ઈશુ ખ્રિસ્ત/બીજાં પ્રવરચનો

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← પર્વત પરનું પ્રવચન ઈશુ ખ્રિસ્ત
બીજાં પ્રવરચનો
કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા
૧૯૨૫
રૂપકો →બીજાં પ્રવચનો

૧. શિષ્યોની વિદાયગીરી

(શિષ્યોને ઉપદેશ આપવા મોકલ્યા ત્યારે કહેલું:) જાઓ, પ્રભુનું રાજ્ય નજીક આવેલું છે એવો સંદેશ સર્વત્ર ફેલાવો; અને તે સાથે તમે માંદાઓને સાજા કરો, કોઢિયાને શુદ્ધ કરો, મૂએલાને જગાડો, ભૂતોને કાઢો. ઉદાર હાથે તમને મળ્યું છે, ઉદાર હાથે તમે તે આપો.

તમારી સાથે ન સોનું રાખશો, ન રૂપું; ન પિત્તળનાયે સિક્કા તમારી કોથળીમાં ભરશો, તમારા પ્રવાસ માટે ન ભાથું લેશો, ને ન જામા, ન જોડા, ન લાકડી; કારણ, મજૂર એના મહેનતાણાનો સર્વત્ર અધિકારી થાય છે.

વરુઓની વચ્ચે ઘેટાંની જેમ હું તમને મોકલું છું; માટે સર્પના જેવા સાવધ, અને હોલા જેવા રાંક થજો.

દુષ્ટ માણસોથી સંભાળજો. તેઓ તમને મારશે, ફટકાવશે અને રાજદરબારમાં સોંપશે. તમને કચેરીમાં ઊભા કરવામાં આવે ત્યારે શું જવાબ દેવો તેનો આગળથી વિચાર કરી રાખશો નહિ; ઈશ્વર જ તમને તમારો જવાબ સમય પર સુઝાડશે. કારણ, તમારે બોલવાનું નથી, ઈશ્વરને જ બોલવા દેવાનો છે. જોજો, એવો વિરોધ જાગશે કે ભાઈ ભાઈને, બાપ દીકરાને, અને દીકરા બાપને પકડાવશે, અને શૂળીએ ચડવાવશે. અને, મારે લીધે લોકો તમને ધિક્કારશે, પણ જે છેવટ સુધી ટકી રહેશે, તે તરી જશે.

એક જગ્યાએ કનડગત થાય તો બીજી જગ્યાએ ચાલ્યા જજો. હું તમારી સાથે જ છું.

ગુરુ કરતાં શિષ્ય ચડે નહિ, અને શેઠ કરતાં નોકર વધી શકે નહિ. શિષ્ય ગુરુના જેવો અને નોકર શેઠના જેવો થાય તો પૂરતું છે. માટે તેઓ જો મને શેતાન કહે છે, તો તમને કેમ છોડશે?

માટે બીકમાત્રનો ત્યાગ કરજો. આપણી પાસે એવું કશું ગુપ્ત નથી કે જે પ્રગટ કરવાનું ન હોય; કશું સંતાડેલું નથી કે જે ઉપાડી શકાય નહિ. મેં જે તમને ખૂણામાં કહ્યું હોય, તે તમે પ્રગટપણે કહેજો; જે કાનમાં કહ્યું હોય, તે મોટે અવાજે સંભળાવજો.

અને, શરીરની હાણથી ડરશો નહિ, આત્માની હાનિથી ડરજો. કારણ, આત્માની હાનિ થયે શરીર પણ નરકવાસી જ થશે.

