ઈશુ ખ્રિસ્ત/પર્વત પરનું પ્રવચન

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ક્રૂસારોહણ ઈશુ ખ્રિસ્ત
પર્વત પરનું પ્રવચન
કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા
૧૯૨૫
બીજાં પ્રવરચનો →


ઈશુ ખ્રિસ્ત


ખંડ ૨ જો
ઈશુની વાણી

પર્વત પરનું પ્રવચન

પોતાના પહેલા બાર શિષ્યોને દીક્ષા આપ્યા પછી ઈશુ તેમને એક દિવસ એક પર્વત પર લઈ ગયો. ત્યાં જે ઉપદેશ એણે આપ્યો તે એનું સૌથી મહત્ત્વનું પ્રવચન છે. પોતાના જીવનનું સર્વ રહસ્ય તેણે તેમાં ઠાલવ્યું છે. એનો સાર નીચે આપ્યો છે:

धर्मराज्यना
अधिकारी
આ સંસારમાં જેઓ દીન, દુઃખી, નમ્ર, સદ્ધર્મના ભૂખ્યા, દયાળુ, પવિત્ર મનના અને શાંતિ તથા સંપને વધારવાવાળા છે, તે જ ખરેખરા ધન્ય છે; તેઓ જ મોક્ષના અધિકારી છે; તે જ શાંતિ પ્રાપ્ત કરી શકવાના છે; તે જ પ્રભુના પુત્ર થવાને લાયક છે; તે જ ધર્મરાજ્યમાં રહી શકશે.

જેને સ્વધર્મના પાલન માટે જુલમ વેઠવો પડ્યો છે તેનું જીવન ધન્ય છે, કારણ કે એ જ ધર્મરાજ્યનો અધિકારી છે.

सुदैव शुं?
સંતો, જ્યારે લોકો તમારી નિન્દા કરે, તમારા ઉપર જુલમ ગુજારે, તમારી ઉપર મારે માટે ખોટા આરોપો ચડાવે, ત્યારે તમે પોતાને નશીબદાર સમજજો; કારણ કે તેથી તમારું શ્રેય થવાનું છે. જે જે સંતો થઈ ગયા છે તેમણે તિરસ્કાર અને ત્રાસ વેઠીને જ સંતપણું પ્રાપ્ત કર્યું છે.
खोटां सुखो
સંતો તમને પૈસો શાન્તિ નહિ આપી શકે;એનું તમે બળ ન માનશો; કારણ કે એ જશે ત્યારે તમારું સમાધાન નહિ રહે.

તમારા આજના સુખથી તમે પોતાને નસીબદાર ન સમજશો; કારણ કે એ રડવાનો દિવસ પણ લાવશે, અને તે સમયે તમારો આજનો સુખાનુભવ તમારું દુઃખ ઓછું નહિ કરી શકે.

વળી, તમે તમારી વાહવાહથી રખે ફૂલાતા; કારણ કે તેથી તમને સાધુતા પ્રાપ્ત નહિ થાય.

