ઈશુ ખ્રિસ્ત/પ્રવૃત્તિ

વિકિસ્રોતમાંથી
← ઈશુનો જન્મ અને સાધના ઈશુ ખ્રિસ્ત
પ્રવૃત્તિ
કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા
૧૯૨૫
પ્રવૃત્તિ(ચાલુ) →



પ્રવૃત્તિ
उपदेश अने
चमत्कारो
એમ જણાય છે કે પોતાની પ્રાથમિક સાધના પૂરી થયા પછી ઈશુએ ધીમે ધીમે ઉપદેશ કાર્ય શરૂ કર્યું. યોહાનની માફક તેના પણ શરૂઆતના ઉપદેશ પાપને માટે અનુતાપ કરવાના, જીવનને પવિત્ર બનાવવાના અને પ્રેમથી ઈશ્વરની ભક્તિ કરવાના હતા. શાસ્ત્રો પર જડ શ્રદ્ધા, ધર્મને નામે પાખંડ, ક્ષણિક લાભ માટે બીજાનું નુકસાન કરવાની વૃત્તિ વગેરે જાય નહિ ત્યાં સુધી મનુષ્યની ઉન્નતિ ન થાય એમ તે સમજાવતો. આની સાથે જ શરૂઆતમાં તે રોગીઓને સાજા, આંધળાને દેખતા, બહેરાને સાંભળતા, મૂંગાને બોલતા કરવા, અને મરેલા લાગેલાને ઉઠાડવા વગેરે ચમત્કારો પણ કરતો. આથી એની કીર્તિ ગામેગામ ફેલાઈ, અને ટોળાબંધ મનુષ્યો તેનો ઉપદેશ સાંભળવા આવવા લાગ્યાં.


