આ તે શી માથાફોડ !/૩૫. ઐસા રખ્ખો

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← ૩૪. શું કામ નથી માનતો આ તે શી માથાફોડ !
૩૫. ઐસા રખ્ખો
ગિજુભાઈ બધેકા
૩૬. વિનુ અને શાક →


બે જણા પ્રવાસે નીકળ્યા. વચ્ચે નદી આવી. એક જણ નહાવા પડ્યો. નદીમાં પૂર આવ્યું. નહાનારના પગ લથડ્યા ને ખેંચાયો. કાંઠે ઊભેલો કહે: "ઐસા રખ્ખો; ઐસા રખ્ખો." પોતે બે પગ પહોળા રાખી રોફથી ઊભો રહીને કહે : "ઐસા રખ્ખો; ઐસા રખ્ખો."

પેલો કહે : "પણ પાણીનું બહુ જોર છે; પગ ખેંચાય છે."

બીજો કહે " "અરે, ઐસા રખ્ખો, ઐસા."

પેલો કહે : "રેતી નીચેથી સરતી જાય છે. પગ જ ખોડાતો નથી."

બીજો કહે : "અરે જો તો ખરો ! ઐસા, ઐસા; ઐસા રખ્ખો !"

પાણીનું જોર વધ્યું 'ઐસા રખ્ખો' પડી રહ્યું ને પેલો બિચારો તણાઈ ગયો !

એમ 'ઐસા રખ્ખો બોલવાથી રખાઈ થોડું જાય છે ? એ તો રાખતાં શીખવવું જોઇએ; રાખતાં આવડવું જોઈએ. એમ નથાય તો એક જણ બોલે ને બીજો સાંભળે પણ કંઈ વળે નહિ.

આપણે મોટાંઓ બાળકોને રાતદિવસ 'ઐસા રખ્ખો, ઐસા રખ્ખો.' એમ કહીએ છીએ. બરાબર બોલો, સરખા બેસો, શાંત રહો, ચોખ્ખા રહો. કામ કરો, હુકમ બરાબર ઉઠાવો, સાચું બોલો, ભેગા રમો, ભાગ આપો, મજા કરો, પહેલો રાખો, ઈનામ લ્યો, વગેરે કહીએ છીએ. પણ આ બધું બાળકે કરવું શી રીતે ? આપણે તો 'ઐસા રખ્ખો" કહીને ઊભા રહ્યાં. એમાં બાળકને બધું આવડે કે ? આપણે તેને બતાવવું જોઈએ. 'કૈસા રખના' એ શીખવવું જોઈએ ને પછી 'ઐસા રખ્ખો' એમ કહેવું જોઈએ.

*