જે મહેનત કરવા અશક્ત હોય તે વર્ગ. અને ચોથો ઊંચા કુળમાં જન્મેલા આબરૂવાળા લોકો જે દુનિયાની ગતિના અજ્ઞાનને લીધે વ્યાપારાદિકથી પોતાને નિર્વાહ કરવા અશક્ત હોય, તે વર્ગ.”
આ વર્ગોના અરજદારોની સ્થિતિની તપાસ કરવા એક પ્રામાણિક પુરુષને અકબરે નીમ્યો હતો. એ ‘સદર’ એટલે મુખ્ય કહેવાતો અને કાજી તથા ન્યાયાધીશો કરતાં એને ઊંચે દરજ્જે મૂક્યો હતો. ફૈઝીની સૂચનાથી શરૂ કરેલી તપાસને પરિણામે એમ જણાયું કે આ ખાતું લાંચ રૂસ્વતનું ઘર છે ત્યારે એક સદરથી તે નાનામાં નાના કાઝી સુધી બધા અધિકારીઓને ભ્રષ્ટ કરી જુદા વર્ગમાંથી અધિકારીઓ નીમ્યા અને તેમનાં કામો નિયમ બંધ કરી દીધાં.
પણ રાજ્યની બજાવેલી મોટી નોકરીઓના બદલામાં ઇનામ આપનાર બાદશાહ તરીકે અકબરે પોતાની નોકરીમાં વ્યસ્ત રહેલા અધિકારીઓને જમીનની મોટી મોટી બક્ષીસો આપી હતી. આ પ્રમાણે મનસબદારો એટલે મોટા સેનાપતિઓને પગારને બદલે નોકરી બદલ જમીનો આપી હતી. વળી એના પૂર્વના રાજાઓમાં સર્વથી વધારે બલવાન રાજા શેરશાહે અફધાન જાતના પોતાના હજુરીઓને જમીનની બક્ષીસો બહુ ઉડાઉપણાથી આપી હતી. આ લોકોને શા હકથી જમીન આપી હતી તેની તપાસ અકબરે શરૂ કરી અને ઘણાઓ પાસેથી જમીન ખુંચી લઈ અકબરે પોતાના હજુરીઓને આપી.
આ પ્રમાણે વર્તવામાં એના પૂર્વના રાજાઓએ બેસાડેલા દાખલાનેજ એ અનુસર્યો. પણ તે દાખલા સિવાય એને બીજાં કારણ હતાં. એને માલુમ પડ્યું હતું કે ફરમાનમાં જણાવેલા જમીનના ખુંટ કવચિત્ જ મળતા આવતા. કેટલીકવાર એમ બનેલું કે ફરમાનની ભાષા એવી દ્વિઅર્થી હોય કે ઈનામદાર સદર અને કાઝીને લાંચ રૂસ્વત આપી જેટલી જમીન લેવાય એટલી લઈ શકે. તેથી યોગ્ય તપાસ કર્યા પછી જેટલી જમીન પાછળથી દબાવેલી માલૂમ પડી તેટલી જમીન લઈ લેવાનો રાજ્યના અને લોકોના લાભમાં તેમજ ઈન્સાફની ખાતર એને પૂરેપૂરો હક હતો. વળી તેને માલુમ પડ્યું હતું કે ઉલમા એટલે વિદ્વાન પંડિતો જેઓ ઇતિહાસપ્રસિદ્ધ સહુ વર્ગોમાં ન્યુ ટેસ્ટમેન્ટના ફેરીસીઝને સહુથી વધારે મળતા આવતા, અને જેઓને એ અંતઃકરણથી ધિઃક્કારતો, તેઓએ પોતાના બાલ્યના વખતમાં, અને ફૈઝીની સૂચનાથી તજવીજો શરૂ થઈ ત્યાર પહેલાં, છૂટથી ગજવાં ભર્યાં છે. આથી તેણે એમના હક્કોની સખત તપાસ કરી અને જ્યારે એમાં દૂષણ માલમ પડતાં અથવા તો અપ્રામાણિક વ્યવહાર થયો છે એમ માનવાનું એને કારણ જણાતું ત્યારે તે ઈનામની જમીન ખુંચવી લેતો અને તેમને બક્કર, સિન્ધ, અથવા બંગાળા, જ્યાંની આબોહવા તે વખતમાં બહુ ખરાબ ગણાતી ત્યાં દેશનીકાલ કરી મોકલી દેતો. આ સુધારાના સમયમાં વળી સદરોની સત્તા એણે ઘણી ઘટાડી નાંખી હતી અને તેમના હાથમાં સોંપેલી ઘણીખરી સત્તા પોતાને સ્વાધીન લીધી હતી.
