ભસ્મનાં પડ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← અગ્નિપ્રવાહ શોભના
ભસ્મનાં પડ
રમણલાલ દેસાઈ
ભસ્મની ઉષ્મા →ભસ્મનાં પડ


રતને બે ટંક પોષણ કર્યું. એમાં એણે ધણીના હાથનો માર ખાધો. પડોશીઓનાં મહેણાં સાંભળ્યાં અને નીતિભ્રષ્ટતાના આરોપો પણ ઓઢી લીધા. ચાલીનો એકેએક પુરુષ અને એકેએક સ્ત્રી નીતિની કસોટીમાં નિષ્ફળ નીવડે એમ હતું; પરંતુ તાજો દાખલો પાછલા પ્રસંગોને ભુલાવી દે છે; નવીન દૂષિતને જૂનાં દૂષિતો પાપી માને છે. ખરું જોતાં રતન દૂષિત હતી જ ક્યારે ? પરાશરે તો તેના દૂષણને જોયું નહોતું; ઊલટું રતનના હૃદયમાં રહેલી કોઈ અણદીઠ માનવતા પરાશરને થોડી ક્ષણોનું આશ્વાસન આપી શકતી હતી. એના ઉપર પોષણનો બોજો નાખવો એ ગરીબોના શોષણમાં વૃદ્ધિ કરવા સરખું હતું. એ શોષણ જોવા, એ શોષણને અનુભવવા અને એને દૂર કરવા પરાશરે મજૂરોનું રહેઠાણ પસંદ કર્યું હતું.

પરંતુ મજૂરોની મજૂરી હજી તેણે સ્વીકારી નહોતી. ભર તાપમાં બૉઈલરના અગ્નિને ખોરનાર, સવારથી સાંજ સુધી રૂની ઝીણને ફેફસાંમાં ઉતારનાર, સડકો ખોદી ગાડીઓના રસ્તા સુગમ કરી આપનાર, લાકડાં વહેરનાર અને ચીરનાર, તથા રાતદિવસ ઝીણા ઝીણા હુકમોમાં બાવરો બની ઘરનોકર તરીકે સતત ગુલામી ભોગવનાર - એ સર્વ પ્રકારના મજદૂરોની સ્થિતિ તેણે જોઈ હતી ખરી, પણ અનુભવી નહોતી. સેવા કરનારને, ક્રાંતિકારને, સુધારકને, પરમાર્થીને પણ ભૂખ લાગે છે. અને અર્થવાદી સમાજમાં તે કોઈનાયે નફા માટે કામ ન કરતો હોય તો તેની સેવા, તેની ક્રાંતિ, તેનો સુધારો અને તેનો પરમાર્થ કોઈનીયે કાળજીનો વિષય રહેતો નથી. આખું જગત કહી રહ્યું છે કે સેવાની જરૂર છે. ક્રાન્તિની જરૂર છે, સુધારાની જરૂર છે, પરમાર્થની જરૂર છે; પરંતુ સેવા, ક્રાંતિ, સુધારો કે પરમાર્થ અર્થશાસ્ત્રની મર્યાદામાં આવતા જ નથી. એટલે સેવા કરનારે, ક્રાંતિકારે, સુધારકે અને પરમાર્થી પુરુષે દેહને પોષણ આપવું હોય તો સમાજની અર્થવ્યવસ્થાના ચક્ર જોડે જોડાવું જ પડે છે.

પરાશર પણ એવા ચક્રમાં યોજાઈ ગયો હતો. તેણે પોતાની જરૂરિયાત એક સામાન્ય મજૂરની કક્ષાએ ઉતારી લીધી હતી. હિંદમાં એક માણસની રોજના દોઢ-બે આના પ્રાપ્તિ ગણાય છે - ગામડામાં કદાચ આટલી પ્રાપ્તિ પૂરતી થતી હશે - દુ:ખી જીવન ટકાવી રાખવા; પરંતુ શહેર તો રોજનો રૂપિયો માગી લે. પરાશરે રોજના રૂપિયા જેટલા ઉત્પત્રનું સાધન કરી રાખ્યું હતું. મજૂરીમાં તો તેને કોઈ રાખે નહિ, એટલે એક મહાસભાવાદી પત્રમાં લેખો લખવાનું તેણે માથે રાખ્યું હતું. માસિક ત્રીસ રૂપિયા તેને બસ થઈ પડતા. ચારપાંચ કલાક તે પત્રની કચેરીમાં બેસી લેખ લખતો, અને બાકીનો સમય જોવામાં, રખડવામાં, યોજનાઓ ઘડવામાં, સભાઓની મુલાકાતમાં તથા મજૂરોનો સંઘ સર્જવામાં ગાળતો હતો. દસ રૂપિયાની ઓરડી, દસ રૂપિયાનો ખોરાક, પાંચ રૂપિયાનું પરચૂરણ ખર્ચ અને પાંચ રૂપિયાનું ક્રાંતિખર્ચ. એ તેના હિસાબનાં ઉધાર પાસાં હતાં.

આટલું સાધન પણ હિંદમાં કેટલાંને મળે છે ? પરાશરને લાગતું કે તે સમાજ પાસેથી વધારે પડતું મેળવે છે. ગામડાંમાં તે ફરતો ત્યારે આથી અડધી રકમમાં તેને ચાલી શકતું; પરંતુ ગામડાનું અજ્ઞાન અતિ ઘન હતું. ખુલ્લે માથે ફરતી સેવિકા કે જરા હસતાં હસાવતાં સ્વયંસેવકો અને સ્વયંસેવિકાઓ ગ્રામજનતાની નીતિને અસહ્ય થઈ પડતાં હતાં. ગ્રામ યુવતી સાથે હસતા સ્વયંસેવકને લીધે ગ્રામજનતાએ પરાશર તથા તેના સાથીઓની સેવા જતી કરી હતી. એટલે તે શહેરમાં આવ્યો; પરંતુ એક નિશ્ચય કરીને તે આવ્યો. નીતિની પ્રચલિત માન્યતા ખોટી હોય તો પ્રયુક્તિ તરીકે તેને સ્વીકારવી જોઈએ, નહિ તો ઉદેશ અફળ જાય. બીજો નિશ્વય તેણે એ કર્યો હતો કે જેમની સેવા કરવી તેમની વચમાં જ રહેવું. તેમના જેવા જ બની જવું.

મજૂરોના જેવો એ બની શક્યો નહિ. બુર્ઝવા - મધ્યવર્ગીય સ્થિતિમાં જન્મ્યાનું એ પરિણામ હતું. ઘણ મારતા લુહારને એની મજૂરી જેવું હૃદય આપે તેવું લુહારની પડોશમાં રહેતા લહિયાને પારકી મજૂરી હૃદય ન જ આપે. છતાં સાન્નિધ્ય સમભાવ તો પ્રેરે જ, અને લહિયાનું કે પત્રમાં કૉલમો-ખાનાં-પૂરનારનું જીવન છેક મજૂરીને ન ઓળખે એવું તો ન જ કહેવાય. પત્રના માલિકો ખાસ સુંવાળા, ઉદાર, પરમાર્થ દૃષ્ટિવાળા કે દયાથી ભરેલા દેખાતા નહિ - પછી તે પત્રો રાજાઓ અને જમીનદારોના હિતનું રક્ષણ કરતાં હોય, ગાંધીજીના અહિંસાવાદનો પ્રચાર કરતાં હોય એ બંનેને તોડી પાડવા મથતા શોષિતોના નિઃશ્વાસને એકત્ર કરનાર સામ્યવાદી જ્વાલાથી જ્વલંત બનતા હોય.

પરાશરે એક મહાસભાવાદી પત્રમાં સ્થાન મેળવ્યું હતું, એ પત્ર માટે મહાસભાવાદને અનુકૂળ પડે એવું ઘણું તેને લખવું પડતું હતું. બેશક તે જાતે પોતાની ઢબે ચુસ્ત સામ્યવાદી હતો અને સામ્યવાદી પ્રચાર માટે તે નવરાશ મળતાં ઘણું લખતો પણ ખરો, પરંતુ સામ્યવાદી પત્રો અને પત્રકારો પાસે ધન બહોળું ન હતું. શોખ, મહેનત અને આદર્શ ઉપર જ સામ્યવાદી પત્રો ચાલતાં. તેમાં સામ્યવાદ સહુનો દુશ્મન મનાઈ બેઠો. એટલે પત્રોના પ્રચારમાં સ્વાભાવિક મળતી સહાય પણ અટકાવવાના પ્રયત્નો થયા કરતા હતા. ત્રીસ, રૂપિયાનો ખર્ચ મેળવી લેવા માટે પરાશરને મહાસભાવાદી પત્રના સેવક બનવું પડયું - અણગમતે.

આ મહિને તેણે ઓરડીનું ભાડું તો આપી દીધું હતું. ઓરડીના માલિકો ઉધારમાં માનતા જ નથી; પરંતુ રોજના ખોરાકનો પ્રશ્ન ઊભો હતો. ચાલીમાંથી આવનાર અજાણ્યા કે અર્ધજાણીતા માણસના ઉપર વિશ્વાસ રાખી મહિનાના બાકી રહેલા દિવસોમાં વગર પૈસે જમાડવાની વીશીના માલિકને સગવડ ન હતી. બે ટંક તો રતને તેને જમાડ્યો. હવે ?

ગાડી કે બસના પૈસા પણ તેની પાસે રહ્યા ન હતા. કુદરતે દીધા પગ ઉપર તેને ભારે શ્રદ્ધા હતી. મોટે ભાગે તે પગે ચાલીને લાંબાં અંતરો કાપતો. કોઈ પુસ્તક કે લેખ ઝડપથી વાંચી નાખવાની જરૂર પડે તો જ તે બસમાં બેસી જતો; એટલે તેની પણ બહુ ચિંતા ન હતી. માનવી પૈસો ભેગો કરવાની હાયવરાળમાં ભૂલી જાય છે કે વગરપૈસે ઘણાં ઘણાં કામો બની શકે એવાં હોય છે. તેની ઓરડી તે હાથે સાફ કરી નાખતો : તેનાં વસ્ત્રો તે હાથે ધોઈ નાખતો, તેની પથારી પણ તે હાથે કરી લેતો : ચા-કૉફીની ટેવ તેણે મૂકી દીધી હતી; પાણીની ગોળી ભરી લેતાં તેને બહુ વાર થતી નહિ. એટલે પાસે પાઈ પણ ન હોવા છતાં તેનાં કાર્યો અટકી પડે એવો ભય તેને હતો જ નહિ.

માત્ર વીશીવાળાનો ભય તેને માથે ઝઝૂમતો હતો. હાથે ૨સોઈ કરી લેવાનો પણ તેને એક વખત વિચાર આવ્યો. અને કદાચ તેની પાસે થોડી સરખી પણ રકમ હોત તો આજે તેમ કરવાનું ચૂકતો નહિ, પરંતુ સગડી, કોલસા, તવો, તપેલી અને લોટ લાવવા માટે તેની પાસે કશું જ સાધન ન હતું. ગામડાંમાં શાખ વહેલી જામે, શહેરમાં શાખનું નામ નહિ. અને રહે પણ શાના ઉપર ? ગરીબી, ધંધાનું અનિશ્ચિતપણું, નફાની લૂંટાલ્લુંટ અને સમાજબંધારણની વ્યક્તિ પ્રત્યેની ઉદાસીનતા આખા નાણાપ્રકરણને અસ્તવ્યસ્ત બનાવી રહ્યાં હતાં. બિચારો વીશીવાળો ક્યાંથી શાખ રાખે? ‘રોટલીની ના પાડો છો અને હજી તો બેસી રહ્યા છો !’ બપોર થતાં રતને ઓરડીમાં આવી પરાશરને કહ્યું.

‘હું જાઉં છું; જતે જતે જમી લઈશ.’ પરાશરે કહ્યું.

‘ખાઓ, મારા સમ !’ રતનની માનવતા પરાશરના હૃદયને હલાવી રહી.

‘તારા સમ.’ પરાશરે કહ્યું.

'પૈસા તમારા ગયા, પણ હું તમને દસ દહાડા જમાડી શકીશ.’

'જરૂર નથી.'

‘પછી શું કરશો ?’

‘એટલા ઉધારનો મારે સંબંધ છે.' પરાશર જૂઠું બોલ્યો.

‘નહિ તો આ મારાં ચાંદીનાં જોડવાં છે. ચાર દહાડા ચાલશે. લઈ જાઓ ને ?'

રતનની માગણી સાંભળી ગાંધીજીના હૃદયપલટાની ઘેલી ભાવના પરાશરને યાદ આવી. ગાંધીવાદ ખરો તો નહિ હોય ?

પરંતુ વ્યક્તિગત હૃદયપલટો અને વર્ગનો હૃદયપલટો એ બે ભિન્ન તત્ત્વો હતાં. વર્ગથી સહજ અળગી પડેલી વ્યક્તિ સહૃદયતાના આકાશમાં ઊડી શકે છે. વર્ગમાં જકડાયલું વ્યક્તિત્વ - વર્ગમય બની ગયેલું વ્યક્તિત્વ તો હુલ્લડો કરે, યુદ્ધ કરે, બંધનરૂપ કાયદાઓ કરે, વર્ગવર્ચસ્વને મજબૂત બનાવે. તેમાંયે શોષિત વ્યક્તિ સુંવાળી હોઈ શકે; પરંતુ શોષનાર વ્યક્તિનાં હૃદય તો ઝેરથી ભરેલાં જ હોય - પછી ભલે મુખ ઉપર સંસ્કારની ચમક ચમકતી હોય.

‘ના, નહિ જોઈએ. હું આ ચાલ્યો.’

‘પાછા હુલ્લડમાં ન પડશો.'

‘સારું, પણ હું રાત્રે આવું તે પહેલાં અક્ષરો ઘૂંટી રાખજે. હો !’ પરાશરે કહ્યું, અને તે વીશી તરફ રવાના થયો.

વીશીના માલિકે પરાશરને પૂછ્યું :

‘કેમ ભાઈ ! આજે વાર થઈ ?'

‘કામ હતું.’

'અને આ શું વગાડ્યું ?’

‘કાલના હુલ્લડમાં જરા વાગ્યું.’

‘એવે વખતે બહાર ક્યાં નીકળ્યા ?' ‘બહાર હતો જ ને હુલ્લડ થયું.’ પરાશરે વાત ટૂંકાવવા જૂઠાણું ઉચ્ચાર્યું.

‘ક્યાંય પેસી જવું હતું ને ?’

‘ન બન્યું.' એટલું જ કહી સહજ મુશ્કેલી આવતાં ઘરમાં પેસી જવાની વૃત્તિ સેવતા ગુર્જર માનસ ઉપર પરાશરે નિશ્વાસ નાખ્યો.

વીશી ઊંચી જાતની સંસ્થા ન હતી. લૉજ અને આશ્રમનું નામ વીશીને છેડે લગાડ્યા છતાં તેનો આશ્રય લેતાં બહુ ટેવાવું જોઈએ. ભરચક માણસો, ઉતાવળું જમણ, ઉતાવળી સાફસૂફી, બૂમાબૂમ - પીરસનારાઓની તેમજ જમનારાઓની તપાસ રાખનારાઓના કાન ફોડી નાખતા કર્કશ હુકમો આપણા જીવનના એક ગંભીરમાં ગંભીર કાર્યને એક પ્રકારની તુચ્છ પશુતાનો રંગ ચડાવી રહ્યાં હતાં. એમાં વપરાતી વસ્તુઓ ચોખ્ખી હતી કે કેમ, એમાં પૂરતાં પૌષ્ટિક તત્ત્વો રહેલાં હતાં કે કેમ, પીરસનારા અને પકવનારા નીરોગી હતા કે રોગ પ્રસાર કરે એવા હતા, વાસણોની જંતુવાહકતા અટકાવી દેવામાં આવી હતી કે નહિ, એ બધું સમજવાની કે સમજાવવાની કોઈને જરૂર દેખાતી ન હતી. લાખો માનવીઓને પોષણ આપવા મથતાં આવાં આહારગૃહોમાંથી કેટકેટલા રોગો બહાર ફેલાતા હશે તેનો અંદાજ સામ્યવાદી વ્યવસ્થામાં જ નીકળી શકે. અહીં તો એક સગવડ આપી નફો મેળવવા મથતો માલિક સામાજિક અસરનો વિચાર જ કરતો નથી. અને તે કરે પણ ક્યાંથી ? મૂડીવાદમાં તો છૂપી કે ખુલ્લી ઝૂંટાચૂંટ જ હોય !

જમનારાઓ હુલ્લડ વિષે જ વાતો કરતા હતા.

‘એ તો એક મુસલમાન ગાય મારવા લઈ જતો હતો તેમાંથી બધું થયું.' એક જમનારે કહ્યું. એણે પોતાની જાતે કેટલી ગાયો બચાવી હતી. તેનો કોઈએ અંદાજ કાઢ્યો ન હતો.

‘નહિ રે ભાઈ ! મસીદ પાસેથી એક ભજનમંડળી ગાતી ગાતી જતી હતી, અને મુસલમાનો તૂટી પડ્યા.' હિંદુમુસલમાનોને લડવા આ બહાનું સરસ મળી રહ્યું છે.

‘ખોટી વાત. જુગારીઓ પાનાં રમતા હતા. હિંદુ જીત્યો ત્યારે સામાવાળા મુસ્લિમે એને પૈસા ન આપ્યા, ને એમાંથી ઝઘડો થયો.' હુલ્લડની ઉત્પત્તિ એક અગર બીજી જાતના જુગારમાંથી જ હોય ને ? રાક્ષસી ફરજંદનાં માતાપિતા પણ રાક્ષસ જ હોય !

‘એ બધી ગપો, મેં મારી નજરે જોયું. મુસલમાને માળ ઉપરથી પાણી રેડ્યું. તે એક હિંદુ છોકરી ઉપર પડ્યું. એટલે હિંદુઓ ઉશ્કેરાયા અને થયું તોફાન !' બુદ્ધિનું પ્રદર્શન કરી રહેલા હિંદુ-મુસ્લિમ ઝઘડા પરદેશીઓની મશકરીનો વિષય ન બને તો બીજું શું થાય ?

'પણ એમાં મર્યા કોણ વધારે ? હિંદુ કે મુસલમાન ?' એક હિંદુ ધર્માભિમાનીએ કહ્યું. તેની જાતને કશું જ જોખમ ન હતું. તેણે એક હિંદુને બચાવવાનો કે એક મુસલમાનને મારવાનો પ્રયત્ન કર્યો ન હતો. છતાં તેના હિંદુત્વનું અભિમાન મુસલમાનો વધારે મર્યા હોય એમ સાંભળવા ઉત્કંઠા સેવી રહ્યું હતું.

‘આ વખતે પોલીસ બરાબર વચ્ચે ન પડી હોત તો મુસલમાનોનો કૂચો નીકળી જાત. હુલ્લડ વખતે બારણું બંધ કરી બેઠેલા એક હિંદુ વીરે વીરત્વ દાખવ્યું.

‘આ ભાઈને વાગ્યું લાગે છે. હુલ્લડોમાં જ વાગ્યું કે શું ?' પરાશરને એક ઉત્સાહી જમનારાએ પૂછ્યું.

‘ના.’ પરાશરે ટૂંકમાં પતાવ્યું. મુસ્લિમોને વધારે પ્રમાણમાં વાગે એમાં આનંદ લેનાર, ખરીખોટી ખબરોમાંથી ગુપ્ત ઝેર કેળવનાર આવા અનેક હિંદુઓ ગઈ કાલે હુલ્લડ અટકાવવાને બદલે બાયલા બની બંધબારણે બેસી રહ્યા હતા, એ તિરસ્કારભર્યું સત્ય પરાશર જાણતો હતો. મુસ્લિમ લત્તાઓમાં પણ આવી ને આવી જ વાત હિંદુઓ વિરુદ્ધ ચાલ્યા કરતી હોવી જોઈએ. એની પરાશરને ખબર હતી.

ધર્મને પાટિયે બેસી તરનાર આ માનવતા માનવીને તારશે કે ડુબાડશે ? ઝઘડામાં, મારામારીમાં, કાપાકાપીમાં પરિણામ પામતો ધર્મ અધર્મ નથી શું ? જગતનાં વેરઝેરમાં ઉમેરો કરી રહેલી ધર્મભાવના તોડવાને પાત્ર નથી ? પછી તેનું નામ હિંદ ધર્મ રાખો કે મુસ્લિમ ! દુષ્ટમાં દુષ્ટ હૃદયભાવો પોષાય, ક્રૂરમાં ક્રૂર કાર્યો કરવાની પ્રેરણા જાગે, નીચમાં નીચ યુક્તિઓ અને યોજનાઓ રચાય. અને માણસાઈનો અંશ પણ ઊડી જાય એવી સ્થિતિ કોઈ પણ ધર્મભાવનાથી ઉત્પન્ન થતી હોય તો પહેલી તકે એ અધર્મી ધર્મનાં મૂળ ઉખાડી નાખવાં જોઈએ. યુરોપનો ખ્રિસ્તી ધર્મ, હિંદના હિંદુ-મુસ્લિમ ધર્મ, અને જપાનનો બૌદ્ધ ધર્મ જિવાડવાને પાત્ર છે ખરા ?

પરંતુ ધર્મની જડ ઉખાડી નાખવાનો પ્રયત્ન કરતા પહેલાં વીશીવાળાને પૈસા ચૂકવવાનો પ્રશ્ન તત્કાળ વધારે મહત્ત્વનો બની ગયો.

‘આજે પૈસા લાવવાના રહી ગયા.' પરાશરે વીશીના માલિકને જતે જતે કહ્યું. વીશીનો માલિક એક ક્ષણભર પરાશર સામે તાકીને જોઈ રહ્યો. આવી રીતે તેના ઘણા પૈસા ડૂબ્યા હતા. એ ડૂબેલા પૈસા ભરપાઈ કરી લેવા માટે અને ભવિષ્યમાં ડૂબનાર પૈસાની ખોટ પ્રથમથી જ પૂરવા માટે એક કાબેલ નાણાશાસ્ત્રીની કળા વાપરી વીશીવાળો જદુરામ મહારાજ વધારે પૈસા મળે એવી ખાણાની રચના કરતો જ હતો. લેણદાર પહેલો હફતો પડ્યે વિવેક મૂકતો નથી. પરાશરે પહેલી જ વાર પૈસા ન આપ્યા.

જદુરામે કહ્યું :

'હરકત નહિ, ભાઈ ! તમારા પૈસા ક્યાં જવાના છે ? સાંજે લાવજો.'

‘કદાચ સાંજે નહિ તો કાલે લાવીશ.’

'હો હો, એમાં શું ? પણ પાછા સંભાળીને જજો. હુલ્લડ ગમે તે વખતે ફાટી નીકળે.' જદુરામને પરાશરના જીવનની ચિંતા હતી કે તેના બાકી રહેલા ત્રણ ચાર આાનાની ચિંતા હતી. તે આ શિખામણમાં સ્પષ્ટ થયું નહિ.

પરાશરની પાસે ગાડીમાં બેસવાના પૈસા ન હતા. લાંબા અંતરથી ગભરાવાની પરાશરને ટેવ ન હતી. ચાલતા જવામાં ઘણા દૃશ્યો જોવાનાં મળે છે. એ દૃશ્યો જોવામાં ન મળે ત્યારે ખૂબ એકાગ્ર વિચાર થઈ શકે છે, એવો પગે ચાલનારનો ગર્વભર્યો અનુભવ પરાશરને મોટે ભાગે થતો હતો. ગાડીમાં જવાના પૈસા ન હોવાથી પરાશરને જરાય અસંતોષ ન હતો.

રસ્તે ચાલતાં તેને દર વખતની માફક ઘણું જોવા-સાંભળવાનું પણ મળ્યું. રોજના જેટલી ગિરદી આજ ન હતી; કારણ ગઈ કાલના હુલ્લડે ઘણાં માણસોને ઘેરે બેસાડી રાખ્યા હતાં. છતાં દંડા લઈ ફરતા સિપાઈ, અડધી દુકાન ઉઘાડી બેઠેલા દુકાનદારો, ઝડપથી અવરજવર કરનાર નોકરિયાતો, અને અમે કોઈથી ડરતા નથી એવા ભાવથી રુઆાબમાં ફરતા દર ત્રીજે શબ્દ ગાળો બોલતા પોતાને ગુંડા મનાવવા મથતા કેટલાક ગુંડાવીરો રસ્તાને રોજ કરતાં જુદું જ સ્વરૂપ આપી રહ્યા હતા. માળાની બારીઓમાંથી સ્ત્રીઓ સહજ ઝાંખી જોતી હતી, અને ભૂલથી છજામાં દોડી આવેલાં બાળકોને ઓરડીમાં લઈ જવા મંથન પણ કરતી હતી. હિંદુ લત્તાઓમાં મુસલમાનો દેખાતા ન હતા, અને મુસ્લિમ લત્તાઓમાં હિંદુઓ દેખાતા ન હતા. જે થોડા ઘણા દેખાતા હતા તે ઉતાવળા, બાવરા, અગર પરવા વગરના હોવાનો દેખાવ કરનારા હતા. જોકે સહુના મુખ ઉપર ખુલ્લી કે છૂપી વ્યગ્રતા તો દેખાતી હતી.

આ પ્રજાને સ્વરાજ્યનો શોખ લાગ્યો છે એમ કહેવાતું હતું ! હિંદુઓ કહે છે : અમે હિંદનું સ્વાતંત્ર્ય ચાહીએ છીએ. મુસ્લિમો કહે છે : અમે હિંદસ્વાતંત્ર્યની ઈચ્છામાં હિંદુઓથી આગળ રહીએ એવા છીએ ! હિંદુઓની અને મુસ્લિમોની લાંબી જીભે સ્વાતંત્ર્યનો લોપ ક્યારનો કરી નાખ્યો છે ! પરસ્પર એકબીજા સામે ઘૂરકતાં કૂતરાં ભૂલી જાય છે કે બંને સાંકળે બાંધ્યાં પશુ છે, અને એ સાંકળ તો કોઈ ત્રીજાના હાથમાં છે !

ધર્મની રેષાઓ ઉપર દેશ આગળ વધે ખરો ? ધર્મની રેષાઓ ચીલા બનવાને બદલે માર્ગ રૂંધતી ખાઈઓ બની જાય છે એનો ખ્યાલ આવવો જોઈએ છતાં કેમ આવતો નથી ? સાવરકરે શું દેશાભિમાન માટે ઓછું સહ્યું છે ? ઝીણાની બુદ્ધિ વિષે કોઈને કશો શક છે શું ? ત્યારે આ બંને આગેવાનો ધર્મને નામે હિંદને ક્યાં ખેંચી જાય છે ?


પરાશરની વિચારમાળા અટકી. વિચારમાં ગાઉના ગાઉ કાપી શકાય છે. પરાશરે જોયું કે તેની ઓફિસ આવી ગઈ હતી. એકબે માળ ચઢી તે એક ઓરડીમાં ગયો. આ ઓરડી એક મહાન પત્રનું ઉત્પત્તિસ્થાન હતી. ઓરડીને જોતાં કોઈને ભાગ્યે જ લાગે કે હજારોનાં હૃદય હલાવી નાખતું ‘સત્યવાદી’ પત્ર આ સ્થળે આકાર પામતું હશે. ચારપાંચ ખુરશીઓ, બે ટેબલની આસપાસ સહજ અવ્યવસ્થિત રીતે ગોઠવાયેલી હતી. તે ઉપર ચાર પુરુષો બેસી ઝડપથી કાંઈ લખતા હતાં.

