ભસ્મની ઉષ્મા
← ભસ્મનાં પડ | શોભના ભસ્મની ઉષ્મા રમણલાલ દેસાઈ |
અગ્નિશાંતિ → |
શોભનાએ શાળામાં પ્રવેશ કર્યો, અને વિદ્યાર્થીઓનું ગુરુપદ સ્વીકાર્યું. વિદ્યાર્થી અવસ્થામાંથી એકાએક ગુરુપદ મેળવવું એ અવનવો અનુભવ છે. શાળા અત્યંત નવીન પદ્ધતિએ ચાલતી હતી. બાળકો અને બાળકીઓને સ્વચ્છ, સુઘડ, ચબરાક તથા આનંદી રાખવાં એ આ શાળાનું મુખ્ય કર્તવ્ય હતું. જુનવાણી શિક્ષણપદ્ધતિનો અત્રે બહિષ્કાર થયેલો દેખાતો હતો. હારમોનિયમ, દિલરુબા, ખંજરી, દાંડિયા, ચિત્રો એ બધાં નવીન શિક્ષણનાં સૂચક સાધનો અહીં દેખાઈ આવતાં હતાં. શિક્ષકો અને શિક્ષિકાઓ પણ વાજિંત્ર જેવાં સ્વચ્છ, રૂપાળાં અને સુઘડ લાગતાં હતાં. ગાંધીવાદી સાદાઈમાં કલાનો ઉમેરો કરતાં વસ્ત્રો અને ઑક્ષ્ફર્ડ શૈલીને પણ આદર્શ આપે એવાં યુરોપીય ઢબનાં વસ્ત્રોનું શિક્ષક-શિક્ષિકાઓમાં સુલભ મિશ્રણ થતું લાગતું હતું.
મુખ્ય શિક્ષક, મોટા માસ્તર કે હેડમાસ્તર જેવા ઓગણીસમી સદીના પ્રચલિત નામનો તિરસ્કાર આવતાં વીસમી સદીએ એ સ્થાનના અધિકારીને ‘પ્રિન્સિપાલ' - મુખ્ય આચાર્યના નામથી વિભૂષિત કરી તેને મહત્તા આર્પી છે. શોભનાને પ્રિન્સિપાલના દીવાનખાનામાં દાખલ કરવામાં આવી. શિક્ષણનાં સાધનોના નાનકડા પ્રદર્શન સરખા દીવાનખાનામાં બિરાજેલા યુવાન દેખાવા મથતા પ્રિન્સિપાલ પણ એક સુશોભિત સાધન સરખા જ વાતાવરણમાં ભળી જતા હતા. તેઓ ફરતી ખુરશી ઉપર બેસી જરા ખુરશીને હલાવતા એક અંગ્રેજી વર્તમાનપત્ર વાંચતા હતા. શોભના સંકોચ સહ તેમની સામે ઊભી રહી. અમલદારી માત્ર ઘમંડપ્રેરક હોય છે; પછી તે સરકારી હોય કે બિનસરકારી. અને આગળ વધતી વીસમી સદીમાં સરકારી અમલદારોના પ્રતિસ્પર્ધી સરખો બિનસરકારી સંસ્થાઓના અમલદારોનો પણ એક વર્ગ ઊભો થતો જાય છે; અને ઘમંડ, તોછડાઈ, અવિવેક તથા ક્રૂરતામાં સરકારી અમલદારોને પણ નમૂનારૂપ બની જાય એવી પૂરી આશા નિત્ય નિત્ય આપતો જાય છે. પોતાની સામે કોઈ આવ્યું છે એમ જાણ્યા છતાં, એકાગ્રતાની છાપ પાડવા અને પોતાની મહત્તાનું પ્રદર્શન કરવા પ્રિન્સિપાલે થોડી ક્ષણો સુધી વાંચન ચાલુ રાખ્યું, અને અંતે વર્તમાનપત્રનું પાનું ખસેડવાને બહાને શોભનાને દીઠાનો દેખાવ કર્યો.
'મિસ શોભના ?' શોભનાના નમસ્કારનો જવાબ આપતાં પ્રિન્સિપાલે પૂછ્યું.
'હા જી.'
‘ઓ ! મને બહુ આનંદ થયો; તમારી હું રાહ જોતો હતો. તમે આવશો એવી ખબર મને પડી હતી.' પ્રિન્સિપાલે નમસ્કારથી ન રીઝતાં હસ્તધૂનન માટે હાથ લંબાવી શોભનાને પોતાનો હાથ આપવાની ફરજ પાડતાં કહ્યું. પશ્ચિમમાં સ્ત્રી પહેલો હાથ ધરે તો જ હસ્તધૂનન થઈ શકે; પરંતુ આપણી અનુકૂળતા પ્રમાણે પશ્ચિમના રિવાજમાં ફેરફાર કરવાની સરળતા આપણે હિંદવાસીઓએ મેળવી લીધી છે, એટલે આામાં અવિવેક ગણી શકાય એમ ન હતું.
‘ચાલો, હું તમને આપણી સંસ્થા બતાવું. તમારે શું શીખવવું તેનો આપણે પછી વિચાર કરીશું.' પ્રિન્સિપાલે કહ્યું. અને પ્રિન્સિપાલપણું ખસી ન જાય એવી ઢબે ઊઠી તેમણે શોભનાને સાથે લીધી.
એક વર્ગમાં નાનાં બાળકોને ગમ્મત સાથે જ્ઞાન આપતા એક શિક્ષક જાતે ગોઠીમડાં ખાઈ બાળકોને પણ એ સત્કાર્યમાં પ્રેરતા હતા. એ વિષયમાં બાળકોનું જ્ઞાન શિક્ષક કરતાં વધી ગયેલું હતું. એટલે બાળકોને એવો જ કોઈ બીજો પદાર્થપાઠ આપવા ઈચ્છતા શિક્ષક, બાળકોને રોકવા નિષ્ફળ પ્રયત્ન કરતાં જૂની સોટીનું સ્મરણ કરી ઝૂરતા અને ઝઝૂમતા હતા.
‘તમે જાણો છો કે બાળકોના શિક્ષણની સ્વાભાવિકતાથી જ શરૂઆત થવી જોઈએ. આનંદ એ શિક્ષણનું મુખ્ય તત્ત્વ છે.' પ્રિન્સિપાલે નવું શિક્ષણશાસ્ત્ર સમજાવ્યું, અને ગુલાંટો સાથે ઝેર ખાવા ઈચ્છતા બેજાર શિક્ષક અને આનંદભર્યા બાળકો વચ્ચેના સંબંધનું રહસ્ય ઉકેલ્યું.
બીજા વર્ગમાં એક શિક્ષિકા વચમાં બેસી બાળકબાળકીઓની પાસે એક ગીત ગવરાવતાં હતાં. એ વર્ગનું શિક્ષણ ગીતમાં અપાતું હતું એ ખાતરીપૂર્વક સમજવા માટે થોડી ક્ષણો ત્યાં વિતાવવી પડે એમ હતું. વાંદરાં અને ચકલીઓનાં સંવાદનું એક બાળગીત વર્ગમાં ગવાઈ રહ્યું હતું. સ્વાભાવિક રીતે શિક્ષકોએ પાત્રોનું વર્ગીકરણ કર્યું હતું. બાળકોને વાનર બનવાનું હતું; બાળકીઓને ચકલી બનવાનું હતું; શિક્ષિકાને બંને બનવું પડતું હતું. સાહિત્યની સાથે શિક્ષણમાં પણ વાસ્તવવાદ વેગપૂર્વક પ્રવેશી ચૂક્યો છે. એટલે જોકે ખરેખરી ચકલીઓ ભેગી કરી શિક્ષણ આપવા જેટલી પ્રગતિ હજી શિક્ષણશાસ્ત્રે નથી કરી, છતાં તેમની છેક ખોટ ન જણાય એવી કાળજી તો રાખવામાં આવી જ હતી.
માનવીની ભાષામાં રચાયલા આ બાળગીતને વાસ્તવિતામાં ફેરવી નાખવા માટે દરેક કડીને છેડે 'હુપ હુપ’ અને ‘ચીં ચીં’ જેવા ઉચ્ચારણો કવિએ નક્કી કરી રાખ્યાં હતાં, અને તેના પરિણામે જે તે પ્રાણીસૂચક ઉચ્ચારણો ઉપર ભાર મૂકી બાળકો અને બાળકીઓ તાદૃશ્ય વાતાવરણો ઉપજાવી વર્ગને વૃક્ષનું સ્વરૂપ આપી દેતાં હતાં. સહુ આનંદમગ્ન હતાં. બાળકો અને શિક્ષિકા જોડે પ્રિન્સિપાલે સહુને ઉત્સાહ વધારવા - આખી સંસ્થા સાથે પોતાની એકરૂપતા દશાવવા 'હુપ હુપ’, ‘ચીં ચીં’માં પોતાનો ઓળખાઈ આવતો સૂર પૂર્યો પણ ખરો, અને ત્યાંથી ત્રીજા વર્ગમાં જતે જતે તેમણે શોભનાના મન ઉપર પ્રકાશ પાડ્યો કે :
‘પ્રાણીશાસ્ત્ર આમ સચોટ શીખવી શકાય.' શોભનાને સચોટપણાની ખાતરી થઈ, પરંતુ આખું પ્રાણીશાસ્ત્ર બાળકોને આમ જ શીખવવાનું હોય તો પોતાને ભાગે કયાં પ્રાણીઓનું શિક્ષણ ન આવે તેનો એ વિચાર કરવા લાગી.
ત્રીજા વર્ગમાં ‘સીધી શૈલી’- Direct Method દ્વારા અંગ્રેજી શિક્ષણ આપવામાં આવતું. વી V અને ડબલ્યુ Wના ઉચ્ચારમાં હોઠને કેટણો ગોળ કે લંબગોળ બનાવવો એવી કવાયતમાં પડેલો આખો વર્ગ દૂરથી જોનારને ચુંબનમીમાંસાના વર્ગ જેવો લાગે એમાં નવાઈ નહિ, પરંતુ શિક્ષણશાસ્ત્ર એવા ભ્રમથી ભય પામતું નથી. અને કોણે જાણ્યું કે ચુંબન પણ શિક્ષણશાસ્ત્રનો વિષય ન બની શકે ? જાતીય વિજ્ઞાન શિક્ષણને અભાવે જ અનિયમિત અંધેર બની ગયું છે !
ચોથા વર્ગમાં બાળકબાળકીઓ પોતાનું શરીર સુધારવા હાથ, પગ, અને શરીર ઊંચાંનીચાં કરી કવાયતની ઢબવાળી, જોનારને રમૂજ પડે એવી કસરત કરતાં હતાં.
પાંચમા વર્ગમાં એક નાટ્યપ્રયોગ માટે નૃત્ય, ગરબા અને સંવાદોની ગોઠવણી થતી હતી.
‘આપણી શાળા બહુ જ આગળ પડતી ગણાય છે એનું કારણ તમે સમજ્યાં ?' પ્રિન્સિપાલે શોભનાને પૂછ્યું. શાળા કયી રીતે આગળ પડતી ગણાઈ તેનાં કારણો શોભનાને જડ્યાં નહિ. એકે વર્ગમાં રીતસરનું ભણતર - જૂની ઢબનું Orthodox ભણતર - તેના જોવામાં આવ્યું નહિ. નવા શિક્ષણશાસ્ત્રનો શોભનાને અંગત અનુભવ ન હતો. તે જુદે જુદે સ્થળે ભણી હતી અને તેમાં આ આગળ પડતી શાળાનું મુખ્ય અંગ વાર્ષિક મેળાવડા સિવાય ભાગ્યે આગળ તરી આવતું. અહીં તો પરીક્ષા કરતાં નાટ્ય અને નાચપ્રયોગ બહુ વધારે મહત્ત્વ ભોગવતા લાગ્યા. હમણાં જ પરીક્ષાની જંજાળમાંથી છૂટી થયેલી શોભનાને પરીક્ષા પ્રત્યે ખાસ સદ્ભાવ તો ન હતો. તેણે જવાબ આપ્યો :
'હા જી.'
‘સંગીત, નૃત્ય, કવાયત અને પ્રત્યક્ષ શિક્ષણ એ અમારા સિદ્ધાન્તો છે. એથી શિક્ષક અને શિષ્ય બંનેનું કામ સરળ અને આનંદભર્યું બને છે. તમને હું શિક્ષણશાસ્ત્રનાં પુસ્તકો આપીશ, વાંચી જજો.'
'જી.'
'અને બાળકોને હવે હલકો ખોરાક આપ્યા પછી સહુને મેદાન ઉપર લઈ જઈશું.’
બાળકોને ખોરાક ! અને પછી મેદાન ! હિંદ દેશ ગરીબ છે એમ સહુ કોઈ કહ્યા કરે છે. આ શાળામાં ભણતાં - નાચતાં - બાળક - બાળકીઓને હજી ખોરાક આપવાનો હતો ! હિંદની ગરીબીનો આછોપાતળો પડછાયો પણ આ બાળકો ઉપર પડતો ન હતો ! અહીં ભણતાં બાળકો ગરીબીને કદી પણ ઓળખશે ખરાં ? ગરીબીને ન ઓળખનાર પ્રજા ગરીબોને કામ પણ શું લાગશે ?
શોભનાને પરાશર યાદ આવ્યો, અને તેની યાદ આવતા બરોબર તેના હૃદયમાં ઊંડું દર્દ થઈ આવ્યું.
‘તમે જરા પણ ઊંચો જીવ ન રાખશો. શરૂઆતમાં બધું જ વિચિત્ર લાગે, પરંતુ તમને જોતજોતામાં બધું ફાવી જશે. અને ભાસ્કરભાઈએ તમારે માટે મને મજબૂત ભલામણ કરી છે.’ શોભનાના મનોભાવને જુદી રીતે વાંચતા પ્રિન્સિપાલે શોભનાને હિંમત આપી.
નવીનતાને ઘટે એવી છૂટ અહીં એકલા શિષ્ય શિષ્યાઓમાં જ હતી એમ નહિ. શિક્ષકો અને શિક્ષિકાઓ પણ નવીનતાને દીપાવતી સ્વતંત્રતા અનુભવતાં હતાં. ચબરાકીથી વાત કરવી, ઝટપટ હસી પડવું, ચટપટ ચાલવું, અંગને કલામય વળોટ આપવો, મુખ ઉપર ભોળપણ, અને સ્વભાવિકતાના ભાવ પાથરી દેવા, વાળને બેદરકારીભર્યા ઝોક આપવા, અને વસ્ત્રોના સઢ ઉરાડવા એ વર્તમાન સ્ત્રીજીવનની રમણીયતાનાં અંગો આ આગળ પડતી શાળામાં સારી રીતે ખીલતાં દેખાતાં હતાં. ક્રીમ ઘસી ઘસી મુખમંથનથી ઉપજાવેલી ગોરાશ અને રતાશ, વ્યવસ્થિત કેશવિભાગ, છેલ્લી ઢબના સૂટ અગર છેલ્લી ઢબની સાદાઈ - જેમાં એવી કડકડતી સફાઈ હોય છે કે જે સાદાઈને પણ શણગાર બનાવી દે છે તે, સ્મિત વેરતી સભ્યતા અને સંસ્કારના અતિ ભારથી આવી જતી લચક, એ સઘળાં વર્તમાન પુરુષ જીવનાં સુશોભિત અંગ શિક્ષકોએ પણ સારી રીતે ખીલવ્યાં હતાં. નવીન આવનાર યુવતીને અજાણ્યું ન લાગે એવું વાતાવરણ રચાયલું શોભનાએ અનુભવ્યું, અને પ્રથમ દિવસે જ પ્રાથમિક સંકોચ અનુભવી રહેલી શોભનાને થોડા કલાકમાં તો શાળાના એક સ્વાભાવિક વિભાગ જેવી સહુએ બનાવી દીધી - જોકે શાળાનો સમય પૂરો થતાં ભાસ્કરે આવી શોભનાને પોતાની સાથે કારમાં બેસાડી દીધી, એટલે સ્વાભાવિકતાનો વેશ ધારણ કરતી હલ્લડ શિક્ષિકાઓ અને સ્ત્રીશોભન સૌંદર્ય તરફ વળતા શિક્ષકોની આંખમાં કાંઈક જ્ઞાનની ચમક ચમકી ઊઠી.
‘લોકો આપણી વાત કરશે.’ શોભનાએ ભાસ્કરને કહ્યું.
'કરવા દે; આપણે નહિ તો બીજું કોઈ. લોકોને તો વાત કરવા માટે જોઈશે જ ને ?’ ભાસ્કરે કહ્યું.
‘પણ મારે તો નોકરી કરવી રહી.'
‘તારે નોકરીની જરૂર ન રહે એમ કરીએ તો ?'
'કેવી રીતે?'
‘પછી કહીશ.’
‘ના. આજે જ કહે.’ શોભના અને ભાસ્કર પરસ્પરને એકવચનમાં જ સંબોધન કરવા જેટલી નિકટતાએ ઝડપથી પહોંચી ગયાં હતાં.
'તેં નોકરી માટે વધારે ઉતાવળ કરી.’
‘મારે જોઈતી જ હતી; હું સ્વાવલંબનમાં માનું છું.’
'હજી પણ મોડું થતું નથી.' ભાસ્કરે શોભનાના જવાબને ન સાંભળતા કહ્યું.
‘એટલે ?'
‘હું એક વર્તમાનપત્ર હાથ કરવા ધારું છું.’
‘તેથી શું ?' ‘મારે એક સ્ટેનોગ્રાફર જોઈએ. તું જો મિતાક્ષરી*[૧] શીખી લે તો...’
'તો શું?'
‘હું તને મારી સેક્રેટરી તરીકે લઈ લઉં.’
'પછી?'
'તું સતત મારી સાથે રહી શકશે.'
‘મને ન સમજાયું.’
‘પછી તને નોકરીની જરૂર રહેશે નહિ.’
‘કેમ ?'
ભાસ્કરે શોભના સામે જોયું અને એક મીઠું સ્મિત કર્યું. શોભના ભાસ્કરના સ્મિતનો અર્થ સમજી.
સ્વાવલંબન માગતી સ્ત્રીજાતિને - નોકરી, ઉદ્યોગ કે શ્રમ કરી સ્વતંત્ર જીવન માગતી સ્ત્રીજાતિને પણ આમ પુરુષો રોધતા જ રહેશે ?
પરંતુ એ રોધન છે ?
પુરુષ સ્ત્રીને ગમે છે ખરો. એ ગમતા પુરુષની કેદ અળખામણી જ થઈ પડે; પરંતુ ભાસ્કર પણ ક્યાં બંધનમાં નાખવાનું કહેતો હતો ?
વગરબંધને સ્ત્રીજીવન જિવાય નહિ ?
એક રમત કરતા બેદરકાર બાળકની બેદરકારીએ મોટરકારની ઝડપ એકાએક અટકાવી દીધી.
બાળક મુક્ત હતું, હસતું હતું, તેની લગોલગ આવી પહોંચેલી કારને એક ગમ્મત તરીકે નિહાળી દોડતું હતું. કારમાં એને કચરી નાખવાની - એને ઉથલાવીને આગળ વધ્યે જવાબની શક્તિ હતી, છતાં તે અટકી.
શોભનાએ કારને અટકાવતા નાના બાળકને બાજુએ થઈ દોડી જતું નિહાળ્યું.
બાળક પણ સ્ત્રીસ્વાતંત્ર્યને મર્યાદિત કરતું બળ નહિ ? કુદરત પણ સ્ત્રીવિરોધી ! સ્ત્રીને બાળકનો ભય ક્યાં નહિ રોંધી રાખતો હોય ?
‘શોભના !’ ભાસ્કરે કાર આગળ વધતાં કહ્યું.
'હં.'
'તેં સંતતિનિયમન વિષે કશું વાંચ્યું છે ?’
