આ તે શી માથાફોડ !/૩૧. બાપુપાસે જવું છે
← ૩૦. ના પાડે છે | આ તે શી માથાફોડ ! બાપુપાસે જવું છે ગિજુભાઈ બધેકા |
૩૨. કોનું માનવું ? → |
બાપુપાસે જવું છે
નાના કાકા: “ભઈ, હવે રાગડો તાણતો રહીશ ? ત્યાં તને તે કાંઈ કચેરીમાં લઈ જાય છે કે ? ત્યાં કચેરીમાં છોકરાંનું શું દાટ્યું હોય ?”
“એં...એં...એં...મારે બાપુ પાસે જાવું છે. એં...એં...એં...!”
નાના કાકા :“છાનો રે'છે કે નહિ ? હું વાંચુ છું તે મને ગડબડ થાય છે. ચુપ !”
નાની કાકી : “એમ એને ન થાય. છોકરું છે તે રડે. ભઈજી સાથે લઈ ગયા હોત તો શું થાત ? ત્યાં બેઠું બેઠું રમત.”
“લે રાખ, બહુ ડહાપણ છે તે.” “બાપુ રમણ ! આમ આવ પેંડો આપું.”
“મારે પેંડો નથી ખાવો. મારે બાપુ પાસે જાવું છે. એં...એં...એં...!”
“ઈ એમ માને એવો નથી. એમ તો ઊંધી ખોપરીનો છે. કેમ અલ્યા મૂંગો રે'છે કે નહિ ? આ લાકડી લીધી સમજજે. ત્યાં મારા આગળ નહિ ચાલે. ઈ બધું તારી બા ને બાપા આગળ ચાલે.”
રમણ રડે છે, વધારે રડે છે, ભેંકડો તાણીને રડે છે.
કાકી: “તમે એમ કરો મા. તમારી ભાભી હમણાં આવશે તો વળી કે'શે કે છોકરાને ઘઘલાવે છે. બાપુ રમણ ! આમ આવ, આપણે ઘઉં વીણીએ. લે હું તને કાંકરા દેતી જાઉં.”
રમણ : “ એં...એં...એં... મારે બાપુ પાસે જાવું છે. એં...એં...એં...”
રમણ પગ પછાડે છે. ત્યાં બા આવે છે. “શું કામ રડે છે, બેટા ?”
“બાપુ પાસે જાવું છે. મને હારે ન લઈ ગ્યા. મારે જાવું છે. એં...એં...એં...”
“તે તારા બાપુ કચેરીમાં ક્યારે ગયા ?”
“હમણાં ગ્યા. મારે જાવું છે. એં...”
“પણ રમણ ! આપણે તો માશીને ત્યાં જાવું છે ને ? માશીને આપણે નો'તુ કીધું કે અમે તમારે ત્યાં આવશું ? ચાલ, ઝટઝટ લૂગડાં પહેરી લે; આપણે જઈએ.”
“એં...એં...એં... અમારે આ ચોરણી નથી પે'રવી, ઓલી પે'રવી છે. એં...” “ઠીક ઈ પહેરાવું. ઓલી ટોપી પહેરીશ કે આ ?”
“આ.”
“ઠીક, ઈ લે. લ્યો ચાલો હવે આપણે માશીને ત્યાં ઊપડીએ.”
“બા, રસ્તામાં કચેરી આવે છે કે નહિ ?”
“હા, હા, આવે છે તો ખરી. આઘેથી હું તને તારા બાપુ ક્યાં બેસે છે તે બતાવીશ.”