અકબર/હિંદુસ્તાનમાં બાબરની સ્થિતિ.
← બાબરની હિંદુસ્તાન ઉપર સવારીઓ. | અકબર હિંદુસ્તાનમાં બાબરની સ્થિતિ. ઉત્તમલાલ ત્રિવેદી |
હમાયૂં–અકબરનું બાલ્ય. → |
પ્રકરણ ૫ મું.
હિંદુસ્તાનમાં બાબરની સ્થિતિ.
વાયવ્ય પ્રાંતમાંના બે મોટાં મથકોના ધણી થઈને એક રાજ્યનીતિજ્ઞ પુરુષની દીર્ધદષ્ટિથી બાબરે હિંદુસ્તાનનું યથાસ્થિત અવલોકન કર્યું. તેને તરતજ માલુમ પડ્યું કે હું ઉત્તર હિંદુસ્તાન એકલાનોજ માલીક થયો છું. અયોધ્યા, જુઆનપુર અને પશ્ચિમ બિહારના અગત્યના જીલ્લાઓ ઇબ્રાહીમની સામે થયા હતા. અને એ બાદશાહે આ હુલ્લડખોરો સામું લશ્કર મોકલ્યું હતું તો પણ તેને એમ ખાત્રીથી જણાયું કે બન્ને પક્ષ એકઠા થઈ એક અર્થથી મારા–નવા આવનારા–ની સામે થશે. વળી નસરતખાંના તાબામાં બંગાળા, સિકંદરશાહના વંશના હાથમાં ગુજરાત અને સુલતાન મહમદને સ્વાધીન માળવા, એ ત્રણે શક્તિવાન અને સ્વતંત્ર રાજ્યો હતાં. અંબલ અને બનાસ નદીના સંગમ ઉપર આવેલા “રન્થમ્બોર’ ના કિલ્લાવાળો માળવાનો મુલક કાળીસિન્દ ઉપરનું સારંગપુર, બેટવા ઉપર ભિલ્સ–જે બધાં તે વખતમાં ઘણાં પ્રખ્યાત ગણાતાં હતાં તે પેલા પ્રસિદ્ધ હિંદુ રાજા–રાણા સંગે પુનઃ પ્રાપ્ત કર્યા હતાં. દક્ષિણ હિંદુસ્તાનમાં બાહ્મણી રાજ્યો સ્થપાઈ ગયાં હતાં અને વિજયનગરનો રાજા સ્વતંત્ર સત્તા ધરાવતો હતો. તે સિવાય મુસલભાન બાદશાહોને કોઈ પણ દિવસ નહિ નમેલા એવા રાયરાણાઓ ઘણા હતા.
પણ તેને તરતજ માલુમ પડ્યું કે આ બધા કિરીટેશ્વરોનું સ્વાતંત્ર્ય એ એનું મોટામાં મોટું વિઘ્ન નહોતું. એનું વિઘ્ન તો એ હતું કે તેના પહેલા થઈ ગયેલા કોઈ પણ રાજ્યવંશોએ સમાધાન ઉપર નહિ આણેલી હિંદુ પ્રજા પ્રત્યેક નવા આવનારની વિરૂદ્ધ હતી. અર્સ્કીન લખે છે કે, ઉત્તર હિંદુસ્તાન હજી પોતાનું અસલ બંધારણ સાચવી રહ્યું હતું. ગામડાં અને પરગણાંઓની વ્યવસ્થા તથા બંદોબસ્તનો તંત્ર, તથા નાના નાના પણ ઘણા સરદારોના તાલુકાઓ એટલે સ્થાનિક રાજ્યોના તંત્ર–જેમનો તેમજ હતો. અને રાજ્ય ફેરફારની વખતે લોકો પોતાના પ્રત્યક્ષ સત્તાધારી ઉપર રાજધાનીમાં રાજ્ય કરતા રાજવીરના કરતાં વધારે લક્ષ આપતા. ટુંકામાં એક સર્વસત્તાધીશ કેન્દ્રમાંથી સર્વત્ર ફેલાતી સત્તાવાળા દૃઢબદ્ધ રાજ્યતંત્રથી અજાણ્યા હોઈને નવા કોઇ વિજેતાને અનધિકારી આગન્તુક માનવાની અને તેમના સામા થવામાં સ્વાર્થ સમજવાનીજ લોકોને ટેવ પડી હતી.
નવા વિજેતાના શીલ અને સ્વભાવથી અજ્ઞાન લોકોના મનમાં આવી રીતે ઉત્પન્ન થયેલા ભયને જુના રાજ્યને વળગી રહેનારા મુસલમાનોના કાવતરાંથી પુષ્ટિ મળી. આ લોકો એમ વિચાર કરવા લાગ્યા કે આ નવા મોઘલોનો જો વિજય થયો તો અમારો તો નાશજ થવાનો. તેથી તેમણે આ મધ્ય એશીયાના જંગલી લોકોની લૂંટફાટથી તથા કામવૃત્તિથી તમારાં પવિત્ર દેરાંઓ કે તમારી વહુ દીકરી સલામત રહી શકશે નહિ એમ હિંદુ પ્રજાના મન ઉપર ઠસાવવામાં મણા રાખી નહિ. આવા ભયને વશ થઈને હિંદુ લોકો આ દયાળુ અને ઉદાર મનના વીરપુરુષથી ડરીને દેખાતા આવશ્યક જુલમોને વશ થવા કરતાં જંગલનિવાસનું દુઃખ પસંદ કરતા નાઠા.
