આ તે શી માથાફોડ !/૮૬. એક પ્યાલે પાણી પીવાય ?

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ૮૫. તમે શું ધારો છો આ તે શી માથાફોડ !
૮૬. એક પ્યાલે પાણી પીવાય ?
ગિજુભાઈ બધેકા
૮૭. ખજૂર નથી ભાવતો →


: ૮૬ :
એક પ્યાલે પાણી પીવાય ?

મેં એક જણને ટપારીને કહ્યું: “ભલા, આ છોકરાં એક જ પ્યાલે પાણી પીએ છે તે ઠીક નહિ. એમાં તો એકબીજાના મોંના અને બીજા રોગો એકબીજાને વળગે છે.”

તે કહે: §”એ તો ભાંડરડાં કહેવાય; એનું કાંઇ નહિ.”

મને તેમનું કહેવું સાચું લાગતું નથી.

તમને વાંચનારાઓને શું લાગે છે ?

દાક્તર કહે છે: “એમ ન પીવાય. સૌએ સૌના પ્યાલા જુદા રાખવા, અથવા ખોબાથી પીવું, અથવા અદ્ધરથી પીવું.”

પણ આપણે શું જોઇએ છીએ ? અનેક ઘરોમાં સૌ એકબીજાને પ્યાલે પાણી પીએ છે; કોઇ એ તરફ ધ્યાન પણ આપતું નથી.

મેં પોતે બાલમંદિરમાં અને ઘરમાં તો સૌ સૌના પ્યાલા જુદા રાખ્યા છે; આ વાંચનારાંઓ શું કરશે ? દરેકને માટે પ્યાલો જુદો રાખવો એટલે થોડો જ વધારે ખર્ચ; બહુ જ થોડો. ને મોટો એવો ફાયદો. એકબીજાના ચેપી રોગોમાંથી બચવું અને ચ્વસ્છતા અને શિષ્ટતા બન્ને સાચવવાં. સૌ કોઇ પહેલી તકે સૌ સૌના પ્યાલા જુદા કરી નાખશે ?