અકબર/અકબરના રાજ્યનો ઇતિહાસ.
← બેરામના રક્ષણમાં અકબરનું બાલ્ય. | અકબર અકબરના રાજ્યનો ઇતિહાસ. ઉત્તમલાલ ત્રિવેદી |
અકબરનાં ધોરણો અને સામ્રાજ્ય વ્યવસ્થા. → |
પ્રકરણ ૧૧ મું.
અકબરના રાજ્યનો ઇતિહાસ.
પાણીપતની લડાઈની તારીખથી ગણતાં અકબરના રાજ્યના છઠ્ઠા વર્ષમાં અને તેના સ્વાયત્ત રાજ્યના પહેલા વર્ષમાં હિંદુસ્તાનની સ્થિતિ સંક્ષેપમાં નીચે પ્રમાણે હતી. પશ્ચિમમાં ગ્વાલીયર અને અજમેરનો સમાવેશ કરતાં અને પૂર્વમાં લકનૌ તથા જોધપુરની હદ સુધી અલ્લાહાબાદ સમેત અને અયોધ્યાના બાકીના ભાગ સાથે જે પ્રદેશને આપણે હાલ વાયવ્ય પ્રાંતો કહીએ છીએ–તે તથા પંજાબ એટલું અકબરને તાબે હતું. બનારસ, ચન્નર, અને બંગાળા તથા બિહારના ઇલાકા હજી સૂરવંશના સુલતાનોના અથવા બીજા અફઘાન વંશના પ્રતિનિધિઓના હાથમાં હતા. આખું દક્ષિણ હિંદુસ્તાન તેમ આખું પશ્ચિમ હિંદુસ્તાન એ અકબરની આણ માનતા પ્રદેશોની હદ બહાર હતું.
બેરામખાંની દેખરેખ નીચેના પાંચ વર્ષ દરમિયાન હિંદુસ્તાનના જુદા જુદા રાજાઓ તથા લોકોનાં મન સર્વ સાધારણ–એક મહારાજાના રક્ષણ નીચે એકતંત્ર શી રીતે કરવાં એ પ્રશ્ન ઉપર ઊંડો વિચાર અકબરે કર્યો હતો એમાં કોઇ શક રહેવા સંભવ નથી. આ પ્રશ્ન ઉપર વિઘ્નભાર ભારે હતો. મુસલમાન પાદશાહોએ ચાર સૈકા સુધી રાજ્ય કર્યું તે દરમિયાન તેમણે આ દ્વિપકલ્પમાં વસતી જુદી જુદી પ્રજાને એક તંત્રમાં જોડવાનો કંઈ પણ પ્રયત્ન કર્યો ન હતો. પ્રત્યેક જણ તે કાળે ચાલતા લશ્કરી ધોરણે રાજ્ય કરે અને દરેક રાજ્ય વધારે બળવાળો કોઈ આવ્યો એટલે પડી ભાગે. આથી કરીને એક પછી એક આવતા વંશોની તેમજ વર્તમાનમાં ઐશ્વર્ય ભોગવતા વંશની ક્ષણિકતાનો નિશ્ચય લોકોમાં દાખલ થયો હતો એટલુંજ નહિ પણ છેક બંગાળાથી ગુજરાત સુધી રાજ્ય કરી ગયેલા વંશોની શાખાના કેટલાક મિથ્યા રાજાઓ દેશમાં ચારે તરફ પથરાઈ ગયા હતા. આ સર્વે મોગલ બાદશાહને સર્વોત્કૃષ્ટ સત્તાનું એક ક્ષણિક અધિષ્ઠાન ગણતા અને નશીબને અનુસાર વખતે એમનામાંનો કોઈ અથવા કોઈ નવો પરદેશી અભિયોગી એની જગાએ આવશે એમ માનતા. રાજ્યની વાસ્તવિક ક્ષણિકતાનો અભિપ્રાય હુમાયૂં કેટલી સહેલાઈએ પદભ્રષ્ટ થયો હતો એ વાતના સ્મરણથી વધારે દૃઢ થયો હતો. કેમકે કનોજ આગળ હાર્યા પછી મોગલોના તેર વરસના અમલનું કાંઈ પણ નિશાન રાખ્યા વિના, ભૂમિમાં જરા પણ ઊંડું એક પણ બીજ નાંખ્યા વિના એણે હિંદુસ્તાન છોડ્યું હતું.
આ બધી બનેલી વાતો અકબરે લક્ષમાં લીધી હતી. આ બધાં સ્મરણો રાજાઓ તથા પ્રજાના મનમાંથી ખસી જાય, દેશ એકત્ર થવા માટે જીતાય, જેમ જેમ જીતાય તેમ તેમ બધા વર્ગોને સ્વીકારવા યોગ્ય ધોરણો દાખલ થાય કે જેથી સર્વ પોતાને સર્વનો રક્ષણ કર્તા પિતા તરીકે ગણે, તેમનાં દુઃખ દૂર કરનાર અવશ્યની એક વ્યક્તિ તરીકે માને, પોતપોતાના અનાદિકાળથી ચાલ્યા આવેલા હક અને અધિકાર પ્રમાણે વર્તવામાં લોકોને અભય વચન આપનાર તરીકે લેખે; કોઈ ખરો વીરપુરૂષ તે ગમે તે જાતનો હો, કે ગમે તે પ્રજાની વ્યક્તિ હો–તોપણ પોતાના હાથ નીચે સરદારી કરવાને હકદાર છે, એવું પ્રતિપાદન કરનાર તરીકે અને સર્વ વર્ણો માટે સમાન કાયદા અને સમાન ઈન્સાફ રાખનાર તરીકે લોકો એને ગણે; અને એના તરફ એવી વૃત્તિ રાખવામાં સર્વે લોકો એક થાય: એ કેવી રીતે સિદ્ધ કરવું, તે માટે કેવી રીતે વર્તવું તે એના મનની વિચાર્ય વસ્તુ હતી. જેમ જેમ તેનું મન પાકું થતું ગયું તેમ તેમ એનાં ધોરણો આવાં થતાં ગયાં. ધર્માંધ મુસલમાન લેખકોએ એના ઉપર એની હયાતીમાં જ તેમ જ પાછળથી પણ એવો દોષ મૂક્યો છે કે સર્વ શક્તિમાન પરમ પુરુષના ગુણોનું પોતામાં અસ્તિત્વ માનવાનું તે અભિમાન રાખતો. આ અપરાધ એક જ અર્થમાં ખરો છે કે–જે દેશમાં અને જે કાળમાં ‘બળીયાના બે ભાગ’ એજ કાયદો ખરો મનાય, તે દેશમાં, તે કાળે, તે, હિંદુસ્તાનના લોકોમાં ઐક્ય, પરમતસહિષ્ણુતા, ઈન્સાફ, અનુકમ્પા, અને સમાન હક દાખલ કરવા સારૂ ઇશ્વરી સત્તાનો આ દુનીયામાંના પ્રતિનિધિને રૂપે, ઈશ્વરનો પેગમ્બર હોય તેવી રીતે વર્ત્યો હતો.
આખા હિંદને એક રાજદંડની સત્તામાં લાવવાનું અને જે જે જૂદી જૂદી કોમોને પોતાના તંત્રમાં લાવવાની એની ઈચ્છા હતી તે તે કોમોને પોતાના પક્ષમાં લઈ લઈને આ કાર્ય ઘણે ભાગે સાધવાનો એનો પ્રથમ હેતુ હતો. તેના માર્ગની યથાર્થ સમજણ પડે તે સારૂ આ વિષયનું અંતરંગ અને બહિરંગ બન્ને દર્શન કરાવવું એ વધારે યોગ્ય ધાર્યું છે. તેથી આ પ્રકરણમાં તે વખતે હિંદનાં જુદાં જુદાં રાજ્યોને એક શાસન તળે લાવવાના એક પછી એક કરેલા પ્રયત્નોનો ઇતિહાસ હું પહેલા આપીશ. આગળનું પ્રકરણ આ વિષયના અંતરંગ સાથે ખાસ સંબંધ ધરાવશે.
આવા ગ્રંથમાં અકબરની હિંદુસ્તાન વિષેની બધી જીતોને વિસ્તારથી વર્ણવવી એ કંટાળા ભર્યું થઈ પડે તેથી નીચે પ્રમાણે ટુંકામાં લખવું જ બસ થશે.
પોતાના રાજ્યના છઠ્ઠા વર્ષમાં અને સ્વાવ્યત્ત રાજ્યના પહેલા વર્ષમાં તેણે માળવા પોતાના રાજ્યમાં ફરીથી જોડી દીધું. વર્ષ ઉતરતાં–ચનર અને કર્મનાસાની પશ્ચિમના મુલકના અફઘાન બાદશાહે કરેલા જૌનપુર ઉપર હુમલો લઈ જવાના પ્રયત્નને એના સરદારોએ પાછો હઠાવ્યો અને અકબર પંડે કાલ્પીને રસ્તે જમના નદી ઓળંગી ગંગા નદીના જમણા કિનારા ઉપર અલાહબાદની પાસે આવેલ કરહા સુધી આગળ વધ્યો. વર્ષ પૂરૂં થયું ત્યારે જોધપુરના રાજ્યમાં, જોધપુરથી ઈશાન કોણમાં છોતેર માઈલ ઉપર અજમેરની પેલી પાર આવેલા તે વખતે બહુ અગત્યના મર્ત નામના શહેરને ઘેરો ઘલાયેલ હતો. આ સવારીની બધી સૂચના અકબરે પંડે અજમેર રહેતો હતો ત્યાંથી આપી હતી, પણ તેનો અમલ કરવાનું સેનાપતિઓને સોંપ્યું હતું. રજપૂત દુર્ગરક્ષકોએ બહુ ઉત્સાહથી કિલ્લાનું રક્ષણ કર્યું પણ વળતા વરસના વસંતમાં દુર્ગરક્ષકો પોતાનાં માલમીલ્કત અને બીજી સંપત્તિ રહેવા દઈ માત્ર ઘોડા અને હથીયારો સાથે બહાર નીકળે એવી સરતે તે કિલ્લો સર થયો.
જે વર્ષમાં (૧૫૬૨) માં મર્ત પડયું તેજ વર્ષમાં અકબરના સરદારોએ માળવામાં આગળ વધતાં બીજગઢ અને તાપી નદી ઉપર આવેલ બુહરાનપુર એ બે નગરો પોતાના રાજ્યમાં ઉમેર્યો. પણ આ લાભ પછી એક મહા સંકટ આવી પડ્યું. કારણ કે આ નગરોના અધિકારમાંથી ભ્રષ્ટ કરેલા સુબાઓ માળવાના બાદશાહ સાથે મળી ગયા અને તેમણે પોતાના અમલને ટેવાઈ રહેલા જમીનદારોની મદદ લઈ શહેનશાહના લશ્કર ઉપર મરણીયા થઇને હુમલો કર્યો. બુહરાનપુરમાંથી મળેલી લૂંટથી લાદેલા આ લોકોએ પૂરી હાર ખાધી. ક્ષણભરતો માળવા ગુમાવ્યું. પણ એક વર્ષ વીત્યા પહેલાં મુગલ સરદારોએ મોટાં લશ્કરોની મદદ સાથે પાછું મેળવ્યું. પેલો અફધાન અમીર જે પ્રથમ માળવાનો સુબો હતો તે થોડીવાર રખડ્યા પછી અકબરને શરણે ગયો અને ઇતિહાસકારના શબ્દોમાં “નશીબના કોપમાંથી નાશી છુટવા શરણ માગ્યું.” અકબરે એને એક હજારનો મનસબદાર બનાવ્યો અને થોડા વખત પછી એને બેહજાર માણસોના સરદારના મનસબ (હોદ્દા) ઉપર ચઢાવ્યો. અને આખરે તે નવા શહેનશાહની નોકરીમાં જ મરણ પામ્યો. અહીંયાં વાંચનાર આટલું લક્ષ દેવા ચુકશે નહિ કે અકબરે શત્રુઓને કેવળ મરણીયા બનાવવાને બદલે માનમરતબો અને સારો હોદ્દો આપીને મેળવી લેવાનું ધોરણ આમ અમલમાં મૂક્યું. એનું કર્તવ્ય એકીકરણનું હતું. એથી પરાભવ પામેલા ઉપર એ હમેશાં ઉદાર રહેતો. એમના બળને–પોતાના બળથી વ્યતિરિક્ત એક બળ રહેવા ન દેતાં પોતાના બળમાં જ ભેળી દેતો. આરંભમાં એની વિરૂદ્ધ આચરણ કરવાની વૃત્તિવાળાઓને તે જણાવી દેતો કે ‘મારાથી પરાભવ પામ્યાથી અથવા મને શરણ થયાથી તમારા માનમરતબામાં કાંઈ ઘટાડો તો નહિ જ થાય પણ આખરે તેમાં વધારો થશે.’ રજપૂતાનાના જ જુદા જૂદા રજવાડા જોડેના એના આચરણોના વર્ણનમાં આપણે જ્યારે ઉતરીશું ત્યારે આ ધોરણના અમલની વધારે સ્પષ્ટતાથી નોંધ લઈશું.
અકબરના રાજ્યના આઠમા વર્ષના વસંતમાં એક દુઃખદ બનાવ બન્યો. જે સ્ત્રીએ એના બાલ્યમાં એની ધાત્રી થઈને કુમળી વયમાં એની સંભાળ રાખી હતી તે સ્ત્રીની એ કેટલી બધી દરકાર અને પ્રીતિ રાખતો એ હું ઉપર સૂચવી ગયો છું. બેરામ સાથેની વર્તણુકમાં એ ઘણે દરજ્જે આની શીખામણ પ્રમાણે ચાલ્યો હતો. તેના નિર્વાહ માટે દરબારમાં ઉત્તમ પ્રકારની યોજના હતી અને એના બધા છોકરાઓને પણ અકબરે સારે ઠેકાણે નાંખી દીધા હતા. તોપણ એના મોટા છોકરાએ પોતાને જેમની બરાબર અથવા જેમનાથી ઊંચો ધારતો એવા માણસો પોતાની ઉપર ચઢી જવાથી તેમના ઉપરની ઇર્ષ્યાથી બળતાં અને સંભવ છે તેમ પોતાના જેવા બીજા માણસોથી ઉશ્કેરાઇને, મુખ્ય પ્રધાન જાહેર કચેરીમાં બેઠો હતો તે વખતેજ તેને મારી નાંખ્યો, અને એના તથા એના કુટુંબ ઉપર અકબરે હમેશ બતાવેલી મહેરબાની ઉપર વિશ્વાસ રાખીને અંતઃપુરના દ્વાર આગળ જઈને ઊભો રહ્યો. પણ આવા માણસને માટે અને આવા કર્મને માટે અકબરમાં દયા ન હતી. ખૂનીના કડકે કડકા કરાવવામાં આવ્યા અને કોટ ઉપરથી નીચેની ખાઈમાં એના શબને નંખાવી દીધું. એને ઉશ્કેરનારાઓ પોતાનો એમાં હાથ છે તે જણાઈ જવાની બીકે જમના નદીની પેલી પાર નાસી ગયા પણ તેઓને આખરે પકડ્યા અને આગ્રે મોકલી દેવામાં આવ્યા. ત્યાં તેમને આખરે માફી મળી. મુખ્ય ગુનહેગારની માતા પોતાના પુત્રની આ વર્તણૂકના શોકમાં ને શોકમાં ચાલીસ દિવસ પછી મરણ પામી.
થોડાક વખતથી પંજાબના કેટલાક ભાગની સ્થિતિ અકબરને ચિંતાનું કારણ થઈ પડી હતી. ગખ્ખર નામની હમેશાં તોફાની જાતના સરદારોએ કોઈ દિવસ મુગલ શહેનશાહતને અંતઃકરણથી સ્વીકારી ન હતી અને તે દેશની વ્યવસ્થાના સંબંધમાં અકબરે કરેલા હુકમોની અવગણના કરી હતી; એટલે, અકબરે નીમેલા સુબાને માનવાની એમણે ના કહી હતી. ગખ્ખર લોકો આજના રાવલપિંડી જીલ્લાના ઈશાન ભાગ તરીકે ઓળખાવી શકાય તે ભાગમાં હાલ જ્યાં તેમના વંશજો રહે છે ત્યાં જ રહેતા હતા. પોતાનો હુકમ સરજોરીથી માન્ય કરાવવા સારૂં અકબરે એક લશ્કર મોકલ્યું અને તે લશ્કર રસાકસીની થોડીક લડાઈ પછી બંદોબસ્ત કરવામાં ફતેહમંદ થયું.
ગખખરના સરદારને કેદ કર્યો હતો અને તે એવી જ સ્થિતિમાં મરણ પામ્યો. એવી જ રીતે અકબરે કાબુલમાં ઊભાં થયેલાં ફિતુરોને દબાવી દીધાં; અને હુમાયૂંની મહેરબાનીના અબદુલ માલીએ ઉભા કરેલા એક તરકટને ત્વરાથી પહોંચી વળ્યો. આ અબદુલ માલીના ફિતુરને અકબરે વારંવાર દાબી દીધું હતું પણ આ વખતે તો તે મક્કાની હજ્જ કરીને અભિમાન ભર્યો પાછો આવતો હતો. એક બીજા બેદીલ ઉમરાવની સાથે એક યુક્તિ રચીને તે નારનુલ અગાડી બાદશાહી લશ્કરની એક ટુકડી ઉપર તૂટી પડ્યો અને તેનો નાશ કર્યો. એનો કેડો લેવા સારૂ અકબરે એક લશ્કર મોકલ્યું. તે ત્રાસથી કાબુલ નાઠો અને ત્યાંથી અકબર ઉપર પશ્ચાત્તાપના પત્રો લખી મોકલ્યા. આખરે એટલે વળતા વરસની શરૂઆતમાં અબદુલ માલીને બદક્ષાનમાં કેદ કર્યો અને ત્યાં તેને મારી નાંખ્યો.