‘કેમ મોડું થયું ?’ એક મહત્ત્વના દેખાતા પુરુષે પરાશર તરફ સહજ જોઈ લખવાનું ચાલુ રાખી પૂછ્યું.

‘આજે એમ જ થયું.’ પરાશરે બીજી ખુરશી ઉપર બેસતાં જવાબ આપ્યો.

‘એમ કે ?’ મહત્ત્વ ધરાવતા પુરુષે પરાશરના જવાબથી ખિજાઈ જઈ કહ્યું.

‘તમારે જ્યાં ત્યાં મારા લેખનું કામ છે કે વખતનું ?'

‘બંનેનું.’

‘અરે પણ એને વાગ્યું છે તે તો જુઓ, લાલભાઈ !’ બીજા યુવકે મહત્વના પુરુષનું ધ્યાન ખેંચ્યું.

પત્રના એક ચાલક બનવાના ક્રમમાં લાલભાઈ પડેલા હતા. માલિક જુદા હતા; પરંતુ પત્ર ચલાવવાનો બધો બોજો લાલભાઈ ઉપાડી લેતા હતા, એટલે તેમને બીજા સહલેખકો પ્રત્યે મોટાઈ દેખાડવાનો હક્ક હતો એમ લાલભાઈ માની લેતા હતા.

‘શું વાગ્યું !' બીજા કોઈએ પૂછ્યું.

‘ભાઈ હુલ્લડોમાં ઊપડ્યા હશે !’ લાલભાઈએ પરાશર તરફ સહજ તુચ્છ ભાવ દર્શાવી કહ્યું.

‘હા, જી.’ પરાશરે કહ્યું.

‘હું જાણું ને !’ સર્વજ્ઞા પત્રકાર લાલભાઈએ કહ્યું.

‘કાંઈ લખી લાવ્યા છો ?’ બીજા પત્રલેખકે પૂછ્યું.

‘હા.. યંગ ઈન્ટલેક્ચ્યુઅલ્સની સભાનો અહેવાલ મારી પાસે છે.' પરાશરે કહ્યું.

‘એ કઈ ભિખારચોટ સભા છે ?” “સત્યવાદી" પત્રના દોરી સંચાલક લાલભાઈ પત્રકાર બન્યા પછી સહુને વીંધી નાખે એવું સત્ય બોલવાના માર્ગે આગળ વધ્યા હતા.

‘અરે અરે, એ તો પેલા ભાસ્કરની સભા ! તમેય શું લાલભાઈ ભચડે રાખો છો ?'

‘કોણ ભાસ્કર ? પેલા વિજયરાયનો દીકરો ?’ લાલભાઈએ પૂછ્યું. પત્રકાર બન્યા પછી લાલભાઈને ભલભલા આગેવાનોનો પણ હિસાબ રહ્યો ન હતો.

‘હા, હા, એ તો ભાવિ...' એકાએક સહુ ચૂપ બની ગયા. નીચે મોટરકારનું ભૂગળું વાગ્યું. જરૂર હોય કે ન હોય તોપણ પોતાનું અસ્તિત્વ જાહેર કર્યા વગર ન રહી શકતી આ વર્તમાન મોટાઈ વર્તમાન જીવનની જાહેરાતના પ્રતીક સરખી છે. સીડી પર બે ખાદીધારી વડીલો ચઢ્યા.

'વિજયરાયભાઈ ! આ અમારી નાનકડી કચેરી.' માલિક કૃષ્ણકાન્તે આગેવાન મહાસભાવાદી વિજયરાયને વિવેકપૂર્વક દોરવણી આપતાં કહ્યું.

‘નાનકડી કેમ ? આખા ગુજરાતને તમે હલાવી નાખો છો ને ! અને નાનકડી હશે તો કાલ મોટી બની જશે.' વિજયરાયે ગાંધીવાદની મીઠાશ, અને મુત્સદ્દીગીરીની ખંધાઈના ભેળવાળી આંખે કહ્યું.

‘આપની કૃપા હશે તો તેમ થશે; આ અમારો લેખકવર્ગ.' કૃષ્ણકાન્તે કહ્યું.

સહુએ ઊભા થઈ વિજયરાયને નમસ્કાર કર્યા. વિજયરાયને લઈ કૃષ્ણકાન્ત પોતાની વિશિષ્ટ - પત્રના માલિક અને અધિપતિની ઓરડીમાં ગયા.

‘સાળો જાહેર ખબરના પૈસા તો હજી મોકલાવતો નથી.' લાલભાઈએ વિજયરાયને ઉદ્દેશીને કહ્યું.

‘શાની જાહેરખબર ?’ કોઈએ પૂછ્યું.

‘એ જ; કાંટાંકબાલાં ! બીજું શું ?' લાલભાઈ વદ્યા.

‘શું તમેયે લાલભાઈ બોલો છો !’

‘હું ખોટું કહું છું, એમ લાગે છે તમને ?’

‘તો બીજું શું ? આવા માણસનું તો સારું બોલો !’

'સારું હોય તો સારું બોલે ને ? ઘર સાચવવાને એક બાઈની જરૂર એક વખત પડે છે, તો બીજી વખત એમની શાળા ચલાવવા શિક્ષિકાની જરૂર પડે છે. હું બધાને ઓળખું છું.' લાલભાઈ સર્વજ્ઞ ઈશ્વરના ગુણ ધરાવતા લાગ્યા.

“સત્યવાદી” પત્ર પ્રથમ અઠવાડિયે પ્રસિદ્ધ થતું; પછી અઠવાડિયામાં બે વાર પ્રસિદ્ધ થવા લાગ્યું, અને થોડાં વર્ષોથી તે રોજિંદું પત્ર બની ગયું હતું. પ્રથમ આ પત્ર બીજા છાપખાને છપાતું; હવે પત્રનું પોતાનું જ છાપખાનું ગોઠવાયું હતું. ગાંધીવાદી-મહાસભાવાદી કહેવાતું આ પત્ર જોકે શાહીવાદ સામે જ મુખ્યત્વે પોતાના પ્રહારો કરતું હતું છતાં તે દેશી રાજાઓની વિચિત્રતા અને દૂષણોની બરાબર ભાળ કાઢી લાવી તેમની પણ ખબર લેઈ નાખતું હતું. તેના લેખોમાં ઝમક, ચળક, હાસ્ય અને તીખાશ જ્યાં જુઓ ત્યાં જડતાં; અને ઠઠ્ઠાચિત્રોના પુષ્કળ જમાવને લીધે તે અત્યંત પ્રિય થઈ પડયું હતું. હજારોની સંખ્યામાં તેની નકલો બહાર પડતી, અને “સત્યવાદી” શું કહે છે તે સાંભળવા-જાણવા માટે જનતા દરેક પ્રભાતે આતુર થઈ રહેતી.

એ પત્ર મહાસભાવાદી હતું છતાં પ્રસંગ આવ્યે મહાસભાવાદીઓની પણ ઝાટકણી કાઢવા ચૂકતું નહિ. ગાંધીજીએ પીછેહઠ ક્યાં કરી, સરદાર વલ્લભભાઈ કડવું કેમ બોલ્યા, રાજેન્દ્રબાબુની ઉંમર તેમની બુદ્ધિને કેમ હળવી બનાવે છે, અને સુભાષ તથા જવાહર પ્રત્યાઘાતી કેમ થતા જાય છે, તેનાં આાછાં વર્ણનો અને વિવેચનો કરી તે મહાસભાવાદીઓને પણ વખત બેવખત હલાવી મૂકતું હતું.

તેના માલિક કૃષ્ણકાન્ત હવે મોટરકાર રાખવાની સ્થિતિએ પહોંચી ગયા હતા. વચમાં વચમાં તેઓ મોટરકાર રાખતા અને કાઢી નાખતા એમ પણ બનતું. તેમને માટે સહુને ભય રહેતો છતાં નિંદાસ્ત્રમાંથી તેઓ મુક્ત રહી શક્યા ન હતા. તેઓ કોઈ વખત સટ્ટો કરતા હતા, કોઈ વખત કાર્નિવલો ચલાવતા હતા અને કોઈ વાર નાટક કંપનીઓની પણ માલિકી ભોગવતા હતા એમ કહેવાતું. આ ધંધાઓમાં શા માટે દૂષણ જોવામાં આવે છે તે સમજી શકાતું નથી. છતાં વિખ્યાત પત્રકાર બન્યા પછી તેમના વિરુદ્ધ આવી હકીકતો તેમને ઉતારી પાડવા છાનીછપની ફેલાવો પામ્યા કરતી હતી.

સફળતાને વરેલો મનુષ્ય નિંદાને લાત મારી શકે છે. કૃષ્ણકાન્તને નિંદા અસર કરી શકતી નહિ. ઉપરાંત - રાજા, રજવાડાં, આગેવાનો, અમલદારો, સ્ત્રીકાર્યકરો અને પ્રજાસેવકોના જીવનની તેમણે અભ્યાસપૂર્વક એવી નોંધ રાખી હતી કે ગમે તેવા મહાન કહેવાતા રાજવી કે મહાન મનાતા નેતાની કીર્તિને એક ક્ષણની અંદર ધૂળમાં મેળવી દેવાની શક્તિ તેઓ ધરાવતા એમ મનાતું હતું.

લેખ લખતા પરાશરને અંદરથી એક માણસે આવી કહ્યું :

'આપને બોલાવે છે.'

‘મને ?' પરાશરે પૂછ્યું. બનતાં સુધી લાલભાઈ સિવાય બીજા કોઈની સાથે માલિકની વિશ્વાસભરી વાતો થઈ શકતી નહિ એવી સર્વની માન્યતા હતી.

'બરાબર તપાસ કર; મને બોલવતા હશે.’ લાલભાઈએ કહ્યું.

‘ના જી, પરાશરભાઈને બોલાવે છે.' નોકરે કહ્યું.

લોકસેવા કરનાર ‘‘સત્યવાદી” પત્રમાં પણ નોકરોની સંસ્થા તો જીવતી જ હતી.

‘જાઓ. તમે મોટા થાઓ; પણ જરા વિવેક રાખજો. બહુ છોકરમત સારી નહિ.’ લાલભાઈએ પરાશરને શિખામણ આપી.

પરાશરે સખ્ત આાંખ કરી. કદી કદી તે પોતાના સાથીદારોને અને લાલભાઈને સુધ્ધાં ડરાવી શકતો.

‘સલાહ આપવા કરતાં તમે જ જાઓ ને !’ પરાશરે જતાં જતાં એક સાથીદારનું અર્ધહાસ્યભર્યું લાલભાઈને ઉદ્દેશી કહેવાયેલું કથન સાંભળ્યું. લાલભાઈએ ટેબલ ઉપર કાગળ પછાડ્યા. તે પણ પરાશરે સાંભળ્યું. તેના મનમાં આવ્યું :

‘કહેવાતું ‘‘સત્યવાદી” કેવા વહેંતિયા માણસોના લેખથી ઊભરાય છે ! અને તે આપણાં - પ્રજાનાં જીવન - પ્રજાનાં માનસ ઘડે છે.'

પરંતુ તે કૃષ્ણકાન્તની ઓરડીમાં આવ્યો ત્યારે તેને આથી પણ વધારે ઝંખવી નાખે એવો અનુભવ થયો. કૃષ્ણકાન્ત અને વિજયરાય બન્ને હસતા હતા. હસતે હસતે કૃષ્ણકાન્ત આવી ઊભા રહેલા પરાશરને એક ખુરશી ઉપર બેસાડ્યો.

‘તમને તો હું ઓળખું છું. તમે તો ભાસ્કરના મિત્ર થાઓ, નહિ ?’ વિજયરાયે પરાશરને પૂછ્યું.

‘હા જી, એ મને મિત્ર ગણે છે ખરો.' પરાશરે કહ્યું.

‘તમે તો ઉદ્દામવાદી વિચારો ધરાવો છો, ખરું ?’

'મને સાચા લાગે એ વિચારો હું ધરાવું છું.’

‘એ તો ઠીક પણ તમે મહાસભાવાદી તો નહિ જ ને ?’

‘ના જી. આ ખાદી પણ જનતામાં પ્રવેશ પામવા માટે પહેરુ છું. ખાદીની હિંદઉદ્ધારક શક્તિમાં હું માનતો નથી.' ‘ત્યારે તો તમે સત્ય અને અહિંસાના પણ વિરોધી હશો.'

‘ઉદ્દેશ સફળ કરવા જૂઠું બોલવું પડે કે હિંસા કરવી પડે તો તેમાં મને હરકત લાગતી નથી. જોકે સત્ય અને અહિંસા બંને મને પ્રિય છે.'

‘તો તમે બહુ ઉપયોગી થઈ પડશો. કૃષ્ણકાન્ત ! આ પરાશર કેવું લખે છે ?’ વિજયરાયે પત્રમાલિકને પૂછ્યું.

‘બહુ જ ધારદાર, એના લેખો વાંચનાર ઘણા છે.’

‘હું આથી આગળ પૂછું. તમને મહાસભાની વર્તમાન પ્રણાલિકા ગમે ખરી ?'

‘ના જી.' પરાશરે જવાબ આપ્યો.

‘તો પછી તમે વિરુદ્ધ કેમ લખતા નથી ?’

‘અમારા પત્રની એ નીતિ નથી ?’

‘તમે કયી બાબતમાં મહાસભાની વિરુદ્ધ છો ?’

‘ગાંધીજીનો આંતરનાદ મારાથી ઓળખાતો નથી. બધા જ સંજેગોમાં હૃદયપલટો હું શક્ય માનતો નથી. અહિંસા ડગલેપગલે ઉપયોગમાં ન આવે. ગઈ કાલનો જ દાખલો લઉં. હું હિંસાનો દેખાવ કરી શક્યો ન હોત તો એક મુસ્લિમ મરી જાત અને બીજો હું હિંદુ પણ મરી જાત.' પરાશરે કહ્યું.

‘એ તો ગાંધીજીની વાત થઈ. આપણે એમને તો બાજુએ જ મૂકવા પડશે. એમના મદદનીશો માટે આપણે કૈંક કહેવું પડે એમ છે.’

‘અંગત ટીકા ?’

‘નહિ નહિ, હું જાતે અહિંસામાં માનનારો ખાદીધારી છું. કોઈની અંગત ટીકા કરવાની જ નથી. આપણે તો તેમનાં કાર્ય અને રાજનીતિનો જ ઉલ્લેખ કરવાનો છે.'

‘હું સમજી શક્યો નથી. મારે આ બધા સાથે શો સંબંધ છે ?' પરાશરે કહ્યું.

‘હું તને સમજવું. વિજયરાયભાઈ જુદું પત્ર કાઢવા માગતા હતા; મેં તમને આપણું “સત્યવાદી" ખુલ્લું કરી આપ્યું. મહાસભા દૂષિત થતી જાય છે એમ ગાંધીજી પણ કહે છે. એ દૂષણો દર્શાવવાનો તેમનો વિચાર છે. મને લાગ્યું કે તું એ ઠીક કરી શકીશ.’

‘એટલે ?, પરાશર સહજ ચમક્યો. એને લાગ્યું કે મહાસભાનાં દૂષણોનું દર્શન પણ કૈંક દૂષિત હૃદયથી કરાવવાની વિજયરાય અને કૃષ્ણકાન્તની યુક્તિ ચાલતી હતી. ‘તમે જુવાનો પૂરું સમજો નહિ અને સાંભળો પણ નહિ ! કહે, મહાસભાએ કિસાનો માટે શું કર્યું ? કૃષ્ણકાન્ત પૂછ્યું.

‘અને મજૂરો માટે ? વળી રાજસ્થાનોને તો અડવાની જ મહાસભા ના પાડે છે ! ઊલટ ત્યાંની પ્રવૃત્તિ ભીંસી નાખે છે ! મુસ્લિમો સામે ગાયબકરી બની જાય છે અને બિચારા સનાતનીઓની મરજી વિરુદ્ધ અસ્પૃશ્યો મંદિરમાં દાખલ કરે છે.' વિજયરાયે કહ્યું.

‘પણ હું સનાતનીઓનો પક્ષ લઈ શકું એમ નથી.' પરાશરે કહ્યું.

‘પક્ષનો સવાલ નથી; મહાસભાની ભૂલો બતાવવી અને સુધારવી એ મારો ઉદ્દેશ છે. અને તે અર્થે તમે મહાસભાની ટીકાનું જ એક પાનું તમારા પત્રમાં ઉઘાડો એમ હું કૃષ્ણકાન્તને કહી રહ્યો છું. કૃષ્ણકાન્ત એ પાનનું તંત્રીપદ તમને સોંપવા માગે છે એટલે મેં તમને બોલાવ્યા. તમારો પગાર એમાં વધી શકશે.' વિજયરાયે કહ્યું.

‘પગાર તો હુ જરૂર પૂરતો જ લઉ છું. વધારેની મારે જરૂર નથી.’ પરાશરે કહ્યું.

ધનની ન્યાયભરી વહેંચણી કરવાની વાતો કરનારથી બંગલાઓમાં રહેવાય નહિ અને મોટરકારમાં બેસાય નહિ એમ તેની દૃઢ માન્યતા થઈ ગઈ હતી. જરૂર કરતાં વધારે ધન સમાજમાંથી ખેંચી લેવું એ મહા પાપ છે, એમ માનનાર સહુએ તેનો જાત ઉપર પ્રયોગ કરવો જોઈએ એમ માની રહેલા પરાશરે પોતાની કિંમત અને જરૂરિયાત ત્રીસ રૂપિયા કરતાં વધારે આાંકી નહોતી.

‘એ તો વિજયરાજભાઈ ! બધું થશે. આપ એને લઈ જાઓ અને બને તે સૂચનાઓ આપો. એને એ બધું લખવું ગોઠશે અને પરમ દિવસથી આપણે "દેશ મુકુર"ના નામથી વિશિષ્ટ પાન શરૂ કરી દઈએ. પરાશર ! તું વિજયરાયભાઈની સાથે જજે.' કૃષ્ણકાન્તે કહ્યું.

પરાશરનું તાત્કાલિક કામ પૂરું થયું હતું. અને તેને વ્યવહારની ખબર હોત તો તે તરત ઊઠીને પોતાના ઓરડામાં આવી ખુરશીએ બેસી ગયો હોત; પરંતુ ‘સત્યવાદી’ના સત્યમાં ભાગ પડાવવાની આ યોજનામાં તેને હજી સમજ ન પડવાથી તે કૃષ્ણકાન્તની સામે જરા જોઈ રહ્યો. ઊઠવાની તૈયારી હજી પણ ન કરતા પરાશરને કૃષ્ણકાન્ત કહ્યું :

‘હમણાં તું બહાર બેસ; જતી વખતે તને લઈ જઈએ છીએ.'

પરાશરને ત્યારે ખબર પડી કે આગળની વાતમાં તેનું કામ ન હતું. મહાસભાના દોષો બહાર પાડવાના લેખ તેણે લખવાના હતા, એટલું જ ટૂંકમાં તેનું કાર્ય હતું. તેના સામ્યવાદે મહાસભાના કાર્યક્રમમાં તેને અનેક દૂષણો દર્શાવ્યાં હતાં, પરંતુ સનાતની, આર્યસમાજી, હિંદુ મહાસભાવાદી, મુસ્લિમ લીગના સિદ્ધાન્તી, સમાજવાદી, સામ્યવાદી, રજવાડાવાદી, મજૂરપક્ષવાદી, વ્યાપારવાદી, સુધારક, બ્રિટિશ સત્તાવાદી, એ સર્વનાં બાણોથી વીંધાઈ રહેલી મહાસભા મહાસભાવાદીઓના જ પ્રહારનું નિશાન બને એમાં પરાશરને હિંદી માનસના એક ભયાનક રોગનું જ દર્શન થયું. ઘમંડ, વિભાગીકરણ, સંયમનો અભાવ એ પેઢી દર પેઢી ચાલતા આવેલા હિંદના ચિરસ્થાયી દોષ હિંદમાં નવી નવી રાજકીય ન્યાતજાત ઊભી કર્યો જ જતા હતા, તેનું એને એકાએક દર્શન થયું.

એક નક્કી વાત : પરતંત્ર હિંદને સ્વતંત્ર બનાવવું એ પ્રશ્ન ઉપર તો પડદો ઢંકાય છે, અને કોમ, ધર્મ અને વાદનાં નવાં નવાં રણમેદાનો ખીલી આવે છે ! હિંદના નવજીવનનું એ ચિહ્ન કે હિંદનાં રોગભર્યાં એ ગૂમડાં ?

ધર્મ ! કોમ ! વાદ ! પરાશરના દાંત કચકચી ગયા. ધર્મને, કોમને અને વાદને વાઢી નાખવાનો તેણે માનસિક અભિનય કર્યો, અને પોતાની ખુરશી પાસે આવ્યો ત્યાં સુધી તેને ખબર પડી નહીં કે તેના સાથીદારો તેની સામે કુતૂહલથી જોયા કરતા હતા.

‘કેમ બચ્ચા ! ધમકાવ્યોને ખૂબ ?’ લાલભાઈએ પરાશરની વિચિત્ર મુખકલા જોઈ પૂછયું.

સત્ય અને અહિંસાનો પ્રચાર કરવા પ્રગટ થયેલા મહાસભાના વાજિંત્રરૂપે 'સત્યવાદી’ પત્રની કચેરીમાં પણ ધાકધમકી અને કાવાદાવાનાં વાતાવરણ ઘટ્ટ બની શકતાં હતાં, એટલું તો લાલભાઈની વાણી સ્પષ્ટ કરતી હતી.

‘ના, મને કોણ ધમકાવે ?' પરાશરે જવાબ આપ્યો.

‘હું બધું જાણું છું ! પેલા રજવાડાની વિરુદ્ધ તે છાપી માર્યું હતું ને ? તને મેં અમસ્તી ના નહોતી પાડી. ત્યાંના દીવાન વિજયરાયના મિત્ર છે. અહીં આવે છે ત્યારે એમને ઘેર ઊતરે છે.’ લાલભાઈએ કલ્પી લીધેલી ધમકીનું મૂળ કારણ પણ શોધી કાઢ્યું. દેશી રાજ્યોના દીવાનોની મૈત્રીમાં માન લેતા અનેક મહાસભાવાદી આગેવાનો દેશી રાજ્યોના ટેકારૂપ બની રહ્યા છે એની પરાશરને ખબર હતી, અને વિજયરાય મહાસભાવાદીના ઘરમાં રજવાડાઓના બચાવની યુક્તિઓ રચતા રાજાઓ અને દીવાનો - જાહેર નહિ તો ખાનગી રાહે - ઘણી વખત રહી મિજબાની અને ઉતારાઓના આનંદ લેતા હતા. એની ચર્ચા પણ થતી પરાશરે સાંભળી હતી; પરંતુ અહિંસક વિજયરાયથી વિવેક ન જ ચુકાય. પરોણાગત એ ગાંધીવાદનું એક પરિણામ છે, અને તે દ્વારા હૃદયપલટાનો પૂરો અવકાશ માનતા વિજયરાય એક પાસ રવિશંકર મહારાજ*[૧] જેવાને માટે સાદો બાજરીનો રોટલો પણ પોતાના ઘરમાં કરાવી શકતા, અને સર ઈજાઝત કે સર બંકિમ જેવા પ્રધાનો માટે બેન્ક્વૅટ પણ બનાવી શકતા. વિજયરાયને સર બનવાની અને મહાસભાવાદી થવાની વચમાં બહુ જ થોડું અંતર રહી ગયું હતું.

‘એની વાત ન હતી. વિજયરાય મહાસભા ઉપર જરા રિસાયા લાગે છે.’ પરાશરે કહ્યું.

‘હું બધું જ જાણું છું.' લાલભાઈએ કહ્યું. લાલભાઈ જેવા પત્રકાર અને ખબરપત્રીનાં દિવ્યચક્ષુ આગેવાનોના શયનખંડ - અરે શયનપલંગ - સુધી પહોંચી જતાં હતાં, તો એવી એક સહજ વાત તેઓ ન જાણે એમ બને જ નહિ.

‘કહો તો ખરા.' એક સાથીએ કહ્યું.

‘હમણાં વાત બહાર ન પાડશો, દાવ આવ્યો સોગઠી મારવાની.’ આંખમાં અનુપમ તેજ લાવી લાલભાઈએ કહ્યું, ‘મુત્સદ્દીગીરી માત્ર રજવાડામાં જ ભરાઈ રહી છે એમ માનવાનું કારણ નથી. વર્તમાનપત્રોના જન્મ પછી ખબરપત્રીઓએ પણ મુત્સદ્દીગીરીમાં ભારે ભાગ પડાવ્યો છે એ કોઈએ ભૂલવું ન જોઈએ.’

‘બરાબર છે. તમે કહેલી કેટલી વાત અમે છૂપી રાખી છે તે તમે જ જાણો છો.’ સાથીદારે કહ્યું.

‘જુઓ, કોઈને કાને વાત ન જાય. કૃષ્ણકાન્તભાઈના કબાટમાં કાગળિયાં પણ છે. અને તે આધારે હું કહું છું.' લાલભાઈએ ચારે પાસ જોઈ તેમની વાણી હળવી કરતાં કહ્યું.

‘એમ ?'

'ઓહો !’

લાલભાઈ પાસેથી વાત કઢાવવામાં પાવરધા બનેલા સાથીઓએ આશ્ચર્ય દશાવ્યું. પુરાવા વગરની વાત આપણી પાસે નહિ.’ લાલભાઈએ પોતાના સત્યવાદીપણાને પુષ્ટિ આપી. ‘પણ કહો તો ખરા ?' પરાશરે આંખ, મુખ અને વાણીની રમતથી કંટાળી કહ્યું.

'વિજયરાય ઈલાકાના પ્રધાનપદની ઉમેદવારી કરતા હતા તે ખબર છે ?' લાલભાઈએ પૂછ્યું.

‘ના.’ પરાશરે કહ્યું.

'“સત્યવાદી”માં સહજ ઈશારો પહેલાં આવ્યો હતો.' સાથીદારે કહ્યું.

‘એ ઉપરથી સમજી જાઓ. પોતાની ઉમેદવારીને ટેકો આપવા એમણે કૃષ્ણકાન્તને પત્ર લખેલો. તે કબાટમાં એ પડ્યો.’ લાલભાઈએ સત્ય ઉચ્ચાર્યું.

'પણ એ પ્રધાન બની શક્યા નહિ.’

‘એ જ વાંધો પડ્યો ને ! પેલા ગુજરાતી હિટલરે એમને ફગાવી દીધા!’

'કેમ?'

'મેં જાતે કારણ સાંભળ્યું છે, એ સુખવાસી જીવથી પ્રધાનપદની કંટકપથારી ઉપર નહિ સૂઈ શકાય એમ ચોખ્ખી જાહેરાત થયેલી. કેમ, હવે સમજાયું ?' લાલભાઈએ સમજ પાડી.