એક ઈંડુયે પ્રભુની આજ્ઞા વિના નીચે પડી શકતું નથી; તમારા માથા પરના એકેએક વાળનીયે ઈશ્વરને ત્યાં ગણતરી છે. માટે ચિંતા ન કરો, ઈશ્વરને ત્યાં તમારી કિંમત ઈંડાં કરતાં વધારે છે. જેઓ જગત સમક્ષ મને સ્વીકારશે તેમને હું ઈશ્વર આગળ સ્વીકારીશ. પણ જે જગતના ડરથી મારો ઈનકાર કરશે, તેમનો હું પણ ઈશ્વર આગળ ઈનકાર કરીશ. હું કાંઈ જગતમાં શાંતિ લાવવા જ નથી આવ્યો. રમખાણ મચાવવા પણ આવ્યો છું. બાપ અને દીકરા વચ્ચે, મા અને દીકરી વચ્ચે, સાસુ અને વહુ વચ્ચે વિરોધ મચશે. સૌથી મોટા કલહ ઘરમાં જ જાગશે. જે મારા કરતાં માની કે બાપની વધુ કિંમત સમજશે, કે દીકરા દીકરીનો વધારે મોહ રાખશે, તે મને પામવા યોગ્ય નથી. મને અનુસરવું હોય તે પોતાનો ક્રૂસ પોતાને જ ખભે મૂકીને ચાલ્યો આવે. જે (નાશવંત) જીવનને બચાવવા જશે, તે (અવિનાશી) જીવનને ખોશે! પણ મારે માટે જે (નાશવંત) જીવન ખોશે, તેને (અવિનાશી) જીવન મળશે.

જેઓ તમને સ્વીકારશે, તેમણે મને સ્વીકાર્યો છે. અને, જેમણે મને સ્વીકાર્યો છે, તેમણે મને મોકલનારને સ્વીકાર્યા છે.

૨. પ્રભુનું ધામ

પ્રભુનું ધામ રાઈના દાણા જેવું છે. દેખાવમાં તો એ ઝીણામાં ઝીણું છે; પણ જ્યારે ઊગે છે ત્યારે મોટું વૃક્ષ થાય છે, અને કેટલાયે પક્ષીઓનું આશ્રયસ્થાન બને છે.

વળી, પ્રભુનું ધામ ખમીરના જેવું છે; જેનો થોડોક અંશ ઘણા લોટમાં ભળીને બધી કણકનો આથો ચડાવે છે.

અને વળી પ્રભુનું ધામ પુષ્કળ ખજાનો દાટેલા ખેતર જેવું છે; જેની માણસને જાણ થતાં, તે ઉતાવળો થઈ તેને પોતાનું સર્વ ધન આપી ખરીદી લેવા તત્પર થાય છે, અને સોદો થાય નહિ ત્યાં સુધી ખજાનાની વાત પ્રગટ થવા દેતો નથી. અને વળી, પ્રભુનું ધામ ઉત્કૃષ્ટ મોતી જેવું છે. જેમ ઝવેરાતનો વેપારી તેની જાણ થતાં પોતાનું બીજું બધું ધન આપી તેને ખરીદવા જાય, તેમ મુમુક્ષુ તેને લેવા મથે.

૩. મોંની બહાર અને અંદર

(ઈશુના કેટલાક શિષ્યોએ હાથ ધોયા વિના ખાધું તે પરથી ઊઠેલા સવાલ પર -)

તમે જે વસ્તુઓ તમારા મોં વાટે પેટમાં નાખો છો, તે છેવટે તો બહાર જ નીકળી જાય છે. પણ તમે જે મોંમાંથી બહાર કાઢો છો, તે તો હ્રદયની વસ્તુ છે; અને તેની ખરાબી તમને ખરાબ કરે છે. કારણ, હ્રદયમાંથી જ કુવિચારો, ખૂન, વ્યભિચાર, લંપટતા, ચોરી, ખોટી સાક્ષી અને નિંદા નીકળે છે. માણસને અપવિત્ર કરનાર ચીજ તો આ છે; હાથપગ ધોયા વિના ખાવાનો દોષ તો નજીવી બાબત છે.

૪. બાલવૃત્તિ

એક વાર ઈશુએ એક બાળકને પોતાના શિષ્યો આગળ બેસાડીને કહ્યું:

આ બાળક જેવા તમે ન થાઓ, ત્યાં સુધી તમારે માટે ઈશ્વરનો દરવાજો બંધ છે. જે આ બાળક જેવો નમ્ર બને છે, તે ઈશ્વરની નજરમાં મોટામાં મોટો થાય છે. અને જે આવા બાળકને મારે નામે અપનાવે છે, તે મને અપનાવે છે. પણ જે આવા નિર્દોષ બાળક પ્રત્યે ગુનો કરે છે, તે તો ગળે ઘંટીનું પડ બાંધી ડુબાડી દેવા જેવો છે.

