ઈશુ ખ્રિસ્ત/રૂપકો

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← બીજાં પ્રવરચનો ઈશુ ખ્રિસ્ત
રૂપકો
કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા
૧૯૨૫
સુભાષિતો →


રૂપકો

૧. ખેતરની વાવણી

એક ખેડૂત [૧] ખેતરમાં વાવવા નીકળ્યો. ત્યારે વાવતા વાવતાં કેટલાંક બી [૨] ખેતરની બહાર રસ્તા પર [૩] પડી ગયાં; અને પક્ષીઓ [૪] આવી તેને થોડી વારમાં ઉપાડી ગયાં.

અને વળી કેટલાંક બી મોરમવાળી જમીનમાં [૫] પડ્યાં. ત્યાં ઊંડી ભોંય નહોતી. તે વહેલાં ફૂટી નીકળ્યાં. પણ નીચે ભોંય ન હોવાથી તે મૂળ ઘાલી ન શક્યાં, અને સૂરજના તાપમાં બળી ગયાં. [૬]

અને કેટલાંક બી વાડમાં [૭] જઈ પડ્યાં. તે ઊગ્યાં, પણ તેની સાથે કાંટાની વાડ પણ વધી; અને વાડે તેમને ગૂંગળાવી નાંખ્યાં.

પણ કેટલાંક બી સારી ખેડાએલી જમીનમાં [૮] પડ્યાં, અને તે સરસ ઊગ્યાં, અને કેટલાંક તેમાંથી એક ના સો થયાં, કેટલાંક સાઠ થયાં, કેટલાંક ત્રીસ થયાં.


 1. સદગુરુ
 2. ઉપદેશ
 3. મૂઢના કાન
 4. કુવાસનાઓ
 5. નબળા મનના લોકો
 6. વિટંબણાઓ સામે ટકી ન શક્યાં
 7. સંસારની ચિંતાઓ અને સમૃદ્ધિ
 8. દૃઢ મનના મુમુક્ષુ
૨. ઘઉં અને ઘાસ

એક ખેડૂતને [૧] પોતાના ખેતરમાં [૨] ઊંચી જાતના ઘઉં [૩] વાવ્યા હતા. પણ જ્યારે એના માણસો ઊંઘી ગયા, ત્યારે એના દુશ્મન [૪] આવી તેમાં જાડા ઘાસનાં બી [૫] વેરી દીધાં

તેથી, જ્યારે ઘઉં ફૂટ્યા, ત્યારે સાથે સાથે જાડું ઘાસ પણ ઊગી નીકળ્યું.

તે જોઈ નોકરોએ કહ્યું, 'ધણી, આપણે તો ઘઉં વાવ્યા હતા, અને આ ઘાસ ક્યાંથી આવ્યું?'

ત્યારે ખેડૂત બોલો, ' આ કોઈ દુશ્મનનું કામ જણાય છે.'

તે પર નોકરોએ પૂછ્યું, ' આ ઘાસ અમે નીંદી નાંખીએ કે?'

પણ ખેડૂતે કહ્યું , 'ના. આ ઘાસ નીંદતાં ઘઉં પણ ઊખડી આવશે. માટે હવે કાપણી આવતાં સુધી બન્નેને વધવા દો.'

પછી કાપણી વખતે તેણે લણનારાઓને કહ્યું, 'પહેલાં તમે જાડું ઘાસ કણસલા[૬] સાથે વાઢી લો, અને તેના પૂળા બાંધી નાંખો. અને પછી ઘઉંને [૭] ભેગા કરી ખળામાં [૮] લઇ જાઓ.'

૩. અપરધી કારભારી

એક વાર પિટરે ઈશુને પૂછ્યું, 'અમારે બીજાઓને કેટલી વાર માફી આપવી? સાત વાર?' ઈશુએ કહ્યું 'સિત્તેર ગુણ્યા સાત વાર.' એમ કહી એણે નીચેનું રૂપક આપ્યું.


 1. સદગુરુ
 2. જગતમાં
 3. સદુપદેશ
 4. સેતાન, કલિ, માર.
 5. દુષ્ટોપદેશ
 6. દુષ્ટોપદેશના ધારણ કરનારા.
 7. સદુપદેશના ધારણ કરનારા.
 8. ઈશ્વરનું ધામ

એક રાજાને ત્યાં ઘણા કારભારીઓ હતા. એક દિવસ રાજાએ તેમનો હિસાબ લીધો ત્યારે ખબર પડી કે, એક કારભારી પાસેથી રાજનું દશ બાર હજાર મહોરનું લેણું નીકળે છે. રાજાએ તેને તે ભરી દેવા હુકમ કર્યો. પણ તે ભરી શક્યો નહિ. ત્યારે રાજાએ તેનાં સ્ત્રી છોકરાંને બંદીખાને નાંખવા હુકમ કર્યો. ત્યારે તે કારભારી રડી પડ્યો, અને રાજાને ચરણે પડી કાલાવાલા કરવા લાગ્યો, અને નોકરી કરી વસૂલ કરી આપવા વચન આપ્યું. આથી રાજાને દયા આવી, અને તેણે માફી બક્ષી, અને ફરીથી કામે લીધો.