मंदिरशुद्धि
તેણે યોહાનને હાથે દીક્ષા લીધા તે પછી થોડા જ વખતમાં પેસાહનું પર્વ આવી લાગ્યું. એ પ્રસંગે રિવાજ મુજબ તે યરુશાલેમ ગયો. આ વખતે એણે એક એવું કામ કીધું જેને લીધે પૂજારી વર્ગ તેને પોતાનો દુશ્મન ગણવા લાગ્યો. મંદિરના એક ભાગને તેઓ દુકાનો માંડવા માટે વેપારીઓને ભાડે આપતા. આને લીધે તે ભાગ એક બજાર જેવો બની જતો. તીર્થસ્થાન આ રીતે બજાર બની જાય તે ઈશુથી ખમાયું નહીં. એણે તે લોકોને બહાર હાંકી કાઢ્યા! તેને આમ કરવાનો શો અધિકાર છે એમ કેટલાકે પૂછ્યું, તેણે જવાબ આપ્યો : "આ મંદિર તમે તોડી નાંખો તો ત્રણ દિવસમાં હું નવું મંદિર કરવા શક્તિ ધરાવું છું." (અર્થાત્, એ મારે આ લોકોને હાંકી કાઢવાનો અધિકાર છે,) આનો ભાવાર્થ એ હતો કે મંદિર ઈશ્વરના ભકતનું છે, અને દરેક ભક્તને એમાંથી પાપને ધોઈ નાખવાનો અધિકાર છે. ઈંટ અને ચૂનાનું ચણતર તે કાંઈ મંદિર નથી. તેની અંદર જળવાયેલી પવિત્રતા એ જ મંદિર છે. ચણતર પડી જાય તો ભક્ત પોતાના હૃદયમાં રહેલી પવિત્રતાના મસાલાથી તત્કાળ બીજું મંદિર ઊભું કરી શકે. પણ આ શબ્દો પૂજારીઓએ મંદિરના ઘોર તિરસ્કાર રૂપે લીધા, અને ઈશુ સામેના આરોપોમાં એ મહત્ત્વના બન્યા.
विरोधवृद्धि
શરૂઆતમાં ઈશુએ યહૂદિયા તાલુકામાં ઉઅપદેશ કરવા માંડ્યો હતો. યોહાન પણ એ જ તાલુકામાં ઉપદેશ કરતો હતો. બન્નેની ચળવળ યહૂદીઓમાં નવજીવન પ્રેરી રહી હતી. પડેલી પ્રજામાં નવજીવન પેદા થાય તેથી રાજ્યકર્તાઓ તથા પુરાણપ્રિય વર્ગો ગભરાઈ ઊઠે છે. ઈશુના ચમત્કારોએ તે ગભરાટમાં ઉમેરો કર્યો. ઈશુએ શરૂઆતમાં તો યહૂદીઓમાં જ કામ કરવાનો વિચાર સેવેલો જણાય છે. પણ પાછળથી તેની દૃષ્ટિ વિશાળ થતી ગઈ, અને એવો અનુભવ થયો કે અ-યહૂદી લોકોમાં તેના ઉપદેશને વધારે આદર આપવા ઉત્સુકતા હતી. આથી, પછી તે સર્વે જાતિઓને ભેદભાવ વિના દીક્ષા આપવા લાગ્યો. યહૂદીઓના કર્મકાંડની તે અને તેના શિષ્યો ઝાઝી દરકાર કરતા નહિ. વિધિ પ્રમાણે રોજા રાખવા, શબ્બાથ (વિશ્રાંતિવાર) રાખવો, હાથ પગ ધોઈને ખાવું વગેરે બાબતોમાં તે ઘણો નિયમભંગ કરતા. દાણી તથા હલકી મનાયેલી જાતિઓ સાથે ભેદભાવ વિના ભળતા. તેમના હાથનું ખાતા-પીતા. વળી ફૅરિસી વગેરે પ્રત્યે ઈશુ ઘણી કડવી અને ફિટકાર ભરી ભાષા વાપરતો. આ કારણથી ફૅરિસી, શાસ્ત્રી, પૂજારી વગેરેનો તેમના ઉપર દિવસે દિવસે ગુસ્સો વધતો ગયો.
सॅमारियामां
યહૂદિયામાં રાજા અને પૂજારીનો વિરોધ જોઈ ઈશુએ ગૅલિલીમાં જવાનું યોગ્ય ધાર્યું. વચમાં સૅમારિયા તાલુકો આવતો હતો. આ તાલુકો અને તેની પ્રજા યહૂદીઓની દૃષ્ટિએ એટલાં અપવિત્ર મનાતાં કે તેમને ગૅલિલી જવું હોય તો સૅમારિયામાં થઈને જવાને બદલે દરિયાને માર્ગે અથવા દશનગર તાલુકામાં થઈને લાંબે રસ્તે જતા. સૅમારિયાના લોકો મૂળે તો યહૂદી જ હતા. પણ તેઓ યરૂશાલેમ કરતાં પોતાના તાલુકામાં આવેલા ગેરીઝીમ પર્વતને વધારે મોટું તીર્થ ગણતા, અને તે યહૂદીઓને ગમતું નહોતું. પણ ઈશુને એવી ઘૃણાદૃષ્ટિ કેમ હોઈ શકે ? એણે તો સૅમારિયામાંથી જ પોતાનો રસ્તો લીધો, અને તે તાલુકાના લોકોને પોતાનો ઉપદેશ સંભળાવ્યો.


