લખાણ પર જાઓ

અગ્નિશાંતિ

વિકિસ્રોતમાંથી
← ભસ્મની ઉષ્મા શોભના
અગ્નિશાંતિ
રમણલાલ દેસાઈ





અગ્નિશાંતિ


હડતાલિયાઓના ટોળાને આગળ લેઈ ધસતા પરાશરને લાગ્યું કે તેના સાથીદારો અહિંસક રહી શક્યા હતા. શહેરના મોટા ભાગમાં તો તેઓ સહાનુભૂતિ મેળવી શક્યા હતા. શાંતિ જળવાય તો હડતાલનો દોષ ન નીકળે - જોકે મિલમાલિકો અગર સરકાર તરફથી પહેલો ઘા થાય તો સામા થવા માટે સહુની તૈયારી હતી જ. હિંસાની શરૂઆત પોતાના તરફથી ન થાય એટલું પરાશર માટે બસ હતું.

‘ઈન્કલાબ ઝિંદાબાદ !' તેણે મોટેથી પોકાર કર્યો અને એ પોકારનો જવાબ ગગનને ભેદી રહ્યો.

પરંતુ એ પોકાર શમતા બરાબર એક બાજુથીએ આછો પોકાર આવ્યો :

‘અલ્લા હો અકબર !’

સહુ કોઈ ચમક્યા અને પરાશરને પોતાના પગમાં અશક્તિનો ભાસ થયો. આર્થિક લડતમાં ધર્મનો પ્રવેશ તેને ભયભર્યો લાગ્યો. વર્તમાન હિંદમાં સઘળા ધર્મો બડાઈખોર, લડાઈખોર અને મારકણા અધર્મ બની ગયા છે.

‘બોલો બોલો, શરમ આવે છે શું ? કાફર બની ગયા ? બોલો જે મુસ્લિમો હો તે : અલ્લા હો અકબર !’

હડતાલિયાઓમાં હિંદુ પણ હતા અને મુસ્લિમો પણ હતા. સૈકાઓના સહવાસે હિંદુમુસ્લિમ ઐક્યની દોરેલી રેષાઓ ભૂંસી નાખવાનું માન વીસમી સદીના લલાટે લખાયેલું છે. ધર્મનું બહાનું લાવો અને જુઓ કે એક ક્ષણમાં જગતભરના જીવ, રાક્ષસ અને પિશાચની ભૂતાવળ આપણે ઊભી કરી શકીશું !

મુસ્લિમ હડતાલિયાઓ જોરથી પોકારી ઊઠ્યા :

'અલ્લા હો અકબર!'

હિંદુ હડતાલિયાઓ જરા છોભીલા થયા. ઈશ્વર મહાન છે. એ કથન બધા આસ્તિકોને કબૂલ છે, પરંતુ અરેબિક ભાષામાં એ ભાવનો ઉચ્ચાર થાય તો કદાચ હિંદુઓનો ઈશ્વર અભડાઈ જાય !

‘વટલી જાઓ ! થઈ જાઓ. મુસલમાન ! બાયલા ! હિંદુ હો તો બોલો: હરહર મહાદેવ !' ટોળાના એક ભાગમાંથી કોઈ બોલ્યું. અને હિંદુ હડતાલિયાઓ બોલી ઊઠયા :

'હરહર મહાદેવ !’

બાદશાહોએ ગૌવધ બંધ કરાવ્યા, મંદિર-મઠને જાગીરો આપી અને ધર્મસમાનતાનાં ફરમાનો કાઢ્યાં ! ભલે, પરંતુ વીસમી સદીનો મુસલમાન કાફરોના ઈશ્વરનું નામ સાંભળી રહે તો હજાર વર્ષની એની હિંદની માલિકી લાજે નહિ ? છો ને આજે હિંદના માલિકો બીજા હોય !

પરાશરને લાગ્યું કે ખુલ્લા આકાશમાંથી વીજળી તૂટી પડે છે ! તેને કદી ભય લાગ્યો ન હતો તેવો ભય આજે લાગી ગયો. હિંદની આઝાદી રોકતી અનેક ચુડેલો મજદૂરોના સંગઠનથી વિનાશ પામશે એમ તેની ખાતરી હતી. ધર્મને બાજુએ રાખી રચેલાં હિંદુમુસ્લિમ મજદૂરોના સંગઠનમાં ધર્મન્વિતાની ચુડેલનો ઓળો જરા પણ ફરકશે નહિ એમ તેની ખાતરી હતી. એકાએક તેના પ્રયત્નને નિષ્ફળ કરતી આ ધર્મન્વિતા ક્યાંથી ફૂટી નીકળી તેનો એને પ્રથમ ખ્યાલ આવ્યો નહિ. કેટલાંક અચોક્કસ તત્ત્વો અણધારી ક્ષણે આગળ નીકળી આવી બાજી ફેરવી નાખે છે. પરાશરે બાજી ફરતી અટકાવવા બૂમ મારી :

'બિરાદરો ! આપણી એક જ રણગર્જના હોઈ શકે !' સહુ શાંત રહ્યા, પરંતુ બાજુએથી એક અવાજ આવ્યો :

'ભાઈઓ નથી કહેવાતું ? તે બિરાદરો કહી મુસલમાનોની ખુશામત કરે છે ?’

બીજી પાસથી એક અવાજ આવ્યો :

‘મુસ્લિમોએ શું પોતાનો પોકાર છોડી દેવો ? બોલો : ઈસ્લામ ઝિંદાબાદ ! અલ્લા હો અકબર !’

પોકારનો જવાબ પણ મળ્યો અને પરાશરને કોઈએ સાંભળ્યો નહિ. એના પ્રયત્નો નિષ્ફળ ગયા. ચારે પાસથી ‘અલ્લા હો. અકબર' અને 'હરહર મહાદેવ’ના પોકારો સામસામા અથડાવા લાગ્યા. ઈશ્વરને નામે ઘટ્ટ બનતું વાતાવરણ પાપમય ઉગ્રતા ધારણ કરી રહ્યું. વચમાં વચમાં ‘મહાત્મા ગાંધી કી જય’નો પણ ધ્વનિ ઊપડી આવ્યો, જેના જવાબમાં ‘ઝીણા ઝિંદાબાદ ! મુસ્લિમ લીગ ઝિંદાબાદ'ના પોકાર પણ થયા. આમ ઈશ્વરનું નામ લડવા માટે ઓછું પડ્યું હોય એમ માનવનેતાઓનાં નામ પણ યુદ્ધનાં કારણ બની ગયાં. મૂડીવાદપોષક મિલમાલિકની સામે એક મને ઝૂઝવા તત્પર થયેલી મજદૂર બિરાદરી ધર્મે જોતજોતામાં તોડી પાડી, અને દૂર રહેલા શોષક દુશ્મનને બાજુએ રાખી તેને ભૂલી જઈ ભાઈ ભાઈ તરીકે અત્યાર સુધી વર્તેલા મજદૂરો ધર્મને નામે - મઝહબની બાંગે - એક ક્ષણમાં દુશ્મન બની ગયા. ખભેખભા લગાડી રહેલા ભાઈઓ એ સ્પર્શથી એકએક દાઝી ગયા, અને હિંદુએ મુસલમાનને અને મુસલમાને હિંદુને સાત પેઢીના દુશ્મન તરીકે નિહાળ્યો.

દુશ્મનો શું કરે ? ઝપાઝપ લાકડીઓ ઊડવા લાગી, માથાં ફૂટવા લાગ્યાં. અવ્યવસ્થા ફેલાઈ ગઈ અને ચપ્પુ તથા છરા પણ નીકળવા લાગ્યા. પરાશરને પ્રથમ તો લાગ્યું કે પોતાના હાથમાં રહેલી લાઠીનો ઉપયોગ કરી આ ઝનૂની ધર્માન્ધોને ફટકાવી કાઢે. પરંતુ એ વધારે ઉગ્ર માર્ગ તેને નિરર્થક લાગ્યો. ધર્માન્ધતાથી લાઠી ચલાવતા એક જંગલી હિંદુ કે જંગલી મુસલમાનને પગલે ચાલવામાં તેનું મન પાછું પડ્યું. જ્ઞાની અને અજ્ઞાની બધા જ ઝૂડવાની ક્રિયાને મહત્ત્વ આપે, મારામારીનો આશ્રય લે, તો એક અભણ મજદૂર અને એક જગત-ઉદ્ધાર કરવા નીકળેલા સામ્યવાદીમાં તફાવત જ ન રહે. એકને ધર્મનું ઝનૂન; બીજાને જગત ઉદ્ધારનું ઝનૂન. અને ઝનૂન એ માનસિક ઘેલછા નહિ તો બીજું શું ?

તેના હાથ સ્થિર થઈ ગયા; તેના પગ સ્થિર થઈ ગયા; તે અવાચક બની ગયો. તેના હૃદયમાં એક ભયાનક નિરાશાનું મોજું ફરી વળ્યું. પરાશરના જ બોધથી એકત્ર બનેલા મજદૂરો અણધારી ઢબે છૂટા થઈ ગયા ! તોફાન મિલમાલિક સામે અથવા પોલીસ સામે કરવાનો સંભવ હતો. તેને બદલે અંદર અંદર જ તોફાન મચી રહ્યું. હજી પ્રજાનો શોષિત વર્ગ આર્થિક મોરચે ઊભો રહે એટલો કેળવાયો નહિ ! શું કરવું ?

પરાશરની વિચારશક્તિ પણ શૂન્ય બની ગઈ. તેના ઉપર પણ એકબે લાકડીઓ પડી ચૂકી છતાં તેનું મન સચેત ન બન્યું. એક ટોળું તેના તરફ ધસી આવ્યું છતાં. તે ત્યાંથી ખસી શક્યો નહિ. ટોળામાંથી કોઈએ તેના ઉપર લાકડી ઉગામી. એ ઉગામનાર હિંદુ હતો કે મુસલમાન તેની પણ ખબર ન રહી.

તેના માથા ઉપર ઊતરતી લાકડી એક બીજી લાકડી ઉપર ઝિલાઈ અને તેણે એક અવાજ સાંભળ્યો :

‘મત મારો !’

બેત્રણ માણસોએ તેનો હાથ ઝાલ્યો, અને તેને બાજુની શેરીમાં ખેંચી લીધો.

‘ભાઈ ! આ બાજુની મસ્જિદમાં ચાલો, ત્યાં પેસી જઈએ.’ તેને ખેંચનાર એક યુવકે કહ્યું. એ કંઠ સહજ ઓળખીતો લાગ્યો પરંતુ પોતાને ભાઈ કહી બોલાવનાર એ મુસ્લિમ યુવકને તે ઓળખી શક્યો નહિ. અલબત્ત, અનેક મજદૂરો તેને 'ભાઈ', 'ભાઈજી', 'ભાઈજાન’ કહી સંબોધતા હતા.

‘મારે મસ્જિદમાં પણ નથી જવું અને મંદિરમાં પણ નથી જવું.’ પરાશરે જવાબ આપ્યો.

'કેમ ?'

‘એ બંને મારે મન પાપગ્રહ બની ગયાં છે.'

‘પણ મુસલમાનો તમને હિંદુ ધારીને મારી નાખશે.’

‘તો હું અહીં ઊભો ઊભો જ મરી જઈશ.’

‘મસ્જિદમાં ન જવું હોય તો મારી મોટરલૉરી આટલામાં જ છે, ચાલો.' કહી એ મુસ્લિમ યુવકે તેને ખેંચ્યો.

‘પણ મને તું શા માટે બચાવે છે ?’ કહી પરાશરે ખેંચનો સહજ સામનો કર્યો. યુવકે પરાશરને મચક ન આપી. બીજા બેત્રણ માણસોની સહાય વડે તે પરાશરને ખેંચી ગયો અને તેને મોટરલૉરીમાં બેસાડી દીધો, અને તેણે પોતે જ લૉરી ચલાવવા માંડી.

‘ક્યાં લઈ જાઉં ?' યુવકે પૂછ્યું.

‘જહાનમમાં.' પરાશરે જવાબ આપ્યો.

‘તમારું ઘર ક્યાં ?’

‘મારે ઘર છે જ નહિ.’

‘તો પછી મારે ઘેર ચાલો.'

‘મારે કોઈને ઘેર જવું નથી.’

‘એમ ચાલે ? આખા શહેરમાં તોફાન ફેલાઈ જશે. આપણે બે સાથે છીએ એટલે મને હિંદુઓ મારશે અને તમને મુસ્લિમો મારશે.’

‘હું હિંદુ પણ નથી અને હું મુસલમાન પણ નથી.’

‘પણ તે કાંઈ લોકો સમજશે ?' પરાશર બેસી રહ્યો. લૉરીવાળાએ ગાડી જોરથી દોડાવી. ગાડીની બેઠક નીચેના ભાગમાં લાઠીઓ અને છરા પડેલા પરાશરે જોયા છતાં તે તરફ તેનું ધ્યાન દોરાયું નહિ. એ છરા અને લાઠીનો ઉપયોગ કરવા પ્રેરતી મનોવૃત્તિ એને શસ્ત્રો કરતાં વધારે ભયંકર લાગી.

મોટરલૉરી ડહેલા પાસે આવી ઊભી રહી. શહેરનો છેવાડાનો આ ભાગ પરાશરને જાણીતો હતો.

'ભાઈ ઊતરશો કે ?'

'ના.'

'હરકત નહિ. ડહેલાના માળીએ હું રહું છું ત્યાં તમને નહિ ફાવે. હું ગાડીમાં જ તમને સૂવાની જગા કરી આપું.’

‘મારે સૂવું નથી.’

‘હમણાં નહિ; પણ કાંઈ ખાશોપીશો ખરા ને ? હું ચા લાવું.’

‘હું ચા પણ નથી પીતો.'

‘ચા નથી પીતા ? હું ન માનું. હું જાણું ને !’

‘તું શું જાણે ?'

‘તમને ચા તો બહુ ભાવે છે. કૈંક વાર કરી આપી છે.’

‘મને ? તું ભૂલે છે. કોઈને બદલે કોઈને ધારતો હોઈશ.’

‘ગાડીવાળો હસ્યો.'

‘હું તમને ન ઓળખું ? ચાનું તો આ તોફાન થયું ! પાંચ છ વરસ થઈ ગયાં...'

‘તારું નામ શું ?’

‘મારું નામ સોમો. મને ન ઓળખ્યો ?’

‘સોમો ! અલ્યા મુસલમાન વેશ લીધો છે તેં ?’

'તે હું મુસલમાન થઈ ગયો છું. સોમાનો સમનમિયાં બની ગયો છું!'

પરાશર વિસ્મય પામ્યો. જરા રહી. તેણે પૂછ્યું :

‘શા માટે ?’

‘ભઈ ! તમે ગયા પછી મને કાઢી મૂક્યો; જાણે મેં તમને ઘરથી દૂર કર્યા હોય ! મારે ઘેર મારાં માબાપે મને ન રાખ્યો. કમાણી છોડી આવવામાં જાણે મેં અપરાધ કર્યો ન હોય ! પછી શું કરું ? ગાડીએ ચડી બેસી રેલવે વાળાઓનો માર ખાતો ખાતો શહેરમાં આવ્યો.'

'પણ તેમાં મુસલમાન કેમ થઈ ગયો ?' પરાશરના પ્રશ્રે પરાશરને જ ચમકાવ્યો. કોઈ પણ ધર્મમાં ન માનનાર પરાશર હિંદુત્વના પેઢીગત સંસ્કારને બળે એક હિંદુનો ધર્મપલટો સહન ન કરી શક્યો શું ?

‘શું કરું ? એક મુસલમાને મને ભૂખ્યાને ખાવાનું આપ્યું, અને બસ ચલાવવામાં ક્લીનરની નોકરી આપી. ભૂખને ધરમ શો ? વટલ્યો તો તે જ વખતથી, પણ ખરો મુસલમાન ગયે વર્ષે જ થયો.'

‘હવે ઠીક કમાતો હોઈશ, ખરું ?’

‘હા, ભાઈ ! ઠીક છે. હવે તો હું બસનો માલિક બની ગયો છું.’

'કેવી રીતે?'

સોમાએ વાત કહી. તેને પાળનાર અને નોકરી આપનાર મુસ્લિમને કામથી સોમાએ ખુશ કર્યો. સોમાની વફાદારી અને દક્ષતા એને બહુ ઉપયોગી થઈ પડ્યાં. કમાણી વધી અને કરજે કાઢેલી મોટરબસનું કરજ સોમાની એકનિષ્ઠ નોકરીથી ફીટી ગયું. માલિકની મરિયમ નામની દીકરી સોમાથી સહેજ મોટી હતી. બંનેના હૃદયમાં યૌવન ગુંજી ઊઠ્યું. માલિક એક દિવસ અકસ્માતમાં ઘવાયો. સામાન્ય મનુષ્યો માટે સારવાર - શાસ્ત્રીય સારવાર - હોતી જ નથી. વારંવાર માંદગી વધી પડી. તેના મુખ ઉપર ભારે વ્યગ્રતા હતી. વારંવાર તે પોકારી ઊઠતો.

‘મારી મરિયમનું શું થશે ?'

સોમાએ મરિયમની કાળજી પોતે રાખશે એમ જણાવ્યું. તેણે જવાબ આપ્યો :

‘બેટા ! તું મુસ્લિમ થાય તો હું મરિયમ સાથે શાદી કરાવીને જાઉં.’

સોમાને આ અદ્દભુત ઉદારતાએ અસર કરી. મરિયમ તેને ગમતી તો હતી જ. તેણે હા પાડી. હિંદુધર્મ છોડ્યો, અને મરિયમ તથા મોટરબસ પામી તે સુખી સંસારી બન્યો.

હિંદુધર્મ છોડ્યાથી એને ગેરફાયદો શો થયો ? હિંદુધર્મમાં આવી ઉદાર સગવડ ગુલામી માટે જન્મેલા સોમા માટે કદી થઈ શકત ખરી ? ધર્મ બદલી સોમો સમન બન્યો તે સાથે જ તે એક મહાન બિરાદરીનો મુક્ત અણુ બની રહ્યો. તેના માનસમાં એક જાતનું સ્વાતંત્ર્ય અને મસ્તી આવ્યાં - જે હિંદુત્વના સંકોચ આપતા વાતાવરણમાં અશક્ય હતાં. તેની નૂતન મુસ્લિમતાએ તેના ઉચ્ચારમાં પણ ફરક પાડી દીધો.

‘મને કૈંક આરિયાઓ કહે છે કે તું હિંદુ બની જા; પણ હિંદુઓ હવે મને ઊભો શેના રાખે ?'

‘પણ હવે તું મારા જેવા હિંદુને કેમ બચાવી લાવ્યો ?’ ‘લો ! તે હું તમને ભૂલી જાઉં, ભાઈ ? હિંદુ હોઈએ કે મુસલમાન ! પણ જેણે આશરો આપ્યો એને નજર આગળ મરવા દેવાય ?’

‘મરવા જેવું આમાં શું હતું ?'

‘અરે ભાઈ ! ત્યારે તમને કશી ખબર જ નથી.’

‘શાની ?'

‘કે આ હુલ્લડ કેમ થયું ?'

‘હું એ જ વિચારુ છું. મારા સાથીદારો મને સદાય વફાદાર રહ્યા છે. આજે એમણે મારું કહ્યું કેમ ન સાંભળ્યું ?’

'સાથીદાર તો ઠીક છે, ભાઈ ! અમારા જેવા ઘડીમાં આામ અને ઘડીમાં તેમ પણ ફરે. પણ આ હુલ્લડોમાં જુદી બાજી હતી.'