પછી એક વાર તે કારભારીને તેના એક વાણોતર પાસેથી સો રૂપિયાનું લેણું નીકળ્યું. કારભારીએ તે વસુલ કરવા તેને ફટકાવ્યો, તથા તેનું ગળું, ઝાલી ધમકાવ્યો કે, 'હમણાં ને હમણાં મારા પૈસા લાવી દે.' પણ પેલો નોકર તે આપી શકે તેમ નહોતું. તે પગે પડી આજીજી કરવા લાગ્યો કે, 'મને વખત આપો; હું નોકરી કરી બધું ભરી દઈશ.' પણ તે કારભારીને દયા આવી નહિ, અને તેણે તેને બંદીખાને મોકલ્યો.

રાજાને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેણે તેને બોલાવી મંગાવ્યો અને કહ્યું, 'અરે દુષ્ટ, તારા કાલાવાલા સાંભળી મેં તને તારું બધું દેવું માફ કરી દીધું, પણ તને તારા સાથી પર એક નજીવી રકમ માટેયે દયા ન આવી? તું દયાને પાત્ર નથી, માટે તારું દેવું તું ચુકતે ન કરે ત્યાં સુધી હું તને કોટવાલને હવાલે કરું છું.'

આમ, જો તમે તમારા ગુનેગારોને માફી ન આપો તો ભગવાન પણ તમારી પ્રત્યે તેમ જ વર્તશે.
૪. સરખી મજૂરી

એક જમીનદારે દ્રાક્ષની વાડી કરી હતી. જ્યારે દ્રાક્ષ તૈયાર થઈ ત્યારે તે સવારના પહોરમાં ચૌટામાં મજૂરોને તેડવા ગયો.

અને ત્યાં એને જે મજૂરો મળ્યા. તેમને એણે આનો રોજ ઠરાવી વાડી પર મોકલ્યા.

પછી ત્રીજે કલાકે (એટલે સૂર્યોદય પછી) તે પાછો ચૌટે ગયો. ત્યાં એણે ઘણા મજૂરો કામ મેળવવા બેઠેલા જોયા. તેણે એમને કહ્યું કે, 'તમે પણ વાડીએ જાઓ. જે વાજબી હશે તે તમને આપીશ'

પછી, વળી, છઠ્ઠે અને નવમે કલાકે તે ચૌટૅ ગયો, અને તે વખતે યે જે મજૂરો મળ્યા, તમને 'વાજબી હશે તે આપીશ' એમ કહી કામે મોકલ્યા.

પછી, વળી, અગિયારમે કલાકે તે ચૌટે ફરવા ગયો. તે વખતેયે ત્યાં એને ઘણા માણસોને આળસુ બેઠેલા જોઈ પૂછ્યું, 'તમે નકામા કેમ બેઠા છો?'

ત્યારે તે બોલ્યા, 'અમને આજે કામ મળ્યું નથી.'

ત્યારે તે બોલ્યો, 'જાઓ મારી વાડીએ જઈ કામ કરો, જે વાજબી હશે તે હું તમને આપીશ.'

પછી જ્યારે સાંજ પડી ત્યારે તેણે મહેતાજીને બોલાવીને કહ્યું, 'છેલ્લા આવેલા મજૂરથી શરૂ કરી, દરેકને તમે એક એક આનો ચૂકવો.' આમ છેક અગિયારમે કલાકે આવેલા મજૂરને પણ આનો આપ્યો. ત્યારે જેઓ પહેલા આવ્યા હતા, તેમણે માન્યું કે તેમને વધારે મજૂરી મળશે. પણ જ્યારે તેમનેયે આનો જ મળ્યો ત્યારે તેઓ ફરિયાદ કરવા લાગ્યા, અને કહેવા લાગ્યા કે, 'આ કેવો અન્યાય ! અમે આખો દિવસ તડકો વેઠી કામ કર્યું તેનું મહેનતાણું છેક છેલ્લી ઘડીએ આવનાર જેટલું જ !'

ત્યારે જમીનદારે તેમને કહ્યું 'ભાઈ, મેં તારું તો કશું ઓછું કર્યું નથી ને? મેં તારી જોડે એક આનાની જ બોલી કરી હતી ને? તારા હકનું લઈ તું તારો રસ્તો પકડ. હું તો આ છેલ્લાનેય તારા જેટલું જ આપીશ. મારા પૈસાનો મેને ઠીક લાગે તેમ ઉપયોગ કરવાનો મને હક નથી કે? હું ઉદાર થાઉં તેથી તારી આંખ શું કામ દુઃખે?'