सॅमारियाणीनी शुद्धि
એક દિવસ તે કૂવા પર બેઠો હતો. એના બેત્રણ શિષ્યો ગામમાં ખાવાનું લેવા ગયા હતા. ઈશુને તરસ લાગી હતી. તેટલામાં એક સ્ત્રી કૂવા પર પાણી ખેંચવા આવી. ઈશુએ તેની પાસે પાણી માગ્યું. યહૂદી થઇને સૅમારિયાણીનું પાણી પીવા તેને તૈયાર થયેલો જોઈ તેણે આશ્ચર્ય દેખાડ્યું. ઈશુએ એને કહ્યું, 'બાઈ, હું કોણ છું તે તું સમજે તો જે ભૌતિક જીવન હું માગું છું, તેના બદલામાં તું મારી પાસેથી દિવ્ય જીવન.*[૧] માગી લઈ શકે છે.' બાઈએ ઈશુને પોતાના શબ્દો વધારે સ્પષ્ટપણે સમજાવવા કહ્યું. ત્યારે ઈશુએ ઈશ્વર બહારનાં તીર્થો અને મંદિરોમાં નહિ પણ અંતરમાં પૂજાય છે, ઈશ્વરનો પ્રેમરસ પીધાથી મનષ્યનું જીવન ઉન્નત થાય છે, અને તેનો અનંત જીવનમાં વાસ થાય છે, એ વિષે ઉપદેશ આપ્યો. તે સાંભળી બાઈએ ઈશુની દીક્ષા લીધી. તેનું પૂર્વજીવન અશુદ્ધ હતું, પણ ત્યારથી તે પવિત્રપણે રહેવા લાગી.
संतोनी उपासना
જે મનુષ્ય પોતાના જીવનમાં ભૂલો કરી પાપમાર્ગે ચડી જાય છે, તેને સામાન્યજનો તિરસ્કારની દૃષ્ટિએ જુએ છે. એનો સંગ તો બાજુએ રહ્યો, પણ ઘણીવાર એક પ્રાણી તરીકેની દયાને પાત્ર પણ એને ગણવામાં આવતો નથી. જો કોઈ એની તરફ રહેમની દૃષ્ટિએ જુએ તો તેની ઉપર પણ વિવિધ પ્રકારનો જુલમ થાય છે. વળી સામાન્ય જનોની ઈશ્વર વિષેની ભાવના એવી હોય છે કે જેમ રાજા દુષ્ટોને દંડ દે છે, તેમ રાજા પાસેથી છટકી ગયેલા લોકોને ઈશ્વર સજા કરે છે. એમની સમજ પ્રમાણે પરમેશ્વર પાપીઓને દંડવાવાળો છે. યમપુરી એ પરમેશ્વરનું મોટું - અને પરમેશ્વરની મોટાઈના પ્રમાણમાં ભયંકર - કેદખાનું છે. એ ન્યાયે સામાન્ય રીતે લોકો પાપીનો બહિષ્કાર કરવામાં તથા એને સજા કરવા-
  1. *જીવન = પાણી
કરાવવામાં ધર્મ માને છે. સંતોના અભિપ્રાયો આથી જુદા હોય છે. સંતોની ઈશ્વર વિષેની ભાવના એને પતિતપાવન, અધમોદ્ધારક, દીનબંધુ, કરુણાસાગર તરીકે જોવાની હોય છે, અને એમની ઉપાસના પ્રમાણે એમનામાં પણ એ ગુણ પ્રકટ થાય છે. આથી જે પ્રથમથી જ નીતિને માર્ગે છે, તેના કરતાં જેનાથી ભૂલો થઈ છે, પાપો થયાં છે, તેમના પ્રતિ તેમની દયા કરૂણાનો પ્રવાહ વિશેષ જોરથી વહે છે. એ કોઈને સજા કરવા-કરાવવા ઇચ્છા નથી રાખતો. જેનાથી પાપો થઈ ગયાં છે એનાથી વિશેષ દયાપાત્ર કોણ હોઈ શકે ? અને દયાપાત્રને સજા કેમ ઘટે ? એને તો ક્ષમા-પ્રેમથી જ સુધારવાનો હોય. અમુક દેશ, અમુક પ્રજા, અમુક જાત કે ધંધો અપવિત્ર છે, શાસ્ત્ર કે જ્ઞાનનો અધિકારી નથી, એ ખ્યાલો ભૂલ ભરેલા અને ઘણું ખરું કોઈ કાળે ભોગવેલી જાહોજલાલીના મદમાંથી પેદા થાય છે. સત્પુરુષોને તેવા મતો માન્ય નથી થઈ શકતા. તેમની દૃષ્ટિએ પતિતપાવનતા પરમેશ્વરના મહિમા સાથે અવિભાજ્ય છે, અને તેથી તેઓ પણ પતિત પ્રત્યે હંમેશાં કરુણા ધરાવે છે.

"અજામીલ, ગીધ, વ્યાધ, ઈનમેં કહો કૌન સાધ ?

પંછીહું પદ પઢાત, ગનિકાસી તારી."

સંતોની કૃપાથી પાવન થયેલા પતિતોની આવી નામાવલી આપણા દેશનાં ભજનોમાં આવે છે. આમાં વાલ્મીકિ વગેરે અનેક બીજાંયે ઉમેરાય છે.

