અકબર/હમાયૂં–અકબરનું બાલ્ય.
← હિંદુસ્તાનમાં બાબરની સ્થિતિ. | અકબર હમાયૂં–અકબરનું બાલ્ય. ઉત્તમલાલ ત્રિવેદી |
હુમાયૂંની હિંદુસ્તાન ઉપર સવારી તેનું મૃત્યુ. → |
પ્રકરણ ૬ ઠ્ઠું.
હમાયૂં–અકબરનું બાલ્ય.
બહાદુર આનંદી અને રસિક, સોબિતી તરીકે પ્રેમી, ઊંચી કેળવણી પામેલો અને દયાવાન 'હુંમાયૂં કાયમ રહે એવા ધોરણ ઉપર રાજ્ય સ્થાપવાને તેના પિતાના કરતાં ઓછો લાયક હતો. એના બધા સદ્ગુણોની સાથે તેમને ઢાંકી દે એવા તેનામાં કેટલાક અવગુણો હતા. તે નબળા મનનો અવિચારી અને અદૃઢ સ્વભાવનો હતો. પ્રબળ કર્તવ્ય બુદ્ધિનો અમલ એના ઉપર નહતો. એનું ઔદાર્ય ઉડાઉપણાનું રૂપ ધારણ કરે એવું હતું. અને તેનો બેહદ પ્રેમ નબળાઈમાં અપભ્રષ્ટ થાય એવો હતો. અમુક વખતે કોઈ પણ ગંભીર પ્રસંગમાં પોતાનું તમામ ધ્યાન રોકવાની એનામાં શક્તિ નહતી. અને સર્વસ્પર્શી ધારા ઘડવાની એનામાં બુદ્ધિ પણ નહતી, તેમજ ઈચ્છા પણ નહતી. આ કારણથી એના પિતાએ વારસામાં આપેલી જીતેલી ભૂમિ ઉપર પોતાનું રાજ્ય જમાવવાને તે અત્યંત નાલાયક હતો.
તે ગાદીએ આવ્યો ત્યાર પછીનાં આઠ વર્ષનો સવિસ્તર હેવાલ આપવાની કાંઈ જરૂર નથી. એનો કારભાર એટલો બધો અણઘડ હતો અને પોતાના તાબાની કોમોનાં અને પ્રેમ એણે એટલાં તો થોડાં સંપાદન કર્યાં હતાં કે ૧૫૪૦ ના એપ્રિલમાં તેના બાપ બાબરને વશ થયેલા પણ પોતાની સામે થયેલા અમીર શેરખાંસૂરે જ્યારે તેને કનોજ આગળ હરાવ્યો ત્યારે બધી ઈમારત તેના હાથમાં લાંબી થઈને સૂતી. તે પછી એ શેરખાંસૂર શેરશાહ એવો ઇલ્કાબ ધારણ કરી ગાદીએ આવ્યો અને કેટલાંક સાહસો અનુભવ્યા પછી, સને ૧૫૪૧ ના જાન્યુઆરીમાં સિંધ દેશમાં સિંધુ નદી ઉપર આવેલા બક્કર બેટની સામે રોહરી આગળ નાસતો ભાગતો મુઠીભર અનુચરોની સાથે પોતાનો તમામ વારસો ગુમાવી હુમાયૂંએ પડાવ નાંખ્યો.
હુંમાયૂંએ બધું મળીને સિંધમાં અઢી વર્ષ ગાળ્યાં અને તે દરમીયાન તેણે તે પ્રદેશમાં પોતાનું રાજ્ય સ્થાપવાની નિષ્ફળ કોશીશ કરી. આ તેની સિંધની યાત્રામાં એક બહુજ અગત્યની બીના બની. તે એ હતી કે સને ૧૫૪૨ ના ઓક્ટોબરની પંદરમી તારીખે એને એક પુત્ર જન્મ્યો. અને તેનું નામ તેણે જલાલ–ઉદ્–દીન–મહમદ અકબર પાડ્યું. હવે હું હિંદુસ્તાનના ઇતિહાસના આ મોટા બનાવના કારણભૂત બનાવોનું બ્યાન આપું છું.