આમ ઈશ્વરને ત્યાં છેલ્લો આવનારો પહેલો થાય છે. અને પહેલો પહોંચ્યો છેલ્લો થાય છે. કારણ, ઘણા આવે છે, પણ અનુગ્રહના અધિકારી થોડા જ હોય છે.

૫. આજ્ઞાધારક અને આજ્ઞાપાલક પુત્રો

એક માણસને બે દીકરા હતા. એક દિવસ તેણે બન્નેને બોલાવી કહ્યું, 'જાઓ, વાડીમાં જઈને કામ કરો.' પણ એક બોલ્યો, 'હું નહિ જાઉં.' પણ પછી તેને પશ્ચાતાપ થયો, અને તે જઈને કામે લાગ્યો. પણ બીજાએ કહ્યું, 'જેવી આજ્ઞા, પિતાજી.' પણ તે કામે ગયો નહિ.

આ બેમાંથી પિતાની આજ્ઞા કોણે પાળી કહેવાય? ના કહી, પણ પશ્ચાતાપ કરી કામે ગયો તેણે, કે હા કહ્યા છતાં ગયો નહિ તેણે?

આ રીતે જે સન્માર્ગે જવાની ના પાડે છતાં પશ્ચાતાપ કરીને જાય, અને જે સન્માર્ગે ચાલવા વચન આપ્યા છતાં જાય નહિ, તે બેમાં કોણ સાધુ ગણાય?
૬. દુષ્ટ ગણોતદારો

એક જમીનદારે[૧] દ્રાક્ષની [૨] મોટી મોટી વાડીઓ કરી, અને તેને ચારે બાજુએ વાડ ભરી. અને વચ્ચે એક દ્રાક્ષાસવનું કારખાનું પણ બાંધ્યું. પછી તે વાડીઓ તેને ગણોતે ખેડવા આપી, અને વિદેશ ચાલ્યો ગયો.

પછી જ્યારે દ્રાક્ષો તૈયાર થઈ, ત્યારે તેણે પોતાના નોકરોને [૩] માલ ભેગો કરવા મોકલ્યા. ત્યારે તે ગણોતિયાઓએ તે નોકરોમાંથી કોઇને માર્યા, કોઈનાં ખૂન કર્યાં, અને કોઈને અપંગ કર્યાં.

તે સાંભળી જમીનદારે વળી વધારે માણસો મોકલ્યા. પણ ખેડૂતોએ તેમનાયે તેવાજ હાલ કર્યાં.

આ જાણીને જમીનદારે પોતાના દીકરાને [૪]ને તપાસ કરવા મોકલ્યો. ત્યારે ખેડૂતોએ વિચાર્યું : 'હવે તો જમીનદારનો વારસ જ આવ્યો છે, ચાલો, આપણે એને મારી નાંખીએ, પછી બધી વાડી આપણી જ થઈ જશે.'

એમ ઠરાવી તેમણે એના દીકરાને શૂળી દીધી.

પછી એ જમીનદાર જાતે જ ગયો, તેણે એ ખેડૂતોને શું કર્યું હશે વારુ?

સાંભળનારા - એણે એમને આકરી સજાઓ કરી હશે, અને વાડીમાંથી તેમને કાઢી મૂકી સારા ખેડૂતોને સોંપી હશે.

ઈશુ - ત્યારે ઈશ્વર તેમના સંતોનું ન સાંભળનાર તેમને પીડનારની શી વલે કરશે તે વિચારી લો.


 1. ભગવાને
 2. દુનિયા
 3. સંતો અને પેગંબરો
 4. ખ્રિસ્ત
૭. અભિમાની મહેમાનો

એક શેઠે[૧] જમણ કર્યું, અને તેમાં ઘણા લોકોને નોતર્યાં. અને પછી જમવાનો વખત થયો ત્યારે તેડાં મોકલ્યાં.

પણ તે લોકોએ[૨] સંપ કરી બહાનાં કાઢ્યાં. એકે કહ્યું, 'મારે આજે મારી જમીન પર ગયા વિના ચાલે એમ નથી, માટે મને માફ કરો.' બીજાએ કહ્યું, 'મેં નવા બળદ લીધા છે. તેને પલોટવાના છે; માટે મને માફ કરો.' ત્રીજાએ કહ્યું, 'મારે આજે આણું કરવા જવું છે, માટે મને માફ કરો.

પછી નોકરોએ [૩]આવી શેઠને આ બધું સંભળાવ્યું. ત્યારે શેઠને ગુસ્સો આવ્યો, અને નોકરને હુકમ કર્યો કે, 'તું ઝટ જઈ રસ્તે રસ્તે અને ગલીએ ગલીએ ફરી વળ; અને જેટલા ગરીબ, લૂલા, લંગડા, આંધળા માણસો [૪]જુએ તે સૌને તેડી લાવ.'

