અકબર બીરબલ નિમિત્તે હિંદી કાવ્યતરંગ/અકબરશાહ અને બીરબલ ભાગ-૪થો

વિકિસ્રોતમાંથી
← અકબરશાહ અને બીરબલ ભાગ-૩જો અકબર બીરબલ નિમિત્તે હિંદી કાવ્યતરંગ
અકબરશાહ અને બીરબલ ભાગ-૪જો
નવલરામ પંડ્યા
અકબરશાહ અને બીરબલ ભાગ-૫મો →


અકબરશાહ અને બીરબલ ભાગ-૪જો

અકબર બાદશાહનો સ્વભાવ આતુર હતો અને તેથી તે જે કામ કરવું ધારે તે કરવામાં ક્ષણનો પણ વિલંબ કરતો નહિ. એણે તુર્ત જાસુસો દોડાવ્યા અને ક્હાવ્યું કે આજ બપોરે કોઈ પરદેશી કવિની સમસ્યા પૂરવાને મોટું દરબાર મળનાર છે. બપોર થયા નથી એટલામાં પોતે ખાનું ખાઈ તૈયાર થયો; અને કચેરીમાં આવી જુએ છે તો લોકોથી તે ખીચોખીચ ભરાઈ ગઈછે. મોટા મોટા મુલ્લાંઓ, મુનશીઓ, પંડીતો, કવિઓ, અમીરો, કારભારીઓ અને જેનાથી આવી શકાય તે સઘળા ત્યાં આવીને બેઠા હતા. આ જોઈ પાદશાહ પ્રશન્ન થયા અને બોલ્યા કે થોડા વખતમાં કચેરી સારી ભરાઈ ગઈ. એ સાંભળી મુલ્લાં કૈઝીએ સાત સલામ મુગલાઈ અદબથી કરીને કહ્યું કે:


चलक चलक शमशेर शत, जल जा जड हो जात,
ऐसी जिस्की सैन इक, खा बैनकी बात.


ચાર પાંચ જે આગેવાન ગણાતા હતા તેઓ માથું નમાવી ઉઠ્યા કે 'खुब कही ! जनाहपनाह, सचबात है' । અને બાકીના બધા એનો અર્થ સમજ્યા કે નહિ તે શપથપૂર્વક કહી શકાતું નથી, પણ તેઓએ પણ અમારો એજ મતછે એમ જણાવવા હસતું મો રાખી ખૂબ છટાથી ખુન્નસ બજાવી. બીરબલ મનમાં ગભરાયો કે જ્યાં એક મુસલમાન જુવાન આવું ઉત્તમ કાવ્ય કરેછે ત્યાં બીજા કવિઓ તે કેવા હશે, અને મારું તે અહિંયા શું ચાલશે. તોપણ દરબારીઓમાં અવશ્યનો ગુણ જે ધીટપણું તે એનામાં પુષ્કળ હતું, અને તેથી એનો અર્થ સમજાવીને પણ આગળ પડવાના હેતુથી તે અદબની સાથે બોલ્યો કે આફ્રિન! ખુબ મઝેની વાત કહી! જેની માત્ર એક નજરથી હજારો તરવારો ચમકીને ચાલવા લાગેછે, અને( જો કૃપાની હોય તો) લક્ષ્મી ત્યાંજ સ્થિર થઈને વાસો વસેછે, તે પદશાહના મોમાંથી એક બોલ નીકળે અને તે પ્રમાણે તેના દરબારીઓ અમલ કરે તેમાં શું આશ્ચર્ય!


