ઈશુ ખ્રિસ્ત/સુભાષિતો

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← રૂપકો ઈશુ ખ્રિસ્ત
સુભાષિતો
કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા
૧૯૨૫
સમાલોચના →


સુભાષિતો

ઇશુએ વાપરેલાં નીચેનાં સુભાષિતો અને દૃષ્ટાંતો યુરોપની ભાષાઓમાં તુલસીદાસની ચોપાઈઓ અને દોહરાઓની જેમ પ્રસરી ગયાં છે.

જૂના કપડા પર નવા કપડાનું થીગડું ન દેવાય; કારાણ કે તેથી જૂના પર વધારે ખેંચ પડે અને વધારે ચિરાય.

તેમ જ જૂના (ચામડાના) ઘાડવામાં નવો દ્રાક્ષાસવ ન ભરાય; કારણ કે તેથી ઘાડવો ફાટે અને આસવ ઢોળાઈ જાય.

* * *

ઈશ્વર જે જ્ઞાન મોટાઓથી સંતાડે છે, તે બાળકોને આપે છે.

* * *

રાજ્યમાં ફૂટ હોય તો રાજ્ય નાશ પામે, નગરમાં હોય તો નગર, કુટુંબમાં હોય તો કુટુંબ.

સેતાન દ્વારા સેતાનિયતનો નાશ ન થઈ શકે.

* * *

જે ઈશ્વરનો નથી, તે તેનો વિરોધી જ કહેવાય. જે સાથે રહી લણવામાં ભળતો નથી, તે ધાન્યને રગદોળનારો જ ગણાય

* * *
સંપત્તિવાનને પ્રભુના ધામમાં પેસવા કરતાં સોયના નાકામાંથી ઊંટને [૧] પસાર થવું વધારે સહેલું છે.
* * *

દાંભિકનો ધર્મ કીડીઓ ગાળીને ઊંટ ગળી જવા જેવો છે: અથવા વાસણને બહારથી અજવાળીને અંદરથી ગંદું રાખવા જેવો છે : અથવા બહારથી ધોળેલી અને અંદર હાડકાં માંસથી ભરેલી કબરો જેવો છે.

અને દાંભિકો તેમના પૂર્વજોએ મારી નાંખેલા સંતોની કબરો હવે પૂજે છે, પણ પોતાના સમયના સંતોને તેમની જેમ મારી નાખે છે.

* * *

દિલ રાજી પણ માટી નબળી. [૨]

* * *

દીવો સળગાવી કોઈ તેને ખાટલા નીચે સંતાડે નહિ, પણ બધે પ્રકશ પડે તે રીતે વચ્ચે ગોઠવે. તેમ જ્ઞાન સંતાડી રાખવાનું ન હોય.

* * *

  1. આ યુરોપિયન ભાષામાં કહેવત જેવું થઈ પડ્યું છે. પણ મેં એક ઠેકાણે વાંચ્યું છે કે, ઊંટને માટે મૂળ જે શબ્દ અહીં વપરાયો છે, તેનો અર્થ 'દોરડું' પણ થાય છે. એ વધારે બંધબેસતું લાગે છે.
  2. આ પણ એક કહેવત જેવી બનેલી ઉક્તિ છે. જ્યારે કોઈ માણસ કાંઈક પગલું ભરવા હૃદયથી ઇચ્છતો હોય, પણ મનની નબળાઈથી હિંમત ન કરી શકે, ત્યારે આમ કહેવાય.
મીઠું જ મોળું થાય તો તેને શાથી સુધારાય? તેમ મુખ્ય માણસો જ મોળા પડે તો શું કરી શકાય?
* * *

સંત પોતાના ઘરમાં પૂજાતો નથી.

* * *

ભાવાનની ઇચ્છા હોય તો નકામો ગણાયેલો પથરો મંદિરને શિખરે જઈ ચડે છે.

* * *

સમૃદ્ધિમાંથી આપેલું દાન તંગીમાંથી આપેલા દાન આગળ નજીવું છે.

* * *

ઈશ્વરને ત્યાં શ્રેષ્ઠ અને તે જ આગેવાન જેની પરિચર્યા અને સેવા સૌથી વધારે.

* * *

(એક માણસે પોતાના ઘરની વ્યવસ્થા કરી આવી પછી ઈશુના સાથી થવા ઇચ્છા દર્શાવી. તેને ઈશુએ કહ્યું-_ હળ પર હાથ મૂક્યા પછી જે પાછું વળીને જુએ, તે ઈશ્વરના ધામનો અધિકારી થઈ શકતો નથી.

* * *

ભણેલા અને ડાહ્યાઓથી ઈશ્વર જે સંતાડે છે, તે બાળકોને દેખાડે છે.

* * *

દીકરો રોટી માગે તો કયો બાપ તેને પથરો આપશે? અથવા માછલી માગે તો સાપ આપશે? અને ઈંડું માગે તો વીંછી? તો ભગવાન તેથીયે વધુ કરે તેમાં શી નવાઈ ! તમે નાશવંત વસ્તુ માગશો તોયે તે અવિનાશી વસ્તુ આપશે.

* * *

જે તલવાર ઉગામશે તે તલવારથી જ મરશે.

* * *

જેટલે વાગ્યે ચોર આવશે એમ જો માલિક જાણતો હોય તો ચોરી થવા દે નહિ, અને અમુક વાગ્યે જ ચોરથી સાવધ રહેવું એમ કોઈ સમય બાંધી શકે નહિ.

* * *

ઈશ્વરનું ધામ આંખેથી નિહાળી શકાય કે આંગળીથી ચીંધી શકાય એવું નથી. તે તમારી અંદર જ છે.

* * *

પુનર્જન્મ થયા વિના ઈશ્વરના ધામમાં જઈ શકાતું નથી. શરીરથી શરીર ઉત્પન્ન થાય છે. આત્માથી આત્મા. પુનર્જન્મ એટલે શરીરનો નહિ, પણ આત્માનો (જ્ઞાન તથા શ્રદ્ધા દ્વારા).