પછી નોકર તેમ કરી શેઠની પાસે હાજર થયો, અને કહ્યું કે, 'હજુ ઘણાને માટે અવકાશ છે.' ત્યારે શેઠે વળી કહ્યું 'હવે તું ગામની બહાર રસ્તઓ પર અને વગડાઓમાં જઈ ત્યાં જે મળે તેમને તેડી લાવ, અને મારું ઘર ભરી દે. મારે હવે નોતરેલામાંથી એકેનેય મારી રસોઈ ચખાડાવી નથી.'

૭. ગફલતી નોકરો

એક શેઠ હતો. તેને પોતના નોકરોને હુકમ કર્યો હતો કે, 'હું આવું ત્યારે બધું કામ બરાબર હોવું જોઈએ, અને જેણે બરાબર કર્યું હશે તેને હું મોટો હોદ્દો આપીશ.'

પછી કેટલાક નોકરો તો, શેઠ કોઈ પણ ઘડીએ આવી


 1. ભગવાન
 2. દુનિયાદારી માણસો
 3. સંતો
 4. દીન અને દુ:ખી
પહોંચે એમ માની, પોતાના ઘરને સદાયે સજ્જ રાખતા અને રસોઈપણ તૈયાર રાખતા.

પણ કેટલાક નોકરો, હજુ હમણાં શાના શેઠ આવે છે, આવશે ત્યારે તૈયાર કરી નાંખીશું, એમ વિચારી આળસ અને મોજમજા કરવા લાગ્યા.

પણ એક દિવસ શેઠ એમને ત્યાં અણધાર્યાં જ ઈ પહોંચ્યા, અને જોયું તો કશું જ ઠેકાણું નહોતું.

પછી શેઠે તેમને દંડ કર્યો અને બરતરફ કર્યા.

૯. ડાહીઅને મૂર્ખ કન્યાઓ

એક ગામમાં દસ કન્યાઓ હતી. અને તેઓ સૌ એક જ વરને પરણવા ઈચ્છતી હતી. અને તે વર ગમે તે ક્ષણે આવી પહોંચે એમ હતું.

પછી દસે કન્યાઓ પોતાના દીવા સળગાવી વરને સામી મળવા નીકળી.

તેમાં પાંચ કન્યાઓ ડાહી હતી અને પાંચ કન્યાઓ મૂર્ખ હતી. અને જે કન્યાઓ ડાહી હતી તેમણે પોતાની સાથે તેલની કુપ્પીઓ પણ રાખી, જેથી દીવામાં તેલ થઈ રહે તો પૂરી શકાય.

પણ જે કન્યાઓ મૂર્ખ હતી, તેમણે તેલ રાખ્યું નહિ.

અને વરને આવતાં વાર લાગી, ત્યારે તે બધી રસ્તામાં જ સૂઈ ગઈ.

ત્યાં તો મધરાતને સમયે સાદ પડ્યો કે વર આવી પહોંચ્યો છે.

એટલે તે બધી પોતાન દીવાની દિવેટો સંકોરવા લાગી. અને પેલી મૂર્ખ કન્યાઓ ડાહીને કહેવા લાગી, 'અમને તમારી પાસેથી થોડું તેલ આપો.' ત્યારે પેલી ડાહી કન્યાઓ બોલી કે, ' અમે એમ કરીએ તો અમારા દીવા પણ હોલવાઈ જાય. માટે તમે બજારમાંથી તેલ લઈ લો.'

ત્યારે તે પાંચ મૂર્ખ કન્યાઓ બજારમાં તેલ લેવા ગઈ.

પણ એટલી વારમાં તો વર આવી પહોંચ્યો અને જે કન્યાઓ તૈયાર હતી તેમને લઈ લગ્નમંદિરમાં ગયો. અને તે પછી મંદિરનાં બારણાં વાસી દેવામાં આવ્યાં.

પછી પેલી મૂર્ખ કન્યાઓ આવી લાગી, અને કહેવા લાગી કે, 'હે નાથ, બારાણાં ઉઘાડો અને અમને સ્વીકારો.'

પણ વરે કહ્યું કે, ' તમે પાછી જાઓ, હું તમને ઓળખતો નથી.'

માટે ગફલતમાં રહેવું નહિ. ઈશ્વરનું તેડું અને પરીક્ષા કઈ ક્ષણે આવી પહોંચશે તે કહેવાય નહિ.

૧૦. કુશળ અને અકુશળ મુનીમો

એક શેઠ હતો, તેને પરદેશ જવું હતું. ત્યારે તેણે પોતાના મુનીમોને તેડ્યા અને એકને પાંચ મહોર, બીજાને બે મહોર અને ત્રીજાને એક મહોર આપી, તે પાછો આવે ત્યારે તેનો હિસાબ આપવા કહ્યું.