વર્ણ અને જાતિ સાથે ઉદ્ધારનો કશો સંબંધ નથી એમ એનેક સંતોએ ગાયું છે. તુકારામ મહારાજે નીચેના અભંગમાં હીન જાતિના ભક્તોની નામાવલી જ આપી છે :

પવિત્ર તે કુળ, પાવન તે દેશ, જ્યાં હરિદાસ ધરે જન્મ. ૧
કર્મધર્મ તેનાં સર્વ નારાયણ, તેનાથી પાવન ત્રણે લોક. ૨
વર્ણ અભિમાને થયા જે પાન, જણાવો, સુજાણ તેનાં નામ. ૩
અંત્યજાદિ વર્ણો તર્યા હરિનામે, ગાયો છે પુરાણે તેનો યશ. ૪
વૈશ્ય તુલાધાર, ગોરો તે કુંભાર, મોચીડો ચમાર રોહીદાસ. ૫
કબીર, મોમીન, લતિફ મુસલમાન, સેનો નાવી,.[૧] જાણ, વિષ્ણુદાસ. ૬
દાદુ તે પિંજારો, કાનોપાત્રા[૨], ખોદ,[૩] પામ્યા તે અભેદ પ્રભુ પદે. ૭
ચોખામેળો, બંકો જાતિના મહાર,[૪] તેશું સર્વેશ્વર ઐક્ય કરે. ૮
નામા તણી જની, કેવો તેનો ભાવ ? જમે પંઢરીરાવ તેના ભેળા ! ૯
મૈરાળ જનક, નહિ કુળ જાણું, માહાત્મ્ય શું કહેવું તેનું મુખે ? ૧૦
જાતિપાંતી ધર્મ વૈષ્ણવને ન હોય, કર્યો છે નિર્ણય વેદશાસ્ત્રે. ૧૧
તુકારામ તમે ખોળી જુઓ ગ્રંથ, કેટલા પતિત તાર્ય અપૂર્વે. ૧૨

नेझेरेथमां
સૅમારિયાથી ઈશુ ગૅલિલીમાં પોતાને ગામ ગયો. ત્યાં એણે મન્દિરમાં એક ઉપદેશ આપ્યો. એણે લોકોને ઈશ્વરના રાજ્યનો સંદેશો સાંભળવા કહ્યું; પવિત્રતાથી એ રાજ્યના અધિકારી થવા વીનવ્યાં. પણ અમારી નજર આગળ મોટો થયેલો આ છોકરો અમને ડાહી ડાહી વાતો સંભળાવે, અને મારિયાનો દીકરો પોતાને ઈશ્વરનો પુત્ર*[૫] કહેવડાવે એ લોકોથી ખમાયું નહિ. તે ઈશુને મારવા ઉઠ્યા, અને ગામ બહાર કાઢી મૂક્યો. 'સાધુ ઘેર પૂજાય નહિ', એમ વિચારી ઈશુ કૅપરનાઉમ જઈ કેટલોક વખત રહ્યો.
  1. હજામ
  2. વેશ્યા હતી,
  3. નપુંસક હતો,
  4. ઢેડ
  5. *'ઈશ્વરનો પુત્ર' ઉપર નોંધ જુઓ.
कॅपरनाउममां
અહીં બે ત્રણ શિષ્યો એના ઉપર બહુ પ્રેઅમ રાખનારા હતા. આ ગામમાં એણે ઘણાક ચમત્કારો પણ કરી બતાવ્યા હતા. એનો સૌથી પહેલો શિષ્ય સાઇમન ઉર્ફે પિટર આ જ ગામનો રહીશ હતો. તે, એનો ભાઈ અને બીજા બે શિષ્યો અહીંથી એના નિરંતરના સાથી થયા. આ ભાઈઓના સથવારામાં ઈશુએ આખા ગૅલિલીમાં ઉપદેશ આપવાનું અને રોગો સારા કરવાનું કામ કર્યું.


