લખાણ પર જાઓ

કંકાવટી/મંડળ ૨/૧૮. ગાય વ્રત

વિકિસ્રોતમાંથી
← ઘણકો ને ઘણકી કંકાવટી
૧૮. ગાય વ્રત
ઝવેરચંદ મેઘાણી
સૂરજ પાંદડું વ્રત →


રાણીએ તો પૂરવ ભવની વાત કહી છે. રાજાની તો ભરાંત ભાંગી છે. ઘણકીને ફળ્યાં એવાં સહુને ફળજો !


ગાય વ્રત

શ્રાવણ માસમાં કરે.
એક ટાણું કરે
રોજ આવતી ગા પૂજીને ખાય.
લીલું ધાન ન ખાય.
લીલી ચીજ ન ખાય.
લીલા રંગનું લૂગડું ન પહેરે.
રોજ સવારે ગાયની વાર્તા કરે.
ભૂખ્યું હોય એને કરે
ગાયના કાનમાં કરે.


વાર્તા[]

એક બ્રાહ્મણની છોકરી હતી.
ગાયમાનાં વ્રત કરતી'તી.
કરતી કરતી મરી ગઈ.
કોળીને પેટ પડી.
કોળી કોળી કહેવા લાગ્યો:
રાંકને પેટ રતન શાં ?
કૂલડીમાં પાણી આલો !
કોડિયામાં ધાણી આલો !
ધાણીધાણી ખાય છે.
પાણીપાણી પીએ છે.

🌿

એક રાજાનો કુંવર શિકારે આવ્યો.
છોડી ! છોડી ! કોણ છું ?
ભૂત છું ? પ્રેત છું ?
ડાકણ છું ? શાકણ છું ?

ના બા, ભૂત નથી પ્રેત નથી,
ડાકણ નથી, શાકણ નથી.
છોડી ! છોડી ! વરને !
ના બા; તમે રાજા લોક !
કોળીની છોડી કેમ વરાય !

વરાય તો ય વર, ના વરાય તો ય વર.

છોડી કહે, આજથી આઠે દહાડે આવજો

આજથી આઠે વારે આવજો
કંકુનો પડો લાવજો
નાડાનો છડો લાવજો
સાત સોપારી લાવજો
પીળું-શું પાનેતર લાવજો

લીલું-શું નાળિયેર લાવજો
આલાલીલા વાંસ વેડાવજો
નવરંગી ચોરી ચિતરાવજો
વાગતે ને ઢોલે આવજો !

આજથી આઠે દહાડે આવ્યો
આજથી આઠે વારે આવ્યો
કંકુનો પડો લાવ્યો
નાડાનો છડો લાવ્યો
પીળું-શું પાનેતર લાવ્યો

લીલું-શું નાળિયેર લાવ્યો
આલાલીલા વાંસ વેડાવ્યા
નવરંગી ચોરી ચિતરાવી
વાગતે ને ઢોલે આવ્યો
એ તો પરણવા બેઠાં.

એક મંગળ, બે મંગળ,
ત્રણ મંગળ, ચાર મંગળ,
પાંચ મંગળ પરણીપષ્ઠીને ઊઠ્યાં.


🌿


ચાલો રાણી, દેશ જઈએ, વિદેશ જઈએ
આપણે દેશ શા, વિદેશ શા ?
હોય એવાસ્તો, ના હોય એવાસ્તો,
ખાવાં હોય તો ખાઈ લેજો !
પીવાં હોય તો પી લેજો !
ગાંડા રાજા, ઘેલા રાજા,
ખાધાંપીધાં તો કોઈનાં પોં'ચતાં હશે !
પહોંચે તોસ્તો, ના પહોંચે તોસ્તો
એ તો જતાં જતાં જાય છે.
આગળ અઘોર વન આવ્યાં.
રાજાજી કહે, ભૂખો લાગી તરસો લાગી.

મેં તમને કહ્યાં તોસ્તો
ખાવાં હોય તો ખાઈ લેજો
પીવાં હોય તો પી લેજો.

એણે તો આડાં જોયાં, અવળાં જોયાં.
ઝાડ ઉપર ચડીને જોયાં.
સરખી સહિયરો ના'ય છે.
માનસરોવર મહેકે છે.
બેનો રે બાઈઓ રે,
શાં વ્રત કર્યાં, શાં નહિ?
મને કહોને, હું કરું.

બેન, થાય નહિ, પળે નહિ
થશે, પળશે ને કરીશ
ગાયમાને ગાળે કરીશ
તુલસીને ક્યારે કરીશ

પીપળાને પાને કરીશ
સૂર્યનારાયણની સાખે કરીશ
ધરતીને ધ્યાને કરીશ
એવાં ચાર વ્રત કરીશ.


🌿


જતાં જતાં જાય છે
એવે એમનું ગામ આવ્યું છે.

ડોશીમાને સંદેશ ગયો છે

ડોશીમા ડોશીમા, તમારી વહુ આવે છે
ડોશીએ તો ફાટલો-શો સાલ્લો પહેર્યો
ફાટલું-શું કાપડું પહર્યું
માથે કોદરાની થાળ લીધી
એ તો વધાવવા ગઈ ને.

