લખાણ પર જાઓ

અકબર/હુમાયૂંની હિંદુસ્તાન ઉપર સવારી તેનું મૃત્યુ.

વિકિસ્રોતમાંથી
← હમાયૂં–અકબરનું બાલ્ય. અકબર
હુમાયૂંની હિંદુસ્તાન ઉપર સવારી તેનું મૃત્યુ.
ઉત્તમલાલ ત્રિવેદી
પિતાની ગાદી માટે અકબરનો વિગ્રહ. →


પ્રકરણ ૭ મું.


હુમાયૂંની હિંદુસ્તાન ઉપર સવારી તેનું મૃત્યુ.

શેરખાંસુરે હુમાયૂંને સને ૧૫૪૦માં કનોજની લડાઈમાં હરાવ્યો અને પોતાના તે વિજ્યના પરિણામમાં બાબરે મેળવેલા તમામ મુલકનો બાદશાહ થયો. પછી તેણે તેમાં કેટલોક મુલક ઉમેર્યો હતો. તે સમર્થ પુરૂષ હતો. પણ જે બાદશાહને પદભ્રષ્ટ કરીને તે ગાદીએ આવ્યો તેના કરતાં વધારે સ્થૈર્ય સંપાદન કરવાની અથવા એકીકરણ કરવાની બુદ્ધિ તેનામાં નહતી. તેનો રાજ્યતંત્ર પણ છૂટી છવાઈ છાવણીઓ નાંખીને દરેક જીલ્લાની અને દરેક ઈલાકાની જુદી જુદી વ્યવસ્થા રાખવાનો જ હતો. સને ૧૫૪૫માં કલિંંજરના ઘેરામાં તે મજબુત કિલ્લો તેને સ્વાધીન થયો કે તરતજ તે મરણ પામ્યો.

સુલતાન સ્લામના નામથી પણ ઓળખાતો, તેની બીજો દીકરો લીમશાહ સૂર તેના પછી ગાદીએ આવ્યો અને સાત આઠ વરસ રાજ્ય કર્યું. તેના રાજ્યનો ઝાઝો વખત તેના હાથ નીચે જુદા જુદા જીલ્લાઓ ધારણ કરનાર અમીરોનાં કાવતરાંના ઈલાજ લેવામાં ગયો, તેથી એમ ધારી શકાય કે વારસામાં મળેલા રાજ્યતંત્રની દુર્બળતાનું તેને આછુંજ ભાન થયું હશે.[] કુંળી વયના એક નાના બાળકને ઉત્તરાધિકારી તરીકે મૂકીને તે મરણ પામ્યો ત્યારે અમીરોનો હાથ ઉપર આવ્યો. આનું તાત્કાલિક પરિણામ એ થયું કે ત્રણ દિવસના નામના રાજ્ય પછી તે બાળક શાહજાદાનું ખૂન થયું અને તેના મામાએ ગાદી ઝડપી. તેણે હમદશાહ અદેલ એવે ઈલ્કાબે સુલ્તાન તરીકે પોતાના નામનો ઢંઢેરો પીટાવ્યો. તે અજ્ઞાન, કૂર, ધડા વગરનો અને હડહડતો વ્યભિચારી હતો. પણ સારે ભાગ્યે હેમુ નામના એક હિંદુનો પોતાની ગાદી સાથે સંબંધ કરાવ્યો હતો. આ હેમુ મૂળ તે મેવાતમાં આવેલા રેવારી નામના એક શહેરનો દુકાનદાર હતો. પણ એણે એવી ઉત્તમ શક્તિ બતાવી હતી કે આખરે રાજ્યની તમામ સત્તા તેના હાથમાં ઠરવા દેવામાં આવી. તોપણ હેમુની શક્તિ શેરશાહે પોતાના શાહજાદાને વારસામાં આપેલા મુલકના વિભાગ થતા અટકાવી શકી નહિ. બ્રાહીમખાંએ બીયાનામાં બળવો કર્યો. અને આગ્રા તથા દિલ્હીનો કબજે કરીને પોતાને સુલતાન કહેવરાવ્યો. સતલજના વાયવ્ય પ્રદેશના સુબા હમદખાને પંજાબ ઝડપ્યું અને સિકંદરશાહ એવું નામ ધારણ કરી ત્યાંનો રાજા થઈ બેઠો. શુજાખાંને માળવાના રાજ્યનો કબજો કર્યો. બે હરીફ હકદારો પૂર્વ દેશોને માટે લડતાજ હતા. લડાઈ થઈ તેમાં તત્ક્ષણ તો સિકંદરશાહ ફાવ્યો. આગ્રાથી વીસ માઈલ દૂર ફરા અગાડી તેણે બ્રાહીમખાંને હરાવ્યો. અને પછી દિલ્હી ઉપર સવારી કરી તે શહેર લીધું. જુઆનપુર અને બિહાર પાછાં મેળવવાને એક સવારી લઈ જવાની તે તૈયારી કરતો હતો, તેવામાં કાબુલથી આવતા ભયના તેને સમાચાર મળ્યા.