હુમાયૂંએ શેહવાનના ઉમદા મુલક ઉપર હુમલો કરી કબજે કરવાનું કામ પોતાના ભાઈ હિન્દાલને સોંપ્યું હતું પણ તેમાં તેનો બુરો ઇરાદો છે એમ અવિશ્વાસ લાવી સને ૧૫૪૧ માં જ્યારે પોતાનું લશ્કર બક્કરને ઘેરો ઘાલવામાં રોકાયું હતું ત્યારે સિન્ધુ નદીની પશ્ચિમમાં આશરે વીસ માઈલ ઉપર આવેલા પાટર અગાડી પોતાના એ ભાઈને મળવાનું તેણે નક્કી કર્યું. ત્યાં અગાડી હિન્દાલ પોતાના ભાઈને, પૂરી રીતે બાદશાહને યોગ્ય સન્માન આપવાને માટે પોતાના અમીર ઉમરાવોની સાથે તૈયાર હતો, પછી જે ઉત્સવ થયો તેના અંગમાં હુમાયૂંની ઓરમાન પણ હિન્દાલની સગી માએ એક મોટી મિજબાની આપી. તેમાં મહેલના સ્ત્રી મંડળને બોલાવ્યું. આ સ્ત્રી મંડળમાં હામીડા નામની એક હિન્દાલના ગુરૂ તરીકે રહેલા અમીરની દીકરી ઉપર હુમાયૂંનું ખાસ લક્ષ ખેંચાયું. અને તેથી તેને એટલી બધી અસર થઈ કે શાહજાદીનો વિવાહ મળ્યો છે કે નહિ તેની તેજ સ્થળે તપાસ કરી. તેનો જવાબ મળ્યો કે તેનું નક્કી તો થઈ ગયું છે પણ હજી કાંઈ વિધિ થયો નથી. હુમાયૂંએ કહ્યું કે જો એમ છે તો હું તેને પરણીશ. હિન્દાલે આ ઉતાવળે કરેલા ઠરાવની સામે વાંધો ઉઠાવ્યો. અને એવી બીક બતાવી કે જે આમાં તું દુરાગ્રહ કરીશ તો હું તને મદદ નહિ કરૂં. પછી બે ભાઈઓ વચ્ચે એવો કંકાસ થયો કે જેથી બન્ને વચ્ચે ઝેર થયાં. પણ હિન્દાલની મા આ લગ્નને અનુકૂળ હોવાથી તેણે કરેલી દલીલોએ હિન્દાલને હા કહેવરાવી અને તરતજ પૂરાં ચૌદ વર્ષની થયેલી હામીડાને હુમાયૂં પરણ્યો. થોડા દિવસ પછી આ સુખી જોડું બઝર અગાડીની છાવણીમાં ગયું.