‘હા, સ્ટોપ્સ, સેંગર વગેરે જોયાં છે.’
‘હું ધારતો જ હતો; તારું વાચન વિશાળ છે.’ 'પણ એ કેમ પૂછવું પડ્યું ?’
‘અમસ્તું જ.’ ભાસ્કરે કહ્યું.
ભાસ્કર અમસ્તુ નહોતો કહેતો. ભાસ્કરનો ઉદ્દેશ શોભનાની ધ્યાન બહાર ન હતો. બાળકના વિચારમાંથી એ સંતતિનિયમન ઉપર જ આવતી હતી. એ જ્ઞાનની કોને જરૂર ન હોય ? કુમારિકાઓ, વિધવાઓ, ત્યક્તાઓ, અરે, સ્વાધીનપતિકાઓ પણ આ જ્ઞાનને શું ઈચ્છતી નહિ હોય ?
શોભનામાં ચાંપલાશ હોત કે દેખાવ કરવાની માત્ર વૃત્તિ હોત અગર નીતિઘમંડ હોત કે પતિનું તેને આકર્ષણ હોત તો તે ભાસ્કરને આ પ્રશ્ન ઉપર તરછોડી કાઢત; પરંતુ સ્ત્રીને પણ પુરુષ ગમે છે, અને બધા જ પરપુરુષોને ધોલ કે ચંપલ મારવાની ઈચ્છા થતી નથી, એ શું ? તેમનાં સૂચન અને ઈશારા અનિયંત્રિત હોય તોય ?
કાર ફરી અટકી.
‘તું જરા અહીં બેસીશ ?’
'કેમ ?'
‘હું દસેક મિનિટમાં આવું છું. મારા એક મિત્રને મળી લઉં.’
‘તારો મિત્ર ? અહીં રહે છે ?'
'તે પેલા પરાશરને જોયો ને ? એ કેવી જગાએ રહે છે ? મારે ઘણા મિત્રો એવા છે. મેં તને કહ્યું જ હતું ને કે હું ક્રાંતિમાં માનનારો સામ્યવાદી છું ?'
‘જઈ આવ.'
ભાસ્કર કારમાંથી નીચે ઊતર્યો. અને પાસેના મકાનની એક અતિ સામાન્ય દેખાતી ઓરડીમાં અદૃશ્ય થઈ ગયો.
દસ મિનિટ થઈ, પા કલાક થયો, વીસ મિનિટ થઈ છતાં ભાસ્કર પાછો ન આવ્યો; એટલે શોભના હિંમત કરી નીચે ઊતરી, અને ભાસ્કર જે ઓરડીમાં ગયો હતો તે ઓરડી આગળ જઈ ઊભી રહી. તેણે બંધ બારણાને બેત્રણ ટકોરા માર્યા, ધીમે રહી બારણું ઊઘડ્યું અને બારણાની પાછળ પરાશરને ઊભેલો જોઈ તે ચમકી.
‘અંદર આવશો ?' પરાશરે પૂછ્યું.
'હું ભાસ્કરને જોવા આવી છું.’ શોભનાએ કહ્યું.
‘એ અહીં જ છે, આવો.' કહી પરાશરે શોભનાને ઓરડીમાં બોલાવી બારણું બંધ કર્યું.
ગરીબોનાં ઘર મધ્યમ વર્ગ અને ઉચ્ચ વર્ગના સ્ત્રીપુરુષોને ગુંડાઓનાં, ચોરનાં, જુગારીઓનાં ઘર જેવાં લાગે છે. શોભનાને પણ પ્રવેશ રુચ્યો નહિ. આછા અંધકારમાં શોભના જોઈ શકી કે એક ગોદડી ઉપર પ્રચંડ પુરુષ સૂતો છે, અને તેની આસપાસ એક સ્ત્રી, ભાસ્કર અને ડૉક્ટર કુમાર બેઠા છે. શોભના અને પરાશર પાસે ગયાં અને જમીન ઉપર બેસી ગયાં. સ્ત્રી રડતી હતી.
સ્ત્રીને સઘળા સંજોગોમાં રડવાનું ?
સૂતેલા પુરુષે આંખ ઉઘાડી અને સ્ત્રી તરફ જોયું.
‘રડે છે ?' પુરુષે પૂછ્યું.
‘ના.’ કહી સ્ત્રીએ મુખ ફેરવી નવાં ઊભરાઈ આવતાં અશ્રુ લૂછી નાખ્યાં.
‘હું જરા બેસું ? પરાશર ! ભાસ્કરભાઈ ! તમે ક્યાંથી ?' પુરુષે પૂછ્યું.
'તું બોલીશ નહિ; ડૉક્ટર ના પાડે છે.’ પરાશરે કહ્યું.
‘હું ન બોલું ? હું નહિ બોલું તો રુંધાઈ જઈશ, ગૂંગળાઈ જઈશ. એ કારખાનાએ મને અપંગ કર્યો. એ કારખાનાએ મારી વહુને આવી હાડપિંજર બનાવી દીધી; એટલેથી ન સર્યું તે, કારખાનાના માલિકોએ મને માર મરાવ્યો. આ પરાશર હોય નહિ અને હું બચું નહિ, પણ મને અપંગને બચાવી શું કામ લીધો ?’
શોભના ચમકી, એક દિવસ ચંચળને તેણે રડતી જોઈ હતી. ચંચળના ભાઈને કારખાનામાં અકસ્માત થયો હતો અને તેનો એક પગ કપાઈ ગયો હતો. ભાઈને અકસ્માત થયો તેનું દુઃખ અને છતાં ભાઈ જીવતો રહ્યો એનો આનંદ ચંચળને અવ્યવસ્થિત, અનિયમિત અને વ્યગ્ર તથા જયાગૌરીના અનેક ઠપકા પ્રત્યે તેને બેદરકાર બનાવી રહ્યાં હતાં.
‘જરા શાંતિથી સૂઈ જા.' ભાસ્કરે કહ્યું.
‘એ કારખાનાને કોઈ ભાંગે, તોડે, ફોડે અને બાળી મૂકે ત્યારે મને શાંતિ વળે.'
'તે પણ થશે. તું જરા સાજો થા ને ?’ ભાસ્કરે કહ્યું. પરાશરે ભાસ્કર સામે જોયું.
‘હડતાલ પડવાની એ ચોક્કસ છે, અને મને માર્યો એમ લોકો જાણશે તો તે પળે જ હડતાલ ઉપર ઊતરી જશે. ભાસ્કરભાઈ ! થોડાં ચોપાનિયાં વહેંચાવો.'
‘જયરામ ! હવે સૂઈ જાય છે કે ઘેનની દવા આપું ?' પરાશરે ધમકાવીને કહ્યું.
‘મને તો મરવાની દવા આપો. હું અપંગ ! મારી બૈરીની આ દશા ! તેમાં હવે કારખાનામાં એને ઊભી કોણ રાખશે ? હું જીવતો રહીને શું કરીશ ? મરું તો આ બાપડી મારાથી છૂટે !’
જયરામની સ્ત્રી ઊઠીને એક ખૂણા પાસે બેઠી. તેણે મુખ ઉપર લૂગડું ઢાંક્યું, અને પતિની સ્થિતિથી હાલી ગયેલા હૃદયને એના બોલે વેગ આપી વહેવરાવ્યું. એના મુખ ઉપરનું વસ્ત્ર ભીનું બની ગયું.
‘અમે કહીએ તે પ્રમાણે તું કર્યે જા ને ? તને પૈસાની કશી જ અગવડ નહિ પડે. લે.’ કહી ભાસ્કરે એક નોટ ગોદડી નીચે દવાબી દીધી.
પૈસાદારો કહે તે પ્રમાણે ગરીબો કર્યે જાય તો જ તેમને પૈસાની અગવડ ન પડે, ખરું ? પરાશરના મનમાં પ્રશ્ન થયો. ભાસ્કરની ઉદારતા પ્રત્યે તેને ભયંકર અણગમો આવ્યો. કેટલાયે વખતથી ભાસ્કર પ્રત્યે તેને એક પ્રકારનો અભાવ આવ્યા કરતો હતો. આજે લગભગ તેને વેરવૃત્તિ થઈ આવી. કારણ ? ધનિકતાની અશક્તિ ! બુદ્ધિમાનની મોટાઈ ! સુખી માબાપના ઘરમાં જન્મ પામ્યાના અકસ્માતમાંથી ઉત્પન્ન થતી ઘમંડી ઉદારતા !
શોભના પરાશર સામે જોઈ રહી હતી, એ પરાશરે પરખ્યું.
કે પછી ભાસ્કર સામેની વેરવૃત્તિનું બીજું કશું કારણ પણ હોય ?
જયરામને એ પૈસા જોતાં સહજ શાંતિ વળી. મજૂરોમાં આગેવાન ગણાતા આ મજૂરમાં તોફાન કરવા કરાવવાની ભારે શક્તિ હતી એમ મનાતું. જરા જરામાં તે ઉપરીઓ સાથે લડતો, ખોટું લગાડતો, અને બીજાના ઝઘડા પણ વહોરી લઈ તેમને મોટું અને વ્યવસ્થિત સ્વરૂપ આપી દેતો. તે જાતે ઘણો મજબૂત હતો, અને પોષણનાં રુક્ષ સાધનો છતાં પોતાનાં દેહને કસેલો રાખી શકતો હતો. ટમાટાં, ઘઉંનાં છાલાં, મલાઈ અને કેળાંમાં રહેલાં પ્રજીવકો - વીટેમીન્સ - તેને મળતાં ન હતાં, છતાં પ્રત્યેક જાતના પ્રજીવકોને એક અગર બીજે સ્વરૂપે દેહમાં ઉમેર્યે જતાં કૈંક ધનિકોના નિરર્થક દ્રવ્યવાળાં શરીરો કરતાં જયરામનું શરીર વધારે ઘાટીલું હતું. મિલમાં સમાજસેવાની ઝુંબેશ ઉઠાવનાર ઉત્સાહી જુવાનિયાઓની સામે મિલના ભારે પગારવાળા વ્યવસ્થાપકો તેમની ઝુંબેશના જવાબમાં જયરામને આગળ કરતા અને પૂછતા.
‘આ તમને ભૂખે મરતો દુ:ખી મજૂર લાગે છે ?’
જોકે જયરામનો દેહ ઘડવામાં મિલના કામે - નહિ કે મિલના પૈસાએ - થોડો ઘણો ભાગ ભજવ્યો હતો ખરો.
પરંતુ મિલમાલિકો અને વ્યવસ્થાપકો જયરામને દુશ્મન તરીકે લેખતા. તેને એક અકસ્માત થયો, અને તેનો પગ કાપી નાખવો પડ્યો. તેને તેના સાથીદારને ધક્કો અજાણતા લાગ્યો. અને સંચામાં તે ભરાઈ ગયો. તેનાં બળ અને કળને લીધે તે મરતાં બચી ગયો; અને જોકે તેનો પગ ગયો છતાં તે જીવતો રહ્યો. તેને જાણી જોઈને ધક્કો મારવામાં આવ્યો હતો એવી વાતને તેણે ગણકારી નહિ; પરંતુ તેની રોજીનો પ્રશ્ન ઊભો થયો. અપંગ માણસની દુનિયાને જરૂર નથી. દેખાવ પૂરતા દવાના અને પોષણના પૈસા આપી કૃતાર્થ થયા એમ માનતા વ્યવસ્થાપકોને લાગ્યું કે કારખાનામાંથી એક પાપ ગયું. પણ એ પાપ એમ ઝડપથી જાય એવું ન હતું. તેની પત્ની ત્યાં નોકરી કરતી જ હતી. અને જયરામની બેદરકારીએ જયરામને ઉગ્ર અસંતોષ અને વૈર આપ્યાં. કારખાનાની અંદર અને બહાર ફરી તે ખામીઓ શોધી કાઢતો, અને એવી ખામીઓને ઉપયોગ કરવા તલપી રહેલા ખબરપત્રીઓ, સમાજસેવકો અને સામ્યવાદી ચળવળિયાઓને તે પૂરી પાડતો.
આમાંથી તેને પરાશરનો તથા ભાસ્કરનો પરિચય થયો. કારખાનાના માલિકો દુષ્ટ જ હોય એવી ખાતરીથી આગળ ચાલનારા સામ્યવાદીઓ તેમની વિરુદ્ધ ચળવળ કરવાનાં ઘણાં કારણો મેળવી શકે છે. પરાશરની ટોળીએ જયરામ દ્વારા માલિકો વિરુદ્ધ લડત ઉપાડી હતી, અને તેમાં તેમને મહાસભાવાદી વિજયરાય અને તેમના પુત્ર ભાસ્કરનો ટેકો મળ્યો હતો, એટલે આખા કારખાનામાં હડતાલ પાડવાની યોજના ઘડાઈ ચૂકી હતી.
માલિકો પણ છેક અજાણ રહ્યા ન હતા. સામ, દામ, ભેદ અને દંડની રાજનીતિનો ઉપયોગ રાજકારણમાં જ અટકાવી રાખવાનો હોતો નથી. મોટા વ્યાપારી વ્યવસાયો, કારખાનાના વહીવટ, રાજદ્વારી મંડળો, સમાજસુધારણની સંસ્થાઓ અને દાનધર્મના કારભારમાં પણ આ નીતિનો ઉપયોગ સારી રીતે કરવામાં આવે છે. જયરામ તથા પરાશરને પહોંચી વળવાની આવડત માલિકોમાં હતી - જોકે માલિકો મહાસભાવાદી છાપવાળા હતા, અને એ આવડતના એક પ્રયોગ તરીકે કારખાનાના ગુંડાઓ દ્વારા જયરામને ખૂબ માર મરાવ્યો. માલિકોનો જરા પણ દોષ ન નીકળે, તેમને અને મારનારાઓને કશો જ સંબંધ ન હતો એમ સાબિત થાય, તેમના હૃદયને રીઝવી શકાય એટલી નિર્લેપતા આવા કામે રહી શકે, અને જરૂર પડ્યે મારનારને પોલીસમાં મોકલી અપાય તથા વાગનારને સારવાર કરવાની ઉદાર તત્પરતા અને ન્યાયપરાયણતા સહુની આંખે ચડે એવી બધી જ ગોઠવણ પૈસાને જોરે બની શકે છે. એવી વ્યવસ્થા થઈ અને જયરામને ખૂબ માર પડ્યો. કદાચ પરાશરની અકસ્માત હાજરી હુલ્લડના છેલ્લા ભાગમાં ન હોત તો જયરામ જીવતો પણ ન રહ્યો હોત.
એ જયરામની સારવારમાં પરાશર અને કુમાર આખો વખત જયરામને ત્યાં હતા. આવાં યોજનાબદ્ધ યુદ્ધોની ખબર પણ ઝડપથી પડી જાય છે. વિજયરાયને તેની ખબર પડી. એટલે એક ગરીબ માણસની ખબર જોવાના શુભ હેતુને આગળ કરી તેમણે ભાસ્કરને મોકલ્યો. ભાસ્કરે શોભનાને મળવાનું નક્કી કર્યું જ હતું. એટલે એક કાંકરે બે પક્ષી પાડવાની જૂની રીત પ્રમાણે તેણે શાળામાંથી શોભનાને લીધી અને વિરોધી કારખાનાદારે ઘાયલ કરેલા ગરીબ માણસની શુશ્રષા કરવાનો પણ લાભ લીધો.
‘આ બંને જણ બેઠા છે; હું જાઉં તો હરકત છે !’ ભાસ્કરે જયરામને પૂછ્યું.
‘બાપજી ! આવો એ જ મોટી વાત છે. આવી અમારી કાળજી કોણ કરે ? પધારો.’ જયરામની પત્નીએ કહ્યું.
સ્વાર્થને અંગે પણ જો ગરીબો પ્રત્યે દિલસોજી દર્શાવાય તો ગરીબોને સ્વર્ગ મળ્યા જેટલું સુખ થાય છે. અને દિલસોજીના ઘણા પ્રકાર સ્વાર્થમાંથી જ ઉદ્દભવેલા હોય છે. અને ખરી દિલસોજી તો સઘળું છોડી ગરીબોની ગરીબી સાથે ભળી જવામાં રહેલી છે; પણ એની સગવડ જગતના મોટા ભાગને હોતી નથી.
‘મારે બેસવાની જરૂર છે ?’ શોભનાએ પૂછ્યું.
પરાશર શોભનાની સામે જોઈ રહ્યો. ભાસ્કર હસ્યો અને બોલ્યો : ‘મારી સાથે ફરીશ તો આવાં કૈંક કામ કરવાં પડશે; પણ અત્યારે તો મારે તને ઘેર પહોંચાડવી જોઈએ. ચાલ.’
ભાસ્કર અને શોભના બંને બહાર આવી મોટરકારમાં બેસી ગયાં. શોભનાએ પૂછ્યું :
‘એ કોણ હતો ?'
‘એક કામદાર, મજૂર જ કહોને ! કારખાનાનો મોટો કામદાર.’
‘શું થયું એને ?’
‘એનો પગ, કપાયો છતાં માલિકોએ એને કશો બદલો ન આપ્યો. એની સ્ત્રી મજૂરી કરે છે, તેને પણ હેરાન કરે છે. જયરામે એ માટે જરા ધાંધળ કર્યું એટલે એને મરણતોલ માર માર્યો. છેક હમણાં એને ભાન આવ્યું.’
‘એની મદદમાં કોઈ ન હતું ?’
‘કેમ ? એણે જ કહ્યું ને ! પરાશર ન હોત તો એ બચત પણ નહિ. કારખાનાના માલિકોની ક્રૂરતાનો પાર નથી. અને પાછા કૉંગ્રેસના પ્લેટફોર્મ ઉપર બેસનારા, હં !' ભાસ્કરે જવાબ આપ્યો.
‘પરાશર કેવો લાગે છે ?’
‘એટલે ?’ ભાસ્કરે જરા માનસિક આળસ છોડી કહ્યું. મોટરકારમાં બેસનારનાં મન ઘણું ખરું ઊંઘરેટ બની જાય છે.
‘સાધારણ પૂછું છું. ઘણી વખત તારી જોડે જ જોઉં છું.’
‘મારો સહકાર્યકર છે. હું ધનની સહાય આપું છું, અને એ મજૂરવર્ગમાં કામ કરે છે.'
‘એ તો મજૂરોની ચાલીમાં રહે છે, નહિ ?’
‘રહેવું જ પડે ને - કામ કરવું હોય તો.'
‘એની પાછળ કેટલું ધન ખર્ચ કરવું પડે છે ?'
‘ત્રીસ રૂપિયામાં એ ચલાવે છે !’
‘તું આપે છે ?'
‘ના રે. એ તો એટલો માને છે કે મારી પાસેથી પોતાની જાત માટે લે જ નહિ.' ‘તો ક્યાંથી ખર્ચ મેળવે છે ?'
‘એક પત્રમાં નોકરી કરે છે. કહીશ તો હું તારો વધારે પરિચય કરાવી આપીશ. બહુ જ આગ્રહી છે. મને પણ ફાવે તેમ કહેવામાં ચૂકતો નથી.’
'શું?'
‘જે ફાવે તે. મારી સાથે ખાસ તકરાર તો એની એ છે કે મારે પણ ત્રીસ રૂપિયામાં મારું ગુજરાન ચલાવવું.’ હસીને ભાસ્કરે કહ્યું.
ધનવાનો ધનના માલિક નહિ પણ જુમ્મેદાર રક્ષક છે એમ મહાસભાનો આત્મા પોકારી રહ્યા છે. એ આત્માની ઓથે ધનના ઢગલા કરનાર રક્ષકો જાત માટે અઢળક ધન વાપરતાં પોતાની જુમ્મેદારીનો ખ્યાલ રાખે છે ખરા ? શોભનાએ તે તરફ હસીને ભાસ્કરનું લક્ષ દોર્યું :
‘ધનની તો તમારી માત્ર જુમ્મેદારી જ ને ? પરાશર શું ખોટું કહે છે ?’