પ્રધાનપદ ન મળવાથી નારાજ બનેલા કેટકેટલા આગેવાનો દેશનું સ્વાતંત્ર્ય નહિ વેચી દે ? સમાજવાદમાં તલપૂર પણ ન માનતા વિજયરાય મહાસભાનાં દૂષણો ખુલ્લાં પાડવા એક સામ્યવાદીની સહાય લેતા હતા ! આભડછેટને ધર્મ માની રહેલા સનાતની હિંદુઓ, ગૌવધમાં ખુદાની કૃપા માની બેઠેલા મુસ્લિમો અને અસ્પૃશ્યતાના ઉત્પાદક જાણે ગાંધીજી હોય એમ ડગલે ને પગલે ઉશ્કેરાઈ મહાસભા ઉપર પૂર્વ યુગનો બધો દોષ નાખતા હરિજનો પરસ્પરને ગળે હાથ નાખી મહાસભાના હૃદયમાં છૂરી ભોંકવા એક બની જાય તો તેમાં કોઈએ નવાઈ માનવાની જરૂર નથી ! હિંદમાં એ અશક્ય નથી.

પરાશરના વિચારો એકાએક અટકી ગયા; વિજયરાય અને કૃષ્ણકાન્ત બંને હસતા હસતા બહાર આવ્યા. લેખકવર્ગ ચડીચૂપ બની નીચું માથું ઘાલી લખવામાં મશગૂલ હોવાનો દેખાવ ઝડપથી કરી શક્યો.

‘પરાશર ! તો તું જરા વિજયરાયભાઈ સાથે જા.' કૃષ્ણકાન્ત કહ્યું.

‘હા જી, હું તૈયાર છું.’ પરાશરે કહ્યું અને તે ઊભો થયો.

વિજયરાયે પરાશરને ખભે હાથ મૂક્યો, અને પ્રસન્નતાસૂચક અભિનય કરી તેને આગળ લીધો. લાલભાઈ સુધ્ધાં સર્વ સાથીદારોનાં હૃદયમાં ઓછી વધતી ઈર્ષા પણ પ્રજળી ઊઠી. પરાશરનું ભાવિ બહુ ઊજળું બનવાનું છે એવા દૃશ્યથી તેમના જીવને ક્લેશ પણ થયો. પોતાને ન મળી શકતાં હોય એવાં સુખ બીજાઓ ભોગવે એ નિહાળી ઈર્ષા ઊપજે તો તેમાં સુખને માલિકીનું તત્ત્વ બનાવનારનો જ દોષ ! નહિ કે ઈર્ષા કરનારનો !

કૃષ્ણકાન્ત મોટર પાસે આવ્યા, અને એક રડવાની તૈયારી કરતો હોય એવો છોકરો ટોપી ઉતારતો કૃષ્ણકાન્તના પગ પાસે હાથ રાખી ઊભો.

'શું છે ?’ ‘‘સત્યવાદી” પત્રના માલિકે કહ્યું.

‘સાહેબ ! મને કેમ રજા આપી ?’ છોકરાએ પૂછ્યું.

‘રજા ન આપે તો બીજું શું કરે ?'

‘મારો કાંઈ વાંક ?’

‘કાલે કેમ ગેરહાજર રહ્યો ?’

‘મારી મા ગુજરી ગઈ, એટલે મારે સ્મશાન જવું પડ્યું.’

'કહેવડાવ્યું કેમ નહિ ?’

‘મારે ઘેર કાંઈ નોકરો છે ?’ આાંખ લહોતો લહોતો છોકરો બોલ્યો.

‘ચાલ, માથું ન ખા. બીજી નોકરી ખોળી લે.’

‘સાહેબ ! મારે તો મા અને નોકરી બંને ગયાં.'

‘બીજી માયે ખોળી લે !’

છોકરી રડી પડ્યો. નહિ જેવા પગારે આખો જન્મારો ચાલે એવી નોકરી કરાવવા ઈચ્છતા “સત્યવાદી" પત્રના જે માલિક બેકારી વિષે દિલ ઉશ્કેરનારા લેખો લખતા હતા, તે જ માલિક આ બાળકને તેની માતાની સ્મશાનભૂમિ ઉપર જવાના અપરાધ માટે એક જ હુકમથી બેકારીના ખાડામાં ફેંકતા હતા. માતાના મૃત્યુથી દુ:ખી થયેલા બાળકને કોઈ સાચવનાર-સંભાળનાર છે કે નહિ તે પૂછવાની કૃષ્ણકાન્તને જરૂર ન લાગી. તેના હાથમાં બે રૂપિયા મૂકવાને બદલે આ અહિંસાના ઉપાસક પત્રકારે તેને તરછોડી ભૂખમરામાં ધકેલી દીધો.

પાસે જ એક ભવ્ય, સ્થિતિપાત્ર અને ઉદાર ગણાતા વિજયરાય સરખા આગેવાન કારમાં બેસવા જતા હતા. બાળકને તેઓ કાંઈ જ પૂછતા નથી. પરાશરે બંનેના હૃદયમાં હિંસા ઊભરાતી જોઈ.

‘આપણા જીવનને ઘડતો એક પત્રકાર અને આપણા જીવનને દોરતો એક નેતા : એ હિંસાના કે અહિંસાના નમૂના ?' પરાશરના હૃદયમાં પ્રશ્ન ઊઠયો :

‘ચાલો, તમે બેસી જાઓ.’ પરાશરને આગલા ભાગમાં બેસવાની આજ્ઞા કરતા વિજયરાય કારની અંદર આરામથી બેસી ગયા. કૃષ્ણકાન્તે હસીને નમસ્કાર કર્યા. પરાશર આગળ બેસી ગયો.

મોટરકાર ભૂંગળાની ધૂળ સાથે ચાલવા લાગી. પરાશરે પાછળ જોયું. કાઢી મુકાયેલો બાળનોકર ભીંતે માથું મૂકી રડતો હતો.

પરાશરને થયું કે વિજયરાય, વિજયરાયની ખાદી અને વિજયરાયની કાર : કૃષ્ણકાન્તનું કઠણ હૃદય, "સત્યવાદી" પત્ર અને એ પત્રને છાપતું છાપખાનું : એ સર્વ બાળી મૂકવાને પાત્ર છે ! આવાં જીવન દેશભક્તિને જુગારના પાસા તરીકે ખેલાવે છે ! એમનો હૃદયપલટો ન હોય; એમનો તો દેહાંત જ હોય. એ દેહના ચૂરા કર્યા વગર - એ દેહની રજેરજને બાળી મૂકી તેનો ભડકો કર્યા વગર એ દેહમાં રહેલાં હૃદય બદલાય નહિ.

‘ગાડી ઊભી રખાવી બાળકના હાથમાં એક રૂપિયો બધાના દેખતાં મૂકું તો ?' પરાશરને વિચાર આવ્યો. ગાડી બંધ રાખવા સહજ ઈશારો : તૈયારી કરતા પરાશરને યાદ આવ્યું કે તેની પાસે તો પાઈ પણ હતી નહિ !

કૃષ્ણકાન્ત કે લાલભાઈ પાસેથી થોડા રૂપિયા માગી લેવાનું તે વીસરી ગયો હતો !

રૂપિયા વગર વીશીવાળો આજ પરાશરને જમાડવાનો ન હતો. બાળકને નોકર તરીકે યોજનાર પાપી સમાજને ઉરાડી મૂકવાના જુસ્સાને દબાવી પૈસા વગરના હળવા બનતા હૃદયને મોટરકાર ખેંચી જતી હતી ! મોટર તો ન બળી; પરંતુ પરાશરના હૈયામાં આગ સળગી.

'મેં મહાસભામાં કેટલા રૂપિયા ખર્ચ્યાં તે જાણો છો ?' વિજયરાયે પરાશરને કહ્યું. વિજયરાયના ભવ્ય બંગલાના એક ખૂબ શણગારેલા દીવાનખાનામાં બંને વાત કરતા બેઠા હતા. ચાંદીની કીટલીમાં ચા હતી, અને સુંદર પ્યાલોરકાબી સહ તે એક મેજને શોભાવતી હતી. ઓરડાનો શણગાર દેશી દબદબાભર્યો હતો. સોફા અને ખુરશીઓ તો પરદેશી લાકડાનાં અને પરદેશી બનાવટનાં હતાં જ; પરંતુ તેમના ઓઢા દેશી કારીગરીના નમૂનારૂપ લાગતા હતા. પાથરેલા કાશ્મીરી નમદા અને ગાલીચા પણ હિંદને આગળ કરતા હોય એવા લાગતા હતા. આખા ઓરડામાં જાણે દેશી પડદા પાછળ યુરોપીય વૈભવ સંતાડ્યો હોય એવો ભાસ પરાશરને થયા કરતો હતો.

“મેં સાંભળ્યું છે કે આપે અસહકાર સમયે ખૂબ સહાય આપી હતી.' પરાશરે કહ્યું.

‘એકલા અસહકાર વખતે જ ? તે પહેલાં અને તે પછી પણ હું મારું ધન મહાસભામાં રેડ્યે જ જાઉં છું.’

‘તો જ સંસ્થા ચાલી શકે.'

‘સંસ્થા કોને ચલાવવી છે ? સહુને આગળ આવવું છે, પ્રમુખ થવું છે, વાહવાહ કહેવરાવવી છે, ફૂલહાર પહેરવાં છે, અને પોતાની 'જય' બોલાવવી છે.’

આનો જવાબ પરાશરને જડ્યો નહિ. એને લાગ્યું કે વિજયરાયને મહાસભાની ચડતી કરતાં પ્રમુખસ્થાન, વાહવાહ, ફૂલહાર અને જયની તૃષ્ણા વધારે છે. એ અસંતુષ્ટ તૃષ્ણા તેની પાસે આ બધું બોલાવી રહી હતી.

‘હું ધારું તો નવો પક્ષ ઊભો કરી શકું એમ છું.' વિજયરાયે કહ્યું. પક્ષો ઊભા કરવાની હિંદવાસીઓની શક્તિ અજાણી નથી. આખો ઈતિહાસ એ શક્તિની સાક્ષીરૂપ છે. પોતાને સહુથી વધારે પ્રગતિમાન માનતા સમાજવાદીઓમાં પડેલા પક્ષો પણ એ જ શક્તિના પુરાવારૂપ કેમ ન હોય? ગાંધીવાદ અધૂરો, અણગમતો અને પ્રત્યાઘાતી હશે – છે જ; પણ પ્રગતિવાદીઓમાં પણ કેટકેટલા બિલ્લા ! મહાસભાનો સમાજવાદ, રોયનો સમાજવાદ, થિયોસોફિકલ સમાજવાદ, મુસ્લિમ લીગ સમાજવાદ, બાબુ ભગવાનદાસવાળો હિંદુધર્મ સમાજવાદ, રશિયન સામ્યવાદ, મજૂરવાદ, સ્વતંત્ર મજૂરવાદ, કિસાનવાદ - બસ, વાદ જ વાદ ! અને વાદ દીઠ અકેક બબ્બે પક્ષો ! પક્ષ પાડવાની હિંદુસ્તાનની કળા અદ્દભુત અને બેનમૂન છે!

‘જી, પણ સારું છે કે આપ તેમ કરતા નથી.'

‘મને ઘણા જણે કહ્યું; પણ હું દેશદ્રોહી ન જ થાઉં.’

'બરાબર છે.’

‘પરંતુ હવે હદ થઈ ગઈ ! હું સતત ખાદી પહેરતો નથી એવો મારા ઉપર આરોપ મૂકી મને મારા નાનકડા અધિકાર ઉપરથી પણ કમી કરવા પ્રયત્ન થઈ ચૂક્યો !’

ખાદીધારી દેશસેવક અને આ મહેલાતનો ઉપભોગ કરનાર આરામપ્રિય સહેલાણી વચ્ચે ભારે ફેર હોવો જોઈતો હતો. એમ પરાશરને લાગ્યું. ખાદી એ સેવાનું પ્રતીક હોય તો તેને ધારણ કરનાર વૈભવમાં લોટતો સુખવાસી તો ન જ હોવો જોઈએ. વિજયરાયના મકાનનો એકેએક તસુ વૈભવ પોકારી રહ્યો હતો.

‘નાની વાતને મોટી ન બનાવવી જોઈએ.’ પરાશરે સહજ સહાનુભૂતિ બતાવી.

‘કહો ત્યારે, સત્ય અને અહિંસા ક્યાં જતાં રહ્યાં ?'

‘હું તો એ બંનેમાં માનતો જ નથી.’

‘એ જુદી વાત છે; પણ હું તમને એકેએક મહાસભાવાદીનો ઈતિહાસ કહું. તમે માનો નહિ એવી કથની હું તેમના જીવનમાંથી કાઢી આપું એમ છું !’

‘સંસ્થાને ખાતર એ બધું જતું કરો છો, એ સારું છે.’

‘પણ હવે તેમ નહિ થાય. મારા વિરુદ્ધ આક્ષેપ ! અને મને દૂર કરવાની ધૃષ્ટતા ! જુઓ, કૃષ્ણકાન્ત એના પત્રની કટારો મારે માટે ખુલ્લી મૂકી છે. જો તમે મને સહાય આપો...’

‘નહિ સાહેબ ! કુહાડીનો હાથો બનવા હું આ વેશ નથી રાખી રહ્યો.' પરાશરે કહ્યું.

‘તમે મને સમજ્યા નહિ. હું તમને તમારા વિચારો દર્શાવવાની તક મળે એમ કરવા માગું છું; નહિ કે હું કહું તેવું જ તમે લખો !’

‘અમારા એક પત્રમાં હું મારા વિચારો દર્શાવ્યા કરું છું.’

'પણ એ વાંચીને જ હું તમને શોધતો આવ્યો છું. મહાસભાને નિર્મળ બનાવવી એ તો મહાત્માજી પણ કહે છે. આપણે સાચી જ વાત કહેવાની છે. ' ‘જી ! તો મારે શું લખવું ?’

‘હું એ પણ તમને કહેતો નથી, તમને મોકળા રાખવા માગું છું. તમને ઠીક લાગે એ લખો, અને ખૂબ લખો.'

આ ખંધા દેશસેવકનું એક જ લક્ષ હતું ; તેને સ્થાનભ્રષ્ટ કરવા મથનાર વ્યક્તિઓ અને સંસ્થાને હલકી પાડવી ! નહિ, દેશદ્રોહના દેખાવ વગર એ બંનેને ઉથલાવી પાડવાં ! પરાશરની આાંખ અને હૃદય ઉઘાડાં હતાં.

‘અને જરૂર પડ્યે પૈસાની ચિંતા ન રાખશો.' વિજયરાયે બેવડી જાળ ઓરાઢી. પૈસો પ્રેમને - અરે પ્રભુને પણ ખરીદી લે છે !

પરાશરને પૈસાની આ જ ક્ષણે જરૂર હતી. છતાં ધનનો તિરસ્કાર - ધનના પ્રદર્શનનો તિરસ્કાર તેના હૃદયમાં એટલો તીવ્ર બની ગયો હતો કે તેણે તરત જવાબ આપ્યો :

‘હું પૈસાની લાલચે કશું જ કરતો નથી.’

‘એ હું જાણું છું. ભાસ્કર મને કદી કદી તમારી વાત કહે છે...’

એક પટાવાળો દોડતો આવ્યો. પટાવાળાનો ભભકદાર પોશાક ખાદીનો જ હતો. તેણે કાર્ડ વિજયરાયની પાસે મૂકી દીધું.

'સર લતીફ ! આ મુસ્લિમ લીગવાળા પણ મને છોડતા નથી. બેસાડો, હું આવું છું.' વિજયરાયે કહ્યું. ઘણા મોટા માણસો અને તે પણ સામા પક્ષવાળા - પોતાને મળવાને આવે છે એમ દેખાડવાનો પ્રસંગ આવે ત્યારે ભલભલા સજ્જનોને પણ હર્ષ ઉત્પન્ન થાય છે.

‘હું રજા લઉં ત્યારે.' પરાશરે કહ્યું.

‘હા, તમને પાછા બોલાવીશ, કેમ ભાસ્કર ! તું ક્યાંથી ? થિસિસ હવે ક્યારે પૂરી કરે છે ?'

વિજયરાયે ઊઠતાં ઊઠતાં પોતાના પુત્રને દીવાનખાનામાં આવતો જોઈ પૂછ્યું.

‘પેલા ગ્રેજયુએટ બાઈ આવ્યાં છે.' ભાસ્કરે કહ્યું. ‘તારી પસંદગી હોય તો બસ, નીમી દીધાં માનજે. જરા સર લતીફ આવ્યા છે તેમને મળી લઉં.’

‘ત્યારે નિમણૂકનો હુકમ મોકલાવી દેશો ?’ ભાસ્કરે પૂછ્યું.

‘હા, હા.' કહી વિજયરાય ઓરડીની બહાર નીકળ્યા. પરાશરને ખભે ભાસ્કરે હાથ મૂક્યો, અને તેને પોતાની ઓસરી તરફ ઘસડવા માંડ્યો. ઓરડાની બહાર શોભના ઊભી હતી.

‘હું હવે જઈશ.’ પરાશરે કહ્યું. ‘કેમ ?'

'હજી પ્રેસમાં જઈ થોડું લખાણ કરવાનું છે.'

‘હું તારી ખબર જોવા આવવાનો હતો, તને વાગ્યું એમ સાંભળ્યું.’

‘થોડું; નહિ જેવું.’

‘શોભનાને તો ઓળખે છે ને ?"

'હા.'

‘તો પછી બોલાવ તો ખરો ! એ આવતી કાલથી અમારી શાળામાં કામ કરવાનાં છે.'

‘એમ કે ?'

‘હું જરા એમને મૂકવા જાઉં છું, નહિ તો આપણે કલાક બેસત.'

‘મારે પણ કામ છે.'

'જઈશ જ ? એમ ?'

મિત્ર ભાસ્કરે તેને સાથે લઈ જવાનું કહ્યું નહિ. વિજયરાય મોટરમાં તેને લાવ્યા હતા એ ખરું : પરંતુ એને પાછા જવાની સગવડ આપવા તેઓ બંધાયેલા ન હતા. પરાશરની સામાજિક સ્થિતિ પણ એવી ન હતી કે તેને ખોટું લગાડવાનો હક્ક ઉત્પન્ન થાય, અગર તેનું ખોટું લગાડવું કોઈને નુકસાનરૂપ થઈ પડે. અને વિજયરાયે કાર આખી દુનિયાને ચરણે ધરી ન હતી, જોકે તેમણે પોતાનું જીવન દેશને ચરણે ધર્યાનું અનેક વખત જાહેર કર્યું હતું. એટલે લાંબે પલ્લે પરાશરને - પગપાળા જવાનું હતું.

પરાશરે સાદું જીવન સ્વીકાર્યું તે ક્ષણથી જ તેણે બાહ્ય સુખને તિલાંજલિ આપી હતી. તેને સુખનો વિરોધ ન હતો; સહુને સુખ મળે એવી સમાજરચના રચવામાં સહાય કરવાની જ તેને અભિલાષા હતી. ગાંધીવાદે તૈયાર કરેલી દેશસેવાની ભૂમિકામાં અસ્પષ્ટતા, વર્ગવિગ્રહની સંભાવનાનો અભાવ, જમીનદારો અને અર્થવાદીઓનું મહત્ત્વ વધારવાની તેમાં રહેલી સંપૂર્ણ શક્યતા, રાજકીય કે સામાજિક યુદ્ધ માટેની તૈયારી તરીકે માગવામાં આવતી અતિ વિશુદ્ધિ જે કદાચ બધી જ વિશુદ્ધિ તરીકે ભાગ્યે જ ગણી શકાય - ધર્મ, નીતિ અને રાજકારણનું ગૂંચવણભર્યું મિશ્રણ, હૃદયપલટાની અશક્ય માન્યતા, અહિંસાનો દુરાગ્રહ, રેંટિયાનો અત્યાગ્રહ, બંધારણનો સ્વીકાર - એ સઘળા ગાંધીવાદના દોષો કે ગાંધીવાદની ખામીઓમાંથી દેશની લડત સ્વરાજ્યને ચીલેથી ખસી બ્રિટિશ સામ્રાજ્યવાદને ચીલે ચઢી જવાના ક્રમમાં હતી, એમ પરાશર પણ માનતો હતો. છતાં ગાંધીવાદના દોષ જોઈ તેમને આગળ કરી નવીન દોષોના પડદા પાછળ ભરાઈ જવાની તેની જરા પણ ઈચ્છા ન હતી. પફ, પાઉડર અને પોમેડની સહાય વડે કામદેવ સ્વરૂપ ધારણ કરી ફરતા અને શરાબની ખુમારીમાં પોતાની બહાદુરીનું પ્રતિબિંબ નિહાળતા નવીન છેલબટાઉઓથી ઊભરાતી શાળાઓ, પાઠશાળાઓ અને શેરીઓ પ્રત્યે તેને ભયંકર તિરસ્કાર ઉત્પન્ન થયો હતો. મહેનત, મજૂરી ને ગરીબીથી ડરતા નવીન યુવાન કાર્યકરો તેને ગાંધીવાદી ખાદીધારીઓ કરતાં પણ વધારે નિષ્ફળ દેખાવા લાગ્યા હતા. નવીન નીતિને નામે, ફાઈડ કે જંગના જાતીય માનસવાદના બહાના નીચે, લગ્નબંધનને તોડવાની બહાદુરીને આશ્રયે જાતીય સુખ શોધી રહેલાં વાસનાભર્યા નવીન હૃદયો માટે તેને જરાય માન ન હતું. તેને સાચી સેવા, સાચો ત્યાગ, સાચી જીવનસરણી જોઈતાં હતાં.

અને એ કારણે જ તેણે ગરીબી અને સાદાઈ સ્વીકારી લીધાં હતાં. તેને પગે ચાલતાં શરમ આવતી ન હતી, પગે ચાલતાં તેને થાકનો ભાસ થતો ન હતો; જોકે વાહન વાપરનાર ઉપર તેને ઘણી વખત રોષ ચઢતો હતો. એ ખરું. ભાસ્કર તેનો જ સાથી તેના સરખી જ ભાવનાવાળો, તેના સરખી જ સેવાની ઉત્કંઠાવાળો હતો; પરંતુ ભાસ્કરની સમૃદ્ધિ અને ભાસ્કરનાં વાહન અનેક વખતના તેના નિશ્ચયોને ડગાવી ભાસ્કરને સુંવાળો, સુખવાંચ્છ અને સ્વાર્થી બનાવી મૂકતાં હતાં તે તેણે પોતાની નજરે જ નિહાળ્યા કર્યું હતું. સુખપૂર્વક જેટલી સેવા થાય એટલી કરવી એવા માનસે ભાસ્કરને ધીમે ધીમે જકડી લીધો હતો તે એણે જોયું, અને અનેક નિશ્વાસો સહ તેણે પુરાવાઓ પણ દીઠા કે ભાસ્કરની ગાડી ગરીબની સેવા માટે, ગરીબના ઉપયોગ માટે વપરાવાને બદલે ભાસ્કરને તેની મિત્ર-યુવતીઓ સાથે ફરવાના કામમાં વધારે આવતી હતી, પોતાને સાથે ન લેતાં શોભનાને એકલીને ગાડીમાં ફરવા લઈ જનાર ભાસ્કર સુખવૈભવથી અધોગતિમાં ઊતરતા એક વર્તમાન યુવકના પ્રતીક સરખો પરાશરને લાગ્યો. ધનિક અને ઉચ્ચ મધ્યમ વર્ગ ગરીબોના કદી બેલી ન બની શકે એની તેને અત્યારે ખાતરી થઈ ચૂકી.

અને રસ્તામાં પગે ચાલતાં પરાશરે ભાસ્કર અને શોભનાને કારમાં ભરાઈને ઝડપથી પસાર થતાં નિહાળ્યાં, ત્યારે તેના હૃદયમાં કાંઈ અકથ્ય દુઃખ થઈ આવ્યું. ગાડીમાંથી શોભનાએ સહજ બહાર નજર નાખી પરાશરને જોઈ લીધો હતો, એથી પરાશરને અદેખાઈ તો નહિ આવી હોય ! અદેખાઈ પણ હૃદયને લોહીવાળું બનાવે છે ! ગરીબોના પક્ષકારથી વ્યક્તિગત અદેખાઈ સેવાય ખરી ? પાછો એનો એ ગાંધીવાદ !

પરંતુ અદેખાઈની તીવ્ર લાગણી પરાશર જેવી ભણેલીગણેલી વ્યક્તિઓમાં જ સમાઈ રહેવી ન જોઈએ. એ લાગણીએ તો શોષિત, દરિદ્ર સમાજના આખા થરમાં વીજળીના આંચકા ઉપજાવવા જોઈએ. ધનિકોનું ધન, ધનિકોનાં મકાન, ધનિકોનાં બાગબગીચા, ધનિકોનાં ખોરાક, ધનિકોનાં વાહન તેમના હાથમાંથી ખૂંચવી લેવાની વેરવૃત્તિ અને તાકાત મજૂરો અને કિસાનોમાં જાગવી જોઈએ. આવા વિચારના વમળમાં પરાશર આગળ વધ્યો.

‘પણે ઊભેલું ટોળું કોઈની મોટરકાર ખાળી રહ્યું લાગે છે !’

વિચારમાં આગળ અને આગળ ચાલ્યા જતા પરાશરે સંધ્યા સમયે એવું દૃશ્ય જોયું, અને તે ટોળા તરફ આગળ વધ્યો. તેણે અંગત રીતે નિશ્ચય કરી જ લીધો હતો કે જાતને જોખમે હુલ્લડ, મારામારી, તોફાન કે અકસ્માતના પ્રસંગોએ વચ્ચે પડવું જ, અને પક્ષ, ધર્મ કે વાદ બાજુએ મૂકી જરૂર પડ્યે હિંસક બનીને, પણ એ પ્રસંગો ઘટાડવા. અહિંસાને બહાને બતાવાતું કાયરપણું તેને તિરસ્કારપાત્ર લાગતું હતું; અને ગાંધી સિવાયના સહુની અહિંસા નામર્દોની અહિંસા છે એમ તેની ખાતરી થઈ ગઈ હતી.

‘આજે પોલીસના બંદોબસ્તને લીધે હુલ્લડ તો કોઈ જગાએ થયું ન હતું. અહિંસક સરકારે હિંદુ-મુસ્લિમનાં તોફાની લત્તાઓમાં લાઠી અને બંદૂકના ભય વડે હુલ્લડને તો દાબી રાખ્યું હતું; પરંતુ એક મજૂરણ કોઈ ધનિકની મોટરકારના ધક્કામાં આવી ગઈ હતી. એટલે ટોળું ભેગું થયું હતું. અકસ્માત પ્રસંગે લોકો ટોળે મળી જાય છે, અને ઝઘડો ભારે ન હોય તો લાંબો વખત ટોળાબંધ રહી પણ શકે છે; પરંતુ એ ટોળું ન ઘાયલ થનારને, ન ઘા કરનારને કે ન તો બંદોબસ્તી માણસોને સહાયરૂપ થઈ પડે છે. ટોળું તો ઊલટું સહુને ભારણરૂપ થઈ પડે છે.