સોમાએ એ બાજી સમજાવી. મિલમાલિકોએ થોડા મૌલવીઓ - મૌલવીનો દેખાવ કરનારા ઝનૂની અર્ધભણેલાઓને તેમજ હિંદુ ધર્મને સાચવવા માટે ગુંડાગીરીની જરૂરિયાત છે એમ માનનારા સભાભંજકો અને અખાડાબાજોને હડતાલ ભાંગવા માટે રોક્યા હતા. બીજી કોઈ રીતે હડતાલ શમી નહિ એટલે બંને પક્ષને તેમણે પૈસા આપી રાખ્યા. અંદર અંદર ધર્મને નામે હડતાલિયાઓ ઝઘડી પડે તો સારામાં સારું ઇનામ મળવાનું હતું. ધર્મને કારણે તેઓ ન ઝઘડે તો છેવટે સામા થઈને પણ તોફાન કરવાનું જ હતું. આ એક બનેલા ટોળાને ધર્મે લડાવી મારવાનું સત્કાર્ય કર્યું; અને મિલમાલિકો ઉપર કશો જ આરોપ આવી શકે નહિ એવી કુનેહથી હડતાલિયાઓ અંદર અંદર જ લડી પડ્યા.

હિંદુ-મુસ્લિમ ઝઘડાઓ તો હિંદને શરમાવતા ઝબકી ઊઠે છે; પરંતુ એ ઝઘડાઓની પાછળ આવી ચાલબાજીઓની ચોકસાઈ હોય છે એનું તેને અત્યારે પ્રથમ જ ભાન થયું. અર્થ કાજે ધર્મને વેચવા કોઈ વ્યક્તિ પ્રયત્નશીલ થાય. પરંતુ સંસ્થાઓ અને સમાજે ધાર્મિક મતભેદને હથિયાર બનાવી ધર્મની, માનવતાની જીવનની આવી ક્રૂર મશ્કરી પણ કરી શકે એ તેને માટે ન રુઝાય એવો ઘા બની ગયો. તેને એમ લાગ્યું કે ચારે પાસ વ્યાપી રહેલી આ નીચતામાં જીવવા કરતાં મરવું વધારે શ્રેયસ્કર હતું !

‘અને તેમાં તમને ઘા કરવાની તો બરાબર પેરવી હતી. મને જ એ કામ સોંપાયું !' સોમાએ કહ્યું.

'તને ?'

‘હા, ભાઈ ! હું મિલમાં લારી અને બસનો કૉન્ટ્રાક્ટ રાખું છું ને ?’

પરાશર કાંઈ બોલ્યો નહિ. તેની જિહ્વામાં ઊતરે એવા ઉદ્ગાર તેની પાસે ન હતા. તેના મનમાં વિચારો ઊભરાતા હતા કે તેમાં શૂન્યતા જ હતી?

બહારના અંધકારને તે નિહાળી રહ્યો. ઓછા-વધતા પ્રકાશવાળા દીવા એને દેખાયા. એ સર્વ દીવાને ફૂંક મારી હોલવી નાખવાનું તેને મન થયું.

‘કાંઈ જમશો ? હું ચોખ્ખું લાવી આપું.' સોમાએ કહ્યું.

‘ચોખ્ખું? એટલે ?’

‘મુસલમાનના હાથનું નહિ.’

‘મને ઘા કરવાને બદલે બચાવી લાવનારનો હાથ ચોખ્ખો શા માટે નહિ ? અનેક હિંદુ હાથ કરતાં તારો હાથ વધારે પાક છે.’

'પણ...મારા ઘરમાં તો મરિયમ રસોઈ કરે છે ને ?’

‘મુસલમાનના હાથનું જમવાથી વટલાય એવું મારું હિંદુત્વ રહ્યું નથી. અને મરિયમ નામ જ એવું છે કે જેને પગે લાગવાનું મન થાય. ઈસા મસીની એ મા !’

‘ઘરમાં આવશો કે અહીં જમશો !’

‘અહીં જ બેસીશ. મને ફાવી ગયું છે.'

પરાશરની જીભમાં સ્વાદ રહ્યો ન હતો. છતાં સમનના આગ્રહે તે જમ્યો, અને આખી રાત તેણે બસની પાટલી ઉપર સૂતાં સૂતાં વિતાવી.

સોમો-સમનમિયાં પણ આખી રાત જાગ્યો. એ નાનકડો નોકર સુખી ગૃહસ્થ બની ગયો હતો. ધર્મપલટાથી એની માનવતા પલટાઈ ન હતી. અને માનવતા ખોવડાવતો કયો ધર્મ જીવતો રાખવાને યોગ્ય કહેવાય ? ત્રણ દિવસની ભૂખ પછી તેને ભોજન મળ્યું. જગતમાં જીવવા જેવું છે ખરું?




સમન છાપું વાંચતો પણ થઈ ગયો હતો. સવારના પહોરમાં ‘સતવાદી-સતવાદી’ની બૂમ મારતા ફેરિયાએ જગતને જગાડ્યું. સમને છાપું ખરીદ્યું અને બહુ જ રસપૂર્વક વાંચવા માંડ્યું. પરાશર હજી તેની બસમાં સૂઈ રહ્યો હતો. સમનનું ડહેલું એ તેનું ઘર પણ હતું. તડકો કે વરસાદ હોય ત્યારે બસને તે ડહેલામાં મૂકતો, નહિ તો બહારના ખુલ્લા ચોગાનમાં તે પડી રહેતી.

પરાશરને જાગતા બરોબર આશ્ચર્ય લાગ્યું. પોતાની ઓરડીમાં જ જાગવા ટેવાયલી પરાશરની આંખને બસ અને તેની આસપાસનું વાતાવરણ નવાં જ લાગ્યાં. છાપું વાંચતા સમનને તેણે જોયો અને આખી ઘટના યાદ આવી. પરાશરને જાગૃત થયેલો જોતાં સમન પાસે આવ્યો.

'તે ભાઈ ! તમે 'સતવાદી' છાપામાં છો ?' તેણે પૂછ્યું.

‘હા, કેમ ?' પરાશરે જવાબ આપ્યો.

‘આ છાપામાં બધું લખ્યું છે. તેમાં તમારુંયે નામ છે.’

'મારું નામ?'

‘હા, એટલા માટે કે તમે આખી હડતાલ ઊભી કરી; પણ તોફાનમાં તમારો પત્તો ન લાગ્યો. બધા તમારી શોધમાં છે.'

‘મને શા માટે શોધે છે ?’

‘તમને નહિ, તમારી લાશને શોધે છે.' હસીને સમને કહ્યું.

‘મારી લાશને ?’

‘હા.. તમને ઘા થયો અને એક મોટરમાં ઘસડી તમારી લાશને વગે કરવા ગુંડાઓ લઈ ગયા. એવી બાતમી છાપાવાળાને કોઈએ આપી છે.’

‘એમ ? ભલે. હવે હું ખરી ખબર આપું.’

‘હમણાં ચાર દિવસ કશેય જવું નથી. પોલીસ કૈંકને પકડે છે અને તમારું નામ તો બધામાં જાણીતું થઈ ગયું છે.'

‘પણ હું રહીશ ક્યાં ?'

‘મારું ઘર નથી ? મને કોઈ પૂછવાનું નથી.'

‘મિલવાળા નહિ પૂછે ?’

‘હડતાલ ભાંગી એટલું બસ છે. હું તો એમાં ઊભો પણ ન રહું તમને ખબર નહિ હોય પણ હું તો તમારા “યુનિયન"માં છું. તમારાં ભાષણો ઘણી વખત સાંભળું છું; પણ એ હડતાલ ભાંગવાની પેરવી ચાલી એટલે હું જાણી જોઈને એમાં ભળ્યો. તેમાંયે જ્યારે સાંભળ્યું કે તમને ઘસી નાખવાના છે તો એ કામ મેં જ માથે લીધું. બીજો હોત તો તમને છરો ભોંકી દીધો હોત ને ?'

'પણ તને મિલવાળા પૂછશે તેનું શું ?’

‘કહીશ કે તમે છટકી ગયા અને તમારા જેવા બીજા કોઈને છરો ભોંકાઈ ગયો.’

પરાશરનો દેહ દુ:ખતો હતો, મનનો દુ:ખાવો એથી પણ વધારે હતો. મિલવાળાઓએ ભલે હડતાલ ભાંગવાની યુક્તિ રચી. એ સફળ કેમ થઈ? એનું નિદાન શું ?

તેનામાં ઊઠવાની શક્તિ રહી ન હતી. તેને કાંઈ પણ કામ કરવાનું મન રહ્યું ન હતું. તેને શૂન્યતામાં ઊતરી જવાની જ ઈચ્છા રહ્યા કરતી હતી. દેશને સ્વતંત્ર બનાવવો, પ્રજાને સુખ મળે એમ કરવું, શોષિતોનો જીવનભાર હળવો બનાવવો - એ બધી ભાવનાઓ ખાલી, નિર્બળ અને હવાઈ લાગી. કોઈને સ્વતંત્ર બનવું નથી ! બીજાઓ સ્વાતંત્ર્ય લાવી આપે તો ઠીક. પ્રજાને સુખ આપવું એટલે પહેલું પોતે સુખ મેળવી લેવું, અને એ સુખ સનાતન રહે એવી જ ચોકસાઈ કરવી. એટલું થાય પછી વધ્યુંઘટ્યું સુખ ભલે પ્રજામાં વેરાય ! અને શોષિતો ? એમને જીવન હોય તો જીવનભારનું ભાન થાય ને ? કાલે મહાત્મા ગાંધીને તેઓ સાંભળતા હતા. મહાત્માએ પીછેહઠ કરી એટલે સામ્યવાદને તેમણે સાંભળવા માંડ્યો; પરંતુ એ ગાંધીવાદ અને સામ્યવાદ હજી તેમને હિંદુમુસ્લિમ વિરોધથી મુક્ત નથી કરી શક્યા.

પરાશર જરા ચમક્યો. સામ્યવાદીઓ અને સમાજવાદીઓ બહુ બુદ્ધિમાન હોય છે. દલીલમાં તેઓ અત્યંત નિપુણતા ધરાવે છે, અને પ્રત્યેક બનાવ કે પ્રસંગનાં કારણોની સાંકળને માર્ક્સે ભાખેલા આર્થિક વર્તારાની સાથે જોડી દેવાની દક્ષતા બતાવ્યા કરે છે - જેમ હિંદુશાસ્ત્રો અને રૂઢિઓ બધા જ વ્યવહારને વેદમાં કે ગીતામાં જોવા મથે છે તેમ.

હિંદુમુસ્લિમ વિરોધ આગળ અટકી પડેલા સામ્યવાદનો વિચાર આવતાં જ પરાશરને લાગ્યું કે કાં તો સમાજ સામ્યવાદ માટે પક્વ થયો નથી કે પછી સામ્યવાદીઓની પ્રચારપદ્ધતિ ખામીભરેલી છે. સમાજ પક્વ ન હોય તો તેવો બનાવવાની સામ્યવાદીઓની ફરજ હતી. પ્રચારપદ્ધતિ ખામીભરેલી હોય તો આત્મનિરીક્ષણ કરી તેને સુધારવી રહી. આત્મનિરીક્ષણ ! પાછો ગાંધીવાદનો પડઘો ! ગાંધીવાદે કેટલી જબરી ચૂડ હિંદના માનસ ઉપર ભેરવી છે !

આખો દિવસ પરાશર બસમાં પડી રહ્યો. તેણે છાપાં વાંચ્યાં. કેટલાકે હડતાલિયાઓનો દોષ કાઢયો. કેટલાકે મિલમાલિકોનો દોષ કાઢયો. કેટલાકે પોલીસબંદોબસ્તનો દોષ કાઢ્યો. કેટલાકને સખ્ત વાગ્યું હતું, ઘણાને થોડું થોડું વાગ્યું હતું અને બે મરણો નોંધાયાં હતાં. આગેવાન પરાશરની સલામતી માટે સહુએ શંકા વ્યક્ત કરેલી હતી. લોકોમાં તોફાનનો ભય વ્યાપી ગયો હતો. દુકાનો અડધી બંધ હતી અને પોલીસના પહેરા શહેરની ચોકી કરતા હતા. હડતાલિયાઓ અંદર અંદર લડ્યા એની ખબર બહુ ઓછા ખબરપત્રીઓએ આપી હતી. મિલમાલિકોએ હડતાલ ભાંગવા શું કર્યું હતું તેની માહિતી પત્રોમાં ન હતી. બહુરંગી કારણો આ તોફાન માટે આપવામાં આવતાં હતાં. એક મુસ્લિમ હડતાલિયાએ એક હિંદુની માલિકીની ગાયને પંપાળી તેમાંથી ઝઘડો ઊભો થયાનું એક ભરોસાપાત્ર ખબરપત્રીએ જણાવ્યું. એક હિંદુ હડતાલિયાએ મસ્જિદ આગળ 'વંદેમાતરમ' ગાવા માંડયું, તેમાંથી તકરાર થવાનું બીજા ભરોસાપાત્ર ખબરપત્રીએ જણાવ્યું. પરંતુ ‘અલ્લાહો અકબર' અને ‘હરહર મહાદેવની ઘોષણાને અંગે હિંદુમુસ્લિમ ઝઘડો થયો હતો એમ તો સહુએ સ્વીકારી લીધું હતું.

પરાશરને ત્રીજા પહોરે એમ લાગ્યું કે તેણે પોતાની જાહેરાત કરવી જ જોઈએ. સમન અડગ હતો. તેણે અને મરિયમે પરાશરને આગ્રહ કરી રાત પૂરતો રાખ્યો. તે બહુ જ આદર અને સારવાર પામ્યો. આ વ્યક્તિગત સ્વભાવમાધુર્ય અને સામુદાયિક વિગ્રહ વચ્ચેનો વિસંવાદ તેના મનને કોર્યાં કરતો હતો.

સોમા એક વખતનો બાલનોકર. ધર્મપલટામાં સુખ અને સંસાર મેળવી. સંતુષ્ટ થયેલો. એ એક સહજ ઊંચા વર્ગનો શ્રમજીવી શા માટે પરધર્મીં પરાશરને બચાવતો હતો ? એને સમૂહે અસર કેમ ન કરી ? એક વખત એ હિંદુ હતો માટે ? એમ તો હિંદના સાડી નવાણું ટકા મુસ્લિમો કેટલી પેઢી પહેલાં હિંદુ જ હતા ને ?

બીજે દિવસે તે જવાને તૈયાર થયો. સમને કહ્યું : ‘ભાઈ ! હજી જોખમ છે. ન જશો.'

‘શું જોખમ છે ?’

‘એ કહેવાનું નથી, પણ ચારપાંચ દહાડા અહીં કાઢી નાખો. હું હરકત નહિ પડવા દઉં.’ 'હરકતનો પ્રશ્ન નથી; પણ જોખમનો ભય મારે ટાળવો જોઈએ.’

‘તો પછી અહીં જ રહી જાઓ ને !’

‘જોખમની સામે જઈને હું ભય ટાળવાનો. જોખમથી ભાગવામાં હું માનતો નથી.' સહજ આરામ અને પોષણની અસરથી પરાશરની ઓસરી જતી તાકાત પાછી આવવા માંડી હતી. સમનનો આગ્રહ વ્યર્થ બન્યો અને અંતે પરાશરે મરિયમની રજા લીધી. સમન કરતાં સહજ મોટી ઉંમરની આ મુસ્લિમ યુવતી બુરખામાં રહીને પણ એક હિંદુને આશ્રય આપી શકી હતી. એ અદ્દભુત ઉદારતા પરાશરને પોતાના અગ્નિમય જીવનમાં શીતળતાની ઝડી સરખી લાગી હતી. તેણે મરિયમનો આભાર માન્યો.

‘શાનો આભાર ? અમને અભણને કશી ગતાગમ તો હોય નહિ...' મીઠા અવાજે મુખ ઢાંકી રહેલી મરિયમે કહ્યું. તેને બોલતી અટકાવી પરાશરે પૂછ્યું :

‘તમે ભણ્યાં નથી ?’

‘ના, અમને કોણ ભણાવે ?’

'હું ભણાવું તો ?'

સમન બસ તૈયારી કરી લાવ્યો. તેણે કહ્યું :

‘ચલો, ભાઈ ! બેસી જાઓ. હું મૂકી આવું.’

‘જરૂર નથી, હું ચાલ્યો જઈશ.’ પરાશરે કહ્યું.

'તે હું એમ જવા દઉં ખરો ?’

‘હું એક શર્તે બેસું.’

'શી?'

‘મરિયમને ભણાવવાનું કબૂલ કરે તો.'

‘હા, હા, કબૂલ; તમે ચાલો ને !’

અજ્ઞાન, અંધશ્રદ્ધા, ઝનૂન, સ્વાર્થ, દાવપેચ અને જુઠ્ઠાણાને પોષતી સમાજરચનામાંથી આવા અપવાદો કેમ નીકળી આવતા હશે ? સમનની સાથે જતાં જતાં પરાશર વિચારવમળમાં પડ્યો. પરાશરની ચાલી ક્યાં આવી હતી. તે સમનને બતાવવાની જરૂર ન હતી; કારણ પરાશરનું સ્થાન તે જાણતો હતો. મકાન આવતાં ગાડી ઊભી રાખી. તે પરાશર સાથે જ ચાલીમાં આવ્યો.

‘ભાઈ ! આવ્યા ?’ રતન દૂરથી બૂમ પાડતી આગળ આવી. લોકો ભેગા થઈ ગયા અને પરાશરની ઓરડીમાંથી ડૉક્ટર કુમાર પણ બહાર નીકળી આવ્યો. તેણે પૂછ્યું : ‘ક્યાં હતો ? અમારી તો ઊંઘ ઊડી ગઈ !’

સહુએ એવા જ પ્રશ્નો કર્યા. એને કાંઈ વાગ્યું ન હતું એ જાણીને સહુને આનંદ થયો.

‘હવે એમને જરા બેસવા દો.’ કોઈએ કહ્યું.

પરાશર પોતાની ઓરડીમાં આવ્યો. કુમારે તેને તેના ખાટલામાં બેસવા જણાવ્યું; પરંતુ તેમ ન કરતાં એ પોતાની સાદડી ઉપર બેઠો. સમન અને રતન તેની સાથે જ ઓરડીમાં ગયાં.

‘તું જા. હવે. ક્યાં સુધી રોકાઈશ ?' પરાશરે સમનને કહ્યું.

‘મને એમ થાય છે કે હું હજી થોડા દિવસ તમારી ભેગો રહું '

‘જરૂર નથી. આ ડૉક્ટર મારી ભેગો છે. મને વાગશે તો એ દવા કરશે, અને આ રતન મારી પરિચારિકા બનશે.’ હસીને પરાશર બોલ્યો. તેને પોતાની ઓરડી મળી. એ ઓરડીએ તેને અનેક પ્રસંગે દૃઢતાના પાઠ શીખવ્યા હતા. ઓરડી પરાશરના જીવનવર્તુલ જેવી જીવતી બની ગઈ હતી. પરાશરમાં જીવનનો ઉત્સાહ ઊભરાયો.

'ભાઈ ! હું હજી કહું છું કે કોઈનો વિશ્વાસ ન કરશો.' સમને કહ્યું.

‘એટલે ?'

‘મારોયે નહિ.'

‘તારો વિશ્વાસ ન કરું તિ પછી જીવું શા માટે ?’

‘ખિસ્સામાં ચપ્પુ તો રાખી જ મૂકજો.'

'વારુ.'

અત્યંત અણગમાસહ સમાન ગયો. પરાશરે રતનને અને કુમારને બે રાતનો અનુભવ કહ્યો.

‘ચાલ હવે બધે ખબર આપું. પહેલી પોલીસને, એટલે એ તારી લાશને બદલે તને ઝાલશે.' કુમારે કહ્યું.

‘એટલે ?'

‘તારો પત્તો ન હતો. એટલે તારું ખૂન થયેલું બધા ધારતા હતા. હવે તું જીવે છે એટલે તું ગુનેગાર ગણાઈ પોલીસને હાથ પડીશ.’

‘વૉરંટ નીકળ્યું છે ?’

‘હવે નીકળશે, પણ મને ખબર કરી આવવા દે. પેલો ભાસ્કર અને તારી દોસ્ત રંભા પણ બધે તપાસ કર્યા કરે છે.’ ‘પેલી બીજી છોકરી પણ આવી હતી. રતને કહ્યું.

‘કોણ ?’