‘હું મારા જુમ્માને બરાબર અદા કરું છું.’
'કેવી રીતે?"
'આ કારમાં જે લાયક હોય તેને બેસાડીને.' ભાસ્કરે હસીને જવાબ આપ્યો, અને શોભનાના એક હાથને પોતાના હાથમાં લીધો.
શોભનાએ પોતાના હાથને ભાસ્કરના હાથમાં રહેવા દઈ બારીમાંથી બહાર જોવા માંડ્યું. ભાસ્કરનો હાથ રેશમ જેવો સુંવાળો લાગ્યો.
પણ એ સુંવાળાશ અત્યારે એને કેમ ન ગમી ?
શોભનાનું ઘર આવી ગયું. અને તે કારમાંથી ઊતરી ગઈ. ભાસ્કરે પોતાની બાજુમાંથી એક સફાઈથી બાંધેલું મોટું પડીકું શોભનાને આપ્યું.
‘શું છે ?’ શોભનાએ પૂછ્યું.
‘મારા તરફની ભેટ છે.' ભાસ્કરે કહ્યું.
‘હું એમ ભેટ લેતી નથી. તમે તમારા ધનના જુમ્મેદાર છો એ હું નહિ ભૂલું.’
‘અરે કશી કિંમતી વસ્તુ નથી; એક પુસ્તક છે.’
‘સંતતિનિયમન ઉપર ?’ જરા તીવ્ર આંખ કરી શોભનાએ પૂછ્યું.
‘નહિ નહિ, એ તો એક સરસ ચિત્રસંગ્રહ છે.'
શોભનાએ તે ભેટ સ્વીકારી. એને ચિત્રો ઘણાં ગમતા હતાં.
‘કેમ બહેન ! જઈ આવી ?’ જયાગૌરીએ પુત્રીને પૂછ્યું.
‘હા.’ શોભનાએ જવાબ આપ્યો.
'તને ફાવશે ખરું ?’
'શા માટે નહિ?'
‘એ ભણાવવાની જંજાળ, છોકરાં સમજે નહિ, અને દિવસભર જીવઉકાળો કરવાનો !' જયાગૌરીએ શિક્ષકની પરિસ્થિતિનો ખ્યાલ પોતાને હતો તેવો આપ્યો.
'ના રે, એમાં તો મજા પડે એમ લાગે છે.’
'તારા બાપને પૂછી જો; કેટલા કંટાળે છે ?’
'આવી ગયા છે ?'
‘ક્યારનાયે. જરા સૂતા છે.'
‘હવે એ થોડી રજા લે તો કેવું ?’
'કેમ?'
‘એમને આરામ મળે.'
‘આરામ તો હવે આવતે જન્મે મળે ત્યારે !’ જયાગૌરી એમ જ માનતાં કે દુનિયાનાં ચક્રો ચલાવવામાં તેમને જ રાતદિવસ રોકવામાં આવે છે. તેમની તબિયત સારી રહેતી નહિ એવી તેમની માન્યતા અમુક અંશે ખરી હતી. વિલાસી જીવનમાં જ દિનરાત રહેવાની સગવડ ભોગવનાર શરીરને ઘસારો ઝડપથી જ લાગે. જોકે એને આગળ કરવાની કોઈ સ્ત્રીપુરુષની તૈયારી હોતી નથી. દેશાભિમાની કનકપ્રસાદ રસિક પણ હતા. ક્રાંતિકારી કનકપ્રસાદ સ્ત્રીના સહચારમાં પણ ક્રાંતિનાં વમળો અનુભવી શકતા. જયાગૌરીને પણ પતિનો સતત પ્યાર જોઈતો હતો; તેમને વૈભવ પણ જોઈતો હતો. એટલે કનકપ્રસાદે વિલાસમાં અને વૈભવની ઝનૂનભરી શોધમાં પોતાનાં તન અને મનને ઘસી નાખી નિરર્થક બનાવી દીધાં હતાં. બંગાળના ભાગલા વખતનું ઊકળેલું રુધિર આજ ઠંડું પડી ગયું હતું. બાલ, પાલ અને લાલથી ઉત્તેજિત બનેલા જ્ઞાનતંતુઓ હવે ઝડપથી ઝણઝણતા ન હતા. જલિયાંવાળા બાગ વખતે સીધી રહેલી કરોડ હવે તકિયાનાં ટેકણ માગતી હતી. જૂનાં સ્મરણો અને જયાગૌરી સાથે એકાંત કદી જીવનમાં ચમકારા લાવતાં, પરંતુ કનકપ્રસાદ જગતથી હારી ગયેલા લાગતા હતા; સામે થવાનું સામર્થ્ય તેમનામાં રહ્યું ન હતું. જ્વલંત ભભૂકતી જ્યોત ઝાંખી, હાલતી, હોલાવાની રાહ જોતી બની ગઈ હતી. હિંદના સંજોગોએ આવી કેટકેટલી પ્રતિભાને ભસ્મ બનાવી હશે ? જયાગૌરી પણ પતિના સુખદુઃખ, થાક અને આરામમાં બરોબર હિસ્સો માગી મેળવી રહ્યાં હતાં.
‘હવે તો હું કમાઈશ ને !’ શોભનાએ કહ્યું.
'તું તે કેટલું કમાઈશ ? અને તને આમ કમાવા મોકલવી એ મને જરાયે ગોઠતું નથી.’
‘તો હું બીજું શું કરું ?’
જયાગૌરીએ પુત્રી સામે જોઈ નિઃશ્વાસ નાખ્યો.
‘શું છે તારા હાથમાં ?’ માતાએ પૂછ્યું.
‘ચિત્રસંગ્રહ છે.'
‘જોઉં, કોણે આપ્યો ?’
‘ભાસ્કરે.'
જયાગૌરીએ ફરી નિશ્વાસ નાખી પૂછ્યું :
‘એ પરણેલો છે કે નહિ ?’
'મેં હજી પૂછ્યું નથી.’
‘કુંવારો તો ન જ હોય.’
‘તોય શું ?' શોભનાએ કહ્યું અને તે છતાં તેને એવા જ કોઈ વાક્યના પડઘા સંભળાયા.
માતાને ચિત્ર જોવાની તક આપવા તે પોતાના ખંડમાં ચાલી ગઈ. ચંચળ આવી દેખાતી ન હતી, એટલે તેણે પોતે ચા તૈયાર કરી માતાપિતાને નોકરની ખોટ જણાવા ન દીધી. શોભનાના માનસમાં આજે ઉત્સાહ ફરકી રહ્યો હતો.
કારણ !
બહુ દિવસથી જે સ્વપ્ન તે સેવતી હતી તે આજે ખરું પડ્યું. તે ભણી રહી અને સ્વતંત્ર આજીવિકા મેળવવા શક્તિમાન બની. પુરુષોની સરખામણીમાં તે ખાસ ઊતરતી લાગી નહિ.
પરીક્ષાની જંજાળમાંથી તે છૂટી - જોકે બી. ટી. થવાની આફત માથે આવશે એમ પ્રિન્સિપાલના સહજ સૂચન ઉપરથી તેને લાગ્યું. આવવાની આફતથી આજનો આનંદ જતો કરવાની શોભનાની મરજી ન હતી. તેને સ્વતંત્ર આજીવિકા પણ મળી - જોકે માસિક પંચોતેર રૂપિયા તેને મળશે કે સો તે હજી નક્કી થયું ન હતું. એકસામટા પંચોતેર રૂપિયા તેના હાથમાં આવીને પડે એવો અનુભવ તેને પહેલો જ થવાનો હતો. બે વધારાની ઓરડીઓ ભાડે લઈ શકાશે, થોડાં સારાં ચિત્રો વસાવી શકાશે. કપડાંમાં પણ સહજ વિવિધતા લાવી શકાશે. અને માતાપિતાને માથેથી ભારણ જતાં તેમને થોડીઘણી સહાય કરવા જેવી પણ સ્થિતિ ઊભી થશે. મોટરકાર કે ગાડી રાખવાનાં સ્વપ્ન પાપભર્યાં ગણાય, પરંતુ હવે ભાડાની ગાડી કે બસની મુસાફરી કરતાં મનને પ્રથમ થતો તેવો સંકોચ તો નહિ જ થાય.
વિદ્યાર્થીઓમાં પ્રિય થવાય અને શિક્ષણ સરસ અપાય તો પગાર જલદી વધે પણ ખરો, અને સમય જતાં પ્રિન્સિપાલની ખુરશી ઉપર પણ બેસવાની તેને તક શા માટે ન મળે ? જો એ તક મળે તો આખી શાળાને સ્વર્ગીય બનાવી દેવાની વાંચ્છના તેને થઈ આવી.
તેને ગાવાનો શોખ ન હતો. છતાં તેનાથી ગવાઈ જવાયું. બહારથી માતાનું હાસ્ય સંભળાયું. બરાબર રાગઢાળ સાથે ન ગાઈ શકતી પોતાની પુત્રીના ગીત પ્રયત્નોને જયાગૌરી સદાય હસી કાઢતાં હતાં. પોતાની પૂર્વઆવડત હજી એવી ને એવી જ છે એમ જયાગૌરી માનતાં.'
શોભનાએ ગીત બંધ રાખ્યું ત્યારે વગરગવાયે બોલાતી અંગ્રેજી કવિતાઓની કડીઓ તેના હૃદયમાં ઊભરાવા લાગી. હૃદય અને જિહ્વા વચ્ચે ક્યાં વધારે છેટું હોય છે ? શોભના કવિતાના ટુકડા ઉચ્ચારવા લાગી.
કૈંક નવીન સ્ફૂર્તિ તેના દેહમાં અને તેના જીવનમાં ચમકી રહી હતી.
હવે અભ્યાસનાં પુસ્તકોમાં ગૂંથાઈ રહેવાને બદલે તે મનગમતાં પુસ્તકો વાંચી શકશે; કેટલાંક ખરીદી પણ શકશે. ઉત્તમ પુસ્તકો પાસે હોય એના જેવો આનંદ બીજો કયો હોઈ શકે ?
‘શાં આ તમારાં ચિત્રો છે ? હવેની દુનિયામાં લાજ કે શરમ રહ્યાં જ નથી.’ જયાગૌરીએ શોભનાની ઓરડીમાં આવી શોભનાના મેજ ઉપર નવા ચિત્રસંગ્રહને મૂકતાં કહ્યું. જયાગૌરીએ પણ અણગમો દેખાડ્યો છતાં ચિત્રો ધારી ધારીને જોયાં ન હતાં એમ કહી શકાય નહિ. તેઓ છેક જૂના જમાનાની ધર્મઘેલછાવાળાં ન હતાં, એટલે તેમને એમ કહેવાય એવું ન હતું કે ગોપીનાં વસ્ત્રહરણનું દૃશ્ય ચિત્રોમાં ક્યારનું ઊતરી ગયું હતું, અને જગન્નાથપુરીના વૈષ્ણવ દેવાલય કે નેપાળમાં પશુપતિના શિવાલય ઉપરનાં કોતરકામમાં ચિરંજીવી બનેલાં મિથુનદૃશ્યો જેટલી હદે આ ચિત્રો ગયેલાં ન હતાં. જયાગૌરી સુધરેલાં હતાં - સુધારા યુગનાં સવારી હતાં. પરંતુ એ સુધારાની નીતિમર્યાદા લગ્નમાં જ સમાયલી હોવાથી લગ્નથી જોડાયલાં સ્ત્રીપુરુષોની પરસ્પર લોલુપતાને તે અનીતિ ગણવા તૈયાર થાય નહિ - પછી ભલે એ લોલુપતામાં વ્યભિચાર કરતાં વધારે અસંકોચ અને અમર્યાદા સમાયલાં હોય. લગ્ને છાવરેલી અનીતિ તેમને માન્ય હતી; પરંતુ નવા યુગની નવીન-અલગ્ન અનીતિનો પડછાયો પણ તેમને ખપે એમ ન હતો. ધર્મને નામે અનીતિ ગ્રાહ્ય થાય, લગ્નને નામે અનીતિ ગ્રાહ્ય થાય; પરંતુ એ જ અનીતિ અલગ્ન અવસ્થામાં ભયાનક અપરાધ બની જાય છે.
અર્ધનગ્ન ચિત્રો ચલાવી લેવાય એટલે સુધી આગળ વધેલા જયાગૌરીને, આ સંગ્રહમાં ક્યાં વાંધો પડ્યો હશે તે શોભના સમજી નહિ. સમજી તો ખરી, પરંતુ એણે ચિત્રો જોયાં જ ન હતાં એટલે તેણે કશો જવાબ ન આપ્યો.
વાંધો લેવા છતાં સંગ્રહ શોભનાને જોવા માટે મૂકી જનાર માતાનો ઉદ્દેશ ગમે તે હોય, તોપણ શોભનાએ તત્કાળ એ સંગ્રહને હાથ અડાડ્યો નહિ. માતાએ જતે જતે કહ્યું :
'શોભના !'
'હં.'
'હવે તારું ભણતર પૂરું થયું.’
'લગભગ.'
‘કશો વિચાર હવે કરવાનો છે કે નહિ ?’
'શેનો?'
'તેં કહ્યું હતું ને ? કે ભણી રહું એટલે વાત કરજે.'
શોભના કાંઈ બોલી નહિ. માતાએ તેની સામે ધારી ધારીને જોયું. સોહામણી પુત્રી હજી કપાળે ચાંદલો કરતી ન હતી; ચાંદલાનો પૂરો હક્ક હોવા છતાં.
‘પાછી છણછણાવટ ન કરીશ. તારા બાપ મોં ચઢાવશે, પણ હવે હદ થાય છે.'
‘બા ! હજી હમણાં જ પરીક્ષા પસાર કરી. આજ નોકરી મળી; જરાક તો થોભી જા !’ શોભનાએ કહ્યું.
‘પરણ્યે પાંચ વરસ વીતી ગયાં. હવે તે કેટલું થોભવાનું ?' જયાગૌરીએ કહ્યું અને કનકપ્રસાદનો જાગૃત સાદ સાંભળી તેઓ શોભના પાસેથી ચાલ્યાં ગયાં. શોભના ચિત્રસંગ્રહને હજી અડકી શકી નહિ. તેના મુક્ત આનંદભયાં જીવનપ્રવાહને જાણે કોઈ પાળ અટકાવતી ન હોય એમ તેને લાગ્યું. શા માટે જયાગૌરીએ તેનો એક દિવસનો આનંદ પણ અસ્ખલિત રહેવા ન દીધો ?
તેણે ટાગોર, ગાંધી અને વેલેન્ટીનો સામે જોવા માંડ્યું. માર્ક્સ અને ટાગોરની દેહકલામાં છટાભર્યું ગાંભીર્ય લાવનાર તેમની શ્મશ્રુઓનું નિરીક્ષણ કર્યું. વેલેન્ટીનો કરતાં ટાગોરમુખ સૌંદર્યમાં જરા પણ ઊતરતું ન લાગ્યું. માર્ક્સની દાઢીએ માર્ક્સની પત્નીના પ્રેમમાં કશો ઘટાડો કર્યો હોય એવું કોઈ જગ્યાએ તેણે વાંચ્યું ન હતું.
તેણે નર્તકીની છબી તરફ જોયું. નર્તકીના નૃત્યમાં તેણે શું દીઠું ? પુરુષને રીઝવવાનો પ્રયત્ન, નહિ ? તેમ ન હોય તો નર્તકી નાચે શા માટે ? પોતાના જ આનંદ ખાતર નાચનારી કેટલી નર્તકીઓ હશે ?
પુરુષના હાથમાં પૈસો ! પુરુષના હાથમાં સત્તા ! સ્ત્રીએ સદાય તેની આસપાસ ગુલાંટો ખાધા કરવાની ! પાળેલું કૂતરું અને સ્ત્રી એ બેમાં કશો તફાવત હશે. ખરો ? ચિત્રસંગ્રહ પ્રત્યે માતાએ અણગમો બતાવ્યો શા માટે ? ચિત્રસંગ્રહમાં નગ્ન કે અર્ધનગ્ન સુંદરીઓના અવયવદર્શન જ હોવાં જોઈએ. એ સાચા અવયવો જોવામાં પાપ લાગે, એ સાચા અવયવો દેખાય તોય પાપ લાગે !
અને લગ્ન થયું એટલે....?
‘બહેન ! આજ તો મારે બહુ મોડું થઈ ગયું !' વિચારમાં પડેલી શોભનાને ચમકાવતી ચંચળ ઓરડીમાં આવી.
'હરકત નહિ.’ શોભનાની તૂટેલી વિચારમાળાએ યંત્ર સરખો જવાબ તેની પાસે અપાવ્યો.
‘મારો ભાઈ મરતો મરતો બચ્યો.' ચંચળે કહ્યું.
‘કોણ જયરામ ?’ શોભનાને થોડા કલાક ઉપરનો બનેલો ઈતિહાસ યાદ આવ્યો.
‘બહેન ! તમે ક્યાંથી જાણ્યું ?'
‘હું ત્યાં થઈને જ આવી.’
‘એમ ? તમે મારા ભાઈને ઓળખો છો ?'
‘ના, પણ મારા એક ઓળખીતાની સાથે હું તારા ભાઈને જોવા ગઈ હતી.' ‘બહેન ! એ હવે બચી જવાનો. પરમેશ્વરે જ અવતાર લીધો અને એને રાક્ષસોથી છોડાવ્યો !’
‘શું ? જરા ચમકીને શોભના બોલી. એ પરમેશ્વર તથા રાક્ષસ બેમાંથી કોઈને માનતી ન હતી. આવો સીધો અવતાર લેનાર પરમેશ્વર તેના માનસને આંચકો આપી રહ્યો.
‘તમે જોયા નહિ ? એ તો પગ ધોઈ પીએ તોય....’
'ડૉક્ટરની વાત કરે છે ?'
‘દાક્તરે બહુ સારા; પણ એ દાક્તરને બોલાવી લાવવા એક માબાપ ન કરે એટલી ચાકરી કરવી; એ કોણ કરે ? આજ તો ભાઈ ભાઈ કપાઈ મરે છે, ત્યાં આ પારકું માનવી જીવતદાન આપે એ પરમેશ્વર નહિ તો બીજું કોણ?’
‘જેમાં તેમાં પરમેશ્વર ! જયરામને પૈસા આપ્યા. તેમની વાત તું કરે છે?'
‘એ તો કાંઈ ખબર નથી, પણ ધોળી ખાદી પહેરેલી. અને બહેન ! શું કહું ? મારી રડતી ભોજાઈને રસોઈનાં લાકડાં પણ સળગાવી આપ્યાં !’
બહારથી જયાગૌરીનો સાદ આવ્યો :
‘પાછી વાતોએ વળગી કે, ચંચળ ! મોડાં આવવું અને બહાનાં કાઢવાં ! ચાલ, કામે લાગ.'