અકબરે કરેલા દેશના સીમાન્ત સંબંધની રીતના સુધારાના પરિણામ અને સાધારણ વલણ સંબંધે એક પ્રખ્યાત ગ્રંથકાર પોતાનું મત લખે છે કે– “જો કે તેથી વર્તમાન જમાનાના સુખમાં વૃદ્ધિ થઈ તોપણ ક્રમેક્રમે વિશેષ વૃદ્ધિ થાય તેવાં ધોરણો તેમાં ન હતાં: તેમજ ગ્રામ્ય પ્રજાને બીજા ધંધાઓમાં પોતાની પ્રવૃત્તિઓ પ્રસારવાથી અથવા પોતાના ધંધામાં જાતમહેનતથી ઉન્નતિ પામવાની આશા રહે એવું કાંઈ ન હતું.” કંઈક અવિશ્વાસની સાથે અને ઘણા માનથી આ અભિપ્રાયથી હું જુદો પડવાની હિંમત ધરૂં છું. અકબરે પોતાના વર્તમાનમાં જનસુખની વૃદ્ધિ કરી એ તો નિર્વિવાદ છે. મિ. ઓલ્ફસ્ટને સૂચવેલ માર્ગ ઉપર જવામાં તે વખતના હિંદુ જનસમાજના બંધારણનાં અગત્યનાં ધોરણોનો નાશ થવાનો સંભવ હતો. ગામના મુખીને પડતા મૂકી ખેડુતો સાથે પરબારો વ્યવહાર ચલાવવાનો યત્ન કરવામાં અકબર એ સ્થિતિની અણી ઉપરજ આવ્યો હતો. યોગ્ય વખત ગયે એ સમજી ગયો કે લગભગ કાયદા જેટલું જોર ધરાવતા રીવાજો સાથે એણે બહુ બીકથી અને સાવધાનીથી વર્તવું જોઈએ; અને તેથી તેણે પોતાની આજ્ઞા રદ્દ કરી.
મહેસુલ, રાજ્યકોશ અને ચલણની બાબતમાં અકબરનો મુખ્ય સલાહકાર રાજા ટોરમલ હતો. તેને વિષે પૂર્વના પ્રકરણમાં કેટલુંક કહેવાયલું છે. એ અગાધ શક્તિવાળો અને કસી જોયેલી પ્રમાણિકતાવાળો હતો. મુસલમાન બાદશાહના દરબારમાં રહેલો છતાં એ ખરો હિંદુ રહ્યો હતો અને પોતાના ધર્મની બધી ક્રિયાઓ શ્રદ્ધાથી કરતો. એક વખત અકબર સાથે પંજાબ જતાં વિદાય થવાની ઉતાવળમાં એ પોતાના દેવ ભૂલી ગયો. નિત્ય પૂજન કર્યા વિના એ બીજું કાંઈ પણ કામ કરતો નહિ, તેથી તે કેટલાક દિવસ સુધી ખાધા પીધા વિનાજ રહ્યો અને આખરે બહુ મુશીબતે અકબર એને દીલાસો આપી શક્યો.