'ન્હોય. પેલી તે દિવસે તમને મળ્યા વગર બહારથી જ જતી રહી હતી તે! '

પરાશરને શોભનાનો ખ્યાલ આવ્યો, પરંતુ તે કાંઈ બોલ્યો નહિ. કુમાર ખબર આપવાને માટે બહાર નીકળ્યો. સાથે સાથે ઘવાયેલા મજૂરોને પાટાપટ્ટી કરવા માટે પણ તેને જવાનું હતું. પરાશર અને રતન એકલાં પડ્યાં.

‘મારો તો જીવ ઊડી ગયો હતો !’ રતને કહ્યું.

‘મને પણ એક વખત એમ થયું કે હું જીવતો ન રહું તો વધારે સારું.’ પરાશરે પોતાની એક ઊર્મિનું વર્ણન આપ્યું.

‘ખમ્મા કરે તમને ! મેં તો બાધા માની છે.’

‘કોની ?’

‘કહીશું પછી. તમારે તો કશામાં માનવું જ નહિ ને ! જરા દેવદર્શન કરતા રહો તો માથેથી ભાર તો ઊતરે !’

બાધા, દેવ અને દર્શન એ બધા જ વહેમ હતા. એમાં પરાશરને શ્રદ્ધા તો ન જ હોય, પરંતુ ઊલટો વિરોધ હોય, છતાં એ પ્રત્યાઘાતી ભાવ અત્યારે નિ:સ્વાર્થી પ્રેમનું સ્ફોટન કરતો હતો. વહેમવિરુદ્ધ કાંઈ પણ કહેવાનું પરાશરને મન થયું નહિ.

‘આ એક કાગળ તમારા નામનો આવ્યો છે.' રતને ચોથીમાંથી પત્ર કાઢતા કહ્યું.

‘મારા નામનો ? જોઉં.’ પરાશરે કાગળ લીધો.

ગઈ કાલનો ટપાલમાં પડેલો પત્ર આજની છાપ ધારણ કરી રહ્યો હતો. અક્ષર ઓળખાયા નહિ. કાગળ તેણે ફોડ્યો. તે ઉઘાડતાં એક કોરા કાગળમાં વીંટેલી રૂપિયાની નોટો બહાર નીકળી આવી, પચાસ રૂપિયાનાં એક કાગળિયાં હતાં. !

“મને આમ રૂપિયા કોણ મોકલાવે ?' પરાશરના મનમાં વિચાર આવ્યો.

‘હવે તો ભૂખ્યા નથી રહેવું ને ?’ રતને પૂછ્યું.

‘હું કદી ભૂખ્યો રહેતો જ નથી.’

‘જુઠ્ઠા. હવે જરા સારું ખાઓ.’ 'પણ એ પૈસા કોના ?’

'હવે તમારા.'

‘મારા નહિ જ. મારી મહેનત સિવાયનો પૈસો વાપરું તો હું પાપમાં પડું'

પરાશર બોલ્યો. રતન તેની સામે જોતી રહી.

પરાશર છાપે ચડીને મહાપુરુષ બની ગયો. વાચકોએ તેની આસપાસ કૈંક વાર્તાવલિ ઊભી કરી. તેનું ખૂન થવાનો સંભવ તેના પ્રત્યે વાચકજગતનો સમભાવ પ્રેરી રહ્યો. જીવતોજાગતો જડ્યાની હકીકત વાંચી લોકોનો સમભાવ તેના પ્રત્યે વધી ગયો. એનું ખૂન કેમ થવાનું હતું, એ કેમ બચી ગયો. એણે કેટલી બહાદુરી કરી એ સંબંધમાં લોકોની કલ્પનાએ જાતજાતની નવલકથાઓ ઘડી કાઢી. આવા મિથ્યા સમભાવનો તિરસ્કાર કરી રહેલો પરાશર કશી હકીકત બહાર પાડવાની તૈયારી બતાવતો ન હતો. એટલે કુતૂહલ અને સમભાવ અનેકગુણ વધી ગયા. લોકો તેના તરફ આંગળી ચીંધવા લાગ્યા.

‘આ પેલો પરાશર !’

એ ઉદ્ગારો તેણે રસ્તે ચાલતાં ઘણી વાર સાંભળ્યા. સમૂહની કલ્પના અને સમભાવ ઉપર જ જગતની ઉન્નતિનો આધાર રહેલો છે, પરંતુ અશાસ્ત્રીય અને અવાસ્તવિક સમૂહમાનસ કેટકેટલી વિકૃતિઓ ઉપજાવે છે એનું દૃષ્ટાંત તાજું જ હતું. સમૂહને લડત ઉપર ઊંચકવામાં રહેલાં જોખમોનો ખ્યાલ તેને આવવા લાગ્યો હતો. જોકે એ સમૂહની લડત સિવાય મૂડીવાદનો નાશ થવાનો નથી. એની પણ તેના મનમાં ખાતરી જ હતી.

પોલીસે પણ તેનો ઠીક ઠીક પીછો લીધો હતો, કારણ હડતાલની યોજના તેણે જ ઘડી હતી. મિલમાલિકો પ્રાંતીય સરકારના પરિચિત મહાસભાવાદી હતા એટલે પોલીસ બરાબર તપાસ કરવાની ચાનક રાખતી હતી. હડતાલ ભાંગવા માટે થયેલી યુક્તિ વિષે કોઈ કશું જ જાણતું ન હતું. અને ખાદીધારી મિલમાલિકોએ તો હાથ નીચેના અને તેમનાથીયે દૂર રહેલા હાથ નીચેના કાર્યકર્તાઓને ગમે તેમ પૈસા વાપરો, પણ હડતાલ બંધ પડાવો ! શું કરવું તે અમને પૂછશો જ નહિ !’ એવી સૂચના સાથે કાને હાથ દઈ સત્ય અને અહિંસાપાલનની પ્રતિજ્ઞા કોઈ પણ ન્યાયની અદાલતમાં સાબિત થાય એવી રીતે પાળી હતી.

હડતાલ પડાવવામાં અંગત રીતે ખૂબ રસ લઈ રહેલા વિજયરાયને મિલમાલિકોએ મનાવ્યા; પ્રધાનો તેમને ઘેર ખેંચાઈ આવ્યા અને હડતાલ બંધ પાડવાની મસલત કરવા જેવું મહત્ત્વ તેમને આપ્યું; સમિતિમાંથી દૂર કરવાની દરખાસ્ત કરનાર ઉછાંછળા મહાસભાવાદી યુવકે વિજયરાય સામે નાકલીટીઓ પણ ખેંચી અને એક મહોત્સવમાં પ્રમુખસ્થાન લેવાની આર્જવભરી વિનતિનો આગેવાનોએ વિજયરાય પાસે સ્વીકાર કરાવ્યો એટલે કુસંપના ગેરફાયદા સમજી ચૂકેલા અને પક્ષ પાડવાની નીતિ વિરુદ્ધ ખૂબ બોલી ચૂકેલા વિજયરાયે દેશની દાઝ હૈડે ધરી હડતાલમાંથી અંગત રસ લેવાનું ઓછું કરી નાખ્યું હતું. તેમણે પૈસા આપવામાં પાછાં પગલાં કરવા માંડ્યાં હતાં અને સમાજવાદી પુત્ર ભાસ્કરને હડતાલિયાઓમાં વધતી જતી હિંસક વૃત્તિનું સૂચન કરી કેમ ખસી જવું તેની ચેતવણી પણ આપી દીધી હતી. પરાશર આ બધી વિગતોથી અજાણ્યો હતો, અને ભાસ્કરના મોજી બિનજવાબદાર વલણને દોષ દેતો હતો. સરઘસમાં તે છેલ્લે દિવસે ન જોડાયો એની પરાશરને રીસ પણ ચડી હતી. પરંતુ હિંસાનો વિજય થયો અને પરાશરે ન ધારેલી રીતે હડતાલનો અંત પણ આવી ગયો. પરિણામમાં ઘવાયલા મજૂરો, મૃત થયેલા બે શ્રમજીવીઓનાં નિરાધાર બનેલાં કુટુંબ, પરાશરની તપાસ અને સમાજ ઉપર ચડેલો ઝેરનો એક વધારે પુટ એટલું જ અસ્તિત્વમાં રહ્યું.

પરાશરે પત્રમાં કામ પણ શરૂ કરી દીધું હતું. ચારપાંચ વર્ષથી ઘર છોડી ગયેલા પુત્રના ખૂનનો સંભવ વાંચી પરાશરના કુટુંબે તારથી તેની ખબર પુછાવી હતી - જોકે મમતે ચઢેલું કુટુંબ પુત્રની ખબર પૂછવા જેટલું પણ અત્યાર સુધી કુમળું બની શક્યું ન હતું. ભાસ્કરે મજૂરપક્ષ પ્રત્યેનો રસ ઓછો કરી નાખ્યો, અને પરાશરની મૈત્રી જોકે તેણે ચાલુ રાખી છતાં તે મોટે ભાગે શોભના કે રંભા - ઘણુંખરું રંભાને લઈ કારમાં જ વખત વિતાવતો હતો.

પરાશરને પચાસ રૂપિયા ખૂંચ્યા કરતા હતા. તેણે રંભાને પૂછયું. ભાસ્કરને પૂછ્યું, કૃષ્ણકાન્તને પૂછ્યું; પરંતુ કોઈએ તેને પચાસ રૂપિયા મોકલ્યા ન હતા - જોકે સહુએ પચાસને બદલે સો રૂપિયા આપવાની તીવ્ર ઇચ્છા દર્શાવી. પરાશરને રૂપિયાની જરૂર ન હતી. અંગત ઉપયોગ માટે તો નહિ જ. ત્રીસ રૂપિયામાં પૂરું ન થાય તો તે ભૂખ્યો રહેવાનું પસંદ કરતો હતો; પણ નિશ્ચિત કરેલી રકમ કરતાં એક પાઈ પણ વધારે ખર્ચ કરતો નહિ.

ઑફિસમાં રવિવારની રજા હતી - રવિવાર એટલે સંપૂર્ણ રજા નહિ. થોડું કામ કરીને અડધો દિવસ છુટ્ટા ફરવાની સગવડ એ દિવસે મળી શકતી હતી. પરાશરનાં લખાણો પણ હજી ડગમગતાં આવતાં હતાં - એના લખાણમાં કૈંક અસ્થિરતાનો પ્રવેશ થયો હતો. એટલે છેવટની સુધારણા પામેલો અગ્રલેખ લખી રહી તે બહાર નીકળ્યો. બપોરના ત્રણનો શુમાર એ પગે ચાલવા માટે ભાગ્યે જ અનુકૂળ સમય માની શકાય; પરંતુ શ્રમજીવીઓના દેશમાં કોઈને થાકવાનો અધિકાર નથી. ને નેતૃત્વ ઈચ્છતા યૌવનથી તો તાપ, ટાઢ કે થાકનું નામ દેવાય જ નહિ. ગાડી, મોટર અને બસની સતત શર્ત વચ્ચે પરાશર પગે ચાલતો આગળ વધ્યો. એકબે વળાંક આગળ તે સહજ ધીમો પડતો. અને રસ્તે જતા કોઈ કોઈ માણસના ધ્યાનનો વિષય પણ બનતો. અડધે પોણે કલાકે તે શોભનાના ઘર પાસે આવ્યો. ક્ષણભર તે સીડી આગળ અટક્યો. તેણે ઊંચે જોયું. છજુ ખાલી હતું. તે સીડી ઉપર ધીમે ધીમે ચડ્યો.

‘કોનું કામ છે ? શોભનાનું ?’ જયાગૌરીએ પોતાના ખંડ પાસે થઈ જતા પરાશરને પૂછ્યું.

'હા જી.’ પરાશરે જવાબ આપ્યો. શોભનાએ નોકરી શરૂ કરી ત્યારથી તેને મળવા ઘણાં માણસો આવતાં હતાં. જયાગૌરીને નવાઈ ન હતી. તેમણે કહ્યું :

‘છજામાં થઈને જાઓ.'

પરાશરે છજામાં પ્રવેશ કર્યો. તેને ઘડીમાં આગળ જવાનું અને ઘડીમાં પાછા જવાનું મન થતું હતું. પરંતુ છજું બહુ લાંબું ન હતું. એકાએક ઓરડાનું બારણું આવ્યું. શોભના એક પુસ્તક જોતી હતી. તેની સામે ચાનો સામાન પડ્યો હતો.

પરાશરે ખુલ્લા બારણાની બારસાખ, આંગળીથી ખખડાવી. શોભનાએ પુસ્તકમાંથી બારણા તરફ જોયું. શોભનાના હાથમાંનું પુસ્તક હાલી ગયું.

‘હું આવી શકું ?' પરાશરે બહુ જ ધીમેથી પૂછ્યું. આવનારને ના પાડવી - અને તે આપણને જોઈ જાય ત્યાર પછી - એ બહુ જ મુશ્કેલ કામ છે. શોભના યંત્રવત્ બોલી:

'હા'

પરાશર ઓરડીમાં આવ્યો. નીચું જોઈ રહેલી શોભનાની સામે મૂકેલી એક ખુરશી ઉપર તે બેસી ગયો. થોડી ક્ષણ સુધી બન્ને યુવકયુવતી શાંત બેસી રહ્યાં.

‘હું રોકતો નથી ને ?’ બોલવાનો વિષય ઝટ યાદ ન આવવાથી પરાશરે પૂછ્યું. ભલભલા નેતાઓ અને ગુંડાઓથી ન બીતો પરાશર શોભનાની સામે નિર્બળતા અનુભવતો હતો ? શોભનાને આજ તે પહેલી વાર મળ્યો ન હતો - અલબત્ત, તેને એકલીને મળવાનો આ પ્રથમ પ્રસંગ જ હતો.

‘ના, આજ તો રજા છે ને !’ શોભનાએ પરાશરના પગ સામે જોઈ જવાબ આપ્યો. થોડી વાર બન્ને કશું બોલ્યા વગર, એકબીજાની સામે જોયા વગર બેસી રહ્યાં. શોભનાની પાસે ચાનો એક જ પ્યાલો પડ્યો હતો. તેણે ઊઠી કબાટમાંથી બીજો પ્યાલો અને બીજી રકાબી કાઢ્યાં અને બંને પ્યાલામાં ચા રેડવાનું શરૂ કર્યું.

‘હું ચા નથી પીતો...’ પરાશરે કહ્યું.

‘દૂધ આપીશ.’

‘દૂધ પીતો હોઉં તો પછી ચાની શી હરકત છે ?'

શોભનાએ ચા રેડવી અધૂરી રાખી. એકે પ્યાલો તેણે પૂરો બનાવ્યો નહિ, અને પાછી એમની એમ બેસી ગઈ.

‘પણ તું પી ને !’ પરાશરે કહ્યું.

‘હું એકલી નહિ પીઉ.'

‘પાંચ વર્ષથી ટેવ ટળી ગઈ છે.'

‘ઘણી નવી ટેવો પાડવી પડી હશે. એકાદ દિવસ જૂની ટેવને યાદ કરવામાં બહુ પાપ લાગી જશે ?'

'હું પીઈશ.’ પરાશરે કહ્યું.

શોભનાએ ફરી ઊભા થઈ ચા બનાવી, એક પ્યાલો પરાશરને આપ્યો અને એક પોતે લઈ બેઠી. બન્નેનાં હૃદય ધડકતાં હતાં. બન્નેના વિચારો ધૂમરીઓ ખાતા હતા. બન્નેની કલ્પના ધુમ્મસ સરખી અસ્પષ્ટ બની ગઈ હતી. વાત સરળતાથી થતી ન હતી. અકસ્માતે એક બનાવેલાં-બનાવવા સર્જેલાં જીવનદ્વય અકસ્માતે જુદાં પાડી દીધાં. એ જીવનને ભેગાં થવાની ખાસ આરજૂ ઉત્પન્ન થઈ ન હતી. - અગર તેવું આજ સુધી લાગતું ન હતું. એકને અમિશ્ર સ્વાતંત્ર્યભર્યું સ્ત્રીજીવન ગાળવાના કોડ હતા, બીજાને સંબંધ કે ધનના બંધનથી મુક્ત બની માનવતાના ઊંડામાં ઊંડા - નીચામાં નીચા થર સાથે એકતા અનુભવી એ થરને ઊંચકી ઉપર લાવવો હતો. વચમાં વચમાં ભૂતકાળના ભણકારા વાગી જતા હતા. પરંપરાથી જીવનને હલાવી રહેલી વાસનાઓ તેમને હલાવી નાખતી હતી; પરંતુ એ ભણકારા અને એ વાસના બન્ને જીવન એકબીજાની પાસે ખેંચવાને બદલે એકબીજાની દૂર હડસેલી રહ્યાં હતાં.

કે દૂર હડસેલવાનો ભ્રમ હતો ? દૂર રહ્યો રહ્યે લાગતી ઉપેક્ષા ધારવા જેટલી સત્ય નહિ હોય. શા માટે બન્નેએ મળવાની હા પાડી ? પરાશરના પગ શોભનાને ઘેર કેમ ઘસડાયા ? શોભનાએ એ પગને પાછા કેમ ન વાળ્યા ?

પરાશરને સફાઈબંધ ચા પીતાં આવડતું હતું એ તેના તરફ ચોરીને જોઈ લેતી શોભનાને સમજાયું.

‘વધારે આપું ?’ ચા પી પ્યાલોરકાબી ટ્રેમાં મૂકવા ઊભા થતા પરાશરને શોભનાએ પૂછ્યું.

‘ના.’ પરાશરે કહ્યું અને તે ઊભો રહ્યો. તેણે ટ્રેમાં પ્યાલોરકાબી મૂક્યાં નહિ. શોભનાએ ઊઠી તેના હાથમાંથી પ્યાલોરકાબી લઈ લીધાં અને ટ્રેમાં મૂકી દીધાં.

‘હું મારે હાથે એ પ્યાલોરકાબી સાફ કરવા ધારતો હતો.’ પરાશરે બેસતાં બેસતાં કહ્યું.

'કારણ ?'

‘હું નોકર પાસે કામ કરાવતો નથી.’

‘હું સાફ કરી લઉં તો ?' પરાશરના કથનને હસવું કે નહિ તેનો વિચાર કરતી શોભનાથી બોલાઈ ગયું. અત્યારે તે હસી શકે એમ તો હતું જ નહિ. તેના હૃદયમાં અત્યારે હાસ્ય હતું જ નહિ.

‘મારું કામ કરવાનો હક્ક મને જ હોય ને !’

'આજ નહિ.'

'કેમ?'

‘મને તું પહેલી જ વાર મળે છે !’ શોભનાએ પ્રશ્નનો જવાબ આપ્યો. એકાએક ન સમજાય એવી મૂંઝવણ શોભનાના હૃદયમાં ઉત્પન્ન થઈ આવી, અને તેની આંખ આંસુથી ઊભરાઈ ગઈ. તેને રોવાની મરજી ન હતી. સ્ત્રીજાતિની એ જાણીતી અશક્તિનું પ્રદર્શન કરવામાં તેને બહુ શરમ લાગતી. છતાં મરજી વિરુદ્ધ તેની આંખે તેના હૃદયની કોઈ આ કથ્યઅગમ્ય વેદના સ્પષ્ટ કરી આપી. ભાગ્યે જ આમ તેનું હૃદય ભરાઈ આવતું. ઘડી ઘડીમાં રડી પડતી વર્તમાન યુવતીનો તે નમૂનો બનવા માગતી ન હતી. તોય. આમ રુદન વ્યક્ત થઈ ગયું !

શોભનાએ મનને ખૂબ વાર્યું. ચારપાંચ મિનિટમાં તે સ્વસ્થ બની. આંખનાં આંસુ તેણે લૂછી નાખ્યાં. અલબત્ત, ચારપાંચ મિનિટ સામાન્યતઃ ઓછી લાગે, પરંતુ એટલા સમયનું રુદન લાંબું લાગે છે. આંખ લૂછતે લૂછતે શોભના જરી હસી અને બોલી :

‘અમસ્તું જ આમ થઈ ગયું.’ પરાશરને પણ અજબ મૂંઝવણ થતી હતી. કેમ વાત કરવી તે પણ સૂઝતું નહિ. પરાશરને કાયદા પ્રમાણે શોભના સાથે બોલવાનો હક્ક હતો. સમાજની માન્યતા પ્રમાણે શોભના સિવાય બીજી કોઈ પણ યુવતી સાથે બોલવાનો તેને હક્ક ન હતો. છતાં અહીં તે અજાણ્યા, પરાયા પુરુષની મૂંઝવણ અનુભવી રહ્યો. રડતી શોભનાએ તેના હૃદયને હલાવી નાખ્યું. તેને લાગ્યું કે તે શોભનાને અડકી શકે - ચહાઈ શકે એમ હતું.