હવે પછીના બનાવો પરિણામ માત્રમાંજ અગત્યના છે. હુમાયૂં કાબુલથી સિંધુ નદી તરફ આવવાને સને ૧૫૫૪ના નવેમ્બરમાં ઉપડ્યો. ઉપડતી વખતે તે એક નાના લશ્કરનો સરદાર હતો. પણ જેમ જેમ તે આગળ વધતો ગયો તેમ તેમ તેનું બળ વધતું ગયું. કબર તેની સાથે હતો. ૧૫૫૫ ના જાન્યુઆરીની બીજી તારીખે સિંધુ નદી ઓળંગીને હુમાયૂંએ રાવળપિંડીનો રસ્તો લીધો. ત્યાંથી પછી રાવીને પેલે કિનારે ક્લોનાર ઉપર ધસ્યો. ત્યાં તેણે પોતાના લશ્કરના વિભાગો કરી નાંખ્યા. પોતાના સર્વોત્તમ સરદાર બેરામખાંને જાલંધરમાં મોકલી પોતે લાહોર તરફ ઉપડ્યો અને ત્યાં પહોંચી પોતાની ખાસ મહેરબાનીના બદુલ માલીને દીપલપુરનો કબજો કરવાને મોકલ્યો. દીપલપુર આ વખતે રાજધાની અને મુલતાન વચ્ચેના તમામ મુલક ઉપર અમલ કરતું એક અગત્યનું મથક હતું.

એક પછી એક બીનાઓનાં પરિણામ જલદીથી આવવા લાગ્યાં. સતલજ ઉપર મચ્છીવાડા આગળ સિકંદરશાહના સરદારોને બેરામખાંએ હરાવ્યા અને પછી સરહિંદ ઉપર ચાલ્યો. સિકંદર, એને ત્યાં આગળ કચરી નાંખવાની આશાએ પુષ્કળ બળની સાથે તે જગ્યા ઉપર ગયો. બેહરામ પોતાની મજબુતી કરીને પડી રહ્યો, અને મદદને માટે હુમાયૂંને લખ્યું. હુમાયૂંએ જુવાન કબરને મોકલી દીધો અને થોડા દિવસ પછી પોતે પણ અનુસર્યો. તેઓ આવી પહોંચે ત્યાર પહેલાં સિકંદર પહોંચ્યો હતો પણ હુમલો કરતાં તે અચકાયો. આમ અચકાયાથી તેને નુકસાન થયું. હુમાયૂં આવ્યો કે તરતજ તેણે એક મોટી લડાઈમાં ઝંપલાવ્યું. તેમાં તેની પાકી ફતેહ થઈ. સિકંદરશાહ સિવાલીકના પર્વતમાં નાઠો અને હુમાયૂં પોતાના વિજયી સૈન્યની સાથે દિલ્હી ઉપર ચઢ્યો. તા. ૨૩ મી જુલાઈને દિવસે તેણે દિલ્હી સર કર્યું અને એક ટુકડીને રોહિલખંડ ઉપર ધાડ પાડવા અને બીજીને આગ્રાનો કબજો કરવાને સારૂ મોકલી. પંજાબ સર કરવાને માટે બુલમાલીને તેણે પ્રથમથી જ મોકલ્યો હતો.

પણ એનાં સંકટો હજી પૂરાં થયાં નહતાં. હમદશાહ અદેલનો સેનાધિપતિ અને મુખ્ય પ્રધાન હેમુ વાયવ્ય પ્રાંત ઉપર હુમલો કરનાર બંગાળાની ગાદીના જુઠા હકદારને યમુના ઉપર કાલ્પી અગાડી હરાવીને દિલ્હી ઉપર ચઢી આવવાની તૈયારી કરતો હતો. સરહિંદ અગાડી હારેલો સિકંદરશાહ પણ પંજાબમાં કાંઈક ચેતનનાં ચિન્હ બતાવવા લાગ્યો હતો. આ બધાં સંકટોની સામે હુમાયૂંએ પંડે દિલ્હી રહેવાનો ઠરાવ કર્યો અને બેરામખાંને અતાલીક અથવા સલાહકાર તરીકે નીમીને કબરને પંજાબમાં બંદોબસ્ત કરવા સારૂ મોકલ્યો.