जगतना प्राण
कोण?
સંતો, તમે પોતાને દીન અને દયાપાત્ર ન માનશો. તમે આ જગતનું નીમક છો - પ્રાણ છો. નીમક સ્વાદનું સાર છે, પણ એ જો સ્વાદરહિત થઈ જાય તો માટીમાં ફેંકી દેવા અને પગે ચાંપવા લાયક ગણાય; તેમ તમે તમારું સત્ત્વ - નીમક - ખોઈ પગે ચાંપી નાંખવા જેવા થશો નહિ. તમે આ જગતનું નૂર છો. જેમ ટેકરી પર વસેલા શહેરને છુપાવી શકાય નહિ, જેમ મીણબત્તીને ઢાંકણા તળે મૂકી શકાય નહિ, - એને તો ગોખલામાં જ મેલવી ઘટે - તેમ તમે તમારા નૂરને જગતમાં નાંખી જગતને પ્રકાશો, કે જેથી પ્રજા તમારાં સત્કર્મોને જુએ અને તમારા પ્રિય પ્રભુનાં યશોગાન ગાય.
ईश्वरना अविचल
नियमो
સંતો એમ ન માનશો કે હું જૂનાં શાસ્ત્રોનો ઉચ્છેદ કરવા આવ્યો છું, હું તો એનાં રહસ્યોને સમજાવવા અને એનાં તત્ત્વોનું વિશેષ પૂર્ણતાથી પાલન કરાવવા ઈચ્છું છું. ખાતરીથી માનજો કે જ્યાં સુધી સ્વર્ગ અને પૃથ્વીનું અસ્તિત્વ છે ત્યાં સુધી એક ઘાસના તણખલાનેયે પ્રભુના નિયમોના અમલમાંથી છૂટવું અશક્ય છે. જે એને અણુભાર પણ તોડશે તે પ્રભુને ત્યાં અણુ જેટલો જ રહેશે. જે એનું પાલન કરશે અને એને જ શીખવશે, તે પ્રભુના ત્યાં પણ મહાન ગણાશે. શિષ્યો, ખાતરી રાખજો કે જ્યાં સુધી ફૅરિસી અને શાસ્ત્રીઓનાં શીલથી તમે શીલમાં ચડો નહિ ત્યાં સુધી પ્રભુનું દ્વાર તમારે માટે ઊઘડવાનું નથી.
अहिंसा
કદી કોઈનો ઘાત કરવો નહિ એ આધેશ તો તમે જાણો છો. હત્યારો અધોગતિએ જશે એમ તમે માનો છો. પણ હું કહું છું કે કેવળ હત્યા એટલી જ હિંસા નથી. જો તમે તમારા ભાઈ સામે પણ ગુસ્સો કરો, તો હું કહું છું કે તમે નરકના અધિકારી થવાના; જો તમે તમારા ભાઈને ગાળ દેશો, તોપણ તમે અધોગતિને જ પામશો; અને જો તમે એને મૂર્ખ કહેશો, તો પણ તમારે માથે સજા જ ઊભી રહેશે. યજ્ઞની વેદી ઉપર ઊભા રહી બલિદાન ચડાવતી વખતે જો તમને યાદ આવે કે તમને તમારા ભાઈ પર રજ જેટાલો પણ સુસ્સો છે, તો હું કહું છું કે તમે બલિદાન ચડાવતાં અટકી જજો અને પહેલાં તમારા ભાઈ પાસે જઈ એનું સાન્ત્વન કરી પછી તમારો ભોગ ચડાવજો. તમારા વિરોધી સાથે લડાઈ પતાવવામાં તમે કદી પણ વિલંબ કરશો નહિ.

સંતો, શાસ્ત્રો આંખને બદલે આંખ અને દાંતને બદલે દાંત લેવા ફરમાવે છે. *[૧] પણ હું તો કહું છું કે તમે દુષ્ટની


  1. *આનો અર્થ એમ નથી કરવાનો કે આંખને બદલે આંખ ને દાંતને બદલે દાંત લેવા એમ સૂચવે છે; પણ આથી વધારે બદલો ન લેવાય.
સામે પણ દુષ્ટતા ન કરશો. પણ જે તમારા જમણા ગાલ પર તમાચો મારે એને તમે ડાબો પણ અર્પણ કરજો. અને જો કોઈ તમારી જોડે કજિયો કરવા આવે અને તમારું પેરણ લેવા માગે તો તમે એને તમારો અંગરખો પણ આપી દેજો.*

મિત્ર પર પ્રેમ કરવો અને શત્રુનો દ્વેષ કરવો એ લૌકિક નીતિ છે; પણ મારી સલાહ છે કે તમે તમારા શત્રુ પર પણ પ્રેમ કરજો અને કદી કોઈનો દ્વેષ તો કરશો જ નહિ. જે તમને શાપ દે તેનું હિત ઇચ્છજો; જે તમને હેરાન કરે તેના ઉપર ઉપકાર કરજો. એ જ પ્રભુને પામવાનો માર્ગ છે. જેમ પરમેશ્વર સજ્જન અને દુર્જનને સૂર્યનો પ્રકાશ સરખો આપે છે અને ન્યાયી અને અન્યાયી પર સરખી રીતે વરસાદ વરસાવે છે, તેમ, સંતો, તમારી સદ્‌વૃત્તિ સર્વે પર સમપણે રાખજો. જે તમને ચાહે તેને તમે ચાહો તેમાં વિશેષ શું?