બેત્રણ પોલીસ સિપાઈઓ ટોળાને વિખેરવા મથતા હતા. મહાસભાની સરકારના વહીવટમાં પોલીસથી અવિવેકી બનવાનો દોષ થઈ શકતો નથી - જોકે બિનજરૂરી ભારણરૂપ ટોળું કશા કામમાં ન આવતું હોઈ હિંસાત્મક અવિવેકને જ લાયક હતું; પરંતુ મહાસભાના જુલમોની ઝીણીમોટી યાદીઓ રાખનાર મુસ્લિમપક્ષ, મજૂરપક્ષ, મવાલપક્ષ, સહુ કોઈ પત્રોમાં, ભાષણોમાં અને ધારાસભામાં સેંકડો વર્ષના અવિવેકથી સંસ્કૃત બનેલા પોલીસ વર્ગના દોષ માટે બે વર્ષની મહાસભાને આરોપીના પાંજરામાં મૂકવાની બાહોશી શીખી ગયેલા છે. એટલે ન છૂટકે સમજાવટમાં પડેલા બેત્રણ પોલીસ સિપાઈઓને ન સાંભળતું ટોળું વધ્ય જતું હતું. ઘાયલ બાઈની સારવાર તરફ પોલીસના એકબે માણસો સિવાય બીજા કોઈનું ધ્યાન જતું ન હતું. એકબે સિપાઈ કારની બહાર નીકળેલા ડ્રાઈવર અને કારમાં જ બેસી રહેલા માલિકની સાથે કાંઈ જિકર કરતા હતા. માલિકને પોલીસની સાથે વાત કરવામાં અપમાન લાગતું હતું. તેમની ગાડી કદી જ ભૂલ કરે નહિ, અને તેમનો હાંકનાર એક વખત સરકસમાં ચાર કાર સાથે ચલાવી શકતો હતો, એવી કાંઈ હકીકત તેઓ પોલીસ તરફ ફેંકતા હતા. નીચે પડેલી બાઈએ મૃત્યુને પોતાની સામે નિહાળ્યું, અને ગાડીમાં બેસનાર આખી ધનિક આલમનો ઉચ્છેદ થાય એવી તે ક્રોધભરી પ્રાર્થના કરતી હતી. ટોળાને સર્વ વાતમાં રસ પડતો હતો. ટોળાને બાઈની ગાળો પણ ગમતી, માલિકનો દમામ પણ ગમતો, અને આવા દમામવાળાને રોકી શકેલા પોલીસના માણસોની ખબરદારી પણ ગમતી. માત્ર તે જાતે નિષ્ક્રિય હતું. બાઈનો દોષ હતો કે મોટર હાંકનારનો, તેનો પુરાવો કરવાને પંચક્યાસમાં ઊભા રહેવાની સહુની ચોખ્ખી ના હતી.'

‘આ બિનજવાબદાર, નિષ્ક્રિય, સ્વાર્થી અને તમાશાખોર ટોળાં દ્વારા આપણે સ્વરાજ્ય લેવાનું છે, નહિ ?' પરાશરના હૃદયમાં પ્રશ્ન ઊઠ્યો અને તે જ ક્ષણે તેને લાગ્યું કે તેના પહેરણના ખિસ્સા તરફનો ભાગ જરા ખેંચાય છે.

ટોળામાં કપડાં સ્વાભાવિક રીતે જ ખેંચાય, એટલે તેણે પ્રથમ તો તે તરફ ધ્યાન ન આપ્યું; પરંતુ બેત્રણ વાર એક જ જગ્યાએ તેણે ખેંચ અનુભવી. ટોળામાંથી આગળ વધી અકસ્માતની જગ્યાએ પહોંચી બાઈને કાંઈ પ્રાથમિક સારવાર થઈ શકતી હોય તો તે કરવા તે આતુર હતો; પરંતુ પહેરણ ખેંચાવાથી તે જરા થોભ્યો. તેને સહજ રમૂજ પડી. તેના ખિસ્સામાં એક પાઈ પણ નહોતી. મહેનત કરી રહેલા ખિસ્સાકાતરુને જોવાની અને તેને વધારે તક આપી નિષ્ફળ બનાવવાના કાર્યમાં સહાયભૂત થવાની તેની જિજ્ઞાસા અને રમૂજવૃત્તિએ તેને એકાએક આગળ વધતો અટકાવ્યો. તેણે પોતાના ખિસ્સા તરફ મનને પ્રેર્યું - જોકે તેણે દૃષ્ટિ તો અકસ્માત તરફ જ રાખી હતી. અને જેવો તેના ખિસ્સામાં ઊંડે એક હાથ ઊતર્યો લાગ્યો કે તત્કાળ તેણે તે હાથને પકડી લીધો.

પરાશરે મજબૂત હાથની કલ્પના કરી હતી; પકડયા પછી એ હાથના માલિકને દોસ્ત બનાવવાની ઈચ્છા રાખી હતી; જરૂર વગર કોઈ ખિસ્સું કાતરે નહિ એમ તે માનતો હતો. ટેવાયલા ગુનેગારો પણ જરૂરની પરંપરાના ઘડતર રૂપ હતા. એમ તે ગણતો હતો, એટલે ચોરને પકડીને પોલીસને સ્વાધીન તો કરવાનો ન જ હતો. છતાં તેની કલ્પના કરતાં જુદો જ કુમળો હાથ તેની પકડમાં આવતાં તે સહજ ચમક્યો અને હાથને પકડી રાખી હાથના ધારણ કરનારને જેવા તેણે સહજ પાછળ નજર કરી. તેનાથી બોલાઈ ગયું :

'અલ્યા શંકર ! તું ?'

'ભાઈ સાહેબ ! માફ કરજો, ભૂલ થઈ. હવે કદી એવું નહિ કરું.’ શંકરે જવાબ આપ્યો.

થોડા કલાક પહેલાં “સત્યવાદી"ના તંત્રીએ ગેરહાજરીના કારણે કાઢી મૂકેલા છોકરાનું નામ શંકર હતું. દસબાર વર્ષનો એ બાળક છાપખાનામાં ફેરાઆંટાનું કામ કરતો, પ્રૂફ આપી આવવાનું અને જરૂર પડ્યે. પત્ર વહેંચવામાં ફેરિયાનું કામ કરતો હતો. એના હાથમાં પૈસા મૂકવાની પરાશરને થયેલી તીવ્ર ઈચ્છા પાછી જાગ્રત થઈ.

‘હરકત નહિ, પણ તું જોઈ લે, મારા ખિસ્સામાં કાંઈ નથી.' પરાશરે કહ્યું.

‘ના, ભાઈ ! ના. મારે નથી જોવું.’ શંકર રડવા જેવો થઈ ગયો.

‘જો, રડીશ નહિ. મારી સાથે રહેજે. ભૂખ્યો છે, ખરું ?' પરાશરે શંકરને તેની પાસે ખેંચી પૂછ્યું.

‘ભૂખ્યો તો ઠીક પણ આજે ચાર આઠ આના પણ ન લઈ જાઉં તો મારા કાકા મને મારી નાખે !’ શંકરે આંખ લૂછતે લૂછતે કહ્યું.

પરાશરને થયું કે તેની પાસે ધન હોય તો તેનો ઢગલો કરી આ રડી રહેલા બાળકને તેના ઉપર બેસાડે !

પરંતુ તેની પાસે ઢગલો તો શું પણ ઢગલાની કલ્પના કરવા માટે પણ કાંઈ સાધન ન હતું. ધનિક પત્રકારને ત્યાંથી, ધનિક નેતાને ત્યાંથી, ધનિક મિત્રને ત્યાંથી તે ખાલી હાથે આવ્યો હતો.

‘તું મારી સાથે રહે તો તને કાંઈ અપાવું.’ એક પણ માર્ગ ખુલ્લો ન દેખાયા છતાં પરાશરે આશ્વાસન આપ્યું.

‘પણ... પકડાવી દેશો તો ?’ શંકરને ભય પણ લાગ્યો.

‘મૂરખ છે મૂરખ ! તે ક્યાં કાંઈ લીધું છે ? બીઈશ નહિ, મારી સાથે આવ. પેલી બાઈને આપણે ડૉક્ટર પાસે લઈ જઈએ.’

‘કયા ડૉક્ટરને ત્યાં ?’

‘અહીં પાસે જ મારો જૂનો મિત્ર રહે છે; એ ડૉક્ટર છે.’

‘પણ મને તો શેઠે કાઢી મૂક્યો છે.’

‘હું પાછો રખાવી આપીશ; ચાલ.’ ટોળામાં અનેક પ્રસંગો લાગા સાથે બને છે, અને અનેક પ્રકારની વાતો એકસામતી ચર્ચાય છે. એમાં અકસ્માત થાય, ચોરી થાય, ખિસ્સાં કતરાય, વાતોચીતો થાય, ગાળાગાળી પણ થાય, અને ફિલસૂફીભર્યા વાક્યો ઉચ્ચારાય.

ટોળું પરાશર ધારતો હતો એવું છેક નિષ્ક્રિય તો ન જ હતું.

પરાશરે ટોળામાંથી શંકરનો હાથ ઝાલી તેને સાથે ઘસડી આગળ આવી કહ્યું :

‘અરે જમાદાર સાહેબ ! પહેલાં આ બાઈની સારવાર કરાવો ને ? મોટરકારનો નંબર તો લઈ લીધો છે.'

'પણ પંચક્યાસ કરવો જોઈએ ને ?’

‘પહેલો પંચક્યાસ કે પહેલી સારવાર ?’ પરાશરે પૂછ્યું.

‘હું પણ એ જ કહું છું, અને નાહક આ પોલીસના માણસો મને હેરાન કરી અટકાવી રાખે છે.’ મોટરના માલિકે કહ્યું.

‘આપનું નામઠામ આપવામાં આપને નાનમ આવી જાય છે, અને અમે હેરાન કરીએ છીએ. એમ આપને લાગી આવે છે ! આ કેવો અવળો ન્યાય ?’ એક પોલીસના માણસે કહ્યું.

‘હું તમારો ન્યાય અને અન્યાય આગળ ઉપર કરાવીશ. મેજિસ્ટ્રેટ સાહેબ તો શું પણ ઈલાકાના પ્રધાન મારા મિત્ર છે !’

લોકજ્ઞપ્રધાનો સત્તાધીશ થવાથી તેમનાં ઓળખાણને વટાવી ખાવાની તજવીજ કરનાર સજ્જનોની સંખ્યા એકાએક વધી પડી છે !

‘આપણે, સાહેબ ! એમ કરો ને ? બાઈને કારમાં નાખી દવાખાને પહોંચાડીએ. પંચક્યાસ લખાઈ ગયો છે. સહી માટે ત્રણ જણ શોધી કાઢીશું.' સિપાઈએ કહ્યું.

‘જોયું મિસ્ટર ! આ પંચક્યાસ કેવા ખોટા થાય છે તે ? તમે મારા સાક્ષી છો.' કારના માલિકે ગૃહસ્થાઈ બતાવી પરાશરને પોતાના પક્ષમાં લેવા તજવીજ કરી.

‘તમે, તમારો સાક્ષી અને તમારો પંચક્યાસ એ ત્રણે જહાનમમાં જાઓ ! પહેલાં આ બાઈની સારવાર વિચારો !’ એમ કહેવાને તત્પર થયેલી પરાશરની વાણી પહેલું સંબોધન લુપ્ત કરી ગઈ.

‘હું ક્યાં ના પાડું છું ? મારી કારમાં લેઈ ચાલો.’ માલિકે કહ્યું.

‘અહીં પાસે જ એક ડૉક્ટર છે. દૂર જવું પણ નહિ પડે. બાઈને લઈ લઈએ.' પરાશરે કહ્યું.

બસો ત્રણસો માણસોના ટોળામાંથી ત્રણેક બહાદુર પુરુષોએ બહાર પડી પંચક્યાસ ઉપર એટલામાં સહી પણ કરી આપી, અને કેસ ચાલતાં કચેરીના ધક્કા ખાવાના દુઃખને સહન કરી ન્યાયને મદદ આપવા તૈયાર થયા.

જગતભરને શાપ દેતી. ઘાયલ બાઈને મહા મુસીબતે મોટરમાં સુવાડી અને માલિક, પોલીસ તથા શૉફર અંદર બેસી ગયા. ઝડપથી ચાલી પરાશરે પાસે જ આવેલા એક મોટા મકાન તરફ ગાડીને દોરી, શંકરનો ઝાલેલો હાથ તેણે છોડ્યો ન હતો. શંકર પણ સાથે ઘસડાતો હતો.

ડૉક્ટર ઘણા મોટા બને - અગર બનવાનો દેખાવ કરે - ત્યારે તેઓ દેવાનાં કશાં જ સાધનો વગરની Consulting Room- માત્ર સલાહ આપવાની ઓરડીઓ રાખે છે. એ ઓરડી બંધ હતી, છતાં તેની જ પાછળ ડૉક્ટર કુમાર રહેતા હતા, તેની પરાશરને ખબર હતી. તેણે ઘંટડીનું બટન દબાવ્યું. સંધ્યાકાળના દીવા શરૂ થઈ ગયા હતા. ડૉક્ટરની ઓરડીમાં દીવો બળતો હતો, અને અંદરથી ઓરડી બંધ હતી. એટલે ડૉક્ટર કુમાર ત્યાં હોવા જોઈએ એમ પરાશરે ધાર્યું. થોડી ક્ષણ રાહ જોઈ પરાશરે ફરી ઘંટડી વગાડી અને ભાર દઈને લાંબી વાર સુધી વગાડી. ડૉક્ટર સંધ્યાકાળે સૂઈ રહે એ બને નહિ. પરાશરે બારણું જરા હલાવી નાખ્યું, અને બારણું ઊઘડ્યું. બારણા પાછળ ડૉક્ટર કુમાર દેખાયા.

ડૉક્ટર કુમાર ? કે ડૉક્ટર કુમારનું ભૂત ? પરાશરને પ્રશ્ન થયો. દેખાવડા યુવક ડૉક્ટરની આંખોમાં કાંઈ અવનવું તેજ ચમકતું લાગ્યું. એ ઘેલછા હશે ? કે ઈશ્વરનો સાક્ષાત્કાર ? વાળ સહજ અવ્યવસ્થિત હતા; પરંતુ ડૉક્ટર કુમારને ગમતાં સુંદરમાં સુંદર કપડાંમાં આ દેહ સજજ થયેલો હતો.

‘કુમાર !' પરાશરે સંબોધન કર્યું.

‘કેમ ?’ જાણે ઊંડી ઊંઘમાંથી જાગ્રત થઈ તે બોલતો હોય એમ લાગ્યું.

‘હું એક દર્દી લાવ્યો છું; અકસ્માત થયો છે.’

‘કોને ? તમને કે આ છોકરાને ?’ શંકરને ઉદ્દેશીને ડૉક્ટર કુમારે ઊંડાણમાંથી ચેતન મેળવી પૂછ્યું.

‘એક બાઈ છે; મોટરકાર તળે આવી ગઈ હતી.'

‘ક્યાં છે ?' ‘પોલીસના માણસો અને કારના માલિક બાઈને ધીમે ધીમે લાવતા દેખાયા. ડૉક્ટર કુમાર જાગ્રત થવા મથી રહ્યા, અને એકાએક તેમની આંખનું તેજ સૌમ્ય બન્યું.

‘પરાશર ? તું છે ?’ ડૉક્ટરે પૂછ્યું.

‘હા, ન ઓળખ્યો ? કાંઈ થાય છે ?’ પરાશરે સામું પૂછ્યું.

‘હવે કાંઈ થતું નથી. ચાલ, બાઈને અંદર લઈ લઈએ. હું તપાસું અને પાટા બાંધી આપું.” ડૉક્ટરે કહ્યું.

‘આપની ફી માટે હરકત નહિ આવે.' મોટરમાલિકે કહ્યું. પૈસાદાર દેખાવા મથતા પુરુષો પૈસાને વેરવાની વાત હંમેશાં આગળ કર્યા કરે છે.

'ઓહ ! તેનું કાંઈ મહત્ત્વ નથી.' ડૉક્ટરે એકદમ સ્કૂર્તિ બતાવી હસીને કહ્યું.

ડૉક્ટર કુમારની ઓરડી બહુ સારી રીતે શણગારેલી હતી. ઓરડીમાં થઈને બહારના સલાહસ્થાન ઉપર પણ જવાની સગવડ હતી. સલાહસ્થાન અને શણગારેલી ઓરડી વચ્ચે વળી એક દર્દીને તપાસવાની ઓરડી હતી. તેમાં બાઈને લેઈ જઈ તેને તપાસી, તેના અંગ ઉપર જરૂર પ્રમાણે પાટા બાંધ્યા અને દવાઓ ચોપડી.

‘બહુ ઈજા થઈ છે ડૉક્ટર ?’ કારના માલિકે પૂછ્યું.

‘સાધારણ. ચારેક દિવસમાં આરામ થઈ જશે.' ડૉક્ટરે કહ્યું.

બાઈના મૂખ ઉપર મૂર્છાનાં ચિહ્ન આવતાં દેખાયાં.

એક પોલીસ અમલદારે કહ્યું : ‘બૂમો તો મરી ગઈ હોય એટલી મારતી હતી !’

‘એ જ જોવાનું જ છે ને ! ગરીબીનો દેખાવ કરી. આજે અમને ગરદન મારવા ઊભા થયા છે !’ માલિક બોલ્યો.

‘છેક નથી. વાગ્યું. એમ તો કેમ કહેવાય ? અને કાર સાથે અથડાય એટલે ધક્કા પણ વધારે લાગે.' ડૉક્ટરે કહ્યું.

‘એના બદલા તરીકે પચીસેક રૂપિયા આપું તો ચાલે કે ?’

‘એ તો આપ જાણો. દવા માટે એટલું બસ છે.’

‘બીજું પછી જોઈશું. અને આપની ફી ? ખિસ્સામાંથી પૈસા કાઢી પચીસ રૂપિયાની નોટો બેત્રણ વાર ગણી પાટા બાંધેલી બાઈના હાથમાં મૂકતાં મોટરમાલિકે પૂછ્યું.

‘આપને જે ઠીક લાગે તે. આપ અકસ્માત આવ્યા છો એટલે આપને કાંઈ કહેવાય જ નહિ.’

‘પંદર બસ થશે ?' ‘હું કાંઈ કહેતો જ નથી ને !’

'પણ ઈજા તો ચારેક દિવસ જેટલી જ લખી આપશો ને ?’

‘હાસ્તો. મને લાગે છે તે જ લખીશ. ઈજાનું અને પૈસાનું પ્રમાણ હું સામસામા પલ્લામાં મૂકતો નથી.’

‘થેંક્સ’ કહી મોટરમાલિકે પંદર રૂપિયા ડૉક્ટરના મેજ ઉપર મૂક્યા, અને તેના ઉપર કાચના મેજરમકડાનો ભાર મૂક્યો. ડૉક્ટરો હાથોહાથ પૈસા લેતા જ નથી.

‘તમને પણ દસેક રૂપિયા આપું છું. જમાદાર !’ મોટરમાલિક બાઈને લઈ જતા પોલીસ સિપાઈઓના આગેવાનને કહ્યું.

‘નહિ રે સાહેબ ! અમે હમણાંના એવા પૈસા લેતા જ નથી.’ જમાદારે કહ્યું.

'કેમ?'

‘અમારા ઉપર બધાની આંખ તો હોય જ. આપ સાહેબ બધા મોટા અમલદારોને ઓળખો છો, એટલે સહજ વાત કરો તોય અમારો તો રોટલો જાય; અમને કોઈ સાંભળે જ નહિ.’ જમાદારે કહ્યું.

'આ મહાસભાની સરકારે આવી ગરીબોના જ ગળા ઉપર છરી મૂકવા માંડી છે.’ લાંચ આપવા ઈચ્છતા અને તેમ કરી મુકરદમાને હળવો બનાવી દેવાનો પેંતરો રચતા મોટરમાલિકે ગરીબોની દયા ખાવા માંડી.

‘આપનું નામ શું ?' પરાશરે પૂછ્યું. તેમને કોઈક સ્થળે કોઈ બાબતના આગેવાન તરીકે જોયાનું તેને યાદ આવ્યું.

‘મારું નામ સુખાનંદન.’

‘પરાશરને આ નામ સાંભળતાં જ એક ચાલુ ઈતિહાસનો ટુકડો સમજાઈ ગયો. મહાસભાને ગાળો દેવા સ્થપાયલા એક સનાતની પત્રના આર્થિક અમૃતઝરારૂપ ગણાતા સુખનંદન કેટલાં વૈષ્ણવ મંદિરોના ચાલક અને ધમાચાર્યોના સલાહકાર હતા. આવી સલાહોમાંથી તેમણે કેટલાક માળા હાથ કરી લીધા હતા. અને તેના ઉત્પન્નમાંથી સુખી જિંદગી ગુજારતા આ ધર્મીં ગૃહસ્થ અંત્યજોદ્ધારની પ્રવૃત્તિ વિરુદ્ધ, મંદિરોમાં અંત્યજોના પ્રવેશ વિરુદ્ધ, સ્ત્રીઓના વારસાઈ હક્કના કાયદા વિરુદ્ધ, છૂટાછેડાના નિબંધ વિરુદ્ધ, દારૂ નિષેધ વિરુદ્ધ અને એવી એવી મહાસભાની જુદી જુદી પ્રવૃત્તિઓ વિરુદ્ધ જબરજસ્ત પ્રચારનું કામ કરતા હતા. તેઓ સભાઓ ભરતા, સભાઓ તોડતા, સરઘસો રચતા અને બીજાનાં સરઘસો ભાંગતાં, તથા સનાતન ધર્મ સાચવવા માટે ગુંડાગીરીના સઘળા અખતરાઓ કરી વિરોધીઓને ભય પમાડતા. ધર્મવીરનું ઉપનામ સદાય આગળ કરતા એ મહાસભાવિરોધી નેતા હતા. મહાસભાની પ્રતિષ્ઠા ઓછી થાય અને તેમાં ભંગાણ પડે એ નિષ્ઠામાં આ ચુસ્ત સનાતની ગૃહસ્થ મુસ્લિમો, અંત્યજો અને ખ્રિસ્તીઓની સોબત પણ શોધતા. મહાસભાના પ્રધાનો અને આગેવાનોનાં ખાનગી જીવન સંબંધી માહિતી બાજ સરખી વૃત્તિથી ભેગી કરી, પોતે પકડાય નહિ છતાં સામો પક્ષ બરાબર વગોવાય એ ઢબનાં લખાણો અને વ્યાખ્યાનો કરવામાં તેઓ મહાસભાના વિરોધી મુસ્લિમો, અંત્યજો અને સામ્યવાદીઓને પણ નમૂનો પૂરો પાડે એવી દક્ષતા ધરાવતા હતા.

ગઈ કાલ થયેલા હુલ્લડોમાં સુખનંદનનો પણ હિસ્સો હતો. એમ કોઈ કોઈ સ્થળેથી પરાશરે સાંભળ્યું હતું.

‘જી, આપનું નામ સાંભળ્યું છે.' પરાશરે કહ્યું.

‘અહીં રહો અને મારું નામ ન સાંભળો એ બને જ નહિ. ગાંધીવાદી છો ખરું ?’

'ના જી, સામ્યવાદી છું.’

‘એમ ? જોકે હું સામ્યવાદી નથી, છતાં મહાસભાના કાન તમે ઠીક પકડાવો છો ! કોઈ વખત આવજો. સાહેબજી, ડૉક્ટર !’

સુખનંદન, સિપાઈઓ અને ઘાયલ બાઈ બહાર ગયાં. સુખનંદને મહાસભાના પ્રધાનોની આંખમાં ધૂળ નાખવા પોલીસને ખુશબખ્તી આપી કે નહિ તેની પરાશરને ખબર પડી નહિ.

ડૉક્ટર કુમારે હસીને પરાશરનો હાથ પકડ્યો, અને તેને પોતાની સાથે એક સોફામાં બેસાડ્યો.

‘બહુ દિવસે દેખાયો.' ડૉક્ટરે કહ્યું.

'મેં તને કહ્યું હતું કે તને દર્દીઓ અપાવીશ. આજે એક લઈ આવ્યો.’

'પણ તેં તો ફી વગરના દર્દીઓ લાવવા કહ્યું હતું. આજે તો તું જુદો જ દર્દી લાવ્યો.'

‘મારી ઈચ્છા વિરુદ્ધ. ડૉક્ટરોની લૂંટમાં હું સામેલ થવા માગતો નથી.'

'ઠીક. આ છોકરો કોણ છે ?'

'એ એક બેકાર છોકરો મારું ખિસ્સું શોધતો હતો. મારા ખિસ્સામાં તો શું હોય ? એટલે એને આઠેક આના અપાવવા સાથે લઈ ફરું છું.’

‘આમાંની એક નોટ એને આપી દે.'

‘આખી નોટ ? પાંચ રૂપિયા તો વધારે પડતા કહેવાય.' 'હરકત નહિ. આજ સર્વસ્વ આપી દેવાના સ્વપ્નમાં હતો.’

‘જો, શંકર ! આ નોટ વટાવી લાવ.' પરાશરે કહ્યું.

‘વટાવવાની જરૂર નથી. એને જવા દે. ડૉક્ટરે કહ્યું. શંકર પાંચ રૂપિયાની નોટ લઈને એકદમ સ્વર્ગ મળ્યું હોય એટલી ખુશાલી પ્રદર્શિત કરતો ચાલ્યો ગયો.

‘આજે કાંઈ કાગળોનો થોકડો બનાવ્યો છે ! ખૂબ લખ્યા ?' શંકર ગયા પછી પરાશરે પૂછ્યું.

‘હા, એક તને પણ લખ્યો છે.'

‘મને ? શા માટે ?’

‘તું વાંચીશ એટલે ખબર પડશે, લે.’ ડૉક્ટર કુમારે ઊઠીને કાગળોના થોકડામાંથી એક કાગળ કાઢી આપ્યો.

‘ટિકિટો પણ ચોડી છે; કાઢી લેવી છે ?' પરાશરે પૂછ્યું.

‘ના, ફાડીને વાંચ, તું આવ્યો ત્યારે હું મારા છેલ્લા પત્રો બંધ કરતો હતો.'

પરાશરે પોતાને સરનામે લખાયલો પત્ર ફોડી વાંચ્યો. પરાશરની આંખો પણ ચમકી અને તેના મુખ ઉપરનો ભાવ ઘેરો બન્યો.

‘વધારે પ્રકાશ કરું ?' કુમારે પૂછ્યું. પરાશર તેની સામે ક્ષણ બે ક્ષણ જોઈ જ રહ્યો. કુમારના અસ્તિત્વની જાણે તેને ખાતરી થતી ન હોય તેમ તેના તરફ જોઈ પરાશરે ડૉક્ટરનો હાથ ઝાલ્યો.

‘હું જીવું છું. મારું ભૂત બોલતું નથી.' ડૉક્ટર કુમારે સ્મિતને ગાંભીર્યમાં ફેરવી કહ્યું.

‘એટલે...હું આવ્યો ત્યારે તું આપઘાતની તૈયારી કરતો હતો ?' પરાશરના કંઠમાં ભય અને આશ્વયનો થડકાર હતો.

ડૉક્ટર કુમારે મેજ ઉપર પડેલી એક શીશી અને એક પ્યાલી તરફ આંગળી કરી; પરાશરે ઊઠીને તે નિહાળી. પ્રકાશ સામે ધરતાં તેણે શીશીના વેષ્ટન ઉપર વાંચ્યું :

“ઝેર : તાત્કાલિક અસર ઉપજાવનારું.”