પછી તે મુનીમોમાંથી જેને પાંચ અને બે મહોરો આપેલી હતી, તેમણે દરેકે તેના વડે વેપાર ખેડ્યો, અને અનુક્રમે બંનેએ પાંચ અને બે મહોરોનો નફો કર્યો.

પણ ત્રીજો હતો તે પોતાને મળેલી મહોરને એક ખૂણામાં દાટી દઈ, નિરાંત કરી બેઠો.

પછી ઘણે દહાડે શેઠે પાછા આવી દરેકને હિસાબ પૂછ્યો. ત્યારે પહેલા બે મુનીમોએ શેઠની પાંચ અને બે મહોરમાં અનુક્રમે પાંચ અને બે મહોર ઉમેરી, પોતે કરેલો નફો બતાવ્યો.

તે જોઈ શેઠ રાજી થયો, અને તેમને કહ્યું કે, 'આ નાનકડી રકમમાં તમે પ્રામાણિકતા અને હોશિયારી બતાવી છે, માટે હું તમને મારા ભાગીદાર બનાવું છે.'

પછી ત્રીજાનો વારો આવ્યો, ત્યારે તે બોલ્યો, 'શેઠ, હું જાણું છું કે તમે બહુ કડક માણસ છો, અને જ્યાં વાવ્યું ન હોય ત્યાંથી લણો છો, અને જ્યાં પાથર્યું ન હોય ત્યાંથી સંકેલો છો. આથી મને ડર લાગ્યો અને મેં તમારી મહોરને દાટી રાખી. તે આ હાજર કરું છું.'

ત્યારે શેઠે કહ્યું, 'અરે દુષ્ટ અને આળસુ માણસ ! તું જાણે છે કે, હું વાવ્યું ન હોય ત્યાંથીયે લણું છું, અને પાથર્યું ન હોય ત્યાંયે સંકેલું છું. માટે તો તારે મારી મહોર વ્યાજે તો મૂકવી હતી, જેથી મને તેનું વ્યાજ તો મળત !'

માટે એ મહોર પહેલા માણસને આપી દે, જેથી એની પાસે અગિયાર થાય. કારણ, જે ભરે છે તેમાં જ હું ઉમેરું છું, અને જે ખાલી કરે છે તેમાંથી જે હોય છે તેયે કાઢી લઉં છું. (જે સદગુણ ધરાવે તેના સદ્ગુણો વધતા જ જાય. જે તે ઓછા કરે, તેના હોય તેયે ચાલ્યા જાય.)

એમ કહી, એ નોકરને તેણે દંડ કરી બરતરફ કર્યો.

૧૧. ભલો સૅમૅરિયન

એક વિદ્વાને ઈશુને પૂછ્યું, 'ગુરુ, અનંત જીવનના અધિકારી થવા મારે શું કરવું?' ઈશુ - શાસ્ત્રમાં શું કહ્યું છે?

વિદ્વાન - શરીર, મન, બુદ્ધિથી ઈશ્વરની ભક્તિ કરવી અને પોતાના પડોશીને પોતા જેવો જ સમજવો.

ઈશુ - ઠીક કહ્યું. એ પ્રમાણે જ ચાલ, એટલે અનંત જીવનનો અધિકારી થઈશ.

વિદ્વાન - પણ મારો પડોશી કોણ?

ઈશુ - એક વાર એક મુસાફર ચોરોના હાથમાં સપડાયો; તેમણે તેને લૂંટી કપડાં ઉતારી લઈ, મારી, લગભગ અધમૂઓ કરી નાંખ્યો. તેવામાં એક પૂજારી ત્યાંથી પસાર થયો. એને પડેલો જોઈ, તે રસ્તાની સામી બાજૂથી ચાલ્યો ગયો. પછી થોડી વારે વળી એક બીજો ગૃહસ્થ ત્યાં આવી ચડ્યો. તે પણ તેને જોઈ, રસ્તાની સામી બાજૂથી ચાલ્યો ગયો. તે પછી એક સૅમૅરિયન (હલકી કોમનો યહૂદી) ત્યાં આવી ચડ્યો. તેને એની દુર્દશા જોઈ દયા આવી. તે તેની પાસે ગયો, અને તેના ઘાને દારૂથી ધોઈ, તેલ લગાડ્યું, અને તેને પોતાના ખચ્ચર પર નાંખી એક સરાઈમાં લઈ ગયો, તથા ત્યાં તેની માવજત કરી.

પછી બીજે દિવસે સવારે ઊપડતી વખતે તેને સરાઈના માલિકના હાથમાં પૈસા મૂકી કહ્યું, 'આ માણસની સંભાળ લેજે, અને વધારે ખરચ થાય તો મારે નામે માંડી રાખજે. હું ફરી આવીશ ત્યારે ચૂકવી દઈશ.'

હવે, આ ત્રણમાં એ લૂંટાએલા માણસનો કોણ પડોશી થયો વારુ?

