લખાણ પર જાઓ

આ તે શી માથાફોડ !/૧૬. બાએ મને મારી

વિકિસ્રોતમાંથી
← ૧૫. એં...એં...એં... આ તે શી માથાફોડ !
૧૬. બાએ મને મારી
ગિજુભાઈ બધેકા
૧૭. કોણ ખોટા બોલું ? →


: ૧૬ :
બાએ મને મારી

“ચંપાબેન, કંઈક રિસાયાં લાગો છો. બોલતાં કેમ નથી ?”

ચંપાબેન આનંદી છોકરી. શાળામાં આવતાંવેંત કહેશે: ‘નમસ્કાર’ પાસે આવીને બાઝી પડે. આંખમાં કેટલું ય હેત ભર્યું હોય.

આજે ચંપાબેન નીમાણાં થઈને એક કોર બેસી ગયાં હતાં.

“ચંપાબેન, કહો તો ખરાં શું થયું છે ?”

ચંપાબેન ગળગળાં થઈ ગયાં. હોઠ હલ્યા, મોઢું રાતું થઈ ગયું, આંખમાંથી આંસુ પડી ગયાં.

મેં ચંપાબેનને માથે હાથ હળવેથી ફેરવ્યો, ને પાસે બેસાર્યાં. “કહો જોઈએ ચંપાબેન ! શું કામ રુઓ છો ?”

“બાએ મને મારી.”

“શું કામ માર્યાં ?”

“મારો વાંક નહોતો તો ય મને મારી.”

“શું બન્યું હતું ?”

“મારો નાનો ભાઈ છે ને, એને તેડવાનું મને મન થયું ને હું ઘોડિયામાંથી એને તેડવા ગઈ ત્યાં ભાઈ રોવા લાગ્યો. દોડીને બા આવી ને કહે શું કામ રોવરાવ્યો ? એમ કરીને એક ધબ્બો માર્યો.”

“હશે.”

મારું મન ઘણું દુઃખાયું. મનમાં સમજી રહ્યો. ચંપાબેનને મારાથી કંઈ કહેવાય કે બાને કંઈ સમજણ નથી ?