હાથ, પગ કે આંખ પાપ કરવા પ્રવૃત્ત થાય, તે કરતાં તેને કાપી નાંખવાં સારાં. લૂલા, લંગડા અને કાણા થઈ જીવન વિતાડવું ભલું, પણ સંસારમાં બે હાથ, બે પગ કે બે આંખો સલામત રાખી પછી નરકના અગ્નિમાં બળવું તે ખોટું!

નાનાં બાળકોને કદી દૂભવશો નહિ. પ્રભુના ફિરસ્તાઓનાં તે માનીતાં છે. એમને બચાવી લેવા માટે જ તો મારો અવતાર છે.

૫. ખરી પૂજા

જેમ ભરવાડ પોતાનાં ઘેટાં અને બકરાંને જુદાં પાડી, એક બાજુ ઘેટાં અને બીજી બાજુ બકરાં વચ્ચે ઊભે રહે, તેમ મનુષ્યોનો રાજા ભક્તોને અને અભક્તોને જુદા પાડશે, અને ભક્તોને જમણી બાજુએ બેસાડશે અને અભક્તોને ડાબી બાજુએ બેસાડશે.

પછી તે ભક્તોને કહેશે, 'આવો, મારા પ્રભુના વહાલાઓ, સ્વર્ગના ધામના તમે ભાગીદાર બનો. કારણ કે, જ્યારે હું ભૂખ્યો હતો, ત્યારે તમે મને જમાડ્યો હતો; અને તરસ્યો હતો, ત્યારે પાણી પાયું હતું; અને હું મુસાફરીમાં હતો, ત્યારે તમે મને ઘરમાં જગ્યા આપી હતી. વળી, તમે મને નવસ્ત્રો જોઈ, વસ્ત્ર આપ્યાં હતાં; માંદો હતો તથા બંદીખાને હતો, ત્યારે મારી બરદાસ લીધી હતી.'

ત્યારે ભક્તો આશ્ચર્યથી પૂછશે કે, 'હે દેવ, અમે ક્યારે તને તું ભૂખ્યો હતો ત્યારે ખવાડ્યું, અને તરસ્યો હતો ત્યારે પાણી પિવાડ્યું? વળી, ક્યારે અમે તને અજાણ્યો જાણી ઘરમાં લીધો, તથા નવસ્ત્રો જોઈ વસ્ત્રો આપ્યાં? વળી ક્યારે અમે તારી મંદવાડમાં અને બંદીખાનામાં સંભાળ લીધી?'

ત્યારે રાજા કહેશે કે, 'તમે મારી પ્રજાના નાનામાં નાના જીવને જે કર્યું હતું તે મને જ કર્યું હતું.' અને અભક્તોને તે કહેશે, 'તમે અહીંથી ચાલ્યા જાઓ, અને નરકમાં હોમાઓ. કારણ, હું તમારે ત્યાં ભૂખ્યો થઈને આવ્યો, પણ તમે મને ખવાડ્યું નહિ; તરસ્યો હતો, ત્યારે પાણી પાયું નહિ; અજાણ્યો હતો, ત્યારે આશરો આપ્યો નહિ; નવસ્ત્રો જોઈ ઓઢાડ્યું નહિ; માંદો અને બંદીખાને હતો, ત્યારે સંભાળ્યો નહિ.'

ત્યારે તે અભક્તો પૂછશે, 'દેવ, તું ક્યારે અમારી પાસે ભૂખ્યો, તરસ્યો, અજાણ્યો, નવસ્ત્રો, માંદો, કેદી વગેરે સ્થિતિમાં આવ્યો, અને અમે તને ખવાડ્યો, પિવાડ્યો, રાક્યો, ઓઢાડ્યો, કે સાંભળ્યો નહિ?'

ત્યારે રાજા કહેશે કે, 'મારી પ્રજાના નાનામાં નાના જીવને તમે જે ન કર્યું, તે મને જ ન કર્યું.'

આમ તેઓ અનંત યાતનામાં પડશે, અને ભક્તો અનંત જીવનમાં.

૬. શાપ આપવા વિષે

એક વાર એક ગામે ઈશુનો સત્કાર કર્યો નહિ. આથી તેના બે શિષ્યોએ તેને શાપ આપવા ઈચ્છા કરી. તેમને અટકાવતાં ઈશુએ કહ્યું:

માનવપુત્ર માનવોના જીવનનો નાશ કરવા અવતર્યો નથી, પણ તેમને બચાવવા.