શોભનાને ચંચળ ગમતી હતી. તેની સાથે વાતચીત કરવામાં તેને સ્વાભાવિકતા લાગતી, પિતા અને માતાની સાથે તો શી વાત થાય ! ભણતર, સામાન્ય રાજકારણ, ચોપાનિયામાં આગળ આવતાં નામોની સહજ નિંદા કે સ્તુતિ એ સિવાય ભાગ્યે જ કાંઈ વાત હોઈ શકે. માતા પુત્રીના હૃદયને ઉઘાડી જેવા કવચિત્ મથે અને મૈત્રીની કક્ષા ઉપર કોઈ ક્ષણે ઊભી રહે; પરંતુ અભણ માતાપુત્રી વચ્ચે જેટલી નિકટતા રહે તેટલી નિકટતા એક ભણેલી, સંસ્કારી, આગળ પડતા સ્વતંત્ર વિચારો કરનારી પુત્રી અને આગળ વધતાં એકાએક જડ બની અટકી ગયેલી, રૂઢિને તોડવાનો ક્ષણિક આનંદ લઈ બીજી ક્ષણે રૂઢિને વળગી પડેલી માતા વચ્ચે ભાગ્યે જ જામે. અભણ માતા કાં તો પુત્રીને જીવ જેટલી જાળવે કે રૂઢિને. પુત્રીને માટે તે રૂઢિને તોડી ફેંકી દે, અગર રૂઢિવશ હોય તો રૂઢિ ખાતર પુત્રીને જીવતી બાળી મૂકતાં અચકાય નહિ. એટલે તેમના પ્રેમ અને ઝેરમાં ચોખ્ખાઈ જ જણાઈ આવે પરંતુ સંસ્કાર - ભણતર - પ્રગતિ નો પાસ લાગતાં પ્રેમના કાયદાકાનૂનો રચાય અને રૂઢિ રૂપાળી બની આંખો ઝંખવી નાખે. એમાં ન પૂરો પ્રેમ. જામે કે ન રૂઢિનું અંધ અનુસરણ થાય. એવા સંજોગમાં માતા અને પુત્રીની નિકટતા ઘટી જાય અને બંને ભેગાં થતાં દેખાય છતાં અળગાં અને અળગાં રહે. જયાગૌરી અને શોભનાના સંબંધ આમ વહાલભર્યા છતાં અધૂરા જ રહેતા.
અને ઉંમરનો તફાવત એ ન ઓળગાય એવો પટ છે, સમાન ઉમર સહજમાં ભળી એક બની જાય છે. શોભના અને ચંચળ બંનેના સંસ્કારમાં ભેદ હતો, છતાં સ્ત્રીના દેહતંત્ર અને ઉરતંત્રની સામ્યતા બંનેને બહુ પાસે લાવી મૂકતી. ઠપકા સાંભળીને પણ ચંચળ શોભના જોડે વાતે વળગતી. માતાનો અણગમો જાણ્યા છતાં શોભના ચંચળના હૃદયપટને ઓળખવા મથતી.
મા ન જાણે એમ ચંચળ પાસેથી તેણે ખાતરી કરાવી લીધી કે જેનાં તે વખાણ કરતી હતી. તે પરાશર હતો.
શા માટે તે એની વાત કઢાવી રહી હતી ? પુરુષોથી દૂર રહેવા, પુરુષોથી ઊંચી કક્ષાએ જવા મથતી શોભનાને સૂતે સૂતે વિચાર આવ્યો : સૂતે સૂતે તેણે ચિત્રો જોયાં. તેણે ધાર્યું હતું એવાં જ તે ચિત્રો હતાં; સારાં હતાં, અણગમો આવે એવાં ન હતાં, કેટલાંક તો અત્યંત કલામય હતાં, છતાં ધ્વનિ તો એક જ : પુરુષોને ગમતું અંગ-પ્રદશન !
નદીમાં સ્નાન કરતી યુવતીનું ચિત્ર કે અર્ધ ખુલ્લા દેહને વાળવસ્ત્રથી ઢાંકતી - કે વાળવસ્ત્રથી અળગા કરતી યૌવનાનું ચિત્ર ! માથે બેડું લઈ મીઠું હસતી પનિહારીના અંગવળોટની રેખાઓ હોય કે વેલીઓના ચટાપટા પાછળ અંગ અંગ ખુલ્લાં રાખી રમતી મસ્તીખોર ફૂલબાળા હોય ! એ સર્વ ચિત્રોની પાછળ એક જ ભાવ : પુરુષને શું ગમશે ? નારી દેહ પુરુષને ગમે છે માટે તેને જુદી જુદી દેહમુદ્રાઓમાં આલેખવો.
પરંતુ નારીને પોતાનો જ દેહ ગમતો હોય તો ? જુદું ! પોતાનો દેહ ગમતો હોય તોય. આવી કાળજી અને વૈવિધ્યથી આલેખાતો નારી દેહ આટલો બધો મુલાયમ - જેમ વાળીએ તેમ વળે એવો હોય ખરો ?
શોભનાએ પોતાના હાથ ઉપર હાથ ફેરવ્યો, ગાલ ઉપર હાથ ફેરવ્યો. તે સુંવાળી જરૂર હતી. તેનાં આંગળાં રૂપાળાં હતાં ખરાં. તેને પોતાને જ એ સુંવાળાશ અને આંગળીઓની નાજુકી ગમ્યાં. પરંતુ એમાં પુરુષને શું ? એ સુંવાળાશ માત્ર પુરુષોની આંખ અને હાથ આકર્ષવાને જાણે સર્જાઈ હોય એમ સ્ત્રીઓ કેમ માનતી હશે ? અગર પુરુષોની એવી માન્યતાનો વિરોધ કરવા ગાલને ફુલાવી ચિત્ર કદરૂપ કરાવી નાખવા કેમ મથતી નહિ હોય ? આ આંગળાં માત્ર વીંટીઓ જ પહેરે અગર હસ્તમુદ્રામાં જ વપરાય એનું કંઈ કારણ ? પુરુષને ચૂંટી ભરી તેની ચામડી ઉખાડતી આંગળીઓ બતાવવામાં શી હરકત ?
તે એકાએક ચમકી અને બેઠી થઈ. પુરુષો માગે એ માલ વ્યાપારીઓની માફક ચિત્રકારો પણ પૂરો પાડે છે. સ્ત્રીઓ જાતે તો પુરુષની માગ પ્રમાણે પોતાને નહિ ઘડતી હોય ?
શોભનાને સૌંદર્ય પ્રત્યે તિરસ્કાર આવી ગયો. સૌંદર્ય ! સૌંદર્ય ! સૌંદર્ય ! પુરુષ કહે તેવું ! પુરુષ ઘડે તેવું ! પુરુષ માગે એવું ! છાતી ઉપર ઢાંકેલા વસ્ત્રને તેણે ખસેડી નાખ્યું, અને તેમ કરવાથી, જાણે પુરુષવર્ગની સામે કશું કદરૂપું દૃશ્ય રજૂ કરતી હોય તેમ બેફિકરાઈથી તેણે આગળ ચિત્રો જોવાં માંડ્યાં. તેને ખબર ન હતી કે કોઈ પુરુષ પાસેના મકાનની બારીમાંથી તેને ધારી ધારીને નિહાળતો હતો, અને જેને તે કદરૂપું દૃશ્ય માનતી હતી. તે પુરુષમાનસનું એક અતિ રમ્ય સ્ત્રીદુશ્ય હતું.
પરંતુ આ પુરુષનૃત્ય શાનું ? શિવના નૃત્યનું ચિત્ર ! શિવ પાર્વતીને રીઝવે છે ! કેટલું ધમકભર્યું દેહડોલન ! પગ, હાથ, ગ્રીવા, કમર, ભ્રૂ અને અંગુલિમાં કેટલું બળ વહેતું દેખાય છે ? શિવનું મુખ સુંદર હતું; પરંતુ કૃષ્ણ સરખું છોકરી જેવું નહિ. સ્નાયુઓ પણ કેવા ઘાટીલા ! પગની પિંડી કેટલી આગળ પડતી ? જંઘાના વિભાગો પણ કેવા ! કમરથી સ્કંધ સુધી જાણે કમાન વિકસાવી ન હોય ! છાતી કેટલી વિશાળ અને મજબૂત ! હાથના સ્નાયુઓ પ્રવાહી પોલાદ સરખા ગતિમાન !
પુરુષને સ્ત્રીસમાધાન માટે નૃત્ય કરવું પડે છે ! ઘડી ઘડી પાસે ખેંચાતો, હાથમાં હાથ ભરાવવા મથતો, આંગળી પંપાળવા ઉત્સુક રહેતો અગર પગને અજાણતાં અડક્યાનો દેખાવ કરતો ભાસ્કર આમ દૂર રહીને બળભર્યું નૃત્ય કરે તો વધારે સારો ન લાગે ?
તેણે નર્તકીના ચિત્ર તરફ જોયું અને શિવનૃત્યના ચિત્ર સાથે તેને સરખાવ્યું. તેના મનમાં સંતોષ તો થયો. પુરુષને રીઝવવા જેમ સ્ત્રી નૃત્ય કરે છે, તેમ સ્ત્રીને રીઝવવા પુરુષને પણ નૃત્ય કરવું પડે છે. સ્ત્રી બળવો કરે, પુરુષના સામું જુએ જ નહિ, પુરુષનો સહવાસ સેવે જ નહિ, સર્વ કામમાં અસહકાર કરે તો પુરુષે યે નૃત્ય કરી સ્ત્રીને રીઝવવી જ પડે ને ?
શોભનાએ પોતાની આસપાસ નૃત્ય કરતા, આર્જવભરી વિનંતીઓ કરતા, પ્રશંસા ગાતા દયાપાત્ર પુરુષનો સમૂહ ઊભરાતો નિહાળ્યો. તેણે અભિમાનથી હોઠ દાબ્યા અને લૂગડાને ઘસડાતું રાખી આયના તરફ પોતાનું મુખ જોવાને ગઈ.
સામી બારીમાંથી કોઈ તેને જોયા કરતું હતું શું ?
જરાય સંકોચ વગર તેણે પોતાની બારીમાંથી સામી બારી તરફ જોયું. તેને સહજ ચમક આવી ગઈ. સામેની બારીમાં પરાશર ઊભો રહ્યો હતો !
શા માટે ?
એને પૂછી ન જોવાય ? પણ આખી શેરી સાંભળે એવી રીતે વાતચીત કરવામાં અર્થ ન હતો !
અને હજી તે ખસતો ન હતો !
‘મારા જીવનમાં શું એ પળે પળે વાગ્યા જ કરશે ?’ શોભનાના મને પ્રશ્ન કર્યો.
તેણે અંગવસ્ત્ર સરખું કર્યું અને થોડી ક્ષણો સુધી તે પણ બારીએ ઊભી રહી, પરાશર તેની સામે કદી કદી જોતો હતો એમ લાગતું હતું. તે બારીમાંથી ખસી ગઈ અને દીવો બુઝાવી ખાટલા ઉપર સૂતી.
તેનું હૃદય ધડકતું હતું તે તેણે સાંભળ્યું. અભ્યાસથી છૂટી આજીવિકા પ્રાપ્ત કરી તે સ્વતંત્ર બનતી હતી. એનો તેને મહાઆનંદ ઊપજ્યો. તેને ઊછળવાની - તરવાની - હીંચકે ઝૂલવાની મોજ માણવાનો એક પાસથી ઉછાળો આવતો હતો; બીજી પાસથી તેના જીવનને કોઈ ખેચી બાંધતું હોય એવો પણ ભાસ થયો. મોજની ઊર્મિમાં તેણે તકિયાને પોતાના દેહ સાથે દાબી ચૂંથી નાખ્યો. બીજી ક્ષણે તેણે તકિયાને લાત મારી નીચે ફેંકી દીધો.
સવારે ઊઠી ત્યારે તેને લાગ્યું તે ભાસ્કર અને પરાશર સાથે ફૂદડી ફરતાં ફરતાં પડી જતી હતી. ફેર આવી પડી જવાની ક્રિયા સાથે જ તે ભયભીત બની જાગ્રત થઈ. તેને ફેર આવતા હતા એ ખરું, પરંતુ તેનાથી પડી જવાય એમ તો હતું જ નહિ. તેનો દેહ ખાટલામાં લંબાયલો આરામથી પડ્યો હતો !
શું એ ખરેખર આરામ હતો ?
શોભનાના હાથમાં પ્રથમ માસનો પગાર પણ આવી ગયો. એકસામટા પોતાની માલિકીના સો રૂપિયાની નોટ હાથમાં આવ્યે શું થાય એનો અનુભવ ધનિકો અને તેમનાં ઉડાઉ છોકરાંને ન સમજાય એવો છે. શોભનાએ ધાર્યા પ્રમાણે પાસેની જ બે ઓરડીઓ ભાડે લઈ સજાવી પણ દીધી. બહેનપણીઓને, મિત્રોને અને ઓળખીતાઓને તે આ ખંડમાં જ મળતી. બીજામાં તેણે વાચનગૃહ અને શયનગૃહ બનાવી દીધાં. તેણે ચિત્રોમાં પણ વધારો કર્યો. વેલેન્ટીનોની જોડમાં જ ભાસ્કરની એક છબી ટીંગાઈ ગઈ, નર્તકીના ચિત્રની જોડાજોડ શિવનૃત્યનું ચિત્ર પણ ગોઠવાઈ ગયું.
શાળામાં પણ એ માનીતી થઈ પડી. બાળકબાળકીઓને તે ખૂબ ગમતી - શિક્ષિકાઓ તેની મૈત્રી શોધવા મથતી. અને શિક્ષકો વચ્ચે તેના ઓળખાણની કક્ષા સંબંધી હરીફાઈ ચાલતી. એમાં પણ તેને એક વાત તો દેખાઈ આવી કે પુરુષો કરતાં સ્ત્રીઓ વધારે પરાધીન અને વધારે દુઃખી હતી. શિક્ષિકા કોણ થાય ? વિધવા, ત્યક્તા કે વયે પહોંચેલી કુમારિકા. પરણીને વગે થઈ ગયેલી નિશ્ચિત સ્ત્રીઓના વિશાળ સમૂહમાં આ ત્રણે વર્ગ જુદી જ ભાત પાડતા હતા - પતિતાઓની જેમ એક અનોખી જ ભાત હોય છે તેમ.
અને પુરુષો ? એમાં ભાત જ નહિ; સહુ સરખા ! કુંવારા, પરણેલા અને વિધુર, ત્રણે ! છતાં તેને આ જીવનનો ખાસ અણગમો આવ્યો નહિ. સમજે એવા શિષ્યવૃંદ આગળ સરસ ભાષણ કરી છાપ પડાય, અને ન સમજે તેવી ઉંમરના શિષ્યવૃંદને રીઝવી છાપ પાડી શકાય.
વચમાં વચમાં તે સ્ત્રીમંડળો સાથે ભળતી અને કદી વ્યાખ્યાન પણ આપતી. વાતો, કુથલી, આળસ અને મોટાઈનાં મોજા ઉપર ઊછળતાં એ સ્ત્રીમંડળો ઉપર શોભનાએ સારી છાપ પાડી. તેની ઈચ્છા નહિ. છતાં તેના ઓળખાણનો પરિઘ વિસ્તુત બની ગયો.
જયાગૌરી અને કનકપ્રસાદને આગ્રહ કરી તે આજ સિનેમામાં લઈ જવાની હતી. કનકપ્રસાદે ખરેખરા કંટાળાથી અને જયાગૌરીએ નવીનતાનો વિરોધ કરવો જોઈએ એટલા જ કારણે પ્રથમ તો ના પાડી; પરંતુ પુત્રીના આગ્રહે કનકપ્રસાદની ખરી ના અને જયાગૌરીની પરપોટા સરખી નાને હામાં ફેરવી નાખી. બની શકે તો માતાપિતાને ટૅક્સીમાં લઈ જવાનો વિચાર કરતી શોભના વસ્ત્રો પહેરી સમય થવાની રાહ જોતી એક નવીન ચિત્રમાલા નિહાળતી રુઆાબમાં બેઠી હતી અને ભાસ્કરના પગ ખખડ્યા.
વચ્ચે વચ્ચે બિલકુલ ન મળતો. મોટરકારમાં કદી કદી બેસાડવાનું ભૂલી જતો ભાસ્કર એવો દેખાવ કરવામાં શોભના પ્રત્યેનું પોતાનું આકર્ષણ જગતથી છુપાવવાની ચાલાકી રમતો હતો. તેનાં બૂટના ખખડાટને પારખી ગયેલી શોભનાને તેની મોટરનો ઉપયોગ કરવાની શક્યતાએ સહજ પ્રસન્ન બનાવી. ભાસ્કર આવી એક આરામખુરશી ઉપર બેઠો.
‘કેમ, થાક્યો છે શું ?’ શોભનાએ પૂછ્યું.
‘કાંઈ વાત ન પૂછીશ ને ! આટલું આટલું કરવા છતાં સહુને મારા ધનની અદેખાઈ.’ ભાસ્કરે કહ્યું.
‘એમ કેમ ?'
'મને આનંદનો કે આરામનો હક્ક નહિ !’
‘કોણ ના પાડે છે ?'
‘પેલો એક મહાન સામ્યવાદી પાક્યો છે ને ?’
‘કોણ ?’
‘પરાશર ! બીજું કોણ ?’
શોભના ભાસ્કર સામે જોઈ રહી. પછી તેણે પૂછ્યું :
‘થયું શું?'
‘આજે મારે સિનેમામાં જવું છે; બહુ કલામય ચિત્ર આવ્યું છે ! મેં પરાશરને સાથે આવવા કહ્યું ત્યારે એ મારા ઉપર ઊતરી પડ્યો !’
‘શા માટે ?’
‘સિનેમા જેટલી રકમ મારે હડતાલના ફાળામાં આપવી એમ તેનું કહેવું છે !’
‘આપી દે એટલી રકમ !’
‘અરે, અમે જેટલી રકમ આપી છે એટલી રકમ કોણ આપવાનું છે ? પણ આ તો કહે છે કે તું સિનેમા જોવા પણ ન જઈશ. કેટલી મૂર્ખાઈ ! અદેખાઈ ન કહું તો.’
‘આજે તો હું પણ જોવા જવાની છું - અમે બધાં.’
‘તો આપણે સાથે જ જઈશું.’ ‘જ્યારે અને ત્યારે તારી કાર વાપરવાની ?’
‘કહે તો એ કાર તારી બનાવી દઉં.’
‘ના રે ના. મને મારા પૈસા ન મળે ત્યાં સુધી હું સામ્યવાદી રહેવા માગું છું.'
‘સામ્યવાદીને મારા - તારાનો ભેદ ન હોય.’
‘હું તો સામ્યવાદી એટલે ગરીબ કહું છું. હાથે કરીને બનેલો ગરીબ - ગરીબીની સપાટી જાણી જોઈને જ તે શોધતો માનવી.'
‘એ તને પરાશરમાં દેખાશે ! હું પ્રત્યાઘાતી ! હિંદવાસીને ફકીર અને સાધુતા જ ગમે ! વીસમી સદીમાં પણ !’
‘અરે, ભાસ્કર ! પરાશર કોઈ કોઈ વાર આ લત્તામાં ફરતો દેખાય છે - અને મારી સામેની બારીમાં હું એને કોઈ કોઈ વાર જોઉ છું. એમ કેમ ?’
‘તું કોઈને કહીશ તો નહિ ને !’
'ના રે.'
‘તો સાંભળ. અમારી ક્રાંતિવાદી ટોળીનાં જુદે જુદે સ્થળે કેન્દ્રો રાખ્યાં છે : ગરીબ, મધ્યમ તેમ જ તવંગર લત્તાઓમાં. ખરા કાર્યકતાઓ એ સ્થળો ઉપરથી સમાજ ઉપર હુમલા લઈ જઈ શકે છે. આ હડતાલના અંગે અમને ઘણો ટેકો મળ્યો અને આખા શહેરમાં અમારી છૂપી છાવણીઓ...’ ભાસ્કર વાક્ય પૂરું કરે તે પહેલાં પાસેના ઓરડામાંથી બોલતાં બોલતાં જયાગૌરી આવી પહોંચ્યાં.
‘હજી વાર છે શું ? આજનાં છોકરાંમાં ટાઢાશનો પાર જ નહિ. જવું હોયે તો... ઓહો ! ભાસ્કરભાઈ ! તમે છો કે ?’
‘હા જી. હું આપને લઈ જવા કાર લાવ્યો ત્યારે શોભના મોંધી થાય છે.' ભાસ્કરે કહ્યું.
‘હાલતે ચાલતે તમારી કાર શી રીતે વપરાય ?’
‘આપની દીકરીને આપ ટેકો આપશો જ; પણ કનકપ્રસાદ મને ટેકો આપશે એવી મારી ખાતરી છે. ખાલી કાર લઈ જવા કરતાં તમે બધાં આવશો તો શી હરકત છે ? ચાલ, શોભના ! હવે બહુ વખત રહ્યો નથી.’
