આ તે શી માથાફોડ !/૮૪. અનાથ બાળક

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← ૮૩. મારો બચુ આ તે શી માથાફોડ !
૮૪. અનાથ બાળક
ગિજુભાઈ બધેકા
૮૫. તમે શું ધારો છો →


એનું નામ અનાથ બાળક કે જેના પિતાના નોકરો બાળકને ધમકાવતા હોય મારતા હોય.

એનું નામ અનાથ બાળક કે જેનાં માબાપ બાળક ક્યાં છે ને શું કરે છે તેનું ધ્યાન જ ન આપતાં હોય.

એનું નામ અનાથ બાળક કે જેને ગૂમડાં થયાં હોય, કાનમાંથી પાસ જતું હોય, દાંત સડતા હોય, માથામાં જૂઓ પડી હોય, પણ તેને કોઈ દવાખાને લઈ જતું ન હોય.

એનું નામ અનાથ બાળક કે જેને ભૂખ લાગી હોય પણ રાંધવાવાળી આળસ કરીને તેને જમવા આપવા ન ઊઠે.

એનું નામ અનાથ બાળક કે જેનાં માબાપ પાસે પૈસા હોય છતાં તેને જોઈતી ચીજ ન મળે.

એનું નામ અનાથ બાળક કે જેણે શું પહેરવું અને શું ન પહેરવું તે નોકર કે આયા નક્કી કરી આપે.

એનું નામ અનાથ બાળક કે જેને માબાપના મિત્રો આગળ તેમને રાજી કરવા ગાઈ બતાવવું પડે કે નાચી બતાવવું પડે.

*