ફૈઝીની કીર્તિ સાંભળી જગન્નાથ પંડિતને હંમેશા ક્રોધ ચડતો અને તેથી અ પ્રસંગે પણ બોલી ઉઠ્યા કે રસ ક્યાંછે! પાદશાહે જાણ્યુંકે કે રસ ક્યાં શબ્દોમાં છે એમ પૂછે છે તેથી તે શબ્દો બતાવવાનું ફરમાવ્યું. હવે ફૈઝી એ ઉત્કૃષ્ટ કવિ તથા પંડિત હતો ખરો પણ કાવ્યનું શાસ્ત્ર સારી રીતે જાણતો નહોતો, અને તેમાં કાંઈ નવાઈ નથી, કેમકે સંસ્કૃત સિવાય કોઈ પણ ભાષામાં કાવ્યશાસ્ત્ર સંપૂર્ણ નથી. એ સંસ્કૃત સારું ભણ્યો હતો, પણ જગન્નાથ પંડિત આગળ ન્યાય કે કાવ્યમાં ટકાય નહિ, તેથી જાણ્યું કે હવે એ મને ચુંથશે અને તે કારણથી કાંઈક જવાબ દેવાની તૈયારી કરે છે એટલામાં એના મોં ઉપર ફિકાશ પથરાઈ ગઈ. અ જોઈ બીરબલ તુર્ત એની મદદે તૈયાર થયો કેમકે રાજાના માનીતાનો પક્ષ લેવો અને પોતાની હોશીઆરી બતાવવી એને તો એ રાજદરબારનું આન્હિકજ સમજતો હતો.


બીરબલે કહ્યું, રજા હોયતો એનો જવાબ હુંજ દઉં. આ દુહામાં ચમત્કાર એછે કે આપના હુકમથી લોઢા જેવા જડ અને કઠણ પદાર્થ ચાલે છે, અને લક્ષ્મી જેવી ચંચળ વસ્તુ સ્થિર થઇ જાયછે, એમ કહ્યું, એ ઉપરથી આપનો હુકમ સર્વમાન્ય સ્થાપન કર્યો અને તેની સાથે આપનાં પ્રતાપ તથા ઔદાર્યનું વર્ણન પણ થયું. આ વ્યંગાર્થ चलत અને जड એ બે શબ્દ ઉપરથી સમજાયછે માટે એમાં વિશેષ રસ રહેલો છે એમ કહેવાય. બાકી એમાંનાં પદેપદ રસમય અને સાભિપ્રાય છે.


અકબરની સભામાં સૈયદ ઝનૂનુંદ્દીન કરીને એક મોટા ઓલ્મા હતા. પણ નામ પ્રમાણે એનું ઝનૂન દાઢીના જેટલુંજ લાંબુ હતું. જેમ હાલ આપણામાં કેટલાકને ફારસી આરબી શબ્દો સાથે વેર છે તેમ એમને સંસ્કૃત શબ્દો સાથે હતું. અકબરે દરબારી ભાષા ઉર્દુ કરી હતી તેને માટે તે બહુજ નારાજી હતો, અને પોતે તો ફારસીજ ને વખતે આરબી પણ બોલતો. અકબરને વખતે કડવા બોલ સંભળાવનારો આખી સભામાં એકજ હતો પણ સારો વિદ્વાન જાણી એનું એ માન રાખતો. તોપણ વખતે એની મશ્કરી થાય તો તે જોઇને સૌ રાજી થતા, અને તેનું વિશેષ કારણ એક એ મુલ્લાં પોતાને સૈયદ કહેવડાવતો હતો તોપણ ઘણાને એવો વહેમ હતો કે એ લાહોરના એક ખાટકીનો છોકરો હતો. આ તમામ હકીકત બીરબલને માલમ હતી, કેમકે દરબારમાં ગયા પહેલા તેના સઘળા અંદરખાનેના ગિલ્લાઓને તો રાજનીતિના અલેફ બે જાણી તેનો એણે ખાસ અભ્યાસજ કર્યો હતો, અને તેથી સૈયદ ઝનૂનુદ્દીને બોલવા માટે પોતાની ડહાપણ ભરેલી દાઢી ઉપર હાથ મૂક્યો કે બીરબલે હરખાઈને જાણ્યું કે હવે મારી બટકબોલી જીભને કાંઈક છૂટ લેવાનો વખત મળશે ખરો.