આવા આગ્રહ માન્ય જ રખાય છે. માબાપને ભાડાની ગાડીમાં કે બસમાં ઘસડી જવા કરતાં દમામ ભરેલી કારમાં લઈ જવાય તો વધારે સારું એમ શોભનાને સ્વાભાવિક રીતે જ લાગ્યું; પરંતુ કૈંક પુત્રપુત્રીઓનાં માતાપિતાને બસ કે ગાડી પણ મળતી નથી, એ કારમાં બેસતાં બેસતાં સહુએ નજરે જોયું તોપણ તે વિચારવાની કોઈને જરૂર ન લાગી. જયાગૌરી પ્રકુલ્લ હતાં, કનકપ્રસાદ જરા ઝંખવાઈ ગયેલા જેવા અસ્થિર લાગતા હતા, અને શોભનાના હૃદયમાં આછો ગર્વ હતો. પાછળ બેઠેલી શોભનાના સામીપ્યથી ભાસ્કરની રસવૃત્તિ રીઝતી હતી.
રસ્તામાં કાર એકાએક અટકી ગઈ. સહુએ બહાર જોયું તો એક મોટું વ્યવસ્થિત ટોળું હાથમાં વાવટો, મુદ્રાલેખનાં તોરણો અને મોટાં મોટાં સૂત્રપાટિયાં લઈ બૂમો પાડતું આગળ આવતું હતું. જયાગૌરી જરા ભય પામ્યા. બીવું, ચમકવું, આંખે હાથ મૂકી દેવો, કલામય ચીસ પાડવી એ વર્તમાન યુવતીગુણો જયાગૌરીમાં પૂરા ખીલ્યા ન હતા કારણ એ પૂરી ખિલાવટ માટે તેઓ પંદરવીસ વર્ષ પહેલાં પડી ગયાં હતાં. એટલે તેમણે પૂછ્યું:
'હાય બાપ ! શું છે ? પાછું કાંઈ હુલ્લડ થવાનું ?’
‘એ તો પેલા હડતાળિયાઓ લાગે છે. હું તને વર્તમાનપત્રોમાં નહોતો વાંચી સંભળાવતો ?’ કનકપ્રસાદે કહ્યું.
‘બહુ લાંબી વાત ચાલી. હજી હડતાળ શમી નથી ?’
‘શમે શાની ? એમાં મોટા મોટા માણસોનો હાથ છે.' કનકપ્રસાદે હડતાળ લંબાયાનું કારણ આપ્યું.
‘મોટા માણસો તો કોણ જાણે; પણ સાહેબ ! એમાં અમારા જેવા નાના માણસોનો હાથ ખરો.' ભાસ્કરે કહ્યું.
'મેં તમારી ચર્ચા વાંચી હતી અને તમારાં ભાષણો પણ વાંચ્યાં હતાં.'
‘મારી વિરુદ્ધનું લખાણ પણ વાંચ્યું હશે, નહિ ? હસીને ભાસ્કરે કહ્યું.
‘હા; પણ તમારી બાજુ ખોટી લાગતી નથી.’
‘હું તો કાલથી શોભનાને પણ અમારી સભાઓમાં લઈ જવાનો છું.’
‘ના ભાઈ સાહેબ, અંહ ! એને તો એનું કામ કરવા દેજો. બૈરાંએ ધાંધળમાં પડીને શું કરવાનું ?’ જયાગૌરીએ કહ્યું.
‘જુઓ, આ ટોળામાં સ્ત્રીઓ પણ છે.' ભાસ્કરે કહ્યું, અને તે કારનું બારણું ઉઘાડી નીચે ઊતર્યો.
‘ઈન્કિલાબ ઝિંદાબાદ !' ટોળાએ પોકાર કર્યો. ભાસ્કરે અત્યંત લાલિત્યભરી છટાથી રૂમાલ ઉછાળી પડઘો પાડ્યો :
‘ઈન્કિલાબ ઝિંદાબાદ !’ ટોળું ભાસ્કરને ઓળખતું લાગ્યું. ટોળાએ વધારે શોરથી પુકાર ઝીલી લીધો અને તેમાં થોડો ઉમેરો પણ કર્યો : ‘ઈન્કિલાબ ઝિંદાબાદ ! મૂડીવાદ મુર્દાબાદ !’ ટોળું આગળ પસાર થયું. એના એક ભાગમાંથી પરાશર ઉગ્રતાભરી છટાથી ચાલતો દેખાયો. ભાસ્કરને જોઈ તેણે સ્થાન બદલ્યું અને ટોળામાં થઈને તે ભાસ્કર પાસે આવ્યો:
‘હજી કહું છું કે સાથે ચાલ.' કારને અઢેલી રૂમાલ ઉરાડી ટોળાને ઉત્તેજિત કરતા ભાસ્કરને પરાશરે કહ્યું.
‘હું આવીશ જ; પણ હમણાં નહિ, જરા રહીને.' ભાસ્કરે કહ્યું.
'લાઠીમાર આજે જરૂર થશે.'
‘લોકોને શાંત રાખજે.'
‘સહેલું નથી. પૂરતી ઉશ્કેરણી થઈ ચૂકી છે.’
'કેવી રીતે?'
‘સરઘસ ઉપર પથરા પડી ચૂક્યા, અને બીજું ટોળું સરઘસને રોકવા તૈયાર થઈ ઊભું છે.’
‘સરઘસ શાંત નહિ રહે તો મારા પિતા એમાંથી અળગા થઈ જશે.'
'તે આપણે ઋષિમુનિઓનાં ટોળાં લઈ જઈએ છીએ ?’
‘મહાસભાનો સહકાર જોઈએ તો એ જ માર્ગ છે.'
‘મહાસભા નામર્દોનાં સરઘસ તો ઈચ્છતી નથી ને ?’
‘હું મારા શબ્દ વાપરતો નથી.’
‘તો તે વાપર, અને તારા પિતાને કહે કે સામેથી જરાય અડપલું થશે તો આ મજૂરો કારખાનાને ભાંગી-તોડી-બાળી ઉજ્જડ કરી મૂકશે. હવે ઘણું થયું.’
“પૈસા આપણા નહિ ને ?’
‘વારુ, તું સિનેમા જોઈને આવ. તારા જેવા કલાપ્રિય યુવકને અમારાં મજૂરોનાં સરઘસ ન જ ગમે.' કહી પરાશરે આગળ ડગલું ભર્યું અને ઊછળીને ગર્જના કરી :
શોભનાને શિવના નૃત્યનું ચિત્ર યાદ આવ્યું. પરાશરના મુખમાં અને દેહગતિમાં કોઈ દિલ કંપાવનારી ધમક દેખાઈ. હસીને ભાસ્કર કારમાં બેઠો. સરઘસ પસાર થઈ ગયું. જયાગૌરીના જીવમાં જીવ આવ્યો, અને કાર ઝડપથી ચિત્રગૃહ પાસે આવી પહોંચી.
શોભનાની જંત્રી બાર આના કે રૂપિયાની ટિકિટની મર્યાદા ઠરાવી રહી હતી; પરંતુ ધનિક યુવક શોભના અને તેનાં માતાપિતાને ટિકિટના પૈસા ખર્ચવા દે એમ હતું જ નહિ. સારામાં સારી બૉક્સની ટિકિટો ભાસ્કરે ખરીદી અને સુંવાળી મખમલ ભરેલી ખુરશીઓવાળા ઊંચામાં ઊંચા એક ગોખમાં સહુએ સ્થાન લીધું. કનકપ્રસાદ જયાગૌરી અને શોભના સાથે સાથે બેસી ગયાં. ભાસ્કર જરા દૂર પાસે આવી શકાય એટલે દૂર બેઠો.
સિનેમા શરૂ થયું. જયાગૌરી અત્યંત હોંસથી ચિત્ર જોતાં અને સમજતાં હતાં. કનકપ્રસાદ પણ શાંતિથી છતાં નવીન ઉત્સાહથી ચિત્ર જોતા હતા. બંને પતિપત્ની ખાસ ચિત્રનાં શોખીન ન હતાં - પતિ તો નહિ જ. અને છતાં એમણે ચિત્રો છેક નહોતાં જોયાં એમ પણ ન કહેવાય. તથાપિ જે સ્થાને બેસી તેઓ ચિત્ર જોતાં હતાં તે તેમને તદ્દન અજાણ્યું હતું - ઘણા સમયથી છૂપી ઈચ્છાનો વિષય બની ગયું હતું. એટલે સામાન્ય સ્થાને બેસી ચિત્ર જેવા કરતાં આ સર્વશ્રેષ્ઠ સ્થાને બેસી જોવામાં તેમને નવીન અનુભવ તો થયો જ.
અંધારામાં ભાસ્કર પોતાની ખુરશી ક્યારનો શોભના કને લાવી ચૂક્યો હતો. તેનાં માતાપિતા ન દેખે એમ ભાસ્કરે શોભનાના હાથને પોતાનો હાથ અડકાડ્યો - સ્વાભાવિકતાથી, પરંતુ શોભનાએ પોતાનો હાથ ખુરશીના હાથ પરથી ખસેડી લીધો.
ભાસ્કરે પૂછ્યું : ‘આજે આવી ટાઢી કેમ પડી ગઈ છે ?'
શોભનાએ કશો જવાબ ન આપ્યો. પુરુષની સમાનતા માગતી યુવતી આર્થિક દૃષ્ટિએ સ્વતંત્રતાની શરૂઆત કરી ચૂકી હતી. તેને પુરુષવર્ગ અણગમતો થઈ પડ્યો હતો, કારણ તેની દૃઢ માન્યતા હતી કે સ્ત્રીઓને પુરુષોએ જ બંધનમાં રાખી છે. આખો વર્ગ અળખામણો લાગતો. હતો. છતાં તેમાં અપવાદ તો હતો જ, બુદ્ધિજન્ય-ઊર્મિજન્ય શ્રેષ્ઠતા તેને ટાગોરમાં દેખાતી. રાજકીય-સામાજિક શ્રેષ્ઠતાનો વિચાર કરતાં તે ગાંધી કે માર્ક્સ તરફ દૃષ્ટિ કરતી, અણગમતા પુરુષમાં પણ શ્રેષ્ઠ રૂપ જોવું હોય તો તે રુડોલ્ફ વેલેન્ટીનોના ચિત્ર તરફ નજર કરતી, અને હવે તો ભાસ્કરનું ચિત્ર પણ તેની સાથે મુકાઈ ગયું હતું. સ્ત્રીને પુરુષ નથી ગમતો એમ તો એનાથી પ્રામાણિકપણે કહેવાય એવું રહ્યું નહિ.
ત્યારે એને શું નહોતું ગમતું ? બંધન લાદતો પુરુષ ?
એ બંધને બંધાઈ ચૂકી હતી. વારંવાર તે ભાસ્કરને ધમકી આપી રહી હતી :
‘હું તો પરણેલી છું.’ એ બંધન ન હોત તો ? તે જરૂર ભાસ્કર સાથે વધારે છૂટથી વર્તી શકત; પરંતુ વધારે છૂટ એટલે ? દેહને અને મનને ગમે એવો પ્રેમ કરવો, નહિ?
ભાસ્કર પણ એ જ માગતો હતો ! કદાચ લગ્નથી છુટાય, પણ પુરુષથી છુટાય કે નહિ ? શોભનાના હૃદયમાં કૈંક સમયથી - ભાસ્કરનો પ્રથમ પરિચય થયો ત્યારથી - પુરુષમાં રસ ઉત્પન્ન થતો જતો હતો, પરંતુ એ ભાવ તેને પુરુષની માલિક બનાવતો હતો કે તેને પુરુષની માલિકી બનાવતો હતો ? દેહ અને મનને ગમે એવી ઢબે પ્રેમ કયા પછી ?
પછી પુરુષનું પણ સ્ત્રીને વ્યસન ન પડી જાય ? ગમતો સંબંધ વધારે ગમતો બની પોતાને આગળ જતાં પુરુષાધીન નહિ કરે એની ખાતરી શી?
પરંતુ ભાવિના ભયથી અત્યારનું સુખ ખોવામાં ડહાપણ હતું કે નબળાઈ તેના વિચારમાં પડેલી શોભના ચિત્ર જોવા છતાં તે સમજી શકતી નહિ.
'Superb ! ભવ્ય !’ ભાસ્કર ધીમે રહી બોલી ઊઠ્યો.
‘શું ?' જરા જાગીને શોભનાએ પૂછ્યું.
‘જોયું નહિ તેં ? કેવો ભવ્ય અભિનય !’
‘સમજાયું નહિ. કાંઈ “કીસિંગ" જેવું લાગ્યું.’
‘ઊર્મિના વમળમાં પડેલા આ મહાન શોધકને મિત્રની સ્ત્રીએ દેહ સમર્પ્યોં ! કારણ એ ઊર્મિહૃદય દેહ દ્વારા સંતોષતું ન હોવાથી જડ બની જતું હતું. શોધકની શક્તિ નિરર્થક જતી આ સ્ત્રીથી ન જોવાઈ. એટલે...’
‘હવે એ ખૂબ શોધ કરશે ?'
‘એમાં જ હવે ચિત્રનો વિકાસ થાય છે.'
વળી બન્ને જણે શાંતિથી ચિત્ર નિહાળ્યું; પરંતુ બંનેના હૃદયમાં અશાંતિ હતી. ભાસ્કરે ધીમે રહી પૂછ્યું :
‘શોભના ! મારો અણગમો આવે છે ?'
'ના'
‘તો... મને કેમ તરછોડે છે ?’
‘મને સમજ પડતી નથી; હું પરણેલી છું.’
‘એ તો તેં બહુ વખત કહ્યું. નૂતન દૃષ્ટિએ લગ્ન એ બંધન ન હોય.’
‘હજી એ બંધન મને જકડી રાખે છે.'
‘છૂટી થઈ જા.’ 'કેવી રીતે ?'
‘તું કોની સાથે પરણી છે ?'
'હું કહીશ તો તું ચમકી ઊઠીશ.’
‘મને દુનિયામાં કશું જ ચમકાવતું નથી. હું માગું છું તે મને મળ્યે જ જાય છે, કહે.’ એમ બોલી ભાસ્કરે શોભનાનો હાથ નાટ્યગૃહના અંધારાનો લાભ લઈ પાછો પોતાના હાથમાં રાખ્યો. શોભના કશું બોલી નહિ.
‘નથી કહેવું ?’
‘ન પૂછે તો સારું.’
‘તારે કહેવું જ પડશે. કોની સાથે તારું લગ્ન થયું છે ?'
‘પરાશર સાથે. શોભનાએ સહજ અટકીને કહ્યું અને શોભનાનો હાથ તેને જાણે દઝાડતો હોય એમ ભાસ્કરને લાગ્યું. એણે હાથ છોડી દીધો, અને ચિત્ર વિભાગ અટક્યો. નાટ્યગૃહમાં અજવાળાં ઊભરાયાં.
કનકપ્રસાદ અને જયાગૌરી બંને ચિત્રો જોવામાં એટલાં તલ્લીન બની ગયાં હતાં કે શોભનાની અને ભાસ્કરની ઝીણી ઓષ્ટરસ્થાની વાતો તરફ લક્ષ આપવાનો તેમને અવકાશ જ નહોતો. છૂટી ખુરશીઓ અનુકૂળતા પ્રમાણે ક્યારની પાસ પાસે ખસેડાઈ પણ હતી.
આખું ચિત્ર પૂરું થયું ત્યાં સુધી શોભના અને ભાસ્કર એક અક્ષર પણ બોલ્યાં નહિ.
ચિત્ર પૂરું થતાં બરોબર આખા નાટ્યગૃહમાં વાત ફેલાઈ કે શહેરમાં ફરી પાછું ખૂનખાર હુલ્લડ ફાટી નીકળ્યું છે. મજૂરોની હડતાળમાંથી હુલ્લડ જલદી ફાટી નીકળે એવી ભાસ્કરની માન્યતા તો હતી જ. અણવિકસિત મજૂરો જલદીથી લાગણીવશ થાય છે, અને ઉશ્કેરાઈને જોતજોતામાં ન કરવાનું કરી નાખે છે, પોલીસે લાઠીમાર માર્યો હોય, કે સરઘસ રોકવ્યું હોય તો હડતાલિયાઓ સહજ ઉશ્કેરાઈ જાય; અને આ જ તો હડતાલ વ્યવસ્થિત રીતે ચલાવી રહેલો પરાશર પણ ઉશ્કેરાઈ ગયો હતો. કાંઈ પણ નિર્ણય લાવવા ખાતર બળની-તોફાનની-અજમાયશ તેણે જરૂર થવા દીધી હોવી જોઈએ.
આમ ધારી રહેલા ભાસ્કરે શોભના, કનકપ્રસાદ અને જયાગૌરીને સલામત પહોંચાડવાની તજવીજ કરી. હિંદુઓની નામર્દી એકેએક કોમી તોફાનમાં સાબિત થાય એવી હોય છે, અને એથી આગળ વધતાં હુલ્લડનું નામ સાંભળી વીજળીની ઝડપથી બારીબારણાં બંધ કરી બેસનાર ગુર્જરવીરોની અહિંસા ક્ષણ માટે પણ ઓસરતી નથી એ હુલ્લડોના ઈતિહાસલેખકનું પહેલું જ મંતવ્ય બની જાય છે. ‘આગે લાત ઔર પીછે બાત’ની કીર્તિ કમાઈ ચૂકેલો ગુજરાતી હજી એ કીર્તિભંડાર સાચવી રહેલો - નહિ. એ ભંડારને વધારી રહ્યો છે એમાં જરાય શક નથી. તેમાં ગાંધીજીએ અહિંસાનો આશ્રય આપ્યો; એટલે કાબુલી, ઈરાની જેવા પરદેશીનું નામ તો કોઈ ગુજરાતી ન જ લે, પરંતુ કોઈ પુરભૈયા કે પંજાબીની પકડમાં તે આવ્યો હોય અગર કોઈ દક્ષિણી કે ગુરખાએ તેને ઝાલ્યો હોય તો મહાત્મા ગાંધીના બેનમૂન સ્મિત અને નમસ્કારનું અનુકરણ કરી, તે અહિંસાનો ફેલાવો કરવા પોતાની જિંદગી બચાવી લે છે. ઈતિહાસકારો તપાસ કરે તો તેમને જણાઈ આવશે કે હિંદુસ્તાને આપેલી ખંડણીનો મોટો ભાગ ગુજરાતે જ ભરેલો હશે. હજી પણ પડોશહક્કને બહાને, ધર્મને નામે, અપ્રાન્તીયતાનો યશ કમાવાના ઢાંકપિછોડા નીચે તે એક અગર બીજા રૂપમાં પર પ્રાંતોને ખંડણી આપ્યો જ જાય છે. ગુજરાતી જન્મે છે જ ખંડિયો !
અપવાદ નિયમને દૃઢ કરે છે. ભાસ્કર અહિંસામાં માનતો ન હતો, છતાં યુદ્ધમાં પણ માનતો ન હતો. તેને ભય લાગતો નહિ. મોટરકારની ઝડપ, તેનો અને તેના પિતાનો શહેરપરિચય અને પિતાનું અગ્રસ્થાન તેના હૃદયને મજબૂતી આપે એવાં હતાં. હુલ્લડવાળા લત્તાઓને બાજુએ રાખી તેણે શોભના ને તેનાં માતાપિતાને ઘરભેગાં કયાં, પરંતુ શોભનાએ પોતાની અલગ ઓરડીમાં ચાલ્યા જવાને બદલે ભાસ્કરને પૂછ્યું :
'ભાસ્કર ! તું ક્યાં જઈશ ?’
‘મારે હજી તોફાનવાળા લત્તામાં જવું પડશે.'
‘હું સાથે આવું તો ?'
