આ તે શી માથાફોડ !/૯૧. એ... પણે બાપુ આવે

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← ૯૦. મને લાગી ગયું આ તે શી માથાફોડ !
૯૧. એ... પણે બાપુ આવે
ગિજુભાઈ બધેકા
૯૨. તમને શું લાગે છે ? →


"એ... પણે બાપુ આવે. હેઈયાં !"

"ચાલો ત્યારે હવે પછી વાંચશું."

"આજે મારે બાપુને મેં ગોઠવેલી જોડાની હાર બતાવવી છે, જો પેલી રહી. બાપુ કહેશે સુંદર છે."

"ઊભો રહે: માટીના રમકડાં બનાવ્યાં છે તે મેડી ઉપરથી લઈ આવું."

"જો તો જરા, આ બાંય ચડાવી દેને ? મારા હાથ શાહીવાળા છે. બાપુનો ખડિયો અને હોલ્ડર સાફ કરું છું."

"પેલી બાપુની ચોપડીમાં નિશાન મૂક્યાં કે ? એ ચિત્રો બાપુને બતાવવાનાં છે.""એ... પણે બાપુ આવે"

"જા જા, ઝટ ચોપડી લઈને બેસી જા. નહિતર બાર વાગ્યા સમજજે !"

"એલા આ તારા જોડા રસ્તામાંથી ઉપાડી લે; બાપુ ભાળશે તો લગાવશે."

"કોણ, બાપુ આવે છે કે ? ચાલ મને ઝટઝટ હાથ ધોઈ લેવા દે. કહેશે કે ગારાવાળા કેમ કર્યા ?"

"એ રૂખી, સરખું ઓઢ; જો બાપુ દેખાય. કાલે કાન ખેંચ્યો હતો તે ભૂલી ગઈ ?"

"એલા મૂકી દે ઈ બાપુની ચોપડી. બાપુએ નો'તું કીધું કે જો કોઈ અડ્યા છો તો....!


*