સને ૧૫૬૪ ની વસંત ઋતુ સુધીમાં, અલાહાબાદની પૂર્વના મૂલકોમાં મુગલ સત્તા સ્થાપવાને અકબરે જે યોજનાઓ કરી હતી તે અમલમાં મૂકી ન હતી. તે વખતમાં પૂર્વના મૂલકની કૂંચી મનાતું ચન્નર અદેલ વંશના એક ગુલામના હાથમાં હતું. અકબરના એક સેનાપતિએ ડરાવ્યાથી આ ગુલામે બાદશાહને તાબે થવાનો પત્ર લખ્યો. અકબરે પોતાના બે અમીરોને એ કીલ્લાનો કબજો લેવા મોકલ્યા અને તે તેમને તેણે સોંપી દીધો. ચન્નરનો કબજો મળવાથી નરસીંગપુરના જીલ્લાનું બારણું ઉઘડ્યું. આના ઉપર એક રાણી રાજ્ય કરતી હતી. જે ચૌરાગઢના કીલ્લામાં પોતાનો દરબાર ભરતી હતી. આની સામા અકબરનું લશ્કર ઉપડ્યું અને એક કટ્ટી લડાઈમાં એને હરાવીને હાલ હોશંગાબાદના જીલ્લાને નામે ઓળખાતો નરસીંગપુરનો મુલક શહેનશાહતમાં ભેળી દીધો. તે વર્ષના ઉનાળામાં શીકાર કરવાને બહાને મધ્ય દેશ તરફ અકબર ચાલ્યો. ત્યાં વરસાદ આવવાથી તે ચમક્યો અને વીસ માઈલના ઘેરાવાવાળું તે વખતમાં ઘણું આબાદ શહેર નરવાર તે તરફ ચઢેલાં પાણી ચીરીને ચાલ્યો. તે શહેરની નજીકમાં થોડાક દિવસ શીકાર કરીને તે માળવા તરફ વધ્યો અને રાના તથા સારંગપુરમાં થઈને માહુની નૈઋતમાં છવીસ માઈલ ઉપર આવેલા માંડુ તરફ ચાલ્યો. અકબરે નીમેલો એક ઉસબેક ઉમરાવ માંડુનો સૂબો હતો. તે અંતરમાં સમજ્યો હતો કે મારાથી નાખુશ થવાનું અકબરને કારણ છે તેથી બાદશાહે મોકલેલા અભય સંદેશામાં વિશ્વાસ ન રાખીને અકબર પાસે આવ્યો તે વખતે શહેર છોડીને પોતાના અનુચરોની સાથે નાઠો. અકબરે તેની પાછળ એક લશ્કર મોકલ્યું. તે ગૂજરાત સુધી તેની પૂંઠે પડ્યું અને તેની પાસેથી તેના અશ્વો, હાથી, તથા બીબીયો છીનવી લીધી.
માંડુમાં અકબરને જે આવકાર આપવામાં આવ્યો તે બહુ જ સંતોષ ઉપજાવે એવો હતો. પડોશના નજીકના જમીનદારો બાદશાહને સલામ કરવા શહેરમાં ઉભરાયા અને દૂરના ખાનદેશના રાજાએ એને મુબારકબાદી આપવા એક એલચી મોકલ્યો. અકબરે આ એલચીનો આદરસત્કાર કર્યો. તે વખતના રીવાજોના એક લાક્ષણિક સ્વરૂપ જેવી વાત અહીંયા લખવી યોગ્ય છે. જ્યારે અકબરે તે એલચીને રજા આપતાં સત્કાર કર્યો ત્યારે તેણે ખાનદેશના રાજા ઉપરનું એક ફરમાન તે એલચીના હાથમાં મૂક્યું. તેમાં એવી સૂચના કરી હતી કે બાદશાહની સેવામાં હાજર રહેવા યોગ્ય એની કોઈ શાહજાદી હોય તેને મોકલાવવી. એક દેશી ઇતિહાસકાર લખે છે કે આ કૃપાપૂર્ણ સંદેશે જ્યારે ખાનદેશના રાજાને મળ્યો ત્યારે તે ઘણો જ ખુશી થયો અને ખુદાવંદ અકબર બાદશાહ પાસે યોગ્ય રસાલો અને સરસામાન લઈને પોતાની એક પુત્રી મેલી અને આમ કરવા દેવામાં તેના ઉપર બહુ કૃપા થઈ એમ એ સમજવા લાગ્યો. થોડાક દિવસ માંડુ રહ્યા પછી અકબર ઉજ્જૈન, સારંગપુર, સીપ્રી, નરવાર અને ગ્વાલીયરને રસ્તે આગ્રે ગયો. વળતા શીયાળામાં તેણે ઘણી વખત ગ્વાલીયરના મુલકમાં શીકાર કરવામાં ગાળ્યો. પશ્ચિમથી હિંદુસ્તાનમાં આવેલા કોઈ પણ એક મુસાફર નહિ હોય કે જેણે રાતા પત્થરનો બાંધેલો–આગ્રાનો કિલ્લો સાનંદાશ્ચર્યથી જોયો નહિ હોય. અકબર ગાદીએ આવ્યો ત્યારે ત્યાં આગળ દેખાવમાં કદ્રુપો અને ખવાઈ જઈને ખંડેર જેવો દેખાતો એક ઈટોનો કિલ્લો હતો. કેટલાક વખત થયાં એક મોટા રાજ્યના બાદશાહને યોગ્ય એક કિલ્લો આના ખંડેર ઉપર બાંધવાનો અકબરે ઠરાવ કર્યો હતો, અને ૧૫૬૫ ની વસંત ઋતુના અંતમાં એની ઘટના કરી અને જરૂરના હુકમો આપ્યા. એ કામ એક કાસીમખાં નામના વજનદાર અધિકારી–જેને અકબરે ત્રણ હજારનો સરદાર નીમ્યા હતો તેની દેખરેખ નીચે ચાલ્યું. આઠ વર્ષની અવિચ્છિન્ન મજુરી એ કીલ્લો બાંધવામાં લાગી અને ખરચ પાંત્રીસ લાખ રૂપીયા થયું. ઉપર કહ્યું તેમ તે રાતા પત્થરનો બાંધેલો છે. પત્થરો એક બીજાની સાથે મજબુતાઈથી જોડેલા છે અને સોંસરી નીકળતી લોઢાની મેખોથી જડી લીધેલા છે. દરેક સ્થળે પાયો છેક પાણી સુધી પહોંચેલો છે.
આ વર્ષ પૂરૂં થતાં પહેલાં એક એવો બનાવ બન્યો કે જેથી અણચિંતવી આપત્તિને સમયે યોગ્ય ઠરાવ કરવાની અને ત્વરિત પ્રતિકારની યોજના કરવાની પોતાની પ્રકૃતિનો ઉપયોગ કરવાની અકબરને તક મળી. માંડુનો ઉઝ્બેક સૂબો જ્યારે અકબર તે શહેરની મુલાકાતે ગયો ત્યારે કેવી રીતે નાસીને સામે થયો હતો તે તથા અકબરે તેની પાછળ માણસો મોકલી તેને કેવી શિક્ષા કરી હતી તે પણ મેંં ઉપર વર્ણવ્યું છે. આ ફિતુર તરફ અકબરની વર્તણુક જો કે અયોગ્ય રીતે સખત ન હતી તોપણ દરબારમાં તથા લશ્કરમાં રહેતા ઉઝ્બેક ઉમરાવોના મનમાં એથી એવી છાપ પડી કે બાદશાહ અમારી કોમને ચાહતો નથી. તેથી આમાંના ત્રણ ચાર ઉમરાવો અકબરને પાઠ આપવા એકઠા થયા. આ વર્ષની પાનખરમાં જૌનપુર જ્યાંના ઉઝ્બેક સુબાને આ લોકોએ પોતાના પક્ષમાં ભેળવ્યો હતો, ત્યાં આગળનું હુલ્લડ સળગી ઉઠ્યું. આ સમાચાર જ્યારે અકબરને મળ્યા ત્યારે તે હાથીનો શીકાર કરવામાં નરવાર આગળ રોકાયો હતો.
તેણે તરતજ પોતાના સમર્થમાં સમર્થ સરદારને તેના વફાદાર અમલદારોને મદદ કરવા સારૂ, ત્યાં આગળ મળ્યું એટલું લશ્કર લઈને મોકલ્યો, અને પોતે આમની પાછળ મોકલવા સારૂં બીજું વધારે લશ્કર એકઠું કરવા લાગ્યો. દશ દિવસ પછી એ પોતે પણ ઉપડ્યો અને કનોજ આગળ પહોંચ્યો. ત્યાં અગાડી સામા થયેલા એક સરદારનું નમવું સ્વીકાર્યું અને વરસાદને લીધે નદીમાં આવેલાં પૂર ઉતરી જવાની વાટ જોતો દશ દિવસ સૂધી ત્યાં થોભ્યો. ત્યાંથી આ ફિતુરીઓનો અગ્રેસર ઉમરખાં લકનૌ ઉપર ગયો છે એમ જાણવાથી એક નાના પણ ચુનંદા લશ્કરની સાથે તેની પાછળ પડ્યો અને ચોવીસ કલાક સૂધી અવિરત કુચ કરીને બીજે દિવસે સવારે તે શહેર દૃષ્ટિગોચર કર્યું. જેમ જેમ તે પાસે આવતો ગયો તેમ તેમ હુલ્લડખોરો એટલી તો ત્વરાથી નાઠો કે બાદશાહ અને તેના રસાલાના ઘોડા આ લાંબી કુચમાં કેવળ થાકી ગયેલા હોવાથી તેમની પાછળ પડી શક્યા નહિ. દ્રોહી ઉમરાવે જુઆનપુરનું શરણ લીધું અને ત્યાં તેના સહયોગીઓને મળીને તે જગા છોડી નરહરના ઉતાર આગળ ઘોધ્રા નદીને ઓળંગી છાવણી નાંખીને રહ્યો. અને ત્યાંથી તેમણે બંગાળાના રાજાની મદદ માગવા સારૂ એલચીઓ મોકલ્યા.
દરમિયાન આ કલહનો લોહી વહેવરાવ્યા વિના અંત આણવાની આતુરતાવાળા સરદારથી અધિષ્ઠિત એક બાદશાહી લશ્કર આમની સમક્ષ આવીને ઊભું રહ્યું. બીજી તરફથી એક ઉગ્રકોપવાળા અને દૃઢ મનના સેનાપતિની સરદારી નીચે બીજું સૈન્ય રજપૂતાનાથી કુચ કરતું ચાલ્યું આવતું હતું. શાન્તિશીલ સેનાપતિએ આરંભેલી સલાહની ભાંજગડ પૂરી થવા આવી હતી, તેવામાં પેલો ઉગ્ર સરદાર આવી પહોંચ્યો અને આ ભાંજગડ છળ છે એમ કહી યુદ્ધ કરવાનો આગ્રહ કર્યો. પછી જે યુદ્ધ થયું તેમાં બાદશાહી સૈન્ય હાર્યું અને નાઠું. તો બીજે દિવસે શેરઘઢ આગળ એકઠું થયું.
આ લડાઈ થઈ રહી ત્યાર પહેલાં અકબરે રાજદ્રોહીઓની સાથે સંધિ કરવાની મંજુરી આપી હતી અને પોતાના લશ્કરનો તેમનાથી થયેલો પરાભવ સાંભળ્યો તોપણ તે પોતાના ઠરાવથી ડગ્યો નહિ. તેણે કહ્યું તેમની ચૂક હું માફ કરૂં છું. અને તેના અમીરોને પોતાના દરબારમાં પાછા જવાની સૂચના આપી. પછી પોતે ચન્નરના કિલ્લાને મજબૂત કરવાની યોજનાનો વિચાર કરવા સારૂ, મીરઝાપુરના જંગલોમાં હાથીઓને શીકાર કરવા સારૂ અને જે રાજદ્રોહીઓને હથીયારબંધ રહેવા દઈ ક્ષમા આપી હતી તે હવે શું કરે છે તેની રાહ જોવા સારૂ, ચન્નર ગયો. આ પ્રયોગ ફરીથી કરવા લાયક નહતો કેમકે પોતાને મળેલા વિજયથી ફૂલાઈને તે દ્રોહી સરદારો નવેસર સામા થયા. પણ અકબરે પોતાના લશ્કરની ચતુરાઈથી કરેલી વ્યવસ્થાએ તેમને શરણ આવવાની જરૂર પાડી અને તેમને પાછા પોતાની મહેરબાનીમાં દાખલ કર્યા. આ વખતમાં બાદશાહી સરદારોએ બિહારમાં રોતાસનો કિલ્લો સર કર્યો અને ઓરીસાના રાજા પાસે સંદેશો લઈને મોકલેલા દૂતો ઉમદા બક્ષીસો લઈ પાછા આવ્યા.
સને ૧૫૫૬ ના વસંતમાં અ'બર આગ્રે આવ્યો. હિંદુસ્તાનના ઇતિહાસકારો લખે છે કે આ શાન્તિના દિવસોમાં ચોગન નામની રમતમાં સંધ્યાકાળ ગાળવામાં એ મોટો આનંદ માનતો. ચોગન, એ આજની પાલોની રમત, હિંદમાંથી યુરોપમાં આવેલી છે. પણ અકબરના વખતમાં તો આખા જગતમાં હાલ રમાય છે, તેમજ તે રમત રમાતી. પણ હિંદુસ્તાનમાં દિવસનો પ્રકાશ મટી ગયા પછી તરતજ આવી પહોંચતા રાત્રીના અંધારામાં આ રમત રમવાની એક નવીન રીત શોધી કહાડવામાં આવી હતી. પલાશ નામનું એક જાતનું બહુ હલકુ અને ઝાઝી વાર બળતું લાકડું થાય છે તેના તે દડા કરાવતો અને પછી એમને આગ લગાડતો. એના વખતનો સહુથી તીક્ષ્ણ ચોગન રમનાર ગણાવાનું તેને માન હતું.
આ રમતગમતમાંથી કાબુલ અને પંજાબના ફતેહમંદ થયેલા હુલડોથી તે જાગ્યો. બનતી ઉતાવળે એ વર્ષના અંતમાં એ સતલજ ભણી ચાલ્યો. દશ દિવસમાં દિલ્હી પહોંચ્યો; ત્યાંથી સરહિંદ અને ત્યાંથી આનંદની સાથે લાહોર પહોંચ્યો. ત્યાંથી તેણે ફિતુરીઓને સિંધુની પેલી પાર હાંકી કહાડવા સારૂ પોતાના સરદારને મોકલ્યા. આ કામ તેમણે સિદ્ધ કર્યું અને પાછા ફર્યા. કાબુલનું તોફાન પણ આજ વખતે શાન્ત પડ્યું. પણ બદલામાં વાયવ્ય કોણમાં આટલે બધે દૂર બાદશાહ હોવાથી જૌનપૂરમાં બળવો ઉઠ્યો. આટલું સ્પષ્ટ છે કે આ વખત સુધી એટલે ૧૫૬૬ સુધી હિંદુસ્તાનમાં સ્થાયી રાજ્ય શી રીતે સ્થાપવું એ પ્રશ્નને ફતેહમંદ રીતે હાથ લેવાને કોઈ બાદશાહ શક્તિમાન થયો નહતો. પાણીપતની લડાઈથી ગણતાં એના રાજ્યનું અગીઆરમું વર્ષ આ વખત પૂરૂં થતું હતું. અને આ દરમિયાન તેનાં મૂળ જમીનમાં એટલાં તો છીછરાં હતાં કે જો એને કોઈ અકસ્માત થાય તો ઉત્તરાધિકારનો સવાલ વળી તલવારથી જ નક્કી થાય. ૧પ૬૭ ની શરૂઆતમાં હજી એ લાહોરમાંજ હતો–અને ત્યાં શીકાર વગેરે મજા માણતો હતો. આ ગમતમાંથી વળી, જે ઉઝ્બેક લોકોને ક્ષમા આપી હતી તેઓ એની ગેરહાજરીનો લાભ લઈ ફરી સામા થયા છે એવા સમાચારથી તેને જાગૃત થવું પડ્યું. તેથી એણે ૨૨ મી માર્ચે લાહોર છોડ્યું અને આગ્રાની તરફ વળતી મુસાફરી આરંભી. સરહિંદમાં થાણેશ્વર આગળ પહોંચતાં જોગી અને સંન્યાસી એ બે તરેહના હિંદુ વૈરાગીઓની વચ્ચે શ્રદ્ધાવાન યાત્રાળુઓએ ધરેલું સોનું, રૂપું, જવાહીર તથા કાપડ વગેરેની માલકી સારૂ થતા કજીયાથી એને બહુ ગમત મળી. એના રાજ્યના અસ્થૈર્યની એક બીજી નીશાની દિલ્હીમાં એની રાહ જોતી હતી. કેમકે એક રાજકેદી, શહેરના સૂબાની ચોકસી ચૂકવીને નાસી ગયો હતો–અને સૂબો–બાદશાહની ઈતિરાજી થશે એવા ભયથી–શહેર છોડીને નાઠો અને સામો થયો.
વળી જ્યારે આગ્રે પહોંચ્યો ત્યારે પણ આથી વધારે નિર્ભયતાભર્યા સમાચાર એને મળ્યા નહિ. કનોજની આસપાસનો મુલક હુલડની અંધાધુધીમાં હતો અને આટલું હવે સ્પષ્ટ થયું કે એના અમીરોમાંના ઘણા વિશ્વાસપાત્ર નથી. આ સંકટમાં એ રાયબરેલી જીલ્લામાં આવેલા ભોજપૂર તરફ ચાલ્યો અને ત્યાંથી રાયબરેલી ગયો. ત્યાં હુલડખોરોએ કાલ્પી તરફ વધવાને સારૂ ગંગા નદી ઓળંગ્યાના સમાચાર મળ્યા. પુષ્કળ વરસાદ વરસવાથી આખા દેશમાં રેલ આવી હતી પણ અકબરે પોતાના કાર્યમાં સાવધ રહી પોતાના મુખ્ય લશ્કરને કરહા આગળ મોકલી દીધું. અને પોતે એક તરફ પરતાપગઢ અને બીજી તરફ અલાહાબાદની સમાન્તરે આવેલા માણીકપુર તરફ ચુનંદી ટુકડીઓ સાથે ઉપડ્યો. પછી લડાઈ થઈ તેમાં અથવા ત્યાર પછી આ હુમલાના મુખ્ય વિજેતાઓ માર્યા ગયા. રણક્ષેત્રમાંથી અકબર અલાહાબાદ તરફ ગયો. તે આ વખતે તેના જૂના નામ પ્રયાગથી ઓળખાતું હતું. પછી બનારસની અને જૌનપુરની મુલાકાત લઈ ત્યાં સઘળો બંદોબસ્ત કરી આગ્રે પાછો ફર્યો.