મને શું વધાવો ? ગાયમાને વધાવો
મને શું વધાવો ? તુળસીમાને વધાવો
મને શું વધાવો ? પીપળપાનને વધાવો
મને શું વધાવો ? સૂર્યનારાયણને વધાવો
મને શું વધાવો ? ધરતીમાને વધાવો.
વધાવીને ઘેર જાય છે.
ફાટલો-શો સાલ્લો હીરચીર થઈ ગયો
ફાટલું-શું કાપડું કમખો થઈ ગયું
માથે કોદરાની થાળ હતી તે મોતીની થાળ થઇ ગઈ.

ડોશી તો ઘેર ગયાં
ઘેર જઈને બત્રીશી રસોઈ
તેત્રીશાં શાક કર્યાં.

ઊઠો રાજા, દાતણ કરો.
રાજાએ દાતણ કર્યાં.

ઊઠો રાણી, દાતણ કરો.
રાણીએ દાતણ કર્યાં.
ઊઠો રાજા, નાવણ કરો.
રાજાએ નાવણ કર્યાં.

ઊઠો રાણી, નાવણ કરો.
માને નાવણબાવણ કરવાં નથી.
મારે ગાયમાનાં વ્રત છે.


🌿


આ રાંડ આવી ત્યાંથી વ્રતવરતું લેતી આવી !

ગાળબાળ ભાંડશો નહિ.
થશે પળશે તે કરીશ,
ગાયમાને ગાળે કરીશ,
તુળસીમાને ક્યારે કરીશ,
પીપળને પાને કરીશ,
સૂર્યનારાયણને સાખે કરીશ,
ધરતીમાને ધ્યાને કરીશ,
હું તો નાવા જઈશ.

મારે માટે પીળું કાપડું ને પીળો સાલ્લો મોકલજો.
ડોશીએ તો લીલું કાપડું ને લીલો સાલ્લો મોકલ્યાં.
એ તો ભીનું પહેરીને ઘેર આવે છે.
નાતી આવે, ધોતી આવે,
જળથી ઝારી ભરતી આવે,
ગાયમાતાને પૂજતી આવે,
ફરતી ગાય વધાવતી આવે,
ઘેર આવીને ખાવા બેસે,
ત્યારે કંકોડાનું શાક ને રોટલાં કર્યાં'તાં.
કંકોડા કંકોડા ભોંયમાં ભંડાર્યાં,
રોટલા રોટલા ખાઈને ઊઠી.

બીજો તે દા'ડો થયો.
ના'તી આવે ધોતી આવે,
જળની ઝારી ભરતી આવે,
ગાયમાતાને પૂજતી આવે,
ફરતી ગાય વધાવતી આવે,
ઘેર આવી ખાવા બેસે,

ત્યારે ઘીલોડાનું શાક ને રોટલાં કર્યાં'તાં.
ઘીલોડાં ઘીલોડાં ભોંયમાં ભંડાર્યાં,
રોટલા રોટલા ખાઈને ઊઠી.

ત્રીજો તે દા'ડો થયો.
ના'તી આવે ધોતી આવે,
જળની ઝારી ભરતી આવે,
ગાયમાતા પૂજતી આવે,
ફરતી ગાય વધાવતી આવે,
ઘેર આવી ખાવા બેસે,
ત્યારે તુરિયાનું શાક ને રોટલાં કર્યાં'તાં.
તુરિયાં તુરિયાં ભોંયમાં ભંડાર્યાં,
રોટલા રોટલા ખાઈને ઊઠી.

ચોથો તે દા'ડો થયો.
ના'તી આવે ધોતી આવે,
જળની ઝારી ભરતી આવે,
ગાયમાતા પૂજતી આવે,
ફરતી ગાય વધાવતી આવે,
ઘેર આવી ખાવા બેસે,
ત્યારે ગલકાનું શાક ને રોટલાં કર્યાં'તાં.
ગલકાં ગલકાં ભોંયમાં ભંડાર્યાં,
રોટલા રોટલા ખાઈને ઊઠી.

પાંચમો તે દા'ડો થયો.
ના'તી આવે ધોતી આવે,
જળની ઝારી ભરતી આવે,
ગાયમાતા પૂજતી આવે,
ફરતી ગાય વધાવતી આવે,
ઘેર આવી ખાવા બેસે,
ત્યારે ડોડકાનું શાક ને રોટલાં કર્યાં'તાં.
ડોડકાં ડોડકાં ભોંયમાં ભંડાર્યાં,
રોટલા રોટલા ખાઈને ઊઠી.


🌿

રાણીને તો માસ રહ્યા:
એક માસ, બે માસ,
ત્રણ માસ, ચાર માસ,
પાંચમે માસે પંચમાસી બાંધોને!
સાસુ કહે, એ રાંડને પંચમાસી શી !
ગળીનો દોરડો બાંધીને ઊંચું નાખોને.
છ માસ, સાત માસ,
સાતમે માસે કહેવા લાગી:
બેન રે ! બાઈ રે !
હવે એના ખોળા ભરોને !
એ રાંડને ખોળા શા ! ઓળા શા !
ચોખા રેડીને ઊંચું નાખોને.

