લખાણ પર જાઓ

ઈશુ ખ્રિસ્ત/પ્રવૃત્તિ (ચાલુ)

વિકિસ્રોતમાંથી
← પ્રવૃત્તિ ઈશુ ખ્રિસ્ત
પ્રવૃત્તિ(ચાલુ)
કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા
૧૯૨૫
ગુરુદ્રોહ →


પ્રવૃત્તિ (ચાલુ)
पतितपावनता
ઈશુના ઉપદેશની કુમાર્ગે ગયેલી સ્ત્રીઓ પર કેટલી અસર થતી હતી, અને તેનું હૃદય એમના પ્રતિ કેટલા દયાભાવથી છલકાતું હતું એનું એક દૃષ્ટાંત છે :


कुलटानो उद्धार
એક વાર ઈશુને એક ફૅરિસીએ જમવાનું નોતરું દીધું. તે સ્વીકારી ઈશુ એને ત્યાં જમવા ગયો. સર્વે જમતા હતા, એટલામાં એક હલકો ધંધો કરનારી સ્ત્રી આવી અને ઈશુના ચરણને આંસુવડે ધોવા લાગી. પછી પોતાના વાળથી જ પગને લૂછી નાખ્યા અને એને સુવાસિક લગાડ્યું. આ સ્ર્વ જોઇને યજમાનને શંકા થઈ કે આ ઈશુ પેગમ્બર મનાય છે, પણ જો એ ખરો પેગમ્બર હોય્ તો આ સ્ત્રી કેવી ચાલની છે તેની એને ખબર હોય, અને એને એ પોતાના પગને અડવા દે નહિ. ઈશુ એના હૃદયના કુતર્કને સમજી ગયો અને એને સમજાવવાના ઉદ્દેશથી બોલ્યો:
लेणदारनुं दृष्टांत
"સાયમન, ધારો કે એક માણસના બે દેવાદાર છે. એકની પાસે પાંચસોનું લેણું છે અને બીજાની પાસે પચાસનું છે. બન્ને નાદાર થઇ ગયા છે જાણી એ બન્નેનું દેવું માફ કરે તો એના પ્રતિ કોણ વધારે કૃતજ્ઞ થાય ?" સાયમને કહ્યું, "પાંચસોનો દેવાદાર." ઈશુ બોલ્યો : "ખરી વાત. હવે, આ બાઈને જો. હું તારે ઘેર આવ્યો પણ તેં મને પગ ધોવા પાણી શિક્કે આપ્યું નહિ. પણ આ બાઈએ મારા પગને પોતાનાં આંસુ વડે ધોયા અને પોતાના કેશથી લૂછ્યા. તું મારે પગે પડ્યો નહિ, પણ આ બાઈ આવી છે ત્યારથી મારા પગને છોડતી નથી. તેં મારા કપાળને પણ સુવાસિક અર્પ્યું નહિ, પણ આ બાઈએ મારા પગને લેપ કર્યો. માટે હું કહું છું કે એનાં પાપો ઘણાં છે, છતાં એ સર્વે ધોવાઈ ગયાં છે; કારણકે એનો પ્રેમ વિશેષ છે. જેનાં પાપો ઓછાં ધોવાયાં છે, તેનો પ્રેમ પણ ઓછો છે." પછી સ્ત્રી તરફ વળી કહ્યું, "જા, બહેન, તારાં સર્વ પાપો માફ થયાં છે."*[]

નીચેનું દૃષ્ટાંત એના જેવું જ અને એ જ પતિતપાવન વૃત્તિ દેખાડનારું છે :-

व्यभिचारिणीने
माफी
એક વાર કેટાલાક પૂજારીઓ અને શાસ્ત્રીઓ એક સ્ત્રીને ઈશુ પાસે લઈ આવ્યા. તે બાઈ વ્યભિચાર કરતાં પકડાઈ હતી. તેઓએ કહ્યું, મૂસાના ધારા પ્રમાણે આ બાઈને પથરા ફેંકીને મારવાની સજા થવી જોઈએ. પણ તમારી શી આજ્ઞા છે ?"

આમ કરવામાં તેમનો હેતુ ઈશુને કોઈ રીતે શબ્દોમાં બાંધી લેવાનો હતો. પણ ઈશુએ કશું સાંભળ્યું જ ન હોય તેમ મૌન રાખ્યું.

