આત્મવૃત્તાંત/મુદ્રાલેખ

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
← મુંબઈમાં સારવાર મણિલાલ નભુભાઇ દ્વિવેદીનું આત્મવૃત્તાંત
મુદ્રાલેખ
મણિલાલ દ્વિવેદી
૧૯૭૯
ગૃહક્લેશ : ચાર હજારનો દસ્તાવેજ →


૫. મુદ્રાલેખ

૭-૭-૮૮

જગન્નાથ જુન મહિનાની આખરે પાછા ગયા. તે પછી આજ સુધી પરચુરણ માણસોથી કામ ચાલ્યાં કરતું હતું. "વીએના જર્નલ"માં આવનાર આર્ટીકલ આવી ગયો. તે ઉપરથી નિશ્ચય એવો થયો કે અદ્વૈત બાબત હજી થોડું લખી તેને પુરી કરવી ને પાશ્ચાત્ય રીતિએ લખાયેલી હોવાથી મારા હાલના કેળવાયેલા બંધુઓ જે નાસ્તિકવત્ છે તમને ઝટ ગળે ઉતરે તેવી થવાની, તેથી જલદી તેમ કરી એક નાનો ગ્રંથ છપાવવો. દેશના ઐક્યમાં ધર્મનું ઐક્ય અને ધર્માધીનતા એ પણ મુખ્ય સાધન છે, ને તે માટે જરૂર મથવું. ટાડ રાજસ્થાન તથા વેદાન્તના એકબે સંસ્કૃત ગ્રંથ વગેરે વાંચીને વખત ગાળ્યો.

ભાવનગર કોલેજમાંથી છ માસ અર્ધપગારે રજા લેવા અરજી કરેલી, તેમાં સાહેબની પ્રતિકૂલતા તો મૂલથી હતી જ એટલે જવાબ એવો મળ્યો કે નોકરી મુકી દો તો છ માસનો પગાર તરત આપીએ, ને રજા લો તો વરસ દિવસ વગર પગારે લો. આ બાબત વળી મેં બોર્ડને ફરીથી લખતાં છ માસની અર્ધપગારે રજા મંજુર થઈ. શરીરસ્થિતિ જોતાં, તેમ ત્યાં એટલે ભાવનગર કોલેજના અધિકારીઓ મને જાઓ એમ વિના કારણ કહે, તેથી હવે ભાવનગર ન જવું એવો નિર્ણય કર્યો. હવાપાણી પણ ત્યાં અતિશય પ્રતિકૂલ જ. રા. મુ. મનઃસુખરામભાઈને એ નિર્ણય જણાવેલો જ હતો. પણ હાલ ફરીથી કહેતાં તેમણે ભરોસો આપ્યો અને કચ્છમાં મારી વ્યવસ્થા કરવા સબળ પ્રયત્ન આરંભ્યો.

શરીરથી, સંબંધીઓથી, પૈસેથી, જીવિકાનાં સાધનથી જે વેળે હું છેક બેજાર થઈ કેવલ પરમાત્મા પર શ્રદ્ધા કરી નિભાવ કરતો હતો તે વેળે મેં એક "રબર સ્ટામ્પ" કરાવ્યો, તે મારી માનસિક સ્થિતિ જણાવવા પુરો છે માટે તેનું અત્રે વિવેચન કરૂં. કુંડાળું છે તે સૂર્ય છે. મતલબે સૂર્યોપાસક બ્રાહ્મણ છું. તે પછી નામ ને અટક. પછી મધ્યે પુસ્તક છે એ મારો નિરંતરનો અભ્યાસ અને સરસ્વતીસેવા એ જ કર્મ એમ સૂચવે છે, પુસ્તકમાં કલમ છે તે લખવાનો ધંધો કથે છે. ओं એ શબ્દ સર્વ વેદના સારરૂપ પરમાત્માના પ્રતીકરૂપ પ્રણવ છે. પુસ્તકો વાંચી, કલમથી લખી, અને તત્ત્વ એ જ કલ્પ્યું છે કે ब्रह्म सत्यं जगत्मिथ्या માટે એ મારા અદ્વૈતમાર્ગનું સૂચક છે. તે માર્ગે ચાલતાં ચાર સિદ્ધાન્ત ઠરાવ્યા છે. પ્રથમ પ્રેમ જે મેં મારાં લખાણોમાં બહુ રૂપે વારે વારે વર્ણવ્યો છે અર્થાત્ બ્રહ્મભાવ-સમાનતા-અભેદ. એમ કશામાં દુઃખ ન માનતાં પ્રેમ-અભેદ-રૂપ આનંદમાં રહી, સર્વદા ગમે તે દુઃખમાં નિરાશ ન થતાં સારાની આશા ગ્રહણ કરી પ્રયત્નપરાયણ રહેવું અને જે પ્રારબ્ધવશાત્ પ્રાપ્ત થાય તેમાં સંતોષ માની ધૈર્ય તજવું નહિ, અને આ બધું થવા માટે સર્વદા શાસ્ત્ર, સુવિચાર અને તજ્જન્ય પરમ જ્ઞાન ઉપર શ્રદ્ધા રાખ્યાં જવી. આ સર્વ કહ્યા પછી સર્વદા હારી ન જતાં આનંદથી જ રહેવાનું મારા અનુભવે જે સબલ કારણ બતાવ્યું છે તે કહ્યું છે કે પુરૂષને હાથ કાંઈ નથી, હરિ, પ્રારબ્ધ (કરે) છે તે જ થાય છે માટે શોકનો સર્વથા અવકાશ નથી માટે જ સદા બ્રહ્માનંદ-આનંદ! અહો એ, જો મને ન મળ્યો હોત તો આજ આ લખનાર કોઈ ન હોત !!

શરીરસ્થિતિ કાંઈક સુધરી છે. એમ લાગે છે કે મોતના પંજામાં સખત ઝલાયો હતો તેમાંથી ધીમે ધીમે છૂટું છું. પછી તો પ્રારબ્ધની વાત કોણ જાણે છે ! અહીં હવા ઠંડી પડી જવાથી તબીઅતમાં જરા ગરબડ થાય છે, તેમ દવાનો ક્રમ પણ હવે નિશ્ચિત થયો છે એટલે આજરોજ નડીયાદ જઈએ છીએ.