बीजी वार
यरुशालेममां
કેટલાક મહિના પછી વળી યહૂદીઓનું એક પર્વ આવ્યું. અને તે વખતે ઈશુ પાછો યરુશાલેમ ગયો. ચમત્કારિક રીતે રોગો સારા કરનાર અને ભૂતોને કાઢનાર તરીકે અત્યાર અગાઉ એની કીર્તિ ફેલાઈ ગઈ હતી. અને તેથી એને જોવાને લોકોનાં ટોળેટોળાં ભેગાં થતાં હતાં. યરુશાલેમના મન્દિરની પાસે એક કુંડ આગળ ઈશુ બેઠો હતો. એટલામાં ૩૮ વર્ષથી અર્ધાંગ-વાયુથી પીડાતો એક રોગી ત્યાં આવ્યો. ઈશુએ એને વચનમાત્રથી સારો કરી દીધો અને એને પોતાનો ખાટલો ઊંચકી ઘેર જવા કહ્યું. આ દિવસ વિશ્રાન્તિનો હતો. ઈશુ વિશ્રાન્તિના દિવસને માનતો નથી, એ નાસ્તિક છે, એમ કહેવાને યહૂદીઓને આ પૂરતું કારણ લાગ્યું. રોગીને સારો કર્યો એ તો એક મોટું પાપ થયું જ, વળી ખાટલો ઊંચકીને જવાનું- એટલે કામ કરવાનું કહ્યું, એ તો પાપની હદ થઈ. આ ઉપરાંત વિશ્રાન્તિવારને વિધિસર નહિ પાળવાના બીજા પણ આરોપો એની અને એના શિષ્યો પર હતા. લોકોએ ઈશુ પાસેથી આ ધર્મભંગ માટે ખુલાસો માગ્યો. ઈશુએ કહ્યું કે "પરમેશ્વર દયાનાં કામ હરઘડી કર્યા કરે છે, માટે દયાનાં કર્મો માટે ઈશ્વરના પુત્રને વિશ્રાન્તિવારની બંધી હોઈ ન શકે." આ રીતે ઈશુ વારંવાર પોતાને ઈશ્વરના પુત્ર તરીકે ઓળખાવતો. પણ સ્ત્રીના ઉદરમાંથી ઉત્પન્ન થયેલો બેપગો માણસ આ રીતે ઈશ્વરનો પુત્ર હોવાનો દાવો કરે, એ યહૂદીઓને મન નાસ્તિકતા અને નફટાઈની નિશાનીઓ હતી. ઈશ્વરનો પુત્ર હાડકાં-ચામડાંનો ન હોઈ શકે, એ માતાના ઉદરમાંથી જન્મ્યો ન હોય, ગરીબને ઘેર ન હોય, એ તો સિંહાસન પર બેસનારો હોય એમ તેમનું કહેવું હતું.

આ ઉપરાંત ઈશુ આગળ કોઈ પાપી માણસ આવીને અનુતાપ કરે તો "તારાં સર્વ પાપો નાશ પામ્યાં છે" એમ એ તેને આશ્વાસન આપતો. ઈશ્વરને નામે પાપોની માફી બક્ષવાનો ઈશુને શો અધિકાર, એમ પૂજારીઓને લાગતું. આ રીતે ઈશુ તરફ એમનો દ્વેષ દિવસે દિવસે વધતો જતો હતો.

शिष्यमंडळ
ધીમે ધીમે ઈશુના અન્તેવારી શિષ્યોની સંખ્યા વધીને બારની થઈ. તેમાં યેહૂદા (Judas)નું નામ યાદ રાખવા જેવું છે, કારણકે આ માણસે જ ઈશુને દગો દઈ મારી નંખાવ્યો હતો. આ બાર શિષ્યો એના સાધુઓ જેવા હતા.