હુમાયુંની યુક્તિઓ પેશ પહોંચવાનો વખત પ્રતિકૂળ હતો. તેની બધી યુક્તિઓ નિષ્ફળ ગઈ. સને ૧૫૪ર માં તેને પોતાની બાળક બેગમને સાથે લઇને મારવાડના રણ તરફ જીવ લઈને નાસવું પડ્યું. ઑગસ્ટ મહિનામાં તેઓ જેસલમીર પહોંચ્યાં. પણ ત્યાંના રાજાએ કાંઈ ધડો ન કર્યાંથી તેમને મોટા રણની પાર જવાની જરૂર પડી. રસ્તામાં પાણીની તંગીને લીધે એમને ભયંકર દુઃખ વેઠવું પડ્યું, તોપણ હિંમતથી સહન કરતાં કરતાં તેઓ બાવીસમી ઑગસ્ટને દિવસે રણને છેડે આવેલા અમરકોટ આગળ પહોંચ્યા. ત્યાંના રાણાએ તેમની આગતાસ્વાગતા કરી અને ત્યાં આગળ ઓક્ટોબરની ૧૫ મી તારીખે હામીડા બેગમે અકબરને જન્મ આપ્યો. ચાર દિવસ ઉપર હુમાયૂંએ જન નામના જીલ્લા ઉપર ચડાઈ કરવાને અમરકોટ છોડ્યું હતું. જ્યારે વધામણીના ખબર એને મળ્યા ત્યારે તે વખતે એણે બોલેલા શબ્દો અત્રે ઉતારવા જેવા છે. તેનો આ વખતનો એક અનુયાયી લખે છે કે બાદશાહ બંદગી કરી રહ્યો કે તરત અમીર લોકોને દાખલ કર્યા અને તેઓએ તેને મુબારકબાદી આપી. પછી તેણે તઝકરટ–અલ–કીયતના કર્તા ઇતિહાસકાર જોઉહરને બોલાવ્યા અને તેને હમણાં પોતે શું સોંપ્યું હતું તે જાણવા માગ્યું. તેણે કહ્યું–‘ખુદાવિંંદ બસેં શાહરૂખી (ખોરાસાના સોનાના સિક્કા) એક રૂપાનું કડું અને કસ્તુરીની કોથળી: આમાંની પહેલી બે ચીજો તેના ધણીને પાછી આપી છે.’ આ સાંભળી હુમાયૂંએ કસ્તુરીની કોથળી મંગાવી અને એક ચીનાઈ તાસકમાં તેને તોડીને તેણે પોતાના ઉમરાવોને બોલાવ્યા અને શાહજાદાના જન્મના માન ખાતર બાદશાહ તરફની ભેટ તરીકે–કસ્તુરી વહેંચી. જોઉહર લખે છે કે આ બીનાએ પોતાનો સુવાસ આખા જગત્માં ફેલાવ્યો.
શાહજાદાના જન્મથી તરત તો તેના પિતાને કાંઈ શુભ ન થયું. સને ૧૫૪૩ ના જુલાઈમાં હુમાયૂને સિંધ છોડવાની જરૂર પડી અને પોતાની બેગમ તથા શાહજાદાને લઇને થોડાક અનુચરોની સાથે કન્દહાર જવાને નીકળ્યો. તે જ્યારે શાલ આગળ આવ્યો ત્યારે તેને એવા સમાચાર મળ્યા કે તેનો ભાઈ અશ્કરી એક મોટું સૈન્ય લઈને બહુ નજીક આવ્યો છે અને નાસવાની જરૂર છે. તે પંડે અને તેની બેગમ તો તૈયારજ હતી. પણ એક વર્ષની ઉમ્મરનું નાનું બચ્ચું તે વખત ચાલતી તોફાની હવામાં ઘોડા ઉપર દડમજલ સવારી કરવાને કેવલ નાલાયક–તેનું શું કરવું તેના વિચારમાં પડ્યો. મારો ભાઈ–આ બાળકનો કાકો એક બચ્ચા સ્હામે લડાઈ નહિ કરે એવી પાકી ગણતરી કરીને તે એવા ઠરાવ ઉપર આવ્યો કે, તમામ સરસામાન તથા સાથેની બધી સ્ત્રીઓની સાથે એ બાળક ત્યાંજ રાખવું. તેમ કરીને તે દડમજલ સવારી કરતાં ઇરાનની સરહદ ઉપર સહીસલામત પહોંચ્યો. તેઓ ઉપડ્યાં કે તરતજ અશ્કરી મીરઝાં આવી પહોંચ્યોં. પોતાનો ભાઈ નાશી છૂટ્યાથી ઉત્પન્ન થયેલી નાઉમેદીને થોડા મધુર શબ્દોથી છુપાવી અને તે બાળક શાહજાદા તરફ પ્રેમથી વર્ત્યો. તે કન્દહારનો સુબો હતો, ત્યાં તેણે તેને પહોંચડાવ્યો, અને પોતાની જ બેગમના ખાસ હવાલામાં–જે સ્ત્રીઓ–એ શાહજાદાની આયાઓ ઉછેરનારીઓ હતી તેમને કાયમ કરીને સોંપ્યો.