‘તું દસ મિનિટ મોડો આવ્યો હોત તો હું જીવનની પેલી મેર ચાલ્યો ગયો હોત.' કુમારે કહ્યું. મુખ ઉપર પણ સહજ અસ્થિરતા ફરકતી પરાશરે જોઈ. પરાશર એકદમ પાછો તેની પાસે આવી બેસી ગયો. અને તેને ખભે હાથ મૂકી તેને સહજ હલાવી પૂછવા લાગ્યો :

‘કુમાર, કુમાર ! કાંઈ થાય છે તને ?’ ‘ના, હવે કાંઈ થતું નથી. હવે તો માત્ર એક બીક લાગ્યા કરે છે કે હું ઝેર પી ગયો હોત તો ? મૃત્યુને ભેટવાનો નિશ્ચય કરનાર અર્ધા પોણા કલાકમાં મૃત્યુથી કમકમી ઊઠે છે ! આપણે એક ક્ષણે વીર બનીએ છીએ અને બીજી ક્ષણે કાયર...' ડૉક્ટરે કહ્યું. તેનાથી બોલાઈ જતું હોય એમ લાગ્યું. પરાશરે તેને અટકાવી પૂછ્યું :

‘પણ આનું કાંઈ કારણ ?’

‘તારો કાગળ બરાબર વાંચ, કારણ સમજાશે.'

‘મારે એ કાગળ વાંચવો જ નથી. મારાથી નહિ વંચાય.'

‘બે વર્ષથી હું અહીં પ્રેક્ટિસ કરું છું, ખરું ને ?’

'હા.'

‘એ બે વર્ષમાં સહુથી પહેલો કેસ તું જ હમણાં કલાક ઉપર લાવ્યો તે. હું ઝેર ન પીઉં તો બીજું શું કરું ?’ ડૉક્ટર કુમારના ઉશ્કેરાયલા મુખ ઉપર વ્યગ્રતા દેખાઈ આવી. હિંદમાં હવે બેકારી, મશ્કરી, હાસ્ય કે ઉપેક્ષાનો વિષય મટી ગઈ છે. મૃત્યુના કિનારાઓના આશ્રય શોધતી આર્થિક પરાધીનતા મહા કરુણ જીવનપ્રસંગ બનતી જાય છે.

'પણ તારા પિતા તને હરકત પડવા ક્યાં દેતા હતા ?' પરાશરે કહ્યું.

‘એટલે મારે આમ ને આમ જીવ્યા કરવું ?’

‘તારી પત્નીનો વિચાર કરવો જોઈતો હતો.'

‘એને કાગળ લખી રાખ્યો છે.’

'હું એ બધા પત્રો ફાડી નાખું છું.’ પોતાના પત્રથી ફાડવાની શરૂઆત કરી પરાશરે ચારેક પત્રો બંધ કરેલા ફાડી નાખ્યા.

‘લાવ, હું મદદ કરું.’ કહી ડૉક્ટર કુમારે પણ બે કાગળો ચીરી નાખ્યા.

‘ચારપાંચ વર્ષ તો ઓછામાં ઓછાં લાગે જ, વૈદક કે વકીલાતમાં.’ પરાશરે જરા રહી ઓરડીમાં ફરતાં ફરતાં કહ્યું.

‘મારા સારામાં સારાં પાંચ વર્ષ ! જેમાં હું પૂર્ણ સુખને માટે શારીરિક અને માનસિક પાત્રતા ધરાવતો હોઉં તે જ જીવનના ગાળામાં હું સાધનરહિત રહું ! એવું જીવન ન જીવ્યા તોય શું ?' કુમારે જણાવ્યું.

પરાશર એકાએક સ્વસ્થ થયો. તેના મુખ ઉપર સહજ સખ્તી આવી ગઈ. સંપૂર્ણ સુખ ભોગવતો ભાસ્કર વિલાસને માર્ગે વહેતો જતો હતો ! કુમાર એવું જ સુખ ન મળતાથી આપઘાત કરવાને માટે તૈયાર બન્યો હતો ! સુખના ગુલામો ! એ જીવે કે આપઘાત કરે તેમાં સમાજને લાભ કયો ? પરંતુ હૃદયમાં ઉત્પન્ન થયેલા સખ્ત ભાવ વ્યક્ત કરવા એ તેને અત્યારે માણસાઈથી દૂર જવા જેવું લાગ્યું. જૂના મિત્ર પ્રત્યે તેને સદ્દભાવ હતો. કુમારની ન ચાલતી પ્રેક્ટિસ અને કુમારનો દમામ અસંગત હોવાથી તે મિત્રોના હાસ્યને પાત્ર બનતાં, પરંતુ મૃત્યુ સુધી ઘસડી જતી લાગણી ગંભીરતા માગી લે છે.

'હવે આ શીશીને ફેંકી દઉં ?' પરાશરે પૂછ્યું.

‘જરૂર નથી; હવે એ જોશ જતો રહ્યો. મરવાની હિંમત તો ઓસરી જ ગઈ છે, અને તને જોતાં જીવવાની પણ હિંમત આવી.' ડૉક્ટરે કહ્યું.

‘તારા મનથી એમ હોય કે હું તને આ સ્થિતિમાં એકલો મૂકી હવે ચાલ્યો જઈશ, તો તારી ભૂલ થાય છે.’

‘મારે તને છોડવો જ નથી ને !’

‘એટલે ?'

'તને યાદ છે ? તેં મને પ્રેક્ટિસ શરૂ કરતા પહેલાં શું કહ્યું હતું તે ?’

‘હા, પણ એ જૂની વાત થઈ. તે તેં માની ન હતી.'

‘માટે જ હું આપઘાત કરવા સુધી આવી પહોંચ્યો. હવે જીવવું હોય તો તારે માર્ગે આવીશ.'

‘મારો માર્ગ એટલે ?' પરાશરે પૂછ્યું.

રોજના રૂપિયા ઉપર ગુજરાન, માણસ ચાકરનો અભાવ, કાર અને બંગલાનાં સ્વપ્નોનો નાશ અને ગરીબમાં ગરીબ સમાજ સાથે સંસર્ગ ! એ શર્તે જીવવું હોય તો જ હિંદમાં જીવી શકાય. એમ કહી તે માર્ગે મિત્રોને વાળવા મથનાર પરાશરના હજી સુધી ગુંજી રહેલા એ શબ્દો કુમારે ઉચ્ચાર્યા નહિ. પરાશરને તેણે જવાબ ન આપ્યો.

ડૉક્ટર થયા પછી તત્કાળ દર્દીઓ વધી જાય, ગણાય પણ નહિ એટલી નોટોનો વરસાદ વરસે, બે કાર ઘુમાવવા હાજર હોય, ચાર-પાંચ નર્સ-સુંદરીઓ સુંદર દેખાઈ દેખાઈને આજ્ઞા ઉઠાવે, ક્લબસિનેમામાં જવાની સદાય ઉતાવળ થયા કરે અને છતાં દર્દીઓનાં દર્દ ઘટાડવાનો સ્વસંતોષ રહ્યા જ કરે એવી ભાવનાથી યુવકો ડૉક્ટરો બને છે. ડૉક્ટર કુમારે એ જ સ્વપ્ન સેવ્યું હતું. અને પરાશરે જ્યારે સ્વેચ્છાથી ગરીબી સ્વીકારનાર ક્રાંતિવાદીઓનું મંડળ સ્થાપવા તજવીજ કરી ત્યારે કેટલાક યુવાનો મંડળમાં તો જોડાયા, પણ ગરીબીનું ધ્યેય તેમને અનુકૂળ પડ્યું નહિ. ધન મળવાથી વધારે સારી સેવા થઈ શકે છે એવી માન્યતા સેવનાર તેના કૈંક સાથીઓ ક્રાંતિને અને મંડળને મૂકી સરકારી નોકરીમાં, વકીલાતમાં, દલાલીમાં, સટ્ટામાં કે વ્યાપારમાં અદૃશ્ય થઈ ગયા હતા. ડૉક્ટર કુમાર એમાંનો એક હતો.

પરાશર થાકી ગયો હતો; શરીર કરતાં તેનું મન વધારે થાકી ગયું હતું. તે સોફા ઉપર જરા આડો પડ્યો. તેની સાદડી કે પલંગ કરતાં સોફા વધારે સુખમય તો હતો જ. આખું જગત સોફા ઉપર બેસી સુખ ભોગવી શકે એટલું લાકડું, સ્પ્રિગ, કાપડ અને કારીગરી જગતમાં છે છતાં એ કેટલાકને મળે છે ? રાજમહેલોમાં, ધનિકોના બંગલાઓમાં, હોટલોમાં અને ...અને...ગણિકાગૃહોમાં આ સોફાઓ વેરાયલા પડ્યા છે. જગતને સુખસાધનો આપનાર મજૂર વાંસની સાદડીયે પામતો નથી ! એ સોફાની સુંવાળશ ?...કે નાગની સુંવાળી ફણા ?

પરાશર એકાએક ઊભો થઈ ગયો.

‘કેમ ? ચમક્યો કેમ ?’ ડૉક્ટરે પૂછ્યું.

‘તારે માટે જગત કેટલું ઝૂરે છે તે જાણે છે.' પરાશરે કહ્યું.

‘મારે માટે ? મારી પત્ની સિવાય કોઈ મારે માટે ઝૂરતું હોય એમ હું માનતો નથી. અને કદાચ ધનહીન પતિ માટે પત્ની પણ ન ઝૂરે તો હું તેનોય વાંક ન કાઢું !’

‘તારે માટે ઝૂરતું જગત હું તને બતાવું પણ ત્યાં કાર નથી, નર્સ નથી અને બંગલો નથી.’

‘હવે તે મારે જોઈએ પણ નહિ. હું એ જગતમાં આવ્યો જ એમ માન.'

'પણ તારો આ દેવસ્વાંગ-સાહેબસ્વાંગ પણ તારે દૂર કરવો પડશે.’

‘કબૂલ, કાલ સવારથી તું મને જુદો જ નિહાળીશ.'

પરાશર પાછો બેસી ગયો. બન્ને મિત્રો કેટલીક વાર સુધી અશબ્દ રહ્યા. થોડી વારે કુમારે કહ્યું :

‘તારે કામ હશે, હવે તું જઈ શકે છે.'

‘ના, મારે તને એકલો મૂકવો નથી.' આપઘાત કરવા તત્પર થયેલા મિત્રે વચન આપ્યું હોય તોય તેનો વિશ્વાસ રાખવો ન જોઈએ. પરાશર કુમારને એકલો ન જ રાખી શકે.

‘તું ક્યાં સુધી સાથે રહીશ ? ભરોંસો નથી પડતો ?'

‘ના; અને તું મારા જગતમાં આવવાનો હોય તો આપણે સદાય સાથે રહીશું.’ વળી પાછા બંને શાંત પડ્યાં.

‘તું જમ્યો છે ?’ કુમારે પૂછ્યું.

‘ના, મારે જમવું નથી.' ખરેખર પરાશરની ભૂખ મરી ગઈ હતી. અને તે જીવતી હોત તોપણ તેને સંતોષવા માટે તેની પાસે કશું જ સાધન ન હતું.

“મેં તો જમી લીધું હતું. મરતા પહેલાં ભૂખને દાટી દેવી એવો મેં નિશ્ચય કર્યો હતો.' હસતે હસતે ડૉક્ટરે કહ્યું.

‘મારા જગતમાં તો ભૂખ માનવીને દાટી મારી નાખે છે !’

‘હું જાણું છું, અને મારા નવજીવનની ખુશાલીમાં આ જૂના જીવનમાં મળેલું બધું જ દાટી દેવા માગું છું.’

'હં.'

‘બરાબર સમજ; અત્યારે સિનેમા જોવા જઈએ. આ મહેનતના પ્રમાણ કરતાં વધારે મળેલા પૈસાને વેડફી નાખવા નાટકસિનેમા કરતાં બીજું કયું સારું સાધન મળી શકશે ?'

‘હું સિનેમા જોતો નથી.' ડૉક્ટર કુમાર આનંદી, સુખભોગી અને ઝડપથી વિચારો ફેરવી શકનાર યુવક હતો એમ જાણ્યા છતાં સિનેમામાં જવાની સૂચના પરાશરને અત્યારના સંજોગોમાં વધારે પડતી લાગી.

‘મારે ખાતર તો જો !’

‘પણ મારી પાસે એટલા પૈસા નથી.’

‘આ પૈસા શું રહ્યા ! ચાલ ઊભો થા, અને મને આ વાતાવરણથી વેગળો લઈ જા. હજી...હજી...મોત માથે ભમતું દેખાયા કરે છે !’ સ્વસ્થતાથી છતાં વિચિત્ર સ્થિરતાપૂર્વક કુમારે પોતાના પડછાયા તરફ આંગળી ચીંધી. પરાશર ઊભો થયો અને કુમારને તેણે આગળ કર્યો.
સિનેમા, મુવી, ટૉકી, થિયેટર એમાંથી કયો શબ્દ અત્યારે પ્રચલિત હતો. તે પરાશર ભૂલી ગયો હતો. એ નામોની ફેશન-લઢણ સિનેમાનાં વસ્ત્રો કે સિનેમાનાં નટનટી સરખી ચલ હોય છે. આખું સિનેમાગૃહ ભરાઈ ગયું હોય એમ લાગ્યું. છતાં ઊંચામાં ઊંચી શ્રેણીમાં કુમારે અને પરાશરે સ્થાન ખરીદ્યું હોવાથી તેમને ઠીક ઠીક જગા તો મળી. કેટલાંક બેઠેલાં પ્રેક્ષકો અને પ્રેક્ષિકાઓના ઘૂંટણે ઘસડાઈને તેમના કચવાટ વચ્ચે બંને મિત્રોએ જગા લીધી.

દૃશ્ય શરૂ થઈ ગયું હતું એટલે અંધકારમાં પ્રથમ તો ચિત્ર જ સ્પષ્ટ દેખાયું; આજુબાજુ અંધકારમાં ભૂતાવળ બેઠી હોય એમ માણસોના માત્ર પડછાયા જ દેખી શકાયા.

ચિત્ર ઘણું જ સરસ હતું એમ ડૉક્ટરે કહ્યું. વર્તમાનપત્રોમાં એ ચિત્ર વિષે ઘણા જ વખાણ આવ્યાં હતાં, અને નટનટીઓની છબીઓ પણ ઘણા વખતથી પત્રોમાં આવ્યા કરતી હતી. કૉલેજના યુવકયુવતીઓ ઈતિહાસનાં પાત્રોમાં નામ કરતાં સિનેમાનાં પાત્રોનાં નામ વધારે મમતાથી યાદ રાખતાં હતાં; એટલું જ નહિ પણ એ પાત્રોનાં જીવનનો ઈતિહાસ પણ વધારે વિગતપૂર્વક જાણતાં હતાં. ચંગીઝખાન કરતાં ચાર્લી ચેપલીન, નેપોલિયન કરતાં પોલમુની, શિવાજી કરતાં સાયગલ, અને સીતા કરતાં શેરરને વર્તમાન યુગ વધારે ઓળખી ગયેલા લાગે છે.

ચિત્ર હોલીવુડમાં તૈયાર થયેલું હતું એટલે તે હિંદમાં તૈયાર થયેલા કોઈ પણ ચિત્ર કરતાં સારું હોવાનું જ. દેશી માલની માફક દેશી ચિત્રોથી પણ કચવાતો રહેતો એક ઊંચી ભમ્મરવાળો[૨] સ્ત્રીપુરુષનો વર્ગ પરદેશી ચિત્રોમાં બહુ જ ઉત્સાહ બતાવવાની ટેવવાળો હોય છે. મોટો વર્ગ બધા જ ચિત્રોને પસંદ કરે છે - ભાષા સમજાય તો. કલાને બહાને, આનંદને નામે, પ્રમાણિક શોખને કારણે અગર રૂપાળાં મુખ અને દેહ જોવાની ખુલ્લી લાલસા સાથે ચિત્રો જેવા આવનાર વર્ગ પોતાની શ્રેણી મુજબ દૃશ્યોનાં વખાણ કરવાની તક લે છે.

મુખ્ય નટ અને મુખ્ય નટી સર્વ વર્ગનાં માનીતાં હતાં. એમણે ચિત્રપટ ઉપરથી કૈંક જીવનોને માર્ગદર્શન કરાવ્યાં હતાં. પ્રેમની પ્રક્રિયા, દેહદર્શનની કલા, હાલચાલ અને બોલવાની છટા, રુદનની કલા અને જીવનમાં પડદા પાછળ રહેલાં સૂચનોનું પ્રદર્શન તેઓ જગતભરને શીખવી રહ્યાં હતાં, અને યુવકયુવતીઓને ખાસ કરી અણમોલ પદાર્થપાઠ આપી રહ્યાં હતાં. હિંદનાં યુવકયુવતીનાં હલનચલન, અંગમરોડ, વસ્ત્રાભૂષણવિધાન અને ભાવનાઓમાં ચિત્રપટોએ મહત્ત્વનો ભાવ ભજવવા માંડ્યો છે, એટલે તેમને વર્તમાન જીવનનું એક મહાન બલ કહેવામાં જરાય વાંધો નથી.

એ મહાન બલની પ્રેરક નટી વિષે અજ્ઞાન પરાશરે પૂછ્યું :

'તેં શું કહ્યું ? આણે ચાર વાર પ્રેમ કર્યો ?’

‘પ્રેમ નહિ, પ્રેમ તો અનેક વાર કર્યો; લગ્ન ચાર વખત કર્યાં. અને તે નટીએ નહિ પણ નટે.” ડૉક્ટરે ધીમે રહીને કહ્યું.

‘તો પછી નટીએ કેટલી વાર લગ્ન કર્યું ?’

'છ વાર.'

આસપાસનાં મનુષ્યો સભ્ય હતાં એટલે કોઈએ બૂમ પાડી મિત્રોને વાત કરતા રોક્યા નહિ, પરંતુ તેમણે પોતાની નાપસંદગી સ્પષ્ટ રીતે આંખથી જાહેર કરી દીધી. અંધારામાં પાડોશીઓનાં મુખ દેખાય એટલી આંખ હવે ટેવાઈ ગઈ હતી.

કામશાસ્ત્ર અને અલંકારશાસ્ત્ર જેટલા જેટલા ભાવ, અનુભાવ, શુંગાર, અંગદર્શન, સૌંદર્યદર્શન, ચેષ્ટા અને નાયિકાભેદ શબ્દોમાં બતાવે છે તે સઘળા - કદાચ તે કરતાં પણ વધી જાય એટલે - ચિત્ર અત્યંત વિગતથી સુરેખપણે પડદા ઉપર પ્રગટ કરી શકે છે. છેક નીચી કક્ષાની ટિકિટ ખરીદનાર વર્ગની બૂમાબૂમ, ખુશાલી અને તેના પ્રામાણિક પ્રદર્શનથી કંટાળી ગયેલા દેખાતા ઊંચા વર્ગમાં પણ ચિત્રની અસર થયા વગર રહેતી નહિ એ પરાશરે જોયું. પરાશર અને ડૉક્ટરની આગળ બેઠેલા એક પારસી યુગલે હાથમાં હાથ મેળવી દીધા; બાજુએ બેઠેલા એક ખાદીધારી યુવકે તેમની પાસે બેઠેલી યુવતીની ખુરશીને બીજે છેડે પહોંચે એમ હાથ લંબાવ્યો; એક મધ્યમવયી ગૃહસ્થ પોતાની ખુરશીની એક બાજુએ ઢળી પડી પોતાનું મસ્તક અને ખભો એક મધ્યમવયી પણ હસમુખાં બાઈના દેહ ઉપર ગોઠવી રહ્યા હતા.

‘જોયું ?’ ડૉક્ટર કુમારે સહજ મોજથી કહ્યું.

'હા.'

‘ન ગમ્યું, ખરું ?' ‘બહુ રુચ્યું, નહિ - જોકે હું પ્રત્યાઘાતી બની ગયો હોઈશ.’

'જે છે તે એ છે.'

પાસેના એક યુવકે પાછળ ફરી કહ્યું :

‘મહેરબાન ! તમે બહુ વાતો કરો છો.’

‘મારા કરતાં આ સામેનો પડદો વધારે બોલે છે.” ડૉક્ટર કુમારે કહ્યું.

અને એકાએક પ્રકાશ ઝબકી નીકળ્યો. ચિત્રે થોડી વાર વિશ્રાંતિ લીધી અને આપી; પરંતુ ચિત્રની સુંવાળી અસરો ઘેરી બનાવતા અંધકારને ચીરતો આકસ્મિક પ્રકાશ, અને સીંગ, કાજુ, લેમન વેચતા છોકરાઓની શાંતિ ભેદતી ચીસ, સ્વપ્નમાંથી જાગ્રત અવસ્થામાં એકાએક લાવતા ઓથાર સરખાં સહુને લાગ્યાં. હજી પેલું પારસી જોડેલું હાથમાંથી હાથ છૂટા કરી શક્યું ન હતું, ખાદીધારી યુવક ખુરશી ઉપર સ્થિર રહેલા એક સુંવાળાં સ્ત્રીહસ્ત ઉપર હાથ ફેરવતા અટકી શક્યા ન હતા, અને પેલા મધ્યવયી ગૃહસ્થનું ગોઠવાયલું મસ્તક તેમનાં ઘણું કરીને પત્ની ઝડપથી ઊંચકાવી લેતાં હતાં. એટલામાં તો અજવાળું અજવાળું થઈ ગયું. અને પરાશરે જોયું કે ચિત્રની દુનિયા કરતાં વિવિધતામાં જરાય ઊતરે નહિ એવી દુનિયાની વચમાં તે બેઠો હતો. રંગપંચમીને દીપાવે એવાં વિવિધ રંગી વસ્ત્રો ધારણ કરતી, હાથ અને કાનનાં ઘરેણાંથી પ્રકાશનાં પ્રતિબિંબ ચારે પાસ ફેંકતી, પાઉડર અને રંગથી ગોરપણ અને લાલાશ વધારી રહેલી હિંદની સ્ત્રીજનતા જે દૃશ્ય ઊભું કરતી હતી, તે હોલીવુડની વખણાતી નટીઓ દ્વારા ઊભા થતા દૃશ્ય કરતાં ઓછું સુંદર કે ઓછું ઝાકઝમાળ ભાગ્યે જ લાગે. પુરુષોની દૃષ્ટિ ચારે પાસ ફરવા લાગી. સહુએ વાત, સ્મિત કે હાસ્ય કરવા માંડ્યા. નાટ્યગૃહમાં પોતાના કરતાં કોઈએ વધારે વિશિષ્ટતાભર્યા વસ્ત્રાલંકારો પહેર્યા હતાં કે નહિ તેની સ્ત્રીવર્ગે એક નજરમાં ખાતરી કરી લીધી. પોતાની પાસે બેઠેલી સ્ત્રી બીજી કોઈ પણ સ્ત્રી કરતાં વધારે દેખાવડી હતી કે નહીં તેની પુરુષવર્ગે - એકી નજરે તો નહીં - ખાતરી કરી લીધી.

પરાશરના ખભા ઉપર કોઈએ હાથ મૂક્યો, અને ચમકીને તેણે પાછું જોયું. રંભા હસતી હસતી પરાશરને પૂછવા લાગી :

‘તમે પણ સિનેમા જોવા આવ્યા છો શું ? મને ખબર પણ ન આપી ?’

‘હું અકસ્માત આવી ચઢ્યો.’

'સારું થયું, તમારી ઓરડીમાંથી ઘડી છૂટ્યા તે.'

‘કેમ ?' ‘દિનચર્યાનો સારામાં સારો અંત કયો ?’

‘તમે જ કહો.'

‘એક સરસ ચિત્ર જોઈ સૂઈ જવું તે.'

‘હશે.'

‘ચાલો, મારી સાથે બેસો; હું ખાતરી કરી આપું.’

‘મારા મિત્ર મારી સાથે છે, ડૉક્ટર કુમાર.'

'તે ભલે ને આવે, ચાલો.’ કહી રંભાએ પરાશરનો હાથ પકડ્યો. પરાશરને લાગ્યું કે પ્રેક્ષકો ચિત્રને બદલે તેને જોતા થાય તે પહેલાં તેણે રંભાના આગ્રહનો સ્વીકાર કરી લેવો એ જ સલામતીભરેલું હતું.

‘ચાલ, કુમાર ! ત્યાં બેસીએ.' પરાશરે કહ્યું.

‘તું દોરીશ ત્યાં મોજ જ હશે.' કુમારે હસીને ધીમેથી જવાબ આપ્યો. બંને જણે ઊઠી ખુરશીઓની વચગાળે રહેલી જગામાં થઈ જવા માંડ્યું.

‘મૉજ તો નહિ જ, જીવનનાં વમળો કદાચ હશે.' પરાશરે સામો જવાબ આપ્યો.

‘મૉજના ધરા કરતાં શું ખોટું ?’

જીવનનાં વમળો માનવીને શોષી ખેંચી મોતનાં ધરામાં પણ ઉતારી દે છે એ સત્ય પરાશરે આજે જોયું હતું. ડૉક્ટરનું તે તરફ ધ્યાન તેણે ખેંચ્યું નહિ, પરંતુ એકાએક તેને પોતાને જ કોઈ વમળ ખેંચતું હોય એમ લાગ્યું.

ભાસ્કર અને શોભના સાથે સાથે ખુરશીઓ ઉપર બેસી સ્મિતપૂર્વક વાતો કરતાં હતાં. ! રંભા તેને તે બાજુએ જ દોરી જતી હતી. વિની અને તારિકા પણ તે જ હારમાં પાસે બેઠાં હતાં. સ્મિત પૂરું થતાં પહેલાં જ શોભનાએ પરાશર અને રંભાને નિહાળ્યાં. તે સહજ સ્થિર બની. તેણે નજર ફેરવી નાખી, અને તે ભાસ્કર સાથે વાતોએ વળગી. પરંતુ ભાસ્કરે પણ પરાશરને અને કુમારને જોયા હતા. રંભા એ બંનેને પોતાની પાસે જ લાવતી હતી, એ તેની નજર બહાર ન રહ્યું. તેણે હસીને કહ્યું :

‘ડૉકટર તો આવે, પણ આ ગરીબનો બેલી અહીં ક્યાંથી ?’

'તમારા અને ગરીબોના દિનાન્તની સરખામણી કરવા.' પરાશરે પણ હસીને જવાબ આપ્યો. તેનું હાસ્ય અને તેનો જવાબ કેટલાક સમયથી ધારદાર હથિયાર સરખાં બની ગયાં હતાં, પરંતુ ભાસ્કરની મૈત્રીઉદારતા ઘણું ઘણું સહન કરી લેતી હતી.

'હવે ચાલ, બેસી જા. ઘંટડી થઈ.’ ભાસ્કરે કહ્યું. ‘જુઓ. તમે શોભના સાથે વાત કરો છો. હું એકલી પડતી હતી. તે પરાશરને ખેંચી લાવી. અમે બે સાથે બેસીશું. અને આ ડૉક્ટરને વિની અને તારિકાની વચ્ચે બેસાડીએ તો કેવું ?’ રંભા ખડખડ હસી પડી; એ હાસ્યમાં સત્ય હતું; વિની અને તારિકાએ ડૉક્ટર કુમારને પોતાની વચમાં બેસાડવા જરા પણ નાખુશી બતાવી નહિ. અને અંધારું પાછું થઈ ગયું હોવાથી રંભા અને પરાશર સાથે સાથે ઝડપથી બેસી જાય અને પ્રેક્ષકોને હરકત ન કરે એમાં જ સારી રીતભાત રહેલી હતી.