‘નકામું જોખમ વહોરવા જેવું થશે.'
‘હું તો આવીશ જ. પુરુષોના જોખમમાં સ્ત્રીઓ કેમ ભાગ ન લે ?’
‘હું પરાશરની શોધમાં જ જાઉ છું ! તને ખબર આપી જઈશ.’
‘મારે તો આવવું જ છે તારી જોડે.'
‘જયાગૌરી હા કહેશે ?'
‘એમને પૂછવું જ નથી.’
બારણું બંધ કરી જયાગૌરી અને કનકપ્રસાદ શોભનાના એકાંત આવાસને એકલો જ રહેવા દેતાં હતાં. બંનેના ખંડમાં જવાનો માર્ગ એક જ હતો, પરંતુ ઓરડા વાસ્યા પછી એકબીજાની હિલચાલ ખાસ ધ્યાન વગર સમજાતી નહિ.
સિનેમા જોયા પછી જયાગૌરી અને કનકપ્રસાદ એકાંત વધાવી લેવા ઈચ્છતાં એકરંગ બની ગયાં હોય એ સંભવિત હતું. કજળી ગયેલા વિલાસની રાખને ફંકી ટૂંકી ઉરાડી મૂકી રહીસહી ચિનગારીઓ ચમકતી બનાવવાનું કામ પણ સિનેમા આ યુગમાં કરે છે એની સાબિતી ઘણા મધ્યવયી - માબાપ બનેલાં - યુગલો આપી શકે એમ છે.
શોભના પછી ભાસ્કરની સાથે મોટરકારમાં બેસી ગઈ. ભાસ્કર સાથેની વાતચીત શોભનાને અંતરાભિમુખ બનાવી રહી હતી. તે કોને માટે આ સહાય કરતી હતી ? પરાશરને સલામત જોવા ? ભાસ્કરને સંભાળી રાખવા ? કે પુરુષોની નિર્ભયતાની બરાબરી કરવા ? ત્રણે કારણો તેને સાચાં લાગતા હતા.
હુલ્લડ શમી ગયું હતું. પોલીસના માણસો બધે ગોઠવાઈ ગયાં હતાં. લોકોની અવરજવર ઘણી જ ઓછી હતી, છતાં કોઈ કોઈ પુરુષો આમતેમ જતા હતા. ભાસ્કર ચિત્ર જોતો હતો. તે જ સમયમાં હુલ્લડ થઈ શમી ગયું હતું. માનવહૃદયમાં રહેલા રાક્ષસને બેત્રણ કલાકની જાગૃતિ બસ છે; ત્રણ કલાકમાં તો તે કૈંક છરા ખોસી શકે છે, કૈંક મકાનો બાળી શકે છે. કૈંકના માથાં ફોડી શકે છે, અને ત્રણ વર્ષ ચાલે એટલી ઉગ્રતા અને ખાર ખિલાવી શકે છે. સેવાસમાજના બીજચંદ્રધારી મુસ્લિમ સંસ્થાઓના, અને તાત્કાલિક સારવાર શીખેલા સ્વયંસેવકો કોઈ કોઈ જગાએ ફરતા દેખાતા હતા.
‘એક સ્ત્રી આમાં દેખાતી નથી.' શોભના બોલી.
‘સ્ત્રી તે આવાં હુલ્લડોમાં હોય ?’ ભાસ્કરે કહ્યું.
‘કેમ ન હોય ?’ સરખા હક્ક માગતી સ્ત્રીશક્તિ શોભનાથી પુછાઈ ગયું.
‘જો ને, છે એ કે ? તારા સિવાય સ્ત્રી ઘરમાં અને બહાર એમ બંને સ્થળે હુલ્લડ કરે તો જગતમાં ઊભા ક્યાં રહેવાય ?’
‘હું તે જ કહું છું. પુરુષોને હુલ્લડ કરતા અટકાવવા હોય તો સ્ત્રીએ ઘરનાં અને બહારનાં હુલ્લડોનો બોજો ઉપાડવો જ જોઈએ.' ભાસ્કરની મશ્કરીનો શોભનાએ જવાબ આપ્યો.
‘માટે તો હું તને સાથે ફેરવું છું.’
‘તું મને કેમ સાથે ફેરવે છે એ હું જાણું છું.' એવો એકાએક આવી જવાબ તેણે વૈખરીમાં ઉતાર્યો નહિ. એને બદલે તેણે જવાબ આપ્યો:
‘આવાં હુલ્લડ અટકાવવા સ્ત્રીઓની એક ટોળી ન ઊભી કરી શકાય?'
‘પરાશરની પુરુષટુકડી માટેની યોજના છે જ, તું સ્ત્રીઓની એક ટુકડી ઊભી કર.’
'પણ એ ન થાય એવું છે ?’
‘એને માટે જીવન સમર્પણ કરનાર જોઈએ.’
'તને સગવડ છે; તું ન કરી શકે ?'
‘સગવડ ? મારું જીવન ખાલી છે, ખાલી જીવનમાં સમર્પણ શું ?’
‘નવી વાત સાંભળી ! મારા મનમાં કે તારું જીવન સર્વ રીતે પૂર્ણ છે.’
ભાસ્કરે જવાબ ન આપ્યો. એણે વાત ફેરવી નાખી અને જુદી જુદી જગ્યાએ જુદા જુદા માણસો પાસેથી પરાશર સંબંધી માહિતી મેળવવા પ્રયાસ કર્યો. દરેક સ્થળે જુદી જુદી માહિતી તેને મળી. કોઈને પરાશરની ખબર ન હતી. એકાદબે માણસે કહ્યું કે એને દવાખાને લઈ ગયા છે; એકબે માણસોએ કહ્યું કે એને પોલીસ પકડી ગઈ છે; કોઈકે કહ્યું કે એ ચાલ્યો ગયો છે અને કદાચ પાછો આવશે જ નહિ.
ભાસ્કરે થાણામાં, દવાખાનામાં, મજૂરકેન્દ્રમાં અને તેના પ્રેસમાં તપાસ કરી, જયરામને ત્યાં જોયું અને અંતે પરાશરની ખુલ્લી ઓરડી પાસે વાતો કરતાં ઊભાં હતાં.
‘પરાશરને જોયો ?’ રંભાએ પૂછ્યું.
‘તું એકલી આવી છે ?’ શોભનાએ સામે પૂછ્યું.
‘ના, મને થોડા માણસો અહીં મૂકી ગયા. હું પરાશરની સાથે હતી.'
‘તું ક્યાંથી સાથે ?'
'કેમ ? જાણતી નથી ? કોમી હુલ્લડો વખતે હુલ્લડ શમાવવા એણે એક મંડળ ઊભું કર્યું છે તે ?'
‘એમ ? દાખલ પણ થઈ ગઈ ?’
‘ક્યારનીયે. પણ પરાશર ક્યાં છે ?’
‘અમે પણ એને જ જોવા આવ્યાં છીએ.'
‘તો સાથે રહેતા શું થતું હતું ?’ રતને પૂછ્યું.
‘ન રહેવા દીધી. તોફાન શરૂ થયું અને મને ખસેડી મૂકી.' રંભાએ કહ્યું.
'તું ક્યારની આવી છે ?’ ભાસ્કરે પૂછ્યું.
‘બેત્રણ કલાક થયા હશે.’ રંભાએ કહ્યું.
‘તમે બધાં પરાશરનાં સગાં છો ?’ રતને પૂછ્યું.
'સગાં નહિ હોઈએ તો વહાલાં તો હોઈશું જ.’ રંભાએ જવાબ આપ્યો.
'પણ એ કોઈનો વહાલો છે કે નહિ ?' અણધારી ચબરાકીથી રતને સામો સવાલ કર્યો.
‘હોય જ વળી. હું એનું એ જ રતનને કહ્યા કરું છું.’ રંભાએ કહ્યું.
'પણ કહ્યાથી શું વળે ? બધાં મોટરગાડીમાં ફરો છો, બંગલાઓમાં રહો છો, અને એની કાળજી તો કોઈને છે નહિ !’ રતને જરા ઠપકો આપ્યો.
‘કાળજી વગર આવ્યાં હોઈશું ?’ ભાસ્કરે સહજ હસીને કહ્યું.
‘તમને ખબર છે કે એ ત્રણ દિવસથી ભૂખ્યો રહ્યો છે ?’ રતને જરા ઉગ્રતાથી કહ્યું.
‘ત્રણ દિવસથી ભૂખ્યો ? બને નહિ.’ ભાસ્કરે કહ્યું.
‘હું વધારે જાણું કે તમે ?’ રતને આ મિત્રો કરતાં પોતાની વધારે નિકટતાનું દર્શન કરાવ્યું.
'પણ એવું ત્રાગું કરવાનું કશું કારણ ? ગાંધીવાદમાં તદ્દન ભળી ગયો.' ભાસ્કરે કહ્યું.
‘શાનું ત્રાગું ? પૈસા હોય તો જમે ને ? તમને ગાડીઓમાં ફરનારને અમારી શી ખબર પડે ?’ રતન બોલી.
‘એને જોઈતા પૈસા એ મેળવી જ લે છે. હાથે કરીને ઓછો પગાર લે એને શું કરવું ?’ ભાસ્કરે કહ્યું.
‘પણ હવે એનો પત્તો ક્યાં મેળવવો ?' રંભા બોલી.
‘હું હવે એ જ કામમાં લાગીશ. તમને બંનેને ઘેર મૂકી દઉં, અને ખબર પડશે એટલે કહી જઈશ.’ ભાસ્કરે કહ્યું, ને તેણે ચાલવા માંડ્યું.
રંભા બહુ વારથી આવી હતી. એટલે તેને સારો સંગ જોઈ ઘેર પહોંચવું હતું. શોભનાના પગ પ્રથમ તો ઊપડ્યા નહિ. એને ત્યાં જ બેસી રહેવાનો વિચાર થયો. રતનની સાથે પરાશર સંબંધી વધારે સ્પષ્ટ વાત કરવાનું મન થયું. અનેક પ્રકારની ઊર્મિઓનાં વમળ તેનાં અંતરમાં ઊપડ્યાં. પરંતુ એ સર્વને દાબી ભાસ્કરની સાથે તે ચાલી ગઈ. જત જતે તેણે રતનના શબ્દો સાંભળ્યા :
'છે કોઈને કાંઈ !’
કદાચ એ શબ્દો ભ્રમણા પણ હોય !
પરંતુ શોભનાના હૃદયમાં શું ખટકી જતું હતું ? શૂળ ? હૃદયની નબળાઈ ? ક્યારનું કાંઈ તેના હૃદયમાં દુખ્યા કરતું હતું.
કારમાં તે પહેલી બેસી ગઈ; રંભા તેની જોડે બેઠી. ભાસ્કર રંભા સાથે બેઠો, તેનો ખ્યાલ શોભનાને રહ્યો ન હતો. અંધારી રાત્રિમાં દીવા પ્રકાશ વેરતા હતા; પરંતુ એ પ્રકાશ ગાડીની બહાર હતો. તોફાનવાળા રસ્તાઓમાં થઈ ગાડી જતી ન હતી. છતાં એ રસ્તાઓ પાસેથી જતાં એટલું તો સમજાતું હતું કે પોલીસ જાગૃત હતી.
શોભનાને એકાએક લાગ્યું કે તેના દેહને હાથ અડકતો હતો. સાથે સાથે રંભા પણ બોલી ઊઠી :
‘હાય હાય ! મને એટલી બીક લાગી !'
‘મને પણ એમ લાગ્યું કે તને બીક લાગી.' ભાસ્કરે કહ્યું.
‘ને બીક લાગી માટે તેં હાથ મૂક્યો ? કે તેં હાથ મૂક્યો માટે મને બીક લાગી ?' રંભાએ જરા હસીને પૂછ્યું.
શોભનાને લાગ્યું કે ભાસ્કર પોતાની ટેવ પ્રમાણે સાથે બેસનારનો હાથ શોધતો હતો. રંભાએ ચમકીને ભાસ્કરના કૃત્યને જાહેરમાં મૂક્યું.
ભાસ્કર કદાચ દક્ષ નાયકની રમત રમતો હોય તો ? બંને મિત્રયુવતીઓને પ્રસન્ન રાખવા પ્રયત્નશીલ થતો હોય તો ? એક ક્ષણ શોભનાને વિચાર થઈ આવ્યો.
એટલામાં જ તેનું ઘર આવ્યું. શાંતિથી તે નીચે ઊતરી. તેનાં માતાપિતા બારણાં બંધ કરી સૂઈ ગયાં હતાં. સીડી બહારથી ખુલ્લી પડતી હતી અને તે ઉપર ચડી છજામાં થઈ શોભનાની નવી ઓરડીમાં સીધાં જવાતું હતું એટલે કોઈને જગાડ્યા વગર તે ઘરમાં જઈ શકે એમ હતું. ઘર સુધી પહોંચાડવા આવેલા ભાસ્કરે શોભનાનો હાથ ખેંચી હસ્તધૂનન કર્યું. સાથે જ ઊતરેલી રંભાએ તે જોયું અને તેને હસવું આવ્યું.
રંભાનું હાસ્ય મુક્ત અને સુંદર હતું. કેટલીક વ્યક્તિઓનાં હાસ્ય સાંભળવા ગમે છે. શોભનાએ સીડી ચડી છજામાંથી પાછળ જોયું. હસ્તી રંભાનો હાથ પકડી ભાસ્કર કાર તરફ જતો હતો. શોભનાને એ દૃશ્ય ગમ્યુ કે નહિ તેની તેને સમજ પડી નહિ. આવા મૂંઝવણના પ્રસંગે તેના હૃદયમાં દુખાવો થઈ આવતો હતો. તેણે દુખતી જગાએ અંગૂઠો મૂકી જોયો; દુઃખ પકડાયું નહિ. માતાપિતા સૂઈ ગયેલાં હતાં એમ બંધ બારણાના અંધારા ઉપરથી શોભનાએ માની લીધું. છજામાં થઈ વધારાની લીધેલ પોતાની ઓરડી શોભનાએ ધીમે રહીને ઉઘાડી અંદર દીવો કર્યો.
‘શોભના ! જાગે છે ?' પાસેની ઓરડીમાંથી જયાગૌરીએ પૂછ્યું.
'હા.'
‘મધરાતે તો જરા સૂઈ રહે ! કોઈની કાર અહીંથી ગઈ કે શું ?' કારના શોખમાંથી કારની ભ્રમણા પણ ઉત્પન્ન થાય છે. અહીં તો એ યાંત્રિક વાહને તેમની ઊંઘ હલાવી નાખી હતી.
‘હા, એ જ જોતી હતી.' શોભનાએ યુધિષ્ઠિરનું સત્ય ઉચ્ચાર્યું, અને સિનેમાચિત્ર વડીલોમાં કેવા કેવા ભાવ ઉત્પન્ન કરતું હશે તેની કપડાં બદલતાં કલ્પના કરવા લાગી.
પરંતુ એણે તો ચિત્ર જોયું જ નહોતું. તેની આંખ ચિત્રપટ ઉપર હતી. છતાં એ આંખ બીજું ચિત્ર જોતી હતી.
એ કયું ચિત્ર હતું ? તેનું પોતાનું જ. શોભનાએ આયનામાં જોયું. ચિત્રની નાયિકા કરતાં તે પોતાને ઓછી સુંદર ન લાગી. તે એકલી હતી. કપડાં બદલતાં તેણે પોતાનાં ઉત્તમાંગોને નિહાળી જોયાં. નાયિકાનાં કપડાં બદલાવી, હસાવી, રડાવી, નવરાવી, સુવાડી, હીંચકે ઝુલાવી, નચાવી, પૂજનના ભાવમાં ઉતારી નાયિકાનાં અંગે અંગના સૌંદર્યનું સૂચન કરવાની સિનેમાચિત્રની પ્રથા હરકોઈ વર્તમાન યુવતીને સરખામણીના પ્રદેશમાં સહજ ખેંચી જાય છે. લાગ્યું કે તેનાં અંગઉપાંગ પણ સૌંદર્યમાંથી કોઈથી ઊતરે એવાં ન હતાં.'
એકાએક શોભનાને પોતાના ઉપર જ રીસ ચડી. સૌંદર્ય નિહાળીને તે પોતાની પુરુષપાત્રતા જ સિદ્ધ કર્યા કરતી હતી, નહિ ? સખીઓની પ્રેમવાતોનો શોભના તિરસ્કાર કરતી હતી. પુરુષો સંબંધી ચર્ચાનો તેને અણગમો હતો; લગ્ન કે અલગ્ન સંબંધના સુખની રસભરી સૂચનાઓમાં તેને બીભત્સપણું લાગતું; બાળકોના જન્મનો પ્રશ્ન તેને અસહ્ય થઈ પડતો હતો. તેને પુરુષરહિત સ્ત્રી - પુરુષને પડછે નાખ્યા વગરની સ્ત્રી - તરીકે જીવવાનો શોખ હતો. પુરુષ વગર જિવાય જ નહિ, રહેવાય જ નહિ એવું પુરુષાધીનપણું તેને અત્યંત અણગમતું હતું - અને એ અણગમાને લીધે તેણે કેટલીય સખીઓનો સાથ મૂકી દીધો હતો. પ્રેમમાં પડવું, પુરુષને રમતનું સાધન પૂરું પાડવું, પછી પરણવું અને અંતે માતા બની પોતાની અને જગતની જંજાળમાં ઉમેરો કરી જીવનને પરતંત્ર બનાવવું - આ સ્ત્રીજાતિનો સહજ ક્રમ. એ ક્રમમાં સ્ત્રીજાતિ પોતાનું વ્યક્તિત્વ વેચી નાખે છે અને માત્ર આર્થિક કલહમાંથી ઊગરી જવાની સુંવાળાશ ખાતર જીવનભરની ગુલામગીરી સહી લે છે. એ સહજ ક્રમનો તેને વિરોધ હતો. આર્થિક ભારણ પુરુષને માથે નાખી દેવાના બદલા તરીકે દાસી, રસોઇયણ, ગણિકા, વંશવર્ધની અને પરિચારિકાના સઘળા જ ધંધાના બોજા માથે લેઈ એક ઘરપિંજરનો સ્વીકાર કરવો એ તેને સ્ત્રીજાતિના અપમાન સરખું લાગતું હતું.
કૉલેજમાં અભ્યાસ સમયે તેના આ ભાવ પ્રબળ બન્યે જતા હતા. તેને ગળે હાથ નાખી અગર તેના હાથમાં હાથ ભેરવી ફરવા ઈચ્છતી બહેનપણીઓનું તેણે અપમાન પણ કર્યું હતું. તેના દેહની સાથે તેની સખી પણ છૂટ લેઈ શકતી નહિ. પુરુષોની, પ્રેમની, લગ્નની બુદ્ધિજન્ય ચર્ચા હોય ત્યાં સુધી શોભના એ ચર્ચામાં ભાગ લેઈ શકતી હતી; પરંતુ ‘જો આ મારો કાગળ આવ્યો છે !’ ‘પેલો સુમન બહુ દેખાવડો છે !’ ‘પાર્થિવની આંખો કેવી ભૂરીઆા-સાહેબો જેવી છે !’ ‘આજે કસરત શાળાના વડ પાસે હું શિરીષને મળવાની છું.’ ‘જોયું ? પહેલાં મારી આસપાસ ફરતો જનાર્દન હવે સામુંયે જુએ છે ? એને કુસુમે ભોળવ્યો !’ એવી એવી વિદ્યાર્થિનીઓની વાતોને તે ઉત્તેજન આપતી નહિ, અને સહાનુભૂતિ ન આપ્યાના બદલામાં કેટલીક મૈત્રી તે ગુમાવતી પણ ખરી. રંભા, તારિકા અને વિનીમાં સ્ત્રીસુલભ પરંપરા તે નિહાળી શકી હતી - દરેકના વિલાસી માનસને તે પારખી શકતી હતી. છતાં તેમનામાં યુવતીઓની વિકાર ઢાંકતી ચાંપલાશ વધારે પડતી ન હોવાથી શોભના એ ત્રણે યુવતીઓની મિત્ર બની શકી હતી. તેમની કેટલીક વિલાસ સૂચક વાતો શોભનાને ચીડવવા માટે જ હતી એમ એ જાણતી હતી. એટલે તેમને અને તેમની વાતોને એ સહી લેતી હતી.