બાળક શાહજાદો આ પૂરી સંભાળવાળા હવાલામાં સને ૧૫૪૪ નું આખું વરસ રહ્યો. પણ નવું વરસ બેઠું કે તરતજ તેની અવસ્થામાં ફેર પડ્યો. શાહ તામ્હાસ્પે પુરા પાડેલા લશ્કરની મદદે તેનો પિતા પશ્ચિમ અફગાનીસ્તાન ઉપર ચઢી આવ્યો અને રણની સોંસરા નીકળી સીધો કન્દહાર ઉપર આવતો હતો. આ પગલાથી ચમકીને હુમાયૂં રખેને પોતાના બાળકને પાછો લઈ લે, એવા ભયથી કામરાને તે બાળકને કાબુલ ફેરવી દેવાનો તાકીદે હુકમ આપ્યો. જ્યારે કામરાનના આ વિષયનો સંદેશો લઈને તેના વિશ્વાસુ અમલદારો કન્દહાર પહોંચ્યા ત્યારે અશ્કરી મીરઝાંએ આ માંગણી સ્વીકારવી કે કેમ તે વિચાર કરવાને એક સભા બોલાવી. કેટલાકને હુમાયૂંના દિવસો ચડતા લાગવાથી એવી સલાહ આપી કે વિશ્વાસલાયક અને દબદબા ભરેલા રસાલાની સાથે એ બાળકને હુમાયૂં પાસે મોકલી દેવો. બીજાઓએ એમ વિચાર કર્યો કે અશ્કરી મીરઝાં તેના મોટા ભાઈ હુમાયૂંની સાથે એટલો તો બેવફાઇથી વર્ત્યો છે કે પશ્ચાત્તાપ સૂચક કાંઈ પણ કામ કામમાં આવવાનું નથી. માટે એણે કામરાનની મહેરબાની કાયમ રહે એમજ વર્તવું એ વધારે સારૂં છે. આ પાછલી દલીલ ફાવી અને અસાધારણ સખ્ત શીયાળો હતો તોપણ આ બાળક શાહજાદાને અને તેની બહેન બક્ષીબાનુ બેગમને તેમના સેવકો સાથે કાબુલ મોકલાવી દીધાં. થોડીક મુશીબતો–જે દરમિયાન તેમની સાથે મોકલેલા રસાલાને વખતે આ લોકો બચવાનો પ્રયત્ન પણ નહિ કરે એવો ભય લાગ્યો હતો, તે વેઠ્યા પછી આ મંડળ કાબુલ સહીસલામત પહોંચ્યું. અને ત્યાં આગળ કામરાને બાબરની મહેરબાનીની બહેન ખાનેઝાદા બેગમ નામની પોતાની ફોઈને આ ભત્રિજાને સોંપ્યો. આ બાળક શાહજાદાના નાનપણમાં જે આયાઓ અને સેવકો હતાં તેમને આ શુભનામી બેગમે સહુસહુના અધિકારમાં રાખ્યા અને પોતાની દેખરેખ નીચે થોડાક દિવસ એ શાહજાદો રહ્યો ત્યાં સુધી બહુ કોમળતાથી તેની કાળજી રાખી. કમનસીબે આ દેખરેખ બહુ થોડો વખત રહી. ૧૪૫૫ ના સપ્ટેમ્બરમાં હુમાયૂંએ કન્દહાર સર કર્યું એ સમાચાર સાંભળતાં કામરાન મોટા ગભરાટમાં પડી ગયો. એ વહેમી અને ઈર્ષ્યાખોર હતો. અને અકબરને હુમાયૂંની વિરૂદ્ધ ઉપયોગમાં આવી શકે એવું તલીસમાન ગણીને તે શાહજાદાને એની વડી ફોઈની પાસેથી ખસેડી કુચકીલાન નામના એક વિશ્વાસુ સેવકને સોંપ્યો. પણ તે દિવસોમાં એક પછી એક બનાવો ઝડપથી બનવા લાગ્યા. હુમાયૂં કન્દહારમાં પાયો રાખીને એક લશ્કર સાથે કાબુલ તરફ નીકળી પડ્યો, નવેમ્બરના પહેલા અઠવાડીયામાં તે શહેર આગળ દેખા દીધી. પંદરમી તારીખે તે શહેરને વશ થવાની જરૂર પાડી. કામરાન ઘઝની નાશી ગયો હતો, પણ હુમાયૂંને જે પુત્રથી આટલો લાંબો વખત વિખુટો પડ્યો હતો તેને મળવાનો સંતોષ થયો. વળતા વરસના વસંત સુધીમાં હામીદા બેગમ આવી પહોંચી નહતી.