‘હું તને રડાવવા આવ્યો નથી.' પરાશરે કહ્યું. આખા જગતનું રુદન બંધ કરવા માટે ફકીરી લેનાર પરાશરને લાગ્યું કે રુદન એ એકલી રોટલીના અભાવનું જ કારણ ન હોય. અનેક ઊર્મિગ્રંથિના પરિણામરૂપ રુદનને અટકાવવા કેટકેટલી માનસકૂંચીઓ ફેરવવી પડે !

‘તો કહે, તું કેમ આવ્યો ? તું આવીશ એમ મને લાગ્યા તો કરતું જ હતું.' શોભનાએ કહ્યું.

‘કેટલીક વાત કહેવા આવ્યો છું. તને સમય તો છે ને ?' પરાશરે કહ્યું.

'હા.'

‘એક તો એમ કે... મારા ઉપર... થોડો વખત થયો. પચાસ રૂપિયા આવ્યા હતા..."

'તે તારા ઉપર રૂપિયા ન આવવા જોઈએ એમ તું માને છે ?'

‘રૂપિયા ભલે આવે, પણ મારા ઉપયોગ માટે નહિ અને આમાં તો... કશું લખ્યું જ નથી.’

'તે તારા મિત્રોને પૂછ. ઘણા એવી રીતે તને પૈસા મોકલતા હશે.’

“મેં પૂછી જોયું. ભાસ્કર ના પાડે છે, કુમારની સ્થિતિ એવી નથી કે મને પૈસા આપે. વિજયરાય, કૃષ્ણકાન્ત અને બીજા પણ ના પાડે છે.’

‘રંભાને પૂછ્યું ?’ સહજ ઝીણી આંખ કરી પરાશરના મુખ ઉપરનો ભાવ વાંચવા તત્પર થયેલી શોભનાએ કહ્યું.

‘હા, એણે પણ ના પાડી.’

'પછી ?'

‘હું તને પૂછવા આવ્યો.'

‘મને પૂછવાનું કારણ ?’

‘કોણ જાણે ! મને એમ જ થયું કે એ પૈસા કદાચ તેં તો નહિ મોકલ્યા હોય !’

‘તું ભૂતભવિષ્યનો જાણકાર ખરો ને ! પણ માની લે કે એ મેં મોકલ્યા. હવે તેનું શું છે ?’ ‘એ હું જાણવા માગું છું કે એનો શો ઉપયોગ કરવાનો છે ! હું મારી કમાણી સિવાયનો બીજે પૈસો મારે માટે ખર્ચતો નથી.'

‘ત્રણ ત્રણ દિવસ સુધી તું ભૂખ્યો રહ્યો હોઉં તોપણ ?’

શોભનાને એ ખબર કોણે આપી હશે ? પરાશર આ ચોક્કસ વિગત સાંભળી જરા આશ્ચર્ય પામ્યો. હડતાલિયાઓને મળતી સહાય વિજયરાયે પાછી ખેંચી લેવા માંડી એટલે પરાશર, ડૉક્ટર કુમાર અને તેમના બીજા થોડા સાથીઓએ ભૂખ્યા રહી હડતાલિયાઓનાં ભૂખે મરતાં કુટુંબીઓનું પોષણ કર્યું હતું. પરંતુ એ વાત તો બહુ ગુપ્ત રાખી હતી !

‘તને કોણે કહ્યું ?' પરાશરે પૂછ્યું.

‘એ કહેવાનું નથી. પછી કોઈ પૈસા મોકલે તો એનો ઉપયોગ કરવાનો, બીજું શું ?’

‘મારી જાત ઉપર ?’

'તે તને શરમ આવે છે ?’

'અલબત્ત.'

'પુરુષ તરીકે સ્ત્રીના મોકલેલા પૈસા વાપરતાં તારું અભિમાન ઘવાતું હશે !’

‘જાતની કમાણી ન હોય તે વાપરવામાં પાપ માનું છું.’

‘તારી પત્ની તને મોકલતી હોય તોય ?’ શોભનાથી વાતની ઉષ્મામાં બોલાઈ ગયું.

પરાશર પણ ચમક્યો. શોભના પોતાનું પત્નીત્વ શું સ્વીકારવા માગતી હતી ? આજ સુધી તો તે પત્નીત્વના અસ્વીકારમાં રાચતી હતી ! પત્નીત્વનું એક ચિહ્ન પણ જણાવા દેતી ન હતી ! અત્યારે આમ કેમ ?

‘એ જ બીજો પ્રશ્ન ! જેને માટે હું તને મળવા આવ્યો છું તે !’ પરાશરે કહ્યું.

‘મને ન સમજાયું.’ શોભના બોલી.

‘તું મારી પત્નીની વાત કરે છે. મારે... પત્ની... છે ?’

‘હા, તારી અને મારી નામરજી હોય તોપણ... તારે પત્ની તો છે જ. સૂરજ જેટલી સાચી ! અને... અને એટલી જ અનિવાર્ય ! નહિ ?’

‘ના, નહિ. પાંચ વર્ષ પરણ્યે થઈ ગયાં, હજી પત્નીને હું ઓળખતો નથી.'

‘તો વકીલ કર, અદાલતમાં જા, સહશયનના હુકમ મેળવ ! અરે, તેમ ન બને તો હાથ ઝાલી ઘસડી જા ! પતિના અધિકાર વાપરતો કેમ નથી?' ‘એ અધિકારથી મળેલી પત્નીને હું પત્ની માનતો નથી માટે.’

‘તો તું મને સમજાવવા આવ્યો છે ?’

‘તારે જે જોઈએ છે તે આપવા હું આવ્યો છું.’

‘મારે શું જોઈએ છે ?’

‘પત્નીત્વમાંથી મુક્તિ !’

પરાશરાના ઉચ્ચારે શોભનાને જરા વાર અસ્થિર બનાવી. તેણે પરાશરની સામે જોયું - બેત્રણ ક્ષણ ટગર ટગર જોયું. માનવઉોર્મિઓ અત્યારે ચગડોળે ચડી હતી. જીવન અત્યારે પડે તો ભાંગીને ભૂકો થાય એટલી ઊંચાઈએ ઊડતાં હતાં.

'કોઈએ આપી નથી.' શોભના બોલી.

‘હું તો આપું છું. બીજાની મને ખબર નથી.’

‘એટલે ?'

‘એટલે એમ કે તું મારી પત્ની છે એ વાત હું અને તું બંને વિસારી દઈએ.’

‘વિસારી શકાશે ?'

‘નકારી તો શકીશું જ.'

“પરિણામ ?'

‘મારી સાથે થયેલું તારું અકસ્માત લગ્ન રદ સમજીએ.'

‘તેથી શું ? જગતમાં ત્યક્તાઓ ઘણી છે !’

‘મારું અસ્તિત્વ તારા પતિ તરીકે રહેશે નહિ.’

‘છતાં લગ્ન તો મને ખૂંચ્યા જ કરશે.’

‘લગ્નને કાયદેસર રદ કરાવીએ તો ?'

‘હજી લગ્નવિચ્છેદનો સ્વીકાર હિંદુ કાયદામાં ક્યાં થયો છે ?’

‘વડોદરા રાજ્યમાં સગવડ છે.'

‘હં.' શોભના આગળ કશું બોલી નહિ. પરાશર પણ બોલ્યા વગર જરા બેસી રહ્યો. કારનું ભૂગળું વાગતાં પરાશરથી છૂટવા મથતાં બંને પતિપત્ની જાગી ઊઠ્યાં. કારના માલિકોને પોતાના આગમન જાહેર કરવાનો ભારે શોખ હોય છે.'

'ભાસ્કર લાગે છે.' શોભનાએ કહ્યું.

‘તો હું જાઉં. હું શા માટે આવ્યો હતો તે તેં સમજી લીધું છે. સમય મળ્યે મને કહેવરાવીશ તો હું આવી જઈશ.’ ‘શા માટે આવી જઈશ ?’

‘વધારે ચોકસાઈ કરવા.’

‘અત્યારે જ કરી લઈએ.'

'ભાસ્કર આવે છે; કદાચ રંભા સાથે હશે.'

પરાશરનું કહેવું ખરું પડ્યું. ભાસ્કર અને રંભા બંને બારણા આગળ આવી ઊભાં અને પરાશર તથા શોભનાને એકલાં બેઠેલાં નિહાળી. જરા ચમક્યાં.

‘અમે અંદર આવી શકીએ ?’ રંભાએ હસતાં હસતાં પૂછ્યું.

‘આજે રજા માગવાની જરૂર છે.' ભાસ્કરે પણ વિવેકનો દેખાવ કર્યો.

‘હું ના કહું તો ખોટું નહિ લગાડો ને ?’ શોભનાએ ઊભાં થઈ બારણા પાસે જઈ કહ્યું.

‘ખોટું શા માટે લાગે ? ઘર તારું છે !’ રંભાએ કહ્યું - જોકે રંભાને શોભના ઉપર ખોટું તો લાગ્યું જ અને ભાસ્કર તથા પરાશર શોભનાની હિંમત જોઈ આશ્વર્ય પામ્યાં. શોભનાની આર્થિક સ્થિતિ ભાસ્કરની સહાનુભૂતિ ઉપર જ આધાર રાખી રહી હતી.

‘તો જુઓ ને ! મારે પરાશર સાથે કેટલીક અંગત વાત કરી લેવાની છે. આપણે ફરી મળીએ તો ?’ શોભનાએ કહ્યું.

'હરકત નહિ, પણ તમારે એકાંત જ જોઈતું હોય તો હું મારી કાર આપું, શહેર બહાર તમે લેઈ જાઓ ને ?’ ભાસ્કરે બંને પ્રત્યે પોતાવટ બતાવી.

'ના ના, અમારી વાતો તો સીધી, અરસિક, કારમાં ન થાય એવી.' પરાશર બોલ્યો. પરાશર તેના પ્રત્યે વારંવાર કેમ કટાક્ષ કરતો હતો. તેની ભાસ્કરને ક્યારનીયે સમજ પડી ગઈ હતી.

'Right. Please yourself.' * []ભાસ્કરે કહ્યું.

‘ખોટું તો નથી લાગ્યું ને ?' પાછાં ફરતાં ભાસ્કર તથા રંભાને શોભનાએ પૂછ્યું.

'Not a bit. Carry on.'+[]

ફરી પરાશરને અને શોભનાને એકાંત મળ્યું. શોભના બોલી : ‘ભાસ્કર જરા ઉશ્કેરાય છે ત્યારે અંગ્રેજીમાં બોલ્યે રાખે છે.' ‘ઘણાને એવું હોય છે.’

મિત્રોએ આટલી જ વાત આગળ વધારી. હવે ? ક્યાંથી શી વાત કરવી તે પ્રશ્ન મૂંઝવણભર્યો તો હતો જ ને ?

‘કહે તારે શાની ચોકસાઈ કરવી છે ?’ શોભનાએ થોડી વારે પૂછ્યું.

‘હું એ જોઈ રહ્યો છું કે લગ્ન તારી બંધનદીવાલ બની ગયું છે.’ પરાશરે કહ્યું. શોભના પરાશરના કથનનો ઊંડો અર્થ પણ વાંચી શકી. ભાસ્કરની ગાઢ મૈત્રીમાં એ લગ્ન અંતરાયરૂપ હતું એમ પરાશરના કથનનો ઉદ્દેશ હતો. એમ. શોભનાને લાગ્યું.

‘આપણે વધારે સ્પષ્ટ બનીએ. હું તારી પત્ની હોઉં એમ તું ઈચ્છતો નથી.’

‘તું જુદી ઢબે એ વાત મૂકે છે.’

‘અર્થ એકનો એક જ થાય છે ને ? તો હું એમ માની લઉં તું મને ચાહતો નથી અને મને કદી ચાહી શકીશ નહિ.’

પરાશરે એ કથનને સંમતિ આપી નહિ.

‘એથી ઊલટું જ કારણ હોય તો ?'

‘તું મને ચાહે છે માટે મારાથી છૂટવા માગે છે ? મને ન સમજાયું.

‘એમ જ. તને યાદ છે - મેં એક પત્ર લખ્યો હતો તે ?' પરાશરે પૂછ્યું.

શોભના ઊભી થઈ. એક કબાટ ઉઘાડી તેમાં મૂકેલી એક નાની પેટીનું તાળું ખોલી તેણે એક કકડામાં બાંધેલા કાંઈ કાગળો બહાર કાઢ્યા.

'તેં બે કાગળો લખ્યા હતા. પહેલાં કાગળની વાત કરે છે કે બીજાની?' શોભનાએ પૂછ્યું.

‘પહેલાંની.'

‘જો, આ હોય ? પાછો જોઈએ, નહિ ? એક ફટકી ગયેલા રંગવાળું પરબીડિયું શોભનાએ આગળ ધર્યું.

‘તારે પાછો આપવો હોય તો આપ. હું માગતો નથી.’

‘ત્યારે ?' પરબીડિયામાંથી કાગળના એક પછી એક ટુકડા બહાર કાઢતાં શોભનાએ પૂછ્યું.

‘એ પાંચ વર્ષ ઉપરના પત્રમાં જે લખ્યું હતું તે આજ પણ સાચું છે.’

‘તું મારી મશ્કરી કરવા આવ્યો છે ?’ શોભનાના મુખ ઉપર વિકળતા દેખાઈ.

‘ના, જરાય નહિ.’ ‘ત્યારે આ બીજા કાગળનું શું સમજવું ?’

‘ન સમજાયું ?'

‘હું એક જ વસ્તુ સમજી, મારો તને ખપ રહ્યો નથી.'

'પણ શા કારણે તે સમજ. હું જે ઘરમાં ઊતર્યો એ થરમાં હું તને કેમ ઉતારી શકું !’

‘મારાથી ન ઊતરાય એનું કાંઈ કારણ ?'

‘પહેલાં કાગળ વખતે હું પિતાની મિલકત મારી માનતો હતો. બીજો પત્ર લખતી વખતે મારી પાસે કંઈ જ ન હતું - મારું કશું જ ન હતું.’

‘પણ પાંચ વર્ષ સુધી અબોલા ? આ કાગળ મેં એટલી વાર વાંચ્યો કે તે ફાટી ગયો.

‘તેં જવાબ કેમ ન લખ્યો ?’

‘તારા પત્રનું ઘેન ચડ્યું હતું. મને સમજ ન પડી કે હું શું લખું. પત્ર લખ્યો ત્યારે તે નાખતાં પહેલાં તારો બીજો કાગળ આવી ગયો. તે ક્ષણથી તેં મને છૂટી પાડી દીધી.'

‘અને હવે હું તને પૂર્ણ રીતે છૂટી પાડવા માગું છું.’

‘મારી આટલી બધી કાળજી લેવાનું કારણ ?’

'તને સુખી જોવા હું ઈચ્છું છું. તારા સુખની વચ્ચે આવનાર હું ખસી જાઉં તો તારે જોઈએ તે તને મળે.'

‘મારે શું જોઈએ ?’

'ભાસ્કર.'

'વારુ હું સમજી; પણ આ બધું કર્યા સિવાય ભાસ્કરને મેળવી લઉં તો?'

‘મને કશું જ નહિ લાગે. તું જાણે છે કે હું મિલકત ત્યજી બેઠો છું. અને... તું કાંઈ મારી મિલકત તો છે નહિ !’

‘પરાશર ! પણ તું જ મને ગમતો હોઉં તો ?'

‘જગતમાં કોઈની દયા ખાવાથી પ્રેમ આવતો નથી.'

'પણ પ્રેમમાંથી દયા ઊપજતી હોય તો ?'

‘ભૂલમાં ન પડીશ. મારું આકર્ષણ એ ભ્રમ છે, ભય છે, નિરાશા છે, મોતની ડૂબકી છે. રંભા એ સમજી ગઈ, અને હવે મારી સાથે - મારા પ્રેમ સાથે એ રમત કરતી નથી.’

શોભના ઊઠી પત્રો પાછા કબાટમાં મૂકી આવી. પાછી આવતાં તે પરાશરની ખુરશીને અડી ઊભી રહી. પરાશરે જાડું બરછટ ખાદીનું વસ્ત્ર પહેર્યું હતું. તેના વાળ સફાઈદાર ન હતા. ભાસ્કરને નિહાળતાં એનાં વસ્ત્રોનું મુલાયમપણું કોઈ પણ રસિકાને ગમી જાય એવું હતું. અને વસ્ત્રમાંથી વસ્ત્રધારી સહજ - કળીમાંથી ફૂલ વિકસતું હોય તેમ વિકસી મનને હરી લેતો. પરાશરનો પહેરવેશ વાગે એવો હતો. એ ધારણા કરનારો ભય પમાડે એવો હતો - ધક્કો મારે એવો હતો. જાણે કાંટાભર્યો કેવડો !

પરંતુ જીવનમાં કેટલીક વાર કાંટા વાગતા ગમે છે ! રેશમની ગાદી કરતાં દર્ભાસન વધારે પ્રિય લાગે છે. શોભનાએ પરાશરના અવ્યવસ્થિત મસ્તક ઉપર હાથ ફેરવી વાળ સમા કર્યાં.

‘નહિ નહિ, આમ ન કરીશ.’ પરાશરે કહ્યું.

‘કેમ ? તું તો સામ્યવાદી છે; લગ્નમાં નહિ માનનારો.'

'હા પણ...'

‘તો તને કોઈ અડકે તેમાં ગભરાઈ શાનો જાય ? મારે જોવું હતું કે મોતની ઘૂમરી ક્યાં આગળ છે !’

‘હું હસતો નથી.’

‘હુંયે હસતી નથી.’

‘તો હવે હું જઈ શકું?'

‘હજી સ્પષ્ટતા કરવી બાકી છે.’

‘શાની ? હું કહી જ દઉં. લગ્નવિચ્છેદ પછી તું ભાસ્કરની સાથે...’

શોભના ખડખડાટ હસી પડી. પરાશરે વાક્ય પૂરું ન કર્યું. હસી રહીને શોભનાએ કહ્યું : 'ભાસ્કરની સાથે રંભાનું લગ્ન નક્કી થઈ ગયું છે. તું જાણે છે ?’

‘ના, પણ... ભાસ્કર પરણેલો છે.’

‘છતાં એ પરણશે.'

‘માટે તું લગ્નવિચ્છેદની ના પાડે છે ?'

'મેં ભાસ્કરને લગ્નની ના પાડી માટે એ રંભા સાથે પરણે છે, સમજ્યો? એને કોઈ સંસ્કારી, ભણેલી, રસિક સ્ત્રી જોઈએ.' જરા કડક બની શોભનાએ કહ્યું.

‘અને રંભા એ સ્થિતિ કબૂલ રાખે છે ?'

‘હા. વગોવાયા છતાં પણ એ દ્વિતીય પત્ની બનશે.’

‘સમાજનું ચોકઠું વર્તમાન યૌવનને અનુકૂળ તો નથી જ. પરાશર ઊંડા વિચારમાં ડૂબી ગયો. લગ્ન એ મિલકતની ભાવનાનું સામાજિક સ્વરૂપ. એ સ્વરૂપમાં જ સ્ત્રીપુરુષની વાસના શાંતિ-રસશાંતિ-યૌવનશાંતિ સ્ફૂટ થવી જોઈએ ! વંશવર્ધનનું બળ પણ એમાં જ સમાવું જોઈએ ! સમાજની શિષ્ટતા, મર્યાદા, નીતિ પણ લગ્નની આસપાસ રચાવી જોઈએ ! અને એમ ન થાય તો ?