પછી તેઓએ તેને જવાબ આપવા વારંવાર આગ્રહ કર્યો. ત્યારે તેણે કહ્યું, 'તમારા પૈકી જે તદ્દન નિષ્પાપ હોય


  1. *'પાપોની માફી' ઉપર પાછળ નોંધ જુઓ
તે એને પહેલો પથરો મારે. એમ બોલી વળી પાછું જમીન પર દૃષ્ટિ રાખી બેઠા.

આ સાંભળી તે માણસો એક પછી એક ઊઠીને ચાલતા થયા, અને થોડી વારમાં તે બાઈ એકલી જ ત્યાં રહી ગઈ.

તે જોઈ ઈશુએ તે બાઈને કહ્યું, તારા પર આરોપ મૂકનારાઓ ક્યાં ગયા? શું કોઈએ તને સજા ન કરી?

તેણે કહ્યું, ના પ્રભુ.

ઈશુએ કહ્યું, ત્યારે તારે ઘરે જા અને ફરીથી પાપ કરીશ નહિ.

फॅरिसीओनो द्वेष
પણ પંડિતો ઈશુને સમજી શક્યા નહિ. પાપને માફ કરવાની હિંમત બતાવનાર આ ઉદ્ધત પુરુષ કોણ. એમ એમને થયું, અને એમનો ઈશુ પ્રત્યેનો દ્વેષ વધતો જ ગયો.


शिष्याओ
બાર સાથીઓ ઉપરાંત કેટલીક સ્ત્રીઓ પણ હવે ઈશુ જોડે ફરવા લાગી. એ સર્વ સ્ત્રીઓનું જીવન ઈશુના ઉપદેશથી એટલું શુદ્ધ અને પવિત્ર બન્યું હતું કે જ્યારે ઈશુનો એના શિષ્યોએ પણ સાથ છોડ્યો ત્યારે એ જ એની પાસે ઊભી રહી હતી.