પહેલાં આપણે કબરે શું કર્યું તે જોવું જોઇએ. ૧૫૫૬ ના જાન્યુઆરીની શરૂવાતમાં તે શાહજાદો સરહિંદ પહોંચ્યો. ત્યાં આગળ પોતાના પિતાની મહેરબાનીના માણસ બદુલ માલીના ગર્વથી કંટાળેલા કેટલાક અમીરો તેને મળ્યા અને પીલોર અગાડી સતલજ નદી ઓળંગી કાંગરા જીલ્લામાં આવેલા સુલતાનપુર ઉપર સવારી કરી. અને ત્યાંથી સિકંદરશાહની કેડ લેતાં તે હરીયાણામાં જઈ પહોંચ્યો. ત્યાં પહોંચ્યો તેજ સવારમાં તેના પિતાને થયેલા એક ભયંકર અકસ્માત્‌ની તેને ખબર મળી. એટલે આગળ વધવાનું મોકુફ રાખી બીજા સમાચારની રાહ જોવા સારૂ ક્લાનોર તરફ ચાલ્યો. તે ત્યાં પહોંચ્યો કે તરતજ હુમાયૂંના હુકમથી લખાયેલો એક પત્ર તેના હાથમાં મૂકવામાં આવ્યો, જેમાં ઉતાવળે આરામ થવાની આશા બતાવવામાં આવી હતી. પણ જરા વાર પછી બાદશાહના મૃત્યુના સમાચાર લઈ બીજો કાસદ આવ્યો. એકદમ કબરના નામનો ઢંઢેરો પીટાવરાવ્યો.

ફક્ત તેર વરસ અને ચાર મહિનાના બાળકને માટે આ પ્રસંગ કસોટીનો હતો. અલબત પંજાબ તો તેના હાથમાંજ હતું. તેના નોકરોના કબજામાં સરહિંદ અને દિલ્હી હતાં, અને આગ્રા પણ હોય તો ના ન કહેવાય. પણ એને આટલી ખબર હતી કે બે (પેલા ખોટા હકદાર ઉપર બીજી પણ જીત એણે મેળવી હતી.) વિજયથી ફુલાઈ ગયેલો હેમુ પચાસ હજાર પાયદળ અને પાંચસે હાથીના સૈન્ય સાથે આગ્રા ઉપર હમદશાહ અદેલનો અમલ ફરીથી બેસારવાના સ્પષ્ટ ઈરાદાથી આવતો હતો. વળી એના સંકટમાં બીજો ઉમેરો થયો. થોડા દિવસ પછી પોતાના પિતાએ નીમેલા કાબુલનો સુબો સ્હામો થયાના સમાચાર સાંભળ્યા.

હુમાયૂં દિલ્હીની પોતાની પુસ્તકશાળાના ધાબાની નીસરણીને પહેલે પગથીએથી પડી જવાથી મરણ પામ્યો હતો. ચાર દિવસ સુધી એનો મંદવાડ પહોંચ્યો. આમાંનો ઝાઝો ભાગ એ બેભાન દશામાં રહ્યો અને તા. ૨૪ મી જાન્યુઆરીને દિવસે સાંજે અડતાળીસ વરસની ઉમરે મરણ પામ્યો. રાજધાનીમાં રહેતા તમામ ઉમરાવોમાંથી સર્વોત્તમ ઉમરાવ, અને દિલ્હીની સુબાગિરીના અધિકારવાળા તાર્દીબેગખાંએ આ વખતે રાજ્યકાર્યની લગામ હાથમાં લીધી. પહેલવહેલું હુંશીયારીનું કામ એણે એ કર્યું કે જ્યાં સૂધી જુવાન કબરને નિર્ભયપણે રાજ્ય મળે એવી ગોઠવણ થઈ શકે ત્યાં સૂધી હુમાયૂંની વાત એણે લોકોથી છાની રાખી અને કબરને બધી હકીકત વિસ્તાર સાથે કાસદોથી જણાવી. પછી દશમી ફેબ્રુઆરીને દિવસે ઉમરાવો સાથે જુમામસીદમાં ગયો અને ત્યાં કબરના નામની બંદગી કરાવી. ત્યારબાદ તેણે તમામ રાજ્યચિન્હો આભૂષણો અને રાજમુકુટ, હજુરી અમલદારો, ખાસ બાદશાહના અંગરક્ષકો (તથા હુમાયૂંનો ભાઈ કામરાનનો શાહજાદો જે વખતે ગાદીનો હક કરે એવો સંભવ હતો). તેમની સાથે નવા બાદશાહના પંજાબ મધ્યેના મુકામ ઉપર મોકલાવી દીધાં. આટલું કર્યા પછી તેણે હેમુના હુમલા સામે પાયતખ્તનું રક્ષણ કરવાનાં પગલાં લીધાં.

  1. ❋ જો સારી રીતે થયું હત તો જરૂર તેણે વ્યવસ્થાતંત્ર ફેરવી નાંખ્યો હત.