બાબરનાં વિઘ્નોમાં વળી એક ઉમેરો એ થયો કે તેના લશ્કરમાં આ વખત બેદીલી ફેલાઇ. લશ્કરનાં માણસો ઘણે ભાગે પૂર્વ અફઘાનીસ્તાનના શબર લોકો હતા. જ્યાં સુધી લડવાની આશા હતી ત્યાં સુધી તો આ લોકો પોતાના સેનાપતિની પાછળ પાછળ ખુશીથી આવ્યા. પણ પાણીપતની લડાઇથી તેમને ઉત્તર હિંદુસ્તાન તો મળ્યું હતું. દિલ્હીથી આગ્રા સુધીની કુચ તો એક ઉજ્જડ મુલકમાં થઇને કરવાની હતી. ઋતુ એવી હતી કે આખો દિવસ તાપ રહ્યા કરે. અને સને ૧૫૨૬ નો તાપ તો સાધારણ વર્ષોમાં રહેતા તાપથી વિશેષ હતો. આપણા પીસતાળીસની સાલવાળા પ્રિન્સ ચાર્લીના પહાડી લોકોની પેઠે આ લોકો પણ બબડવા લાગ્યા. એમને એમની ડુંગરની ઝુંપડીઓમાં જવાની ઉત્કંઠા થઈ. ફક્ત સૈનિકોમાંજ આ બેદીલી હતી એમ નહોતું. સરદારો પણ ફરિયાદ કરતા હતા. અને એમની ફરિયાદ આખરે બાબરને કાને ગઈ.
બાબર પોતાના વિજયથી ખુબ ખુશી થયો હતો. તાપ અને સૈનિકોની બેદીલીથી એ એટલો બધો હેરાન નહોતો થઈ ગયો કે જેથી એશીયા ખંડનો અત્યંત સુંદર, અત્યંત ફળદ્રુપ અને સર્વથી ઉંચો મુલકની જીત મેળવ્યાનો સંતોષ ઊણો રહે. પોતાની ચમત્કારિક તવારીખમાં તેણે આ વિષયમાં વીસ મોટાં છાપેલાં પાનાં ભરાય એટલી જગા રોકી છે. આરંભમાં લખે છે કે “આ એક અત્યંત રમણીય દેશ છે. આપણા દેશની પ્રમાણમાં આ એક જુદી જ દુનીયાં છે.” તરતજ પોતાનો વિજય પૂરો કરવાને માટે બધી તૈયારીઓ કરવા માંડી. “કાબુલનો રાજા” એ ઈલ્કાબ ‘હિંદુસ્તાનનો બાદશાહ’ એ ઈલ્કાબથી, નીચો ગણાયો. પાછા ફરવાની વાત જ નહતી. તેણે બધાં વિઘ્નો જોઈ રાખી સહુ સહુના ઉપાયો યોજી રાખ્યા હતા. તે એક ખરો ફલાભિલાષી માણસ હતો, અને તેથી ખરી રીતે જે તેને મોટામાં મોટું વિઘ્ન લાગ્યું તે, લશ્કરની બેદીલી, તેણે પ્રથમ હાથમાં લીધી. પોતાના ઉમરાવોની એક સભા તેણે બોલાવી અને તેમને પોતાની સ્થિતિ યથાસ્થિત બતાવી દીધી. કેટકેટલી અડચણોવાળી મજલ કાપીને અને કેટકેટલી લોહીની નીકો વેહવરાવનારી લડાઇઓ લડીને આ મોટા વિસ્તારવાળા દેશો કેવી રીતે મેળવ્યા હતા, એ બધું સંભારી આપ્યું. અને કહ્યું કે આને છોડીને પાછા ફરવું એ ખરેખર શરમની વાત છે. “મારા મિત્રમાં ગણાતા કોઈ માણસે હવે આવી દરખાસ્ત નહિ લાવવી જોઈએ. પણ તમારામાં એવો કોઈ માણસ હોય કે જે સમજી ન શકે અથવા પાછા ફરવાનું પોતાનું મન ફેરવી ન શકે એ ભલે જાય.” આ ભાષણની ધારેલી અસર થઈ અને જ્યારે બોલવાનું બંધ થયું અને નવા ભેટાઓ અને તાજા વિજયો થવા લાગ્યા, ત્યારે બેદીલીની જગાએ ઉમંગ થયો.❋[૧]
વીરપુરુષની દૃઢતાને એક બીજું પણ ફળ તરતજ મળ્યું. જ્યારે ત્યાંના નિવાસીઓ મુસલમાન સંસ્થાનો અને હિંદુ જમીનદારો તથા વેપારીઓ એમ સમજ્યા કે બાબર કાયમ કબજો રાખવાનું ધારે છે ત્યારે તેમની ધાસ્તી શાંત પડી. દરમિયાન તેના ઉદાર અને ઉમદા દીલની ઘણી સાબીતીઓ મળી જેથી લોકોના સમસ્ત અભિપ્રાય ઉપર ઘણી અસર થઈ. ત્યાર પછી રોજ રોજ તેના વાવટા નીચે નવાં નવાં પરગણાં આવતાં ગયાં. ખેડૂતો અને દુકાનદારો પોતપોતાને ઘેર પહોંચ્યા અને છાવણીમાં બધી વસ્તુઓની છત થઈ ગઈ. થોડોક વખત વીત્યા બાદ જુઆનપુર અને અધ્યામાં થયેલા તોફાનને શાન્ત પાડવા માટે ઇબ્રાહીમ લોદીએ મોકલેલા લશ્કરે બાબરની આણ માની. વખતો વખત પોતાના લશ્કરને વિચારપૂર્વક વ્યવસ્થાથી કામે લગાડીને તેણે રાહીલખંડનો મોટો ભાગ જીતી લીધો. જમના નદી ઉપર આવેલા રાવેરીના અગત્યના થાણાનો કબજો કર્યો. અને ઇટાવા તથા ધોળપુરને ઘેરો ઘાલ્યો. પણ મધ્ય હિંદુસ્તાનમાં એને માટે વિઘ્નો તૈયાર થતાં હતાં, અને તે એવી દિશાએથી આવતાં હતાં કે જે વિષે બાબરથી બેદરકારી રાખી શકાય નહિ.