પણ તે દરમિયાન કુચકીલાનને રજા આપવામાં આવી. અને શાહજાદાના પહેલાંના ઉછેરનાર નામે અતકાખાંને તેના અધિકાર ઉપર પાછો નીમ્યો.
થોડો વખત તો આ બાળક દમામમાં અને વૈભવમાં ગરકાવ થયો. પણ શીયાળો બેસતા પહેલાં હુમાયૂંએ બદખ્શાન પાછું મેળવ્યું હતું. અને આ વર્ષની ઠંડી મોશમ એણે એ ઇલાકામાં આવેલા કીલાઝફર આગળ ગાળવાનો ઠરાવ કર્યો. પણ ત્યાં જતાં રસ્તામાં એને એવો ભયંકર મંદવાડ આવી પડ્યો કે એના જીવની આશા મૂકાઈ. બે મહિના સૂધી કેવળ પથારીવશ રહ્યા પછી તે સાજો થયો પણ દરમિયાન એનો અંત હવે નક્કી નજીક છે એમ સમજી એના ઘણાખરા અમીરો તેના ભાઈઓના પક્ષમાં ગયા. પોતાના સસરાએ પૂરી પાડેલી સેનાની મદદ લઈને કામરાને કાબુલ મેળવ્યું તથા કાબુલમાં રહેલા હુમાયૂંના શાહજાદા અકબરનો કબજો કર્યો. આ વિજેતાના પહેલા કાર્યમાંનું એક એ હતું કે શાહજાદાના અંગ ઉપરથી અતકાખાંને ખશેડ્યો અને એને ઠેકાણે પોતાનો એક માણસ નીમ્યો.
પણ હુમાયૂં જરા સતેજ થયો કે તરતજ તેણે રાજધાની મેળવવા સારૂ સવારી કરી. કામરાનની સર્વોત્તમ સેનાની એક ટુકડીને પરામાં હરાવીને એણે કોહ્–અબેઈન જ્યાંથી આખુ શહેર ખુલ્લું દેખાય છે, ત્યાં પડાવ નાંખ્યો, અને શહેર ઉપર તોપોના બહાર ચલાવવા માંડ્યા. થોડા દિવસ પછી તો આ અગ્નિ એટલો બધો સખ્ત અને એટલો તો નુકસાનકારક થયો કે કામરાને એ બંધ કરવાના ઇરાદાથી પોતાના ભાઇને એવું કહેણ મોકલાવ્યું કે જો તોપો બંધ નહિ કરો અગ્નિ ઘણોજ તીવ્ર હશે એવી એક જગામાં કિલ્લા ઉપર અકબરને ઉભો રાખીશ. હુમાયૂંએ તોપો છોડવી બંધ કરવાનો હુકમ આપ્યો. તો પણ ઘેરો તો એણે કાયમજ રાખ્યો અને તા. ૨૮ મી એપ્રિલે વિજય કરી નગરમાં પેઠો.
