અખેગીતા/કડવું ૧૦ મું - ભક્તિ, જ્ઞાન, વૈરાગ્યનું માહાત્મ્ય
← કડવું ૯ મું - વૈરાગ્યાર્ત્તિ તીવ્રતાનું રૂપ | અખેગીતા કડવું ૧૦ મું - ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યનું માહાત્મ્ય અખો |
કડવું ૧૧ મું - સર્વાત્મભાવ તેજ પ્રેમલક્ષણા ભક્તિ → |
કડવું ૧૦ મું - ભક્તિ, જ્ઞાન, વૈરાગ્યનું માહાત્મ્ય
રાગ ધન્યાશ્રી
પૂર્વછાયા
પરબ્રહ્મ રહેને પોતે ખપે, તેહેનો ભેદ કહું તે સુણો;
તે વચન માને ગુરુતણું , ભાવ ભરોંસો અતિઘણો. ૧
ગુરુ કહે રામ રમે સકલમાં, સર્વાવાસ[૩] સ્વામી ભર્યો;
એવું સાંભળતાં મહાવચનમાન્યું, અને ભક્તિઉપર આદર કર્યો
તે હરિ હરિ દેખે સકલમાં, જેહંને જીવ જીવ કરી દેખતો;
હરિ જાણી હેત કરે સકલમાં, પહેલાં જે ઉવેખતો[૪]. ૩
હરિ જાણેથકે ભક્તિ થાએ, તેજ ભક્તિ જાણો ખરી;
અજાણે જે આચરે, તેને દ્રોહ થાએ પાછો ફરી. ૪
સદ્ગુરુનાં વચન સુણીનેં, ભક્તિ જેહને ઉપજે;
અચિરકાલે[૫] તે પામે આત્મા,સદ્ગુરુ વચને જે ભજે. ૫
ભાઇ ભક્તિ જેહવી પંખણી, જેહને જ્ઞાન વૈરાગ્ય બેઉ પાંખ્ય છે,
ચિદાકાશમાંહે[૬] તેજ ઉડે, જેને સદૂગુરુરૂપી આંખ્ય છે. ૬
દેખે નેત્ર પરબ્રહ્મનાં, પરબ્રહ્મના કર્ણ માત્ર;
પાદ પાણી પરબ્રહ્મનાં, પરબ્રહ્મ દાતાનેં પાત્ર. ૭
જળે પ્રરબ્રહ્મ સ્થળે પરબ્રહ્મ, સ્વર્ગ મૃત્યુ પાતાલ,
ગિરિ ગવ્હર[૭] વન વાટિકા, પરબ્રહ્મ જાલ[૮] ને માલ[૯]. ૮
પરબ્રહ્મ વિના નહિ ઠામ ઠાલું, એમ દેખે ભરપૂર,
જિહાં તિહાં દેખે હરિ ભાઇ, જેનાં પડળ[૧૦] થયાં દૂર. ૯
કહે અખો સહુકો સુણો, ભક્તિ આવીને જંતને;
એવા શુધ્ધ ભજનનેં પામવા, તમે સેવો હરિ-ગુરુ-સંતને. ૧૦