આ વિઘ્નો ચિતોડના રાણા રાણાસંગ તરફનાં હતાં. આ મોટા–દરેક રીતે મોટા–રાજવંશીએ પોતાના વંશપરંપરાના મુલકનો ઝાઝો ભાગ પ્રથમના મુસલમાન વીરપુરુષો પાસેથી કેવી રીતે મેળવ્યો હતો તે મેં પહેલાં વર્ણવ્યું છે. તેણે તેથી વિશેષ પણ કર્યું હતું. તેણે બકરોલ અને ચતોલીની બે મોટી લડાઈઓમાં ઈબ્રાહીમ લોદીને હરાવ્યો હતો. અને આ સિવાય બીજા સરદારો સાથે સોળ લડાઈઓમાં જીત મેળવી હતી. બાબર હિંદુસ્તાનમાં આવ્યો ત્યાર પહેલાં એણે રંથમ્ભોરનો પ્રસિદ્ધ કિલ્લો મેળવ્યો હતો. પણ તે વખતથી તે અત્યાર લગણ એ પોતાના વિજયનો વિસ્તાર વધારતો જતો હતો અને આ વખતે જે સમાચારે બાબરને બેચેન બનાવ્યો હતો તે એ હતા કે આ પ્રતાપી રજપૂત સરદારે રન્થમ્ભોરની પૂર્વે થોડાક માઇલ ઉપર આવેલા કન્ડર નામના મજબુત પહાડી કીલ્લાનો કબજો લીધો છે.
આ અને બીજાં વિઘ્નોના ઉપાયોનો નિર્ણય કરવા સારૂ બાબરે ચોમાસાના અંતના દિવસોમાં એક સભા મેળવી. આ સભામાં એવી ગાઠવણ થઈ કે એના અઢાર વર્ષની ઉમરના શાહજાદા હુમાયૂંએ[૨] દુઆબ, અયોધ્યા અને જુઆનપુર સર કરવા સારૂ પશ્ચિમ તરફ જવું. અને બાબરે પંડે સામાન્ય અને સમસ્ત દેખરેખ રાખવા સારૂ આગ્રેજ રહેવું. રાણા સંગના સંબંધમાં એવો ઠરાવ કર્યો કે જ્યારે પાસેના શત્રુઓ બરાબર વશ થઈ રહે ત્યારે તેની સાથે લડાઈ કરવી.
હુમાયૂંની સવારી પૂર્ણ ફતેહમંદ ઉતરી. બિહારની સરહદ સુધીનો તમામ મુલક એણે જીતી લીધો. સને ૧૫૨૭ મેની ૨૬ મી તારીખે એ પાછા આવ્યા તે પછી બાબરે બીઆના અને ધોળપુર સર કર્યાં, ગ્વાલીઅરનો કિલ્લો યુક્તિથી લીધો અને મુલતાન તાબે થયાના સમાચાર સાંભળ્યા. પછી સિંધુ નદીથી તે પશ્ચિમ બિહારની સીમા અને કાલ્પી તથા ગ્વાલીયરથી હિમાલય સૂધીના મુલકનો કબજો દૃઢ કરીને તેણે ચીતોડના પ્રખ્યાત રાણા રાણાસંગ તરફ પોતાનું લક્ષ ફેરવ્યું. તારીખ અગીઆરમી ફેબ્રુઆરીને દિવસે તે રાણાસંગના લશ્કર સાથે ભેટ કરવા સારૂ આગ્રેથી ચઢ્યો. રાણો લોદીવંશના મુસલમાન મદદગારોની સાથે આગળ વધીને બીયાસનાથી આશરે બાર માઇલ ઉપર અને ત્યાં થઈને જતાં આગ્રાથી આશરે બાસઠ માઈલ ઉપર આવેલા બીલાવર અગાડી પડ્યો હતો. બાબર સીકરી આજના ફતેહપુર સૂધી વધ્યો અને ત્યાં મુકામ કર્યો. થોડીક ઝપાઝપીમાં તો રજપૂતો દરેક રીતે ફાવ્યા અને બાબરના સીપાહોમાં બહુ નાઉમેદી પેદા થઈ અને બાબર પણ આ વખતે પોતાની છાવણીને જેમ બને તેમ નિર્ભય કરીને અને મેવાત લૂંટવાને એક ટુકડી મોકલીને બેસી રહ્યો.