એ શોભના હમણાં કેટલાક સમયથી આયનાનો પ્રેમ વધાર્યે જતી હતી. પોતાનું મુખ, દેહ અને વસ્ત્ર આયનામાં જોવા - એકલી હોય તો જોયા કરવા - લલચાતી હતી. કોને માટે ? પોતાનો દેહ સુંદર હોય કે થાય એ જોવાની - એની ખાતરી કરવાની ઈચ્છા સહુને થાય અને તે સ્વાભાવિક ગણાય. પણ એ દેહ બીજાને પણ સુંદર લાગે છે કે નહિ એ જાણવાની ઈચ્છા કોઈ માનસપરિવર્તન - અસ્વાભાવિક માનસપરિવર્તનનો પડઘો જ કહી શકાય. તેના સરળ જીવનપ્રવાહમાં વેગ આવ્યો લાગતો હતો; તેના અનેક ફાંટા પડી જતા લાગતા હતા. જીવનપ્રવાહને ધાર્યા મુજબ વાળવાને બદલે તે જાતે એ પ્રવાહમાં ઘસડાતી હતી.
કારણ ?
તેના જીવનમાં એક પુરુષે પ્રવેશ કર્યો હતો. સુઘડ, સોહામણો, રસિક, બુદ્ધિશાળી, ચાતુર્યભર્યો, ઊર્મિપ્રેરક ભાસ્કર પ્રથમ મળ્યો ત્યારથી વધારે અને વધારે આકર્ષકતા ધારણ કરતો જ હતો. પુરુષો શોભનાને મોટે ભાગે અણગમતા લાગતા, ભાસ્કર અપવાદ હતો. એ ગમે એવો હતો, એ હસતો સરસ. એ વાત કરતો તે છટાભરી. એની ચાલમાં જોમ હતું. ચશ્માંધારી. લાંબા વાળ રાખી કલામય દેખાવા મથતાં છતાં નાટકમાં છોકરીઓનો ભાવ ભજવવા તૈયાર થતા હોય એવા લટકાભર્યા - અરે, છોકરીઓને પણ શરમાવે એવો અંગમરોડ અને અંગુલિમરોડ અજમાવતા - યુવકોનો જે સમૂહ ગુજરાત આજની શાળાઓ અને મહાશાળાઓ ઘડી રહ્યું છે એ સમૂહમાંથી તે જુદો તરી આવતો. અગર... અગર એ અણગમતી હદે પહોંચતી રસિકતામાં તરી આવતું બાયલાપણું ભાસ્કરમાં દેખાતું નહિ.
અને તે ઉપરાંત એ ધનિક હતો, ઉદાર હતો, મિત્રોને સહાયરૂપ બનતો અને આદર્શ પાછળ પોતાના જીવનને દોરતો.
એનો સ્નેહ એ પ્રેમ કે બંધન ? જે ગમે એ બંધન કહેવાય કે મુક્તિનો માર્ગ ? ત્યારે બીજી યુવતીઓમાં અને શોભનામાં તફાવત શો ? કોઈને અઢારમે વર્ષે પ્રેમ જાગે, કોઈને વીસ વર્ષે, કોઈને પચીસ વર્ષે. એથી પચીસ વર્ષે પુરુષને ચાહવા લાગતી યુવતી અઢારમે વર્ષે પ્રેમી બનેલી યુવતી કરતાં જુદી અને શ્રેષ્ઠ કઈ રીતે કહેવાય ? બંનેને એક જ સાદ બોલાવી રહ્યો હોય છે. પતિને ઝંખતી સતી, પ્રિયતમને માટે ઉજાગરા કરતી પ્રિયા અને ગમતા પુરુષને જોયા કરતી કુમારિકા એ ત્રણે એક જ પુરુષત્વના સાદે ખેંચાયેલા સ્ત્રીત્વના જ નમૂના કે બીજું કાંઈ ?
શું સ્ત્રીજીવનમાં પુરુષ અનિવાર્ય જ છે ? રૂપ, રંગ અને દેખાવના વિવિધ પ્રયોગો કરતી વર્તમાન યુવતી કરતાં શોભના જુદી ન હોઈ શકે ? એ બધાય પ્રયોગો અંતે તો એક જ મહા આકર્ષણનાં જ ફળ છે શું ? શું સ્ત્રીએ પત્ની બનવું જ જોઈએ - પરણીને કે પરણ્યા વગર ?
પરંતુ શોભના તો પરણી પણ હતી. એના જીવનમાં એક પુરુષનો પ્રવેશ તો થઈ ચૂક્યો હતો. શા માટે એ એમ માનતી હતી કે તેના જીવનમાં માત્ર એક જ પુરુષે પ્રવેશ કરવા માંડ્યો હતો ? તેની ભૂલ થતી હતી. તેના જીવનમાં બે પુરુષોનો પ્રવેશ થતો હતો !
સ્વદેહ જોઈ, કપડાં બદલી, દીવો હોલવી તે ખાટલામાં સૂતી. તેની દૃષ્ટિ સમક્ષ તેનું પૂર્વજીવન - મહત્વનું પૂર્વજીવન ખડું થયું. વીજળીના ઝળહળતાં ઝુમ્મરો કરતાં પણ જાણે વધારે પ્રકાશ પડતો હોય એમ તે અંધારામાં જ પોતાના જીવનટુકડાને કેવી સ્પષ્ટતાથી જોઈ રહી હતી ?
એ જીવનમાં કોઈ વૈભવ ન હતો - બાહ્ય વૈભવ તો નહિ જ. વારંવાર ત્રીજા વર્ગની મુસાફરી એ તો બાળ-અનુભવ. બીજા અને પહેલાં વર્ગમાં બેસવાનું શોભનાને મન થતું હતું, પરંતુ માતા નિઃશ્વાસ સાથે અને તેના પિતા સ્મિત સાથે એ ઊંચા વર્ગોંમાં મુસાફરી કરવાની ના પાડી હતી.
બગીચાવાળા મોટા મકાનમાં રહેવાનું શોભનાને ઘણું મન થતું હતું. તે પૂછતી :
‘આવા ઘરમાં આપણાથી ન રહેવાય ?’
મા કહેતી :
‘રહીશું બહેન ! ઈશ્વર રાખશે ત્યારે.'
પિતા કહેતા :
'એ બગીચામાં ફૂલ નથી; એ ગરીબોનાં આંસુ છે. એ બંગલામાં માલિકની મહેનત નથી; એમાં સટ્ટો, જુગાર અને અકસ્માત છે.'
શોભનાને સમજ પડતી નહિ. નાનાં નાનાં મકાનોમાં તે રહેતી અને ભણતી. મોટા બગીચાવાળાં મકાનોમાં પણ તેના જ સરખી છોકરીઓ રહેતી અને ભણતી. પરંતુ આવાં મકાનોમાં તેનાથી રહેવાય નહિ, મન હોય તોપણ - એટલું તેને સમજાતું.
માતા અને પિતા બંને શોભનાને ઘણાં જ વહાલાં હતાં. શોભના માતાપિતાને પણ એટલી જ વહાલી હતી. તેજસ્વી, બળભર્યા લાગતા પિતા તેને કોઈ વાર પૂછતા :
‘જો શોભના ! તને બગીચાવાળું ઘર બહુ ગમે છે, ખરું ?' ‘હા.’ શોભના જવાબ આપતી.
‘તારે રહેવું હોય તો બગીચાવાળું એક ઘર મને જડ્યું છે.’
‘તો ચાલો ને આપણે ત્યાં જ રહીએ.'
‘ત્યાં તારે એકલીને રહેવું પડે. અમારાથી ન અવાય.'
‘તમારા વગર કે બા વગર મારાથી શી રીતે રહેવાય ?’
‘તો એ ઘરનું શું કરવું છે ?’
‘મારે એમાં નથી જવું.’ આ જવાબ સાંભળી પિતા નાનકડી શોભનાને હાથમાં ઊંચકી લેતા અને તેને છાતીએ વળગાડતા. એ તેજસ્વી, બળભર્યા અને નિર્ભયતા ફેલાવતા પિતાના મુખ ઉપર એણે કદી કદી ચિંતા નિહાળવા માંડી, અને માતાને અશ્રુ ઢાળતી પકડવા માંડી.
‘ભાઈ ! કાંઈ થાય છે ?’ શોભના પિતાને પૂછતી.
‘ના, અમસ્તો જરા થાક લાગ્યો છે.’ પિતાનો જવાબ મળતો.
‘હું માથું દબાવી આપું ?’
‘હા.’ પિતાના મુખ ઉપર હાસ્ય ફરતું. નાનકડા હાથ પિતાને કપાળે સહજ ફરતા, પિતાના મુખ ઉપરની ચિંતા દૂર થઈ જતી અને શોભનાને કશું ખાવાનું મળતું.
‘બા ! શું થાય છે ? કેમ રડે છે ?’ શોભના માતાને પૂછતી.
‘કાંઈ નહિ, બહેન ' માતાનો જવાબ મળતો.
‘માથું દુઃખે છે ?’ રડવાનું જાણે એક જ કારણ હોય એમ શોભના પૂછતી.
'ના.'
‘ત્યારે અમસ્તુ કોઈ રડતું હશે ?'
‘હું નથી રડતી.'
‘જૂઠું બોલાય ?' પોતાને દીધેલી શિખામણ બાળકો ઘણી વાર વ્યાજ સાથે મોટેરાંને પાછી આપે છે.
માતા હસી પડતી. પાસેની ઓરડીમાંથી મા-દીકરીની વાત સાંભળતા કનકપ્રસાદ કહેતા :
‘એની હીરાની બંગડી આજે જતી રહી. તેથી એ રુવે છે.'
‘હું મોટી થઈશ અને કમાઈશ ત્યારે બાને માટે ખૂબ ખૂબ હીરાની બંગડીઓ લાવીશ.' શોભના મોટી થતી ગઈ તેમ તેમ તેને સમજાવા લાગ્યું કે તેના પિતા જુદે જુદે સ્થળે નોકરી કર્યે જતા હતા, છતાં ઘરની ગરીબી ઘટતી ન હતી. અડધું સમજતી, અડધું ન સમજતી શોભનાએ એક દિવસ અતિ શિથિલ બની ગયેલાં માતાપિતાને પૂછ્યું :
‘ભાઈ ! તમે એકલા જ કેમ કમાઓ છો ?’
‘એટલે ? તું શું પૂછે છે ?’
‘એમ. કે... બા ન કમાઈ શકે ?'
‘કમાવા માટે તો સારું ભણવું પડે ને ?’
'તે બા ભણી નથી ?’
‘એટલું બધું નહિ અને... હજી બૈરાં કમાવા જતાં નથી.’
‘તે બૈરાંથી કમાવા ન જ જવાય ?'
‘હવે જવું જ પડશે એમ લાગે છે.'
‘હું ખૂબ ભણું તો આપણે પૈસાદાર થઈએ, નહિ ?'
કનકપ્રસાદ તેમના સમયમાં ઘણું ભણ્યા હતા, છતાં તે પૈસાદાર થઈ શક્યા ન હતા. ભણવું અને કમાવું એ બંને ક્રિયાઓ જ જુદી છે. છતાં તેમણે વાત ટૂંકાવવા કહ્યું :
'હા.'
અને ત્યારથી શોભનાનો અભ્યાસ પણ સરસ બનવા માંડ્યો. શરમાતી, સંકોચાતી, દબાતી વિર્દ્યાર્થિનીઓમાં શોભના આગળ તરી આવતી. અભ્યાસમાં, રમતમાં, વક્તૃત્વકળામાં અને મેળાવડામાં તેને અગ્રસ્થાન મળવા માંડ્યું. વિદ્યાર્થીઓની ટીકા અને હરીફાઈએ તેનામાં બળ વિકસાવ્યું અને પુરુષવર્ગની સ્પર્ધા કરવામાં રહેલું સ્ત્રીત્વનું મહત્ત્વ પણ તેને સમજાયું.
એક પરિચિત જાગીરદાર ઘનશ્યામરાયે શાળાના મેળાવડામાં શોભનાને ઘણાં ઈનામો લઈ જતી જોયા પછી કનકપ્રસાદને કહ્યું :
‘આને મૅટ્રિક સુધી તો લઈ જશો ને ?’
‘હા, જી. એની તો બી.એ. થવાની મરજી છે.'
‘ભણાવો, ભણાવો, છોકરી ચબરાક છે.'
‘માત્ર કૉલેજનું સ્થળ અહીં નથી. એ મુશ્કેલી છે.’
‘એક મારા મિત્રે શહેરમાં શાળા ઉઘાડી છે. ત્યાં જવું છે ?’
‘હા, જી. કૉલેજનો લાભ શોભનાને આપી શકાય.' ઘનશ્યામરાયની ચિઠ્ઠી લેઈ કનકપ્રસાદે શહેરનિવાસ કર્યો. શાળાની શાંત નોકરી સ્વીકારી લીધી, અને શોભનામાં સઘળું મમત્વ કેન્દ્રીત કરી જોરમય જાહેરજીવન ગાળવાના વિચારને વહેતો મૂકી વર્તમાનપત્રોના વાંચનમાં જ પોતાની બાહ્ય પ્રવૃત્તિ સમેટી લીધી.
શોભના મૅટ્રિકમાં આવી; તેનો દેહ પણ ઘાટીલો બન્યો; સ્ત્રીત્વના બાહ્ય લક્ષણ તરીકે નવલકથાઓ વાંચવાનો શોખ વધેલો તેનાં માતાપિતાએ નિહાળ્યો. યૌવનની ઉષાનાં શાંત પણ સમજાતા - ન સમજાતાં રંગીન અજવાળાં તેના હૃદય ઉપર ફરી વળ્યાં. પરણવું એટલે શું? પ્રેમ એટલે શું ? વગેરે યૌવનપ્રવેશના સાંકેતિક વિચારો તેને આવવા લાગ્યા - પ્રથમ એની જાણ બહાર અને પછી ભાન સહ.
વાચન વિસ્તૃત હોવાથી સ્ત્રીઓની સ્વતંત્રતાના ખ્યાલ પણ તેને આવતા જ રહ્યા. સ્ત્રી એ દાસી નથી, પુરુષની સમોવડી છે, પુરુષની સહ-અધિકારી છે એવી એવી વિચારશ્રેણીએ તેના માનસને ઘડવાનું શરૂ કરી દીધું.
પરંતુ પ્રેમની અને સ્વાતંત્ર્યની ઉગ્ર ઊર્મિ પૂરી જામે તે પહેલાં અનેક યુવતીઓને બને છે તેમ શોભનાને પણ બન્યું. તેનાં વિવાહ અને લગ્ન નક્કી થઈ ગયાં.
‘બહેન ! પેલા બંગલાવાળા જાગીરદાર તને સાંભરે છે કે ?’ માતાએ એક દિવસ શાળામાં આવતી શોભનાને ઘરમાં પેસતાં બરોબર પૂછ્યું.
‘હા, કેમ ?’ શોભનાએ જવાબ આપ્યો.
'તું કપડાં બદલી આવ, પછી કહું.’
શોભના કપડાં બદલી આવી. કનકપ્રસાદ વર્તમાનપત્રો વાંચતા બેઠા હતા. માતાએ વાત લંબાવી :
‘એ જાગીરદારનો દીકરો તને યાદ છે ?’
'ના.'
‘કેમ ? પેલો ઘોડા ઉપર બેસીને જતો... અને કોઈ વાર ગાડી હાંકતો... એકબે વખત તો આપણે પણ બેસીને ગયેલાં સાંભરે છે ?'
‘હા, સહજ યાદ છે.’ શોભનાએ બહુ મહેનત કરી, ઝાંખી બનેલી યાદને તાજી કરી.
‘એ બી.એ. થઈ ગયો, અને હવે સિવિલિયન થવા વિલાયત જવાનો છે.'
‘ભાઈ ! છોકરીઓથી સિવિલિયન ન થવાય ?’ શોભનાએ વચ્ચેથી પિતાને પૂછ્યું.
‘ના.’ વર્તમાનપત્રમાંથી મુખ કાઢી પિતાએ કહ્યું.
'કારણ ?'
‘બૈરાંને એમાં બેસવાની બંધી છે.'
‘બૈરાંને શું શું કરવાની બંધી નથી એ કોઈ કહેશે ?' શોભનાએ કટાક્ષમાં પૂછ્યું.
‘હવે તું સાંભળ તો ખરી તારી મા શું કહે છે તે પછી ચર્ચા કરજે.'
‘પણ વિલાયતમાં તો એવું કે...' માતાએ કહ્યું. પરંતુ આખો ભાવ કયા સ્વરૂપે મૂકવો તે તેમને પ્રથમ સમજાયું નહિ અને તે અટક્યાં. એનો લાભ લેઈ શોભનાએ કહ્યું :
'મનેયે વિલાયત જવું બહુ ગમે.'
‘છોકરાઓથી તો જવાતું નથી ત્યાં છોકરીઓનો શો સવાલ ?’
‘એમ કેમ ?'
‘અહીંથી પરણ્યા વગર છોકરાઓ જાય ને... તો ત્યાં... ને... ત્યાંની વલકુડી છોકરીઓ... એવા છોકરાઓને પરણી જાય છે.'
'તે તેમને મન હોય તો ભલે પરણે ! એમાં કોઈને શું ?’ શોભનાએ દલીલ કરી.
'તું સમજતી નથી. આપણા લોકમાં તે એવી મડમો સમાય ખરી ? શાક સમારવું, રસોઈ કરવી, મહેમાનોની કાળજી રાખવી એ બધું મડમોને ન ફાવે.'
'તે વિલાયતમાં આ બધું નહિ કરતાં હોય ?’
‘અહીંની અને ત્યાંની ઢબ જુદી ને ! ત્યાં તો હોટલોની સગવડ હોય. પૈસા ઘણા હોય એટલે આપણી રહેણી તેમને અનુકૂળ ન આવે !’ પિતાએ વાદવિવાદમાં ભાગ લીધો.
'હં. પણ તેનું છે શું ?' શોભનાને વાતનું હાર્દ હજી સમજાયું ન હતું.
‘એ છોકરાને પરણાવ્યા સિવાય વિલાયત જવા દેવાનો નથી.' જયાગૌરીએ કહ્યું.
‘તે એમને ફાવે એમ કરે ! આપણે શું ?' શોભનાએ પૂછ્યું. અને માતાપિતા બંને ખડખડ હસી પડ્યાં. શોભના ખરેખર સમજતી ન હતી કે માત્ર ન સમજવાનો દેખાવ કરતી હતી તેની માતાપિતાને સમજ પડી નહિ. બહુ દિવસે આટલું મુક્ત હાસ્ય કરતાં માતાપિતાને નિહાળી શોભના પણ પ્રફુલ્લ બની. એણે પણ સ્મિત કર્યું. ‘હવે સમજી ?’ માતાએ હસતે હસતે પૂછયું.
‘ના.’ સ્મિતસહ શોભનાએ જવાબ આપ્યો.
‘એ જાગીરદારે પોતાના દીકરા માટે તારું માગું કર્યું છે.'
શોભના પ્રથમ ચમકી. પ્રાથમિક પ્રેમ વગર પરણવાની માગણી ગમે તે વર્તમાન યુવતીને ચમકાવે એમ હોય છે.