પૂર્વ પ્રદેશ હવે અભય છે એમ સમજી અકબરે રજપૂતાના તરફ લક્ષ ફેરવ્યું. પશ્ચિમ હિંદુસ્તાનના આ મોટા ભાગના રાજ્યોમાં સૌથી વધારે જૂનો રાજા મેવાડનો રાણો ઉદેસીંગ હતો. આ માણસના સ્વભાવમાં નિર્બળતાની સાથે બેહદ હઠીલાઈ ભળી હતી. એનો મુખ્ય કિલ્લો ચિતોડનો પ્રસિદ્ધ દુર્ગ હતો. જે કિલ્લો સને ૧૩૦૩ માં અલ્લાઉ–દીનને પગે પડ્યો હતો, તોપણ અભેદ્ય હોવાની પોતાની પ્રથમની આબરૂ એણે પાછી મેળવી હતી. બનાસ નદી ઉપર એક ઊંચી ચતુષ્કોણ ટેકરી ઉપર એ આવેલો છે. અને આ કિલ્લાની બહારની ભીંતનો ઘાટ ડુંગરીને ઘાટે ઘાટે અનુસર્યો છે. એક ખરા અને વફાદાર સરદારની સવારી નીચે આશરે સાતહજાર ઉત્તમ રજપૂત લડવૈયા એનું રક્ષણ કરતા હતા. એમાં ખોરાક અને પાણી પુષ્કળ હતાં અને બધી રીતે લાંબો ઘેરો ખમી શકે એવો તે કિલ્લો હતો.
અકબર પોતે તે કિલ્લા આગળજ રહ્યો અને રાણો વિજયની આશા છોડીને જંગલમાં નાસી ગયો હતો તેથી આસપાસના પ્રદેશમાં જીતો મેળવવાના ઇરાદાથી એક બીજું લશ્કર બહાર મોકલ્યું. પણ જે જોસથી તે ઘેરાનું કામ દબાવ્યે ગયો તેવીજ હિમ્મત અને હઠીલાઈથી રજપૂત લોકો રક્ષણને વળગી રહ્યા. અકબરને આવા હઠીલા લડવૈયા કદી મળ્યા નહતા. જેમ જેમ એમની હઠીલાઈ વધતી ગઈ તેમ તેમ આનું અભિમાન અને દૃઢ નિશ્ચય પણ વધતાં ગયાં. આખરે અર્થ સરે એવું ગાબડું પડ્યું છે એમ સમજાયાથી માર્ચ માસની એક રાત્રે અકબરે હુમલો કરવાનો હુકમ આપ્યો. ઊભો ઊભો બધી દેખરેખ રાખી શકે અને યોગ્ય પગલાં સૂચવી શકે એવી જગા ઉપર તેણે પોતાને માટે એક બેઠક કરાવી હતી. પોતાની બંદૂક હાથમાં રાખી એ બેઠો હતો ત્યાં તેણે એક સમર્થ સરદારની સરદારી નીચે બહાદૂર રજપૂતોને બાદશાહના લશ્કરને અંતઃકરણપૂર્વક આવકાર આપવાની તૈયારીમાં ગાબડા આગળ એકઠા થતા જોયા. એ ગાબડું અને પોતાની બેઠક વચ્ચેનો અંતર સીધી લીટીએ બહુ થોડો હતો. માત્ર એક નદી જ વચમાં વહેતી હતી.
મશાલોના અજવાળાથી અકબરે રજપૂત સેનાપતિને ઓળખી કહાડ્યો અને તે પોતાની બંદૂકના લક્ષ્યમાં છે એમ માનતાં બંદૂક છોડી અને તરત જ તેને ત્યાં અગાડી જ ઠાર કર્યો. આ ભાગ્યશાળી લક્ષ્યવેધ બે લશ્કરો એક બીજાની પાસે આવતાં હતાં તેવે વખતે થયો અને એથી રજપૂતો એટલા તો નાહિમ્મત થઈ ગયા કે અણીને વખતે તેમણે તદ્દન નમાલું રક્ષણ કર્યું. પછીથી અલબત્ત તેઓ પાછા આવ્યા. અને જો કે જાત ભાગીને આ વખત પૂર્ણ પ્રયત્ન કર્યો પણ ગયેલ લાભ એમને મળી શક્યો નહિ. વહાણું વાયું ત્યારે ચીતોડ અકબરના કબજામાં આવી ગયેલું હતું. આ વિજયથી ઓશીંગણ થઈને ઘેરો ઘાલવા માંડ્યા પહેલાં લીધેલી બાધા મૂકવા સારૂ અકબરે અજમેરની ટેકરીની ટોચ ઉપર આવેલી હિંદુસ્તાનમાં પહેલા મુસલમાન ફકીર સીઈસ્તાનના માઈનુ–ઈ–દીન ચીશ્તીની દરગાહની યાત્રાએ પગે ચાલતો ગયો. હજી નાનપણની કેળવણીમાંથી એ મુક્ત થયો નહતો. અજમેર એ દશ દિવસ રહ્યો અને મેવાતને રસ્તે ત્યાંથી આગ્રે પાછો ફર્યો. વસંત અને ચોમાસું અકબરે આગ્રામાં ગાળ્યું. પછી જ્યપૂરમાં આવેલ ‘રણથમ્ભોર’ ના મજબૂત કિલ્લાને સર કરવાનો ક્રમ નક્કી કર્યો પણ એને માટે ઊભું કરેલું લશ્કર હજી રસ્તામાં હતું, તે વખતે ગુજરાતમાં એક તોફાન ઊઠ્યું અને તે પછી તરત જ તે તરફથી મધ્ય હિંદુસ્તાન ઉપર ચડાઈ કરવાની જરૂર પડી તેથી આ લશ્કર તે તરફ વાળવાની અકબરને જરૂર પડી. પછી બીજા લશ્કરની સાથે રણથમ્ભોર તરફ પોતે જાતે જ સવારી લઈ જવાનો નિશ્ચય કર્યો. આ તેણે વળતા વરસના ૧૫૬૯ ના આરંભમાં જ સિદ્ધ કર્યો. એ કિલ્લાને સર થવાની જરૂર પાડી કે તરત જ તે આગ્રા તરફ પાછો ફર્યો અને રસ્તામાં પેલા ફકીરની દરગાહની મુલાકાતે અજમેરમાં એક અઠવાડીઉં રોકાયો.
આ વર્ષમાં તેણે ફતેહપુર સીક્રી સ્થાપ્યું, જેના વિભૂતિવાળાં ખંડેરો હજી સુધી મુસાફરોને આશ્ચર્યમાં નાંખી દે છે. તબાકતનો કર્તા આ વાત આ પ્રમાણે કહે છે. અકબરને પહેલા બે જીંડવાના પુત્રો થયા, તેમાંનો એક જીવ્યો નહિ. એ વાત જણાવીને પછી કહે છે કે, આગ્રાની નૈઋત્તમાં બાવીસ માઈલ ઉપર આવેલા સીક્રી આગળ શેખ સલીમ ચીસ્તી કરીને એક સૈયદ રહેતો હતો તેણે તેને એક ચિરંજીવી પુત્ર થશે એવી આશીશ આપી હતી. આ આશીશ પૂર્ણ થવાની આશાથી અકબરે રણથમ્ભોરથી પાછા ફર્યા પછી તેની કેટલીક મુલાકાતો લીધી હતી–અને દરેક વખતે દશથી વીસ દિવસ સુધી રહેતો. આખરે તેણે એક કાંઇક ઢોળાવવાળી જમીનની ટોચે એક મહેલ બાંધ્યો, અને આ બાદશાહી મહેલની નજીક ફકીરે એક સુંદર મસજીદ અને મુસાફરખાનું બાંધવાનો આરંભ કર્યો. આ દૃષ્ટાંતથી ઉત્તેજીત થઈ ને દરબારના અમીરો પણ પોતપતાને માટે મકાનો બાંધવા માંડ્યાં.
પોતાનો મેહેલ હજી બંધાતો હતો તેવામાં એની એક રાણીને ગર્ભ રહ્યો અને અકબર એને આ પવિત્ર ફકીરના નિવાસમાં લઈ ગયો. થોડા વખત પછી એણે ગુજરાત જીત્યું ત્યાર પછી આ કૃપાપાત્ર નગરને ફતેહપૂર એવું ઉપનામ આપ્યું. તે વખતથી ઇતિહાસમાં આ જગાને બે નામથી–ફતેહપુર સીક્રીથી ઓળખવામાં આવે છે. આ વર્ષના અંતની નજીકમાં પેલા ફકીરનાજ નિવાસમાં તે રાણીએ એક શાહજાદાને જન્મ આપ્યો. તેનું નામ તે ફકીરના નામ ઉપરથી સલીમ પાડવામાં આવ્યું, પણ ઇતિહાસમાં એ આગળ ઉપર જહાંગીર બાદશાહના નામથી ઓળખાયો. એની જનેતા જોધપુરની રજપૂત રાજપુત્રી હતી. આ બનાવના સ્મરણાર્થે અકબરે ફતેહપુર સીક્રીને હમેશનું રાજનિવાસ બનાવ્યું. તેની આસપાસ એક કિલ્લો બાંધ્યો અને બીજી કેટલીક રોણકદાર ઇમારતો બંધાવી. પછી તેણે અજમેરની ટેકરી ઉપર પેલા ફકીરની દરગાહની ફરીથી પગે ચાલીને યાત્રા કરી. ત્યાં ભક્તિ પુરઃસર બંદગી કરી દિલ્હી તરફ ગયો.
વળતા વર્ષની શરૂવાતમાં અકબર રજપૂતાનામાં ગયો અને જોધપુરમાં આવેલા નગર આગળ મુકામ કર્યો. ત્યાં તેણે એ વખતમાં રજપૂતાનામાં સમર્થમાં સમર્થ રાજ્યના રાજાના તથા બીકાનેરના રાજા તથા તેની કુંવરની પ્રણાત સ્વીકારી. બીકાનેરના રાજાની વફાદારીના પીછાનની નિશાનીમાં અકબરે તેની પુત્રી લગ્નમાં સ્વીકારી. નગોર અગાડી તેણે થોડાક સમય તે વખતે તે પ્રદેશમાં પુષ્કળ જડી આવતા જંગલી ગધેડાઓનો શીકાર કરવાની ગમતમાં ગાળ્યો. અને પછીથી પંજાબમાં દીપાલપુર ગયો. ત્યાં તેણે એક ભબકાબંધ દરબાર ભર્યો અને ત્યાંથી નવું વર્ષ બેસતાં જ લાહોર ગયો. પછી પંજાબની વ્યવસ્થા કરીને આવતું વર્ષ ગૂજરાતની જીતમાં ગાળવાનો નિશ્ચય કરી તે ફતેહપુર–સીક્રી પાછો આવ્યો.
પશ્ચિમ હિંદુસ્તાનમાં આવેલા ગુજરાતના પ્રાન્તમાં, અકબરના વખતમાં, સૂરત, ભરૂચ, ખેડા અને અમદાવાદના જીલ્લાના મુલક, હમણાના વડોદરા રાજ્યનો મોટો ભાગ હાલની મહીકાંઠા અને રેવાકાંઠા એજન્સીઓવાળો મુલક, પંચમહાલ, પાલનપુર, રાધનપૂર, ખંભાત, ખાનદેશ અને કાઠીયાવાડનો મોટો દ્વિપકલ્પ એટલાનો સમાવેશ થતો હતો. જૂદી જૂદી હદોના આ જથ્થાનો ઘણા વખત સુધી ખરા અધિકારવાળો કોઈ એક માલીક ન હતો. એના જૂદા જૂદા જીલ્લાઓ પડી ગયા હતા અને વસ્તીના મોટા ભાગને પરાયા લાગે એવા મુસલમાન ઉમરાવો દરેક ઉપર રાજ્ય કરતા હતા. તેથી આ ભૂમિ અનવરત અંતઃક્ષોભની રંગભૂમિ થઈ રહી હતી–અમીર લોકો સાર્વભૌમ મેળવવાને માટે જોઈતાં સાધનો સારૂ બીચારા ખેડૂત વર્ગને દળી નાંખતા. કોઈક વાર પડોશના ઈલાકાના રાજાની નબળાઈના સમાચારથી ઉત્તેજન પામી બીજા સરદારો ક્ષણિક સવારીઓ કરવા સારૂ એકઠા થતા. પરિણામ એ આવ્યું હતું કે ગુજરાત અવ્યવસ્થાનું કેન્દ્ર થઈ પડ્યું હતું. લોકો ઉપર જુલમ ગુજરતા અને તેમનાપર રાજ્ય કરનાર નાના નાના ક્રૂર રાજાઓ બીજાને ભાગે પોતાને ફાયદો કરવાના નિશ્ચયવાળા થતા હતા. આ ગેરબંદોબસ્તનાં પરિણામ અકબરને પણ ઘણા વખતથી ખમવાં પડતાં હતાં, અને આ વખતે તેને હમેશને માટે અંત લાવવાનો તેણે નિશ્ચય કર્યો.
અકબરની ગુજરાત ઉપરની સવારી એના રાજ્યનું સહુથી વધારે પ્રસિદ્ધ પરાક્રમ છે. તેણે એવો નિશ્ચય કર્યો હતો કે એની ગોઠવણમાં અથવા તો તે ગોઠવણ પાર ઉતારવામાં કાંઈ પણ ચૂક થવી જોઈએ નહિ. હિંદુસ્તાનના મોટા ભાગનો એ રાજ્યકર્તા થયા ત્યાર પછી પહેલીજ વાર આ વખતે પોતાના અમીરો અને સામંતો તરફની, આ સવારીમાં જે વખત લાગવાનો સંભવ હતો તે દરમિયાન, તેને નિર્ભયતા લાગી હતી. સને ૧૫૭૨ ના સપ્ટેમ્બરમાં તે પોતાના લશ્કરની સાથે ફતેહપુર સીક્રીથી ઉપડ્યો અને જેપૂરથી અઢાર માઈલ ઉપર આવેલા સંગનેરને રસ્તે ઓક્ટોબરના મધ્યમાં અજમેર પહોંચ્યો. ત્યાં પેલા ફકીરની દરગાહની યાત્રા સારૂ બે દિવસ થોભ્યો અને રસ્તાની તપાસ રાખવાને દશ હજાર ઘોડેસ્વારનું એક સૈન્ય આગળ મોકલીને બાકીના બધા લશ્કરની સાથે તે જોધપુરની ઈશાનમાં પોણોસો માઈલ ઉપર આવેલા નગોર ઉપર ચાલ્યો. નગર પહોંચતાં તેની પાસે એક દૂત આવ્યો. તે એવા સમાચાર લાવ્યો કે તેનો એક પુત્ર–જે આગળ દાનીઆલને નામે ઓળખાયો તે–જન્મ્યો છે. ત્યાં તેણે પોતાના લશ્કરને જોઇતી ચીજો પૂરી પાડવાનો બંદોબસ્ત કરવામાં તેર દિવસ ગાળ્યા, અને ત્યાંથી ઝપાટાની સાથે આગળ વધતાં, નવેમ્બરમાં સરસ્વતી ઉપર આવેલા પાટણ આગળ પહોંચ્યો અને ત્યાંથી બીજે મહીને અમદાવાદ આવ્યો. આ બે સ્થળો વચ્ચેની એની મુસાફરીમાં ગુજરાતના સાર્વભૌમનો હક ધરાવતા સુલતાનની પ્રકૃતિ એણે સ્વીકારી હતી પણ તેની સત્તા માત્ર નામની જ હતી. તે વખતમાં ગુજરાતના મુખ્ય નગર અમદાવાદ આગળ અકબરે “પશ્ચિમ હિંદુસ્તાનના બાદશાહ” તરીકે પોતાનો ઢંઢેરો પીટાવ્યો.
પણ પોતાની સત્તા છોડી દેવાને નારાજ એવા ઘણા નાના સરદારોની સાથે કામ પાડવાનું હજી અકબરને બાકી રહ્યું હતું. આમાં ભરૂચ, વડોદરા, અને સુરતના હાકેમોનો સમાવેશ થતો હતો. તેથી અમદાવાદના મુલકમાં બંદોબસ્ત રહે એવી ગોઠવણ કરી રહ્યો કે તરતજ અકબર ખંભાત જવા ઉપડ્યો અને ત્યાં પાંચ દિવસમાં પહોંચ્યો. ઇતિહાસકારો કહે છે કે અહીંયાં તેણે પહેલવહેલું સમુદ્રનું દર્શન કર્યું. એક અઠવાડીઉં ત્યાં રોકાઈને તે વડોદરા તરફ ગયો અને ત્યાં બે દિવસમાં પહોંચ્યો. ત્યાં આ મૂલકના બંદોબસ્તની બધી ગોઠવણ એણે પૂરી કરી. અમદાવાદને પાટનગર બનાવ્યું અને આગ્રેથી એની સાથે આવેલા એક ઉમરાવને ગુજરાતનો સૂબો બનાવ્યો. ત્યાંથી જ સુરત અને ભરૂચ સર કરવા સારૂ લશ્કર મોકલ્યું. દરમિયાન એને એવા સમાચાર મળ્યા કે ભરૂચનો રાજા એ શહેરના મુગલ પક્ષના મુખ્ય માણસનું ખૂન કરીને વગડામાં નાશી ગયો છે અને વડોદરેથી પંદર માઈલ ઉપર થઈને પસાર થયો છે. તે સાંભળતાં જ પોતાની પાસે તૈયાર હતું તેટલું લશ્કર લઈ અકબર તેની પાછળ પડી અને એક નાની નદીને સ્હામે કીનારે સારસા આગળ નાંખેલા એના પડાવની દૃષ્ટિ મર્યાદામાં બીજી રાત્રે આવી પહોંચ્યો.