છાવણીમાં પૂરાઈ રહેલા, ચાલુ મામલાના વલણથી નાઉમેદ થયેલા અને બેસી રહેવાની જરૂર પડ્યાથી બેચેન થયેલા બાબરે પોતાની જીંદગીની બીનાઓ તપાસી. તેમાં તેણે યોગ્ય દીનતા અને પશ્ચાત્તાપની સાથે સ્વીકાર્યું કે કોઈ દિવસ દારૂ નહિ પીવો, એવી એક કુરાનની સંખ્તમાં સખ્ત આજ્ઞાનો મેં પૂરેપૂરો ભંગ કર્યો છે. તે તેણે તરતજ સુધારવાનો ઠરાવ કર્યો. પછી તેણે પોતાના સુવર્ણના દારૂના પ્યાલાઓ તથા રૂપાનાં જામો મંગાવ્યા અને પોતાની સમક્ષ તેના ચૂરેચૂરા કરાવી નાંખી કીમતી ધાતુ વેચવાથી જે મૂલ્ય ઉપજ્યું તે તમામ ગરીબ લોકોમાં વ્હેંચી દીધું, છાવણીમાં હતો તે બધો દારૂ પીવાને નાલાયક બનાવ્યો અથવા તો ઢોળી દેવરાવ્યો. તેના અમીરોમાંથી ત્રણસેં જણાઓ તેને પગલે ચાલ્યા.
આખરે જ્યારે તેને એમ લાગ્યું કે આમને આમ વધારે ટકી રહેવું અસંભવિત છે ત્યારે બારમી માર્ચ તે શત્રુઓની તરફ બે માઈલ આગળ વધ્યો, વળી થોભ્યો, અને બીજે દિવસે વળી લડાઈને માટે પસંદ કરી રાખેલી એક જગા સુધી તે આગળ વધ્યો. અહીંયાં તેણે લડાઈને માટે લશ્કર ગોઠવ્યું. સોળમી તારીખે રજપૂતો અને તેમના સહાયકો આગળ આવ્યા, અને લઢાઈ જાગી. બાબરે પોતાની તવારીખમાં આ લઢાઈનો એક આબેહુબ અને બેશક યથાર્થ ચિતાર આપ્યો છે. અહીંયાં તો એટલુંજ લખવું બસ છે કે તેને એવી તો પાકી જીત મળી કે બીજે દિવસે સવારમાં આખું રજપૂતાના એના પગમાં પડ્યું. તે એકદમ બીયાના તરફ ધસ્યો. ત્યાંથી મેવાડ તરફ ગયો અને એમ આખો મુલક તાબે કર્યો. વળી તેની આ ફતેહની અસર તેણે જીતેલી લડાઈઓમાંજ અટકી નહિ. દુઆબમાં જે શહેરો એની સામાં થયાં હતાં તેમાંના કેટલાક પોતાની મેળે નમ્યાં બાકીનાંને તેણે નમાવ્યાં. જ્યારે દુઆબ બરોબર શાન્ત થયો ત્યારે ચંદેરીના રાજાને સરદાર માનતાં મધ્ય હિંદુસ્તાનના રજપૂત રાજાઓની સામે તેણે હથીઆર બાંધ્યાં. જ્યારે ચંદેરીના કીલ્લા આગળ તે આવ્યો ત્યારે તેને એવા સમાચાર મળ્યા કે પૂર્વ તરફ મોકલેલા તેના સરદારોને લખનૌથી કનોજ ઉપર પાછા ફરવાની જરૂર પાડવામાં આવી હતી. આ સમાચાર અગત્યના છે એમ કબુલ કર્યા છતાં પણ એ ડગ્યો નહિ અને ચંદેરીનો ઘેરો ખંતથી ટકાવી રાખી થોડા દિવસમાં હલ્લો કરીને એ કિલ્લો સર કર્યો. આસપાસના મુલકને વશ કરીને તેણે પૂર્વ તરફ દડમજલ કુચ કરી. કનોજ આગળ તેના પરાજય પામેલા સરદારોને મળ્યો. ત્યાં આગળ ગંગા નદી ઉપર એક પુલ નાંખી લોદી પક્ષવાળા રહ્યા સહ્યા શત્રુઓને નસાડ્યા; લખનૌનો ફરીથી કબજો કર્યો, ગોમતી અને ઘોઘરા નદી ઓળંગી અને નિસ્તેજ થયેલા શત્રુઓને વિખરાઈ જવાની જરૂર પાડી. પછી તે આગ્રે આવ્યો અને રાજ્ય વ્યવસ્થાની ગોઠવણ જ્યાંથી મૂકી હતી ત્યાંથી પાછી હાથમાં લીધી. પણ શાન્ત રહેવાનો વખત તેને મળ્યો નહિ. જુઆનપુરનો જૂનો મુસલમાન પક્ષ બરોબર વશ થયો નહતો. જુઆનપુરની પાડોશના બિહારના ઉમદા રાજ્ય ઉપર હજી બીલકુલ અસર થઈ ન હતી. આ વખતે આ બે પરગણાંના મુસલમાન અમીરોએ એકઠા થઈને બાબરની વિરૂદ્ધ રાણા સંગને મદદ કરનાર લોદી વંશના એક શાહજાદાના હાથમાં બે જીલ્લાનું એક રાજ્ય કરી તેની લગામ સોંપવાનો ઠરાવ કર્યો. આ ખટપટ એટલી તો ગૂઢતાથી ચલાવવામાં આવી કે બાબરે તા. ૧ લી ફેબ્રુઆરી ૧૫૨૯ ને દિવસે