ઝનૂનુદ્દીને ચીડવાઈને કહ્યું કે 'ફૈઝી જેવો આરબી ભાષાનો કાબેલ મોલવી કાફરોની જુબાનમાં શાહેરી કરેછે એ જોવુજ કેવું ગુનાહ ભરેલું કામછે? તેમાં વળી પેલી સેતાની સંસ્કૃતનું શું કામછે? जल ! जा ! એ બોલ લખવાની શી ફરજ હતી ? એ બોલમાંજ ફૈઝીની સાહેરી ઉપર બદદુઆ ખુદાએ મૂકી છે ! આ મિજલસમાંના પણ કેટલા જણ એ બોલ સમજ્યા છે તેતો તપાસી જુઓ.આ સાંભળી ઘણા મીજલસીઓએ બેશક પોતાની નજર ફેરવી નાંખી અને બીધા કે રખેને આપણનેજ પૂછે. બીરબલે ટપ જવાબ આપ્યો કે લક્ષ્મી ચપળછે એ વાત जलजा એટલે પાણીથી ઉત્પન્ન થયેલી એમ કહેવાથીજ બરાબર સમજાય છે. કેમકે સૈયદ સાહેબને આ કહેવત તો યાદ હશે કે "સોબતે અસર અને તુખમે તાસીર" આ સાંભળી બધા ખડખડ હસી પડ્યા, કેમકે બીરબલે સૈયદ સાહેબની સૈયદીનું જડમૂળ પકડીનેજ ટાણો માર્યો હતો. પોદશાહ તો ખૂબ પ્રસન્ન થયો પણ વિવેકથી હસવું થંભાવ્યું અને ચોપદાર તરફ શાન કરી એટલે તેણે ગર્જના કરી કે 'અદબ!"


આ ઉપરંગથી બધાનાં મુખ કમળ જેવાં પ્રફુલ્લિત થયાં, પણ જગન્નાથ પંડિત તો ઘુમરાએલાજ બેસી રહ્યા હતા, અને એની હમેશનીજ રતાશ પડતી આંખમાં તેજનો લખલખાટ એવો ગતિમાન થઈ રહ્યો હતો કે બધાએ જાણ્યું કે હમણાં કાંઇ નવીનજ કલ્પના જન્મ પામેછે. પાદશાહે હસીને પૂછ્યું કે શું વિચાર કરોછો? મુલ્લાં ફૈઝીની શાહેરીથી સૈયદ સાહેબ તો નારાજી છે, પણ પંડિતરાજ પ્રસન્ન થયા કે નહી ? જગન્નાથે જવાબ દીધો, અમે બ્રાહ્મણ લોક ઉચ્છિષ્ટ અન્નનો અંગીકારજ કરતા નથી. આ સાંભળી બધા આશ્ચર્ય પામ્યા. મુલ્લાં ફૈઝીએ જે કવિતા શીઘ્ર અને પ્રસંગોપાત બનાવી તે ઉચ્છિષ્ટ શી રીતે થઈ? ત્યારે શૃંગારી જગન્નાથપંડિત સ્વાભિમાનના હાસ્યની સાથે બોલ્યા, પાદશાહ, અ દુહો મિયાં ફૈઝીએ કોઈ દિવસ પોતાની બીબી સારૂ બનાવ્યો જણાયછે, અને તેનું ઉચ્છિષ્ટ આણીને આજ આપને ભેટ કરેછે. બધાએ જાણ્યું કે જગન્નાથે એનો અર્થ કાંઈ ચતુરાઈથી બીજો લગાવ્યો છે અને તેથી પ્રસન્ન થઈ તે સાંભળવાને તલપવા લાગ્યા. એણે કહ્યું કે :-


એનો મૂળ અર્થ આ પ્રમાણેછે :- કહેછે કે આ સ્ત્રીની એક કટાક્ષ એવી છે કે તેમાંથી હજારો ચકચકતી તલવારો નિકળે છે અને ચાલી જાય છે, એટલે ચોતર્ફ ઉભેલા સઘળાની કતલ કરી નાંખેછે! એ કટાક્ષનું મનોહરત્વ જોતાંજ લક્ષ્મી જે રૂપનો ભંડાર છે તે પોતાને કદરૂપી સમજી જડ થઈનેજ ઉભી રહેછે. એવી જેની એક એક કટાક્ષ છે તે જો બોલે તો તો પછી તેની ખુબીજ શી! એ રીતે ફૈઝીમિયાંની શૃંગારવૃતિ ઉતરોતર ઉછળતી જાય છે.