આ વખતે અ'કબર પાસે માત્ર ચાળીસ ઘોડેસ્વાર હતા. અને નદી ઉતરાય એવી હોવાથી બીજું મદદગાર સૈન્ય આવી પહોંચે ત્યાં સુધી પોતાના માણસોને સંતાડી રાખવાનો તેણે પ્રયત્ન કર્યો. પછી રાતમાં સાઠ જણા બીજા આવ્યા અને પોતાની સાથે આવેલા તે ગણતાં હવે એની પાસે સો માણસો થયાં, એટલે અકબર આથી દશગણાં માણસો ઉપર હુમલો કરવાને ઈરાદે તે નદી ઉતર્યો. હુલડખોર સેનાપતિ–શહેરમાં હુમલાની રાહ જોવાને બદલે પોતાના સંખ્યાતીત લશ્કરને વધારે સુગમતા આપવાને મેદાન તરફ ચાલ્યો. અકબરે એક ધસારાથી ગામ વશ કર્યું અને પછી હઠ લઈ તેમની પાછળ પડ્યો. પણ એ મૂલકમાં બન્ને તરફ થોરીયાની વાડોવાળી નેળો હતી. અને અકબરના ઘોડેસ્વારોને એવી જગામાં પાછા હઠાવવામાં આવ્યા કે ત્યાં ફક્ત ત્રણજ માણસો સાથે ઉભા રહી લડી શકે. શત્રુઓ વાડની બંને બાજુએ ઉભા હતા. બાદશાહ પોતાના માણસોને મોખરે ઉભો હતો. પોતાની એક બાજુએ જયપુરનો બહાદુર રાજપુત્ર રાજા ભગવાનદાસ–જેની બહેનને પોતે પરણ્યો હતો તે અને બીજી તરફ તેનો ભત્રિજો અને ઉત્તરાધિકારી તે વખતને એક તેજસ્વી લડવૈયો રાજા માનસીંગ–એ હતા. આ ત્રણે બહુ જોખમમાં આવી પડ્યા, કારણકે શત્રુઓએ તેમના ઉપર ધસી આવવા સારૂ મહાભારત પ્રયત્ન કર્યો. પણ થોરીઆની વાડો જે અત્યાર સુધી એમને વ્યૂહ રચનામાં વિઘ્ન રૂપે થઈ પડી હતી તે હવે તેમનું રક્ષણકર્તા થઈ પડી. શત્રુઓ એને વટાવી શક્યા નહિં. અને જ્યારે ભગવાનદાસે પોતાના ભાલાથી પોતાના સ્હામેના શત્રુને કતલ કર્યો અને અકબર અને માનસીંગે બે બીજાની પણ એ જ વ્યવસ્થા કરી ત્યારે આ ત્રણે જણાએ શત્રુના ક્ષણિક ગભરાટનો લાભ લીધો અને આગળ કુદી પડી પોતાના બાદશાહ ઉપર આવી પડેલા જોખમને લીધે અમાનુષ શ્રમ લેવાને ઉત્તેજિત થયેલા પોતાના મરણીયા સીપાહીઓની મદદથી તેમને નસાડ્યા. હુલ્લડખોરના અનુયાયિઓ બાજી હાથથી ગયેલી છે એમ સમજી અકબરના સિપાહોએ બતાવી તેવી દૃઢતા કે કાર્યપરતા બતાવી નહિ. જેમ જેમ લાગ મળે તેમ તેમ તેઓ ખરતા ગયા અને હુલ્લડખોરે પંડે પોતાના અનુયાયિઓને રઝળતા મૂકીને પોતાનાથી જેટલી બની તેટલી ઉતાવળથી રસ્તો લીધો અને અમદાવાદથી ડીસા અને ડીસાથી રજપૂતાનામાં આવેલા શીરોહી શહેરમાં પહોંચ્યો.
દરમિયાન ભરૂચ પડ્યું અને હવે ફક્ત સુરત રહ્યું. ઉપર વર્ણવેલી સવારીમાંથી પાછા ફરતાં અકબર પંડેજ આ શહેર જે એના પુત્ર અને પ્રપ્રૌત્રના વખતમાં અંગ્રેજ વેપારીઓને સારી પેઠે જાણીતું થઈ પડ્યું એના ઉપર ચડ્યો. તે કાળે વપરાતાં તોડવાનાં હથીયારોની અપેક્ષાએ સુરત મજબૂત હતું. પણ બાદશાહે બળથી ઘેરો ઘાલ્યો અને એક માસ અને સત્તર દિવસ સુધીના ધીરજભર્યા ટકાવ પછી દુર્ગરક્ષક લોકો ગળે સૂધી આવી ગયાથી શરણ આવ્યા. ગુજરાત પ્રાન્તના કાર્યભારનો બંદોબસ્ત પૂરો થઈ રહ્યો ત્યાં સુધી અકબર ત્યાં રહ્યો અને પછી આગ્રે પાછા ફરવાની કુચ શરૂ કરી. આ સવારીમાં નવ મહીના સુધી ગેરહાજર રહી સને ૧૫૫૩ ના જુનની ૪ થી તારીખે અકબર આગ્રે પહોંચ્યો.
અકબર સુરતના ઘેરામાં રોકાયેલો હતો તેવામાં સાર્સ આગળ જે દ્રોહી સરદારને એણે હરાવ્યો હતો અને જે શીરોહી ગયો હતો તે તોફાન કરવાની હીલચાલ કરતો હતો. બીજા એક બેદીલ થયેલા અમીર ભેગો ભળીને તે પાટણ ઉપર ચડ્યો અને ત્યાં આગળ બાદશાહી લશ્કર સાથે ભેટ્યો. આ ભેટામાં તે એમને હરાવાની તૈયારીમાં હતો તેવામાં એની ફોજ લૂંટફાટ સારૂ વિખરાઈ જતાં મુગલ લશ્કર પાછું એકઠું થયું અને પરાજયનો વિજય કરી નાંખ્યો. આ પરાક્રમના સમાચાર અકબરને સુરત આગળ જ મળ્યા. પેલા દ્રોહી સરદારે હજી પોતાનાથી બને એટલું તોફાન કરવાના નિશ્ચયથી રજપૂતાના સોંસરો પંજાબનો રસ્તો લીધો. રસ્તામાં બે ત્રણ હારો ખાધી પણ દરેક વેળા પોતાની જીંદગી જાળવી શક્યો અને લૂંટફાટ કરતો પાણીપત સોનપત અને કર્નાલ સુધી ચાલ્યો ગયો. પંજાબમાં એનો બાદશાહી લશ્કરની સાથે ભેટો થયો, તેમનાથી હાર ખાધી અને પછી કેટલાંક સાહસો અનુભવીને મુલતાન આગળ એક માછીની ટોળીને હાથે એ ઘવાયો અને કેદ થયો–અને તે ઘાની અસરથી મરણ પામ્યો. આખરે આ વર્ષમાં મોગલ ફોજે જાલંધર દુઆબમાં આવેલ કાંગ્રાનો મજબૂત કિલ્લો લેવાનો યત્ન કર્યો પણ તે નિષ્ફળ ગયો. ઘેરો ઘાલતાં દુર્ગરક્ષકોને અણીના સમય ઉપર આણી મૂક્યા હતા. પણ તેઓને આગળ પાછા હઠવું પડ્યું હતું. કાંગરા અકબરના પુત્રના રાજ્ય પહેલાં મુગલના હાથમાં આવ્યું નહીં.
ગુજરાતની જીત પૂરી થઈ છે અને લીધેલાં પગલાંથી લોકોનો વિશ્વાસ અને પ્રેમ મેળવ્યો છે એમ સમજી અકબરે ગુજરાત છોડ્યું હતું–પણ એકવાર રાજ્ય કરી ગયેલા માણસોના મનમાં રાજ્ય કરવાનો ઉત્સાહ કેટલો બધો હોય છે તેના ઉપર અકબરે પૂરો વિચાર કર્યો ન હતો. આગ્રે પહોંચ્યાને ઝાઝો વખત થયો ત્યાર પહેલાં તો પદભ્રષ્ટ થયેલા આ ઇલાકાના અને અમીરોએ લશ્કર ઊભું કરવા તથા દેશને દુઃખ દેવા માંડ્યું. આ સંકટને ઉગતું જ દાબી દેવાનો નિશ્ચય કરીને અકબરે પશ્ચિમ હિંદુસ્તાન ઉપર એક બીજી સવારી તૈયાર કરી અને પોતાના લશ્કરને આગળ મોકલી પોતે એક વેગવાન ઊંટ ઉપર ચઢી લશ્કરને મળવા સારૂ એક રવિવારે પ્રભાતમાં ઉપડ્યો. નામની પણ લગામ ખેંચ્યા વિના જયપુર અને અજમેર વચ્ચે સીત્તેર માઈલ ઉપર આવેલા ટોડે પહોંચ્યો. ત્રીજા દીવસની પ્રભાતે એ અજમેર પહોંચ્યો. ત્યાં પેલા ફકીરની દરગાહ આગળ હમેશના રીવાજ મુજબ બંદગી કરી અને પછી સાંજને પહોર, ઘોડા ઉપર ચઢી, મુસાફરી પાછી શરૂ કરી અને પોતાના લશ્કરને ડીસાને રસ્તે પાલી આગળ ભેગો થયો. પાટણ આગળ તેના મદદગારોએ ઉભું કરેલું કેટલુંક લશ્કર એને મળ્યું. આ લોકો આગળ વધવા સારૂ બાદશાહની રાહ જોઈને જ બેઠા હતા.
દ્રોહી સરદારોએ એકઠા કરેલા સૈન્યને મુકાબલે બાદશાહનું લશ્કર બહુ નાનું હતું પણ એનાં માણસો તો એના લશ્કરનાં ચુનંદાં માણસો હતાં. એની હીલચાલની સાતોપી પણ ઠીક મદદમાં આવી. એ જ્યારે એમની પાસે આવ્યો ત્યારે આ દ્રોહીઓએ એમ પણ જાણ્યું ન હતું કે બાદશાહે આગ્રા છોડ્યું છે. જ્યારે અકબર નવ દિવસમાં આગ્રેથી મુસાફરી કરીને એમના ઉપર આવી પહોંચ્યો ત્યારે ખરેખર તે લોકો અમદાવાદ આગળ પોતાના તંબુમાં ઊંઘતા હતા.
તે વખતનું યુદ્ધ ખરેખરૂં ધર્મયુદ્ધ હતું એમ તખ્ત–ઈ–અકબરીના કર્તાની નીચેની નોંધ ઉપરથી જણાય છે. “બાદશાહી લશ્કરમાં એવી વૃત્તિ હતી કે શત્રુ ઉપર અજાણ્યા તૂટી પડવું એ અકાર્ય છે. શત્રુઓ જાગ્રત થાય ત્યાં સુધી ખમવું જોઈએ. પછી ઢોલીઓને ઢોલ વગાડવાનો હુકમ આપ્યો. દ્રોહીઓનો મુખ્ય નાયક જેને પોતાના ચારોએ ચૌદ દિવસ ઉપર બાદશાહ આગ્રામાં હતો એવા સમાચાર આપ્યા હતા, તેણે હજી એમ માન્યું અને કહ્યું કે આ તો આપણી આગળ ઉભેલા માત્ર ઘોડેસ્વારોજ છે; બાદશાહનું લશ્કર ન હોય કારણ કે એમની સાથે હાથી નથી. તો પણ તેમણે યુદ્ધની તૈયારી કરી. બાદશાહ હજી યુદ્ધ ધર્મનો વિચાર કરતો હતો. તેણે જ્યાં સુધી તે તૈયાર થયો ત્યાં સુધી વાટ જોઈ અને પછી એકદમ ધસારો કરીને નદી ઓળંગી સામે કિનારે વ્યૂહ ગોઠવીને શત્રુ ઉપર ક્રૂર વાઘની પેઠે તુટી પડ્યો. મુગલ લશ્કરની બીજી ટુકડીએ એમને બે બાજુથી એકી વખતે ઘેરી લીધા. આ ધસારો અનિવાર્ય હતો. દ્રોહીઓએ પૂર્ણ હાર ખાધી. તેમનો સરદાર ઘવાયો, કેદ થયો.
એક કલાક પછી એક બીજું પાંચ હજાર માણસનું દુશ્મનનું સૈન્ય દૃષ્ટિગોચર થયું. તેમના સ્હામી પણ યોગ્ય વ્યવસ્થા થઈ ગઈ અને તેમનો સરદાર મરાયો. યુદ્ધમાં અને તેમની પાછળ પડવામાં એમનાં બે હજાર માણસો મરાયાં. પછી અકબર અમદાવાદ તરફ ચાલ્યો અને ત્યાં લાયક માણસોને ઈનામ આપવામાં અને ઇલાકાને હમેશને માટે નિર્ભય કરવાની ગોઠવણ કરવામાં પાંચ દિવસ રોકાયો. પછી તે ખેડા જીલ્લામાં મેમદાવાદ ગયો અને ત્યાંથી શીરોહી થઈ અજમેર ગયો. ત્યાં આગળ પેલા ફકીરની દરગાહની મુલાકાત લીધી. અને ત્યાંથી રાત અને દિવસ મુસાફરી કરી જયપુરથી ચૌદ માઈલ ઉપર આવેલા એક ગામડામાં મુકામ કર્યો. ત્યાં આગળ તેના સમર્થ અમલદાર અને આગળ ઉપર રાજ્યના દિવાન થનાર રાજા ટોડરમલને તે મળ્યો અને ગુજરાતની મ્હેસુલ વગેરે બાબતની એની સાથે મસલત કરી. ત્યાંથી પછી તે ફતેહપુર સીક્રી ગયો. અને તેતાલીસ દિવસ બહાર રહી વિજય વર્તાવી ત્યાં પહોંચ્યો.
આખા હિંદને એક શાસન તળે લાવવાની એની યોજના આ વખતે એટલે સુધી સફળ થઈ હતી કે પોતાના રાજ્યના અઢારમા વર્ષની આખરે વાયવ્ય, મધ્ય અને પશ્ચિમ હિંદનો પંજાબ અને કાબુલ સમેતનો તે માલીક થયો હતો. પૂર્વમાં કર્મણાસ સુધી તેની આણ વર્તાતી હતી. તે નદીની પેલી પાસ બંગાળા અને બીહારના સ્વતંત્ર અને કેટલાંક સંજોગોમાં ભય ઉપજાવનાર પ્રાન્તો આવી રહ્યા હતા. એટલે તેણે કાંઈ અણચિંતવ્યું આવી ન પડે તો પોતાના રાજ્યના ઓગણીસમા વરસમાં બંગાળા અને બંગાળાને ખંડણી આપતાં બીજાં રાજ્યો વશ કરવાનો નિશ્ચય કર્યો. આ સવારીમાં ઉપડતાં પહેલાં પેલી અજમેરની ટેકરી ઉપર આવેલી ફકીરની દરગાહની મુલાકાત લેવા તે ચૂક્યો ન હતો.
આ પાછળનાં પાનાંમાં અકબરની સવારીઓનું અને એના લશ્કરની સંખ્યા વગેરેનું મેં ઘણું લખ્યું છે. પણ આ હીલચાલો શા ધોરણ ઉપર ચાલતી હતી તે વિષે મેં હજી કાંઈ પણ સૂચન કર્યું નથી. આપણા જમાનાના માણસોના સ્મરણમાં પણ એવા લડવૈયા થઈ ગયેલા છે કે જેઓ લડાઈનું ખરચ લડાઈમાંથી પૂરૂં પાડે. આજ ધોરણ ઉપર–મુગલ સત્તા જ્યારે પડી ભાંગવાની તૈયારીમાં હતી, ત્યારે હિંદુસ્તાન ઉપર ચઢી આવેલા ખોરાસાની અને અફઘાન જંગલી લોકોએ કામ લીધું હતું. પણ અકબરે આ ધોરણ સ્વીકાર્યું ન હતું. જે ઈમારત તે ચણતો હતો તે પૂરી નહિ થાય તો અદૃઢ અને પહેલાજ તોફાનથી પડી ભાગે એવી રહેશે એમ તે સારી પેઠે સમજતો. એ ઈમારત પૂરી કરવા સારૂ જોઈએ તેટલીજ લડાઈ લડવી એ તેનો નિશ્ચય હતો પણ તે બાદ કરતાં તે સ્વભાવથી લડાઈની વિરૂદ્ધ હતો. અને એટલી સંભાળ હમેશાં રાખતો કે જમીનદાર અથવા ખેડુતોને પોતાની અથવા પોતાના લશ્કરની હીલચાલથી નુકશાન વેઠવું પડે નહિ. આ ધોરણ અમલમાં લાવવા સારૂ એણે એવો હુકમ કર્યો કે જ્યારે અમુક કોઈ જમીનનો કટકો છાવણી નાંખવા સારૂ નક્કી કરવામાં આવે ત્યારે તેની આસપાસ આવેલી ખેડાયલી જમીનના રક્ષણ સારૂ સીપાઈઓ મૂકવા. વળી લશ્કર ઉપડે ત્યારે છાવણીવાળી જમીન તપાસી સરકારી વજેના હકમાં જે નુકશાન થયું હોય તે નકકી કરવા સારૂ અમલદારો નીમતો. તબકત–ઈ–અકબરી વાળો ઈતિહાસ લેખક લખે છે કે એની દરેક સવારીમાં આમ કરવાનો રીવાજ પડી ગયો હતો. અને કોઈ કોઈ વાર તો આવી રીતે નીમેલા અમલદારોને રૂપીયાની થેલીઓ આપવામાં આવતી. જેઓ રૈયત અને ઈજારદારના દાવા નક્કી કરી તેમનું સમાધાન કરતા કે જેથી વજે ઉઘરાવનાર સાથે કાંઈ પણ તકરાર થવા પામે નહિ, આ યોજના જેને જરૂરની વિગતોમાં આપણે, ખરી રીતે મુગલના અખત્યાર ઉપર આવેલા પાશ્ચિમાત્યો, અનુસરીએ છીએ, તેનાથી જેમની સરહદમાં થઈને લશ્કરને પસાર થવાની જરૂર પડતી તે લોકોને લડાઇનો ત્રાસ દૂર થતો.
અકબર હજી અજમેર આગળની પેલી ફકીરની દરગાહની બાર દિવસની મુલાકાત લે છે તે દરમિયાન બિહાર અને બંગાળામાં ચાલતા વ્યવહાર સંબંધી તપાસ લેવી એ વધારે ઠીક પડશે.