વિદ્વાન - જેણે દયા બતાવી તે.

ઈશુ - એ જ મુજબ થતું રહે
૧૨. આગ્રહી મિત્ર

એક માણસને ત્યાં મોડી રાત્રે એક મહેમાન આવી પહોંચ્યો. તે વખતે એના ઘરમાં ખાવાનું રહ્યું નહોતું. આથી તે પોતાના એક મિત્રને ત્યાં ગયો, અને બારણું ખખડાવી બોલ્યો, 'મિત્ર, મારે ત્યાં એક મહેમાન આવ્યો છે. તેને ખવડાવવા માટે તારે ત્યાંથી ત્રન રોટી આપ તો!'

પણ પેલો મિત્ર પથારીમાં પડ્યો પડ્યો જ બોલ્યો, 'મધરાતે મને હેરાન ન કર. મેં મારા બારણા પર આગળો દઈ દીધો છે, મારાં બાળકો મને વળગીને પડ્યાં છે. હું હવે ઊઠી શકતો નથી.'

પણ પેલાએ એમ એને છોડ્યો નહિ. એણે એને આગ્રહપૂર્વક કહ્યું કે, 'તારે બારણાં ઉઘાડી મને મહેમાન માટે રોટી આપ્યા વિના નહિ ચાલે. તું ઊઠે નહિ ત્યાં સુધી હું તને જંપવા દઈ શકું નહિ.'

આથી છેવટે એના મિત્રને ઊઠવું જ પડ્યું, અને બારણું ઉઘાડી રોટી આપવી પડી.

આ જ રીતે આગ્રહપૂર્વક ઈશ્વરનાં બારણાં ઠોકો, તો તે ઊઘાડ્યા વિના રહેશે નહિ.

૧૩. ઉડાઉ દીકરો

એક માણસને બે દીકરા હતા. તે પૈકી નાનાએ એક દિવસ બાપને કહ્યું, 'મને મારો ભાગ આપી દો. મારે જુદા પડવું છે.'

ત્યારે બાપે તે મુજબ કર્યું. પછી તે નાનો દીકરો પોતાની બધી મિલકતનાં નાણાં કરી પરદેશ ચાલ્યો ગયો. અને ત્યાં તેણે ઉડાઉપણે વર્તી બધું ખોઈ નાંખ્યું. તેવામાં દુકાળ પડ્યો, અને તે ભારે તંગીમાં આવી પડ્યો, તથા ભૂખે મરવા લાગ્યો.

પછી તે એ ગામના એક શેઠને ત્યાં નોકરીએ રહ્યો. તેણે એને પોતાનાં ડુક્કર ચારવા રાખ્યો. અને ડુક્કરને નીરાતા કુશકા ખાઈ તે પેટ ભરવા લાગ્યો. કારણ કે એને કાંઈ બીજું ખાવા મળતું નહિ.

પછી તે મનમાં પસ્તાવો કરવા લાગ્યો કે, 'મારા બાપને ત્યાં નોકરોને પણ રોટલા મળે છે, અને છતાં કેટલાયે વધે છે. પણ હું અહીં ભૂખે મરું છું! હું ત્યાં જાઉં અને બાપને પગે પડી માફી માંગી કહું કે, મેં તમારો ઘણો અપરાધ કર્યો છે, અને હું તમારો દીકરો કહેવડાવવા લાયક નથી રહ્યો, પણ તમારો એક નોકર કરીને મને રાખો.'

એમ વિચારી તે ઘર તરફ આવવા નીકળ્યો.

પછી બાપે દૂરથી તેને આવતો જોયો. તેવી જ તેને એના પર કરુણા આવી અને તેણે દોડતો જઈને તેને ગળે વળગાડ્યો,અ ને તેને ચુંબનો કર્યા.

અને દીકરો પગે પડી બાપની માફી માગવા લાગ્યો અને પશ્ચાતાપ કરવા લાગ્યો, અને કહેવા લાગ્યો જે, 'મેં તમારા ઘણા અપરાધ કર્યા છે અને હું તમારો દીકરો કહેવડાવા લાયક નથી.'

પણ બાપે તેના નોકરોને આજ્ઞા કરી કે, 'ઘરમાંથી સારામાં સારાં કપડાં લાવી આને પહેરાવો, અને તેની આંગળીએ વીંટી અને પગમાં જોડા પહેરાવો. અને આજે સૌને જમવાનાં નોતરાં મોકલો, અને સારામાં સારી રસોઈ કરો. કારણકે મારો મૂએલો દીકરો પાછો જીવતો થયો છે, મારું ખોવાયેલું ધન મને પાછું મળ્યું છે.' હવે, તે વખતે તેનો મોટો દીકરો ખેતરે ગયેલો હતો. અને ઘેર પાછો આવતો હતો ત્યારે તેણે દૂરથી નાચ અને સંગીતના અવાજ સાંભળ્યા. ત્યારે તેણે એક નોકરને પૂછ્યું કે, 'આ બધી શાની ધમાલ છે?'