આ રાજ્ય સ્થપાયેલુંજ જાણ્યું. આ વખતે તે ધોળપુર હતો. આ જગ્યા ઉપર તેને બહુ પ્રેમ હતો. અને ત્યાં બગીચા બનાવવામાં અને બીજી રીતે તે શહેરને સુંદર કરવામાં તે પોતાના અમીર ઉમરાવોની સાથે રોકાયો હતો. તે જ દિવસે તે ત્યાંથી આગ્રે આવ્યો અને હાજર હતી તે ટુકડીઓ સાથે લઈને બીજે જ દિવસે ગંગા નદીના જમણા કીનારા ઉપર આવેલા કરરા પાસે ડાડકી ગામ આગળ પડેલા પોતાના શાહજાદા અશ્કરીના લશ્કરને ભેગો થવાને ઈરાદે કુચ કરી. તે જગાએ તે તા. ૨૭ મીને દિવસે પહોંચ્યો અને નદીના સામે કિનારા ઉપર પડેલું અશ્કરીનું લશ્કર દીઠું. તરતજ તેણે જમણે કિનારે કિનારે પોતે જેમ ચાલે તેમજ ડાબે કિનારે તેને ચાલવાનો હુકમ કર્યો.
આ ઠેકાણે બાબરને જે સમાચાર મળ્યા તે એને દિલાસો આપે એવા નહતા. એક લાખભર શત્રુ મહમદ લોદીના વાવટા નીચે એકઠા થયા હતા અને તેનો પોતાનો શેરખાં નામનો એક સરદાર જેને રહેમીયતથી બીજા કરતાં શ્રેષ્ઠ બનાવ્યો હતો તે હુલ્લડખોરોને મળી જઈ પોતાના જીલ્લાની સાથે બીનારસનો કબજો કરી બેઠો હતો. આ પવિત્ર શહેરથી છવીશ માઇલ ઉપર આવેલા ચુનાર ઉપર મહમદ લોદી ઘેરો ઘાલતો હતો.
બાબર તરતજ આગળ વધ્યો. અને મહમદ લોદીને ચુનારનો ઘેરો ઉઠાવવાની ફરજ પાડી. શેરખાંને બનારસ ખાલી કરવાની અને ગંગાનદી ઓળંગવાની–પાછા હઠવાની જરૂર પાડી. અને પોતે કર્મણાસા ઓળંગીને તેના ગંગા અને બક્સર નદીના સંગમ આગળ ચૌસાથી કેટલે દૂર પડાવ નાંખ્યો. ત્યાંથી આગળ વધતાં છેક આરાહ આગળ પહોંચ્યો. ત્યાં સુધી તેણે શત્રુઓને પોતાની આગળ નસાડ્યા. પછી તેણે બિહારની પાદશાહી ગ્રહણ કરી. અને ત્યાં તેને ખબર મળી કે થોડાક સૈનિકોની સાથે મહમદ લોદીએ બંગાળાના રાજાનો આશ્રય લીધો છે.
બંગાલાનો રાજા નસરતખાં મહમદ લોદીની એક ભત્રીજીને પરણ્યો હતો. તેણે બાબર સાથે એવો સંકેત કર્યો હતો, કે કોઈએ એકમેકની સરહદ ઉપર ચઢાઈ કરવી નહિ, પણ આને ન ગણગારતાં તેણે સારન અથવા ચપરાનો મુલક સર કર્યો. અને પોતાના લશ્કરની સાથે ગંગા અને ઘોઘરા નદીના સંગમ ઉપર બચાવ કરવામાં ઘણી ઉપયોગમાં આવે એવી એક જગા ઉપર પડાવ નાંખ્યો. આ જગા છોડીને ચાલ્યા જવાની બંગાળાના લશ્કરને ફરજ પાડવાનો બાબરે ઠરાવ કર્યો. તેને તરતજ લાગ્યું કે આ કાર્ય સિદ્ધ કરવાનો માત્ર એકજ રસ્તો છે અને તે જોર. એટલે તેણે પોતાના લશ્કરને છ ભાગમાં ગોઠવીને એવો હુકમ કર્યો કે ચાર ટુકડીઓએ શાહજાદા અશ્કરીની સરદારી નીચે ગંગાના ડાબા કીનારા ઉપર ચાલી ઘોઘરા નદીને ઓળંગવી અને પછી શત્રુના લશ્કર ઉપર ચઢી જઈ તેમને છાવણી છોડવવાની કોશીશ કરી ધોઘરાના સામે વેણે એમની પાછળ પડવું. અને બાકીની બે ટુકડીઓએ પોતાની ખાસ સરદારી નીચે ગંગા નદી ઓળંગીને ઘોઘરાને પેલે પાર જવું અને શત્રુ ઉપર હલ્લો કરી તેમને પાયામાંથીજ કાપી નાંખવો. તા. ૬ ઠ્ઠી મેને દિવસે આ બધો સંજોગ મળ્યો અને તેમાં પૂર્ણ ફતેહ મળી. બંગાળાનું સૈન્ય સખ્ત હાર ખાઈ ગયું. અને દરેક રીતે સંપૂર્ણ વિજય થયો. પછી બંગાળા સાથે સલાહ થઈ. તેની સરતો એવી હતી કે હાલ પશ્ચિમ બિહારને નામે ઓળખાતો ઇલાકો બાબરને આપી દેવો. બેમાંથી કોઈ પણ બાદશાહે બીજાના શત્રુને મદદ કરવી નહિ અને કોઇએ બીજાની સરહદમાં હરકત નાંખવી નહિ.