આ અર્થ સાંભળી બધી સભા છક થઈ અને સર્વે જગન્નાથની અપૂર્વ બુદ્ધિનાં વખાણ કરવા લાગ્યા, પણ રસના વિષયમાં ફૈઝી કાંઇ ગભરાય એવો નહોતો. એણે કહ્યું, પંડિતરાજ. તમે મારા કવિતનો ગૂઢ શૃંગારભાવ પ્રગટ કર્યો તેને માટે હું તમારો અહેશાનમંદ થયોછું. તમને માલમ નથી હોય, પણ અમે મુસલમાન લોકો ખુદાને માશુક રૂપેજ ભજીએ છઈયે. આ જવાબથી અકબર પાદશાહ ઘણો પ્રસન્ન થયો, કેમકે એમાંથી જગન્નાથના પૂર્વપક્ષનું ખંડન થયું અને તેની સાથે પોતાને ખુદાઈ ઉપમા મળી તોપણ વિવેકને સારૂ જગન્નાથની શીઘ્રકલ્પના બહુ વખાણી, અને બીરબલના સામું જોઈ કહ્યું કે જોઈએ કોઈ એનો ત્રીજો અર્થ કરી શકેછે. બીરબલ ગભરાયો, પણ અગ્નિથી જેમ અગ્નિ ઉત્પન્ન થાય છે તેમ જગન્નાથની શીઘ્રતા જોઈ એનામાં જે અસાધારણ શીઘ્રશક્તિ હતી તે ઉશ્કેરાઈતો રહીજ હતી, અને પાદશાહની માગણી સાંભળતાં એકદમ કામે લાગી ગઈ. એક ક્ષણ આંખ મીચી કપાળપર હાથ મૂકી વિચાર કર્યો અને પછી બોલી ઉઠ્યો કે "પૃથ્વીના પાળનાર અને પંડિતોના કદરદાન પાદશાહે જગન્નાથ કવિની પ્રશંશા કરી તે યથાર્થજ છે. આ દુહામાં પણ એમની બુદ્ધિનું જ રૂપ વર્ણવ્યું છે. એ કેવીછે? "चलत चमक समशेरसत" સત નામ સાચું, સાચું નામ શાસ્ત્ર, એવા જે કઠિણ વિષયો તેમાં તરવારની માફક ચળકતી ચાલેછે- એટલે કોઇપણ વિષયનું કાઠીન્ય એને નડતું નથી. પણ શું એ માત્ર કઠિણજ છે? એમાં કોમળતા, રસિકતા નથી? તો કહેછે "जलजाजर होजात" એટલે સંધિ તોડતાં,जलज કહેતાં કમળ, अजर થઈ જાયછે, એટલે તેની કોમળતા કદી પણ જતી નથી. ऐसी जीस्की साइन एक એવી જે બુદ્ધિરૂપી સરસ્વતીની એક નજર છે તે સરસ્વતી "कहा बैनकी बात" બૈન એટલે વીણા લઈને જયારે સંગીતજ કરવા બેસે ત્યારે તો તેની કોમળતા કેટલી જાણવી?


શાબાશીના અવાજ ચારે તર્ફથી ઉઠ્યા. પાદશાહ રાજી રાજી થઈ ગયો અને જાણ્યું કે દરબારમાં ખરું રત્ન કોઈ આવ્યું છે. જગન્નાથપંડિતે પોતેજ કબુલ કર્યું કે મારા કરતાં આ કલ્પના વધારે સારી છે. બધાએ જોયું કે બીરબલે જે અર્થ કર્યો તે જગન્નાથની શાસ્ત્રબુદ્ધિ અને કાવ્યશક્તિને બરાબર લાગુ પડેછે। એ દિવસથીજ અકબરની એના ઉપર પ્રીતિ થી અને સભામાં ફીઝી ને જગન્નાથની હારનો બધા એને ગણવા લાગ્યા. તેજ વેળા એને ભારે શિરપાવ આપવામાં આવ્યો અને પોતાની પાસે જયારે મરજીમાં આવે ત્યારે આવવાની છૂટ આપી.

આ આડા પ્રસંગમાંજ ઘણો વખત થઈ ગયો તેથી પાદશાહ સભામાંથી ઉભા થયા અને કહ્યું કે આજ સાંજે સમશ્યાપૂર્તિનો વિચાર ચાલશે. એટલે રત્નજડિત છડીવાળાઓએ નેકી પોકારી, બધા ઉભા થઈ જમીનને હાથ લગાવી સલામો કરી, "ખમા" "ખમા" ના અવાજની સાથે પાદશાહ જનાનામાં પધાર્યા, અને સઘળા સભાસદો નવા કવિ બીરબલના ચાતુર્યની ઉલટભેર વાહવા બોલવા પોતાપોતાને ઘેર ગયા.