મુગલ લોકોએ વાવવ્ય પ્રાંતો ફરીથી જીતી લીધા, તે વખત બંગાલ અને બીહારની ગાદીઓ એકઠી કરીને બેઠેલા અફઘાન રાજાએ થોડા વખત પછી અકબરની શેનશાહત કાગળ ઉપર સ્વીકારી હતી. પણ એ જેવી કાગળ ઉપર હતી તેવી કાગળ ઉપરજ રહી. એણે ખંડણી ભરી નહિ, તેમ બાદશાહને નમતી પણ આપી નહિ. અકબર ગુજરાત ઉપરની બીજી સવારીમાં હતો ત્યારે આ રાજા મરણ પામ્યો. તેના પુત્ર અને પ્રથમ ઉત્તરાધિકારિને અમીરોએ મારી નાંખ્યો અને આ લોકો જે આખા દરબારની અપેક્ષાએ એક નાના પણ મજબૂત વિભાગ માત્ર હતા તેમણે નાના ભાઈ દાઉદખાંને ગાદીએ બેસાડ્યો. પણ દાઉદ ફક્ત એશઆરામનીજ દરકાર રાખનાર માણસ હતો અને એ ગાદીએ આવ્યો તેથી લોદી વંશના એક સમર્થ અમીરે બીહારના શાહઆબાદ જીલ્લામાં આવેલા રોહતાસગઢ આગળ પોતાનો વાવટો ફરકાવ્યો અને સ્વતંત્રતા ધારણ કરી. પણ આ બે જણ વચ્ચે તરતજ સલાહ થઈ ગઈ. અને દાઉદે આનો તથા લોદી સરદારે પોતાના ઉપર મૂકેલા વિશ્વાસનો લાભ લઈને લોદીને પકડાવ્યો અને મારી નંખાવ્યો. અકબરે જૌનપુરના મુગલ સૂબાને બીહારના મામલા ઉપર નજર રાખવાની તથા વખત જોઇને કામ લેવાની સૂચના આપી મૂકી હતી તેથી ઉપરના સમાચાર મળ્યા કે તરતજ તેણે કર્મણાસા ઓળંગી અને ત્યાં મુગલ લોકો સાથે રણભૂમિમાં ભેટ થવા ઉપર ભરૂંસો ન રાખતાં દાઉદ ભરાઈ પેઠો હતો તે સ્થળે એટલે પટણાના કિલ્લાવાળા શહેર આગર આવી પહોંચ્યો. અકબર ગુજરાતમાંથી પાછો ફર્યો ત્યાર પછી તરતજ ઉપર પ્રમાણે અવસ્થા થઈ રહી હતી. આ સવારી પોતેજ દોરવી એવી ઇચ્છાથી પોતાના સહાયકને પોતે આવી પહોંચે ત્યાં સુધી આગળ કામ બંધ રાખવાનો હુકમ આપ્યો અને ઉપર લખેલ અજમેરની મુલાકાત જલદીથી લઈને એક લશ્કરની સાથે જળમાર્ગે અલ્લાહાબાદ ગયો. ત્યાં મુકામ ન કર્યો. પણ એમને એમ તરી રસ્તેજ સુસાફરી ચાલુ રાખી. બનારસ ગયો–ત્યાં પણ ત્રણ જ દિવસ થોભ્યો અને વળી પાછો વહાણમાં બેસીને ગોમતી અને ગંગાના સંગમ આગળ પહોંચ્યો. ત્યાંથી સહાયક અમલદાર તરફના સમાચાર આવતાં સુધી પોતે ગોમતીને સ્હામે વેણે જૌનપુરનો રસ્તો લીધો.
ત્યાં જતાં રસ્તામાં પોતાના સહાયકનો પત્ર મળ્યો. જેમાં જેમ બને તેમ ઉતાવળથી આવવાની જરૂર બતાવી હતી. જુવાન શાહજાદાઓને તથા બેગમોને જૌનપુર તરફજ લઈ જવાની વહાણવટીઓને આજ્ઞા આપી પોતે પાછો ફર્યો અને ત્યાં પોતાનું લશ્કર પડ્યું હતું તે ઠેકાણે આવ્યો. તેમને હોડીઓની સાથે સાથેજ કીનારા ઉપર કુચ કરવાનો હુકમ આપીને ચૌસા જે જગ્યા વાંચનારને યાદ હોય તો–હુંમાયૂંના શેરશાહને હાથે થયેલા પરાભવથી પ્રખ્યાત થઈ હતી–ત્યાં આવ્યો. અહીંયાં અકબરને એવી મતલબનો કાગળ મળ્યો કે દુશ્મને પટનામાંથી એકદમ નીકળીને આપણા ઉપર તુટી પડ્યાથી આપણને–બહુ નુકશાન થયું છે. તેથી અકબર હજી જળ માર્ગેજ ઝડપથી વધ્યે ગયો અને સાતમે દિવસે પટણે–પોતાના લશ્કરને મળ્યો.
બીજે દિવસે યુદ્ધ મંત્રીઓની સભા મેળવી. આમાં એણે પોતાનો અભિપ્રાય જણાવ્યો કે કિલ્લા ઉપર ધમાલ કરવા પહેલાં આપણે પટણાની સામી બાજુએ ગંડક અને ગંગાના સંગમ ઉપર આવેલા હાજીપૂરનો કબજો કરવો એ વધારે ઉચિત છે. આ ક્રમ અમલમાં મૂકાયો અને હાજીપૂર બીજેજ દિવસે પડ્યું. આ વિજયથી અને ઉપરોધક સૈન્યના દેખીતા બળથી દાઉદ એટલો તો બ્હીનોને કે તેજ રાત્રે તેણે પટના ખાલી કર્યું અને પુન પુનઃ સોંસરો ફતવા આગળ જ્યાં ગંગાનો ને તેનો સંગમ થાય છે ત્યાં નાઠો. બીજે દિવસે પ્રભાતમાં અકબર વાજતે ગાજતે શહેરમાં દાખલ થયો પણ દાઉદને કેદ કરવાને આતુર હોવાથી ત્યાં ફક્ત ચારજ દિવસ રોકાયો. પછી પોતાના અમલદારને લશ્કરની સરદારી સોંપીને પોતે તેજી ઘોડાવાળી એક ઘોડેસ્વાર ટુકડીની સાથે દુશ્મનની પુંઠે પડ્યો. ઘોડા ઉપર પુન પુન તરીને એ ત્વરાથી દાઉદના અનુચરોની પૂંઠે પડ્યો અને એક પછી એક દરીઆપુર આગળ ગણતરી કરી તે પ્રમાણે પાંસઠ હાથી પકડ્યા. દરીઆપુર આગળ વિશ્રામ લઈ પોતાના બે અમલદારોને આ કેડો શરૂ રાખવાનો હુકમ આપ્યો. ચૌદ માઈલ સુધી દડમજલ ચાલ્યા પછી તેમને એમ નક્કી થયું કે દાઉદે જુદો રસ્તો લીધો છે એટલે તેઓ પાછા ફર્યા.
પટણાની જીતથી અકબરને બીહાર મળ્યું. પછી ત્યાં અગાડી આ મુલકના રાજ્યનો બંદોબસ્ત કરવા માટે એ દરીયાપુર આગળ છ દિવસ રાકાયો અને જે વિજયી અમલદારે આ સવારીની યોજના કરી હતી, તેને મુખ્ય અધિકાર ઉપર નીમી બાકીની ગોઠવણ કરી લેવાનું એને સોંપી પોતે જૌનપુર તરફ પાછો ફર્યો. ત્યાં તે મુલકની વધારે સારી વ્યવસ્થા થાય તેવી ગોઠવણ પાકી કરવા સારૂ પોતે તેત્રીસ દિવસ રોકાયો.
આ હેતુથી તેણે જૌનપુર, બનારસ, ચન્નર અને નજીકના બીજા મહાલો લાગલાજ બાદશાહી ત્રીજોરીના હવાલામાં સોંપ્યા અને કરમણસાની દક્ષિણે તાજા જીતેલા મુલકની જૂદી રાજ્યવ્યવસ્થા કરી.
આટલું કર્યા પછી તે આગ્રે જતાં રસ્તામાં કાનપુર પહોંચ્યો. ત્યાં એ ચાર દિવસ રહ્યો તેટલામાં બંગાળામાં રહેલા એનો સરદાર મોંઘીર, ભાગલપુર, ગારહી, અને બંગાળાનું જૂનું અને પ્રસિદ્ધ હિંદુ પાટનગર ગૌડ સર કરી આગળ વધવાની તૈયારી કરે છે એ સમાચાર સાંભળ્યા. અહીંયાં એટલું ઉમેરીએ કે તે સરદારે અકબરનો ઠરાવ ઉત્સાહથી અમલમાં મૂક્યો અને તે દાઉદની પાછળ દયાવિહીન થઈને પડ્યો. તેને બજહુરા આગળ હરાવ્યો અને આખરે કટક આગળ તેને શરણે આવવાની ફરજ પાડી. આ રાજવંશીની હત્યાની સાથે બંગાળાની જીતે પૂરી રીતે મેળવાઈ એમ ગણાય.
કાનપુર અગાડી આ શુભ સમાચાર સાંભળીને અકબર બહુ ખુશી થયો અને બંગાળાની સવારી હવે ખરી રીતે પૂરી થવા આવી છે એમ સમજી પોતે દિલ્હી તરફ ગયો. ત્યાં થોડા દિવસ શીકારમાં ગુજારીને ફરીથી પાછો અજમેરની મુસાફરીએ રસ્તામાં શીકાર કરતો કરતો ચાલ્યો. નારનુળ આગળ તેણે પંજાબ અને ગુજરાતના સૂબાઓની મુલાકાત લીધી અને સર્વત્ર લોકોના હૃદયમાં એના રાજ્યે મૂળ રોપવા માંડ્યાં છે એ જાણી પ્રસન્ન થયો. આ ઉમરાવની સાથે વાતચીત કર્યા પછી તે અજમેર ગયો. પેલા ફકીરની દરગાહનાં દર્શન કર્યા અને જોધપુરના જંગલમાં આવેલા એક નાના સરદારનો બળવો દાબી દેવરાવી પોતે પોતાના ફતેહપૂર સીક્રીના મનગમતા નિવાસ ઉપર પાછો ફર્યો. એની બધી મુસાફરીમાં એણે જોયું હતું કે તેના મુલકનો ઘણો ભાગ પડતર પડી રહ્યો છે. આ અનિષ્ટ હકીકતનું કારણ જમીનની જાત અથવા લોકોનું આળસ ન હતું. જમીન તો ઉમદા હતી. આ વિષયનો તાગ લઇને અકબર એવા નિશ્ચય ઉપર આવ્યો કે તેમાં વાંક વહિવટનો છે. કેમકે ગરીબ લોકોને જમીન ખેડવી બહુ ભારે પડે એવો કર જમીન ઉપર નાંખવામાં આવ્યો છે. આ સંકટનો એવો કંઈ રસ્તો શોધી કઢાય કે જેથી પહેલા વર્ષનો નફો સરકાર અને ખેડુત બન્નેને મળે તો દૂર થાય એમ તેને લાગ્યું. આ વિષયની ચારે તરફથી તપાસ કરીને તેણે એવી ગોઠવણ કરી કે દરેક જીલ્લાનાં બધા પ્રગણાંની તપાસ કરવી. અને જેટલી જમીન ખેડાયાથી એક કરોડ ટકાની મહેસુલ આવે એટલી એટલી જમીનના ભાગ પાડવા અને તે ઉપર “કરોડી” એવા નામનો એક પ્રમાણિક અને ચાલાક અમલદાર નીમવો. તીજોરીના કારકુનો અને હીસાબ રાખનારાઓએ આ અમલદારો સાથે બધી ગોઠવણ કરવી અને સહુ સહુને સહુ સહુની જગાએ મોકલવા. જ્યાં ત્રણ વર્ષની મુદતમાં પડતર જમીનની સ્થિતિ પેદાશ કરે એવી, તપાસ રાખીને અને ધ્યાન દઈને બનાવવી અને સરકારને માટે મહેસૂલ એકઠી કરવી. આ યોજના અમલમાં મૂકાઈ અને તેમાંથી ધારેલા લાભો મળ્યા.
એક અપવાદ બાદ કરતાં દરેક રીતે અકબરના રાજ્યનું ઓગણીસમું વરસ આ ઊગતા સામ્રાજ્યને માટે આબાદી ભરેલું હતું. વાયવ્ય, મધ્ય અને પશ્ચિમ હિંદમાં બંગાળા અને બીહારના મૂલકો ઉમેરાયા. ખરું જોતાં વિંધ્યાચળની ઉત્તરના તમામ મુલકમાં હુમાયૂંના શાહજાદાની આણ વર્તાવા લાગી. આ બધી સામાન્ય આબાદીમાં જે અપવાદ કહ્યો તે પશ્ચિમ હિંદુસ્તાનમાં ચાલેલા ભયંકર દુષ્કાળ અને મરકીરૂપ હતો. દાણાના ભાવ મનાય નહિ એટલા ચડી ગયા. અને ઘોડા તથા ગાયને ઝાડની છાલો ખવરાવવી પડતી. આ દુકાળ તથા રોગચાળો છ મહિના સુધી ચાલ્યો.
તે પછીના એટલે સને ૧૫૭૫ ની સાલના વરસની શરૂઆતનો ભાગ દાઉદનો કેડો લેવામાં અને ઓરીસા જીતવામાં રોકાયો. મેં ઉપર જણાવ્યું છે કે મુગલમારી અને જાળેશ્વરની વચ્ચે આવેલા બાજદ્વરા આગળ તેને હરાવામાં આવ્યો હતો. અને પછી છેક કટક સુધી એની પાછળ પડી ત્યાં આગળ ઘેરી લઈ એને શરણ માગવાની જરૂર પાડી હતી. એની સાથે થયેલા તહનામામાં એવી સરત કરી હતી કે એણે અકબર બાદશાહને નામે અને એની વતી, ઓરીસા પ્રાંતનું રાજ્ય કરવું. આ વખતે પણ આપેલું વચન દાઉદે પાળ્યું નહિ. ત્યાં એણે સામા થવાની પહેલીજ અનુકૂળ તક લીધી. અને બે વરસ પછી મુગલ સરદારે એને એક મોટી લડાઈમાં હરાવ્યો. એને કેદ કરવામાં આવ્યો અને એના આ રાજદ્રોહની શિક્ષા તરીકે રણભૂમિ ઉપરજ એનું માથું ધડથી વેગળું કર્યું. તોપણ થોડા વખત સુધી બંગાળા અને ઓરીસા ઉપર મુગલ કારભારીઓને બારીક તપાસ રાખવાની અને ત્વરિત પગલાં ભરવાની જરૂર પડી.
આ વર્ષની એક બીજી અગત્યની બીના ફતેહપુર સીક્રીમાં બાદશાહે એક ઇબાદતખાનું એટલે વિદ્વાન, શક્તિવાન અને વિદ્યા રસિક માણસોને મળવાને માટે એક મહેલ બંધાવ્યાની હતી. આ મહેલને ચાર દિવાનખાનાં હતાં. પશ્ચિમ તરફનું સૈયદોને એટલે પેગંબરના વંશજોને વાપરવાનું હતું. દક્ષિણ તરફનું વિદ્વાનો એટલે જેમણે અભ્યાસ કરીને જ્ઞાન મેળવ્યું હતું તેમને માટે, ઉત્તર તરફનું ડહાપણ અને ઈશ્વરી પ્રેરણાથી પૂજ્ય ગણાય તેવા બક્ષીસ વાળા માણસોને માટે, પૂર્વનું દીવાનખાનું જે દરબારી અમીર ઉમરાવો તથા અમલદારોને આમાંના કોઈ વિષયમાં રસ પડતો હોય તેમને માટે હતું. જ્યારે આ મકાન પૂરૂં થયું ત્યારે બાદશાહે દર શુક્રવારે ત્યાં જવાનો તથા આ દીવાનખાનાઓમાં રહેનાર સાથે જઈ વાતચીત કરવાનો રીવાજ પાડ્યો. દરેક દીવાનખાનામાં વસનારાઓ પોતાનામાંના એક જણને બાદશાહના લક્ષને તથા ઔદાર્યને સર્વથી વધારે યોગ્ય ગણે તેને બાદશાહની પાસે રજુ કરતા. આ મુલાકાતોને પ્રસંગે પુષ્કળ બક્ષીસો વહેંચાતી અને કોઈ અતિથિ કવચિત્જ ખાલી હાથે જતો. આ મકાન આ વર્ષના અંતમાં પૂરૂં થયું.
તે પછીના વર્ષમાં રજપૂતાનામાં ગડબડ ઉભી થઈ આ નામથી ઓળખાતી હદમાં આવેલા બધા રાજાઓમાંથી માત્ર મેવાડના રાણાએ અકબર સાથે વિવાહ સંબંધ બાંધવાની ના કહી હતી. પોતે અમર દેવતાઓના વંશનો છે એમ માની આ સંબંધ બાંધવો એ એને બહુ હલકું કામ લાગ્યું. હજી તો પોતાને ટકવાનાજ વાંધા હતા તેવામાં તેણે વેવીશાળની ના કહી. જોધપુરનો રજપૂત રાજા જેને એ બહુ ધિઃકારતો તે આ સંબંધ બાંધ્યાથીજ પુષ્કળ મહેસુલ આપતા ચાર પ્રાંતો મેળવી બહુ આબાદ થયો છે એમ જોયું તોપણ તેણે ના કહી. અકબરની સત્તાની અવગણના કરી તેણે હઠ પકડી સને ૧પ૬૮ માં મેવાડના રાણા ઉદયસિંહે પોતાની રાજધાની ખોઈ અને રાજપીંપળાના જંગલમાં નાસી જઈ ત્યાં ૧૫૭૨ માં દેહ છોડ્યો.