ત્યારે નોકરે કહ્યું કે, 'તારો ભાઈ પાછો આવ્યો છે, તેના આનંદમાં પિતાજીએ ઉજાણી કરી છે, અને સારામાં સારી રસોઈ કરાવી છે, કારણ કે તે સહીસલામત પાછો આવ્યો છે.'

પણ આ સાંભળી મોટાને માઠું લાગ્યું અને તે ઘરમાં ગયો નહિ.

ત્યારે બાપ એને સમજાવવા આવ્યો.

મોટા છોકરાએ કહ્યું, 'આજે કેટલા વર્ષથી હું તમારી સેવા કરું છું. તમારી એક પણ આજ્ઞા કદી તોડી નથી. પણ તમે કદી મારા મિત્રોનેય જમાડવા તેડ્યા નથી. પણ જેણે દુરાચારમાં બધી મિલકત વેડફી નાંખી, તે તમારો આ દીકરો આવતાં જ તમે મોટી ઉજાણી કરી છે.'

ત્યારે બાપે કહ્યું, 'દીકરા, તું તો સદાયે મારી સાથે જ રહ્યો છે. અને જે મારું છે તે બધું તારું જ છે. પણ મારે આ આનંદ મનાવો વ્યાજબી જ છે, કારણકે આ તો જે મૂઓ હતો તે પાછો જીવતો થયો છે, ખોવાયો હતો તે પાછો સાંપડ્યો છે.'

૧૪. ચાલાક કારભારી

એક શ્રીમંત માણસે એક કારભારી રાખ્યો હતો. આગળ જતાં તેને કાને વાત આવી કે તે કારભારી તેની મિલકતનો વહીવટ બરાબર કરતો નથી. આથી, તેણે તેને બોલાવીને કહ્યું, ' તારે વિષે આવી ફરિયાદ કેમ આવે છે? માટે હું તારો હિસાબ જોવા માંગું છું, અને તને રજા અપવા માગું છું.'

ત્યારે તે કારભારી વિચાર કરવા લાગ્યો, 'હવે હું શું કરું? શેઠ મને રજા આપશે તો હું કેમ દહાડા કાઢીશ? કારણ, હું કોદળી ચલાવી શકતો નથી, અને ભીખ માગતાં શરમાઉં છું. માટે મારે કાંઈક કરવું જોઈએ કે જેથી મને રજા મળે તો લોકો મને પોતાના ઘરમાં આશરો આપે.'

એમ વિચારી તે શેઠના એક દેવાદારને ત્યાં ગયો, અને તેને પૂછ્યું, 'બોલ તારે મારા શેઠને કેટલા દેવા છે?' ત્યારે તેણ જવાબ આપ્યો, 'સો પીપ તેલ.' ત્યાતે તે કારભારી બોલ્યો, 'ચાલ, ઉતાવળ કર અને તારો આંકડો લાવ, અને તેમાં સોને બદલે પચાસ પીપ લખ.'

તે જ રીતે તે બીજા દેવાદારને ત્યાં ગયો, અને તેને પણ પૂછ્યું કે, 'તારે મારા શેઠને શું દેવાનું છે?' ત્યારે તેણે જવાબ આપ્યો કે, 'સો મણ ઘઉં.' ત્યારે કારભારીએ કહ્યું તારો આંકડો લાવ, અને તેમાં એંશી મણ કરી નાંખ.'

જ્યારે શેઠે આ વાત જાણી, ત્યારે તેણે કારભારીનાં વખાણ કર્યાં; કારાણકે તેણે પોતાનું હિત સાધવામાં ડહાપણ વાપર્યું હતું. આવા વિષયમાં દુનિયાના માણસો ભક્ત માણસો કરતાં વધારે દક્ષ હોય છે.

૧૫. કાજી અને વિધવા

એક નગરમાં એક મોટો કાજી રહેતો હતો. તે નહોતો ઈશ્વરથી ડરતો કે નહોતો કોઈ માણસથી. હવે ત્યાં એક ગરીબ વિધવા રહેતી હતી. અને તેણે આવીને એક માણસ સામે ફરિયાદ કરી, તેને સજા કરવા પ્રાર્થના કરી.

પહેલાં તો કાજીએ તે ફરિયાદ ગણકારી નહિ. પણ પછી તે વિચાર કરવા લાગ્યો કે, 'મને નથી ઇશ્વરનો ડર કે નથી કોઈ મનુષ્યનો ડર. પણ જો આ વિધવાની ફરિયાદ હું નહિ સાંભળું, તો તે રોજ આવીને મને પજવશે.' એમ વિચારી તેણે તેની ફરિયાદ પર ધ્યાન આપ્યું.