અકબરના લશ્કરનો મોટો ભાગ ઘોડેસ્વારનું લશ્કર હતું. યુદ્ધરચનામાં હાથીઓ પણ અગત્યની સ્થિતિ ધરાવતા. હાથીઓની હાજરીથી બાદશાહે હાજર છે એમ નિયમસર સમજાતું. ખરી રીતે હાથી ન હોય તો બાદશાહ હોયજ નહિ એવી સમજણ હતી. ગયા પ્રકરણમાં બાદશાહના એક પરાક્રમી શત્રુએ આવી સર્વવ્યાપી સમજણથી કરેલી સુખદ ભૂલનું દૃષ્ટાંત આપ્યું છે.
વિંંધ્ય પર્વતની ઉત્તરના રાજ્યના અકબરે બાર પ્રાન્તો પાડ્યા હતા. આ બધા ઉપર માત્ર બાદશાહનાજ તાબામાં રહી અકેક સુબો રાજ્ય કરતો. જ્યાં સુધી સદ્વર્તન રાખે ત્યાં સુધી એ અધિકાર એ ભાગવતો અને દરેક બાબતમાં બાદશાહના હુકમો પાળવાને તે બંધાયલો હતો. તેના તાબામાં ફૌઝદાર નામના સ્થાનિક લશ્કરી અમલદારો રહેતા અને તેમના હાથમાં ચોકીયાત અને લશ્કર બન્નેના અધિપતિનાં કર્તવ્યો હતાં. આ રીતે પોતપોતાનાં પ્રાન્તોમાં સલાહશાન્તિ જાળવવાનું–લશ્કરી થાણ ઉપર દેખરેખ રાખવાનું, ત્યાં રહેલી પગારદાર લશ્કરી ટુકડીઓની સરદારીનું કામ કરવાનું, અને સામાન્ય રીતે બંડબખેડા દાબી દેવાનું કામ એ અધિકારીનું હતું.
અકબરના અધિકારીઓની ન્યાયની પદ્ધતિ એના પહેલાના અફઘાન રાજાઓના વખતમાં જે હતી તેજ હતી. પ્રબંધ માત્રનું ધોરણ કુરાન ઉપર હતું. પણ દાખલાઓથી અક્ષરાર્થમાં ફેર થઈ શકતો. વળી જ્યાં કાયદો સખ્તાઈ કરે એવું જણાતું, ત્યાં બાદશાહ અથવા તેના સલાહકારોએ રચેલી સૂચનાઓથી તેમાં પણ ફેરફાર થતા. આ સૂચનાઓનું મુખ્ય ધોરણ ન્યાય ને દયાથી કાયદાને નરમ કરવાનું હતું. મોટા અધિકારીઓને દેહાન્ત દંડ ફરમાવવામાં બહુ કરકસર કરવાની આજ્ઞાઓ આપી હતી. દુર રહેલા ગુજરાતના સુબાને મોકલાવેલી એક આજ્ઞાપત્રિકામાં એ અધિકારીને ભયંકર રાજદ્રોહ સિવાય બીજા કોઈ પણ ગુનાહમાં બાદશાહની મંજુરી વિના દેહાન્ત દંડની શિક્ષા કરવાનો પ્રતિબંધ કર્યો હતો.
વિંધ્યના દક્ષિણના દખ્ખણ એ નામથી ઓળખાતા મુલકની પ્રથમ ત્રણ સુબાગિરીઓ કરવામાં આવી હતી. પાછળથી જ્યારે બીજા પ્રાન્તો અને જીલ્લાઓ જીતાયા ત્યારે ત્રણની છ સુબાગિરીઓ થઈ. અકબરના દેહાન્ત પછી આ બધી સુબાગિરીઓ સુબાદાર નામના એક મોટા અધિકારીના તાબામાં સોંપવામાં આવી,–જેમાંથી નિઝામનું રાજ્ય ઊભું થયું. એની સાથે પણ એના તાબામાં એક કારભાર કરનાર મહેસુલાતી અધિકારી–દિવાનની પદવીથી નીમેલો હતો.
