આત્મવૃત્તાંત/ઉપાર્જનના પ્રબંધ

વિકિસ્રોતમાંથી
← લેખનવાચનનો વિશેષ ક્રમ મણિલાલ નભુભાઇ દ્વિવેદીનું આત્મવૃત્તાંત
ઉપાર્જનના પ્રબંધ
મણિલાલ દ્વિવેદી
૧૯૭૯
લેખન, ઉપાર્જન અને ઘરસંસારની સમીક્ષા →


૧૨. ઉપાર્જનના પ્રબંધ


તા. ૧-૬-૮૯ નડીયાદ

શરીર તો બહુ સારૂં ચાલે છે. કર્ણની બધિરતા પણ હવે નિર્મૂલ થઈ ગઈ છે; માત્ર શબ્દ ખોખરો ને ધીમો આવે છે. લેખનવાચનક્રમ બહુ સારો ચાલે છે. પ્રિયંવદાર્થે જે લેખ કરવા પડે છે તે ઉપરાંત સિદ્ધાંતસાર પૂર્ણ કર્યો છે. કોંગ્રેસ માટે લેખ તૈયાર થયો છે, પુરાણાર્થ સંબંધી. સ્યાદ્વાદ હવે લખવા માંડીશ. યોગસૂત્રનું કાર્ય આજે જ આરંભી શકાયું છે. અવાંતરે રા. ગોપાળદાસે કાંઈ ભાષાંતર કરવા માંડેલું તે અપૂર્ણ છે તેને સંપૂર્ણ કરવાનું પણ માથે લેવું પડ્યું છે, ને તેમની તેમ રા. મનઃસુખરામભાઈની માગણીથી "સત્યવક્તા"વાળાના "આલ્બમ"માં આવવાનાં વૃત્તાંત સુધારી આપવા પણ સ્વીકારવું પડ્યું છે. તેણે મારી છબી તથા વૃત્તાંત પણ માગ્યાં છે. પૂજાસંધ્યાનો ક્રમ ૧૮૮૨થી જેવો ચાલે છે તેવો જ પાછો આરંભ્યો છે ને તેમાં શ્રીચક્રની પૂજા તથા ચંડીપાઠ એ નિત્યમાં ઉમેર્યા છે.

ઉપાર્જન સંબંધે પ્રાણવિનિમયથી કાંઈ આવક થયાં જાય છે; તથા ભાવનગરથી લેખ પણ ગત માસમાં રૂ. ૧OO)ના કામ જેટલા આવ્યા હતા. નોકરી સંબંધે રા. મન:સુખરામભાઈ કચ્છમાં જે વ્યવસ્થા કરી આવ્યા છે તદનુસાર એમ છે કે ત્યાંનો એજ્યુકેશનલ ઈન્સ્પેક્ટર થોડા વખતમાં જનાર છે તે ગયેથી તે જગો સારૂ મારી માગણી થશે. જુનાગઢથી માગણી થઈ છે તે સંબંધે ભાવનગરે પોલીટીકલ એજન્ટને તથા સરકારને એમ જણાવ્યું કે હું વગર રજાએ ગેરહાજર છું. આવો (ક્રૂર) તથા જુઠો અને તદ્દન બનાવટી જવાબ મારા જાણવામાં આવતાં મેં યોગ્ય ઉપાય યોજ્યા છે. સરકારથી પણ એમ પુછવામાં આવ્યું છે કે તમે જુનાગઢ જવા ખુશી છો કે નહિ; અને ભાવનગરવાળા આવું લખે છે તેનો શો ખુલાસો છે? આનું પણ યથાયોગ્ય ઉત્તર વાળી ચુક્યો છું. હવે તો વર્ષાદની પેઠે "હુકમ"ની રાહ જોતો બેઠો છું. ચંડીપાઠનો ઉપક્રમ સફલ થવાની ત્વરિત આશાથી જ કર્યો છે, ને સત્યનારાયણની કથા એક શતચંડી ઇત્યાદિ બાધા પણ લીધી છે. અહો! દૈવગતિ વિલક્ષણ છે! મુંબઈથી ભાવનગર જતાં બરણી ભાગવાથી જે અપશુકન માનેલા તે સફલ થયા જ !! શરીર જેવું તેવું પણ ઉભું છે એ ઈશ્વરકૃપા જ. અત્રે ગમતું નથી. સરસ્વતીપ્રસાદમાં આનંદ મળે છે. પણ એક સ્થાને રહી શકાતું નથી. હવે તો નોકરી પર દાખલ થઈ જવાય તો શાંતિ વળે.