मलिन दैवतनो
आरोप
પછી ફૅરિસી લોકો ઈશુના ચમત્કારો વિષે એમ કહેવા લાગ્યા કે એણે મેલી વિદ્યા સાધી છે, અને એ ઈશ્વરનો દૂત નહિ પણ મલિન દેવનો ઉપાસક છે. આના જવાબમાં ઈશુ એમ કહેતો કે, "કોઈ પણ દેવ કે પ્રાણી પોતાની વિરુદ્ધ જાય એવું કાર્ય કરે નહિ. મલિન દેવ ભૂતોને અને આસુરી સંપત્તિને મનુષ્યોમાં પ્રેરે પણ એને કાઢે નહિ. હું મલિન દૈવતવાળો હોઉં તો તેની સાહાય્યથી ભૂતાદિકને કાઢી શકું નહિ."
माता अने
भाईओनी अश्रद्धा
એક વાર ઈશુનો ઉપદેશ સાંભળી એક સ્ત્રી બોલી, "જેની કુખે આવો પુત્ર જન્મ્યો છે અને જેની છાતીએ ધાવ્યો છે તે માતાને ધન્ય છે." પણ જ્યારે અન્ય શ્રોતાઓ ઈશુના ઉપદેશથી આટલા આકર્ષાતા ત્યારે એનાં સગાં મા અને ભાઈઓ એને ચિત્તભ્રમ થયેલો અથવા ભૂતથી પીડાતો માનતાં. તેથી એણે પેલી સ્ત્રીને કહ્યું, "પણ જે મારાં વચન સાંભળીને પોતાના હૃદયમાં સાચવી રાખે છે, તે એથીયે (મારી માતાથીયે) વધારે ધન્ય છે."
दिव्यनी मागणी
ફૅરિસીઓની પજવણી દિવસે દિવસે વધતી જ ગઈ. ઈશુ પોતે ખ્રિસ્ત છે એમ એણે કોઈક દિવ્ય પરીક્ષા આપી સિદ્ધ કરી બતાવવું એવી એ માગણી કરવા લાગ્યા. ઈશુને પોતાના ભાવિની ઝાંખી થતી હોય એમ જણાય છે. એ પોતાના મરણથી જ પોતાની પરીક્ષા આપશે એમ મોઘમપણે સૂચવતો.
शिस्योनी रवानगी
તો પણ એનું કાર્ય ચાલુ જ હતું. હવે એ પોતાના શિષ્યોને પણ ઉપદેશાર્થે મોકલવા લાગ્યો. એણે એમને પોતાની સાથે લાકડી, ભાથું, પૈસા કે એકથી વધારે વસ્ત્ર રાખવાની મનાઈ કરી હતી. એ લોકો ફરી આવીને પાછા ઈશુને મળતા અને કરેલાં કાર્યોનો અહેવાલ આપતા.
फॅरिसीओनी जडता
એક વાર વળી પાછો તંબુનિવાસ (સુક્કોથ) પર્વને સમયે ઈશુ યરુશાલેમ ગયો અને મન્દિરમાં ઉપદેશ દેવા લાગ્યો. એના ઉપદેશનો અર્થ જ ફૅરિસી લોકો સમજી શક્તા ન હતા. ઈશુ આત્મનિષ્ઠ હતો, અને આત્મા શબ્દોનો ઉચ્ચાર કર્યા વિના પોતાને અજર, અમર, સનાતન કહેવડાવતો હતો. એને સાંભળનારા એને સાડાત્રણ હાથના એક પૂતળા તરીકે જ જોતા, અને એટલો જ ઈશુ એમ માનતા. તેથી, જ્યારે એ કહેતો કે, 'તમે મને શોધી શકવાના નથી, 'ત્યરે લોકો એના શબ્દો સ્થૂલાર્થમાં જ સમજતા અને એ નસવા સંતાવા માગે છે એમ ધારતા. એ જ્યારે કહેતો, ' હું યહૂદીઓના પૂર્વજોથી પણ પહેલો છું.' ત્યરે ફૅરિસીઓ એને ગાંડો, જૂઠો, પૂર્વજોનું અપમાન કરવાવાળો કે નાસ્તિક સમજતા. એ જ્યારે પોતાને પરમેશ્વર પુત્ર કહેતો, ત્યારે એને બડાઈખોર માનતા. અને આ કારણથી એ ઝનૂની લોકો એના ઉપર ક્રોધથી ઊલટતા અને મારી નાંખવા તૈયાર થતા.
प्रजानो रोष
યહૂદીયા ભારતવર્ષ ન હતું. જે આધ્યાત્મિક કોટિની વાતો ઈશુ કહેતો તે સમજવા જેટલી શક્તિ ધરાવનાર ત્યાં શ્રોતાગણ જ ન હતો. ઈશુના શબ્દોમાં જ કહીએ તો, એનાં વચનમૌક્તિકો ડુક્કર આગળ વેરાતાં હતાં. એની આધ્યાત્મિક સ્થિતિ એ પ્રજા સમજી શકતી ન હતી, અને ઈશુ એમની વિધિઓ અને રૂઢિઓનું યથાશાસ્ત્ર પાલન કરતો નહિ. એના શિષ્યો વિશ્રાન્તિવાર બરાબર પાળતા નહિ, ઉપવાસો કરતા નહિ, જમતાં પહેલાં હાથ ધોવાની કાળજી રાખતા નહિ, વગેરે વગેરે એમને મન મહત્ત્વની અને ધર્મના આવશ્યક ચિહ્નોની અવગણના થતી, તે એ ઝનૂની અને વહેમી પ્રજા સહન કરી શકતી નહોતી. આવાં કારણોને લીધે ઈશુનો જીવ હવે હર પળે જોખમમાં હતો. છતાં ચાર છ મહિના એને ગૅલિલીમાં ફરી આવવાનું મળ્યું.
शिष्योनी उणप
હજારો માણસો ઈશુનો સંદેશ સાંભળવા આવતા, પણ્ એનું શિષ્યત્વ સ્વીકારવા થોડા જ આતુર હતા. એ પણ હવે કોઈને પોતાના સાથી કરવા ઇચ્છતો નહોતો. જે પોતાનો ક્રુસ લઈને ચાલી શકે તે મારા સાથીદાર થઈ શકે એમ એ કહેતો. માનવજાતિ પ્રત્યેના પોતાના પ્રેમની પરીક્ષા એણે મરણથી જ આપવી પડશે, એમ એ વારંવાર સૂચવતો; પણ એનો નિત્ય સહવાસ કરનારા શિષ્યો પણ એને સમજી શકતા નહિ. એ લોકોના મનમાં પણ ઊંડે ઊંડે એમ જ રહ્યું હતું કે, ઈશુ મોડો વહેલો યહૂદી લોકોનું ભૌતિક રાજ્ય સ્થાપશે. અને તેથી એ રાજ્ય પ્રાપ્ત થયા બાદ એને જમણે અને ડાબે હાથે બેસવાનો એ મનોરથો કરતા. ઈશુ અને જેમની સાથે એ રહ્યો હતો તે બે વચ્ચે આટલું બધું બુદ્ધિનું અંતર હતું.
નોંધ