એક અન્યાયી કાજી પણ આ રીતે કરે છે, તો ઈશ્વર પોતાના ભક્તની રાતદિવસની આર્તવાણીને ન સાંભળે અને તેનો અપરાધ કરનારાને સજા ન કરે એમ બની શકે કે?

૧૬. ફૅરિસી અને કારકુન

એક ફૅરિસી અને એક સરકારી કારકુન એક દિવસ સાથે મંદિરમાં પહોંચ્યા. ત્યાં પેલા ફૅરિસીએ આ પ્રમાણે પ્રાર્થના કરી : 'હે ભગવાન, હું તારો આભાર માનું છું કે બીજાઓના જેવો જુલમી, અન્યાયી કે વ્યભિચરી નથી, તથા આ કારકુન જેવો પાપી નથી. હું અઠથવાડિયામાં બે વાર રોજો રાખું છું, અને મારી આવકમાંથી દશાંશ (ધર્માદા) કાઢું છું.'

અને પેલો કારકુન દૂર એક ખૂણામાં ઊભો રહી, આકાશ તરફ આંખો કરવાને બદલે, જાણે શરમ લાગતી હોય તેમ, પોતાની છાતી તરફ આંખો ઢાળીને પ્રાર્થના કરવા લાગ્યો કે, હે ભગવન્, આ પાપી પ્રત્યે દયા કર.'

નિશ્ચય માનજો કે પેલા ફૅરિસી કરતાં આ કારકુનની પ્રાર્થના વધારે શુદ્ધ હતી. જે પોતાને ઊંચો સમજે છે તે નીચો ઊતરશે, અને જે નીચે રહશે તેને ઊંચો ચડાવવામાં આવશે.
૧૭. ભરવાડ

જે માણસ નેસમાં એના દરવાજા વાટે નહિ, પણ કોઈ આડે માર્ગે પેસવા જાય તે એનો ધણી નહિ, પન ચોર ગણાય. ઘેટાંનો ધણી તો સીધે જ માર્ગે આવે છે, અને તેના નોકર પાસે દરવાજો ખોલાવે છે. અને તે પોતાના દરેક ઘેટાંને નામ દઈ બોલાવે છે, અને બહાર કાઢે છે. અને તે દરેક ઘેટાની આગળ ચાલે છે, અને ઘેટાં તેને અનુસરે છે. કારણકે તે એનો અવાજ ઓળખે છે. પણ અજાણ્યા માણસ પાછળ તે જતાં નથી, પણ નાશી જાય છે. કારણ કે, તેના અવાજ ને તે ઓળખી શકતાં નથી.

હું પણ મારાં ઘેટાંઓનો (ભક્તો) ધણી છું. ઘણા ચોરોએ આજ પહેલાં આવી મારાં ઘેટાંને ખેંચવા પ્રયત્ન કર્યો. પણ મારાં ઘેટાં તેની પાછળ ગયાં નહિ.

પણ હું સાચો ભરવાડ છું. મારાં ઘેટાં મારો અવાજ ઓળખી મારી પાછળ આવશે. પણ જે મારાં નહિ હોય તે મને નહિ અનુસરે.

હું સાચો ભરવાડ છું. સાચો ભરવાડ પોતાનાં ઘેટાં માટે પોતાનો જીવ પણ આપે છે. જ્યારે વરુ તરાપ મારે, ત્યારે ભાડૂતી નોકર નાસી જાય છે. પણ તેનો સાચો ધણી પોતાનો જીવ જોખમમાં નાંખીનેય તેનું રક્ષણ કરે છે.

જે મારાં ઘેટાં છે, અને જે મારા નેસમાં આવી મારાં બને છે, તેમનું રક્ષણ હું મારો જીવ આપીને કરીશ, એમ તે જાણે છે. તેઓ મારો અવાજ ઓળખશે. પણ જે મારાં નથી, તેઓ મારો અવાજ નહિ ઓળખે, અને મારી પાછળ નહિ આવે.

૧૮. ખોવાયેલું ઘેટું

તમારી પાસે સો ઘેટાં હોય, અને તેમાંથી એક ઘેટું ભૂલું પડી જંગલમાં રહી જાય, તો તમારામાંથી એવો કોણ છે કે જે તેને શોધવા ન જાય, અને તે મળે ત્યારે પડોશીઓને આનંદથી ન જણાવે કે મારું ખોવાયેલું ઘેટું જડી ગયું?

અથવા, કઈ સ્ત્રી પોતાના દસ રૂપિયામાંથી એક રૂપિયો અંધારામાં પડી ગયો હોય તો દીવો સળગાવી તેને શોધવા ન નીકળે, અને મળે તો પડોશણન્તે આનંદથી ખબર ન આપે?

તે જ પ્રમાણે એક પાપી પશ્ચાતાપ કરી સન્માર્ગે આવે તો ઇશ્વરને ત્યાં તે દિવસે વધારે આનંદ મનાય છે.