સમાજનો બહિષ્કાર ! સમાજનો તિરસ્કાર ! એટલે આર્થિક વ્યવસ્થામાંથી દેશવટો ! ભાસ્કર સારી સમજણવાળો યુવાન હતો. રંભા ભણેલી બુદ્ધિશાળી યુવતી હતી. ભાસ્કરની પ્રથમ પત્નીથી તેના જીવનમાં રસઊણપ રહી જતી હતી. એક તો તેનું લગ્ન જ ખોટું. એ લગ્નનો ભંગ ન જ થાય. જીવન તો સંતોષ માગ્યા જ કરે. શોભના તે આપી શકત; પરંતુ એને પણ અકસ્માતલગ્ન તે આપતાં રોકી રાખતું હતું ! એટલે એવી જ બીજી યુવતીમાં તે સંતોષ શોધતો હતો ! રંભામાં એ મળવાનો સંભવ એણે જોયો. બીજા લગ્ન વગર એ શક્ય નહિ.

લગ્નનું નામનિશાન નીકળી જાય તો ? મિલકતની-માલિકીની ભાવના લુપ્ત થાય તો માનવવ્યવહાર વિરુદ્ધ થાય ! લગ્નની - પુરુષ સ્ત્રીને બોટી લેઈ જંગમ મિલકત બનાવી દેવાની - ભાવના લુપ્ત થાય તો માનવનીતિ વિરુદ્ધ થાય !

પણ... પણ... હજી મિલકત વગર ચલાવી શકાય. એક મિલકત જેવી બીજી મિલકત બનાવી શકાય; એક મિલકતનો ઉપભોગ વધારે માણસો પાસે કરાવી શકાય; પરંતુ માનવસંબંધ મિલકતસંબંધ જેવા જડ હશે ખરા ? મહેલનો ઉપયોગ રાજા કરે કે રૈયત કરે તેની તકરાર મહેલ કરી શકતો નથી; પણ માનવી ? ભાઈ ન હોય તેને ભાઈ કેમ માનવો ? બહેન ન હોય તેને બહેન કેમ માનવી ?

એ પણ બની શકે. બંધુત્વનો વિસ્તાર કરી શકાય. સ્ત્રીને મા, બહેન, દીકરી બનાવી શકાય - માની શકાય. પુરુષને પિતા, પુત્ર કે ભાઈમાં ફેરવી શકાય, પરંતુ... એક સંબંધ એવો છે કે જે વ્યક્તિગત બનવા માગે છે. પતિ અને પત્નીના સંબંધો લગ્ન કાઢી નાખ્યા છતાં મમત્વભર્યા અને સંકુચિત નહિ રહે ?

‘શોભના મને પણ ગમે અને ભાસ્કરને પણ ગમે ત્યારે ?' પરાશરે મનની મૂંઝવણ વધારે સ્પષ્ટતાથી મન સામે મૂકી.

‘શોભનાને ગમે તે થવા દેવું એ જ સાચો માર્ગ.' પરાશરે જ પોતાના મનને જવાબ આપ્યો.

‘પરંતુ શોભના પણ કદી કહે કે એને પણ હું અને ભાસ્કર બન્ને ગમીએ છીએ ત્યારે ?' નવો પ્રશ્ન સ્કુટ થયો.

‘શોભનાને વહેંચી શકાય ખરી ?’

‘શો વિચાર કરે છે ?’ શોભનાએ પરાશરને પૂછ્યું.

'મિલકતનો સંબંધ તોડી હું જગતભરનો બની શક્યો. તારો સંબંધ તોડી હું ક્યાં સમાઈશ એનો વિચાર કરતો હતો.'

‘સ્ત્રી વગર ચાલે એમ હોય તો પ્રશ્ન સરળ છે. શંકર, ક્રાઈસ્ટ, દયાનંદ બ્રહ્મચારી હતા.'

'મને એમ લાગે છે; સ્ત્રી વગર પુરુષને ચાલશે નહિ.’

‘બીજા પુરુષની વાત બાજુએ મૂક. તું તારો વિચાર કર ને !’

'મને પણ એમ જ લાગે છે કે સ્ત્રીનો મોહ મટ્યો નથી. મટાડવા માગું છું પણ એ બનતું નથી.’

'ભાસ્કરનો માર્ગ લે.’

‘કોઈની પણ ટીકા હું શું કરું ? ભાસ્કરની સ્થિતિમાં હું ન મુકાયો હોઉં ત્યાં સુધી એને કેમ દોષ આપી શકું?'

‘તારા ધ્યેયની સિદ્ધિમાં સ્ત્રી વિઘ્નરૂપ હોય તો એને છોડવી જ જોઈએ ને ?'

'આજ સુધી છોડી. હવે એમ લાગે છે કે સ્ત્રી અને ધ્યેયસિદ્ધિ બન્નેને ન મેળવાય ?’

'તે તારે કરવું નથી.'

'કેમ ?'

‘જો તને મિલવાળાએ મજદૂરોના અમલદાર તરીકે મૂકવા ધાર્યો, તેની તે ના પાડી. તને એક સારા પત્રના અધિપતિની જગા આપવા માંડી, તેને પણ તે નકારી. પ્રધાનમંત્રી તરીકે તું ગોઠવાઈ શક્યો હોત, પરંતુ ત્યાંયે તને ગોઠવ્યું નહિ. પછી શું થાય ?'

‘એ જગાઓ જોઈતી હોત તો હું મારી મિલકત ઉપર જઈને ન બેસત? ધન, ધન આપતો ધંધો કલુષિત છે. ધન નથી કે મોટી જગા મળી નથી. એનું મને દુ:ખ་ નથી. માનવસંબંધની વિશુદ્ધિ ચાહું છું. અને તે ધનથી વિમુખ રહીને.'

‘એ શિક્ષણ મારે લેવાનું. પરાશર ! છ માસ થોભી જા. છ માસ પછી આપણે ફરી મળીએ. તે દિવસે તને કે મને એમ લાગે કે આપણે છૂટી જઈને વધારે વિશુદ્ધિ સાધી શકીશું તો આપણે છૂટાં પડી જઈશું - કાયમનાં.’

શોભના ખુરશીએ અઢેલીને બેઠી. તેને થાક લાગ્યો હતો. પરાશર નીચું જોઈ રહ્યો હતો. જરા રહી તેણે પૂછ્યું.

'પરંતુ બેમાંથી એકેય બાબતની સ્પષ્ટતા ન થઈ ! રૂપિયાનું શું કરું ? અને મારા પતિત્વને ક્યાં ફેંકું ?'

‘એ બંને પ્રશ્નો છ માસ પછી પૂછજે.’

‘તો હું જાઉ ?'

'હા.'

પરાશર ઊભો થયો, અને શોભના સામે જોઈ તેણે બારણા તરફ જવા માંડ્યું.

‘એક ક્ષણ ઊભો રહીશ ?’ એકાએક શોભનાએ ચપળતાથી ખુરશી છોડી કહ્યું.

‘હા, શું કામ છે ?’

શોભનાએ કબાટ પાસે જઈ તેમાંથી કશી વસ્તુ કાઢી, કાગળમાં બાંધી અને ઉપર એક સ્વચ્છ રૂમાલ બાંધ્યો.

'આટલું સાથે રાખો.' પડીકું પરાશરને આપતાં શોભનાએ કહ્યું.

‘શું છે એમાં ?'

‘મારા હાથની બનાવેલી મીઠાઈ છે.'

'પણ...'

‘મારે ચા પીતે જ તને એ આપવાની હતી પણ હું તો ભૂલી જ ગઈ.'

‘જો ને, હું...’

‘જાણું છું કે તું નિરાહારી છે; પણ મને એક ટંક તો જમાડવા દે.'

પરાશરનું હૃદય અને પરાશરનો દેહ હાલી ગયાં. એને રડવાનું મન થયું, શોભનાને ગળે વળગી રડવાનું મન થયું.

રડતો, પ્રેમ પ્રેમ કરતો નિર્માલ્ય ગુજરાતી પરાશરના હૃદયમાં જાગ્યો શું ?

તેના પગમાં બળ ન હતું છતાં તે ઝડપથી નીચે ઊતરી ગયો. ખાંચે વળવાનું આવતાં એણે પાછળ જોયું.

શોભના છજે હાથ ટેકવી હાથ ઉપર મુખ મૂકી અદૃશ્ય થતા પરાશરને જોતી હતી. -

કે પછી રસ્તે જતી-આવતી વિચિત્રતાઓને નિહાળતી હતી ?

કદાચ કશું જ ન જોતાં એ પોતાના હૃદયને જોયા કરતી પણ હોય. એવે સમયે ખુલ્લી આંખ કશુંય જોઈ શકતી નથી. એ હૃદયમાંથી કોઈ સુનેરી-રૂપેરી કિરણ નીકળી એક પુરુષને બાંધવા લંબાતું હતું. વચમાં આવતી સર્વ વસ્તુઓ અને વ્યક્તિઓને તે પોતાના રંગથી રંગી દેતું હતું.

વર્ગવિગ્રહ ?

પુરુષ અને સ્ત્રી વચ્ચે વિગ્રહ છે ખરો?

છે જ.

તો તે કેમ હોવો જોઈએ ? જે પુરુષને જોવાનું મન થાય, જે પુરુષને સાંભળવાનું મન થાય, જે પુરુષના જીવનને સુખમય કરવાનું મન થાય એ પુરુષ સાથે વિગ્રહ હોય તો તે લુપ્ત કેમ ન થઈ શકે ?

વિગ્રહ એ આવડતનું પરિણામ ? કે અણ-આવડતનું ?

જીવવામાં પણ કળા રહેલી છે. વિગ્રહ કરતાં દેખાતાં તત્ત્વોનો સુમેળ થાય તો જીવન એક મહાસંગીત ન બને ?

સંધ્યાના સોનેરી રંગમાં જગત ઝળઝળ થતું હતું.


‘પરાશર ! આ વખતે તો પચાસ રૂપિયા ભેગા થઈ ગયા.' ડૉક્ટર કુમારે કહ્યું.

'ત્રીસથી વધારે રાખીશ. તો હું તને ગુનેગાર ગણીશ.’ પરાશરે જવાબ આપ્યો.

'અને એક બીજી વાત કહું. મને ભારે પગારે મિલમાં નોકરી મળે છે.'

‘મિલમાં તારું શું કામ ?'

‘મજદૂરોની તંદુરસ્તી તપાસવા.’

‘ભારે પગારે હિંદુસ્તાનનું સત્યાનાશ વાળી દીધું છે. એક મજદૂર કે એક ખેડૂત કરતાં એક ડૉક્ટરને શા માટે વધારે આવક હોવી જોઈએ તે હું સમજી શકતો નથી.’

‘મને તો મોટરકાર આપવાનું પણ જણાવ્યું...'

‘મોટરકારમાં બેસીને કરેલી સેવા મોટરકારથી ઊડતી ધૂળ જેટલી પણ કિંમતી નથી. ઉપરાંત પ્રજાની આંખો અને હૈયાં કચરાથી ભરી દે એ જૂદું.'

'પણ સાંભળી તો લે. મેં એ જગાની ના પાડી.’

‘બહુ સારું થયું. પગારનો મોહ આપણા સમસ્ત યૌવનને પાંગળું અને પરાધીન બનાવી રહ્યો છે. કેટલા બુદ્ધિશાળી અને આશાસ્પદ બંધુઓને આપણે પગારના પાતાળમાં ઊતરી ગયેલા જોયા !’

બહાર ચારપાંચ યુવકો પરાશરની ઓરડી આગળ આવી ઊભા રહ્યા. પરાશરે એક ચટાઈ પાથરી તેમને અંદર બોલાવી બેસાડ્યા. રતને શિક્ષણદક્ષિણા તરીકે હાથે ગૂંથી એ ચટાઈ પરાશરને આપી હતી.

‘યંગ ઈન્ટલેકચ્યુઅલ્સ' સંસ્થાનો મંત્રી સુબન્ધુ પરાશરનો પરિચિત હતો. વાંકડિયા વાળ અને કિનાર વગરનાં ચશ્માંને સ્ત્રીની વેણી અને બંગડી જેટલી તીવ્રતાથી ચાહતો, રૂપવર્ગને જરા સ્ત્રી શોભન લજજાથી ઢાંકતો, ફૂટકો બુદ્ધિમાન યુવક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રવાહોનો મહાઅભ્યાસી હતો. કોઈ પણ નવું પુસ્તક એણે વાંચ્યું ન હોય એમ બનતું નહિ. એનું વાચન એને ભવિષ્યકથનની પણ શક્તિ આપતું હતું. એબેસિનિયાના યુદ્ધ સમયે મજદૂરક્રાંતિ જગતમાં કેવું સ્વરૂપ લેશે તેનું એ બહુ જ તાદૃશ્ય વર્ણન આપતો. સ્પેનના યુદ્ધમાંથી જગતક્રાંતિનો જવાળામુખી કયી તારીખે, કેટલે સુધી, ક્યાં ક્યાં પોતાનો હુતાશ ફેંકશે એનું ભવિષ્ય ભાખતા સુબન્ધુને સાંભળી સહુ કોઈને એના કથનની ખાતરી જ થતી. અલબત્ત, એના કહેવા પ્રમાણે બન્યું નહિ. એથી એના ભવિષ્યકથનની શક્તિ વિષે એને કે એના મિત્રોને અવિશ્વાસ કદી ઉત્પન્ન થતો નહિ. ભવિષ્ય સાચું ન પડવાનાં કારણો પણ તેની પાસે તૈયાર હતાં, અને એટલી સિફતથી એ કારણો રજૂ કરતો હતો કે જે ન બન્યું તે પણ એની ભાવિદર્શનની શક્તિને જ જાણે આભારી હતું એમ સહુને ભાસ થતો. ચીન અને જાપાનના યુદ્ધનો નકશો અને સૈન્યની હિલચાલ તેને મોઢે હતાં. અને ચીન કે જાપાનને પણ ખબર નહિ હોય એવાં પરિણામોની તે સચોટ અને સશાસ્ત્ર આગાહી કરતો.

તેણે પરાશરને કહ્યું :

‘હું એક અદ્ભુત વ્યક્તિને તારી પાસે લાવ્યો છું.’

પરાશર એક સિવાય સઘળા આવનારને ઓળખતો હતો, એટલે તે સ્વાભાવિક રીતે અજાણ્યા માણસને અદ્ભુત વ્યક્તિ તરીકે ઓળખી શક્યો. અજાણ્યા પુરુષનું મુખ અતિ ઉગ્ર હતું. એની આંખોમાં આંજી નાખે એવો ચમકાર હતો. એના લાંબા વીખરાયલા વાળ વળગાડવાળી ધૂણતી સ્ત્રીની સહજ યાદ આપતા હતા. ખેલ કરતાં મદારી, હરાજી કરતા દુકાનદાર અને ભૂત કાઢતા ભૂવામાંથી કોની સાથે તેને સરખાવવો એની મૂંઝવણ એને જોતાં બરોબર થતી હતી.

‘હું તારો આભાર માનું છું.’ પરાશરે કહ્યું.

‘એમનું નામ ગૌરધીર.’

'મેં નામ સાંભળ્યું છે. આપ તો ચીનથી આવો છો ને ?' પરાશરે પૂછ્યું.

‘હા, સ્પેનમાં યુદ્ધ પૂરું થતાં મોસ્કો ગયો. ત્યાંથી સોવિયેટ ચીનમાં રહી ગીલગીટ અને કાશ્મીર થઈ હિંદમાં આવ્યો.' ધીમે રહી કોઈ ન કહેવા જેવો સંદેશ કહેતા હોય એમ ગૌરધીરે કહ્યું.

‘મારું શું કામ પડ્યું ?’

'તમને જગતના ક્રાંતિકારો સાથે હું જોડી દેવા માગું છું.’

‘મને જોડીને શું કરશો ? હું તો નાનું ક્ષેત્ર સંભાળું છું. તે પણ સફળતાથી નહિ.'

‘કોણે કહ્યું ? મને તો તમારું નામ ચારે પાસથી આપવામાં આવે છે.' 'એ મારા મિત્રોની કૃપા; પરંતુ હું જરા નિરાશા અનુભવી રહ્યો છું.’

‘નિરાશા ? ચારે પાસ તૈયારી થઈ રહી છે અને તમને નિરાશા લાગે છે ?’ તિરસ્કારથી ગૌરધીરે કહ્યું. તેની તિરસ્કારભરી આંખો જોઈ પરાશરને પણ સામો તિરસ્કાર કરવાની વૃત્તિ થઈ આવી. થોડા દિવસ પહેલાં ગોરધીર તેને મળ્યો હોત તો તેને આખો જન્મારો સાંભરે એવો કટાક્ષ તેણે જવાબમાં ભર્યો હતો; પરંતુ તેના જ હડતાલિયાઓએ અંદર અંદર હિંદુમુસ્લિમ ઝઘડો ઊભો કર્યો ત્યારથી તેના હૃદયમાં કોઈ જુદી જ ક્રિયા ચાલી રહી હતી.

‘હું પણ એમ જ માનતો હતો; પરંતુ હવે મને લાગે છે કે આપણે પ્રગતિવાદીઓ - સામ્યવાદીઓ કોઈ મહત્ત્વની ભૂલ કરીએ છીએ.' પરાશરે કહ્યું.

‘સામ્યવાદમાં ભૂલ કાઢનાર સામ્યવાદી નથી જ.’

‘સામ્યવાદમાં નહિ, સામ્યવાદીઓમાં.’

'એ એકનું એક જ છે.'

‘એમ હોય તો સામ્યવાદને પણ કોઈ જગાએ સુધારવો રહ્યો.’

વાદવીર સામ્યવાદીઓ અને સમાજવાદીઓ અંદર અંદર પણ શંકર અને મંડનમિશ્રને શોભે એવી દલીલબાજી કરતાં હોય છે. તત્ત્વત: અંતિમ ભેદ ન હોવા છતાં શબ્દઝઘડા યુદ્ધ પ્રેરે એવા ઉગ્ર બનાવવાનું શિક્ષણ લેવું હોય તો સામ્યવાદી-સમાજવાદી મંડળોની સભા, ઉપસભા કે સ્વાધ્યાયમંડળમાં હાજરી આપવી.

સંયમ શુન્ય, વ્યવસ્થાશૂન્ય, ધ્યેયહીન, પ્રમાદી, ટોળાના આશ્રય હેઠળ વર્ગમાં કે સભામાં તોફાની દેખાવાનો દંભ કરતો ભીરુહૃદય, વિષયાન્ધ યુવક કે વિદ્યાર્થીવર્ગ એ આપણી નવીન બુદ્ધિજન્ય શક્તિનો પ્રતિનિધિ હોય, અને જે બોલે તેને સમજ વગર ટોળાબંધ સાંભળવા તૈયાર થઈ કોઈ અણધાર્યા મુદ્દા ઉપર ઝટ મારામારી કરી ઊઠે એવો કિસાન કે મજદૂર વર્ગ એ આપણા શ્રમજીવનનો પ્રતિનિધિ હોય તો વર્ગવિગ્રહ એ સમાજનો ચિરંજીવી અંશ રહેશે, વર્ગરહિત સમાજ બનાવવાનું ધ્યેય એ સર્વદા સ્વપ્નવત્ બનશે અને સહુને એક લાકડીએ હાંકતી વ્યક્તિ કે વર્ગ શ્રમજીવીઓને ભોગે સર્વસત્તાધીશ બન્યા જ કરશે એમ પરાશરને ભાસ, થવા લાગ્યો હતો.

એને અટકાવવાનો માર્ગ ? કોઈ નવીન રચના - નવીન વ્યૂહ.

રતન શા માટે પરાશરના ભૂખમરા ઉપર આંસુ સારતી હતી ? બાલનોકર સોમાની ગુલામીની ઝાંખી થતાં સર્વસ્વ છોડી જવાની ભાવના પરાશરના હૃદયમાં કેમ જાગી ઊઠી ? મુસ્લિમ ધર્મે સુખી બનાવેલો સોમો શા માટે હિંદુ પરાશરને ઉગારી રહ્યો હતો ? અને ત્યક્તા બનાવી રહેલ પતિને એક ટંક હાથે બનાવેલી વસ્તુ જમાડવાની તીવ્ર ઈચ્છા ધારણ કરતી શોભનાનું હૃદય કયી માનવતાથી ઊભરાઈ રહ્યું હતું ?