સ્વાર્થી મનુષ્યો પણ એમ કરે છે, ઉપકારનો જ બદલો વાળવામાં વિશેષ શું? જંગલી લોકો પણ એટલું કરે છે. શિષ્યો, પાછું દેનારને દેવું એ દાન નથી; એ તો પાપી પણ કરે છે. પણ જેની પાસેથી કશું મેળવવાની આશા ન હોય એને જ આપો. અને, શિષ્યો, તમે ઉદારતાથી તમારો અપરાધ કરનારાઓને ક્ષમા આપો, કારણ કે તો જ તમે એ પ્રભુની


  • સરખાવો: વેરથી વેરનો નાશ થતો નથી, પણ નિર્વેરપણાથી જ વેરનો નાશ થાય છે આ સનાતન ધર્મ છે. - બુદ્ધ

દુષ્ટમતિવાળા પુરુષો પોતાને ગાળો દે અથવા મારે તોપણ તેને ક્ષમા જ કરવી, અને મનમાં પણ તેનું રૂડું જ વિચારવું. - સહજાનંદ સ્વામી ક્ષમાના અધિકારી થઈ શકો; અને, ક્રૂતઘ્ન તરફ પણ કરુણા રાખો; કારણ કે પ્રભુ એવો જ કરુણામય છે. સંતો, જેવો પરમેશ્વર પૂર્ણ છે અને સર્વે શુભ ગુણોનો ભંડાર છે, તેમ તમે પૂર્ણ બનો, પૂર્ણ બનો.

अव्यभिचार
અને વળી, વ્યભિચાર શાસ્ત્રાજ્ઞા વિરુદ્ધ છે એ તો તમે સાંભળ્યું છે. પણ હું કહું છું કે જે કોઈ કુદૃષ્ટિથી જુએ છે તેણે પણ પોતાના મન વડે વ્યભિચાર કર્યો જ છે. શિષ્યો, જો તમારી જમણી આંખ કદી પાપથી ચંચળ થાય તો તમે તેને તુર્ત ફોડી નાંખજો. જો તમારો જમણો હાથ તમારી પાસે અયોગ્ય વર્તન કરવવા માગે તો તમે તેને તુર્ત કાપી નાંખજો. કારણ કે તમારા સત્ત્વની હાનિ કરતાં તમારા શરીરનું એક અંગ ઓછું થાય તો તેમાં ઓછું નુક્શાન છે.
निर्मत्सरता
કોઈના આન્તરિક ઉદ્દેશો વિષે કલ્પના ન કરો, પણ સર્વેને વિષે ઉદાર બુદ્ધિ જ રાખો.

.

વળી, શિષ્યો, આંધળો આંધળાને દોરી શકે કે? તેમ શિષ્યનું શિષ્યત્વ છે ત્યાં સુધી તે ગુરુ કરતાં ચડી શકે નહિ; પણ પૂર્ણ થતાં એના જેવો માત્ર થઈ શકે.

તમારી આંખમાં કાંકરો પડ્યો હોય ત્યાં સુધી બીજાની આંખમાં પડેલી રજને જોવા ન બેસો; તેને કાઢવા પ્રયત્ન ન કરો; તમારા દોષને જ પહેલાં કાઢો.