એના પુત્ર પ્રતાપસિંહે પોતાના પિતાની બધી જક અને પ્રતાપી પિતામહ રાણાસંગના ઘણાખરા ઉમદા ગુણો અને વારસામાંજ મેળવ્યા હતા. તે રાજધાની વિનાનો, સંપત્તિ વિનાનો હતો; તેનાં સગાવ્હાલાં તેમજ નાતજાતના માણસો એના કુટુંબના આવા દુર્ભાગ્યથી નિરુત્સાહ થઈ ગયેલા હતા. તોપણ મુસલમાનની સાથે સંબંધ કરવાની બાબતમાં એણે ના કહી તેથી તે બધા તેના ઉપર સદ્ભાવ રાખતા હતા. આ સ્થિતિમાં પ્રતાપસિંહે અરવલ્લી પર્વતામાં આવેલા કમ્બલમીર આગળ પોતાની સ્થાપના કરી, અને ફરીથી લડાઈ કરવાના હેતુથી તે દેશમાં વ્યવસ્થા કરવાનો પ્રયાસ કર્યો. અકબર ૧૫૭૬–૭૭ માં વાર્ષિક મુલાકાતે અજમેર ગયો હતો, તેવામાં પ્રતાપની આ યોજનાના સમાચાર અકબરને કાને પહોંચ્યા હોય એમ જણાય છે. તેણે તરતજ પોતાના વિશ્વાસુ રજપૂત સરદાર જયપુરવાળા ગુજરાતમાં પાંચ હજાર ઘોડેસ્વારોની સામે પોતાની બાજુએ લડનારા માનસિંહને તેની સ્હામે મોકલ્યો. બે સૈન્યોનો હલદી ઘાટ આગળ ભેટો થયો. લડાઈ થઈ તેમાં રાણાએ કટ્ટી હાર ખાધી અને તેને જ્યારે એમ લાગ્યું કે બાજી હાથથી ગઈ ત્યારે અરવલ્લીના ડુંગરોમાં ભરાયો. એને કોઈ પણ તરેહની મદદ મળતી અટકાવવા સારૂ અકબરે એક નાનું સૈન્ય એની પાછળ મોકલ્યું. આ સૈન્યને એવી સૂચના હતી કે આગળ જતાં દેશને ઉજડ કરતા જવું. અકબર પંડે મેવાડમાં દાખલ થયો અને એની રાજ્યવ્યવસ્થા નક્કી કરી અને પાછો માળવા તરફ ચાલ્યો. ત્યાંની પશ્ચિમ સરહદ ઉપર પડાવ નાંખીને બુરાનપુરની આસપાસના મુલકના રાજ્યની વ્યવસ્થા કરી અને ગુજરાતની વ્યવસ્થામાં સુધારા કર્યો. આ કામમાં એણે ૧૫૭૭–અને ૭૮ એ બે વર્ષો ગાળ્યાં. પછી તે પંજાબ તરફ ઉપડ્યો.
પંજાબ જતાં હિંદુસ્તાનમાં હાલ જે લોકો સર્વોપરિ સત્તા ચલાવે છે તેમના મનને સારો લાગે એવો એક એક સંજોગ બન્યો. એ દિલ્હી પહોંચ્યો અને ત્યાંથી પણ આગળ ચાલતો હતો તેવામાં કોઈ એક હાજી–જે યુરોપ પણ જઈ આવ્યો હતો તે બાદશાહને જોવાને માટે કેટલોક સુંદર સામાન અને ઝીણું કાપડ સાથે લાવ્યો હતો. ઈતિહાસકારો માત્ર આટલુંજ લખે છે અને યુરોપના કયા ભાગમાંથી એ વસ્તુઓ આવી તથા તેથી બાદશાહના મન ઉપર શી છાપ પડી તે આપણી કલ્પના ઉપરજ રાખી છે. અકબર પંજાબમાં બહુજ થોડો વખત રહી દિલ્હી પાછો ફર્યો, પછી અજમેરની વાર્ષિક મુલાકાત લીધી અને ત્યાં ફક્ત એકજ રાત રહીને માત્ર નવ માણસના રસલા સાથે ઘોડા ઉપર એક દિવસના સો માઈલ લેખે મુસાફરી કરતો ત્રીજા દિવસની રાત્રે ફતેહપુર સીક્રી પહોંચ્યો.
વળતું વરસ સને ૧૫૮૦ નું, તે આટલા માટે જાણવા લાયક છે કે તે વર્ષમાં અકબરનું રાજ્ય અપૂર્વ આબાદી પામ્યું. બંગાળા શાન્ત પડ્યું એટલું જ નહિ પણ બાદશાહી તીજોરીમાં પૈસા મોકલવા માંડ્યા. મેવાડના બાદશાહની પાછળ બાદશાહી લશ્કર હજી પડેલુંજ હતુ પણ હિંદના બીજા કોઈ પણ ભાગમાં ખાંડાંનો ખખડાટ સંભળાતો ન હતો.
પોતાની મુસાફરીમાં અકબરે એક વાત ધ્યાનમાં રાખી હતી કે જૂદા જુદા પ્રાન્તોની સરહદ ઉપર લેવાતી જકાત જ્યાં સુધી તે સહુ ઉપર જૂદા જૂદા રાજાઓ રાજ્ય કરતા હતા ત્યાં સુધી તે વાજબી હતી પણ હવે જ્યારે બધા પ્રાન્તો એકતંત્ર નીચે આવ્યા તે પછે એ જકાતની અસર પૂર્વની ભિન્નતા કાયમ રાખવાની જ રહી. તે ઉપરથી ૧૫૮૧ માં તેણે આવી જકાત પોતાના રાજ્યમાંથી કહાડી નાંખી. એજ હુકમથી જજીઆ વેરો–જે મહમદને ધર્મ નહિ માનનારી તમામ પ્રજા ઉપર અફઘાન બાદશાહે નાંખ્યો હતો તે રદ કર્યો. આ બાદશાહનો ઉમદા વિચાર હતો કે વિચારમાં સર્વે સ્વતંત્ર જોઇએ. પોતાની પ્રજામાંની દરેક વ્યક્તિ પોતપોતાની રીતિ મુજબ અને પોતપોતાની શ્રદ્ધા મુજબ ઈશ્વરોપાસના સુખેથી કરે. પોતાના દેહાન્ત સુધી તેણે આ ધારણાનો અમલ કર્યો. આ વર્ષની સર્વથી વધારે અગત્યની રાજકીય બીના એ હતી કે બંગાળાના કેટલાક બેદીલ ઉમરાવોએ બળવો કર્યો પણ બહુ એકદીલીથી કામ નહિ લીધેલું તેથી તેઓને હાર ખાઈ વિખરાઇ જવું પડ્યું.
આવતા એટલે ૧૫૮૨ ના વરસમાં પોતાના ભાઈ મહમદ હકીમ મીરઝાએ કાબુલથી કરેલી ચઢાઈને પાછી હઠાવવા માટે અકબર પોતાના લશ્કરની સાથે પંજાબમાં ગયો. અકબર પાણીપત પહોંચ્યો ત્યાર પહેલાં બળવાખોર ભાઈ લાહોર આવી પહોંચ્યો હતો. પણ અકબર ચઢ્યો છે એ સમાચાર સાંભળી તેના મનમાં એમ ખાત્રી થઈ કે મારી સવારી નિષ્ફળ જશે. એટલે એ લાહોરથી પાછો હઠ્યો અને તેણે કાબુલ આગળ પડાવ નાંખ્યો. અકબર સરહીંદ, કલાનોર અને રોતાસને રસ્તે એની પાછળ પડ્યો. પછી હાલ જ્યાં અટક છે તે જગા આગળ સિન્ધુ નદી ઓળંગતી વખતે ત્યાં આગળ એક કિલ્લો બાંધવાનો હુકમ આપતો ગયો.
પછી તે પેશાવર તરફ ગયો અને ત્યાંથી પોતાના શાહજાદા મુરાદની સરદારી નીચે લશ્કરના એક વિભાગને કાબુલ સર કરવા માટે મોકલ્યું. મુરાદ જુવાન હતો. ઊંચો અને પાતળો હતો, રંગે કાળો હતો પણ દારૂનો વ્યસની હતો. અને વ્યસનના પરિણામમાં એ અને એનો ભાઈ શાહજાદો દાનીયાલ આખરે મરણ પામ્યા. બહુજ ત્વરાથી ચાલતાં તે પોતાના કાકાને ખુદ કાબુલ આગળ ભેટ્યો અને ત્યાં તેનો પૂર્ણ પરાભવ કર્યો. અકબર એની સાથે મદદ સારૂ સૈન્ય લઈને તેની પાછળ પાછળજ આવતો હતો અને તેના પછી ત્રણે દિવસે કાબુલમાં દાખલ થયો. ત્યાં ત્રણ અઠવાડીયાં રહ્યો. પોતાના ભાઈને માફી બક્ષી અને ત્યાંનું રાજ્ય તેનેજ સોંપી પોતે ખૈબરને રસ્તે લાહોર આવ્યો અને પંજાબના રાજ્યનો બંદોબસ્ત કરીને દિલ્હીને રસ્તે ફતેહપુર સીક્રી આવ્યો. ઈતિહાસકારો લખે છે કે આ વખતે એ ઇન્સાફ કરતો, ઈનામો આપતો, અને લોક હિતના કામની વ્યવસ્થા કરતો. થોડોક વખત ફતેહપુર સીક્રી રહ્યો.
આવતું વરસ આખું એ અહીંયાં રહ્યો એ સ્પષ્ટ છે. બંગાળામાં હજી બળવો ધુંધવાતો હતો. પણ બાદશાહના ત્યાંના પ્રતિનિધિ બહુ સમર્થ અમલદારો હતા. તેઓ વારંવાર બધી હકીકત જાહેર કરતા અને તેટલી જ વાર તે પણ તેમને સૂચનાઓ લખાવી મોકલતો. આ વખતની બેદીલી બહુ ગંભીર ન હતી. પણ એનાથી હેરાનગતી બહુ પહોંચતી અને મહેસુલ ઉઘરાવવામાં બહુ નડતી. સને ૧૫૮૪ ના આરંભમાં અકબર ફતેહપુર સીક્રીમાંજ હતો. આ વર્ષની મુખ્ય બીનાઓ નીચે પ્રમાણે હતી:–બંગાળામાં શાન્તિ થઈ. ગુજરાતમાં એક બળવો આસીરગઢ અને બુહરાનપુરના સુબાનો બળવો–દક્ષિણમાં તોફાન અને અકબરના ભાઈ–તે વખતના કાબુલના સૂબાનું મૃત્યુ. ઉપરના બળવાઓ બધા શાન્ત પાડવામાં આવ્યા અને કાબુલ ઉપર એક નવો સૂબો મોકલ્યો. વર્ષ પૂરૂં થયું ત્યારે રાજ્ય ઉપર આબાદીનો વર્ષાદ વરસતો હતો.
આ બાદશાહનું રક્ષણ સ્વીકારનારા મિત્રોમાં–જયપુરનો રાજા ભગવાનદાસ દૃઢમાં દૃઢ હતો. એણે પંડે અકબરની લશ્કરી નોકરી યશસ્વી રીતે બજાવી હતી એટલું જ નહિ, પણ તેનો ભાઈ માનસીંગ અકબરના લશ્કરમાં મોટી સરદારીમાં હતો. આ સમયે આ રાજપુત્ર પંજાબનો સૂબો હતા. આના કુટુંબમાંથી અકબરે પોતાના શાહજાદો સલીમ જે પછીથી જહાંગીર બાદશાહ થયો તેને માટે બેગમ પસંદ કરી અને લગ્નની ધામધુમ ફતેહપુર સીક્રીમાં કરવામાં આવી અને બહુ આનંદ વર્તાયો. આ બાદશાહના વખત સુધી તો રજપૂત રાજાઓ મુસલમાન બાદશાહ સાથે વિવાહ સંબંધની નાજ પાડતા હતા. પણ અકબરની એવી ઈચ્છા હતી કે બધું ભેળી દેવું. અને ધર્મ અને જાતમાં ફેર હોય તેણે કાંઈ માણસમાં ફેર નથી પડતો એ જે એનો મુખ્ય મુદ્દો તેનો અમલ કરવાની પણ ઈચ્છા હતી. પણ એને ઘણા વ્હેમોનો પરાભવ કરવાનો હતો અને છેક છેવટ સુધી પણ મેવાડના રાણાનો હઠીલો ટકાવ તે જીતી શક્યો નહિ.
બીજા બધા રજપૂતો વધારે અનુકૂળ હતા. અકબરને તેમણે હિંદુસ્તાનમાં પૂર્વે કોઈ દિવસ નહિ સાંભળેલા એવાં ધોરણોનો સ્થાપનાર ગણ્યો. એની દૃષ્ટિમાં, હિંદુ રાજામાં કે ઉઝબેક મુસલમાનમાં, ગમે તેમાં દેખાઈ આવે, પણ ગુણ તો ગુણજ હતો. પરાક્રમી માણસની જાત અથવા તેનો ધર્મ ઊંચા હોદાઓ ઉપર નીમાવવામાં અથવા મોટું માન મેળવવામાં આડે આવતાં નહિ. તેથીજ ભગવાનદાસ, માનસીંગ, ટોડરમલ અને એવા બીજા માણસોને મુસલમાન શહેનશાહની છાયા નીચે, પોતપોતાના વંશપરંપરાગત રાજ્યના સ્વતંત્ર રાજ્યકર્તા તરીકે જે માન એમને મળે તેના કરતાં અતિ ઘણું માન મળ્યું. તેઓ બાદશાહી પ્રાંત ઉપર રાજ્ય કરતા અને બાદશાહી લશ્કર ઉપર સરદારી કરતા. એઓને બાદશાહના ગુહ્ય મંત્રમાં સામેલ રાખવામાં આવતા કેમકે તેનો મુખ્ય હેતુ–પૂર્વની બધી તકરારો અને એક બીજા ઉપરના વહેમો તોડી નાંખી પોતાના તંત્રમાં દાખલ થાય તેવા સ્થાનિક રાજાઓની ખરી સત્તા જરા પણ ઓછી કર્યા વિના, જે પ્રાંતો આજ સુધી એક બીજાથી જૂદા અને શત્રુતાના સંબંધમાં હતા તેમને એકઠા કરવાનો અને કોઈને પણ માન મરતબામાં નુકશાન ન થાય એવી રીતે એક સર્વોપરિ માલીક નીચે સંયુક્ત કરવાનો હતો.
આ હેતુ પાર પાડવામાં એક ઉપાય અકબરે કામે લગાડયો તે એ હતો કે પોતાની સાથે તેમજ પોતાના કુટુંબમાં દેશી રાજાઓની કન્યાઓનો વિવાહ સંબંધ કર્યો. તે જાણતો હતો કે લગ્ન જેવું બીજું કોઈ સમીકરણનું સાધન નથી. રજપૂત બાદશાહોને એટલું લાગ્યા વિના રહેલુંજ નહિ કે ગાદીના વારસ સાથે અને કેટલીકવાર ગાદીની સાથે પોતાનો સંબંધ થાય તેથી તેમની પોતાની સ્થિતિ પણ નિર્ભય બને છે.અકબરના રાજ્ય પહેલાંની હિંદની સ્થિતિ ઉપર જ્યારે તેઓ વિચાર કરે અને જુએ કે પૂર્વના પાંચ સૈકાના મુસલમાન વિજયથી હિંદમાં કજીઓ અને કંઈ પણ ગ્રંથિને અભાવે ગેરબંદોબસ્ત દાખલ થયો હતો; અને આ મનુષ્ય–તેમની સાથે એક અનુભવ વિનાનો અને રાજ્ય કરવાની કળામાં અણકસાયેલ કુમાર તરીકે આવ્યા છતાં પણ જ્યાં જ્યાં પોતાનો જય થયો ત્યાં ત્યાં બંદોબસ્ત સદ્વ્યવસ્થા સમાનભાવ અને ન્યાય દાખલ કરતો ગયો; વળી એના વિજયો પણ એટલા માટેજ થતો કે આવાં ધોરણો દાખલ કરાય; અને જાતિભેદ અથવા ધર્મમાં મતભેદને લીધે એ કાંઈ પણ તફાવત ગણે નહિ એ જ્યારે તેઓ વિચાર કરે–ત્યારે ઈશ્વરના અવતારને માનવાવાળા તેઓ–અકબરની રીતભાતમાં સામાન્ય મનુષ્ય કરતાં વિશેષ કંઇક ઈશ્વરી સર્વજનહિતકારિતા દેખેજ એ સ્વાભાવિક છે.
એનો સમાનભાવે એટલો નીખાલસ હતો, એના વિશ્વાસ એકવાર મૂક્યા પછી એટલો તો સંપૂર્ણ હતો એનાં નીતિતત્વો એટલાં તો મોટાં અને ઉદાર હતાં કે જન્મધર્મના ભેદ એના આસપાસના પ્રસંગોની વિષમતાઓ છતાં અને આટલા બધા દુરાગ્રહોની વચ્ચે રજપૂતરાજાઓ એના માહનમંત્રને વશ થયા. અને જ્યારે અકબરે બદલામાં હિંદુ વિનાના બધા અશુદ્ધ અને અસ્પર્શ્ય છે, એ સિદ્ધાન્તને ઊંચે મૂકવાનું તેમને કહ્યું ત્યારે નવા તંત્રના પાયારૂપ મનાતા અભેદ ધર્મના મોટા ધોરણની વિરુદ્ધ આવતા એ દુરાગ્રહને એક વિના બધાએ મૂકી દીધો. આ ધોરણની હદ માત્ર એટલીજ રહી કે અનુદાર મતના બીજી જાતના લોકો જોડે લગ્નસંબંધ ન કરવો. આટલું કરવાથી પોતાના દેશને શાન્તિ અને આબાદી આપનાર તથા એમને પોતાને માન અને અભિમાન આપનાર રાજ્યતંત્ર મજબૂત થશેજ એ એમને ગળે ઉતર્યું.
અકબરના રાજ્યના એકત્રીસમા વર્ષની શરૂઆતમાં કાબુલમાં પોતાના ભાઈ મરી ગયાના, બદક્ષાનની સરહદ ઉપર આવેલા પ્રાંત ઉપર ઉઝબેક લોકોની ચઢાઈ થઈ આવ્યાના તથા કાબુલ ઉપર પણ ચઢી આવવાનો તેઓ ઈરાદો રાખતા હતા, એ સમાચાર એને મળ્યા. આ પ્રસંગ ગંભીર હતો અને અકબરના ધારવા પ્રમાણે પોતાની હાજરીની જરૂર પડે એવો હતો. એટલે નવેમ્બરના મધ્ય ભાગમાં તે એક લશ્કર સાથે પંજાબ તરફ ઉપડ્યો, અને બીજા મહિનાના અંતમાં સતલજ પહોંચ્યો, અને ત્યાંથી સીધા રાવળપિંડી તરફ ચાલ્યો. ત્યાં કાબુલનો મામલો એના હિતને અનુકૂળ થવાનો સંભવ છે. એવા સમાચાર મળવાથી તે અટકના નવા કિલ્લા તરફ ગયા અને ત્યાંથી ભગવાનદાસની સાથે એક લશ્કર કાશ્મીરની જીત મેળવવા, બીજજું બલૂચી લોકોને દંડ દેવા, અને ત્રીજું સ્વાત લોકોની સામે હીલચાલ કરવા માટે મોકલ્યું. આ ત્રણ સવારીમાંની છેલ્લી સવારી દુર્ભાગ્ય નીવડી. યુસુફસાઈ લોકોએ મુગલનો પ્રથમનો હુમલો પાછો વાળ્યો, એટલું જ નહિ, પણ જ્યારે અકબરે પોતાના ખાસ સોબતી બીરબલની સાથે એક મોટું મદદગાર સૈન્ય મોકલ્યું, અને તે હુમલો કરનાર સૈન્યને ભેટ્યું, ત્યારે તેને પણ પાછું હઠાવ્યું. આ ભેટામાં આઠ હજાર માણસો મરાયા. અને બીરબલ પંડે પણ મરાયો. આ હાર મુગલ લોકોની સખતમાં સખત હાર હતી. આનો ખંગ વાળવાને માટે અકબરે પોતાના શ્રેષ્ઠ સેનાપતિ–રાજા ટોડરભૂલને જયપૂરના રાજા માનસિંહની મદદ સાથે મોકલ્યો. આ સરદારોએ બહ સાવચેતીથી યુક્તિયુક્ત પગલાં ભર્યો. જેમ જેમ આગળ વધતા ગયા તેમ તેમ કીલ્લાઓ સર કરતા ગયા અને આખરે ખૈબર પાસમાં એ લોકોને પૂરા હરાવ્યા.