દૃશ્યનો બીજો ભાગ શરૂ થયો. પ્રથમ વિભાગ કરતાં એ વધારે રસપ્રદ હતો - સ્વાભાવિક રીતે જ. એમાં સમુદ્રસ્નાનનાં દૃશ્યો આવતાં હતાં, બગીચામાં ચંદ્રપ્રકાશનાં દૃશ્યો આવતાં હતાં. સ્નેહ કરવો કે ન કરવો તેની ગૂંચવણમાં પડેલાં નાયકનાયિકાની થોડી ગૂંચવણ ઊકલતી હતી અને થોડી ગૂંચવણ વધતી હતી, એટલે ગૂંચવણ ઊકલતાં તેઓ પરસ્પર પ્રેમ કરતાં હતાં, અને ગૂંચવણ વધતાં તેઓ બીજાની સાથે પ્રેમ કરતાં હતા ! દૃશ્યનો 'ટેમ્પો’ આમ વધ્યો જ જતો હતો.

એકાએક પરાશરના હાથ ઉપર રંભાનો હાથ ઊતરી આવ્યો. સ્ત્રીના હાથ ઉપર પુરુષ હાથ મૂકે તો સ્ત્રી બૂમ પાડે, ધોલ મારે અગર ચંપલ પણ ફટકાવે; પરંતુ પુરુષના હાથ ઉપર સ્ત્રી હાથ મૂકે તો શું કરવું તેની વ્યૂહરચના હજી જાહેર થઈ નથી. પરાશરથી રંભાનો હાથ તરછોડાય એમ ન હતું. એવો અતિ પવિત્રતાનો દેખાવ કરવા જેટલો નીતિઘમંડ હજી તેનામાં જામ્યો ન હતો. અને... અને સ્ત્રીનું સાન્નિધ્ય અને સ્ત્રીનો સ્પર્શ તેને અણગમતાં લાગ્યાં ન હતા !

‘આ શોભના ! જોઈને ?’ બહુ જ ધીમેથી રંભાએ પરાશરને કહ્યું.

‘હા, કેમ ?’

‘જ્યારે જોઈએ ત્યારે ભાસ્કરની સોડમાં જ, લોકો વાતો કરવા માંડશે.' નવીન યુગની સુશિક્ષિત યુવતી રંભા - નવીન નીતિનો આદર્શ સેવતી રંભા - જાતે જ પરાશરનો હાથ પકડી રહી હતી, છતાં શોભનાની નીતિ-જુનવાણી નીતિ સાચવવાની તે ચિંતા કરતી હતી !

એ ચિંતા કરતી હતી કે તેને ઈર્ષા થતી હતી ? કદાચ પરાશરની પાસે બેસી સ્પર્શની ચેષ્ટા ચાલુ રાખવા માટે તેણે બાહ્ય દૃશ્ય તરીકે પણ આ વાત શરૂ કરી હોય.

‘તમને લોકોની વાતનો આટલો બધો ભય છે ?' પરાશરે પૂછ્યું. રંભાને લાગ્યું કે પરાશર તરફનું આ ઉત્તેજન છે - લોકભયનો ત્યાગ કરવાના કહેણ નીચેનું આમંત્રણ છે. ‘એમ નહિ, હું તો સહજ કહું છું.’

‘હું નિંદાસ્તુતિમાં માનતો જ નથી.’

રંભાને એ કથન ગમ્યું. તેણે પરાશરના હાથને વધારે સ્પષ્ટતાથી - વધારે સરળતાથી પોતાના હાથમાં લીધો. જરા રહીને તેણે પૂછ્યું :

'હું તમને તું કહીને બોલાવું તો હરકત છે ?’

‘જરાય નહિ. ક્‌વેકર્સ એમ જ કરે છે.*[૩] આપણે ત્યાં તો એ માન્ય પ્રથા છે. બહુવચન અંગ્રેજો સાથે વધારે પ્રમાણમાં આવ્યું. કોમરેડ્ઝ+[૪] એકવચનનો ઉપયોગ કરે તો એકબીજાની વધારે નજીક આવે.'

‘અત્યારથી જ હું તને તું કહીશ.’

'વારુ.'

'અને તું મને શું કહીશ ?’

‘રંભાગૌરી !'

'હટ્ર !’ કહી રંભાએ છૂપું છૂપું છણકોઈને પરાશરનો હાથ છોડી દીધો, અને વળી પાછો પ્રકાશ નાટ્યગૃહમાં ફેલાયો. ચિત્ર અટક્યું અને વેચનારાઓના પોકારોએ ચિત્રને ચૂંથી નાંખ્યું.

ઈન્ટરવલમાં આઈસક્રીમ લેવું, લેમન લેવું કે ખારીશીંગ અને પિસ્તાં, એ જેના તેના સંસ્કાર ઉપર આધાર રાખે છે. આઈસક્રીમ એ ઊંચામાં ઊંચા સંસ્કારની નિશાની છે, લેમોનેડ એ મધ્યમ સંસ્કારનું પ્રતીક છે, અને શીંગ તો દરિદ્રી પ્રથાની સૂચક ગણાય છે. જોકે ઘણી વખત પ્રત્યેક વર્ગના સંસ્કાર સાથે સહાનુભૂતિ બતાવવા પ્રત્યેક વસ્તુની ખરીદી થાય છે.

વળી પહેલાં ઈન્ટરવલમાં સ્વાદેન્દ્રિયને બહેકવા દેવી કે બીજા ઈન્ટરવલમાં એ એક નાજુકીભર્યો પ્રશ્ન છે. વસ્તુ ભાવે છતાં તેના તરફ ઉદાસીન દેખાવું એ લઢણ સમૂહમાં માન્ય થઈ પડી છે, એટલે સારા માણસો પહેલાને બદલે બીજા ઈન્ટરવલ સુધી ખામોશ રાખી. આઈસ્ક્રીમ ખાતા નથી - જોકે એકલ અગર રીઢા વિસ્તારી ગૃહસ્થો અંધારામાં કાંઈ કરવાનું ન હોવાથી દૃશ્ય જોતાં જોતાં શીંગ કે પિસ્તાં ખાવાની ધૃષ્ટતા કરે પણ છે. છોકરીઓ ઘણી વાર ચૉકલેટ પણ પસંદ કરે છે.

ધનિક ભાસ્કરે પોતાની પરિચિત મંડળીમાં આઇસક્રીમ વહેંચાવ્યું. ધનિક ન હોવા છતાં ધનિક દેખાવાની બહુ જ આકાંક્ષા એક વખત રાખતા ડૉક્ટર કુમારે સહુમાં ચૉકલેટ, શીંગ અને પિસ્તાંનાં પડીકાં વેર્યાં, પરાશરે આઈસક્રીમ લેવાની ના પાડી. ભાસ્કરને સહજ બૂમ મારી રંભાએ કહ્યું :

'આ પરાશર આઈસક્રીમ લેતો નથી.’

‘અહીં આ શોભના આઈસક્રીમની ના પાડે છે.' ભાસ્કરે કહ્યું.

‘તો પછી એ બંનેને સાથે બેસાડો.' ડૉક્ટર કુમારે ચમકતી મજાક કરી.

સહુ હસી પડ્યાં. પરાશર ઓછું હસ્યો, તે રંભાએ જોયું. શોભના બિલકુલ ન હસી તે ભાસ્કરે પણ જોયું. શોભના ઉપર તેની ત્રણે બહેનપણીઓની આંખ ચોકી કર્યા કરતી હતી, તેની કોઈને ભાગ્યે જ ખબર પડી હશે. શોભના બહુ હસતી નહિ, તેને હસાવવાના પ્રયત્નો ઘણીવાર નિષ્ફળ નીવડતા; પરંતુ અત્યારની તેના મુખ ઉપરની સખ્તાઈ તેની બહેનપણીઓને જરા વધારે પડતી લાગી.

પાછું અંધારું થયું અને સહુ પડદા તરફ જોવા લાગ્યાં. દૃશ્યનો આ છેલ્લો ભાગ હતો. એટલે તેમાં હૃદયમંથનો વધારે આવે, આંસુ અને વિશ્વાસ ઘડી ઘડી દેખાય અને સંભળાય, અને પ્રેમ જડ શરીરને છોડી હૃદયની ભૂમિએ ઊંચકાય એ સંભવિત હતું. ખરી હૃદયદ્રાવક ક્ષણે રંભા અને પરાશરે ભાસ્કરનો ધીમો અવાજ સાંભળ્યો :

‘ક્યાં જઈશ, શોભના ?’

‘બહાર.’ શોભનાએ કહ્યું.

'કેમ ?'

‘મને રૂંધામણ થાય છે.'

‘હું સાથે આવું છું.’

‘ના, હું એકલી જઈશ.’

ઝડપથી શોભના ચાલી. વિની, કુમાર ને તારિકાને પગે અથડાતી શોભનાને જતી નિહાળી પરાશરે પગ ખુરશી નીચે ખેંચી લીધા, પરંતુ શોભનાને તમર આવ્યાં લાગ્યાં. તે પરાશરનો પગ અડકતાં હાલી ગઈ, લગભગ પડી ગઈ. તેનો એક હાથ પરાશર ઉપર ટેકાયો. પરાશરે તેને ઝીલી લીધી, અને પોતે ઊઠી પોતાને સ્થાને તેને બેસાડવા લાગ્યો.

‘મારે બેસવું નથી.' શોભનાએ કહ્યું.

પરાશરે શોભનાનો હાથ ઝાલી રાખ્યો અને પ્રેક્ષકોને ખરે વખતે ત્રાસ આપી. તેણે શોભનાને ખુરશીઓની હાર વચ્ચેથી આગળ કરી બહારના છજાની ખુલ્લી હવામાં એક ખુરશી ઉપર બેસાડી.

શોભના ખરેખર પરાશરની સહાય વગર પડી હોત, કદાચ મૂર્છિત પણ બની ગઈ હોત. ખુરશી ઉપર બેસી તેણે પરાશર સામે એક નજર કરી અને તત્કાળ તેણે આંખો મીચી દીધી. પરાશર પાસે ઊભો રહ્યો. શોભનાના હાથમાં રહેલો રૂમાલ ખેંચી તેણે પવન નાખવો શરૂ કર્યો.

‘જરૂર નથી.' આાંખો બંધ રાખી શોભના બોલી, પરાશરે રૂમાલ પાછો સોંપ્યો. શોભનાએ જરા રહી આંખો ઉઘાડી. પરાશર સામે ઊભો હતો.

‘મારી પાસે કોઈની જરૂર નથી.' શોભનાએ કહ્યું.

પરાશર શોભનાને મૂકી થોડે દૂર ગયો, અને શોભના તરફ જ જોવા લાગ્યો. જરા વારમાં ડૉક્ટર કુમાર અને ભાસ્કર બંને બહાર આવ્યા. અને શોભનાની સારવાર માટે તેની આસપાસ ફરી વળ્યા.

‘મને કશાની જરૂર નથી. હવે મને સારું છે.’ શોભનાએ કહ્યું.

‘પણ થયું શું ?' કુમારે પૂછ્યું.

‘મને ફેર આવી ગયા.'

'શાથી ?'

‘કોણ જાણે; પણ હવે તમે અંદર જઈ બાકીનું ચિત્ર જુઓ.’ શોભનાએ કહ્યું.

'તમારા વગર ?’ ભાસ્કરે પૂછ્યું.

‘હું પણ આવું ચાલો.’ શોભના બોલી. જો કે તે જાણતી હતી કે દૃશ્ય ઘણું લાંબું બાકી રહ્યું ન હતું.

‘હાથ ઝાલી લઉં ?' ભાસ્કરે કહ્યું.

‘ના, ચાલશે.’ શોભનાએ જવાબ આપ્યો. બધાં અંદર ગયાં; પણ પરાશર ઊભો રહ્યો. એને ચિત્ર ગમ્યું, કે ન ગમ્યું તે એના મુખ ઉપરથી સમજાતું ન હતું. આસપાસ લટકાવેલાં નાનાં ચિત્રો અને છબીઓ તથા કલામય ઢબે આયનાઓ સામે મુકાયલાં પ્રસિદ્વિચિત્રો- Postersની સામે જોતો હોવા છતાં તેની દૃષ્ટિ બાહ્ય જગતને જોતી જ ન હોય એવી ઊંડી ઊતરી ગઈ હતી. રંભા પાસે આવી ઊભી રહી પણ એને ખબર ન રહી.

‘છેલ્લો ભાગ ઘણો સરસ છે. તારે નથી જેવો ?' રંભાએ પૂછ્યું. નિદ્રામાંથી જાગી ગયા જેવી સ્થિતિ અનુભવતા પરાશરે કહ્યું : 'ના.'

‘ખોટું લાગ્યું ?'

‘કોના ઉપર ?’

‘મારે યે અંદર નથી જવું.’

'કેમ ?'

‘પેલો ભાસ્કર ! કેવું બોલી ગયો ?’

‘શું બોલી ગયો ? તમને કાંઈ કહ્યું ?’

‘મને કહે તો હું માથું ન ફોડી નાખું ? એ તો શોભનાની ખુશામત કરવામાં તારું ભૂંડું બોલતો હતો.’

‘એમ ?’

‘કહ્યું કે પરાશરના બરછટ હાથ શોભનાને લાગ્યા હશે ! જાણે બધી સુંવાળાશ એ બેમાં જ ભરી ન હોય !’

‘વાત ખરી છે. મારા હાથમાં આાંટણ પડ્યાં છે, અને મારી આંગળીઓ દીવાની જ્યોત જેવી tapering-અણિયાળી નથી.’

‘બંનેને રૂપનું કેવું અભિમાન છે; જાણું છું.’

‘અને એ અભિમાન વાસ્તવિક છે. ભાસ્કર જેવું રૂપ આખા થિયેટરમાં મેં ન જોયું, અને શોભના...સામે.... જોવું ગમે એમ છે, નહિ ?’

‘તું ચીડવને મને !’

ચિત્ર બંધ પડ્યું, અને સમાપ્તિદર્શક કોલાહલ શરૂ થઈ પ્રેક્ષકનાં ટોળાંએ બહાર આવવા માંડ્યું. ભાસ્કર, કુમાર અને ત્રણ સહિયરો પણ ધીમે ધીમે બહાર આવી ગયાં હતાં.

‘ક્યાં ગઈ હતી, રંભા ?' વિનીએ પોતાના “બૉબ્ડ” વાળને આછો કલામય ઝોલો આપી પૂછ્યું.

‘પરાશરની પાછળ, બીજે ક્યાં ?' તરિકાએ ધીમેથી કહ્યું અને સહુ હસી પડ્યાં.

‘ચાલો, હું જેને તેને ઘેર પહોંચાડી દઉં.' ભાસ્કરે કહ્યું.

‘હું અને ડૉક્ટર ચાલી નાખીશું.’ પરાશરે કહ્યું.

‘ડૉક્ટરને ત્યાં રહેવું છે ?’

‘ના; એ મારે ત્યાં આવે છે.’

'તારે ત્યાં ડૉકટર ? એમને ફાવશે ?' ‘શા માટે નહિ ? હું તો ઈચ્છું કે તું પણ મારે ત્યાં આવે.'

‘તારે ત્યાં તો નહિ પણ તારા ઘર સુધી તો આવીશ. બધાં ગમે તેમ કરી સમાઈ જઈશું.’

ભાસ્કરની કારમાં પાછું નાનું વર્તમાન જગત ભેગું થયું, અને આગળ વધ્યું.


‘આ મારી ઓરડી.’ પરાશરે કહ્યું.

'તને ફાવે છે ?’ ડૉક્ટર કુમારે પૂછ્યું.

‘હિંદીઓને પસંદગીના હક્ક છે ખરા ? હિંદનો મોટો ભાગ આથીયે ખરાબ ઓરડીઓમાં રહે છે; અરે કૈંકને તો ઝૂંપડી પણ મળતી નથી !’

‘માટે આપણે આવામાં રહેવું ?’

‘હા, નહિ તો શોષિતોનો વર્ગ એ કલ્પના જ બની રહે છે. આ ઓરડીઓને ઓળખવી હોય તો મહેલ અને બંગલામાં બેઠે બેઠે ન બને.'

‘આજની રાત રહી જાઉં.'

‘મારો ખાટલો મચ્છરદાનીવાળો છે; તેમાં તને કદાચ ઊંઘ આવશે.'

‘તું શું કરીશ ?’

‘હું હજી થોડું લખીશ અને પછી સાદડી ઉપર સૂઈ જઈશ.’

‘લખવું છે ? તારા પત્ર માટે ?’

‘ના; મારા પત્રનું કામ પૂરું કરીને જ હું નીકળ્યો હતો; પરંતુ હું નવરાશ કાઢી બીજું કૈંક લખું છું.’

રતને ઓરડીમાં બીતે બીતે પ્રવેશ કર્યો. અત્યાર સુધી પરાશર પાસે છોકરીઓ આવી જતી. આજે કોઈ સફાઈદાર યુવાન તેની જોડે આવ્યો હતો. રતનને આવી ન સમજાતી ચર્યાવાળા પરાશરની ઓરડીમાં આવતા સ્વાભાવિક સંકોચ થાય જ.

‘કેમ રતન ! અંદર આવ. આપણે એક ડૉક્ટર મેળવ્યા.' પરાશરે કહ્યું.

'ડૉક્ટર ? આપણી દવા માટે ?’ રતને પૂછ્યું.

‘બહુ જણ માંદાં પડે છે; છોકરાં તો રોજ માંદાં. ડૉક્ટરસાહેબ અહીં જ રહેશે ?'

‘આજથી અહીં રહેવાની ટેવ પાડે છે.'

‘માંદાંને તો વૈદ-ડૉક્ટર એટલે પરમેશ્વર ! બહુ સારું થયું. એ અહીં જ રહે તો અંબામાને ઘીનો દીવો કરું !’

‘પણ અંબામા ડૉક્ટરની ફી આપશે. ખરાં ?' ‘મારા મનમાં કે તમે જેમ ભણાવવા આવ્યા છો, તેમ ડૉક્ટર બધાંની દવા કરવા આવ્યા છે.’ રતને જવાબ આપ્યો.

'છે તો એમ જ; પણ તે કાંઈ લખ્યું ?'

‘હા, આ રહ્યું.' કહી શરમાતી રતને એક તૂટેલી સ્લેટ પરાશરને બતાવી. પરાશર રતનનો પ્રયાસ જોઈ રાજી થયો. તેને લાગ્યું કે રતનને અપાયેલું શિક્ષણ - એક જ દિવસનું શિક્ષણ નિષ્ફળ જાય એમ નથી. તેણે કહ્યું :

‘વાહ, આમ કરીશ તો એક અઠવાડિયામાં છાપું વાંચતી થઈ જઈશ.'

‘બીજી બેત્રણ બાઈઓને મેં ઊભી કરી છે, એ પણ શીખશે.'

‘એ તો બહુ જ સારું કર્યું. હું તમને બધાંને છાપાં વાંચતાં કરીને પછી અહીંથી જવાનો.'

‘ક્યાં જવાના ?'

‘બીજી ચાલીઓમાં.’

‘મને આગળ લખી આપો.' રતને માગણી કરી.

પરાશરે આગળ બારાક્ષરી લખી આપી. રતનનું પોતાનું નામ લખાવ્યું અને એક ગુજરાતી વર્તમાનપત્રનાં મોટા અક્ષરવાળાં મથાળાં વંચાવવા પ્રયત્ન કર્યો. રતન બહુ જ આજ્ઞાધારી શિષ્યા લાગી.

‘બસ, આજ પૂરતું ભણી આવતી કાલે તને એક બીજી બહેનોને શીખવીશ. - સવારમાં.'

‘હા, બધા મરદો મજૂરીએ જાય એટલે અમને ફાવશે. હવે તમને પણ હું સૂવા દઉં.'

‘તારી પણ રાહ જોવાતી હશે !’ સિનેમાની અસર હજી ભૂસાઈ ન હતી એટલે પરાશરે કહ્યું.

‘મારી તો કોઈયે રાહ જોતું નથી ! પીઈને બધા પડ્યા છે તે જોયા નહિ.'

દારૂને બેભાનીનું સુખ પૂરતું મળે છે. દારૂને જોઈતી વાસનાતૃપ્તિ પણ ભેદભાવ રહિત હોય છે. શરાબીને કલા, સંસ્કાર કે સગપણની છોછ રહેતી નથી.

રતન ચાલી ગઈ. કુમાર વગરબોલ્યે ખાટલામાં સૂઈ રહ્યો હતો. તેને નિદ્રા આવી હતી કે નહિ તેની પરાશરને ખાતરી ન હતી. તે જાતે ફાનસ હળવું કરી સાદડી ઉપર સૂતો. રોજ તો તે ફાનસ હોલવી નાખતો, પરંતુ આજ કુમાર મહેમાન બન્યો હતો. એટલે તેની સગવડ ખાતર દીવો બળતો રાખી તે સૂતો.

સૂતે સૂતે રતનના મુખમાં અને સિનેમાની યુરોપિયન નાયિકાના મુખમાં કંઈ સામ્ય દેખાયું. રતનને પણ સારાં કપડાં મળે, મુખશૃંગારનાં સાધનો મળે, શિક્ષણ અને કલાનો સાથ મળે તો તે પણ સિનેમાની કોઈ અદ્ભુત નાયિકા બની અનેક પુરુષોનાં હૃદય ઉપર સામ્રાજ્ય ભોગવી શકે !

થિયેટરમાં તેણે કૈંક સજીવ દૃશ્યો જોયાં હતાં, કૈંક અપ્રેમીઓ પ્રેમી બનતાં હતાં, કૈંક પ્રેમીઓના પ્રેમ ઉગ્ર બનતા હતા, અને કૈંક નવા પ્રેમ બંધાતા હતા. તેને પ્રેમીનો વિરોધ ન હતો; પ્રેમીઓનો પ્રેમ પ્રત્યે તેને ઉપહાસવૃત્તિ ન હતી, એ આવશ્યક મનોભાવને અતિશય બંધનમાં બાંધવાથી તેનાં ભૂતાવળ સરખાં સ્થળ સ્વરૂપો સંસારમાં ક્ષણે ક્ષણે ઘૂમરી લીધા કરતાં હતાં, તેની એને અસર હતી. એટલે પ્રેમ અને પ્રેમી યુગલો તરફ એ ઉદાર બની શકતો હતો; પરંતુ આ પ્રેમ - આ ઊભરાતો પ્રેમ - અનેક વિચિત્ર આકૃતિઓ ધારણ કરી રહેલો કામ - પ્રજાજીવનને, બળવાન યૌવનને કયે માર્ગે દોરી રહ્યો હતો ?

હિંદનો યુવક અને હિંદની યુવતી જાણે છે કે હિંદ પરાધીન છે. પરાધીનતામાં પ્રેમ થઈ શકે ? બેડીબાંધ્યા દેહ તરફ બેડી તૂટતા પહેલાં આકર્ષણ થાય ખરું ! અને તેમ થાય તો બેડી તોડવાનું બળ ઘટતું ન જાય?

અગ્નિશિખા સરખો ક્રાંતિકારી યુવક ભાસ્કર સહેલાણી જ નહિ પણ યુવતીઓની જ સોડ તથા સાડી ઝંખતો વિષયી બની જઈ ક્રાંતિને બેવફા બનતો જાય એ આ પ્રેમના જ પ્રતાપ, નહિ ? ધ્યેય ચુકાવે એ પ્રેમ પ્રગતિનો રોધક જ ગણાવો જોઈએ. કેટકેટલા યુવકો અને યુવતીઓ આશા આપી અંતે પ્રેમ, કામ કે મોહમાં પડી આશાનો અવરોધ કરતા - અરે ધ્યેયને જ પાછું હઠાવતા પ્રવાહમાં સામેલ થઈ ગયા ? પરાધીન હિંદના યુવાનને પ્રેમવાસના એ શરમ રૂપ નથી શું ?

યુવતીઓ પણ પોતાના દેહ અને મનને સજી-સજાવી દેહના અંતિમ સમાગમસુખને જ જાણે શોધ્યા કરતી હોય એમ શું લાગતું ન હતું ? રંભા સરખી સંસ્કારી યુવતી પરાશર સરખા અનાકર્ષક બની ગયેલા ઊર્મિજડ યુવકનું સાન્નિધ્ય શોધતી હતી, એમાં પણ પરાશરને વર્તમાન યુગની વિવિધમુખી લાલસાનાં જ દર્શન થયાં. અને શોભનાની આછી મૂર્છા...

શોભના યાદ આવતા પરાશર બેઠો થઈ ગયો. વારંવાર ભાસ્કર અને શોભનાને જોડાજોડ રહેતાં તેણે નિહાળ્યાં. ભાસ્કર પ્રત્યેનો વધતો જતો અભાવ પરાશર પ્રત્યેની ઈર્ષાનું તો પરિણામ નહિ હોય ?

શોભનાએ તેની સામે જોયું હતું, શોભનાએ તેની સામેથી આંખ ખસેડી લીધી હતી; શોભના તેની સાથે બોલતી નહિ, છતાં તેની આંખ અને મુખ કાંઈ કાંઈ બોલતાં જ હતાં, એમ કેમ લાગ્યા કરતું હતું ? સિનેમામાં તેને ફેર કેમ આવ્યા ? ફેર આવ્યા તો તે પરાશરની પાસે જ આવતાં કેમ પડવા સરખી થઈ ગઈ ? અને શોભનાએ પોતાનો દેહ પરાશરને હાથે દોરાવા દીધો, એ શું ?

એ કેટલી બદલાઈ ગઈ હતી ? ચાર-પાંચ વર્ષ પહેલાં તેને જોઇ હતી; પછી પણ ક્વચિત્ એની ઝાંખી થઈ જતી. તે વખતે પણ શોભના સુંદર અને ગમે એવી હતી; પરંતુ અત્યારે તો શોભના રૂપ રૂપનો અંબાર બની ગઈ હતી ! સ્વાતંત્ર્યનું ધ્યેય જતું કરીએ તો પછી જીવનમાં સૌંદર્ય જ રહે ને ? અને શોભના સરખું સૌંદર્ય કદાચ સ્વાતંત્ર્યને પણ કદરૂપું બનાવે તો તેમાં આશ્વય નહિ.

એ સૌંદર્ય શોભનાના રંગમાં હતું ? મુખમાં હતું ? આંખના ચમકારામાં હતું ? કદી કદી સંભળાતી કંઠમાધુરીમાં હતું ? તેની છટામાં હતું કે તેનાં વસ્ત્રોની ગોઠવણમાં ?

'...છટ્ર.... !’ પરાશરથી બોલાઈ ગયું.

‘કેમ શું થયું ?' કુમારે પૂછ્યું.

‘કાંઈ નહિ, પણ તું જાગે છે ?’

'આટલો મોટો છટકાર કર્યો એટલે ગમે તેવી ઊંધ હોય તોય ઊડી જાય.'

‘હું બહુ દિલગીર છું, કુમાર ! મને એટલા જોરથી મચ્છર કરડ્યા કે મારાથી એમ બોલાઈ ગયું.’

‘તો તું હવે મચ્છરદાનીમાં સૂઈ જા; હું થોડી વાર તારી જગા લઉં.’

‘અંહં. હું મારી જગા કોઈને આપતો નથી.' કહી પરાશર પાછો આડો પડ્યો.