આ બધા ટુકડા ભેગા કરી એના ઉપર સંબંધ, વ્યવહાર અને સમાજ રચવાં ? કે નેતાઓના દંભ અને સત્તાલોભ, મજદૂરોનું અજ્ઞાન, હિંદુમુસ્લિમ ધર્માન્ધતા અને યુવકયુકતીઓની લાલસા પર રચના કરવી?

માનવસુધારાના પાયામાં શું રહેલું છે ! પ્રેમ અને ત્યાગ : વ્યક્તિગત તેમ સામાજિક. સહુ કોઈ એ કબૂલ રાખશે જ. સહુ કોઈ એ માર્ગે જવા મથશે; પણ એ કેમ બનતું નથી ? જીવનના પાયામાંથી વેર અને ઈર્ષા ખસ્યાં નથી માટે. ભાસ્કરને માટે તેને પ્રેમ હતો ? પ્રેમ હોત તો એની જીભમાં કડવાશ ન હોત ! એના હૃદયમાં ભાસ્કરનાં કૃત્યો માટે તિરસ્કાર ન હોત ! મિલમાલિકો પ્રત્યે તેને શું ઈર્ષા ન હતી ? મજદૂરોના હૃદયમાં સ્પષ્ટ છૂપી રહેલી ઈર્ષાને પરાશરે પોતાની બનાવી હતી. વર્ગવિહીન સમાજમાં પણ કારખાનાં તો હશે જ. કોઈને યંત્ર ચલાવવું પડશે, કોઈને કોલસા ભઠ્ઠીમાં નાખવા પડશે, કોઈને ભયંકર પટાઓની ફેરવાફેરવી પણ કરવી જ પડશે. મજદૂરકિસાનોને વેર અને ઈર્ષાથી ઉગ્ર બનાવવાથી પરિણામ વહેલું આવશે ? કે પ્રેમ અને ત્યાગના માર્ગ ઉપર તેમને દોરી જવાથી વધારે ઉતાવળું પરિણામ આવશે ? હડતાલ જરૂર પાડવી; પરંતુ એ હડતાલની સચ્ચાઈ વિષે મિલમાલિકોની પણ ખાતરી કેમ ન થાય ?

પરંતુ અન્યાય અને સ્વાર્થથી ઘડાયલી મૂડીવાદી સંસ્થાઓ પ્રેમ અને ત્યાગને કદી ઓળખે ખરી ?

જે વ્યક્તિ ઓળખે તે સંસ્થા કેમ ન ઓળખે ? આખરે સંસ્થા પણ વ્યક્તિગત અણુઓની બનેલી છે ને ? અણુ બદલાય તો ઘડતરમાં ફેર કેમ ન પડે ? સંસ્થા બદલવાનું મુશ્કેલ શા માટે બને છે ? અણુમાં વિશુદ્ધિ નથી હોતી માટે. શું સહેલું ? અણુ ફેરવીને સંસ્થા બદલવી એ કે સંસ્થાને ભાંગી તોડી અણુ અણુ છૂટા પાડી એ અણુઓને પોતાની મેળે નવીન ગોઠવણી કરવાની મહેનત આપવી એ ?

વસ્તુ ભાંગવી હોય કે બદલવી હોય તોપણ કયો માર્ગ અનુકૂળ ? વસ્તુને ઠોકર મારવી કે સંભાળપૂર્વક, માનપૂર્વક તોડવી ?

આવા વિચારવમળમાં ગૂંચવાઈ રહેલા પરાશરથી ઉગ્રતાભર્યું કાર્ય થઈ શકયું ન હતું. અલબત્ત, તેની નિરાશા કાયમ રહી ન હતી. છતાં ધર્મભેદથી ધ્યેય-ઐક્યને છિન્નભિન્ન કરી નાખતા માનસનો સ્પર્શ કરતાં તે બહુ જ વિચાર, બહુ જ મીઠાશ અને બહુ જ સીધાપણું કેળવતો હતો. તેના મિત્રોને તે મંદ બનતો પણ લાગ્યો. છતાં તેનાં કાર્ય અને વાણીમાં આવેશ અને તીખાશ ઘણાં ઓછાં થઈ ગયાં.

‘વાદવિવાદ તો મેં બહુયે કર્યા. વાદવિવાદથી સામા માણસનો મત ફેરવાય એ અશક્ય છે કારણ, એમાંયે, આપણે એકબીજાને ઘા જ કરીએ છીએ. પણ મને કહો કે આપ મારી પાસે શું માગો છો ?'

‘હું તમારું શહેર કબજે કરવા માગું છું.' ગૌરધીરે કહ્યું.

‘આપ એમ પણ કહી શક્યા હોત કે તમે આ શહેરના સેવક બનવા માગો છો.’

‘હું સેવક મારા ધ્યેયનો. સાધનોની તો હું માલિકી માગું છું.’

‘કહો, એવાં કયાં સાધનો મારી પાસે છે કે જેની હું આપને માલિકી આપી શકું ?’

'તમારાં મજૂરમડળ.'

‘તમે શું કરશો એમાં ?'

‘ક્રાંતિની ચિનગારી ફૂંકીશ. કલકત્તા, કાનપુર, જબલપુર, જમશેદપુર, અમદાવાદ, મુંબઈ, ભદ્રાવતી અને એરનાકુલમને સાંધી દઈશ, અને ત્રણ માસમાં બધાં કારખાનાંને હું તાળાં વસાવીશ.’

'પણ એથી કોને લાભ થશે ?'

‘જનતા સમૂહને જીવજીવીને.'

'કેવી રીતે?'

‘એક પાસ મજદૂરો કામ બંધ કરશે; બીજી પાસ સામ્યવાદી બિરાદરો કિસાનોમાં જાગૃતિ લાવી તેમને સંગઠિત કરી કામ કરતાં અટકાવી તેમની મોટી મોટી કૂચ ગોઠવશે. સરકાર એ બંધ કરવા બળ અને હિંસા વાપરશે, એટલે ચારે પાસ અંધાધૂંધી ફેલાશે. યુરોપ-એશિયામાં કદી ન જોયેલું યુદ્ધ આજ કે કાલ શરૂ પણ થઈ જશે. લશ્કર યુદ્ધમોખરે રોકાશે એટલી આંતર-અવ્યવસ્થા એવી બની જશે કે આપણે સામ્યવાદીઓ સત્તા લેઈ શકીશું. પછી તો આખા જગતનો મજદૂરવર્ગ આપણી સાથે જ છે. યુદ્ધમાંથી જગતક્રાંતિ જરૂર આવવાની.' ગૌરધીર ભાષણ કરી નાખશે એમ બધાંને ભય લાગ્યો.

‘એ વિચારો થઈ ચૂકેલા છે; મને પણ આવી ગયા છે. પણ હજી તે પ્રમાણે થતું નથી. મજદૂર અને કિસાનોને ક્રાંતિ માટે કેમ તૈયાર કરવા તેની છેલ્લી યોજના હું વિચારું છું. ક્રાંતિની ઉગ્રતા વધારવા સાથે ક્રાંતિના ધ્યેયનો જીવંત અને સાચો અર્થ સમજાય એ જરૂરી નથી ?’

‘આપણે જાણીએ છીએ એ બસ નથી ?’

‘આપને વ્યાખ્યાન આપવું છે ?’

‘એ તો છે જ. પછી શું કરવું તેનો વિચાર કરીશ. પહેલું જાહેર વ્યાખ્યાન, પછી મજદૂર કાર્યકતાઓની મુલાકાત. બાદ મજદૂરમંડળોને દોરતાં જૂથો સાથે મંત્રણા.’

‘હું વ્યાખ્યાન ગોઠવી શકીશ.’ પરાશરે કહ્યું.

‘એટલું ગૌરધીર માટે બસ હતું. વિરોધ કરનાર બધા જ ખોટે રસ્તે ચડી ગયા છે, મૂડીવાદ છેલ્લા શ્વાસ લેતો હોય ત્યારે રાજ્યો, સામાજિક સંગઠનો અને વ્યક્તિઓ પણ ખોટે રસ્તે ચડી જાય એવી શાસ્ત્રીય ઘટના જ હોય છે, અને ઐતિહાસિક જડવાદ Historical Materialism એ બધામાંથી અંતે શ્રમજીવીઓના ઉદ્વારમાં જ પરિણામ પામશે એવી ખાતરીભરી માન્યતા સાથે સહુ છૂટાં પડ્યાં.

છૂટા પડતી વખતે ગૌરધીરે પરાશરને ઓસરીની એક બાજુએ બોલાવ્યો, અને અત્યંત ભાવથી તેને ખભે હાથ મૂકી કહ્યું :

‘બિરાદર ! તારું નામ મેં દૂર રહ્યે રહ્યે ખૂબ સાંભળ્યું છે. તું ઘણું કરી શકે એમ છે. તારામાં અમારા હિંદભરના ગુપ્ત મંડળને ખૂબ વિશ્વાસ છે. માટે હું તારી પાસે આવ્યો છું.’

‘હું એ માટે આપનો આભારી છું.’ પરાશરે કહ્યું.

‘ત્યારે આપણે પાછા મળશું... અને હાં... પંદરેક રૂપિયા તું ન ધીરી શકે ? એક પત્રિકા છાપી છે તેના આપી દેવા છે; પત્રિકા ખપ્યે હું તને પાછા આપીશ.’

પરાશર અવિશ્વાસભરી દૃષ્ટિએ ક્ષણભર ગૌરધીરને જેોઈ રહ્યો. તત્કાળ તેને શરમ આવી. માનવીની હલકાઈ પ્રત્યે તેને અભાવ ઉત્પન્ન થયો. શોભનાએ મોકલેલી રકમમાંથી તેણે પંદર રૂપિયા આ વેગભર્યા ક્રાંતિકારીને આપી દીધા.

પાછા આપવાની જરૂર નથી એમ કહેવાની તક ગૌરધીરે આપી જ નહિ. ક્રાંતિમાં લેણદેણ ઊડી જવાં જોઈએ !

તે દિવસે કોકિલના સૂર સાથે શોભના સૂતી હતી.

આજે શોભના કોકિલના સૂર સાથે ઊઠી ગઈ. નિદ્રા અને જાગ્રતિ સદાય સંગીતમય કેમ નથી હોતાં ?

અભણ, અસંસ્કારી ચંચળને જે મળ્યું તેમાં એણે સુખ માની લીધું. એનો વર લડે, વઢે, મારે તોય. વરની કાળજી રાખવી અને એને સુખી જોવો એ જ ચંચળનું ધ્યેય.

શોભનાને એનો વર લડે તો ? એ જરૂર સામી થાય. એને વઢે તો ? એ કદી સાંભળી ન રહે. અને કદાચ આંગળી અરાડે તો ? તો જોવા જેવું જ થાય ને ? શોભનાનું ધ્યેય શું ? અંગત સુખ અને અંગત માન.

ચંચળ અને શોભના એ બેમાંથી કોણ ચઢિયાતું ?

એ પ્રશ્ન જ ઊભો થતો નથી. લગ્નજીવન એ કાંઈ જુદી જ ભાવશ્રેણી છે. એ કાંઈ જુદી જ દુનિયા છે. સહુને સુખી કરવાનું ધ્યેય હોય; પરંતુ પતિને સુખ કરવામાં સુખ ઊપજે એવું આકર્ષક તત્ત્વ તેનામાં હોવું જોઈએ ? એ તત્ત્વ કયું ? તન ? મન ? ના... ના... ધન તો નહિ. ધનને મહત્ત્વ આપતું માનસ એ અત્યંત ક્ષુદ્ર કોટીનું લાગે છે !

શોભનાએ જીવનને દોડવા માટે રેષાઓ દોરી દીધી. પરાશર સાથેની વાત પાછળ છુપાયલું મનમંથન તેને છ માસની મર્યાદાવાળું કોઈ વ્રત લેવડાવી રહ્યું હતું. તેને બાળપણનું ગૌરીવ્રત યાદ આવતું. અલૂણું એટલે અલૂણું જ જીવન ! પરાશરને અનુકૂળ થવા માટે શું શું કરવું.

ચા ન પિવાય, ઝીણાં કપડાં ન પહેરાય; હાથે કામ કરવું પડે, પછી જમવામાંયે સ્વાદનો આગ્રહ ન જ રખાય ને ? સાધુજીવન : દુઃખભર્યું જીવન: કષ્ટમય જીવન. શા માટે એ દુ:ખ હાથે કરી ઊભું કરવું ?

અને દેહને તો બાંધી જ મૂકવાનો !

ઊછળતું રુધિર, આનંદઉત્સુક અંગ અને કોઈ તૃપ્તિની શોધમાં ધડક્યા કરતું હૃદય ! એ બધાંને કેદમાં જ પૂરી દેવાનાં !

શા માટે એ બધું ? સ્ત્રીસ્વાતંત્ર્ય સચવાઈ રહે તો પછી ભોગવિલાસ અને સુખમાં પાપ કયે સ્થળેથી આવીને ભરાઈ જાય ? આ બધા વિચારો આવતા છતાં શોભના પ્રયોગ તો કર્યો જ જતી હતી. શ્રદ્ધા ન હોય છતાં વ્રત કરવામાં આર્યજીવનને આનંદ પણ થાય છે, નહિ? માતાપિતા ન જાણે એમ તેણે ચાની ટેવ ઘટાડવા માંડી હતી. ચંચળ, બૂમાબૂમ કરે તોય તે પોતાનાં લૂગડાં ધોવાની રમત ઘણુંખરું કરતી હતી. પોતાની ઓરડીને હાથે શણગારવામાં તે કોઈ વાર એટલું રોકાતી કે તેની માતા તેને ઠપકો આપતી. પથારી કરી સૂવાની ટેવ તો તેને નાનપણથી જ પડી હતી. કોઈ કોઈ વાર એને લાગતું કે પોતાનું સઘળું કામ હાથે કરી લેવામાં જરાય મુશ્કેલી નથી. નોકરોનાં લશ્કર રાખતી ધનિક જનતા નિરર્થક સેવ્યસેવક ભાવ જીવંત રાખે છે.

શાળાનો તો તેને મોહ લાગ્યો. ભાસ્કર કે પરાશર વચમાં ન આવી ગયા હોત તો તે બાળકો સિવાય - બાળકોના શિક્ષણ સિવાય બીજો કશો વિચાર જ ન કરત. પુરુષોમાં પણ સરળ ચાલતા જીવનને હલાવી મૂકવાનું કેટલું બધું બળ રહેલું છે ? પુરુષોનું દેવત્વ સ્વીકારવાનું નથી જ. છતાંય તેનું મનુષ્યત્વ, તેનું રૂપ, તેનું કુરૂપ, તેની ભાવના, તેની ટેવ, તેની ખામી એ સ્ત્રીના સ્મરણમાં કેમ વારંવાર હાલ્યાઝૂલ્યા કરતાં હશે ? ભાસ્કરની રિસ્ટવોચ કે ઝીણું પહેરણ નજર ખેંચી સ્મરણમાં પ્રવેશી જતાં. પરાશરની ખાદી અને આાંટણવાળી હથેળી ગમે એવાં તો નહિ જ ને ? છતાં તે પણ કેમ સ્મરણશક્તિને ધક્કા માયા કરતાં હતાં ?

પુરુષ વગર સ્ત્રીને નહિ જ ચાલે શું ? સમાન હક્ક મળે તોય ? ત્રિયારાજમાં પુરુષનાં હરણ કરી લાવવાં પડતાં હતાં. ! વિક્ટોરિયા મહારાણી હતાં- તેમના જ હકકે મહારાણી હતાં. મહારાજા થઈ ન શકે એવા પુરુષને કેમ પરણી ગયાં ?

અને રઝિયા ? એ સુલતાના હતી. સલ્તનત છોડી એ એક ઊતરતી કક્ષાના પુરુષ સાથે કેમ નાસી ગઈ ?

અને કુમારી રાણી ઈલિઝાબેથ ? કેટકેટલા પુરુષો સાથે એને મૈત્રી ? અને કેટકેટલા એના પ્રેમપ્રસંગ ? બધા ખરા ન જ હોય. છતાં એટલું તો એમાં સૂચન છે જ કે એને લગ્ન વગર ચાલ્યું. પુરુષ વગર નહિ.

પાઠ કે ઈતિહાસ શીખવતાં શોભનાને કદી કદી આવા વિચારો પણ આવતા.

પ્રથમ શોભના પુરુષોને તિરસ્કારની દૃષ્ટિથી જ જોતી હતી, અગર જોવાને પ્રયત્ન કરતી હતી. હમણાં હમણાં તેની સાથે વાતો કરતાં, તેને ઘેર મળવા આવવાનો આગ્રહ રાખતા, તેની સાથે હસવાની ઈચ્છા રાખતા, હસ્તધૂનન માટે અત્યંત ઉત્સ્સુક અને એકાંતમાં ભૂલથી ખભે હાથ મૂકી દેતા રમતિયાળ ગણાવા મથતા પુરુષ શિક્ષકો પ્રત્યે તે વધારે ઉદાર બની હતી.

તેના તરફ નિહાળતા કૈંક પુરુષોને માફ કરતી શોભના શાળામાંથી ઘેર આવી. ઘર આગળ વિની અને તારિકા બંને શોભનાની રાહ જોતાં બેઠાં હતા.

‘બહુ દિવસે દેખાયાં !' શોભનાએ કહ્યું.

‘શું દેખાય, કપાળ ?' તારિકા જરા ઉગ્ર બની બોલી.

'કેમ ? શું થયું ?' શોભનાએ પૂછયું.

‘આ તારી રંભાએ ભણતરને લજવ્યું.' વિની બોલી. વિનીના મુખ ઉપર ઉગ્રતા હતી. તારિકા અને વિની બંનેનાં મુખ સોહામણાં હતાં. ઉગ્રતાએ એ સોહામણાં મુખ ઉપર એક પ્રકારનો કદરૂપો ઓઢો ઓરાઢી દીધો. રૂપને બગાડનાર, સૌંદર્યને વિકૃત કરનાર, સંવાદને બેસૂર બનાવનાર ભાવ કદી પવિત્ર હોઈ શકે ખરો ? મુખ ઉપર રાક્ષસી રેખાઓ ઉપવાસતી ઉગ્રતા પણ ભણતરને લજાવતી જ હોય છે ને ?

‘કેમ ? રંભા ઉપર આટલો બધો કોપ ?’ શોભનાએ વિચારને અંતે પૂછ્યું.

'તને ખબર પડશે તો તું અમારા કરતાં વધારે કોપ કરીશ', વિનીએ કહ્યું.

‘પણ શું છે ? રંભાનો કયો દોષ થયો તે તો કહે ?'

'ભાસ્કર સાથે એણે લગ્ન કરી નાખ્યાં !' તારિકાએ કહ્યું.

‘સારું કર્યું.’

‘શું ધૂળ સારું કર્યું ! આખી સ્ત્રી જાતને એણે નીચું જોવરાવ્યું.’

‘લગ્ન તો આ વિનીને પણ ગમે છે. તનેય લગ્ન કરવાની ઈચ્છા રોજ થઈ આવે છે. પછી તમે બન્ને રંભાને શાનો દોષ આપો છો ?’

‘પણ કેવું લગ્ન ?’

‘લગ્નમાં કેવું શું ? એક પુરુષ અને એક સ્ત્રી પરસ્પરના જીવનને બાંધી છૂંદવા સંમત થાય એ લગ્ન !’ શોભનાએ હસીને કહ્યું.

‘તારી વાત વળી બધા કરતાં ન્યારી ! તારે તો લગ્ન જ ન જોઈએ. કબૂલ. પણ લગ્ન કરવું તો પછી એક પત્ની ઉપર બીજી પત્ની બનવું એ શું શરમભરેલું નથી ?' તરિકાએ કહ્યું.

‘પહેલી પત્નીની દશા શી ?' વિનીને લાગણી થઈ આવી.

‘પણ બન્નેને પરણનાર પુરુષની દશા શી તેનો તો વિચાર કર. દયા કોની ખાવી ? ભાસ્કરની ? એની પ્રથમ પત્નીની કે એની બીજી પત્નીની ?’ શોભનાએ હસીને પ્રશ્ન કર્યો. તે વિની અને તારિકાના ગાંભીર્યને ગણકારતી ન હતી.