અહીંયા સુધી–જે તેજસ્વી પુરૂષનાં પરાક્રમો મેં ટુંકામાં ઉપર નોંધ્યાં છે તેના આત્મચરિત્ર ઉપરજ આધાર રાખવામાં આવ્યો છે. હવે થોડુંજ લખવાનું બાકી રહ્યું છે. બિહારમાં એની ફતેહમંદ સવારીમાંથી એ પાછો આવ્યો ત્યાર બાદ થોડી મુદતે તેની તબીયત લથડવા માંડી. આ વાત છાની રહી શકી નહિ. અને તમામ હકીકત આ વેળાએ બદકશાનના સુબા તેમના મોટા શાહજાદા હુમાયૂંને પહોંચી. તેણે તેના નાના ભાઈ હીન્ડલને પોતાનો તમામ રાજ્યકારભાર સોંપ્યો અને પોતે ઉતાવળે આગ્રે આવ્યો. સને ૧૫૩૦ ની શરૂઆતમાં તે આગ્રે પહોંચ્યો ત્યારે તેને પ્રેમપૂર્વક આવકાર મળ્યો અને પોતાના રમતીયાળ ખુશમીજાજથી અને આનંદી વર્તનથી તેણે ઘણા દોસ્તદારો કર્યા. એ અહિંયા છ માસ રહ્યો એટલામાં તેનેજ ભયંકર મંદવાડ આવ્યો. મંદવાડ જ્યારે આખર થયો અને આ જુવાન શાહજાદાની આશા છોડવામાં આવી ત્યારે એક એવો બનાવ બન્યો કે જે બાબરની સ્વાર્થ વિમુખતા અને પ્રીતિમયતાનો અચૂક પુરાવો આપે છે. તેની તવારીખના પુરવણીના પ્રકરણમાં આ બનાવનું નીચે મુજબ વર્ણન આપ્યું છે.
“જ્યારે દવા તરફની આશા છુટી અને જ્યારે ઘણા બુદ્ધિશાળી “સખસો બાદશાહને શાહજાદાની ભયભરેલી સ્થિતિની વાત કરતા હતા, “ત્યારે અબુલઆાકા નામના જ્ઞાન અને શુદ્ધતાને માટે સારી પેઠે માન “પામેલા એક સખસે બાદશાહને કહ્યું કે “આવી બાબતમાં સર્વ શક્તિમાન “પ્રભુ પોતાના કોઈ મિત્રની જીંદગીના બદલામાં કોઈ માણસ પોતાને અત્યંત “પ્રિય એવા પોતાની વસ્તુનો ભોગ આપે તો તે તેના બદલામાં સ્વીકારવાની “કોઈ કોઈ વાર કૃપા કરે છે.” બાબર તેજ વખતે બોલી ઉઠ્યો “જેવો હુમાયૂંનો જીવ મને પ્રિય છે તેવો જ મારો જીવ એને પ્રિયતમ છે.“ “મારો જીવ હું આનંદની સાથે હુમાયૂંના જીવના બદલામાં અર્પણ કરૂં “છું.” અને તેણે તે સ્વીકારવાની કૃપા કરવાની પરમેશ્વરને પ્રાર્થના કરી. “તેના સ્નેહી મંડળે તેને ઘણો સમજાવ્યો પણ તે પોતાના ઠરાવને “આગ્રહથી વળગી રહ્યો, મરણ પથારીએ સુતેલા શાહજાદાની ત્રણ- “વાર પ્રદક્ષિણા કરી, આ વિધિ મુસલમાનો ભોગ આપતી વખતે કરે છે “અને પછી એકલો એકલો અંતઃકરણથી પ્રાર્થના કરવા લાગ્યો. થોડા “વખત પછી “હું લઈ જાઉં છું, હું લઈ ગયો છું ” એમ બોલતો તે “સંભળાયો. મુસલમાન ઇતિહાસકારો લખે છે કે આજ–લગભગ આજ “ક્ષણથી હુમાયૂંની તબીયત સુધરવા માંડી અને જેમ જેમ તે સુધરતી ગઈ તેમ “તેમ પ્રમાણમાં બાબરની લથડતી ગઈ. છેક ૧૫૩૦ ના અંત “સુધી–તેનો મંદવાડ લંબાયો. તા. ૨૬ મી ડીસેમ્બરને દિવસે પોતાના “ઓગણપચાસમા વર્ષમાં આગ્રા અગાડી ચારબાગ નામના પોતાના મહેલમાં “તેણે પોતાના આત્માને પરમાત્માને સ્વાધીન કર્યો. તેના શબને એના અંત- “કાળની સૂચના મુજબ કાબુલ લેવરાવ્યું અને શહેરથી એકાદ માઈલને છેટે “એક સુંદર સ્થાનમાં દાટ્યું.”