मन-कर्मनो संबंध
સુવૃક્ષનું ફળ ખરાબ ન હોવું જોઈએ, અને ખરાબ ઝાડ પર સારું ફળ ન પાકી શકે; કારણ કે વૃક્ષની જાતે એનાં ફળ પરથી જ જણાય છે. તેમ તમારાં કર્મ અને વાણી તમારાં હૃદયને દેખાડે છે.
सोगंद
અને શાસ્ત્રોમાં કહ્યું છે કે ખોટા સોગંદ લેવા નહિ, પણ તે બરાબર પાળવા. પણ હું તમને કહું છું કે તમારે ક્યારેય કોઈના સોગંદ લેવા નહિ. ભગવાનના નહિ, ભગવાનના ધામના નહિ, પૃથ્વીના નહિ, મંદિરના નહિ, તીર્થના નહિ, તમારા પોતાના નહિ કે બીજાનાયે નહિ. કારણ કે તમે એક ધોળા વાળને કાળો, કે કાળાને ધોળો કરી શકતા નથી. માટે તમારે વિચાર કરીને હા કે ના એટલું જ કહેવું; પણ એથી વધારે પ્રતિજ્ઞા કરવી નહિ.
साचुं शिष्यत्व
તમે મોઢેથી ગુરુ, ગુરુ કહ્યા કરો, પણ જો મારા પ્રભુના આદેશો પ્રમાણે વર્તો નહિ, તો તમે મારું ઓથું, અને ઈશ્વરનું નામ નકામું જ લો છો. તેવાઓને હું કદી પોતાના કહીને સ્વીકારતો નથી. જો કયામતને દહાડે તમે મને કહેશો કે અમે તો તમારું જ નામ લેતા હતા, અને તમારા નામનો જ પ્રચાર કરતા હતા, તોયે હું કહીશ કે, 'જાઓ હું તમને ઓળખતો નથી.' માટે, સાવચેત રહેજો. તમારું મકાન પાકે પાયે અને મજબૂત ચણજો. તો જ એ ભારેમાં ભારે તોફાનો સામે ટકી રહેશે. પણ જો તમે પાયા વિનાનું નબળું મકાન બાંધશો તો તે વરસાદ અને તોફાનને ઝીલી નહિ શકે અને પડી જશે, અને તમારો સર્વથા નાશ જ કરશે.
अनाडंबर
સંતો, તમારાં સત્કર્મોને છુપાવી રાખજો, તમારા જમણે હાથે કરેલા દાનની ડાબા હાથને પણ જાણ થવા ન દેશો. અને તમે ઉપવાસ કરો ત્યારે પ્રસન્ન મુખ રાખજો, કે જેથી તમે ઉપવાસ કર્યો છે એ કોઈ જાણે નહિ. તમારી પૂજા અને પ્રાર્થનાનો આડંબર ન કરશો. રસ્તા ઉપર અને મંદિરમાં જઈ તેનો વેશ સર્વને બતાવશો નહિ, પણ તમારા હૃદયના એકાંત ખૂણામાં, બારણું વાસી, તમારા પ્રભુને યાદ કરજો.

પ્રાર્થના એટલે નકામો લવારો નહિ. ઘણા શબ્દો વાપરવાથી જ પ્રભુને રાજી કરી શકાતો નથી. પણ તમે આ પ્રમાણે પ્રાર્થના કરજો:

ख्रिस्ती प्रार्थना
હે દિવ્યધામવાસી પિતા! તારો જયજયકાર થાઓ! તારું ધર્મરાજ્ય સર્વત્ર પ્રસરો. તારી આજ્ઞાઓનું સ્વર્ગ અને પૃથ્વી પર બરાબર પાલન થાઓ. તું અમને અમારો રોજનો જ રોટલો આપજે.* અમને અમારા વિકારોમાં લલચાવા દઈશ
  • Give us day by day our daily bread, એનો આ પ્રમાણે અનુવાદ કરવાનું મેં યોગ્ય ધાર્યું છે. ખ્રિસ્તી પ્રાર્થનામાં રોટલાની એટલે ઐહિક સુખની માગણી છે એવો આક્ષેપ મૂકવામાં આવે છે, તે આ વાક્યનો અર્થ ન સમજવાને લીધે છે એમ મને લાગે છે. પ્રાર્થાનાનું તાત્પર્ય એ છે કે, અમને રોજની જરૂરિયાતો કરતાં કિંચિત્ પણ વિશેષ આપીશ નહિ; અમને અપરિભદ્રી રાખજે. પાછળના ઉપદેશ પરથી આ સ્પષ્ટ થાય છે. આપણા ભક્તોની માફક જ ઈશુએ કહ્યું છે કે,