'ભાસ્કરે જ એને ફસાવી. એ પુરુષજાત તદ્દન..’ વિની બોલી.

‘ચૂપ રહે. ભાસ્કરને શાની દોષ આપે છે ? મને, તને અને તારિકાને એમ ત્રણેને ભાસ્કર ગમતો હતો. એ કેમ ભૂલી જાય છે ? વગરપરણ્યે આપણે નજર નાખીએ, મસ્તી કરીએ અને... અને ફાવે તેમ... વર્તીએ. બીજી કોઈ પરણી જાય ત્યારે આપણને એ કશું સાંભરે જ નહિ ! અને બન્નેને પાપી ગણાવવા મથીએ. હું નથી માનતી કે એમાં કશું શરમભર્યું બન્યું હોય!' શોભના પણ જરા કડક બની બોલી.

‘અમે તો સભા ભરી રંભાના કાર્યને તિરસ્કારી કાઢવાનાં. તને બહેનપણીનો વાંક ન વસતો હોય તો તું જાણે.’ વિની બોલી.

‘અને તું સભામાં કાંઈ બોલે એટલા માટે તારી પાસે આવ્યાં. પણ તું તો વળી દુનિયાપારની વાત કરે છે.' તરિકા બોલી.

‘હું તમને બન્નેને ચા પાઉ એટલે તમારી દૃષ્ટિ જરા વધારે કુંણી બનશે.’ શોભનાએ કહ્યું, અને તે ચા તૈયાર કરવા ગઈ.

વિની અને તારિકા પ્રથમ તો એકબીજાની સામે જોઈ રહ્યાં. પુરુષવર્ગના સ્વાર્થ ઉપર સદાય પ્રહાર કરતી, સ્ત્રીને મિલકત ગણી કાઢી તેના શોષણ ઉપર જીવતી પુરુષજાતને તિરસ્કારતી શોભના પુરુષ વર્ગ તરફ કુમળી બની. તેના એક ભયંકર અપરાધને હસી કાઢતી હતી ! એ શું પરિવર્તન ?

વધતું ચાલેલું કુમારિકાઓનું વય, માનવજીવનના સંસ્કાર, ભણતર તથા રિવાજની પાળો તોડી નાખી માનવીને - પુરુષને અને સ્ત્રીને વિચિત્ર માર્ગે ઘસડી જતું જનનબળ - જેને પ્રેમ કહી વંદન કરવામાં આવે છે, અને કામ કહી તિરસ્કારવામાં આવે છે તે, સહશિક્ષણ અને સહચારની નવીનતા, જૂના ચીલા ભૂસવાનું સાહસ, વ્યભિચારમાંથી લુપ્ત થતી જતી દોષભાવના, જાતીય જ્ઞાન સંબંધી ઉત્તેજક વાચન અને નાટક, નવલકથા તથા સિનેમાની છૂપી પણ અસરકારક અશ્લીલતા વર્તમાન યુવકયુવતીના અણુ અણુને વાસનામાં ઝબકોળેલાં રાખે છે. આાદર્શની ઘેલછા, અતિ ગરીબીનો શ્રમ, કે મોતને સામે મુખે લાવી મૂકનાર યુદ્ધ સિવાય એ મહારોગ બની જતા ભાવને અંકુશમાં રાખે એવું કશું સાધન આ યુગને જડતું નથી. અતિ તૃપ્તિની શિથિલતામાં સુખ શોધનાર યુવકને આદર્શ, ગરીબી કે યુદ્ધ તત્કાળ મળે એમ નથી. ત્યાં સુધી કોણ કોને દોષ આપે ?

રંભા ભાસ્કરની સાથે પરણી ગઈ - ભાસ્કરને એક પત્ની હોવા છતાં. રંભા યુવતીવૃંદનું માત્ર એક પ્રતીક જ હતી. રંભા નહિ તો વિની કે તારિકા કે શોભના પણ એમ જ ન કરતા એમ શા ઉપરથી કહેવાય ? શોભનાને પોતાને કૈંક વખત એવા વિચારો આવ્યા હતા કે જે આચારમાં મુકાયા હોત તો રંભાની સ્થિતિ સ્વીકારવા તે કદાચ તૈયાર થઈ હોત. શોભનાના લગ્નનો અકસ્માત તેના મનમાં ખટકી ગયો ન હોત, પરાશરના આદર્શો તરફ તેનું ધ્યાન ગયું ન હોત તો. ભાસ્કરના કદી કદી ગમતા સ્પર્શે શોભનાનું આખું જીવન ભાસ્કરમય કેમ ન બનાવ્યું હોત ! ભાસ્કરના પ્રેમને, ભાસ્કરની લગ્નમાગણીને તે ન સ્વીકારી શકી. એમાં તેના ઉચ્ચ ચારિત્ર્ય કરતાં અકસ્માત જ કારણરૂપ ગણાય. રંભાને એ કયી રીતે તિરસ્કારે ? ભાસ્કર નહિ તો પરાશર, સુબન્ધુ કે કુમાર પણ ભાસ્કરના જેવું જ વર્તન ન કરતા એમ માનવાને શો આધાર ? ભાસ્કરને ગમતી પત્ની ન મળી. પરાશરને પણ અમુક અંશે શોભના ન ફાવી. એણે શોભનાને ત્યજી દીધી. શોભનાએ પરાશરને એક આદર્શવાદી તરીકે નિહાળ્યો ન હોત તો શોભના એના માર્ગમાંથી ખસી જાત. અને શોભના કરતાં વધારે આકર્ષક, શોભના કરતાં વધારે આદરપૂરક અને પરાશરને જીવનમાં - ગરીબ જીવનમાં શોભના કરતાં વધારે ઉલ્લાસપ્રેરક યુવતી પરાશરને જડી હોત. તો શોભના સાથેના લગ્નને અવગણીને પણ તે એ યુવતી સાથે પરણી કેમ ન ગયો હોત ? અકસ્માતે જ એ પરિસ્થિતિ ટાળી. પરાશર આદર્શધૂનમાં ઊતર્યો, શોભના પરાશરની ધૂન તરફ આકર્ષાઈ, પરાશરને શોભના કરતાં વધારે આકર્ષક સ્ત્રી ન મળી. એ અકસ્માતને પોતાના ચારિત્ર્ય તરીકે માની - મનાવી ઉચ્ચ આાસને બેસવાની ઈચ્છામાં શોભનાને અન્યાય લાગ્યો. ભાસ્કરની કે રંભાની ભૂલ કાઢનાર અને દૂષિત ઠરાવનાર અને એના તિરસ્કારનો જાહેર ઠરાવ કરનાર શોભના કોણ ? અકસ્માતથી જ સ્વીકૃત રૂઢિને અનુકૂળ બનેલી એક સામાન્ય સ્ત્રી ?

અને દોષ, ભૂલ કે પાપનો તિરસ્કાર એ તેનો પ્રતિકાર હોઈ શકે ? પરાશરે આવી પોતાના પતિત્વને શોભનાના હૃદય આડે ધર્યું હોત તો શોભના પરાશરને ક્ષણભર પણ પોતાની સામે બેસવા દેત ખરી ? પરાશરે પોતાના હક્ક શોભના ઉપર ફેંક્યા હોત તો તે લગ્નવિચ્છેદની તત્કાળ જાહેરાત કર્યા વગર રહી હોત. ખરી ? - પછી તે વિચ્છેદ કાયદેસર હોત કે ન પણ હોત. દોષનું દમન કરવું; ભૂલને ભાંડવી; પાપને પથરા મારવા : એ તો માનવી કરતો જ આવ્યો છે. એથી દોષ ભૂલ કે પાપ કેટલાં ઘટ્યાં ?

શોભનાએ પોતાની બંને બહેનપણીઓને ખૂબ બેસાડી. રંભાની વાત ભુલાઈ જાય એટલી બીજી વાતો કરી. રાત્રે ત્રણે સાથે જમવા પણ બેઠાં.

ચંચળે જમવા માંડતી શોભનાને આવી એકદમ કહ્યું :

‘બહેન ! ખૂન થયું.’

‘ખૂન ? કોનું ?' શોભનાએ પૂછ્યું.

'પેલા ખાદીવાળાની હું વાત હોય કરતી’તી ! મારા ભાઈને બચાવ્યો હતો તે !'

‘પરાશરની વાત કરે છે તું ?’

‘હા, બહેન !’

'શાથી ?'

‘કોઈએ છરો ભોંકી દીધો.'

‘ક્યારે ?'

‘અત્યારે. હમણાં જ એમની ઓરડીએ જોઈને મારી ભોજાઈ આવી. ભાઈ તો ત્યાં જ બેઠો છે.'

શોભના ઊભી થઈ. એણે હાથ ધોઈ નાખ્યા; અને ભાન ભૂલી હોય એમ. એણે ઘરની બહાર દોટ મૂકી.

જયાગૌરી અને કનકપ્રસાદ પણ ચમકી ઊભાં થઈ ગયાં.

‘આમ એકદમ કેમ દોડી ?’ વિનીએ પણ ગભરાઈને પૂછ્યું.

‘પરાશરને તો અમે પણ ઓળખીએ છીએ.' તારિકા બોલી.

'પણ એ... શોભનાનો... વર છે એ તમે... નહિ જાણતાં હો ને ?' જયાગૌરી જરા ભાનમાં આવી બોલ્યાં.

કનકપ્રસાદ ખુરશી ઉપર બેસી ગયા. જયાગૌરીએ આંસુ લૂછવા માંડ્યાં... વિની અને તારિકા સ્થિર બની ઊભાં જ રહ્યાં.

ચંચળે પૂછ્યું : ‘બહેન પરણેલાં હતાં ?'

એને કોણ જવાબ આપે ? અને જવાબ આપ્યાથી પણ શું ? હૃદયને ઊલટપાલટ કરી નાખતાં વહેણમાં પરણવું - ન પરણવું એ પ્રશ્નો ગૌણ બની ગયા હોય છે.

ગૌરધીરને માટે પરાશરે મજૂરોની સભા ગોઠવી. તોફાનને અંગે કેટલાક મજદૂરો પકડાયા હતા અને તેમના મુકદ્દમા ચાલતા હતા; ઉપરાંત તેમનામાં ન હતી એવી ધાર્મિકતા પણ નવેસર ફૂટી નીકળી હતી. મુસ્લિમ મજદૂરોએ નિમાઝ પઢવાનું શરૂ કરી દીધું હતું. હિંદુ મજદૂરોએ દેવપૂજન અને આરતીની પ્રથા શરૂ કરી દીધી હતી. નિમાઝ અને દેવપૂજનમાં ઈશ્વર-આરાધના કેટલી થતી હતી તેની ખબર પડવી મુશ્કેલ હતી; પરંતુ નિમાઝમાં હિંદુઓની આરતી કેમ કરીને હરકત કરે છે તેનો શિકારીને શોભે એવી તીવ્રતાભર્યો તપાસ કરવામાં મુસ્લિમ મજદૂરો નિમાઝના સમયે રોકાતા. અને મુસ્લિમ નિમાઝને હરકત પડે એવો અસરકારક સમય શોધી આરતી અને ઘંટનાદ કેમ કરીને કરી શકાય તેની શોધમાં યુરોપીય મુત્સદ્દીઓને પણ હરાવે એવી હોશિયારી સહ હિંદુ મજદૂરો રોકાતા.

અલબત્ત એવો ભંગ થોડો જ હતો. ભૂખ સહુને અંતે તો એક બનાવી દે છે. જોકે માનવઘેલછાનાં વાવાઝોડાં ધર્મ, સંસ્કાર, ગમે તેવી વીજળીઓની રેષાઓ દોરી ભિન્નતાને ઊભી કરવાને મથે તોપણ જીવવાને મથતો મજૂરવર્ગ અને તેમનાં કુટુંબો ધર્મની રેષાઓને બાજુએ મૂકી દે છે, અને સવારસાંજના પોષણમાં જૂના ઝઘડાઓ વીસરી પણ જાય છે. નવેસર દાઢી રાખવાથી હિંદુત્વની મજબૂતીનો એક વળ વધારે ચડશે એમ માનતા હિંદુમુસ્લિમ મજદૂરોના એક નાના ભાગ સિવાય બીજા બધા પરાશરને સાંભળતા થઈ ગયા હતા.

પરાશરે પણ હમણાં હડતાલની વાત પડતી મૂકી, મજદૂરોના શિક્ષણ અને મજદૂરોની તંદુરસ્તીના પ્રશ્નો હાથ ઉપર લીધા હતા. એથી એને એના સાથીદારોનો સહજ વિરોધ પણ સહન કરવો પડ્યો હતો. છતાં ઉશ્કેરણી, ઉગ્રતા, અગ્નિ, વિગ્રહ, તિરસ્કાર, વેરઝેર એ ભાવનાઓ ચારે બાજુએ સળગાવી મૂકવામાં તેને સંકોચ ઉત્પન્ન થતો હતો. કુટુંબ, સમાજ, રાજ્ય સંસ્થાઓ, નિત્ય વ્યવહાર એ સર્વમાં તિરસ્કાર, ઉગ્રતા વિગ્રહ એટએટલાં વ્યાપી ગયેલાં તેને દેખાયાં કે એ મોરચાઓ ઉપર આધાર રાખી માનવશ્રેય સાધવાની પદ્ધતિ વધારે સારી કે ત્યાગ, માધુર્ય, શાંતિ અને પ્રેમ ઉપર રચવાની પદ્ધતિ વધારે સારી એ પ્રશ્ન તેને મૂંઝવી રહ્યો. રશિયાની હદ આગળ અટકી ગયેલો સામ્યપ્રયોગ કે પ્રયોગપડછાયો, મધ્ય યુરોપમાં મહાબળ ધારણ કરી રહેલો રાજસત્તાવાદ અને સ્પેનના યુદ્ધની નિષ્ફળતા તેને તિરસ્કાર, વિગ્રહ અને કહેવાતી ક્રાંતિ પ્રત્યે ક્ષણભર અવિશ્વાસ ઉપજાવી રહ્યા.

એ પરાજિત માનસનું પરિણામ પણ હોય. સામ્યવાદી જ્યોતિષે એવા પરાજિત માનસની આગાહી પણ કરી રાખેલી છે. અસહ્ય નિષ્ફળતાના વાતાવરણમાં કૈંક વિચારકો, લેખકો અને ક્રાંતિવાદીઓએ આપઘાત કર્યાં છે. શોભનાએ આપેલા છ માસમાં પરાશર પણ જાણે પ્રેમ-શાંતિનું વ્રત લઈ બેઠો હતો. સૌંદર્ય અને સંવાદના ભર્યાભર્યા ભંડારમાં માનવીની વૈરભાવના તો ઝેર નહિ રેડતી હોય એમ તેને લાગ્યું. ઘરનું ઝેર - વ્યક્તિગત ઝેર ફેલાતું ફેલાતું આખા જગતને આવરી રહેલું હતું. ધર્મ, પ્રેમ અને ઔદાય જેવી ભાવનાઓ પણ વિકૃત બની ગઈ હતી. સત્તા અને તેની બીજી બાજુ મિલકત, એ બંનેને ઉથલાવી પાડવાં જોઈએ. એમાં શક નહિ, પરંતુ એ ઉથલાવવાની ક્રિયામાં રહેલું વેરઝેર જીવતું જાગતું રહી નવી દુનિયામાં વધારે ઝેરી સત્તાની આકૃતિઓ ઊભી તો નહિ કરે ? નાઝીવાદ, ફાસીવાદ એ બધાં વ્યક્તિગત વૈર-અણુના મહાકાય સ્વરૂપ તો નહિ હોય ? પત્નીને ડારતો પતિ, બાળકને વઢતો શિક્ષક, કારકુનને ધમકાવતો અધિકારી, દીકરીને ચૂંટી ભરતી મા એ બધાં નાનકડાં નિર્દોષ લાગતાં સત્તા અને મિલકતનાં ચિહ્નોનું વૃદ્ધીકરણ થઈ તેમાંથી જ રાજકીય યુદ્ધ ધૂરકતી રાષ્ટ્રીયતા, પરસ્પરને પીંખી નાખતા ધર્મો અને વિરોધીઓને જડમૂળથી ઉખેડી નાખવા મથતા સામ્યવાદ અને નાઝીવાદનાં ભીષણભૂત તો નહિ ઊભાં થઈ જતાં હોય ?

‘કોણ જાણે ! છ મહિના વિચારમંથન કરી ફરી નવો અગર જૂનો માર્ગ લેઈ શકાશે એમ ધારી પરાશરે મજદૂરોને ઉગ્ર માર્ગે ન વાળતાં સુધારક માર્ગે વાળવા પ્રયત્ન કર્યો - જે સુધારક માર્ગને તે આજ સુધી વખોડી રહ્યો હતો. તેનાં લખાણોમાં પણ ‘મૂડીવાદ મુર્દાબાદ'ની હાકલને બદલે ‘સ્વચ્છ બનો !’ ‘ભણો !’ ‘દારૂ ન પીશો !’ ‘પૈસા બચાવો !’ વગેરે સંબોધનો દાખલ થઈ ગયાં હતાં. એનો મજદૂરો સાથેનો સંસર્ગ ચાલુ થઈ ગયો હતો, જોકે સોમો તેને વારંવાર કહ્યા કરતો હતો :

‘ભાઈ ! અમે અભણ જાત. અમારો બહુ વિશ્વાસ ન કરશો.'

‘તારો પણ નહિ ?' પરાશર હસીને પૂછતો.

'ના.'

‘ત્યારે જીવીને પણ શું કરવું છે ?’ આજની સભાની યોજના વખતે પણ સોમાએ પાછું કહ્યું :

‘ભાઈ ! હું પાસે તો છું; પણ સાચવીને બેસજો.’

‘કેમ ? શું છે ? તું આવો બીકણ ક્યાંથી ?’

‘કોણ જાણે; પણ મને તમારે માટે બીક રહ્યા જ કરે છે.'

ʻકારણ ?'

‘અમને વેચાતાં વાર શી ? કાલ હિંદુમુસ્લિમને બહાને લડ્યા. આજ બીજું જ કાંઈ બહાનું નીકળે.'

'તે તારા મિલવાળાઓએ કશી ગોઠવણ કરી છે ?'

‘એમની એક ગોઠવણી : ગુંડાઓને સાચવી રાખવા; માલિકોને ખબર પણ ન પડે અને કામ કરનારા એમનું કામ કર્યો જાય.'

ચુગલીખાતું. જાસૂસી, દંગા ખાતું, ગુંડાખાતું. ઉશ્કેરણીખાતું પ્રકાશનખાતું એ બધાં વર્તમાન રાજનીતિનાં તામસ સ્વરૂપો પશ્ચિમનાં રાષ્ટ્રો જ પોષે છે એમ નહિ. વહીવટી વ્યવસ્થા રાખનાર બધી જ સંસ્થાઓ હવે એ સ્વરૂપોનો આશ્રય લેતી થઈ છે. એ પણ વ્યક્તિજીવનમાં રહેલા તામસ અણુના જ વિરાટ પડછાયા ને ?

પરાશરે સોમાને હસી કાઢ્યો. સભા મજૂર નિવાસ પાસેના ખાબોચિયાવાળા તળાવની ખુલ્લી જમીનમાં ભરવામાં આવી. ગૌરધીરનું પરાશરે ઓળખાણ કરાવ્યું, અને તેમને બે શબ્દો કહેવા વિનંતી કરી. બોલબહાદુરો બોલવાની તક મળતાં બે શબ્દે અટકતા નથી. ગૌરધીરના દેહમાં ત્રણત્રણ મહર્ષિઓએ સામટી પ્રવેશ કર્યો હોય એમ લાગ્યું. દુર્વાસાનો ક્રોધ, વિશ્વામિત્રનું ઝેર અને પરશુરામનો ઉદ્રેક ગૌરધીરમાં પ્રત્યક્ષ થયાં. તેમણે મૂડીવાદીઓને ગાળો દીધી, મૂડીવાદીઓના દોષનું ઝણઝણતું વર્ણન કર્યું અને મજદૂરોના ખરા હક્કનું ભાન કરાવ્યું :

‘શું તમને મોટરકાર નથી ગમતી ?’ વ્યાખ્યાનમાં ગૌરધીરે કહ્યું.