દુનિયાંના પ્રસિદ્ધ વીર પુરૂષોમાં બાબરને ઊંચું સ્થાન મળશે. એનું ચરિત્ર એના ગુણમાંથીજ ઉદ્ભવ્યું હતું. મધ્ય એશિયામાં એક નાનું રાજ્ય નામનું જ વારસામાં મળ્યા છતાં તે જ્યારે મરણ પામ્યો ત્યારે કરમણાસ અને ઑક્સસની વચ્ચેના તથા નર્મદા અને હિમાલયની વચ્ચેના તમામ પ્રદેશનો માલીક થયો હતો. તેનો સ્વભાવ આનંદી હતો. ઉદાર મનવાળો, સામા ઉપર વિશ્વાસ રાખનારો, અને આશાભેર રહેનારો હોઈને તે જેની સાથે સંબંધમાં આવતો તેની પ્રીતિ સંપાદન કરી શક્યો હતો. સૃષ્ટિમાં જે કઈ સુંદર હોય તે તે શીઘ્રતાથી અને પૂર્ણ રીતે સમજી શકતો. તે જમાનામાં અસાધારણ ગણાય એટલે દરજ્જે પોતાની અદ્ભુત બુદ્ધિને તેણે કેળવી હતી. તેનામાં પ્રીતિનો વાસ ઉંડો હતો, અને તાદૃશ કલ્પનાશક્તિની તેને ઈશ્વરી બક્ષીસ હતી. સંગ્રામ અને કીર્તિ તેને પ્રિય હતાં પણ શાન્તિના સમયના ઉદ્યોગો માટે તે બેદરકાર નહતો. પોતે વશ કરેલી કોમોની સ્થિતિ બાબત ઊંડી તપાસ કરવાનું તથા તેમને માટે સુધારાના ઉપાયો યોજવાના કામને તે પોતાની ફરજ ગણતો. બાગાયતનો, શિલ્પકળાનો અને સંગીતનો તેને ઘણો શોખ હતો. તે વળી કવિ હતો અને તે પણ જેવો તેવો નહિ. પણ તેની પ્રકૃતિની મુખ્ય કીર્તિ તો હાઈદર મીરઝાંએ કહેલી છે તેજ છે. તેણે પોતાનો અભિપ્રાય ‘તારીખી રેશીદી’ નામના ગ્રન્થમાં નીચે મુજબ જણાવ્યો છે. “તેના બધા ગુણોમાં તેનું ઔદાર્ય અને સૌજન્ય મુખ્ય હતાં.” જો કે મોટાં પરાક્રમો કરવાને તે જોઈએ એટલો જીત્યો પણ રાજ્યને સુવ્યવસ્થિત કરવાને માટે તેની જીંદગી ટુંકી પડી, તોપણ વિજ્યનું કામ આના જેવા શુદ્ધ સત્ત્વના પુરૂષને હાથ આવ્યું ન હતું.
બાબર ચાર દીકરા મૂકીને મરી ગયો. પહેલો એનો ઉત્તરાધિકારી હુમાયૂં મીરઝાં, બીજો કામરાન મીરઝાં, ત્રીજો હિન્દાલ મીરઝાં અને ચોથો અશ્કરી મીરઝાં. આમાંના હુમાયૂંને બાબરે મરતાં પહેલાં પોતાના પ્રધાનોની એક ખાસ બોલાવેલી સભામાં પોતાના ઉત્તરાધિકારી તરીકે ઓળખાવ્યો હતો, અને મરતી વેળાની સૂચનાઓ આપી હતી. જે વિષયો ઉપર તેણે ભાર મૂકીને કહ્યું હતું તે નીચે પ્રમાણે હતા. ઈશ્વર તથા મનુષ્ય તરફની તમારી ફરજો અંતઃકરણપૂર્વક અદા કરવી. ઈન્સાફ પ્રમાણિકપણે અને શ્રમ લઈને કરવો. ગુન્હેગારોને યોગ્ય સજા ફરમાવવી. જેઓ અજ્ઞાન અને પશ્ચાત્તાપ કરનારા હોય તેમના તરફ કુંણી નજર અને દયા રાખવી. ગરીબ અને લાચાર હોય તેમનું રક્ષણ કરવું. આ ઉપરાંત હુમાયૂંને પોતાના ભાઇઓ તરફ મહેરબાનીથી અને માયાળુપણે વર્તવાનું ખાસ ફરમાવ્યું.