દરમિયાન કાશ્મીર સામે મોકલેલી ચઢાઈ આના કરતાં અંશ માત્રમાં વધારે ફતેહમદ નીવડી. આના સેનાપતિયો શુલીયસની નેળ આગળ પહોંચ્યા. પણ તે દેશના મુસલમાન રાજાએ એનું દ્વાર બંધ કર્યું.
જોઈતો સરસામાન આવી પહોંચશે એમ સમજી થોડાક દિવસ તેમણે વાટ જોઈ પણ વરસાદ અને બરફ પડવા માંડ્યો અને આગળ પગલું માંડવા શક્તિમાન થાય ત્યાર પહેલાં તો યુઝુફઝઈ લોકોએ ખવરાવેલી હારના સમાચાર પહોંચ્યા. આથી એમનામાં જે કાંઈ ઉત્સાહનો શેષ ભાગ હતો તે પણ ચાલ્યો ગયો અને કાશ્મીરના બાદશાહ સાથે એ નામનો ખંડીયો રાજા થાય એવી સરતે સલાહ કરવાની ઉતાવળ કરી. પછી તેઓ અકબર પાસે આવ્યા. એમની સાહસ શક્તિની ખામી અકબર સમજી ગયો અને તેની નીશાનીમાં તેમને નામનોજ આવકાર આપ્યો. સલામ બંધ કરી, પણ અકબરના મનમાં રીસ ઝાઝો વખત રહેતી જ નહિ. તેણે તેમને તરતજ માફી આપી.
ત્રણ સવારીઓમાં બલુચીઓના સામેની સવારીજ ખરી રીતે ફતેહમંદ નીવડી. આ કટ્ટા લડવૈયાઓ કાંઈ પણ અટકાવ કર્યા વિના અકબરને આધીન થયા. ટોડરમલ અને માનસિંહના પરાક્રમે ખૈબર ઉઘડ્યો કે તરતજ જયપુરના રાજાના ભત્રિજા અને વારસ માનસિંહને કાબુલનો સૂબો નીમ્યો અને જોઇતા લશ્કરની સાથે તેને ત્યાં મોકલ્યો. બીજા લશ્કરને યુઝફઝાઈના મુલકમાં મોકલ્યું અને પેશાવરમાં જબરૂ સૈન રાખ્યું. અકબર પંડે લાહોર આવ્યો. ત્યાંથી તેણે કાશ્મીર ઉપર એક બીજી સવારી મોકલી. આ સૈન્ય પર્વતમાર્ગોમાં પહોંચ્યાં તે વખત એટલે સન ૧૫૮૭ના ઉનાળામાં શ્રીનગરના વાસ્તવિક રાજા સામે એક બળવો થયો હતો. આથી આ દેશમાં દાખલ થવામાં કે ત્યાં જય મેળવવામાં બાદશાહી લશ્કરને કાંઇ મુશ્કેલી ન અનુભવવી પડી. એટલે એ હવે મુગલ રાજ્યમાં ભળી ગયું અને અકબરના ઉત્તરાધિકારીના રાજ્યમાં મુગલ બાદશાહોને માટે એ ગ્રીષ્મનિવાસનું સ્થળ થયું. અહીંયા આગળ આટલું કહી લઈએ કે ખૈબરપાસના મુખ આગળ આવેલા જમરૂદ આગળ પહોંચતાં માનસિંહને ત્યાંના પહાડી લોકોની જોડે એક લડાઈ લડીને જય મેળવવો પડ્યો હતો. આખરે એ કાબુલ પહોંચ્યો અને ત્યાં દૃઢ વ્યવસ્થા કરી. પણ કાબુલીઓ અને બીજા પહાડી જાતિના મુખીઓએ અકબરને ફરિયાદ કરી કે રજપૂત રાજાનું રાજ્ય અમને ગમતું નથી તેથી અકબરે એને એજ હોદ્દા ઉપર બંગાળામાં મોકલ્યો; અને ત્યાં આ વખતે એક કડક માણસની બહુ જરૂર હતીઃ અને કાબુલમાં એક મુસલમાન મોકલ્યો. એજ વખતે પોતાના એ મુલકની મુલાકાત લેવાનો પોતાનો ઇરાદો અકબરે જાહેર કર્યો.
પહેલો એણે સિંધનો કબજો સિદ્ધ કર્યો. (૧૫૮૮) પછી વળતા વરસના વસંતમાં એ કાશ્મીર જવા સારૂ ઉપડ્યો. ભીંમ્બર આગળ પહોંચતાં તેણે શાહજાદા મુરાદની સાથે જનાનો રાખ્યો અને પોતે લાગલગો શ્રીનગર તરફ ઉપડ્યો. આસપાસના પ્રદેશોની મુલાકાત લેતો તે ત્યાં આગળ ચોમાસું બેઠું ત્યાં સુધી રહ્યો. પોતાનું જનાનખાનુ રોતસ મોકલ્યું. અને પંડે પછી કાબુલના રસ્તામાં અટક આગળ તેમને એકઠો થયો. તે રાજધાની આગળ જવાના તમામ પર્વતમાંના રસ્તાઓ ખુલ્લા હતા કેમકે પહાડી લોકોનો વિરોધ શાન્ત પડ્યો હતો. તેથી અકબરે અટક આગળ સિન્ધુ નદી ઓળંગી અને ત્યાંથી સહેલ મારતો મારતો કાબુલ પહોંચ્યો. ત્યાં બાગબગીચાઓ તથા બીજી જોવા લાયક જગાઓ જોતો તે બે મહિના રહ્યો. ‘બધી પ્રજાને, સામાન્ય લોકો તેમજ અમીર ઉમરાવોને તેની હાજરીથી લાભ થયો.’ તા. ૧૦ મી નવેમ્બર સને ૧૫૮૯ ને દિવસે જ્યારે રાજા ટોડરમલના મરણના સમાચાર એને મળ્યા ત્યારે તે કાબુલમાંજ હતો. તેજ દિવસે એક બીજો વિશ્વાસુ હિંદુ મિત્ર જયપુરવાળો રાજા ભગવાનદાસ પણ મરણ પામ્યો. પછી કાબુલ, ગુજરાત અને જૌનપુરના બંદોબસ્ત માટે અકબરે નવી ગોઠવણો કરી અને પછી હિંદુસ્તાન પાછો આવ્યો.
બંગાળાના રાજ્ય માટે એણે ઘણો વખત થયાં ગોઠવણ કર્યાનું ઉપર લખાઈ ગયું છે. રાજધાની તરફ જતાં ૧૫૯૦ ના આરંભમાં તે લાહોર પહોંચ્યો. ત્યાં હતો એટલામાંજ એને એવા સમાચાર મળ્યા કે ગુજરાતના નવા સૂબા–એની માનિતી ધાત્રીના એક પુત્રે કાઠીઆવાડ અને કચ્છ જોડે શત્રુતા બાંધી છે. આના પરિણામમાં આ બે પ્રાન્તો મુગલ રાજ્યમાં જોડાયા અને અફઘાન વંશનો શાહજાદો જેણે પશ્ચિમ હિંદમાં આ બધું તોફાન જગાવ્યું હતું તેણે આપઘાત કર્યો. લાહોર રહ્યાનો એક બીજો લાભ બાદશાહે એ લીધો કે સિંધમાં રાજ્ય મામલો જરા ગેરલાભમાં ફરી જવાથી ત્યાં આગળ પૂર્ણ શાન્તિ પસારવાની આજ્ઞા કરી. આ પ્રાન્તની પૂર્ણ જીત પ્રથમથી ધાર્યા કરતાં વધારે મુશ્કીલ નીવડી. ઘણું સૈન્ય પાછળથી મદદે મોકલવું પડ્યું અને ધારેલું પરિણામ લાવવાને દૃઢતા અને સાવચેતી બન્નેનો સાથે ઉપયોગ કરવાની જરૂર પડી. આ સવારીને બે વરસ લાગ્યાં. અને તે દરમિયાન કાશ્મીર સામું થયું હતું.
આ વર્ષોમાં બાદશાહે સદર મુકામ લાહોરમાં નાંખ્યો હતો. સિંધમાં પૂર્ણ વિજય થશેજ એમ ધારી એણે પોતાનું ઝાઝું લશ્કર ભીમ્બર તરફ મોકલી પોતે ચીનાબના તટ ઉપર શીકાર કરતો પડ્યો હતો. પણ આ સમાચાર સાંભળીને તરતજ પોતાના લશ્કરને મળવા માટે ઉપડ્યો. રસ્તામાં એણે સાંળળ્યું કે એના લશ્કરના અગરક્ષકો સામે ઉગ્ર વિરોધ છતાં પણ સરજોરીથી એક સાંકડા માર્ગમાં દાખલ થયા હતા. આ બનાવથી લડાઇનું પરિણામ નક્કી થઈ ગયું. કારણકે દ્રોહી રાજાના સીપાહીઓએ આથી પોતાના રાજા ઉપર ક્રોધ લાવી રાત્રે તેના ઉપર તૂટી પડ્યા. તેનું માથું કાપી નાંખ્યું અને અકબર સમક્ષ મોકલ્યું. આ માણસના મૃત્યુની સાથે જ બધો વિરોધ બંધ પડ્યો અને અકબર શ્રીનગર તરફ ઘોડા ઉપર જઈ ત્યાં આઠ દિવસ થોભ્યો. રાજ્યવ્યવસ્થાનો બંદોબસ્ત કર્યો અને પછી બરમુલના દૂર્ગ માર્ગને રસ્તે રોતસ અને રોતસથી લાહોર આવ્યો. ત્યાં તેને સમાચાર મળ્યા કે બંગાળાના એના પ્રતિનિધિ, રાજા માનસિંગે, ઓરીસાનો પ્રાંત બાદશાહી રાજ્યમાં અચૂક જોડી દીધો છે. તે પ્રાન્તમાંથી કેદ કરેલા એકસોને વીસ હાથીઓ એણે બાદશાહને નજરાણા તરીકે લાહોર મોકલાવી દીધા હતા.
શહેનશાહતના તંત્રમાં વિંધ્યાચળની દક્ષિણના મુલકને લાવવાનો પ્રયત્ન વળતા વરસથી શરૂ થયો તે આઠ વરસ લગી ચાલ્યો. બધું જોતાં એ પ્રયત્ન સફળ થયો. દૌલતાબાદ, ખેરવા, નાસીક, અસીરગઢ અને અહમદનગરનાં મજબૂત શહેરોએ બાદશાહી લશ્કર સારૂ લાંબા ઘેરા પછી દ્વાર ઉઘાડ્યાં. અને જો કે અહમદનગરના તાબાના પ્રાન્તો સને ૧૮૩૭ સુધી છેક વશ થયા નહોતા તોપણ અકબરે મેળવેલી આ સ્થિતિનું મહત્ત્વ મુગલને મળ્યું જે એક સૈકા સુધી મુગલના હાથમાં રહ્યું.
દક્ષિણ હિંદુસ્તાનની સવારી ત્રણ બાબતો માટે પ્રખ્યાત થયેલી છે. (૧) હિંદના જુદા જુદા ભાગોમાંથી મોકલેલા સ્વતંત્ર રીતે આ સવારીમાં સામેલ થવા સારૂ એકઠા થયેલા સરદારોમાં તકરાર ઉઠી જેથી બાદશાહને આગ્રેથી પોતાના વિશ્વાસુ પ્રધાન અબુલફઝલને મોકલવાની જરૂર પડી અને પછીથી પોતાને પણ જવું પડ્યું. (૨) શાહજાદો મુરાદ જાલના આગળ બેહદ દારૂ પીવાથી મરણ પામ્યો. (૩) આગ્રે પાછા ફરતાં, અકબરના જીવતા પુત્રમાં જ્યેષ્ઠ અને યુવરાજ શાહજાદા સલીમની ઉશ્કેરણીથી અબુલફઝલનું ખૂન થયું.
અકબર છેલ્લાં ચૌદ વર્ષ થયા પોતાનો દરબાર લાહોરમાં ભરતો હતો પણ સને ૧૫૮૮માં દક્ષિણના અગત્ય મામલાએ એને ત્યાં જવાની ફરજ પાડી. અહમદનગર અને આસીરગઢને શરણ થવાની એણે ફરજ પાડી અને શાહજાદા દાનીઆલને ખાનદેશ અને વરાડની સૂબાગીરી ઉપર નીમીને અને અબુલફઝલને અહમદનગરના તાબાના મુલકો સર કરવાનું કામ પૂરૂં કરવાનો હુકમ આપીને ૧૬૦૧ના વસંતમાં તે આગ્રે આવવા નીકળ્યો.
જે સંજોગોએ અકબરને આગ્રે આવવાની જરૂર પાડી તે બહુ દુઃખદાયક હતા. શાહજાદો સલીમ છેક નાનપણમાંથી અકબરને અત્યંત ચિંતા કરાવતો આવ્યો હતો. આ ચિંતા તે ઉમર લાયક થવા આવ્યો ત્યારે પણ દૂર થઈ નહિ. સલીમ જેને પછીનો જમાનો જહાંગીર બાદશાહ તરીકે વધારે ઓળખે છે, તે સ્વભાવથીજ ક્રૂર હતો અને પોતાના રાગદ્વેષ ઉપર કાંઈ પણ અંકુશ રાખવાને અસમર્થ હતો. એને અબુલલફઝલ ઉપર દ્વેષ હતો. એનું ખરૂં કારણ તો એજ કે પોતાના પિતાની સાથે અબુલફઝલની લાગવગની તેને ઈર્ષ્યા થઈ હતી. કહેવામાં એ હતું કે પોતાના પિતા અકબરને મતાંધ મુસલમાનોના આગ્રહી ધર્મથી ખસેડનારમાં એજ મુખ્ય પુરૂષ હતો. એક ક્ષણભર અકબરને એમ આશા રહી કે અબુલફઝલને દક્ષિણમાં મોકલવાથી સલીમનો દ્વેષ કાંઈક ઓછો થશે. અને જ્યારે પોતે પણ અબુલફઝલની પાછળ જવાનો નિશ્ચય કર્યો ત્યારે અકબરે સલીમને પોતાના ઉત્તરાધિકારી તરીકે જાહેર કર્યો અને ‘અજમેરનો રાજપ્રતિનિધિ’ એ ઈલ્કાબ સાથે મેવાડના રાણા સાથે તાજી થયેલી લડાઈ પૂરી કરવાનું કામ પણ તેને જ સોંપ્યું. વળી અકબર સલીમના પક્ષપાત સારી પેઠે જાણતો. અને તેથી જ લગ્નને લીધે એના સંબંધી થયેલા માનસિંહને એની સાથે મદદ કરવા સારૂ મોકલ્યો.
આ બે શાહજાદાઓ મેવાડ તરફ ઉપડી ગયા ત્યારે તેમને ખબર મળી કે બંગાળામાં જ્યાં માનસિંહ સુબો હતો ત્યાં બળવો થયેલ છે. આ બળવાને દાબી દેવા માટે માનસિંહને તરતજ તે તરફ કુચ કરવાની જરૂર પડી. સલીમ હવે સલાહકાર વિનાનો રહ્યો. અને આ વખતે એના હાથમાં પુષ્કળ ફોજ હતી. તેથી પોતાના પિતાની દક્ષિણ તરફની ગેરહાજરીનો લાભ લઈ ગાદીને માટે હિમ્મતથી ઘા કરવાનો તેણે ઠરાવ કર્યો. એટલે મેવાડ ઉપરની સવારીનો વિચાર માંડી વાળીને તે પોતાના લશ્કરની સાથે આગ્રે દોડ્યો અને જ્યારે બાદશાહી કિલ્લાના સુબેદારે પોતાના માલીક તરફ પૂર્ણ વફાદારી બતાવી શહેરના દરવાજા સલીમ સામે બંધ કર્યા, ત્યારે તે અલાહાબાદ તરફ ઉતાવળે ચાલ્યો, તે કીલ્લાનો કબજો કર્યો, અયોધ્યા અને બીહારના પ્રાન્તો ઝડપી લીધા અને ‘રાજા’ નો ઈલ્કાબ ધારણ કર્યો.
આ બનાવોના સમાચારે અકબરને દક્ષિણમાંથી પાછો બોલાવી લીધો. સલીમનું આ કૃત્ય દાબને ન સહન કરી શકે એવા ઉગ્ર સ્વભાવને લીધે જ થયું છે એમ સમજીને ફરજ પાડવાને બદલે એને સમજાવી ઠેકાણે લાવવાનો અકબરે ઠરાવ કર્યો. તદનુસાર તેણે તેને એક પત્ર લખ્યો. જેમાં જો એ એને શરણે આવે તો તેના ઉપર અવિરત પ્રેમ રાખવાની ખાત્રી કરતાં એમને એમ વિરૂદ્ધાચરણ ચાલુ રાખે તો તેથી થવાનાં પરિણામની ચેતવણી આપી. આ કાગળ સલીમને મળ્યો ત્યારે અકબર થોડા પણ રાજ્યના ચુનંદા લડવૈયાના લશ્કર સાથે આગ્રાની લગભગ હતો તેથી સલીમે પોતાની સ્થિતિ કેવળ અરક્ષણીય છે અને જો આમાં આગ્રહ કર્યો તે વખતે ઉત્તરાધિકાર પણ ખોવો પડે એમ સમજીને આનો જવાબ અત્યંત નમ્ર શબ્દોમાં આપ્યો. પણ એની વર્તણુંક તદનુસાર ન રહી. થોડીક વાર પછી ઝાઝું સૈન્ય હજી દક્ષિણમાંજ છે એવા સમાચાર મળ્યા એટલે પોતે ઈટાવા તરફ ચાલ્યો અને પોતાના પિતાને એક ભવ્ય લશ્કરના સરદાર થઈ મળવું એવો ઈરાદે રસ્તામાં લશ્કર એકઠું કરતો ગયો. પણ અકબર છેતરાયો નહિ. એણે એના શાહજાદાને બેમાંથી એક ક્રમ લેવાને આજ્ઞા કરી. કાંતો થોડાકજ અનુચરો સાથે આગ્રે આવવું કે અલાહાબાદ પાછા જવું.