उपदेशनी असर
આ રીતે ઈશુનું ઉપદેશનું કાર્ય ચાલ્યું. એના વકતૃત્વથી ઘણા લોકો એને સાંભળવા ખેંચાતા, પણ મોટે ભાગે તો એને હાથે સાજા થવા જ ઘણા લોકો આવતા. ઈશુએ પોતે પણ જોયું કે લોકોને પોતાના શારીરીક રોગોથી છૂટવાની અને ઐહિક રાજ્યની જ લાલસા તીવ્રપણે હતી; કોઈ એની પાસેથી આત્મશુદ્ધિનું ઓસડ લેવા ઇચ્છતું નહોતું - ધર્મરાજયની પ્રજા થવા ચાહતું નહોતું. પોતાની ગરીબી ધોવા અને રોગો નસાડવા લોકો આતુર હતા, પણ પોતાનાં પાપો ધોવા અને વિકાર નસાડવા કોઈ પરવા રાખતું નહોતું. ઈશુને આથી બહુ ખેદ થતો. એને યહૂદીઓનું ભવિષ્ય બહુ ઝાંખું લાગતું હતું. એ ફૅરિસી અને શાસ્ત્રીઓ ઉપર લોકોને જડ અને અંધશ્રદ્ધાળુ બનાવી મૂકવાનો આરોપ મૂકતો. ફૅરિસી અને શાસ્ત્રીઓ પરના એના પ્રહારો બહુ કડવી વાણીમાંથી નીકળતા હોય એમ જણાય છે. એ કડવાશની પાછળ હૃદયની જે બળતરા અને દયાનો ઝરો વહેતો હતો, એની કોઈ કદર કરી શકતું નહિ.અધિકારીઓને એની પ્રવૃત્તિમાં રાજ્યદ્રોહ, ધર્મદ્રોહ, નાસ્તિકતા, નફટાઈ અને આપવડાઈ દેખાતાં; અને બીજા કેટલાક વળી એને ભાવનાઘેલો ગણતા. એની ભાષા રાજકારણી પુરુષોને અનુસરતી હોય એમ લાગે છે. પણ આવી ભાષા આવવાનું કારણ યહૂદીઓની પૂર્વમાન્યતા જ હોવાનો સંભવ છે. યહૂદી નવજવાનો સ્વરાજ માટે ઇન્તેજાર હતા અને ઈશુ ધર્મરાજ્યનો સંદેશ આપતો હતો; નવયુવકો યહૂદીઓના દંડાધારી રાજાના અવતારની વાટ જોતા હતા, ઈશુ એમને ધર્મરાજાના અવતારના આગમનની વાતો કહેતો હતો. આને લીધે એની ભાષા રાજકારણને મળતી આવતી.


उपदेश-पद्धति
એની બોલવાની પદ્ધતિ દૃષ્ટાન્તો અને કહાણીઓ આપી ઉપદેશ આપવાની હતી. કહાણીઓ દ્વારા ઊંચામાં ઊંચા આદર્શો અને સિદ્ધાન્તો એ સરળતાથી સમજાવી શકતો. એનાં કેટલાંક દૃષ્ટાંતો આગળ ઉપર આપવામાં આવશે.
નોંધ

ईश्वरनो पुत्र - ઈશુ પોતાને ઈશ્વરપુત્ર તથા માનવપુત્ર એવી બે તરીતે વર્ણવતો. શબ્દ-સેવી ખ્રિસ્તીઓ માને છે કે ઈશુ પરમેશ્વરનો એકનો એક પેટનો દીકરો હોઈ, તેનો અભિષિક્ત (ખ્રિસ્ત, કે મેસાયાહ) યુવરાજ હતો. આવી શ્રદ્ધા ન ધરાવવી, એમની દૃષ્ટિએ ઈશુ વિષે અનિષ્ઠા ગણાય. સ્થૂળ દૃષ્ટિએ તે માનવપુત્ર પણ હતો. યહૂદી તથા ઇસ્લામને આ શબ્દાર્થ માન્ય નથી. અને તે સ્વાભાવિક છે. એ માન્યતા પરમેશ્વરના સ્વરૂપ વિષે અજ્ઞાન સૂચવનારી છે. ભાવાર્થ સેવી ખ્રિસ્તીઓ પુત્રનો અર્થ પ્રતિનિધિ કરે છે. જૂના કરારમાં (બાઈબલના યહૂદી માન્ય ભાગમાં) પુત્રનો આવો અર્થ કરવા માટે આધાર મળે છે, એમ મને ખ્રિસ્તી વિદ્વાનો કહે છે. તે રીતે એ ઈશ્વરનો દુનિયા પરનો પ્રતિનિધિ હતો, અને માનવજાતિનોયે પ્રતિનિધિ (એટલે આદર્શ મનુષ્ય) હતો, એવો એ બે ઉપાધિઓનો અર્થ થાય.