આ પ્રમાણે હિંદુસ્તાનમાં મુગલ વંશનો સ્થાપનાર પ્રતાપી પુરૂષ ભરજુવાનીમાં મરણ પામ્યો. જેણે વાયવ્ય પ્રાંતો તથા આ દ્વિપકલ્પના મધ્ય ભાગના કેટલાક જીલ્લાઓનો પોતાના વંશજો માટે જીતીને, ભોગવટાના હકથી માલીક કહેવરાવવાનો હક ઉભો કર્યો. એનામાં ઘણા ઉત્તમ ગુણો હતા. પણ પોતાના હિંદુસ્તાનમાં અત્યાર સુધી જુદા રહેલા પ્રાંતોને એકઠા કરી એક સુસંબદ્ધ રાજ્ય કરવા સારૂ જોઇતી વ્યવસ્થા દાખલ કરવાનો તેને વખત કે લાગ કંઈ મળ્યું નહિ. આવો પ્રતાપી છતાં રાજ્યનું બંધારણ દૃઢ થાય એવા કાયદાઓ ઘડવાની ઊંચી બુદ્ધિ તેનામાં સારી પેઠે હતી કે નહિ તેનો શક લેવા જેવું છે. કેમકે એનાં ચિન્હો એણે કોઈ પણ ઠેકાણે જણાવ્યાં નહતાં. કાબુલ તેમજ હિંદુસ્તાનમાં તેની પૂર્વેના વીરપુરુષોની રાજ્યપદ્ધતિને તે અનુસર્યો હતો. એટલે, મેળવેલા પ્રાંતો અને પરગણાંઓ પોતાના પક્ષવાળાઓમાં વહેંચી નાંખ્યા, અને તેમને પોતપોતાના પ્રાંતોમાં મરજીમાં આવે તે રીતે રાજ્ય કરવા દેતો. મુખ્ય રાજ્ય કર્તાને અપરોક્ષ રીતે જવાબદાર રાખવાની પદ્ધતિ તેણે સ્વીકારી હતી. તેથી એમ બન્યું કે જ્યારે તે મરણ પામ્યો ત્યારે એને બાદશાહ તરીકે ગણનારા ઇલાકાઓ ફક્ત આવાજ બંધનથી એકઠા રહ્યા હતા. આગ્રા અને લખનૌ વચ્ચે કે દિલ્હી અને જુઆનપુર વચ્ચે કંઈ પણ સાધારણ પ્રસંગ નહતો. જુદી જુદી કોમોની વસતિવાળા ઈલાકાઓની સરહદો આગળ ભારે ટોલ” એજ એક નીશાની હતી. અને આ બધા મુલકોમાં સામાન્ય બંધન એટલુંજ હતું કે તેમના બધા ઉપર બાબરની સર્વોપરિ બાદશાહત હતી.
આવી રીતે બાબરે હુમાયૂંને એકત્રતાના કોઈ પણ બંધન વિનાના છૂટા છૂટા દેશોનો એક સમૂહ વારસામાં આપ્યો. આ બધા મુલકો વચ્ચે પોતાની જીંદગીમાં રચેલા ગૌણ પ્રાધાન્ય સંબંધ વિના બીજો કોઈ પણ સંબંધ નહતો. ટુંકામાં, જ્યારે તે મરી ગયો ત્યારે બીજા બધા મુસલમાન વંશોની પેઠે મુગલ વંશે પણ હિંદુસ્તાનની ભૂમિમાં રાજ્યનાં મૂળ ઊંડાં નાંખ્યા નહતાં.
- ↑ ❋ પોતાના એક મિત્રને હિંદુસ્તાનનો તાપ અસહ્ય લાગવાથી બાબરે તેને ઘઝનીનો સુબો બનાવી દેશ મોકલી દીધો હતો. તે મિત્ર ઉપર જ્યારે બાબરની જમાવટ થઈ ત્યારે તેણે એક કવિતા મોકલી હતી જેનું નીચે પ્રમાણે ભાષાતર થઇ શકે.
‘હે બાબર ! તું દયાવાન ઈશ્વરના ઔદાર્યને માટે સોસો ગણા ઉપકાર માન એણે તને સિંધ, હિંદ, અને બીજાં ઘણાં રાજ્યો આપ્યાં છે. જો તારાથી તાપ સહન ન થતો હોય અને ઠંડીની ઇચ્છા થાય તો તારે ફક્ત ઘઝનીની ઝાકળ અને ટાઢ સંભારવી.’ - ↑ ૧ પ્રખ્યાત તવારીખના પાને ૩૦૨–૩ માં હુમાયૂંએ લખેલી નીચેની નોટ જોવામાં આવે છે. પાણીપત તરફ જતાં રસ્તામાં આવેલા સરસ્વતીના ડાબા કિનારા ઉપર શાહઆબાદ નામની જગાએ—સને ૧૫૨૬ ના માર્ચની ૬ ઠી તારીખે હુમાયૂંની દાહાડી ઉપર પહેલવહેલો અસ્ત્રો ફેરવાવવામાં આવ્યો. મારા માનવંતા પિતાજીએ પોતાની દાઢીને પહેલવહેલો અસ્ત્રો લગાવ્યાની તારીખ જણાવી છે. તેથી નમ્રતાથી તેમને અનુસરીને મેં પણ મારા સંબંધમાં બનેલી એ બીનાની યાદગીરી કાયમ રાખી છે. મને તે વખતે અઢાર વર્ષ થયાં હતાં. હવે તો મને છેતાળીસ વર્ષ થયાં છે અને હું મહમદ હુમાયૂં આ તવારીખની મારા પિતાના તેના પોતાના હાથની લખેલી નકલ, ઉપરથી મારે પોતાને હાથે નકલ કરૂં છું.