અકબર બહુ દબદબાવાળો બાદશાહ હતો. પોતાની રીતભાતમાં તે જો કે એ સાદો હતો તોપણ તેને એવી સમજણ પડી હતી કે પૂર્વ તરફના લોકો ઉપર રાજ્ય ચલાવવામાં દબદબો એ એક મુખ્યતત્વ છે. જેનું માથું હાલતાં હુકમ સમજાઈ અમલ થાય અને જેને લોકો દુનિયાં ઉપર ઈશ્વરના અવતારરૂપ સમજે એવા બાદશાહનો દમામ, વૈભવ અને ભવ્યતા લોકોને સમજાવવાને માટે, તે બધું તેમને દૃષ્ટિગોચર કરવાની જરૂર હતી. આ એક ભાવના છે એમ નથી. હિંદના વતનીઓ જે ભાષા વાપરે છે તે ઉપરથી આજ પણ તેમના મનમાં આ વિચાર કેવી રીતે ઘૂમે છે તે જણાઈ આવે છે. એમની દૃષ્ટિમાં સર્વોપરિ સત્તાવાળો પુરૂષ ઈશ્વરના આસન ઉપર બેસે છે. એની મરજી અનુસાર એમનાં સુખ દુઃખ ઘડાય છે. ઉત્સવના દિવસોમાં એ લોકો એમ ધારે છે કે આ સર્વસત્તાવાન રાજા પોતાની બાદશાહીનો દમામ બતાવશે અને ભવ્યતા પ્રદર્શિત કરનાર ભબકો પોતાની આસપાસ ઉપજાવશે. અકબર આ બધું બરાબર સમજતો અને તે પ્રમાણે વર્તતો.
મહોત્સવના દિવસોમાં એ કેવો ચિત્તગ્રાહક ભબકો રાખતો તે જાણવાને અઇન સિવાય બીજાં પણ સાધનો છે. દેશી ઈતિહાસકારો એના પાંચ હજાર હાથીઓની, બાર હજાર અસ્વારીના ઘોડાની, દરબાર ભરવાનાં દીવાનખાનાં, ભોજનશાળા, કસરતશાળાઓ તથા શયનગૃહોની ગોઠવણોની, ઉમદા કાપડના અને જાત જાતના ઉંચા રંગદાર તંબુઓવાળા મુસાફરીના સરંજામની, વાત લખે છે. તેઓ વર્ણન કરતાં લખે છે કે બાદશાહ પંડે મોટી ધામધુમના દિવસોમાં ચારે તરફથી ખુલ્લા એક ઉમદા તંબુમાં અત્યંત મૃદુ મખમલની બે એકર જમીન ઉપર બીછાવેલી બીછાતના મધ્ય ભાગમાં પોતાના અમીરોની સલામો લેતો બેસતો. પછી લોકોના દેખતાં ગરીબ લોકોમાં વ્હેંચવાને સારૂ કેટલીક વસ્તુઓની સાથે બાદશાહની તુલા થતી. બાદશાહની ઉમરના વરસ જેટલાં ઘેટાં બકરાં અને કેટલાંક પક્ષીઓ તેના ઉછેરનારને અપાતાં. સંખ્યાબંધ નાનાં પ્રાણીઓને પણ છૂટાં કરવામાં આવતાં. અને બાદશાહ પંડે પોતાના હાથે બદામ અને નાનાં ફળ પોતાના માનકારીઓમાં વ્હેંચતો.
ધામધુમવાળે મોટે દિવસે અકબર રત્નોથી ઝગઝગતો પોતાના તખ્ત ઉપર વિરાજતો અને તેની આસપાસ ભબકાદાર પોષાકવાળા એના મુખ્ય અમીરો બેસતા. પછી તેની નજર આગળ થઈને માથે અને છાતી ઉપર માણેક અને બીજાં કિંમતી રત્નોવાળાં આભૂષણોથી અલંકૃત હાથીઓ–ભબકાદાર સરંજામવાળા ઘોડાઓ, ગેંડા, સિંહ, વાઘ, દીપડા, શીકારી ચિત્તા, શીકારી ચિત્તા, અને બાજ એક પછી એક પસાર થતા; અને અંતે દમામી પોષાકવાળા પોતાના ઘોડેસ્વારો નજર નીચે થઈ ચાલ્યા જતા. આ માત્ર કલ્પનાચિત્ર છે એમ સમજવાનું નથી. હૉકીન્સ, રો, ટેરી, વગેરેએ અકબરના શાહજાદાના વખતમાં આ બધું જોયેલું છે અને એ નામીચા મુસાફરોએ આ દેખાવની ભવ્યતા ઉમદા રંગોમાં ચિત્રેલી છે.