પછી ઘણી વાતો થઈ, અને શોભનાએ શા માટે અજાણ્યા યુવક સાથે છેવટે પરણવાની હા પાડી તેનું કારણ તેને હજી સુધી જડ્યું ન હતું. માતાપિતાની ઈચ્છાને માન આપવાની વૃત્તિ, હા કહેવી સારી કે નહિ એ ગુંચવણીનું નિરાકરણ કરવાની અશક્તિ, ધનિક કુટુંબનો સંબંધ, ભાવિ પતિનું ભણતર, અને સુખમય જીવનની આશા. પરણ્યા પછી ભણતર ચાલુ રહે એવી સગવડ, બંગલો, ગાડી, કાર, નિશ્ચિત ભવિષ્ય અને સ્ત્રીસ્વાતંત્ર્યની ભાવનાની કચાશ એ સઘળાં તત્ત્વોએ ભેગાં મળી તેની પાસે હા કહેવરાવી.
લગ્ન બહુ જ સાદાઈથી, બંને કુટુંબ સિવાય બીજા કોઈને ખબર ન પડે એવી શાંતિથી અને તીર્થધામમાં કરવાનાં હતાં એટલે માબાપનો ખર્ચ બચે. પોતાને અણગમતી જાહેરાત અટકી જાય અને સાસરે રહેવામાંથી મુક્તિ મળે એ સર્વ અનુકૂળતાઓ ભેગી હોવાથી શોભનાની હા મજબૂત બની. વરની છબી પણ તેને બતાવવામાં આવી. હોય એના કરતાં રૂપ વધારે દેખાય એ ઉદ્દેશથી છબીઓ પડાવવામાં આવે છે. છબી તેને સારી લાગી. માત્ર છબીને જોઈને જ મોહમાં પડવા જેવી લાગણી કેટલાંક સ્ત્રીપુરુષને ઉત્પન્ન થાય છે. તેવી લાગણી કાંઈ શોભનામાં જાગૃત થઈ નહિ. તથાપિ છબીવાળા યુવકમાં ખાસ વાંધો કાઢી શકાય એમ હતું નહિ. વરનો - અને વરને લીધે આખા ધનિક વરપક્ષનો એક ભારે આગ્રહ હતો કે લગ્નની જાહેરાત જરાય થવી ન જોઈએ. જોકે સગાંવહાલાંએ એ હકીકત જાણી, છતાં એ લગ્નને વર્ષો વીતી જવા આવ્યાં, બંને પક્ષમાં જાણે કશો સંબંધ ન હોય એવું વર્તન થયું, વર અને વરના પિતા વચ્ચે ઝઘડો થયો, અને દેશસેવાની-જગતસેવાની ધૂનમાં ઊતરી પડેલા વરે અજ્ઞાત, ન પરખાય, ન પકડાય એવાં બદલાતાં સ્થળ અને કાર્યની અંદર પરોવાઈ ભૂતકાળને જાણે ભુલાવી દીધો હોય એમ કર્યું હતું.
પરંતુ એ ભૂતકાળ ખરેખર ભુલાઈ ગયો હતો ખરો ?
પરણીને એક જ દિવસ સાસરે રહી. તે પાછી માતાપિતા પાસે ચાલી આવી હતી. એ એક દિવસ જાણે તે નવી દુનિયામાં રહી હોય એમ તેને લાગ્યું. તેને એકાંતમાં મળવા માટે તેના પતિએ પ્રયત્નો કર્યા હતા, પરંતુ દક્ષ સેનાધિપતિની કુશળ વ્યૂહરચનાને યાદ કરાવે એવી યુક્તિથી ઘરનાં વડીલોએ એ પ્રયત્નોને નિષ્ફળ બનાવ્યા હતા. વિલાયત જઈ ત્યાંની કોઈ યુવતીના મોહપાશમાં પુત્ર ન સપડાય એ ખાતર હિંદી યુવતીને ગળે પુત્ર બંધાવી રહેલાં વડીલો એ યુવતીનો મોહ પુત્રને ન ઊપજે એવી સતત પેરવીમાં જ પડેલાં રહે છે ! શોભનાને પણ પતિ સાથે થોડી ક્ષણ એકાંત મેળવવાની ઈચ્છા - તીવ્ર ઇચ્છા હતી જ; પરંતુ હિંદુ-સમાજરચના પુત્રવધૂને પુત્રની મોહિનીને બદલે સાસરિયાંનો શિકાર બનાવવાની વધારે જોગવાઈ રાખે છે.
ચણચણતા હૃદયે પાછી ફરેલી શોભનાને એ દિવસ હજી યાદ આવતો. પરંતુ આજ પણ કંપાવી જતો પેલો પ્રથમ પત્ર મળ્યાનો દિવસ ! પતિનો પત્ર તેનાં માતાપિતાએ તેના મેજ ઉપર મૂક્યો હતો. એણે ધાર્યું કે એ પત્ર તેના પતિનો જ હોવો જોઈએ. ધડકતે હૃદયે - કોઈ પત્ર વાંચતાં પોતાને ન જુએ એની ચોક્કસાઈ કરીને શોભનાએ પત્ર વાંચ્યો. કેટલી વાર? એને યાદ ન હતું, પરંતુ શોભના એ પત્ર અગણિતવાર વાંચી ચૂકી. એ પત્રવાચનનો તેને આછો નશો પણ ચડ્યો હતો; તે કામમાં ભૂલ કરતી હતી. સમયનું તેને ભાન રહ્યું ન હતું; શાળામાં તેનું ધ્યાન અભ્યાસમાંથી ખસી જતું હતું. તેના શિક્ષકોને સહજ નવાઈ પણ લાગી. તેની બહેનપણીઓએ તો તેને પૂછવું પણ ખરું કે :
‘શોભના ! તારું ભાન આજે ક્યાં છે ?’
જ્યારે જ્યારે તે એકલી પડતી ત્યારે ત્યારે તે કાગળ કાઢી વાંચ્યા કરતી. રાત્રે સૂતા પહેલાં પણ અનેક વાર તેણે એ પત્ર વાંચી લીધો. પત્રવાચનને લીધે તેનાથી નિયમિત સમયે સુવાયું પણ નહિ અને સૂતા પછી તેને નિદ્રા પણ આવી નહિ. કેવો વહાલભર્યો એ પત્ર હતો ! ખરેખર, પ્રથમ પત્રમાં લખ્યા પ્રમાણે પુરુષો સ્ત્રીઓને ચાહતા રહે તો જીવન સ્વર્ગ બની જાય ! લગ્નની બીક યુવતીઓને ઓછી લાગે, અને સ્ત્રીસ્વાતંત્ર્યનો પ્રશ્ન વધારે ઉગ્ર ન બને !
એ પત્રનો જવાબ વળતી ટપાલે માગવામાં આવ્યો હતો ! એટલું જ નહિ, કવર લાવવાની હરકત ન પડે એ માટે પત્ર સાથે જ શિરનામું લખેલું કવર પણ રાખ્યું હતું. પહેલો દિવસ તો પત્ર વાંચવામાં જ વીતી ગયો ! જવાબ લખવાનો ખ્યાલ પણ પ્રથમ દિવસે આવ્યો નહિ, અને બીજે દિવસે શો જવાબ લખવો તેની શોભનાને સમજ પડી નહિ.
પહેલા પ્રેમપત્રની મૂંઝવણ એ જિંદગીની મોટામાં મોટી મૂંઝવણ હોય છે; એ દિવસો પણ શોભનાને યાદ હતા. ત્રણ દિવસે એ એક જવાબ લખી શકી. એ જવાબ તેણે ટપાલમાં નાખ્યો નહિ, કારણ તેને એ તક - એકલી છાનેમાને કાગળ પેટીમાં નાખી આવવાની તક - મળી જ નહિ.
અને બીજે દિવસે પાછો એક કાગળ તેને મળ્યો. ધડકતે હૈયે ઉઘાડેલા એ પત્રે તેના હૃદયધડકારને લગભગ બંધ પાડી દીધો.
ધનિક ઘર છોડી સર્વ સંબંધ તોડી જનતામાં ડૂબી જતા પતિએ તેને આખો ભૂતકાળ ભૂલી જવા વિનંતી કરી હતી !
શોભના પ્રેમમાં, કુતૂહલમાં છબછબાટ કરતી હતી. તે ઊંડા વમળમાં ડૂબી ગઈ. અને એ ડૂબકીમાંથી ઉપર આવતાં એ જુદી જ શોભના બની ગઈ. એને પોતાના સ્ત્રીત્વ માટે ગૌરવભાવ જાગ્રત થયો. પુરુષોના ઉપર આધાર રાખવાની સ્ત્રીપરાધીનતા પ્રત્યે તેને તિરસ્કાર આવ્યો. પુરુષને જ પડછાયે પ્રતિષ્ઠા પામતા સ્ત્રી વર્ગમાં ભળી જવાની કાયરતા તેને શરમાવી રહી. પ્રેમના વિચારોને એણે પડતા મૂક્યા. દેહ શોભાવવાની વૃત્તિ ઉપર તેણે અંકુશ મૂકી દીધો. અભ્યાસમાં તે ખૂબ પરોવાઈ, અને ક્રાંતિકારી વિચારોનું વાચન અને મનન તેણે શરૂ કરી દીધું.
એ આગ્રહભર્યા, અતડા, પુરુષરહિત જીવનમાં તેણે ચારપાંચ વર્ષ વિતાવ્યાં. પુરુષો પ્રત્યે તેણે અમુક અંશે અભાવ પણ કેળવ્યો, અને તેની આસપાસ ઊડતાં પુરુષપતંગિયાંને તેમની તુચ્છતા અને પોતાની અસ્પૃશ્યતાનું પણ તેને ભાન કરાવી દીધું. પુરુષોના સહવાસથી - સહઅભ્યાસથી - તે જરાય સંકોચ પામતી નહિ. કારણ તેને કોઈ પુરુષથી આકર્ષાવું ન હતું, અને કોઈ પુરુષને પોતાના પ્રત્યે આકર્ષાવા દેવો ન હતો. તે વર્ગમાં, સભાઓમાં, રસ્તામાં, ટોળામાં સ્વાભાવિકપણું સાચવી રહી હતી. સ્ત્રીત્વની મૃદુતા, સ્ત્રીત્વનો સંકોચ, સ્ત્રીત્વની પરાધીનતા, અને સ્ત્રીસહજ આકર્ષણપ્રયોગોનો કદી તે આશ્રય લેતી નહિ. રડવું તેને આવતું નહિ, અને એ હસતી પણ બહુ જ થોડું.
પતિના પત્રે તેને એક પ્રકારની મુક્તિ આપી દીધી એમ પણ તેને લાગ્યું. એ પ્રેમને, પતિને, લગ્નને ભૂલવા મથી રહી. વર્ષો વીત્યે સહુ ભુલાય છે.
છતાં કદી કદી ભૂલમાં એને કુતૂહલ થઈ આવતું. સ્ત્રીઓ પુરુષો પ્રત્યે કેમ પ્રેમ ધારણ કરી શકતી હશે ? સ્ત્રીઓ શા માટે પરણી જતી હશે?
અને....અને ક્વચિત્ તેનું મન અને તેનો દેહ કાંઈક સંસર્ગને માટે પોકાર પણ કરી ઊઠતાં હતાં ! તે એકલી હોય ત્યારે, તે આયનામાં જોતી હોય ત્યારે, તે એકાંતમાં બેપરવાઈથી સૂતી હોય ત્યારે, તે નહાતી હોય ત્યારે કોઈ એવી અણુ અણુ જાગ્રત કરતી ઊર્મિ અનુભવતી કે તેને તકિયાને મસળી નાખવાનું, ગાલે ચૂંટી ખાણવાનું, પાણીને છલકે ચડાવવાનું અને પહેરેલાં વસ્ત્રોને ફાડી નાખવાનું મન થઈ આવતું.
આ ભાવને તે ઓળખી ગઈ હતી. જુગજુગથી પુરુષનું ભોગસાધન બનેલો સ્ત્રીદેહ પરાપૂર્વથી પડેલી સાહજિક બની ગયેલી ટેવતૃપ્તિ માગતો હતો. થોડી વારમાં તે સાવચેત બની જતી હતી, અને વિકારરહિત ઉગ્ર માનસ અનુભવી શકતી. ધીમે ધીમે એ આવા દેહચાળાને જીતવામાં સફળ પણ થતી જતી હતી.
તેમાં શા માટે પતિએ વચ્ચે આવી વિક્ષેપ નાખ્યો ? પરાશર સાથે તે પરણી હતી - બહુ જ ચૂપકીથી - લગભગ ગુપ્ત રીતે તે પરણી હતી: કહો કે તેને પરણાવી દીધી હતી. પરંતુ એ પરાશર હવે તેનો પતિ હોઈ શકે ખરો?
કૉલેજના વ્યાખ્યાન પછી ભાસ્કરની કારમાં બેસતાં બેસતાં એક વ્યક્તિનો પડછાયો તેને કંપાવી ગયો. શા માટે ? એ કોઈ નિરર્થક ધર્મક્રિયાએ ઊભો કરેલો વળગાડ માત્ર હતો. એને લગ્ન ભાગ્યે જ કહેવાય. એ લગ્ન થઈ ગયા પછી એને કાયમ માનવાનો કશો જ પ્રસંગ ઊભો થયો ન હતો. છતાં શોભના પરાશરને કેમ ઓળખી શકી ? અને ઓળખીને વિકળતા કેમ અનુભવી રહી ?
પરાશરના નવા અસ્તિત્વને શોભનાએ ભાસ્કર તરફ વધારે ખેંચી. અગર પરાશરના અસ્તિત્વને ભૂલી જવા માટે તેણે ભાસ્કરને પોતાના જીવનમાં વધારે પ્રવેશ પામવા દીધો. છતાં પરાશર સામે અને સામે આવ્યા જ કરતો હતો. ભાસ્કરને ઘેર, પરાશરને ઘેર, યંગ ઈન્ટેલેક્ચ્યુઅલ્સની સભામાં, સિનેમામાં અને બીજે પણ પરાશર અટવાઈ આવતો હતો.
એ જાણી જોઈને તો વચ્ચે આવતો ન હતો ? પોતાનો હક્ક કે અધિકાર આગળ કરે તો એનો સ્વીકાર કરવાનું સ્ત્રૈણ શોભના પાસે ન હતું. એ તો એના હક્ક અને અધિકારને ધક્કો મારે ! અને એ ધક્કો મારી શકે એમ છે એમ બતાવવા ભાસ્કરનો સંગ તે રાખ્યા જ કરતી હતી !
લગ્નના અસ્વીકારની છાપ ઉપજાવવા તે ભાસ્કર પ્રત્યે ખેંચાવાનો દેખાવ કરતી હતી કે ભાસ્કર પ્રત્યે તેને પ્રેમ ઊપજવો શરૂ થઈ ગયો હતો? ભાસ્કર સુંદર, સંસ્કારી, ધનવાન અને અનુકૂળ સ્વભાવવાળો હતો. એની પત્ની બનવામાં અણગમો આવે એવું કશું ન હતું; તે એમ જ ઈચ્છતો હતો. એની ઈચ્છા પૂરી ન પડાય ? લગ્નનાં બંધન તેને રોકી રહ્યાં હતાં, નહિ ? એ લગ્નબંધન તોડવાને પાત્ર શું ન હતાં ? સ્ત્રીએ અણગમતાં, અધૂરાં, અવિચારી લગ્નો શા માટે સ્વીકારી લેવાં જોઈએ ? અરે, લગ્ન જ શા માટે હોવા જોઈએ ? લગ્ન વગર સ્ત્રીપુરુષના સંબંધ બંધાય તો ?
ત્યારે શા માટે તે ભાસ્કરના પ્રત્યેક પ્રેમચિહ્નનો પ્રતિકાર 'હું પરણેલી છું’ એ વાક્યથી કર્યા કરતી હતી ?
તે પરણેલી ન હોત તો ? ભાસ્કર અને પરાશર એ બેમાંથી કોની પસંદગી કરત ? પરાશરે ધાર્યું હોત તો તેના પિતાની ધનિક સ્થિતિનો લાભ મેળવી તે પણ ભાસ્કર સરખો સોહામણો રહી શક્યો હોત, નહિ ? લગ્ન પહેલાંની એની છબી એક રૂપાળા, સુઘડ અને વસ્ત્રશોખીન યુવકની જ હતી. અને આજ પણ તેના તડકે તપેલા મુખમાં, તેની ઉગ્ર આંખોમાં ન ગમે એવું તત્ત્વ શું હતું ? ભાસ્કરની મૃદુતા અને પરાશરની ધમક - એ બેમાં કયું લક્ષણ વધારે આકર્ષક ?
અને પરાશરની ભાવના ? ભાવના તો ભાસ્કરની પણ ઊંચી હતી. તે પણ પોતાનું ધન ગરીબોમાં વેરતો હતો, મિત્રોને સહાય કરતો હતો, કાર્યકરોનાં મંડળો રચતો હતો.
પરંતુ પરાશર તો ધનને ત્યાગી ગરીબીમય બની ગયો હતો ! ત્રીસ રૂપિયાનો જ એનો ખર્ચ !
એને શું શું નહિ જોઈતું હોય ? એને ક્યાં દુ:ખ નહિ પડતાં હોય ? ભાસ્કરને સંભાળવા માટે નોકરોનો મોટો સમૂહ હતો. પરાશરને કોણ સંભાળતું હશે ? પેલી રતન - પારકી પડોશણ - ફક્ત તેના દુઃખે દુખી થતી હતી !
અને રંભા ?
રંભા તો બહુ વિષયી ! એને યુવકોનો જ સાથ ગમે; એને યુવકોની જ વાત હોય ! અને...અને... કોઈ કોઈ વાર એ કેવું નફ્ફટ કથન કરતી હતી? કેવી સહેલાઈથી એ પરણવાની હા પાડી દેતી ? પરાશરનો સાથ તો શોધ્યા જ કરતી હતી ! તે દિવસે સિનેમામાં પરાશરને ખેંચીને કેવી પાસે લઈ આવી ! પરંતુ શોભનાને તે સમયે કેમ ફેર આવી ગયા ? એને શું અસહ્ય લાગ્યું ? બાપ રે ! પરાશરની પાસે આવતાં કેમ શોભનાનું ભાન જતું રહ્યું ? અને તેણે હાથ ઝાલ્યો ત્યારે ? સૂતે સૂતે શોભનાનાં રોમરોમ ઊભાં થઈ ગયાં.
એ ભૂલેચૂક્યે પતિ બન્યો. એમાં એનો શો દોષ ? ત્રણ દિવસથી તો એણે ખાધું ન હતું ! એનું કોઈ સગું કે વહાલું નથી એમ રતનનો આરોપ સહુને માથે હતો. શોભનાએ પત્નીત્વ સ્વીકારી લીધું હોત તો ? એ આરોપ મૂકવાની ક્ષણ તે કદી આવવા દેત નહિ. હવે તો તેણે કમાવું પણ શરૂ કરી દીધું હતું, છતાં તેનો પતિ ત્રણ દિવસથી ભૂખ્યો રહેતો હતો !
દૂર દૂરથી કોયલનો ટહુકાર શોભનાએ સાંભળ્યો. કહે છે કે નરકોકિલા માદાને એ ટહુકારથી સાદ કરે ! પ્રતિ વર્ષ છ છ માસ સુધી એ ટહુકા કર્યે જ જાય છે !
‘પરાશરના નવા મિલનને છ માસ થઈ ગયા, નહિ ?’ શોભનાના મનમાં પ્રશ્ન ઊઠ્યો.
પ્રભાત થવા આવ્યું લાગ્યું. શોભનાએ ધાર્યું કે તે લાગણીવેડામાં ઊતરી જાય છે. તેણે નિદ્રા લાવવા પ્રયત્ન કર્યો. મીંચેલી આંખો તેણે વધારે મીંચી. પાસું બદલી તેણે એક પગની બીજા પગ સાથે આંટી ભીડી.
ફરી કોકિલટહુકો થયો, અને એ ટહુકામાં જ શોભનાને નિદ્રા આવી.
- ↑ *Short-hand