કામરાન પહેલી રાતેજ બદક્ષાન નાશી ગયો હતો. હુમાયૂં પણ તેની પાછળ ત્યાં ગયો. પણ પછીના શીયાળામાં એના કેટલાક જબરા જબરા અમીરો એના સ્હામા થયા અને એને છોડી કામરાનના પક્ષમાં ભરાયા. હુમાયૂંએ કેટલીક અવળી સવળી સવારી કરીને સને ૧૫૪૮ ના ઉનાળામાં પોતાના ઉત્તરના મુલકનો બંદોબસ્ત કરવાનો એક પાકો પ્રયત્ન કરવાનું નક્કી કર્યું. જુન મહિનામાં એ ઠરાવને અનુસારે એ અકબર અને અકબરની જનેતાને લઈને કાબુલથી ચાલ્યો. ગુલબન અગાડી પહોંચ્યા બાદ તેણે અકબર અને તેની માને કાબુલ પાછાં મોકલ્યાં અને પોતે તાલીકાન ઉપર ચઢી ગયો, અને કામરાનને શરણ આવવાની ગરજ પાડી. પોતાના ઉત્તર ભણીના મુલકનો બંદોબસ્ત કરીને એ બાદશાહ–આ વખતે એ ઈલ્કાબ તેણે ધારણ કર્યો હતો–કાબુલ પાછો ફર્યો.
પશ્ચિમ કુન્દુઝના મુલકમાં આવેલા બલ્ક ઉપર અજમાશ કરવા માટે ફરી તેણે ૧૫૪૯ ની ઉતરતી વસંતમાં કાબુલ છોડ્યું, અને ૧૫૫૦નો શીયાળો ગાળવા વળી પાછો કાબુલ આવ્યો. હવે એક બહુજ વિચિત્ર બનાવ બન્યો. બલ્ખ ઉપર સવારી લઈ જવામાં કામરાન હુમાયૂં ભેગો ન ભળ્યો તેથીજ તેને પાછા ફરવું પડ્યું હતું. ત્યારબાદ કામરાન ઉઘાડી રીતે એની સામે થયો. ઑક્સસ ઉપર એક નિષ્ફળ સવારી કરીને હુમાયૂં તરફ પોતાનું તેણે શરણ પત્ર મોકલી દીધું હતું. પછી હુમાયૂં આઠ વરસની ઉમરના અકબરને કાબુલનું રાજ્ય સોંપીને અને મહમદ કાસીમખાં બીલોલને એનો સંભાળનાર તરીકે નીમીને રાજધાનીના નગરથી પોતાના ભાઇને કેદ કરવા સારૂ ઉપડ્યો. આ વખતે એની હીલચાલ એટલી તો બેદરકારી ભરેલી હતી કે પ્રથમથી રચી રાખેલી યુક્તિ પ્રમાણે કામરાને કિપચકના ગિરિસંકટને ઉપલાણે છેડે તેના ઉપર છાપો માર્યો અને હુમાયૂંને નસાડ્યો. નાસતાં નાસતાં હુમાયૂંને સખત ઘા વાગ્યા તોપણ તે સીર્તનપાસની ટોચ સુધી સહીસલામત પહોંચી શક્યો. ત્યાં આગળ તેને પ્રથમ કરતાં નિર્ભયતા વધારે હતી. દરમિયાન કામરાન કાબુલ ઉપર ચઢી તે શહેર કબજે કર્યું અને અકબર ત્રીજીવાર કેદી થઈને એના હાથમાં પડ્યો. આ સંકટને હુમાયૂં દીનપણે વશ થયો નહિ. પણ એના મિત્રોને એકઠા કરીને તે ફરીથી આ પર્વતોની પેલી પાર ગયો અને કાબુલપર સવારી કરી. સુતરઝાદિન આગળ આવ્યો ત્યારે કામરાનનું લશ્કર તેની સાથે લડવાની તૈયારીમાં ઊભું રાખેલું તેણે દીઠું. સલાહ કરવા સારૂ નિષ્ફળ સંવ્યવહાર થોડા દિવસ સુધી ચલાવ્યા પછી હુમાયૂંએ હલ્લો કરવાનો હુકમ આપ્યો. આના પરિણામમાં હુમાયૂંનો પૂર્ણ વિજય થયો અને કામરાન નાઠો. ક્ષણવાર તો હુમાયૂં ને એમ ભય રહ્યો કે કામરાન નાસતાં પોતાના અકબરને સાથે લઈ ગયો હશે. પણ શહેરમાં દાખલ થતા પહેલાં અક્તાખાન જેની સંભાળમાં અકબરને સોંપવામાં આવ્યો હતો, તેની સાથે તે છાવણીમાં આવી પહોંચવાથી તે ચિંતામુક્ત થયો. બીજે દિવસે એ શહેરમાં દાખલ થયો.