શાહજાદા સલીમે પાછલો ક્રમ પસંદ કર્યો. અને એવું મનાય છે કે બંગાળા અને ઓરીસા પ્રાંતો બક્ષીસમાં આપવાનું વચન મળતાં એણે એમ કર્યું. ગમે તેમ પણ સલીમને આ બે પ્રાંતો ઈનામમાં મળ્યા. પોતાનો માર્ગ પસંદ કરવામાં અકબરનું પોતાની સાધારણ સ્થિતિને મુકાબલે આ વખતની સ્થિતિની નબળાઈનું જ્ઞાન; અથવા પોતાના પુત્ર સાથે યુદ્ધમાં ઉરવાની વૃત્તિનો અભાવ; અથવા પોતાની પુત્ર પ્રત્યેની પ્રીતિ: આમાંનું શું અને કેટલું કારણભૂત હશે એ કહી શકાતું નથી. વખતે આ ત્રણે ભાવો એકઠા થઇને એને આ નબળાઈના અંશવાળો રસ્તો સુઝાડ્યો હોય. ગમે તેમ પણ એની રહેમીયતની સારી અસર પોતાના દ્રોહી પુત્ર ઉપર ન થઈ એમ માનવાને એને કારણ મળ્યું. કેમકે ઉત્તમ સ્મરણશક્તિ અને અતિશય દ્વેષવાળા સલીમે દક્ષિણમાંથી અબુલફઝલ થોડાક જ અનુચરોની સાથે પાછા ફરતો હતો એ પ્રસંગનો લાભ લઈ એને આંતરીને મારી નાંખવાને ઓરછાના રાજાને ઉશ્કેર્યો.
પોતાના મિત્રનું ખૂન અકબરને ભારે ઘા જેવું લાગ્યું. સદ્ભાગ્યે આ કૂર કર્મમાં પોતાના શાહજાદાનો હાથ છે એવું એણે કદી પણ જાણ્યું નહિ. ઓરછાનો રાજાજ માત્ર ગુન્હેગાર છે એમ માની તેણે તેની સામે એક સૈન્ય મોકલ્યું. ગુન્હેગાર રાજા જંગલમાં નાશી ગયો અને અકબરના મરણથી પોતાને સંતાવાના પ્રયત્ન કરવાની જરૂર ન રહી ત્યાં સુધી પડકાયો નહિ. સલીમની સાથે પછી અકબરને સલાહ થઈ અને ફરીથી વળી બાદશાહે એને મેવાડની ગરબડ શાન્ત પાડવા સારૂ મોકલ્યો. આ ગરબડ મેવાડના રાણા પ્રતાપસિંહે મુગલને વશ થવાની ના પાડ્યાથી ઊભી થયેલી હતી. સને ૧૫૭૬ માં હલદીઘાટ આગળ તે હાર્યો હતો. ત્યાર બાદ એ જંગલમાં નાશી ગયો હતો. બાદશાહી લશ્કર તેની પાછળ લગોલગ પડ્યું હતું. નશીબ એને એટલું બધું પ્રતિકૂલ રહ્યે ગયું કે એક પણ વિજય વિના અસંખ્ય પરાભવો પામ્યા પછી પોતાના કુટુંબ અને વિશ્વાસ રાખતા મિત્રોની સાથે મેવાડ છોડી સિંધુ નદી ઉપર એક બીજું રાજ્ય સ્થાપન કરવાનો નિશ્ચય કરવાની તેને જરૂર પડી. એ તો રસ્તે પણ પડી ગયો હતો એટલામાં એના પ્રધાનની બેનમૂન સ્વામિભક્તિએ લડાઈ ચાલુ રાખવાનાં સાધનો એના હાથમાં મૂક્યાં અને એક વધારે ચઢાઈ અજમાવી જોવાનો તેણે નિશ્ચય કર્યો. એક પછી એક થયેલા વિજયે નિશ્ચિંત થયેલા શત્રુઓ ઉપર ફરી વળીને તેમને પાછળથી ખૂબ માર માર્યો અને ૧૫૮૬ માં ચિતોડ અને માંડલગઢ સિવાયનો બધો મેવાડ એણે પાછો મેળવ્યો. ચીતોડની સાથે સંબંધ તૂટ્યાથી પોતે ઉદેપુરમાં રાજધાની સ્થાપી. (જે શહેર ઉપરથી પાછળથી એના રાજ્યનું નામ પડ્યું) સને ૧૫૯૭માં જ્યારે તે મરણ પામ્યો ત્યારે તે પોતાનું રાજ્ય સાચવી રહ્યો હતો. એના પછી એનો પુત્ર અમર રાણો ગાદીએ બેઠો જે આ વખતે (૧૬૦૨માં) બાદશાહી લશ્કરના પ્રયાસ માત્રની અવગણના કરતો હતો.
સલીમ શાહજાદાને આ વખતે ખરો લાગ મળ્યો. એને સોંપેલું લશ્કર જો ઉત્સાહથી કામ લેવાય તો મેવાડનો પૂર્ણ પરાભવ કરવાને પૂરતું હતું. પણ અકબરે સોંપેલા કામમાં સલીમે એટલી તો નીરસતા બતાવી કે અકબરે એને બોલાવી લીધો અને અલ્લાહાબાદના અર્દ્ધ્ સ્વતંત્ર રાજ્ય ઉપર એને મોકલ્યો. અહીંયા તે પોતાને અનુકૂળ વિષયલપંટતામાં કાળ ગાળતો. કર્તવ્ય અને માનની તેમજ પોતાના અત્યંત ભક્તિવાળા અનુચરોના જીવને માટેની પણ એની બેદરકારી આખરે એટલી બધી વ્યક્ત થઈ કે હું પાસે હોઈશ તો કઈક અસર થશે એવી આશાએ અલ્લાહબાદ જવા સારૂ અકબર પંડે ઉપડ્યો. માત્ર બેજ મજલો એ ચાલ્યો એવામાં પોતાની ખુદ જનનીના ભયંકર મંદવાડના સમાચાર મળવાથી એને પાછા ફરવું પડ્યું. પણ અકબરે આવા હેતુથી આગ્રા છોડ્યું છે એ વાત સાંળળતાં જ શાહજાદા સલીમના આચાર વિચારમાં ફેર પડ્યો. એનો પિતા એની પાસે ન આવી શક્યો તેથી તેણે પોતેજ થોડાજ અનુચરો સાથે પોતાના પિતાના દરબારમાં જવાનો નિશ્ચય કર્યો. ત્યાં તે તેને પગે પડ્યો. પણ પોતાની રીતભાત સુધારી નહીં; અને તેના પુત્ર શાહજાદા ખુશરૂ સાથેના એના કજીયા અકબરના દરબારમાં નિંદાપાત્ર થઈ પડ્યા.
ખરેખર બાદશાહને સંતાનનું સુખ ન આવ્યું. એના બે જીંડવાં પુત્રો નહાનપણમાં મરી ગયા હતા. ત્રીજો, ભૂલમાં પહેલો કહેવાયો તો આ શાહજાદો સલીમ હતો. ચોથા પુત્ર શાહજાદા મુરાદનું ભવિષ્ય આપણે ઉપર કહી ગયા. પાંચમો દાનીયાલ ઉંચો સારા બાંધાનો અને દેખાવડો હતો; ઘોડા અને હાથીનો શોખીન હતો. હિંદુસ્તાની કવિતા બનાવવામાં હુંશીયાર હતો. પણ તે તેના ભાઈ મુરાદવાળા વ્યસનને વશ હતો અને એ જ કારણથી આ વખતે મરણ પામ્યો હતો. અકબરે એને વ્યસનમાંથી મુક્ત કરવા પોતાથી બન્યું એટલું કર્યું અને હવે હું છોડી દઈશ એવું વચન પણ એના તરફથી મેળવ્યું હતું. અકબરને આના મૃત્યુરૂપી મોટો ઘા વાગ્યો. બાદશાહના પૌત્રો દરબારમાં ઘણા હતા. આમાં સર્વથી વધારે પ્રિય શાહજાદો ખુશરૂ હતો, જે પાછળથી શાહજહાનના ઈલ્કાબે સલીમની ગાદીએ બેઠો.
શાહજાદા દાનીયાલના મરણના અને તે મરણના કારણના સમાચારે બાદશાહને બહુ અસર કરી હોય એમ જણાય છે. તે વખતે તે માંદો હતો અને ત્યારબાદ થોડે વખતે એમ જણાયું કે એના મંદવાડનો ફક્ત એકજ અંત આવશે. એના હજુરી સેવકો વગેરેનાં મન ઉત્તરાધિકારનો વિચાર કરવામાં તરતજ રોકાયાં. એના શાહજાદાઓમાં માત્ર સલીમજ જીવતો હતો પણ અલાહાબાદ આગ્રા અને બીજા ઠેકાણાંની એની વર્તણુકથી અમીર ઉમરાવોના મન એની સાથે ઊંચા થયાં હતાં અને એને પુત્ર શાહજાદો ખુશરૂ અમીરાને મન અકલંકિત કીર્તિવાળો લેખાયેલો હતો. જોધપુરવાળાંના પુત્ર તરીકે શાહજાદો ખુશરૂ રાજા માનસિંહનો અડીને સગો હતો. અને રાજા માનસિંહ રાજ્યનું એક મોટું અંગ હતું. વળી લશ્કરમાં એક અધિકાર ભોગવતા એક મુસલમાન ઉમરાવની શાહજાદી સાથે એની શાદી થઈ હતી અને તે ઉમરાવ વળી અને અકબરની માનીતી ધાત્રીનો પુત્ર હોવાથી રાજ્યકુટુંબ સાથે સંબંધવાળો હતો. આ બે ઉમરાવોએ શાહજાદા સલીમનો નિષેધ કરી શાહજાદા ખુશરૂને ગાદી આપવાના ઉપચારો કરવા માંડ્યા.
આ હેતુ પાર પાડવા માટે અકબરનો મંદવાદનો ખાટલો જે મહેલમાં હતો તે મહેલ આગ્રામાં હોવાથી આગ્રાના કિલ્લા ઉપર તેમણે પોતાના જ લશ્કરનું રક્ષણ મૂક્યું. જો આ વખતે અકબર મરી ગયો હોત તો માંહોમાંહે એક મહા ક્ષોભ ઊભો થયો હોત કારણકે સલીમ પોતાનો હક છોડી દેત નહીં. પણ શાહજાદાએ પોતાની વિરૂદ્ધ થયેલું તરકટ લક્ષમાં લીધું અને તરતજ પોતાના શરીરની સલામતીના ડરથી આગ્રેથી થોડેક દૂર જઈને રહ્યો. અકબરને સારી પેઠે ખબર હતી કે આ મારો છેલ્લો મંદવાડ છે તેથી આવે પ્રસંગે સલીમની ગેરહાજરીથી ખીજવાઈને સર્વ કરતાં ન્યાય ઉપર વિશેષ પ્રેમવાળા અકબરે પોતાના ઉમરાવોને પોતાની પાસે બોલાવ્યા અને શાહજાદા સલીમને પોતાનો ઉત્તરાધિકારી ઠરાવ્યો: તથા એવી પણ આશા બતાવી કે શાહજાદા ખુશરૂને બંગાળાનું રાજ્ય આપવાની ગોઠવણ થશે.
આ પ્રસંગે અકબરનો અપૂર્વ પ્રતાપ સ્પષ્ટ દેખાયો. પોતાના બેઈમાન અને અભક્ત પુત્રને વારસામાંથી બાતલ કરવાને અકબર તરફથી સૂચનમાત્રની જ જરૂર હતી; પણ સલીમના લાભના ઠરાવથી એના શ્રેષ્ઠસત્તાધીશ ઉમેરાવોને તેની ઇચ્છાનો અમલ કરવાની અને નિરુત્સાહ તથા અદૃઢ મનના ઉમરાવોને તેમના ભેગા ભળવાની મરજી થઈ. આ પ્રતાપનો વિરોધ કરવાની રાજા માનસિંહ સાથે ખુશરૂને મદદ કરવા સારૂ એકત્ર થયેલા લશ્કરમાંના સર્વોત્તમ ઉમરાવ ખુશરૂના સસરાની પણ હિમ્મત ચાલી નહીં. પોતાની મદદની ખાત્રી કરવા સારૂ શાહજાદા સલીમને તેણે ખાનગી કહેણ મોકલ્યું. માનસિંહ, જેનો પ્રતાપ આ અણીને વખતે સર્વથી વધારે હતો તેણે પણ હવે એ પડ્યો એમ સમજી સલીમે કરેલી વિનંતિ સ્વીકારી અને તેને મદદ કરવાનું વચન આપ્યું. ઉત્તરાધિકારનો સવાલ હવે નિઃસંદેહ થયાથી શાહજાદો સલીમ બાદશાહી મહેલમાં આવ્યો. ત્યાં મરણ પથારીએ પડેલા અકબરે તેને પ્રેમપૂર્વક આવકાર આપ્યો. આ મુલાકાતની વિગત શાહજાદાના લેખ ઉપરથી મળી આવે છે.
“એકમેક પ્રેમપૂર્વક મળ્યા પછી અકબરે બધા ઉમરાવોને પોતાની સમક્ષ બોલાવવાની ઈચ્છા બતાવી. કારણકે એનાજ શબ્દોમાં ‘તારા અને મારા દુઃખમાં જેમણે આટલાં બધાં વરસ સૂધી ભાગ લીધો છે અને જે મારી કીર્તિના સાથી થયા છે તેમની વચ્ચે કંઈ પણ ગેરસમજણ રહે એ હું સહન કરી શકતો નથી.’ જ્યારે ઉમરાવો દાખલ થયા અને સહુ સલામો કરી ઊભા રહ્યા ત્યારે અકબરે તેમને થોડાક શબ્દો કહ્યા અને પછી એક પછી એક દરેક સામું જોઇને વિનંતિ કરી કે તમારૂં કોઈનું મેં કાંઇ ખોટું કર્યું હોય તો માફ કરશો. પછી શાહજાદો સલીમ રોતો રોતો તેને પગે પડ્યો. પણ અકબરે પોતાના પુત્રની કેડ ઉપર પોતાની તલવાર બાંધવાની અને તેને બાદશાહી પાઘડી અને પોષાક પહેરાવવાની સંજ્ઞા કરી. પોતાના મહેલના સ્ત્રી વર્ગની સંભાળ રાખવાની સલીમને ભલામણ કરી. અને પોતાના જૂના મિત્રો તથા સાથીઓ તરફ માયાથી અને માનથી વર્તવાનું ભાર મૂકીને કહ્યું; પછી માથું નમાવી પોતે મૃત્યુને શરણ થયો.”
આવી રીતે મુગલ રાજ્યના ખરા સ્થાપનારે શાન્તિમાં દેહત્યાગ કર્યો. પોતાના પિતાથી તેમજ પિતામહથી તે વધારે ભાગ્યશાળી વધારે દીર્ઘદૃષ્ટિવાળો વધારે પ્રતિભાવાન હતો અને (એટલું ઉમેરીએ કે) તેને તેમના કરતાં વધારે અનુકૂળ પ્રસંગો પણ મળ્યા હતા. તેનું આયુષ્ય એટલું લાંબુ નીવડ્યું કે તે પોતાનું વાસ્તવિક સ્વાતંત્ર્ય તેમજ બાપદાદાના ધર્મ અને રીતરીવાજોના ઉપભોગનું અમુલ્ય સુખ નિર્ભયતાથી ભોગવી શકાય એવી સ્થિતિ, એક સર્વોપરિ સત્તાનો અંગીકાર કર્યાથીજ પ્રાપ્ત થશે એવી હિન્દુસ્તાનના લોકોની ખાત્રી કરી શક્યા. અકબરનામાં દુરાગ્રહનો લેશ પણ ન હતો. ઉઝબેક કે અફઘાન, હિંદુ પારસી કે ક્રીશ્ચિયન ગમે તે હો પણ જો તે વફાદાર બુદ્ધિમાન અને પોતાની જાતનેજ નીમકહલાલ નીવડે તો તેને ઊંચો અધિકાર આપતો. જૂદી જુદી બધી જાતોએ આટલું તો સ્વીકાર્યુંજ કે એના ઓગણપચાસ વરસના રાજ્યમાં હિંદુસ્તાન પરદેશી લોકોના હુમલાઓથી મુક્ત રહ્યું; અને એણે અંદરના બધા વિરોધીઓને, કેટલાકને હથીયારના બળે અને કેટલાકને વધારે શાન્તિવાળા ઉપાયોથી મેળવી લીધા અને તેમાં પહેલા ઉપાય કરતાં બીજો તેને વધારે પસંદ હતો. એના મરણ પછી મુહમ્મદ અમીન લખી ગયો છે કે એના સામ્રાજ્યની ચારે દીશાઓમાં બળવાન અને ન્યાયી રાજ્ય ચાલતું. દરેક જાતના અને દરેક વર્ગના લોકો એના દરબારમાં આવતા. તમામ વર્ગોમાં સાર્વત્રિક શાન્તિ સ્થપાયાથી બધા ધર્મના લોકો એના રક્ષણ નીચે નિર્ભયતાથી રહેતા.’ રાજ્યકર્તા અકબર આવો હતો. અકબર માણસ તરીકે કેવો હતો તે વર્ણવવાનો આવતા પ્રકરણમાં પ્રયત્ન થશે.
અકબર ૧૬૦૫ના ઓક્ટોબરની ૧૫મી તારીખે ત્રેંસઠમુ વર્ષ પૂરૂ થયાને બીજેજ દિવસે મરણ પામ્યો.