૭. લાયક મહેમાન

તમારે જમણ આપવું હોય તો તમે તમારાં સગાંવહાલાં અને પૈસાદાર મિત્રોને ન જમાડો. તેઓ તમને વળતું નોતરું આપી બદલો વાળશે. માટે જેઓ બદલા વાળી શકે એમ ન હોય એવા ગરીબ, લૂલા, લંગડા, આંધળાને જમાડો; જેથી ઈશ્વર તમને તેનો બદલો આપી શકે.

૮. ભક્તિનું અંદાજપત્ર

મા, બાપ, સ્ત્રી, પુત્ર, ભાઈ, બહેન અને પોતાનો જીવ સુદ્ધાં છોડ્યા વિના મારા શિષ્ય થઈ શકાશે નહિ. તમારો ક્રૂસ તમારે જ ખભે ચડાવી તમે મારું શિષ્યત્વ કરી શકશો.

માટે જેને મારી પાછળ આવવું હોય તેણે બરાબર હિસાબ કરી લેવો અને તપાસી લેવું. તમારે એક મિનારો ચણવો હોય તો બેસીને તેનો હિસાબ કરવો પડે છે અને શું ખર્ચ લાગશે તેનો અંદાજ કાઢવો પડે છે. કારણ કે વગર ગણતરીએ તમે બાંધવા માંડો, અને પછી પૂરો ન કરી શકો, તો તમારી ફજેતી થાય.

કોઈ રાજાને બીજા રાજા પર ચડાઈ કરવી હોય તો તે પોતાના અને તેના બળાબળનો વિચાર કર્યા વિના તેમ કરે કે? પોતાનું લશ્કર દશ હજારનું હોય તો તે વીસ હજારની સેનાવાળા સામે લડવા જશે નહિ. પણ તેના વકીલોની સાથે સુલેહનું કહેણ મોકલશે.

એ જ રીતે બરાબર ગણતરી કરી, બધું છોડવાની તૈયારી વિના મારી પાછળ લાગશો નહિ.

૯. નિષ્કામ સેવા

તમારે ત્યાં કોઈ ગુલામ આખો દિવસ ખેતીનું કે ઘેટાં રાખવાનું કામ કરી સાંજે ઘેર આવે, ત્યારે તમારામાંથી કોઈ તેને એમ કહો છો કે, તું થાકીને આવ્યો છે માટે મારા પહેલાં જમી લે? હું ધારું છું કે ઘણું કરીને તો તમે એમ જ કહેતા હશો કે, ચાલ હવે ચોખ્ખો થઈને રસોઈ તૈયાર કરી નાંખ અને મને પીરસ અને હું ખાઉં પીઉં પછી તું પણ ખાજે પીજે. અને તે ગુલામ એ બધું કરી દે તે માટે તમે એનો આભાર માનતા નહિ હો. અને તે ગુલામ પણ તેવી આશા રાખતો નથી.

માટે તમે પણ જે કાંઈ ઈશ્વરના નિયમો પાળો અને સેવાઓ બજાવો તે માત્ર તમારી ફરજ સમજીને જ કરો. એ વિષે કૃતજ્ઞતાની કે બદલાની આશા ન રાખો.

૧૦. પરિગ્રહી શ્રીમંત

એક પૈસાદાર માણસની જમીનમાં પુષ્કળ ધાન્ય પેદા થયું. તેણે વિચાર્યું કે, 'આ બધા અનાજનું હું હવે શું કરું? મારી પાસે એને રાખવાને જગ્યાયે નથી. માટે હું મારા જૂના કોઠાર તોડી તેને બદલે વધારે મોટા કોઠાર બાંધીશ અને તેમાં મારો બધો માલ રાખીશ.' અને વળી વિચાર કરવા લાગ્યો કે, 'હાશ, જીવ, હવે તારે ઘણાં વરસની નિરાંત થઈ ગઈ, હવે તું સુખેથી ખાઈ પીને આનંદ કર.'

