આ તે શી માથાફોડ !/૧૮. એ બા, ધોવરાવને ?

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← ૧૭. કોણ ખોટા બોલું ? આ તે શી માથાફોડ !
૧૮. એ બા, ધોવરાવને ?
ગિજુભાઈ બધેકા
૧૯. તમે શું સમજો ? →


"એ બા, બા ! હું પાયખાને જઈ આવ્યો છું: ધોવરાવને ?"

"હવે તે કેટલા દિ' ધોવરાવું ? આવડો મોટો ઢાંઢો થયો તો યે હાથે ધોતાં ન આવડ્યું ?"

"તું કહે તો મારી મેળાએ ધોઉં."

"શું કહું તારી હોળી ? રોયા ધોતાં અવાડે ત્યારેને ?"

"પણ ધોવા ન દે, ને કેવી રીતે આવડે ?"

"પણ આવડે તો ધોવા દઉંને ?"

*

આવી રકઝક કેટલીયે બાબતો પર માબાપો ને બાળકો વચ્ચે ચાલે છે.

પ્રથમ માબાપો છોકરાને હાથે કામ કરવા દેતાં નથી, અને તેથી તેમને તેમનું કામ કરવું પડે છે. છોકરું મોટું થાય છે, ને કામ આવડ્યા વિનાનું રહે છે, માબાપને તેની બળતરા થાય છે. આપણને થાય છે: "છોકરું આવડું મોટું થયું તોયે કામ કેમ ન આવડે ?" પણ છોકરું મોટું થાય તેથી તેને કાંઈ કર્યા વિના કામ આવડે ? નાનપણમાં બાળકને કશું કામ નહિ આવડે એમ ધારીને આપણે તેને કામ કરવા દેતાં નથી; મોટપણે કામ કરતાં આવડતું ન હોવાથી ખિજાઈએ છીએ. ખરી વાત એમ છે કે નાનપણથી જ આપણે તેને કામ કરવા દેવું જોઈએ. નાનપણમાં બાળકને બધું કામ આપણા જેવું સરસ અને બરાબર ન આવડે એ સાચું છે; પણ આપણે બધાં મોટાં થઈને જે બધું સારું અને ઝડપથી કરીએ છીએ તે બધું કાંઈ પહેલેથી જ થોડું આવડી ગયું છે ? એ તો ધીરે ધીરે કામ કરીને જ સારું કામ કરતાં આવડ્યું છે.

હવે તો બા એના દીકરાને હાથે ધોવા દે તો જ થોડા દિવસમાં તેને બરાબર ધોતાં આવડશે.