મોટી ધામધુમના દિવસેજ આવા દેખાવો જોવામાં આવતા; પણ સાધારણ રીતે તો અકબર સાદો સરળ અને સહૃદય જણાતો હતો. તે હમેશાં સત્યને માટે યત્ન કરતો અને તે બધાના પુરાવા તરીકે એણે સિદ્ધ કરેલાં કાર્યો મોજુદ છે. આ કાર્ય, તે, ચાર સૈકાથી વધારે કાળ સુધી મુસલમાન વિજેતાઓએ છિન્નભિન્ન કરી નાંખેલા અને અંતે અસ્થિર અને ઐક્ય વિનાના થઈ રહેલા, હિંદના રાજ્યના એકીકરણરૂપ હતું. આ ચાર સૈકામાં અફઘાન બાદશાહો કુરાનના સિદ્ધાંતોને મતાંધ અને અસ્વાભાવિક અર્થો કરી હિંદુ પ્રજાને લૂંટવાના કામમાં વાપરતા. એના પહેલાંના બાદશાહોમાં સહુથી વધારે જ્ઞાનવાળો સુલતાન ફીરૂઝશાહ જેને એક અંગ્રેજ ગ્રંથકાર દયાવાન અને ઉદાર દીલના બાદશાહ તરીકે વર્ણવે છે તે પણ ઇસ્લામના ધર્મનો સ્વીકાર ન કરનારને હેરાન કરતો એમ કબુલ કરે છે. અંતઃકરણ પ્રમાણે આચરણ કરવાથી ગુજારવામાં આવતો જુલમ અકબરના વખત પહેલાં પૂર્ણ જોસમાં હતો અને તે અકબરે પોતેજ નાબુદ કર્યો હતો.
અકબરનું મહાન સાધ્ય આખા હિંદને એક સર્વોપરિસત્તાના હાથ નીચે લાવવાનું હતું. ધર્મનું ઐક્ય અશક્ય છે એમ એને આરંભમાંજ લાગ્યું હતું, અને તેટલા માટે હિતાહિતનું ઐક્ય સાધ્ય ગણાયું હતું. આવું ઐક્ય સંપાદન કરવા સારૂ પહેલાં જયો મેળવવાની જરૂર હતી. બીજી જરૂર સહુની આંતરવૃત્તિને અને સર્વશક્તિમાન પરમાત્માની સેવા કરવાની સહુ રીતોને સરખું માન આપવાની હતી. આ યોજના અમલમાં મૂકવા તેણે મુસલમાન ધર્મક્રિયાઓનો પણ ફેરફાર સાથે જ સ્વીકાર કર્યો. ‘ખુદા એક છે અને મહમ્મદ એના પેગંબર છે’ એ મંત્ર જેને આધારે પહેલાં આટલા બધા જુલમો ગુજરાતા હતા, તેને બદલે અકબરે– ‘ખુદા એક છે અને અકબર એનો આ લોકનો પ્રતિનિધિ છે.’ એ મંત્ર અખત્યાર કર્યો.
મૂર્તિપૂજક લોકોને ખુદાની એકતાનો ઉપદેશ કરવા પેગમ્બર સાહેબ અવતર્યા હતા એવી અકબરની દલીલ થઈ. મહમ્મદ પેગંબર આવા લોકોને માટે શુભ સમાચાર લઈ આવનાર હતો પણ એ પેગમ્બરે જે ઉપદેશ કર્યો અને જે કુરાનમાં દાખલ થયો તે ખુદાની એકતા તલવારના બળે ઉપદેશવાની આજ્ઞારૂપ મનાયો.
