લખાણ પર જાઓ

આ તે શી માથાફોડ !/૮૩. મારો બચુ

વિકિસ્રોતમાંથી
← ૮૨. બા કહે છે - આ તે શી માથાફોડ !
૮૩. મારો બચુ
ગિજુભાઈ બધેકા
૮૪. અનાથ બાળક →


: ૮૩ :
મારો બચુ

મારો બચુ બાલમંદિરે જાય છે, ઘેર આવીને ખાતી વખતે કહે છે: “બા, બાલમંદિરમાં નાસ્તા વખતે હાથ ધોઉં છું, પગ ધોઉં છું, મોઢું ધોઉં છું; અહીં પણ હાથપગ ધોઉં ?”

પીરસતી વખતે કહે છે: “બા, બાલમંદિરમાં હું નાસ્તો પીરસું છું. અહીં પીરસું ? લાવને પીરસું ? અવાજ નહિ થાય હો; દાળ ઢળશે નહિ હો; થાળી સાચવીને આપીશ. આસ્તે આસ્તે ચાલીશ. ધીમે ધીમે આપીશ.”

બચુ આમ માગણીઓ કર્યા કરે છે; હું તેને તેમ કરવાની છૂટ આપું છું. અને બચુ તો સાબુ લઈને હાથ, પગ, મોઢું વગેરે સાફ કરે છે; જરા વાર લગાડે છે, પણ બધું ય ચીવટથી સાફ કરે છે.

પછી ટીનકુડિયા હાથમાં થાળી લઈને સૌને આનંદથી પીરસે છે. વાટકામાંથી નથી દાળ ઢળતી કે નથી હાથમાંથી થાળી પડતી.

સંપૂર્ણ જવાબદારી તથા ખૂબ ગંભીરતાથી એ એનું પીરસવાનું કામ પતાવે છે.

પછી ખાવા બેસતાં કહે છે: “બાલમંદિરમાં ચાવી ચાવીને ખાવાનું કહે છે. હું તો ખૂબ ચાવું છું.”

ખાધા પછી પાછો થાળીવાટકો સરસ માંજી લાવે છે.

આમ બાલમંદિરની અસર મને જ્યાં ને ત્યાં દેખાય છે.

રાત પડે છે ને બચુ વાર્તાઓની માગણી કરે છે. મને આવડે છે તેવી વાર્તાઓ કહું છું. અને પછી તો એનો વારો આવે છે. થકવી જ નાખે. ઉંદરની વાર્તા પૂરી થાય ત્યાં ચાંદાસૂરજ વઢી પડ્યાની વાત માંડે; પછી આવે શિયાળ; પછી આવે ટાઢું ટબુકલું. આમ હારમાળા ઊપડે જ ! કેટલીયે વાર્તાઓ તેણે બાલમંદિરમાંથી યાદ રાખી લાગે છે. મારો બચુ હજુ તો થોડા જ વખતથી બાલમંદિર જાય છે; ત્યાં તો તેણે ઘણું યે ઉપાડી લીધું છે.