'હં.' હસીને કુમારે પાસું બદલ્યુ. કુમારના હાસ્યનું હાસ્ય તે સમજ્યો. તેના પોતાના જ ખાટલામાં તેણે અત્યારે જ કુમારને સૂવા દીધો હતો !

અને... અને... શોભનાને ભાસ્કર તરફ પણ તેણે આકર્ષાવા દીધી હતી ! પરાશરે આંખ મીંચી દીધી. તેની મીંચેલી આંખ વીંધીને શોભના તેની સામે આવીને ઊભી રહી ! પરાશરે પાસું બદલ્યું; પરંતુ પાસું બદલવાથી મન બદલતું નથી. શોભના બીજી પાસ આવીને ઊભી રહી. ઘણી વાર ખુલ્લી આંખ કરતાં મીંચેલી આંખ વધારે દર્શનશક્તિ ધરાવે છે. પરાશરે આંખો ઉઘાડી નાખી.

ઝાંખા દીવાએ ઓરડીની સખ્ત સાદાઈનું ગંભીરતાથી પ્રદર્શન કર્યું. ક્યાં આ ઓરડી ? અને ક્યાં સ્ત્રીસૌંદર્યના ખ્યાલ ? ચાલીની મલિનતા અને ઓરડીની કઠોરતા સુંવાળી ઊર્મિઓને આવવા દે એવાં ન હતાં; છતાં એ ઊર્મિઓ સહજ ઊછળી ગઈ !

સહજ ? હૃદય ધબકી ઊઠ્યું હતું ! દેહમાં વીજળી ઝબકી ગઈ હતી ! સ્ત્રીની હાજરીમાં જે ભાવ ન આવે તે ભાવ માત્ર સ્ત્રીના સ્મરણે જાગી ઊઠ્યા હતા. !

મલિન ચાલીનો એ દોષ કે નાનકડી ઓરડીનાં એ પાપ ? જેમ સ્વચ્છતા વિલાસપ્રેરક બને છે, તેમ મલિનતા પણ વિલાસપ્રેરક બને છે !

કે રંભાની વધતી જતી મૈત્રી એ માટે જવાબદાર હતી ? રંભાને પરાશરમાં શું આકર્ષણ દેખાયું હશે તેની પરાશરને સમજણ પડતી ન હતી. છતાં રંભાનાં આહ્વાન બહુ જ સ્પષ્ટ હતાં. એ સમજવા જેટલી રસિકતા પરાશરમાં રહી હતી. સ્ત્રીપુરુષના અતિ સહવાસનું એ પરિણામ હોય !

પણ એ જે હોય તે ખરું. સહવાસનાં જે પરિણામ આવે તે ખરાં ! સ્ત્રીપુરુષને આમ સહશિક્ષણ, મૈત્રી અને સહચાર વગર ચાલે એમ નથી. કુટુંબ છોડી સ્ત્રી સમાજમાં પ્રવેશી ચૂકી છે, ગૃહ છોડી સ્ત્રી સમૂહમાં આવી ચૂકી છે. સમાજમાં પુરુષ-સ્ત્રી બન્ને હોય ! નવીન સ્વાતંત્ર્ય વધારે ચાંચલ્ય આપે; પણ હવે સ્ત્રી-પુરુષના સહકાર પાછા વળી ન જ જાય !

કદાચ સિનેમાનું દૃશ્ય આવી ઊર્મિઓ માટે જવાબદાર હોય ! સ્વતંત્ર પ્રજાઓને વિલાસ-વૈભવનો અધિકાર છે; સ્વતંત્ર પ્રજાઓને પ્રેમના પ્રયોગો કરવાની છૂટ છે; સ્વતંત્ર પ્રજાઓને લગ્ન કે અલગ્ન જીવનના અખતરાઓમાં ઊતરવાની નવરાશ છે; સ્વતંત્ર પ્રજાઓ વિલાસ, વૈભવ, વાસના ને બંધનરહિત સહચારના પ્રયોગો માટે ઉદાર દૃષ્ટિ ખીલવી શકે અને સામાજિક પુનર્ઘટના અર્થે પ્રયોગશીલ વ્યક્તિઓનાં કહેવાતાં સ્ખલનો પ્રત્યે ઉપેક્ષા, ઉદાસીનતા કે રસ વુત્તિ કેળવી શકે; પરંતુ હિંદવાસીઓ સ્વતંત્ર પ્રજાઓના અનુકરણમાં - સ્વતંત્ર પ્રજાની પ્રયોગશીલતાના વખાણમાં એક મહત્ત્વની વાત કેમ ભૂલી જાય છે? એ પ્રજાઓ સ્વતંત્રતાના વજ્રશિખરે બેસીને આ બધું કરે છે ? હિંદવાસીના માથા ઉપર તો મુગટને બદલે પગ મુકાયલો છે ! એને આ વિલાસ શા ? એને આ વાસના શી ? પરાશરે એક જ ધ્યેય સ્વીકાર્યું હતું : હિંદને સ્વતંત્ર બનાવવું. એ ધ્યેયની સિદ્ધિ અર્થે એમણે અભ્યાસ આગળ ન વધાર્યો. એ અર્થે તેણે સરકારી નોકરી ન સ્વીકારી; એ અર્થે તેણે પોતાનું સાધનસંપન્ન ઘર-કુટુંબ ત્યજી દીધાં. ચારપાંચ વર્ષ ઉપર તેને વિલાયત મોકલવાની સઘળી તૈયારી થઈ હતી. વિલાયત જઈ તે સિવિલ સર્વિસમાં જોડાય એવી તેના પિતાની તીવ્ર ઈચ્છા હતી. પરાશરને વિલાયત જવાનું તો બહુ જ મન હતું. ત્યાંના આગેવાનોને મળાય. મજૂરવર્ગના કાર્યક્રમનો અભ્યાસ થાય, સમાજવાદી અને સામ્યવાદી સાહિત્યકારો અને વિચારકો પાસેથી પ્રેરણા મેળવાય, રશિયા જઈ ક્રાંતિને સગી આંખે નિહાળી શકાય, એવાં એવાં સ્વપ્ન તેને આવતાં હતાં. બ્રિટનના શાહીવાદી લોખંડી યંત્રના વિભાગ બનાવાનું તો તે કબૂલ રાખે એમ હતું જ નહિ, પરંતુ તેના પિતા તેના ઉદ્દામ વિચારોને પોષવા માટે વિલાયત મોકલવાનું કબૂલ કરે એ અશક્ય હતું. તેના પિતા તો મહાસભાથી પણ ભડકતા રહેતા, એટલે પરાશરના વાચન અને મનને ઘડેલું તેનું માનસ પિતા આગળ પ્રગટ થયું ન હતું. વળી વિલાયત મોકલતા પહેલાં યુવકોને પરણાવી જ દેવા જોઈએ એવી માન્યતાવાળા પરાશરનાં પિતાએ તેના વિવાહ ને લગન નક્કી કરી દીધાં. વિલાયત જવાના ઉત્સાહમાં તેણે લગ્નને બહુ મહત્ત્વ આપ્યું નહિ. અલબત્ત લગ્નમાં પોતાની પસંદગી હોવી જોઈએ એમ માનતા પરાશરે પ્રથમ તો લગ્નનો વિરોધ કર્યો, પરંતુ તેના પિતાનો કડક આગ્રહ. એમાં વિજયી નીવડ્યો અને કન્યાને દૂરથી જોતાં - તેની છબી નિહાળતાં, તેનાં અભ્યાસની વિગત જાણતાં પરાશરનો અણગમો ઓગળી ગયો. સુખ - આર્થિક સુખ અને અભ્યાસના સંસ્કાર તેને પણ રસિકતા તરફ દોરી રહ્યા હતા. તેને સ્ત્રી જોઈતી હતી, અને સ્ત્રી મેળવવાનો સહેલામાં સહેલો અને સુયોગ્ય રસ્તો લગ્ન હોવાથી તેણે લગ્નનો જબરજસ્ત વિરોધ ન કર્યો. તેણે પોતાનું લગ્ન થવા દીધું - પરંતુ અત્યંત ચૂપકીથી. તેને ઊંડી ઊંડી આશા પણ હતી કે તેની પત્ની સંસ્કારસમૃદ્ધ હશે તો તેના કાર્યને વધારે સારી રીતે સમજશે.

લગ્ન થતાં બરોબર તેને વિલાયત જવાનું હતું. તેની પત્નીને તેણે પ્રેમપત્ર લખ્યો. ધારેલા દિવસે પત્નીનો ઉત્તર મળ્યો નહિ. ધાર્યું ન થાય, અને તે જીવનના ઊર્મિવિભાગમાં તો યૌવનમાં પ્રવેશતા યુવકને કેટલો અણગમો થાય, કેટલી અસ્થિરતા થાય એ યુવાનો જ જાણી શકે.

તે દિવસે તેની નિદ્રા ચાલી ગઈ. ઉજાગરાથી વ્યગ્ર બનેલા પરાશરે રાતમાં એક બાળનોકરને ઉઠાડી ચા બનાવવા આજ્ઞા કરી. સુખી સામ્યવાદી યુવકો બાળનોકરીને આજ્ઞા કરતાં પાછું જોતા નથી. એમની દયા વર્ગ પ્રત્યે હોય છે, વ્યક્તિ પ્રત્યે નહિ. આ બાળનોકરને ભણતરના વિચાર કરવાના ન હતા, તેને હજી પ્રેમમાં પડવાની વાર હતી. આરામ જેવી કોઈ ભાવના, જીવનમાં હોય કે નહિ તેનો ખ્યાલ નોકરના માલિકો તેને ક્ષણભર પણ આવવા દેતા ન હતા. ઘરનાં બાળક, યુવક અને વૃદ્ધ સ્ત્રીપુરુષોની નાની મોટી આજ્ઞાપરંપરા પ્રમાણે નાચતું આ બાલપૂતળું હુકમ, ધમકી, ગાળ અને ક્વચિત્ મારનાં મોજામાં તરતું, ડૂબકાં ખાતું જમીનદારી ગૃહસાગરમાં વહ્યે જતું હતું.

રાતના અગિયાર વાગ્યે સૂતેલા બાળકને પ્રેમની નિરાશા અનુભવતા સંસ્કારી સામ્યવાદી યુવક પરાશરે રાતના એક વાગ્યે જગાડ્યું;

‘સોમલા ! એ સોમલા !’

સોમો - અગર નોકર પ્રત્યેની ઉદાર અને ‘આત્મીય’ વાણી વડે ઓળખાતો સોમલો - ઊભો થઈ ગયો. તેણે આંખો ચોળી અને સહજ અરબડિયું ખાધું.

‘જરા ચા બનાવી લાવ.’ પરાશરે કહ્યું.

"હા જી."

‘કીટલીમાં, હોં.’

‘વારુ સાહેબ !’

કહી સોમો ગુલાંટ ખાઈ પાછો એના કોથળા ઉપર પડ્યો. મહાસભાવાદીઓ અને સામ્યવાદીઓ હજી પોતાના નોકરોને કોથળા સિવાયની પથારી આપવાની જરૂર જોતા નથી કારણ કે કિસાનો, મજદૂરો અને ગ્રામવાસીઓના ઉદ્ધારની ભવ્ય યોજનામાં પોતાની પાસે જ ફરતા કિસાન કે મજદૂરને દાખલ કરવાની ટૂંકી વ્યક્તિગત વાત તેમની દીર્ઘ દૃષ્ટિમાં નથી આવી શકતી. સોમાને લાગ્યું કે તેને સ્વપ્ન આવ્યું હતું. નોકરને સ્વપ્ન પણ બીજાં શાનાં આવે ?

પાંચેક મિનિટ સુધી પ્રેમનિશ્વાસ નાખીને થાકેલા પરાશરે જોયું કે હજી સ્ટવનો સુસવાટ આવતો ન હતો. દુષ્ટ નોકરો ઝડપથી હુકમ પાળતા જ નથી ! અને શોષિત વર્ગની સરમુખત્યારી આવતાં અનેક drives-shocks-વંટોળ સરખા ઝડપી અને જોરદાર સમૂહધક્કા સમાજને આપવા પડશે ! શિસ્તમાં દયા ન હોય.

'પાછો ઊંઘી ગયો લાગે છે, લાત ખાધા વગર એ જાગવાનો નથી.’ એમ મનમાં બોલી પરાશરે સોમાની પાસે જઈ - લાંત તો ન મારી, પરંતુ તેને પગથી ઢંઢોળ્યો.

‘સોમા ! સોમલા !’

‘હા જી, સાહેબ ! ઊઠ્યો.” સોમો ફરી બેઠો થઈ ગયો.

‘ક્યારનો જગાડું છું ને, સુવર ! હજી ઊઠતો નથી ? ચાલ, ઊભો થઈ જા !"

‘હાજી, સાહેબ ! ઊઠ્યો.' ઝબકીને બાર-ચૌદ વર્ષનો નોકર સોમો થઈ ગયો. તે નિદ્રાના ભારણમાં ન હોત તો ઊઠીને તેણે દોડવા માંડયું હોત.

‘ચાલ, જાગ્રત થઈ જા અને ચા બનાવી લાવ.' પરાશરે કહ્યું.

‘ચા.... આપને નથી... આપ્યો ?’ સોમાએ પૂછ્યું. સોમાએ સ્વપ્નમાં ચા તૈયાર કરી માલિકને સંતોષ્યો હતો.

‘ના, તારા જેવા ઊંઘણશીથી ઉઠાય છે ક્યાં ?'

‘હા જી, સાહેબ !' નોકરોએ ગાળને કબૂલી લેવી જોઈએ.

‘જો, પાછો ઊંઘતો નહિ. કીટલી ટ્રેમાં લાવજે. ચાલ, સામું જોયા ન કર.'

‘હા જી, સાહેબ !’ કહી સોમો ટટાર થયો. ઊંઘમાં ઢગલામાંથી પોતાના મનને ખેંચી બહાર કાઢતા સોમાના મુખ ઉપર સહજ સમજણનો પ્રવેશ થયો, અને તેણે પાસેની ઓરડીમાં જઈ સ્ટવ સળગાવ્યો. ભણતાગણતા કુટુંબની ઊજળાશ સરખા પરાશરને તેના સુખી કુટુંબે એકાંત દીવાનખાનું, ઉપહારનાં સાધનો અને ઘરના સઘળા નોકરો ઉપરની માલિકી કૈંક સમયથી આપી રાખ્યાં હતાં. પરાશર આવીને આરામખુરશી ઉપર બેઠો. એક ઊંચી જાતની સિગારેટ સળગાવી તેણે પીવા માંડી, અને લગ્નમાં ન મળતી સગવડ અલગ્ન અવસ્થામાં ભોગવી શકાય કે નહિ તે વિષે બર્ટાંડ રસેલના વિચારો અને પ્રયોગોનું તેણે મનન કરવા માંડ્યું.

આછી ચીસ સાંભળતાં તે સહજ હાલી ઊઠ્યો; પરંતુ એ ચીસ કદાચ બુઝાતા સ્ટવની પણ હોય ! કે પછી સુંદર સુંદર વાસનાઓથી પ્રફુલ્લ બનેલા હૃદયે બળતાં પાડેલી અંગારમય આહ પણ હોય !

ટ્રૅ, કીટલી, પ્યાલા, રકાબી, ગરણી લેઈ સોમો પરાશરની ઓરડીમાં આવ્યો. એક હાથ અને બીજા હાથની કોણીના ટેકા વડે ટીપોંઈ ઉપર ચાનો સામાન મૂકતા સોમાના હાથ અને મુખ તરફ પરાશરે જોયું.

‘સોમા ! શું થયું હાથે ?’ પરાશરે પૂછ્યું.

‘કાંઈ નહિ, સાહેબ !’ કહ્યા છતાં સોમાની આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી.

‘અલ્યા. દાઝ્યો ?' પરાશર ઊભો થઈ ગયો. ખરેખર સોમાનો હાથ બળી ગયો હતો. સોમાએ જવાબ ન આપ્યો. તેનાં અશ્રુ હજી ખળાયાં ન હતાં.

‘લાવ, હું કાંઈ દવા લગાડું.' પરાશરે કહ્યું

‘ના, સાહેબ ! એ તો...મટી...જાશે.' ડૂસકાં ખાતાં સોમાએ કહ્યું.

'પણ દાઝ્યો શાથી ?’

‘સાહેબ ! જરા ઝોકું આવ્યું... અને... હાથ ઉપર... ગરમ પાણી પડ્યું.'

પરાશરની આંખ સહજ વિસ્તૃત થઈ. રાતના એકબે વાગ્યે નાનકડા નોકરને જગાડી ચા બનાવવાની આજ્ઞા આપતી માલિકોની જુલમજહાંગીરીનું એક ભયાનક પરિણામ તેણે નજરે નિહાળ્યું. કર્મની સંભાવનામાં કોનું કર્મ ? બિચારા નોકરનું કે સુખઆરામ માગતા પાપી માલિકનું ? અને પરિણામ ભોગવ્યું કોણે ? બચપણથી ઢોર સરખું જીવન ગાળી રહેલા સોમાએ !

અને આપણે કહીએ છીએ કે હવે જગતમાંથી ગુલામગીરી અદૃશ્ય થઈ ગઈ !

પરાશરના હૃદયમાં વિચારઊર્મિ ઊંચકાઈ આવી. પરાશરે ચાને બાજુએ રાખી સોમાના હાથ ઉપર ઊંચામાં ઊંચી ક્રીમ લગાડી, આવડતો હતો તેવો પાટો બાંધ્યો, અને રડતા સોમાને છાનો રાખવાના બોલ ઉચ્ચાર્યા; પરંતુ તેને લાગ્યું કે એ ત્રણેમાંથી કશું જ તેને આવડતું ન હતું. મુખ ઉપર તે ક્રીમ ચોપડી શક્યો હોત. ઘા ઉપર મલમ કેમ ચોપડવો તેની તેને ખબર ન હતી. પાટો બાંધવામાં કપડું ઉપર રાખવું કે રૂ. તેની પણ પરાશરને શોધખોળ કરવી પડી. અને એમ કરતાં જ્યારે પાટો બાંધ્યો ત્યારે એને જણાયું કે બિચારા બાળકના હાથ ઉપર તેણે ભૂંગળું રચ્યું હતું. શબ્દો તો તે કયા વાપરે ? સોમો નોકર હતો. એને ભાઈ, બાપુ, બચ્ચા જેવા શબ્દોથી શી રીતે સંબોધી શકાય ? દુનિયાભરના શોષિતો માટે હૃદય પીંખાઈ ગયાને ચાળો કરનાર પરાશરને લાગ્યું કે તેની બિરાદરીની ભાવના હજી બહુ જ અપક્વ હતી. સોમાને 'ભાઈ' કહેતાં તેની જીભ અટકી જતી હતી. અને તેને જગતના મજદૂરોનું બંધુત્વ જોઈતું હતું !

‘સોમા ! હવે કેમ છે ?' પરાશરે પૂછ્યું.

'સારું છે, સાહેબ ! હવે તમે ચા પીઓ. ટાઢી પડશે.’

પરાશરે સોમાને પાથરેલી જાજમ ઉપર બેસાડી રાખ્યો, અને તેણે ચાનો એક પ્યાલો તૈયાર કર્યો. સોમો હાથને દાબતો, દુઃખની સિસકારીઓ મારતો અસ્વસ્થ બેઠો હતો. સાહેબ જલદી ચા પીઈ લે તો તેનાથી જરા સુવાય એમ તેની ઇચ્છા હતી. ચા પીતા સાહેબ તરફ જોવાની અમર્યાદા ન થાય એની કાળજી રાખતા સોમાના મુખ આગળ સાહેબનો જ પ્યાલો આવીને ઊભો અને તે ચમક્યો.

‘સોમા ! લે. આ ચા તું પી.' આશ્ચર્યચકિત સોમાએ પરાશરને પોતાની પાસે બેસી ચાનો પ્યાલો ધરી આગ્રહ કરતો સાંભળ્યો. એને લાગ્યું કે પરાશરના મગજમાં કંઈ વિકૃતિ થઈ છે.

‘ના ના, સાહેબ ! એમ તે હોય ? અમને સવારે મળે જ છે ને ?' સોમાએ કહ્યું.

‘હું કહું તેમ કર.’ પરાશરે કહ્યું અને રકાબીમાં ચા કાઢી. તેણે સોમાના મુખ સામે ધરી.

‘ભાઈસાહેબ ! એમ ન થાય. એ તો આપના પ્યાલારકાબી છે; અમે પીએ તો અમને મારી નાખે.” સોમાએ કહ્યું.

માલિકો અને નોકરો વચ્ચેના ચામાં તફાવત, અને એ ચા પીવાનાં વાસણોમાં પણ તફાવત ! અલબત્ત, ચોખ્ખાઈની ચટ સમજી શકાય; પરંતુ આ તફાવત ચોખ્ખાઈને વળગી રહ્યો છે કે ઉચ્ચનીચની ભાવનાને ? ઉચ્ચ કુટુંબમાં ઘડાતો નોકર શા માટે એક કુટુંબી સરખો સ્વચ્છ ન બને ? નોકરનો દોષ કાઢતા સાહેબો અને બાઈસાહેબો ભાષણ કરી આવ્યા પછી કેમ નોંધ રાખતાં નથી કે તેમણે તેમનાં સંસર્ગમાં આવેલા અમુક નોકરપશુઓને માણસ બનાવ્યા ? પરંતુ નોકરો પ્રત્યેના વર્તનમાં માણસાઈ હોય છે જ ક્યાં?

‘કોઈ નહિ મારે. પી જા. તને દરદ થાય છે તેમાં ચા સારી પડશે.' પરાશરે કહ્યું, અને રકાબી લગભગ સોમાના મુખમાં ખોસી દીધી. સોમો આ જુલમને વશ થયો. એકબે રકાબી સોમાને પાયા પછી પરાશર જરા ઊઠ્યો અને ક્રેકરનો ડબો લેઈ આવ્યો. સોમાએ કોઈ વાર સાહેબની રકાબીમાં વધેલું બિસ્કિટ ખાધું હશે. અને કદાચ એકબે બિસ્કિટ ચોર્યાં પણ હશે, પરંતુ તેમ કરતાં તે કદી પકડાયો ન હતો. છતાં બિસ્કિટ ખાવાનું મન તો તેને વારંવાર રહ્યા કરતું હતું; પરંતુ પરાશરે બિસ્કિટ ખાવાનું કહ્યું ત્યારે તેની જીભનો સ્વાદ ઊડી પણ ગયો. કરગરીને તેણે કહ્યું :

‘સાહેબ ! આ બધું મારે નથી જોઈતું.’ પરાશરને ખ્યાલ આવ્યો કે રિવાજના ભારણમાં દબાઈ રહેલા આ બાળગુલામને માલિકની હાજરીમાં જમવું પણ ભારે થઈ પડે છે. મહા મુશ્કેલીએ એકબે બિસ્કિટ સોમાને તેણે ખવરાવ્યાં, અને પોતાને માટે તૈયાર થયેલી ચા તેને પાઈ દીધી.

‘પણ સાહેબ ! તમે શું કરશો ?’ સોમાએ પૂછ્યું. ‘હું હાથે બનાવી લઈશ.’ પરાશરે જવાબ આપ્યો. ‘આપને સ્ટવ સળગાવતાં તો આવડતો નથી ! જગત ઉદ્ધારના કાર્યમાં ઝુકાવવાનાં રમણીય સ્વપ્ન સેવતા શિક્ષિત યુવકની સામગ્રી ઉપર આ નોકરવર્ગનો કટાક્ષ ન હતો. નોકરવર્ગને માલિકોની પરાધીનતાનું ભાન થશે તે ક્ષણે નોકરો નોકરી કરતા નહિ હોય, માલિકોના તે ભાગીદાર હશે છતાં પરાશરને આ વાક્ય તેની ખામીની પૂરી સૂચના ગંભીરતાપૂર્વક આપી શક્યું.

'તેની હરકત નહિ, ચાલ, હવે તું જા.' પરાશરે કહ્યું.

સોમો ઊઠવા ગયો, પરંતુ તેનાથી ઊઠી શકાયું નહિ. તેનો બળેલો હાથ તેને બહુ જ કમજોર બનાવી રહ્યો હતો. પરાશરે તેની અશક્તિ નિહાળી, અને એકાએક તેણે સોમાને ઊંચકી લીધો. ‘અરે, અરે, ભાઈ, ભાઈસાહેબ !’ કહેતા સોમાને ઊંચકી તેની પથારીમાં પરાશરે તેને બેસાડી દીધો.

પણ એ શું સોમાની પથારી હતી ? પાળેલાં જાનવર માટે સ્વચ્છ ઘાસ, પાથરી ખેડૂતો તેમને માટે પથારી કરે છે ! પણ સોમાની પથારી તો એ શબ્દને લજાવતી હતી. આમલી, મીઠું, દાળ કે ચોખા ભરાઈને આવેલા કોથળાના ઘસાઈ ગયેલા એકબે ટુકડા ઉપર તે નિત્ય સૂતો હતો. પરાશરના શરીરે એ કોથળો ખૂંચી ઊઠ્યો - જાણે તે તેના ઉપર સૂતો ન હોય ! મજૂરનું જીવન સુખી કરવા ઈચ્છતા યુવકની જ નજર સામે તેના જ ઘરના એક બાળમજૂરને ચીંથરાંની ગોદડી પણ સૂવા મળતી ન હતી ! અને ઘરમાં તો ગોદડાંની થપ્પી પડી રહેલી હતી. કોને માટે ? સારા, સભ્ય, સ્થિતિપાત્ર મહેમાનો આવે તેમને માટે ? અને તે રોજ તો આવતા નહિ. લક્ષ્મીના ઢગલા એક બાજુએ થતા જતા હતા, ને બીજી પાસ ગરીબીનો વિસ્તાર વધતો જતો હતો, એમ ઘણી વખત પરાશરે પોતાનાં સ્વાધ્યાયમંડળોમાં કહ્યું હતું. આજે તેનો પ્રત્યક્ષ દાખલો પોતાના જ ઘરમાં નિહાળ્યો. ગોદડાંનો ગંજ હતો, અને ઘરનું છત્ર સ્વીકારી બેઠેલું બાળક કોથળે સૂતું હતું.

ધનવાન અને મધ્યમ વર્ગની આ નીચ હલકટ ભેદભાવનાના પરિણામે તેમનું ખેદાનમેદાન કરી નાખવા શ્રમજીવીઓ ઉશ્કેરાય તો તેમાં નવાઈ શાની ? અને તેમ કરે ત્યારે શ્રમજીવીઓની ભયાનક ક્રૂરતાને બુદ્ધિશાળીઓ વખોડવા બેસે છે ! ધનિકો અને મધ્યમવર્ગીઓની ઠંડી, દીર્ઘકાલીન, નફ્ફટ ક્રૂરતાઓના ઢગલા અને ભેદભાવનાના થરના થરનો વિચાર આવતાં ફ્રેન્ચ કે રશિયન ક્રાંતિની ક્રૂરતા ટાંકણીના માથા જેટલી પણ ન લાગવી જોઈએ !

‘ભાઈસાહેબ ! મને અહીં જ સૂઈ રહેવા દેજો. બીજે મને ઊંઘ નહિ આવે.' સોમાએ પરાશરના મનમાં ચાલતા વિચાર આછા આછા વાંચ્યા અને પોતાની મુશ્કેલી તેણે રજૂ કરી. પરાશરને પોતાનાં વસ્ત્રો ઉપર, પોતાનાં સાધનો ઉપર અને પોતાની જાત ઉપર તિરસ્કાર આવી ગયો.