અકબરનો અભિપ્રાય એ થયો કે આવી રીતની ગેરસમજથી હિન્દુસ્તાનમાં નિષ્ફળતા થઈ. ચાર સૈકા ઉપરાંત સુધી આ નિષ્ફળતા પ્રત્યક્ષ થઈ હતી. આવા ધોરણ ઉપર ચલાવેલું રાજ્યતન્ત્ર બેદીલીમાંજ પરિણામ પામે, એ, એકવીસ વર્ષની ઉમરનો થતાંજ એના સમજવામાં આવી ગયું હતું. એનો હેતુ, સમાધાન કરવાનો, એકતા સંપાદન કરવાનો, પોતાની સમગ્ર પ્રજામાં સ્વાર્થનું હિત સાધી શકે એવું ધોરણ દાખલ કરવાનો હતો. આ ધોરણનું બીજ મુસલમાન ધર્મના ઉપર કહ્યા તે ફેરફારમાં રહેલું છે એમ તેને સમજાયું હતું. મહમદનાં લખાણોના ખોટા અર્થ અને ખાટા ઉપયોગ કર્યાથી કુસંપજ ઉત્પન્ન થાય, તેથી પોતાના યુગને માટે અને પોતાના રાજ્યને માટે પોતેજ પેગમ્બર થવું એવો એણે નિશ્ચય કર્યો. એક સર્વશક્તિમાન પરમાત્માની ઉદાર અને દયાળુ આજ્ઞાઓના વાંચનાર પોતેજ થવું એવી એની ઇચ્છા થઈ.
જ્યાં સુધી એ ધર્મનો આચાર્ય હોય ત્યાં સુધી મુખ્ય ધર્મ તલવારનો ધર્મ નજ હોવો જોઈએ; ઉલટું આખા હિન્દુસ્તાનમાં એ ધર્મની અસર એકતા કરવાની, થવી જોઈએ; પૂર્વના જુલમોનાં સ્મરણો વીસારે નંખાવવાની થવી જોઈએ; અને આંતર વૃત્તિનું સ્વાતન્ત્ર્ય બક્ષીને સંપૂર્ણ સહિષ્ણુતાનો અમલ કરનારી થવી જોઈએ. ચાલતા ધર્મમાં આ ફેરફાર થયા છે એ વાત સર્વત્ર સ્વીકારાય એટલે પછી હિન્દુસ્તાનના રાજા રજવાડાઓ અને લોકોને રક્ષણ ધર્મનો અંગીકાર કરનાર અને ધર્માન્તર માટે જુલમ ન કરવાનું વ્રત ધારણ કરનાર સમ્રાટની આણ માનવાની આજ્ઞા કરવી એવો અકબરનો ઈરાદો હતો. આ પ્રમાણે જે નવું જીવન અકબર તૈયાર કરતો હતો તેમાં સામીલ થવાને માટે, પોતાના સ્વાર્થને માટે નહિ પણ ચાર સૈકાથી ચાલ્યા આવતા પરદેશીઓના હુમલાઓ, અંદર અંદરના યુદ્ધો અને બન્નેને પરિણામે થતાં અસંખ્ય જુલમોથી, પ્રજાને બચાવવા સારૂ, આવી આજ્ઞા કરવાનો અકબરનો ઈરાદો હતો.