पापोनी माफी - જેના જીવનમાં કદી નાનો મોટો દોષ થયો નથી એવો કોણ હશે ? જો દોષોની માફી જ ન થાય તો જગતમાં એકે જીવને ઉન્નત થવાની આશા જ ન રહે. પણ ગમે તેટલું એક કાળે દોષિત જીવન વીત્યું હોય, છતાં જેના હૃદયમાં તીવ્ર અનુતાપની જ્વાળા સળગી ઊઠે અને પ્રેમવૃત્તિનો ઉદ્‍ભવ થાય, એને માટે શાન્તિનું દ્વાર ઊઘડી જાય. ઈશુએ કરેલા કુલટાના ઉદ્ધારમાં શું કે સંતોએ કરેલા અજામિલના ઉદ્ધારમાં શું, આ જ વસ્તુનું પ્રતિપાદન છે. અનુતાપનો અગ્નિ અને પ્રેમનો સોહાગ હૃદયની સર્વે અશુદ્ધિ બાળી નાખી એને શુદ્ધ કાંચન જેવું કરવા શક્તિમાન થાય. એ સિવાય બીજો માર્ગ પણ નથી.

પતિતપાવનતા એ સંતોનો ગુણ છે. આત્મોન્નતિની સામાન્ય ઇચ્છાવાળાઓએ એનું અનુકરણ કરતાં સાવધ રહેવું. જ્યાં સુધી પોતાના હૃદયના વિકારો શાન્ત ન થયા હોય, જ્યાં સુધી દુષ્ટ દર્શન, દુષ્ટ શબ્દ, દુષ્ટ સંગતિ હૃદયમાં વિકારો ઉત્પન્ન કરી શકતાં હોય ત્યાં સુધી કદાચ મનની દુષ્ટ વૃત્તિઓ જ પતિતપાવનતાની મોહક વૃત્તિનું સ્વરૂપ લે; અને એક વાર એ વૃત્તિ ફસાવે તો અધોગતિના કયા ખાડામાં નાખી દે તે કહેવાય નહિ. આત્મોન્નતિનો ક્રમ આ પ્રમાણે છે:

(૧) જ્યાં સુધી હૃદયમાં વિકારો ઉદ્‍ભવે છે ત્યાં સુધી પ્રયત્નપૂર્વક સત્સંગનું અનુશીલન અને કુસંગનો અત્યંત સાવધાનતાપૂર્વક ત્યાગ.
(૨) જ્યાં સુધી દુષ્ટ પ્રતિ આપોઆપ કરુણા ઊઠતી નથી ત્યાં સુધી તેમની ઉપેક્ષા કરવી અને સજ્જનો પ્રયે પૂજ્યભાવના (મુદિતા) વધાર્યા કરવી. સજ્જન કેવળ પૂજ્ય ન લાગે, પણ એ જ આપણને પ્રિય બની જાય ત્યાં સુધી એ વ્રુત્તિઓને પોષ્યા જ કરવી. જે માણસો પ્રત્યે આપણને આદર -પૂજ્યભાવ - હોય છે તે આપણને પ્રિય પણ હોય છે એમ હંમેશાં નથી હોતું. પણ જ્યાં સુધી પૂજ્યને પ્રિય નથી કર્યો ત્યાં સુધી આપણી અને એની વચ્ચે અંતર રહ્યા જ કરવાનું. માટે પૂજ્યને પ્રિય બનાવી દેવા તરફ મનનું વલણ કરવું.
(૩) પૂજ્ય મિત્રભાવનાથી પ્રેમપાત્ર થય ત્યારે દુષ્ટ અને પતિત કરુણભાવનાથી પ્રેમપાત્ર થઈ જાય. પછી પતિતનો ઉદ્ધાર કરવો જોઈએ એવો વિચારપૂર્વક પ્રયત્ન કરવો નહિ પડે, પણ એ સ્વભાવ બની જશે. જેનો એ સ્વભાવ થાય તે જ ખરો પતિતનો ઉદ્ધારક થાય.