આ વખતનો હુમાયૂંનો જય પાકો અને ચિરસ્થાયી નીવડ્યો. ત્યાર પછી ઈનામો વહેંચાયાં અને તેમાં હુમાયૂં અકબરને ભૂલ્યો નહિ. અકબર ઉપર ચિર્ખ નામનો જીલ્લો–જાગીર તરીકે એનાયત કર્યો અને સીસ્તાનના હાજી મહમદખાંનને એનો કારભારી ઠરાવ્યો અને અકબરની કેળવણીની સંભાળ રાખવાનું પણ એનેજ સોંપ્યું. પછીના વરસમાં હુમાયૂંને હેરાન કરનારાં કારણો એક પછી એક લોપ થવા માંડ્યાં. અલબત એકવાર વળી કામરાને હથીયારબંધ દેખા દીધી હતી પણ તેમાં તેને એવા બળથી પાછો હઠાવવામાં આવ્યો કે એને શરણે આવવાની જરૂર પડી. (૧૫૫૩ નો ઑગસ્ટ) પછી એને દેશનીકાલ કરી મક્કે મોકલવામાં આવ્યો, અને ત્યાં તે ચાર વરસ પછી મરણ પામ્યો. બીજો ભાઈ અશ્કરી મીરઝાં જેની પ્રકૃતિમાંજ બેવફાઈનું સંમિશ્રણ હતું એમ લાગે છે તેને સને ૧૫૫૧ માં મક્કે દેશનીકાલ કરવામાં આવ્યો હતો. તે હજી જીવતો હતો, પણ હવે કાંઈ ઇજા કરે એમ નહતું. આ પ્રમાણે એના ભાઈથી મુક્ત થયા પછી હુમાયૂંએ કાશ્મીર મેળવવાનો વિચાર કર્યો. પણ તેના અમીરો અને અનુસરો આવી સવારીની એટલા બધા વિરુદ્ધમાં હતા કે કમરજીએ પણ તેને છોડી દેવાની જરૂર પડી. સિંધુ નદી ઓળંગીને પોતે કંઈક ઠંડો પડ્યો. સિંધુ અને જેલમની વચ્ચેના પ્રદેશમાં પડાવ નાંખીને પડ્યો હતો. તે દરમિયાન તેણે પેશાવરના કિલ્લા ઉપર મોટા પાયા ઉપર ફરીથી બાંધવા જેવાં સમારકામ કરવાનો હુકમ આપ્યો. આ વખતે પણ તે હિંદુસ્તાનની ચઢાઈના વિચારમાંજ હતો. અને ત્યાં અગાડી પોતાનું લશ્કર એ એકત્ર કરી શકે એવા ગિરિમાર્ગોની પેલી બાજુએ એક આશ્રય આપે એવા સ્થળનો કબજો કરવા ખાસ ઇંતેજાર હતો. કામ એવું તે ઝપાટાબંધ ચલાવ્યું કે સને ૧૫૫૪ ના છેલ્લા ભાગમાં કિલ્લો તૈયાર થયો. પછી એ કાબુલ પાછો ફર્યો. પછીના શીયાળામાં અને બેસતા વસંતમાં હિંદુસ્તાનમાં એવો અણીને સમય આવ્યો કે જેથી પોતાની યુક્તિઓ અમલમાં લાવવાનો લાગ હુમાયૂંને મળ્યો.