भोजनाच्छादने चिन्तां वृथा कुर्वन्ति वैष्णवाः ।
वोSसौ विश्वभरो देवः स भक्तान्किमुपेक्षते ॥

(વૈષ્ણવો ભોજન અને વસ્ત્રની ચિંતા ફોક જ કરે છે; જે વિશ્વનું પોષણ કરવાવાળો છે તે ભક્તોની શું ઉપેક્ષા કરશે?)

વળી પોતાના શિષ્યોને ઉપદેશ માટે ગામડાંઓમાં રવાના કરતાં ઈશુએ બોધ આપ્યો હતો કે, 'પૈસાને અડતા નહિ, ભાતું બાંધતા નહિ, જોડા પહેરતા નહિ ને વાટમાં મળ્યે કોઈને સલામ કરવા થોભતા નહિ (એટલે થોભીને સલામ કરવા જેટલી વૃત્તિ રાખતા નહિ, પણ અત્યન્ત નિરપેક્ષ વૃત્તિથી જ રહેજો)' એ ઈશુ રોટલા માટે પ્રાર્થના કરે એ કેમ બને? રોટલો તો મળવાનો જ છે, એ વિષે તો શંકા જ નથી; પણ જરૂર કરતાં વધારે ન મળો એ માગણી છે. નહિ, તથા જેમ અમે પણ અમારા ગુનેગારોને માફ કરીએ તેમ તું અમારા ગુના માફ કરજે; કારણ કે તારું જ ધર્મરાજ્ય, પ્રભુતા અને યશ સર્વત્ર પ્રસરે છે. આમીન.

ईश्वर अने सेतान
શિષ્યો, તમે એકીસાથે પ્રભુ અને સેતાનની સેવા નહિ કરી શકો; માટે તમે ધન અને કીર્તિની તૃષ્ણા રાખી, અન્ન અને પ્રાણની ચિંતા કરી, પ્રભુને માર્ગે જઈ નહી શકો, તમારી ચિંતાથી તમે તમારા શરીરને એક નખ જેટલું પણ પુષ્ટ કરી નથી શકવાના; માટે એની ચિંતા છોડી જ દેજો. જે સર્વનું રક્ષણ કરે છે, જે પશુ, પંખી અને વૃક્ષને પોષે છે, તે તમારું પોષણ કરશે જ, એવી દૃઢ શ્રદ્ધા રાખજો.
श्रद्धानो महिमा
શ્રદ્ધાહીન લોકો શ્રદ્ધાનો મહિમા સમજતા નથી, અને તેથી જ અન્ન, પાણી અને વસ્ત્રની ચિંતા કરે છે. શુદ્ધ બનો તો તમને સર્વ મળી આવશે.

આવતી કાલ માટે આજથી ચિંતા ન કરો. આવતી કાલ આવતી કાલને સંભાળી લેશે. આજને જ બરાબર પાર પાડવા માટે તમારે માથે ઓછો ભાર નથી.


અને શ્રદ્ધાથી માગો એટલી જ વાર છે; શોધો એટલી જ ખોટી છે; પ્રભુનું બારણું ઠોકો એટલો જ તમારે અંદર જવાનો વિલંબ છે. તમારામાંથી કોઈ એવો છે કે જે પોતાના પુત્રને તે રોટલો માગે ત્યારે પથરો આપે? તો પછી તમારો પ્રભુ તમને તમે કલ્યાણકારી વસ્તુઓ માગો તો અનિષ્ટ કરનારી વસ્તુઓ કેમ આપશે?
प्रभुनो मार्ग
પણ પ્રભુના ધામમાં પેસવાનો રસ્તો કેડી વાટે છે. નરકના માર્ગો પહોળા અને સર્વત્ર પ્રસિદ્ધ છે, પણ ઈશ્વરના ઘરનો માર્ગ સાંકડો અને શ્રમપ્રાપ્ય છે.