તીવ્ર કરુણભાવનાથી પોષાયેલા વિશુદ્ધ પ્રેમનો પ્રવાહ હૃદયમાં વહેવા માંડે,પછી સ્પૃશ્યાસ્પૃશ્યતાજેવા વિધિનિષેધ કે હિંસાઅહિંસાના પ્રશ્નોના કેમ નિર્ણય કરવા એ વિષે શંકા જ નહિ રહે. એ પ્રવાહને રોકવા કોઈ સ્મૃતિ કે શાસ્ત્ર શક્તિમાન નહિ થાય. શુદ્ધ પ્રેમભાવની એ જ નિશાની કે જેના પ્રત્યે પ્રેમ હોય તેની સેવા કરવા માટે એ પોતાના સર્વસ્વનો ત્યાગ કરાવી દે. શરીર, સગવડ, આરોગ્ય, ધન, લોકલજ્જા, ભૂખતરસ, અને છેવટે નરકવાસની ભીતિ પણ એને કરુણાપ્રેરિત માર્ગ લેતાં અટકાવી શકે નહિ. જ્યાં સુધી જેના પ્રતિ પ્રેમ છે તેવા તરફ કિંચિત્ પણ સ્થૂળ કે માનસિક કે બૌદ્ધિક સુખ કે લાભ મેળવવાની આશા રહી છે ત્યાં સુધી શુદ્ધ પ્રેમ ઉદ્‍ભવ્યો નથી. શુદ્ધ પ્રેમ એ આપવાવાળો છે, લેવાવાળો નથી.

લોકલજ્જા અને શાસ્ત્રોક્ત વિધિનિષેધનું ઉલ્લંઘન કરનારા બે પ્રકારના લોકો હોય છે : સ્વચ્છંદી અને વિશુદ્ધ પ્રેમવાળા. વિશુદ્ધ પ્રેમ ન થાય ત્યાં સુધી લોકલજા અને શાસ્ત્રમર્યાદાના પાલનમાં શ્રેય છે. વિશુદ્ધ પ્રેમવાળો લોક કે શાસ્ત્રની નીતિ મર્યાદાનું ઉલ્લંઘન કરતો નથી, પણ સામાન્ય જનોની નિર્બળતાને માન આપી વ્યવહારકુશળતાની દૃષ્ટિએ, લોક અથવા શાસ્ત્રે સત્ય, ન્યાય ઇત્યાદિ ઉપર પણ જે મર્યાદા બાંધી દીધી હોય છે તે મર્યાદામાં એ બંધાઈ રહેતો નથી; અને એ મર્યાદા ઉલ્લંઘવા માટે વ્યવહારબદ્ધ લોકો તેની અપકીર્તિ, ઠેકડી કે નિંદા કરે તેને તે ગણકારતો નથી તથા તેટલા પૂરતો શાસ્ત્રો પ્રતિ પણ ઉદાસીન થાય છે. સ્વચ્છંદી મનુષ્ય તો નીતિઅનીતિને માનતો જ નથી; સત્ય, અહિંસા, દયા, ક્ષમા, ઇંદ્રિયજય ઇત્યાદી વૃત્તિઓ માટે એને આદર કે પ્રેમ નથી; એ નાસ્તિક છે. લોકલજ્જા કે શાસ્ત્રોક્ત મર્યાદાઓનો - કોઈક વિશુદ્ધ પ્રેમવાળાનું અનુકરણ કરીને અથવા એનાં વચનો ટાંકીને પણ - એ ત્યાગ કરે તેમાં સમાજનું કલ્યાણ નથી. એ તો પાખંડ અને દંભને વધારવાવાળો છે. એથી ઉન્નતિની ઇચ્છાવાળાએ અત્યંત સાવધ રહેવું; એનો સંગ જ ન કરવો. એના કરતાં મર્યાદામાં રહેનારો હજાર દરજ્જે સારો. વિશુદ્ધ મનુષ્યનાં સત્યાદક સંપત્તિ અને ઇંદ્રિયજય લોકોએ સ્વીકારેલાં ધોરણ કરતાં ઊંચાં હોય, પણ નીચાં ન જ હોય. એ વિધિનિષેધનો ત્યાગ કરે તે માત્ર બાહ્ય ક્રિયાઓ અને રૂઢિઓના વિષયમાં, એ ખાસ ધ્યાન રાખવું. દંભને ઓળખવાની એ જ કસોટી છે.