‘પણ આપે છે કોણ ?’ સભામાંથી કોઈ બોલી ઊઠ્યું.

‘આપવાનું તો કોઈ નથી. આપણે ઝૂંટવી લેવાનું છે, જે જોઈએ તે.'

‘ઝૂંટવતાં જેલમાં ગયા તો ?’ બીજી પાસથી કોઈએ કહ્યું. પરાશરને લાગ્યું કે સોમાની ધારણા કદાચ ખરી પણ હોય. સભા ભાંગવા માટે પણ કેટલાક મજદૂરોએ હાજરી આપી હોય. તેણે ગૌરધીરને વ્યાખ્યાન સમેટવા ધીમી સૂચના કરી; પરંતુ શરૂ થયેલ વ્યાખ્યાન કદી એમ બંધ થતાં હશે ? ગૌરધીરે આગળ ચલાવ્યું :

‘જેલ ! જેલથી ડરો છો ? અરે જેલથી ડરશો તો તમે ગુલામો જ રહેશો. એ તો મોતના ખેલ છે !’

‘મોત અમારાં થાય છે અને ફૂલહાર તમે લો છો. જરા આવો, અમારા ભેગા રહો, અમારી જોડે મજૂરી કરી, પછી ભાષણ આપો. કોઈએ મોટેથી દલીલ કરી.

‘ચૂપ’, ‘બેસી જાઓ’, ‘બહાર જા’, ‘તું કોણ કહેનારો ?’, ‘કાઢો એ ભાષણિયાને’, ‘સારા માણસનું અપમાન ?’ વગેરે સંબોધનો અને બોલાબોલી સહ સભાસદો ઊભા થઈ ગયા અને હિંદના ટોળામાં હિંદી અવ્યવસ્થા વ્યાપી ગઈ. થોડા માણસો ભાષણકર્તા તરફ ધસી આવ્યા. પરાશર ગૌરધીરની આગળ ઊભો રહ્યો. સોમો પરાશરની છાયારૂપ બની ગયો. પરાશરે ધક્કામુક્કીમાં પોતાની નજીક આવતાં કહ્યું :

‘સોમા ! આમને સલામત બહાર કાઢી લઈએ.’

‘હા, ચાલો.’ કહી બંનેએ ટોળાને ભેદવા માંડ્યું. એકાએક કોઈ માણસની બૂમ સંભળાઈ :

‘ક્યાં છે પરાશર ?’ પરાશર જરા થોભ્યો. તેના નામોચ્ચારે તેને અટકાવ્યો, અને એ સોમાથી દૂર પડી ગયો.

‘કેમ ભાઈ ! શું છે?' પરાશરે ઘેલા જેવા લાગતા એક મજબૂત પણ વૃદ્ધ મજદૂરને ધસી આવતો જોઈ પૂછ્યું.

‘શું છે ? મારા દીકરાને પાછો આપ.’

‘તારી દીકરો ? એ કોણ ?'

‘તારી ઉશ્કેરણીએ જે સરઘસમાં ચઢ્યો, અને મરી ગયો તે. અમને નિરાધાર બનાવી દીધાં. તું શાનો ઓળખે ?’

પરાશરને લાગ્યું કે તે પોતે ગુનેગાર હતો. તે જાતે મરી શક્યો હોત તો આવો આરોપ તેને માથે ન આવત.

‘બોલ, શું કહે છે ?’ વૃદ્વે કહ્યું.

‘કાંઈ નહિ. કહે તો હું તારો દીકરો બની તારી કાળજી કરું.’

‘મારો દીકરો ? એ તો ગયો, અને તુંયે એની પાછળ જા.' કહી વૃદ્ધ છરો કાઢી પરાશરના પાસામાં ખોસી દીધો. પરાશરે તેનો હાથ પણ ઝાલ્યો નહિ. સોમો છલંગ મારી આવી પહોંચ્યો. તે પહેલાં તો છરો પરાશરના દેહમાં ચાલ્યો ગયો હતો. ટોળું સ્તબ્ધ બની ગયું. વૃદ્ધે ભયંકર હાસ્ય કર્યું અને ત્યાંથી તે નાસવા માંડ્યો. સોમાએ તેને ગરદનથી પકડ્યો, અને તેને ભોંય ભેગો કરવા તત્પર થયો. ‘સોમા ! છોડ એને? પરાશરે બૂમ પાડી. બૂમ તો ન પડી શકી, છતાં તેના શબ્દે સોમાને વૃદ્ધથી દૂર કર્યો.

પરાશરના દેહમાં છરો ખૂપી ગયો હતો. તેના દેહમાંથી રુધિર વહેતું હતું. ગૌરધીરનો પત્તો ન હતો. પરાશરે પોતાના હાથ વડે છરાને ખેંચી કાઢયો, છરો નીકળતાં રુધિરનો ફુવારો ઊડ્યો અને પરાશર ભાન ભૂલ્યો. તેને લાગ્યું કે તે જમીન ઉપર ઢળી પડતો હતો, અને તેના દેહને કશી ભારે વેદના થતી હતી.

પરાશરે આંખ ઉઘાડી. આંખ ઉપર બ્રહ્માંડને ભાર મુકાયેલો લાગ્યો. હાથ ઉપાડવા તેણે મંથન કર્યું. તેનો હાથ જુઠ્ઠો પડી ગયેલો લાગ્યો. તેણે કાંઈ વિચારવા પ્રયત્ન કર્યો. તેનું માનસ ધુમ્મસ સરખું હાલતું અને અસ્પષ્ટ હતું. કોણ 'ભાઈ, ભાઈ’ કહી બોલતું હતું ? 'કોમરેડ' શબ્દમાં રહેલું આખું બંધુત્વ એ 'ભાઈ' શબ્દમાં ક્યાંથી સ્ફુટ થતું હતું ? કેટલો સાચો બિરાદરીનો રણકાર ! તેના મુખ ઉપર સ્મિત આવ્યું. પરંતુ એ સ્મિત મુખ ઉપર આકાર ધારણ કરે તે પહેલાં તો કશું હથિયાર તેના દેહમાં ભોંકાતું લાગ્યું. એને કાંઈ વાગ્યું હતું ? કે વાગતું હતું ?

તેણે જોર કરી આંખ ઉઘાડી. તેની આંખ અડધી ઊઘડી.

‘ભાઈ ! અમે બધા પાસે જ છીએ.' કોઈએ કહ્યું. છતાં સઘળું દૂર અને - લાખો ગાઉ દૂર હોય એમ તેને લાગ્યું.

અડધી ઊઘડેલી આંખે પરાશરે કાંઈ દૃશ્ય જોયું. સોમો તેને બોલાવ્યા કરતો હતો, નહિ ? કુમાર એના દેહને શું કર્યા કરતો હતો ? આટલાં બધાં માણસો ક્યાંથી ? પોતાની ઓરડી તો તદ્દન નાની હતી ! સહુને બેસવા તેણે ચટાઈ પાથરવી ન જોઈએ ?

તે ઊઠવા મથ્યો. તેના દેહમાંથી શક્તિ ક્યાં જતી રહી ?

'પરાશર !'

કુમારનો એ બોલ હતો, ખરું ?

‘તું હાલીશ નહિ.’ કુમારે એવી આજ્ઞા કેમ આપી ?’

‘કેમ ?’ ભાગ્યે જ કોઈને સંભળાય એવી ઢબે પરાશરે મહામુશ્કેલીથી પૂછ્યું.

‘બોલીશ પણ નહીં. તને વાગ્યું છે.’ પરાશરને કોઈ સ્વપ્ન યાદ આવતું હોય તેમ એક પ્રસંગ યાદ આવ્યો. કોઈ કાળે એક સભામાં તેને કોઈએ છરો માર્યો હતો ! કેટલા દિવસ થયા હશે એ વાતને ? એને કોણ કહે કે એ ઘટના એક કલાક પહેલાં જ બની હતી ? કાળ પણ આવા પ્રસંગે થંભી જતો હશે ?

'જીભે. કાંટા, આંખમાં...હુતાશ, હૈયે...હળાહળ...અને હાથમાં છરા... માનવી છરા..ની જ... વચમાં જીવે છે...એ મરે...પણ ....છરાથી જ ને ?' પરાશર ધીમું ધીમું બોલ્યો.

મરવાની વાત જ કરવાની નથી. મનને જરા જોર આપ.’ કુમારે કહ્યું.

પરાશરે આંખ મીંચી. તેને જીવવાનું મન હતું. સવારમાં ઊઠીને રાત્રે સૂતાં સુધીની માનવી ચર્ચા એક જ માર્ગે ચાલી જાય છે; વિરોધ, ગાળ અને હુમલા, ઘરકામ કરતા નોકરથી માંડીને વાઈસરોયના મહેલ અને ગાંધીના આશ્રમ અગર ગાંધીવાદને તોડનાર ઝગમગતી બુદ્ધિવાળી સામ્યમંડળીએ સુધી તોડો, ફોડો, બાંધો, કાપો ! સહુને મુખે જગતભર ઘૂમતા એ શબ્દો !

શબ્દો જ ? કાર્યો પણ એનાં જ સૂચક ! અને વિચારો ?

વિચારસૃષ્ટિ તો કલહ, વિગ્રહ અને ખૂનથી ઊભરાઈ રહેલી છે ! એ સૃષ્ટિમાંથી જ શબ્દો અને કાર્યો આવે છે ! એ ન બદલાય ત્યાં સુધી... મન, વાચા અને કર્મથી કતલખાનું બની ગયેલા જીવનને સાચવવું શા માટે ?

જીવવાની જરૂર જ નથી ! પરાશરે વીજળીની દીપાવલી માફક ચમકી જતી વિચારશ્રેણીને અંતે નિશ્વય કર્યો.

કુમાર તેની નાડ પકડીને બેઠો હતો. અતિ વેગથી ચાલતું રુધિર જખમ દ્વારા ફરી બહાર આવવા લાગ્યું. પરાશરની નાડ ધીમી પડી. કુમાર ચમક્યો. પરાશર ઊંડે ઊંડે ઊતરી જતો હતો. એને એ ઊંડાણ સુખમય લાગ્યું.

'ભાઈ, ભાઈ !' ઊંડાણમાંથી અવાજ આવતો પરાશરે સાંભળ્યો. એ સાદ કેટલે દૂરથી આવતો હશે ? લાખો ગાઉ દૂરથી ? સ્વર્ગમાંથી ?

પણ સ્વર્ગ છે જ ક્યાં ? એ વહેમ પ્રત્યે પરાશરને હસવું આવ્યું - જોકે તેના મુખ ઉપર એ હાસ્ય અવતરી શક્યું નહિ, તેના હાથમાં પાછો કશો ઘા થયો ! ભલે થાય. દેહને અને પરાશરને હવે ક્યાં સંબંધ રહ્યો હતો ? દેહથી તે પ્રત્યેક પળે છૂટો પડી જતો હતો.

છતાં કોણ તેને પાછું દેહમાં ઘસડી લાવ્યું ? ‘ઈન્જેક્શન’ જેવો કાંઈ શબ્દ તેણે જગતમાં ધૂમતો સાંભળ્યો ?

તેની આંખે કાંઈક દેખાયું ! સોમો રડતો હતો ? રતન આંસુ ઢાળતી હતી ? કુમાર કેમ ફિક્કો પડી ગયો હતો ? ઓરડીમાં કેમ બધાં ભેગાં થયાં હતાં ? આજે હડતાલ તો નહિ પાડવાની હોય ?

‘ભાઈ ! હું હજી પૂરું ભણી નથી !' કોઈ ઘુમ્મટમાંથી રતન બોલતી હોય એમ પરાશરને લાગ્યું. 'હવે...કુમાર...પાસે' પરાશરે ધીમેથી રતનને કુમાર પાસે શીખવા સૂચના કરી - જોકે આખું વાક્ય તેનાથી બોલાયું નહિ.

'ના ના, તમારી પાસે જ શીખવું છે !’

અભ્યાસ કરાવવા ખાતર દેહ શાનો જીવતો રહે ?’ ભણેલી પ્રજા વધારે તીવ્રતાથી લડશે ! જાગ્રતિનો એક પુટ વધારે ચડશે તેમ માનસિક હિંસા ઉપર એક વધારે વળ ચડશે ! રતનને માટે જીવવું સારું લાગ્યું...પણ...કાંઈ નહિ.ભાન ભલે જતું !

દેહથી જાણે પર થઈ ગયો હોય એમ પરાશર થોડી થોડી વારે વાતોના ટુકડા સાંભળતો.

'એ બિલકુલ સહાય આપતો નથી. જીવવાની ઈચ્છા જ જાણે મરી ગઈ છે !'

કોણ એ બોલ્યું ? ડૉક્ટર કુમાર ?’ એ સાચું બોલતો હતો, નહિ ? ઝેરભર્યા જગતમાં જીવીને શું કરવું ? શોષિતો જગતમાં રહે જ નહિ એ જીવન સંકલ્પ ! પણ એ સંકલ્પ સિદ્ધ કરવા માટે શોષણને જીવતું રાખતા માર્ગ લેવાના. અર્થવાદનો વિનાશ ! ખરું. પણ એ વિનાશના માર્ગ તો પાછા એના એ જ : વેર, ઝેર, ખૂન, કતલ... એ માર્ગે અર્થવાદનો નાશ થશે ? લોહીમાં - અણુઅણુમાં ઊતરી આવતાં વેરઝેર અર્થવાદને બદલે કતલ કરવા માટે બીજો વાદ નહિ ખોળી કાઢે એમ શા ઉપરથી ?

ઘડતર પહેલું કે ઘડતરનો અણુ ? નવીન સમાજની રચનામાં શોષણ નહિ થાય, પણ એ નવીન રચના અણુશુદ્ધિ કર્યા વગર થશે ખરી ? અર્થવાદી રચના તોડ્યા પછી નવીન અણુને શુદ્ધ કરનાર કયો પ્રવાહ નવીન સમાજમાં વહેતો હશે ?...જો વેરઝેરથી નવીનતા પ્રાપ્ત કરી હશે તો ?

કોણ જીવે ?

પરાશર આળસી ગયો. જીવવા માટે પણ ઉત્સાહ જોઈએ. તેના હાથપગ ટાઢા પડવા લાગ્યા. દેહ સાથેનો સંબંધ ગ્રન્થિએ ગ્રન્થિએ છૂટવા લાગ્યો.

‘એને જીવવાનો ઉત્સાહ કોઈ આપો, નહિ તો એ મરી જશે.' કુમાર માથે હાથ દઈ બોલ્યો.

એક યુવકે ઉત્સાહ પ્રેરવા ગાવા માંડ્યું :

ઈન્કિલાબ ઝિન્દાબાદ !

પરાશરે આંખો ન ઉઘાડી. એ પોકારની પાછળના વાતાવરણે એને જીવવાની શક્તિ આપી નહિ. વેરઝેરથી ભરેલી ક્રાંતિ તેને જીવવા પાત્ર ન લાગી. ડૉક્ટરે યુવકનો કર્કશ સૂર બંધ કરાવ્યો.

પરાશરની નાડીના ધબકારામાં અનિયમિતપણું લાગવા માંડ્યું. સહુના ધબકારા વધી ગયા. ઓરડીમાં અને ઓરડીની બહાર ભેગાં થયેલાં મજૂર ટોળાંના વધેલા ધબકારા પરાશરને ભેટ મળે તો પરાશર સો વર્ષ જીવી શકે, પરંતુ માનવી ક્યાં બીજાને જિવાડવા માટે જીવે છે ?'

"પરાશર ! પરાશર !'

પરાશરે એક ચીસ જીવનને પેલે પારથી આવતી સાંભળી. ચીસ જાણીતી હતી ? કોની હશે ? યમદૂત સાથે બાથે પડી પતિને નવજીવન અપાવતી સાવિત્રીની આ ચીસ તો નહિ હોય ? શા માટે આ જગત જીવનને શાંતિથી હોલવાઈ જવા નહિ દેતું હોય ? દેહ સાથે પરાશરને પાછો જડી દેતી. આ ચીસ ઓળખ્યા વગર નહિ ચાલે ?

પરાશરે આાંખ ઉઘાડી.

શું શોભના તેની પાસે બેઠી હતી ? શા માટે ?

'પરાશર !’ શોભના અત્યંત ધીમેથી બોલી કે મોટી ચીસ સાથે બોલી ?

‘છ....માસ... થયા ?' પરાશર શોભના જ સાંભળી શકે એવે સાદે બોલ્યો.

‘હા... મહાકાળના ઓળા પડતા હોય ત્યાં દિવસ, માસ કે વર્ષની શી ગણતરી ?’ શોભનાએ જુઠ્ઠી હા પાડી.

શોભના રડતી હતી ? શા માટે તે તેને અડકીને બેઠી હતી ? શા માટે પરાશરના કપાળ ઉપરથી વાળ ખસેડતી હતી ?

' હું... જાઉં...છું...તું...છુટ્ટી...'

‘ક્યાં જવું છે ?’ સહજ ઉગ્રતાથી શોભનાએ પૂછ્યું.

‘એનો કોણ જવાબ આપી શકે ? પરાશર પણ નહિ. મૃત્યુ એ ઈશ્વર જેટલો સ્પષ્ટ ભાવ છે. પરાશરે છત તરફ આંખ ફેરવી પોતાનો ભાવ વ્યક્ત કર્યો.

‘પણ હું જવા દઈશ તો ને ? હવે તારી પાસે જ રહેવા હું આવી છું. ત્રીસમા આપણે બે રહીએ એવો માર્ગ મને જડ્યો છે.'

‘ન... ફાવે...’

'તોય હું રહીશ. મને છોડીશ... તો... તો...હું મરી જઈશ.’

શોભનાએ શું પરાશરના કપોલ ઉપર કપોલ ટેકવ્યા હતા ? પરાશરના ગાલમાં ક્યાંથી જાગૃતિ આવી ? ઉષ્ણ ટપકાં ક્યાંથી પડતાં હતાં ? શોભના શું પાછી રડતી હતી ? અને... પેલી ... રતન પણ રડતી હતી... કુમાર કેમ...આંખ લૂછે... છે.... સોમો કેમ ડૂસકે... ભરાયો... છે ? અને આખી ઓરડી કેમ આંસુ ઢાળે છે !

જગતમાં શું સંવાદ પાછો જાગ્યો ? ખારા દરિયામાં મીઠા પાણીના ફુવારા ફૂટવા માંડ્યા ? માનવીના જગતમાંથી પળવારને માટે પણ ખૂની રાક્ષસ અદૃશ્ય થયા ? પળ એ સનાતનનો અણુ ! પળમાં જ બન્યું તે સદાય કેમ ન બને ?

સામ્યવાદને પ્રેમનાં - સ્નેહનાં આંસુનું સિંચન થાય તો તે વહેલો ન ફળે ?

પરાશરે ધીમે રહી હાથ ઊંચક્યો, અને પોતાને ટેકવી બેઠેલી શોભના ઉપર વીંટ્યો.

પરાશરના મુખ ઉપર ન પહોંચી શકતું સ્મિત હવે ત્યાં પહોંચ્યું. સ્મિતભરી શાંતિ સહ તેણે આંખ મીંચી.

જગતમાં સંવાદનું તત્ત્વ છે ! સંવાદ ઉપર માનવરચના થઈ શકે છે! એવી શ્રદ્ધા સહ આાંખો મીંચી સૂતેલો પરાશર જીવ્યો કે નહિ એવી પૃચ્છા કરવાની જડતા કોણ બતાવે ? એ શ્રદ્ધાની ક્ષણ ચિરંજીવી જીવનરૂપ છે. જીવનમાં એથી વધારે સુખ, એથી વધારે સત્ય, એથી વધારે સૌંદર્ય ક્યાં મળી શકે ?

બાકી ખાલી જીવન અને ખાલી મૃત્યુનાં મહત્ત્વ શાં ?


•••
  1. * ભલે. તમને ગોઠે એમ કરો.
  2. + જરાય નહિ. જે કરતાં હો તે કર્યે જાઓ.