પણ ભગવાને તેને કહ્યું, 'હે મૂર્ખ, તારું આયુષ્ય હવે ખૂટી ગયું છે, અને આજે જ રાત્રે તારો જીવ નીકળી જવાનો છે. પછી તારો આ બધો સંગ્રહ કોને કામ આવશે?'

જે ઈશ્વર સિવાય બીજી સંપત્તિ સંઘરી રાખે છે તે સર્વેનું આમ થાય છે.

આથી હું કહું છું કે તમે શું ખાશો અને શું પહેરશો તેની ચિંતા ન કરો. અન્ન અને વસ્ત્ર કરતાં જીવન વધારે મહત્ત્વનું છે. જુઓ આ કાગડા; તે નથી વાવતા કે નથી લણતા; નથી કોઠાર બાંધતા કે નથી કોઠી રાખતા. પણ ભગવાન તેમને ખવાડે છે. શું એ કાગડા કરતાં તમે વધારે કીમતી નથી?

વળી આ હરિયાળી જુઓ. તે કેવી ઊગે છે? તે નથી કાંતતી કે નથી વણતી. અને છતાં બાદશાહ સોલોમનનો વૈભવ આ હરિયાળીના વૈભવ આગળ નજીવો હતો. જે તૃણ આજે ખેતરમાં છે અને કાલે ભઠ્ઠીમાં બળશે, તેનેય જો ઈશ્વર આવી શોભા અર્પણ કરે છે તો તેના પર ઈતબાર રાખો. તમને શાની જરૂર પડશે તે એ જાણે છે. તમે તો ઈશ્વરને ત્યાં શું જમા કરાવવું તેનો જ વિચાર રાખો. તમારી પાસે જે હોય, તે દાન કરી દો. અને એવી થેલીઓ વસાવો જે કદી ફાટે નહિ, અને તેમાં એવું નાણું ભરો કે જે કદી ખૂટે નહિ, સડે નહિ, કે ચોરને હાથ આવે નહિ.* વળી યાદ રાખો કે, જ્યાં તમારું ધન મૂક્યું હશે, ત્યાં જ તમારું ચિત્ત પણ ચોંટેલું રહેશે.


*સરખાવો:

ગિરધારી રે સખી ગિરધારી,
મારે નિર્ભય અખૂટ નાણું ગિરધારી.
ખરચ્યું ના ખૂટે, એને ચોર ના લૂંટે;
દામની પેઠે એ ગાંઠે બાંધ્યું ના છૂટે. ૧
અનગણ નાણું સંચી અંતે નિર્ધનિયાં જાયે;
તેની પેઠે નિર્ભય નાણું દૂર ના થાયે. ૨
સંપત વિપત સર્વે સપનું જાણું,
હરિના ચરણની સેવા પૂરણ ભાગ્ય પરમાણું. ૩
મુક્તાનંદ કહે, મોહનવરને ઉરમાં મારી,
હવે દુઃખ ને દારિદ્રય થકી હું ન્યારી ૪

૧૧. અવિવેકી પરોણા

એક માણસે થોડું જમણ આપ્યું, અને તેમાં ઘણા માણસોને નોતર્યા. પછી કેટલાક માણસો ત્યાં જઈ વગર કહ્યે સારી સારી જગ્યાએ જઈને બેસી ગયા. અને કેટલાક ડાહ્યા હતા, તે નીચેની જગ્યાએ બેઠા. પછી ઘરનો માલિક જ્યારે બધાને મળવા નીકળ્યો, ત્યારે તેને કેટલાક સારી જગ્યાએ બેઠેલા માણસોને ત્યાં પ્રતિષ્ઠિત માણસોને બેસાડવા માટે ઉઠાડવા પડ્યા, અને તેમને નીચેની જગ્યાઓમાં મોકલવા પડ્યા. પણ કેટલાક નીચેની જગ્યાઓમાં બેઠેલાને આગ્રહ કરી તે ઊંચી જગ્યાએ લઈ ગયો. પછી જેમને નીચેની જગ્યાએ ખસવું પડ્યું તેમનાં મન ભોઠાં પડી જાય, અને જેઓને આગ્રહપૂર્વક માનની જગ્યાએ લઈ ગયા તે પ્રફુલ્લ થાય, તેમાં શું આશ્ચર્ય?

આમ જે નમ્ર થાય છે તે જ ચડે છે.