અકબરની આજ્ઞા અવિચારી કે દુરાગ્રહી લોકોને સંભળાવવામાં આવી ન હતી. ચિતોડ અત્યારે જે ઉદેપુર એ નામથી ઓળખાય છે, તે સિવાયના બધા રજપૂતો અને હિન્દુસ્તાનના સર્વથી વધારે લાગવગવાળા લોકો અકબરની યોજનામાં સામીલ થયા. આમાંના સર્વથી વધારે બળવાન-જયપૂર અને જોધપૂરના મહારાજાઓ, હિન્દુઓ હોવા છતાં અકબરના વિશ્વાસુ સરદારો હતા અને તેને પોતાના તેજસ્વી સીપાઈઓ સાથે મદદગાર થયા હતા. પોતાનાજ દરબારના કેટલાક દુરાગ્રહી લોકો અને બંગાળા, ઓરિસા અને પશ્ચિમ હિન્દુસ્તાનના અફઘાન રાજાઓના વંશજો એની સામે થયા હતા. પોતાની હિતકારક યોજનાની સિદ્ધિ માટે આમને બધાને પોતાના વાડામાં લાવવાની જરૂર હતી. પોતે જે સત્તા ભોગવતા તે પોતે એમને સ્વાધીન કરી છે એવું અંગીકાર કરાવવાનો એણે પહેલો યત્ન કર્યો. આ વાત એમણે પહેલી અંગીકાર કરી પણ તે અભિદ્રોહ કરવાનો લાગ જોવાને માટેજ. આ સ્થિતિમાં એમનો પરાભવ કરવા સિવાય બીજો માર્ગ ન હતો. અને તેથી તેણે પરાભવ કર્યો. સમાનભાવ, સારા અને સરખા કાયદા, અને સર્વને ઈન્સાફ, એ એનાં ફળ થયાં.
આમ, મુસલમાનોમાં એ એકજ રાજા હતો કે જેણે જીતેલા પ્રદેશોને એકત્ર કર્યા અને જેટલા જીત્યા તેટલાનું એક સંયુક્ત સામ્રાજ્ય રચ્યું. દક્ષિણ હિન્દુસ્તાન હજી અજીત રહ્યું હતું. ભવિષ્યની પ્રજાના સન્માનને માટે આ અકબરનાં પ્રમાણપત્રો છે. આપણે એનું કાર્ય જોયું. એના ઈરાદાઓની ઊંડી તપાસ કરી, અને તેના હેતુઓની વિશુદ્ધતાનો સ્વીકાર કરીએ છીએ. એના દરબારના દુરાગ્રહી પુરૂષો કહેતા તેમ પરમેશ્વરને ઠેકાણે પૂજાવાની અને તેની માફક મનાવાની એની ઈચ્છા ન હતી. ના, પેગમ્બરે જે ધર્મ પ્રચાર્યો હતો તેનો માત્ર શાસ્ત્રાર્થ કરનાર તરીકેજ મનાવાની–એક સંદેશાના ઊંચા સત્યો, તેની કલ્યાણકારિતાનો, તેની સમાનતાનો, તેની નિષ્પક્ષપાત ઇન્સાફની આજ્ઞાનો, બોધ આપનાર તરીકેજ મનાવાની તેની ઈચ્છા હતી. એના કાયદા સામ્રાજ્યની રચના કરનારા એક રાજ્યકર્તા માટે ભવ્યમાં ભવ્ય હતા.
‘સર્વ ધર્મમાં સારૂં છે, જે સારું હોય તે સ્વીકારીએ, બાકીનું છાંડી દઈએ’–આવો એનો સિદ્ધાન્ત હતો. હિન્દુ ધર્મની કોમળતા અને પરોપકાર વૃત્તિમાં, એ ધર્મમાં ઉપદેશેલી કુટુંબ માટે રાખવાની કાળજીમાં, અને બીજાઓને પરાણે પોતાના ધર્મમાં લઈ આવવાની એ ધર્મની પદ્ધતિના અભાવમાં–એને આ સિદ્ધાન્ત સમજાયો હતો. આજ સિદ્ધાન્ત એને ઝોરોએસ્ટરના સાદા ધર્મમાં પણ સમજાયો હતો. એજ સિદ્ધાન્ત એને ક્રિશ્ચિયાનિટિમાં સમજાયો હતો. સર્વેમાં સારનોસદ્ભાવ હતો. તેમજ, તે માનતો કે સર્વ મનુષ્યોમાં પણ સદંશ હોય છે. આથીજ તેનામાં ભવ્ય ક્ષમાબુદ્ધિ જામી હતી; જ્યાં સુધી સુધરવાની આશા હોય ત્યાં સુધી શિક્ષા કરવાની અનિચ્છા પણ એમાંથી જન્મી હતી; માફી બક્ષવા ઉપર તેને પ્રેમ પણ આમાંથીજ ઉદ્ભવ્યો હતો. ‘બીજી વાર પાપ કરીશ નહિ’ એ સૂત્ર એના આચરણનું તત્વભૂત સૂત્ર હતું.