‘સારી જગા સૂવાને આપીએ તે પણ તેને ખૂચે એવું નોકરમાનસ આપણે બનાવી દીધું છે !’ તેના મનમાં સોમાના વાક્યે વિચાર પ્રેર્યો. પાપ ને શોષણની વચ્ચે વહેતો માનવી શેખી કરે છે કે સહુને તારવા માટે તે તરે છે !

'સારું, અહીં સૂઈ રહેજે, પણ તને દરદ થાય તો બૂમ પાડજે.' પરાશરે કહ્યું.

દરદ થતાં બૂમ પાડવાની છૂટ નોકરને હોય છે ખરી ?

‘હા જી, સાહેબ ! આપ સૂઈ જાઓ સાહેબ !' સોમાએ માલિક તરફ તેની સાહેબી ફેંકવા માંડી.

પરાશર પોતાના ઓરડામાં ગયો. સોમાએ પીધેલાં ચાનાં પ્યાલારકાબી ધોઈ નાખવાની તેને ઈચ્છા થઈ; તેણે તે પ્રયત્ન કર્યો અને તેના હાથમાંથી રકાબી પડી ફૂટી ગઈ. પરાશરે પ્યાલાને પણ પછાડી ફોડી નાખ્યો. ખખડાટ થતાં સોમો આવશે એમ ધારી તે સોમાની બાજુમાં ગયો. આંખ લૂછતો સોમો ઊઠતો જ હતો.

‘ખબરદાર, જો તું રાતમાં ઊઠ્યો છે તો ! આટલું દાઝ્યો છે ખબર નથી ? સૂઈ રહે.’ પરાશરે કહ્યું.

ડૂસકું ખાઈ સોમો સૂતો. એના ઉપર વરસેલી કૃપા એનાથી સહન પણ ન થઈ શકી. કોઈ અવનવો ભાર સોમાની આંખને ભીની કર્યા કરતો હતો.

પરાશરની આંખ ભીની ન થઈ. તેના સુંવાળા મોજી હૃદયે વળ લીધો, અને તે એકાએક નિશ્વય કરી બેઠો. એણે પત્નીનો વિચાર બાજુએ મૂક્યો. સુખનો વિચાર બાજુએ મૂક્યો. અભ્યાસનો વિચાર બાજુએ મૂક્યો અને સવારમાં જ પિતાને જાહેર કરી દીધું :

‘મારે વિલાયત નથી જવું.’

‘એ શું ? બધું નક્કી થઈ ગયું છે ને ?'

'મને નહિ ફાવે.'

‘તારા ફાવવા ઉપર જવાનું છે કે મારા ?’

‘ભણવું મારે છે ને ? મારાથી ભણી નહિ શકાય.’ પિતાને સહજ આશ્ચર્ય લાગ્યું. માનીતો છતાં કદી સામો જવાબ ન આપનાર પુત્ર ભણવાની ના પાડે એ વિચિત્રતા તેમનાથી વેઠાઈ નહિ.

‘ભણીશ નહિ તો શું ભીખ માગીશ ?'

‘ભણીને પણ ભીખ જ માગવાની છે ને ? અહીંનું ભણતર તો પૂરું કર્યું હવે વિલાયત જઈને ભારે ભિખારી થઈ આવું એટલું બાકી છે !’

'તુ શું બોલે છે તેની મને સમજ પડતી નથી. મારી મિલકત હું તને ન આપું તો તારું શું થાય ?’

‘આપની મિલકત મારે લેવી જ નથી. અને મારું શું થાય છે તે મારે જાતે જ જોવું છે.’

‘અસહકારી બનવું છે ? તારો ડોળ અને તારું વાચન તો એવાં જ લાગે છે.'

‘એથી પણ આગળ વધવું છે. રાજાઓ, જમીનદારો અને ધનિકોને મારે નાબૂદ કરવા છે.’

‘શો પવન વાઈ રહ્યો છે ! મારા ઘરમાં રહીને એ નહિ બને.’

‘એ હું જાણું છું, અને પહેલી જ તકે આ ધનના ગ્રહણવાળા ઘરને છોડવાનો છું.’

‘મારી સાથે વાત કરવી બંધ રાખ, અને આમ કહેવું હોય તો તારું મોં બતાવીશ નહિ.’

‘ઠીક.' કહી પરાશર ત્યાંથી ઊઠી ગયો, અને પિતાને તેણે પોતાનું મુખ બતાવ્યું નહિ. ઘર છોડી તે ગામડાંમાં ભટક્યો. ગામડિયાઓને તેની બે વાતમાં સમજ ન પડી. તેણે ગામડાંને પૂછ્યું :

‘તમે જમીનદારો સામે, શાહુકારો સામે અને સરકાર સામે બંડ ઉઠાવશો ?’

‘બંડ ? ના રે, ભાઈ ! અમે શા માટે બંડ ઉઠાવીએ ?’ ગામડિયાઓનો જવાબ મળતો.

‘જમીનદાર, શાહુકાર અને સરકાર તમારું શોષણ કરે છે, ખરું કે નહિ ?'

‘એ તો જેમ ચાલતું આવ્યું હોય તેમ ચાલે.’

‘તમારી ફરજ છે કે તમારે બંડ ઉઠાવવું જોઈએ.’

ડોકું ધુણાવી ગામડિયાઓ ચાલ્યા જતા.

તેણે ફરીને ભાષણો કરવાને બદલે એક ગામડે થાણું નાખ્યું. શંકાની નજરથી ચારે પાસ ઘેરાયેલા પરાશરે મહાસભાવાદી વ્યૂહરચનાનો આશ્રય લીધો; અને ખાદી ધારણ કરી ધર્મ અને ઈશ્વરનો વિરોધ હોવા છતાં શિવાલયની ધર્મશાળામાં શિક્ષણ, કવાયત અને પ્રાર્થના જેવા લાગતા સમૂહસંગીતનો કાર્યક્રમ શરૂ કર્યો. સૂતેલા હિંદને જગાડવાની યોજનામાં એક માણસ એથી વધારે શું કરી શકે ?

મહાસભાની છાપવાળો કાર્યકતા ન હોય તો મહાસભાવાદી કાર્યકર્તાઓ પણ તેના તરફ સભ્યતાભરી ઉપેક્ષા અગર નમસ્કારસંપુટમાં સંતાડેલો તિરસ્કાર બતાવી શકે છે. પરાશર ગાંધીવાદી નહોતો. અહિંસા અને હૃદયપલટામાં તેને શ્રદ્ધા ન હતી; કાંતવા પીંજવાની ક્રિયા તેને નિરુપયોગી લાગતી. એ કાર્યક્રમ બલહીન, ક્રાંતિ ઉપજાવામાં અસમર્થ અને લડાયક માનસને બદલે રોતાં ભગતડાં ઉત્પન્ન કરનાર ધર્મપંથ સરખો તેન લાગ્યા કરતો હતો. એટલે તેની વાતમાં, તેના શિક્ષણમાં અને તેનાં ભજનોમાં જુદી જ ઢબ હતી.

ગામડિયાઓને તો બધી જ નવીનતા ગમતી; પરંતુ પરાશરનું વર્ચસ્વ એ વિસ્તારમાં જાણે એટલામાં તેણે પોતાના સામ્યવાદી મિત્રોને ગામડે ગામડે કામ કરવા આમંત્રણ આપ્યું. મિત્રો એકલા પુરુષો ન હતા, સ્ત્રીઓ પણ સાથે હતી, એ સઘળું ટોળું સામ્યવાદના સિદ્ધાંતોથી ઝગમગતું, અને એલીસ, ક્રુડ, જંગ વગેરે કામશાસ્ત્રીઓના વિસ્તૃત વાચનથી ઘડાતી નવીન નીતિના પ્રતીક સરખું હતું. યુવકયુવતી સાથે ફરે, એકલાં ફરે, હાથ ઝાલીને ફરે, ગળે હાથ નાખીને ફરે એમાં તો તેમને હરકત હોઈ શકે જ નહિ, તેઓ જાતીય સંબંધની સરળતાભરી વાતોથી ન અટકતાં, પ્રયોગાત્મક જીવનનો અનુભવ કરે એવી સાહસવૃત્તિ ધરાવતાં હતાં.

શહેરી ઉદ્ધારકોને ગળે હાથ ભેરવી ફરતાં જોતા ગામડિયાઓને તેમની જુનવાણી મૂર્ખાઈએ સૂચવ્યું કે આમ ફાટ્યાં ફરનારથી ઉદ્ધાર થાય એમ નથી.

‘આવાં માણસ ગામમાં ન જોઈએ.’

ગામડિયાઓ વધારે નીતિવાન હોય છે એમ નહિ, પરંતુ જાતીય સંબંધની પ્રયોગશીલતા અજમાવવા જેટલું છૂટાપણું તેમની સમજમાં ઊતરે એવું ન હતું, પરાશર અને તેનો આશ્રમ - તેનું થાણું - નીતિના પ્રશ્ન ઉપર ગામડાંને નિરર્થક લાગ્યાં.

ગામડિયાઓને બંડ કરવું ન હતું; તેમની જુનવાણી સમાજરચના ભાંગવી ન હતી. પરાશર શહેરના વધારે કેળવાયેલા વાતાવરણમાં ગયો. કારખાનાંના મજૂરો શહેરસંર્પકને લીધે વધારે સમજવાળા, વધારે સંગઠિત અને વધારે ઉદાર બની શકે એવો તેને ભાસ થયો. તેણે એક મિલની પાસે આવેલી ચાલીમાં જગા લીધી, અને ત્યાં રહી મજૂરોમાં જાગૃતિ લાવવા માંડી. મિલમાલિક એક સ્વદેશીની છાપ પામેલી મહાસભાએ સ્વીકારેલી કંપનીના વડા કાર્યકતા હતા. નિયમ વિરુદ્ધ સમય ઉપરાંત માણસો પાસે કામ લેવાનો ઝઘડો પરાશરના ગયા પછી એકબે વાર ઊભો થયો; બાળમજૂરોને કામ આપવા વિષે પણ ફરિયાદો ઊભી થઈ, મુકાદમોના જુલમ વિરુદ્ધ એક હડતાલ પણ પડી, અને સમાજવાદી યુવાન કાર્યકરોની ત્યાં અવરજવર વધી. પૈસા મળ્યે રાજાઓ ફૂટે છે, પ્રધાનો ફૂટે છે, રાજવિષ્ટિકારો ફૂટે છે. ગરીબ હડતાલિયાઓના આગેવાનોને બાવીસના પચીસ રૂપિયા કરી આપતાં તેઓ હડતાલને વિખેરી નાખે એમાં શી નવાઈ? પરાશરે પડાવેલી હડતાલ શમી ગઈ એટલું જ નહિ, પણ તેને એ ચાલીમાંથી નીકળી જવા માટે સૂચના મળી.

પરાશરે એક ચાલી છોડી બીજી ચાલીમાં રહેવા માંડ્યું. છૂપાં મંડળો અને ખુલ્લાં મંડળો તેણે સ્થાપવા માંડ્યાં હતાં, તે મંડળોને હાથ કરવા મથન કર્યું. અને જોકે ગુપ્ત પત્રિકાઓ તે બહાર પાડતો, છતાં ગુજરાનને માટે તેણે એક મહાસભાવાદી પત્ર સાથે સંબંધ બાંધ્યો.

આ સર્વ કઠણ તપશ્ચર્યામાં તેને સ્ત્રી જાતિ સતાવ્યા કરતી હતી. પરાશરને સ્ત્રી ગમતી, જોકે સદાય યુવતીવર્ગની સામે નીચી આંખ કરીને જ એ રહેતો. એને સ્ત્રીકંઠ સાંભળવો ગમતો, જોકે એ બનતાં સુધી ગરબા અને નૃત્યના કાર્યક્રમોથી વેગળો જ રહેતો. ઘણી વખત યોજનાઓ ઘડતાં ઘડતાં એ સ્ત્રીઓના રૂપને કલ્પનામાં ઘડી કાઢતો અને અત્યંત થાકમાં પણ ઘણી વાર કોઈ યુવતીની આંખ, કોઈ યુવતીના હોઠ, કોઈ યુવતીનો કેશકલાપ કે કોઈ યુવતીની ચાલનાં સ્મરણોમાં ઊતરી પડતો. સ્ત્રીઓની સાથે કામ કરવાનો પ્રસંગ આવતાં તે રાજી થતો, અને સ્વપ્નમાં કદી કદી પોતાને યુવતીઓ સાથે ચર્ચા કરતો નિહાળતો. એ સર્વમાં તેને તેની પત્ની - થોડા જ સમય માટે નિહાળેલી પત્ની વારંવાર યાદ આવ્યા કરતી હતી. સ્ત્રી એ તેની માનસસૃષ્ટિમાં મહત્ત્વનું અને મૂંઝવતું તત્ત્વ બન્યે જતી હતી, અને જેમ જેમ એ મૂંઝવણથી દૂર થવા મથતો તેમ તેમ એને સ્ત્રીનાં વધારે વધારે સ્વપ્ન આવ્યે જતાં. પછી એ દિવાસવપ્ન પણ હોય અને નિશાસ્વપ્ન પણ હોય.

કઠણાશ તરફ, સાદાઈ તરફ, પરિશ્રમ તરફ સતત વહ્યા જતા પરાશરને આ એક સ્ત્રીતત્ત્વ સુંવાળાશ, કુમળાશ, લાલિત્ય સાથે બાંધી રાખતું. અને તેને એથી ભયંકર મૂંઝવણ થતી હતી. છતાં તે હજી સુધી માનસ બ્રહ્મચર્ય સાચવી શક્યો ન હતો.

પરાશર ખાસ બ્રહ્મચર્યનો હિમાયતી પણ ન હતો. સ્ત્રીસંબંધમાં પાપ માની બેસવા જેટલો પ્રત્યાઘાતી ન હતો; પરંતુ તેને એટલું તો લાગ્યું કે સમાજસેવા-ગ્રામસેવા-દલિત સેવા કરવી હોય તો વસ્ત્રના ધોરણની માફક ચારિત્ર્યનાં ધોરણ પણ જનતાને ગમે એવાં જ રાખવાં જોઈએ. રસવૃત્તિ તરફ દોડતું ગુજરાતનું યૌવન કેટલું નિરર્થક બની ગયું છે એનો તેને પૂરો ખ્યાલ હતો. સંબંધસ્વાતંત્ર્યને બહાને સ્ત્રીભૂખ્યું પુરુષયૌવન નિર્બળ, નિર્માલ્ય, નિરુપયોગી, આછકલું અને પ્રત્યાઘાતી બની જાય છે. એ તેણે પોતાના અનેક મિત્રોનાં દૃષ્ટાંતોમાં જોયું હતું. પ્રેમ પ્રેમ કરતાં પ્રેમીઓ જોતજોતામાં બાલકોની ઝાંઝરમાં ઘેરાઈ નિઃસત્ત્વ, સૌંદયવિહીન બની ગયેલાં તેણે નજરે નિહાળ્યાં હતાં. તેજસ્વી વિચારો, તેજસ્વી દેહ અને તેજસ્વી ભાવિને કહેવાતા પ્રેમમાં ભસ્મ થતાં જોઈ પરાશર ભય પામતો અને સ્ત્રી એ કોઈ વિચિત્ર સુખતત્ત્વ હોવા છતાં એ તત્ત્વને સર્વસ્વ સોંપતાં તે સદાય પાછો હઠતો. ઘણી વાર તેનું મન મૂંઝવણમાં પડી જતું અને સ્ત્રી કે સ્વાતંત્ર્ય એ બેમાંથી એકનો ભોગ આપ્યે જ બીજું મળે એમ તેની માન્યતા થતી. છતાં જેમ જેમ તે પોતાના કાર્યમાં વધારે ગૂંથાતો ગયો તેમ તેમ તેને સ્ત્રીનાં વધારે આકર્ષણ થતાં ગયાં. જેમ જેમ તે સ્ત્રીથી વધારે દૂર ભાગવા લાગ્યો તેમ તેમ તેની વિચારસૃષ્ટિમાં સ્ત્રીતત્ત્વ વધારે પ્રવેશ પામતું ગયું.

કદાચ સ્ત્રીનું જ આકર્ષણ તેને શહેરમાં તો નહિ ખેંચી આવ્યું હોય ? તેની પત્નીને નિહાળવાની કદી કદી તક મળ્યા કરે એવા કોઈ છૂપા ચોરભાવે તો તેને આ માર્ગ નહિ લેવરાવ્યો હોય ? તેની પત્ની શહેરમાં જ હતી. તેનું સ્વરૂપ વધારે આકર્ષક બની ગયું હતું. મનને સંતોષ મળે તો વધારે સ્થિરતાથી કામ ન થાય ?

આવા આવા વિચારો અને પૂર્વસ્મરણોની જાળમાં ગૂંચવાયલા પરાશરને મનઃસંતોષની ભાવનાએ એકદમ સાવધ બનાવ્યો. તે પોતાની સાદડી ઉપર બેઠો થઈ ગયો. કુમાર શાંત હતો; પરાશરનું માનસ શાંત ન હતું. ટમટમ થતા ફાનસની જ્યોતે ઓરડીને પણ નવાનવા રંગો આપ્યા. એના મનની ખોલી પણ અત્યારે ચિત્રવિચિત્ર રંગોથી રંગાઈ ગઈ હતી. તેનાથી બેઠાં પણ ન રહેવાયું; તેણે ઊઠી ચાલીની લાંબી ઓસરીમાં પગ મૂક્યો. ચારે પાસ સૂનકાર વ્યાપી રહ્યો હતો. આ શૂન્યમાં સૃષ્ટિ ધબકી રહી હતી. તંદ્રામાં-નિંદ્રામાં પણ સૃષ્ટિના ધબકાર સંભળાતા હતા; કદાચ તેના હૃદયના જ એ થડકાર હતા. શૂન્યમાંથી સૃષ્ટિ નિપજાવવી જૂની આર્ય ફિલસૂફીના પડઘા હજી પરાશર જેવાના સુધરેલા માનસમાં પણ પડી જતા હતા, અને કોઈનો સ્પર્શ થતાં ખરે એનું હૃદય શૂન્યમાં પણ વેગ ધારણ કરી કહ્યું !

‘ઊંઘ નથી આવતી ?' પરાશરે ધીમો સ્ત્રીઅવાજ સાંભળ્યો.

‘રતન’ ! તુંયે જાગે છે ?' પરાશરે સ્ત્રીનો કંઠ પારખી પૂછ્યું.

‘હા, મને લાગ્યું કે તમે જાગતા જ હશો.'

‘શાથી એમ થયું ?’

‘કોણ જાણે. અને હું ધારતી પણ હતી કે તમે બહાર આવશો.'

‘તું મને આ ચાલીમાંથી કઢાવી મૂકવાની છે ?’

‘કેમ ?’

‘કોણ જાણે ! પણ...'

‘આપણને ભેળાં જુએ એથી વાત થાય, એમ ને ?’

'હા.'

‘આવો, કોણ કોની સાથે પડ્યું છે તે હું અબઘડી બતાવું. આપણી વાત કરતાં પહેલાં એ પોતાની જાત તરફ તો જોશે ને ?'

‘જેને જે ઠીક લાગે તે કરે. આપણે જોઈને શું કામ છે ?’

‘પણ મને એમ થાય છે કે તમે આમ વખાના માર્યા ફરો છો એના કરતાં તમારી વહુને સાથે રાખો તો કેવું ?’ રતને પૂછ્યું.

રતન શું પરાશરનું માનસ વાંચતી હતી - એ અભણ અસંસ્કારી મજૂરણ ?

'તને કોણે કહ્યું કે હું પરણેલો છું ?’ 'ગમે તેણે કહ્યું, પણ તમારે અને વહુને અણરાગ તો નથી ને ?’

‘શું તુંયે ઘેલી વાત કરે છે ?'

‘એમાં ઘેલી વાત શી છે ? અણરાગ હોય તો હું મનાવી લાવું.’

'તું?'

‘હા, વળી. આમ દુ:ખ ક્યાં સુધી ખમાય ?'

'મને કાંઈ દુ:ખ નથી.’

‘હું જાણું ને આ ઉંમરે શું થાય તે !’

‘અમે ભણેલા જુદા કહેવાઈએ.’

‘જાણ્યા હવે તમને ભણેલાને ! બધા માનવી તો ખરા ને ?’

મજૂરણ રતન કોઈ સત્ય ભાખતી હતી, નહિ ? ભણતર, સંસ્કાર, ઓપ, કેળવણી સહુ આપણા જીવનભાવોને રંગ ચઢાવતાં હશે. એ ભાવોનો નાશ કરવાની, એ ભાવોને બદલવાની, એ ભાવોને ભિન્ન સ્વરૂપ આપવાની કેટલી ઓછી શક્તિ એમાં રહી છે ?

છતાંય સંસ્કાર, ઓપ અને કેળવણી ધીમે ધીમે - અત્યંત ધીમે - એ પ્રાથમિક ભાવોને જરા જરા વાળતાં ન હોય એમ પણ છેક કેમ કહેવાય ?

‘ત્યારે જો, હું તને કહું. મારી પત્નીને હું ગમતો નહિ હોઉં.’ પરાશરે કહ્યું.

‘તમે ના ગમો ?'

‘હું જોઈએ એટલો રૂપાળો નથી.’

‘હં. જાણે રૂપમાં જ બધું આવી ગયું.’

‘કદાચ એને જોઈએ એટલું સુખ હું ન આપી શકું.'

‘રાજપાટ તો એ રાણીને નથી જોઈતાં ને ?’

‘ના; પણ ધણીનું ધણીપણું ભણેલી છોકરીઓને ન ફાવે.'

'તે તમારી પાછળ તો કૈંક ભમે છે !’

‘પણ મારી વહુ નથી ભમતી ને ?’

‘એક વખત બોલાવો તો ખરા ?'

‘એને ન આવવું હોય તો કેમ કરી બોલાવાય ?’

‘તમે તે મરદ છો કે બૈરી ? ઘસડી લાવો.'

પરાશર હસ્યો. ખુદ સ્ત્રી જ સ્ત્રી સામે જુલમ કરવા પુરુષને ઉશ્કેરે છે ! પોતાના ઉપર જુલમ થાય એ સ્ત્રીને ગમતું તો નહિ હોય ? પુરુષની ક્રૂરતા માણવાની કળા સ્ત્રીજાતિએ યુગયુગના અભ્યાસથી કેળવી છે એમ કહેતા માનસવિજ્ઞાનીઓ છેક ખોટા તો કેમ હોય ?

‘શું હસો છો ? અને એ ન આવે તો બીજી પરણો વળી !’ રતને માર્ગ બતાવ્યો.

‘અરે, એક જ સ્ત્રી ભારે પડે ત્યાં બીજીની વાત શી ?’

‘તો. આમ ને આમ સોરાયા કરશો ક્યાં લગી ?’

‘હું સોરાતો જ નથી. મારે મારું કામ કેટલું પડ્યું છે ? એમાં સ્ત્રીનો વિચાર કરવાની પણ ફુરસદ મળતી નથી.’

‘હું માનું નહિ તો. મરદ બૈરીને એકબીજા વગર ચાલે જ નહિ.’

‘જો મારી પત્નીને મારે ત્યાં આવવું નથી. મારે બીજી સ્ત્રી સાથે પરણવું નથી. પછી શું કરવું ?’

‘તમે તો બહુ ભલાભોળા ! બિચારા !’ કહી રતને પરાશરનો હાથ ઝાલ્યો અને તેની સામે જોઈ રહી.

‘ચાલીના આછા આકાશમાં થોડા તારા ઝબકતા હતા. આકાશનો ચંદ્ર વિકારપ્રેરક હોય; પરંતુ અક્ષય તારાઓ કુમળા ક્ષણજીવી ભાવો ઉપજાવતા નથી. રતનની આંખોમાં વિકાર ન હતો, અને છતાંય પરાશરનો હસ્ત પકડી તેની સામે નિહાળી તે કોઈ અગમ્ય આવ્હાન કરતી હતી.

જેના જીવનની દયા ખાઈ, જેના જીવનને સુધારવા પરાશર અહીં આવ્યો હતો, તેના જ જીવનમાં દયાના ભંડાર શું એટલા બધા ભર્યા હતા કે દેહસહ સર્વસ્વ આપવા માટેની તૈયારીમાં હોય ? રતનના હૃદયમાં પરાશરના જીવન પ્રત્યે આ સખીભાવ - આ સદ્ભાવ એટલો બધો ક્યાંથી જાગ્યો કે પરાશરને સ્વસ્થ નિંદ્રિત જેવા તે પરાશરને દેહ પણ આપી દેતી હતી ? આ વિકાર હતો ? રતનને આ ચાલીમાં વિકાર પોષવાના ઘણાય માર્ગ હતા. દેહવેચાણ આ વર્ગમાં અજાણ્યું ન હતું. રતને દેહ વેચાતો અટકાવનારને દેહ આપવા માગણી પણ કરી હતી. અત્યારનો ભાવ જુદો જ હતો. પરાશરને સુખી જોવા સુખમય નિદ્રા ભોગવતો જોવા રતન એટલી બધી આતુર બની હતી કે જગતના નીતિમાનોથી પાપ મનાયલો પ્રયોગ કરી જોવાની પણ તેનામાં ઉદારતા ઊભરાઈ આવી હતી.

અને એ પાપ માલિકીની ભાવનાથી જ ઉદ્દભવ પામ્યું ને ?

પરાશરને રતનની ભવ્ય ઉદારતા, રતનનો તીવ્ર સ્વાર્થત્યાગ, રતનની અટપટી પ્રામાણિકતા પ્રત્યે બહુમાન ઉત્પન્ન થયું. પૂજ્યભાવ વિકારપોષક નથી. સ્ત્રીની ઝંખનામાં જાગ્રત બની રહેલા પરાશરના જ્ઞાનતંતુઓ આ ભવ્ય ઉદારતાનાં દર્શને અતિ શાંત બની ગયાં. રતનને પગે લાગવાનું પરાશરને મન થયું.

અંધારામાં કોઈનાં પગલાં વાગ્યાં. બહારથી અંદર આવતાં એ પગલાં સાંભળી રતન પરાશરનો હાથ છોડી અંધારામાં અલોપ થઈ ગઈ. પરાશરની ઓરડી ભણી એક મનુષ્ય આવતો હતો.

‘કોણ હશે ?' પરાશરે પૂછ્યું.

‘પરાશર ?’ આવનાર માણસે સામું પૂછ્યું.

‘હા, કેમ ?'

‘હડતાલ નક્કી કરી છે.'

‘એમ ?'

'હા.'

‘ક્યારથી ?’

‘આવતા અઠવાડિયાથી.’

'પૈસાનું શું ?'

‘એ હું તમને કહું; પણ અંદર આવો.'

પરાશર નવીન માણસને લઈ ઓરડીમાં ગયો.

  1. * ગુજરાતના એક સાચા વર્તમાન સાધુ.
  2. *Eyebrow
  3. * ખ્રિસ્તી ધર્મનો એક પંથ.
  4. + સાથીદારો; મિત્રો, સામ્યવાદીઓ માટે વિશિષ્ટતા ધારણ કરતો શબ્દ.