મુગલવંશનો સ્થાપનાર અકબર આવો હતો. એ વંશનું સ્થાપન કરવાને જે ધોરણોએ એને શક્તિવાન કર્યો તે ધોરણો આવાં હતાં. એ ધોરણો એવાં હતાં કે જો તેને વળગી રહેવામાં આવ્યું હોત તો એ વંશ કાયમ રહ્યો હોત. એ એજ ધોરણો હતાં કે જેનો અંગીકાર કર્યાથી તેના પાશ્ચિમાત્ય ઉત્તરાધિકારીઓ અત્યારે પોતાનું સામ્રાજ્ય જમાવી શક્યા છે, સાચવી રહ્યા છે.
આ લેખમાં અકબર જાણે આજના યુગનો રાજા હોય તેવી રીતે તેનાં પરાક્રમોની પરીક્ષા કરી છે. બે ત્રણ સૈકાનું છેટું છે છતાં આવી સરખામણી અકબર સહન કરી શકે તેમ છે. તે વખતના યુરોપના રાજાઓ પોતપોતાના દેશમાં બહુ નામાંક્તિ હતા તોપણ તેમની સાથે મુકાબલો કરવામાં અકબરને હાનિ થવાની નથી. જ્યારે એ હિન્દુસ્તાનમાં શાન્તિની સ્થાપના કરતો હતો ત્યારે મહારાણી એલિઝાબેથ ઇંગ્લંડમાં રાજ્ય કરતી હતી, અને મહારાજા હેન્રિ પાંચમો ફ્રાન્સમાં રાજ્ય કરતો હતો. અકબરની કીર્તિ તેની પાછળ રહેલાં તેનાં સત્કાર્યો ઉપર બંધાયલી છે. કોઈ એમ કહી શકે એમ નથી કે અકબરનો ઉત્તરાધિકારી જહાંગીર જો હુમાયૂં પછી આવ્યો હત તો પોતાને વારસામાં મળેલા કે પોતે જીતેલા પૃથક્ પ્રાન્તોને તે શાન્ત અને એકતંત્ર કરી શક્યો હત. એની ઉગ્ર અને ધર્માન્ત પ્રકૃતિથી એ કાર્ય એને માટે અશક્ય હતું. પણ અકબરે નાંખેલા પાયા એટલા તો ઊંડા હતા કે એનાથી આટલી બધી જૂદી પ્રકૃતિવાળા એનો શાહજાદો એના ધોરણે એકતન્ત્ર કરેલા સામ્રાજ્યને જાળવી શક્યો.
અકબરે જે સિદ્ધ કર્યું તેનો વિચાર કરીએ, એણે કયા યુગમાં એ સિદ્ધ કર્યું હતું તે જ્યારે જોઈએ, એ સિદ્ધ કરવા સારૂ એણે જે રીતો દાખલ કરી હતી તે ઉપર નજર નાંખીએ, ત્યારે, એક જનસમૂહના દુઃખના દિવસોમાં લાખો લોકોના કલ્યાણને નિર્બાધ કરવાની શક્તિ ધરાવનારા, શાન્તિ અને ક્ષમતાના માર્ગમાં તે સમૂહને પુનઃ સ્થાપિત કરવાને માટે, પરમાત્મા વખતો વખત મોકલે છે તેવા એક પ્રતાપી પુરૂષ તરીકે, તેને માનવાની આપણને ફરજ પડે છે.