આઠ માસ, નવ માસ,
નવમે માસે દુખવા આવ્યું.
બેન રે ! બાઈ રે !
શું કરુ શું નહિં !
ખાંયણિયામાં માથું ઘાલ્યું.
કોઠી વચાળે પગ ઘાલ્યા
........................
રાણીને છોકરો આવ્યો
રાજાની આંખમાં ફૂલના દડા પડ્યા
ઘીના દીવા રાણા થયા.
રાજાજીને કહેવા ગયાં:
રાજાજી રાજાજી ! તમારે ત્યાં છોકરો આવ્યો
રાજાએ તો ગામગામના જોશી તેડાવ્યા
પાનાં જોયાં પુસ્તક જોયાં.


🌿


ઝેરીલી સાસુ હતી
તે છોકરાને ઉકરડાની ટોચે જઈને નાખી આવી.
છોકરો તો ગબડતો ગબડતો
ગાયમાને ગાળે ગયો.
તુલસીમાને ક્યારે ગયો
પીપળાને પાને ગયો
સૂર્યનારાયણને સાખે ગયો

ધરતીને ધ્યાને ગયો.
ગાયમા ધવરાવે છે.
તુળસીમા ઉછેરે છે
પીપળો પાળે છે
સૂર્યનારાયણ સાચવે છે
ધરતીમા રક્ષણ કરે છે
એટલામાં વાંઝિયા સુતારની છોકરી
ગાય પૂજવા આવી.
ગાય કહે, બેન બેન ! ભાઈ લે ને
ના, બા, ભૂતનો હોય, પ્રેતનો હોય,
ડાકણનો હોય, શાકણનો હોય, કેમ લેવાય ?
ભૂતનો નથી, પ્રેતનો નથી,
ડાકણનો નથી, શાકણનો નથી.
ગાયમા આપે ને લે ને ,
તુળસીમા આપે ને લે ને ,
પીપળો આપે ને લે ને ,
સૂર્યનારાયણ આપે ને લે ને ,
ધરતીમા આપે ને લે ને.


🌿


એ તો ભાઈને લઈ ઘેર ગઈ.
મા, મા, ભાઈ લાવી.

ભૂતનો હોય, પ્રેતનો હોય,
ડાકણનો હોય, શાકણનો હોય, કેમ લેવાય !

ના મા, ભૂતનો નથી પ્રેતનો નથી,
ડાકણનો નથી શાકણનો નથી,
ગાયમાએ આપ્યો ને લાવી,
તુળસીમાએ આપ્યો ને લાવી,
પીપળે આપ્યો ને લાવી,
સૂર્યનારાયણે આપ્યો ને લાવી,
ધરતીમાએ આપ્યો ને લાવી.
છોકરાને નવરાવી ધોવરાવી પૂતર પારણે સુવાડ્યો.
છોકરો દહાડે ના વધે એટલો રાતે વધે
રાતે ના વધે એટલો દહાડે વધે

કાકાબાપા કહેવા શીખ્યો.
કાકાબાપા, લાકડાના ઘોડા, કાચના ઘોડા કરી આપો ને !
ગાંડા છૈયા ! ઘેલા છૈયા !
લાકડાના ઘોડા કાચના ઘોડા થતા જ હશે ને !
થાય તોસ્તો, ના થાય તોસ્તો !
લાકડાના ઘોડા કાચના ઘોડા કરી આપ્યા ને.


ટાઢી શિયળ[]નાં ટાણાં આવ્યાં.
છૈયો ઘોડો પાવા ચાલ્યો,
સાતે રાણીઓ ના'વા આવી.
"લાકડાના ઘોડા ! કાચના ઘોડા ! પાણી પોહ પોહ !"
ગાંડા છૈયા ! ઘેલા છૈયા !
લાકડાના ઘોડા કાચના ઘોડા પાણી પીતા હશે ને !
પીએ તોસ્તો, ના પીએ તોસ્તો.
ગાંડી રાણી, ઘેલી રાણી,
રાજાની રાણી સૂંથિયૂં ને સાવરણી જણતી હશે ને !
રાણીએ તો ઘેર જઈને રાજાજીને કહ્યું.
રાજાજી રાજાજી, અમને એક સુતારના છોકરે આવું કહ્યું ને !


બીજો તે દહાડો થયો.
ગોકળાઆઠમનાં ટાણાં આવ્યાં.
છૈયો ઘોડો પાવા ચાલ્યો.
સાતે રાણીઓ ના'વા ચાલી.
"લાકડાના ઘોડા ! કાચના ઘોડા ! પોહ પોહ !"
ગાંડા છૈયા ઘેલા છૈયા !
લાકડાના ઘોડા કાચના ઘોડા પાણી પીતા હશે ને !
પીએ તોસ્તો ના પીએ તોસ્તો.
ગાંડી રાણી ! ઘેલી રાણી
રાજાની રાણી સૂંથિયૂં ને સાવરણી જણતી હશે ને !
રાણીએ તો ઘેર જઈને રાજાજીને કહ્યું.
રાજાજી રાજાજી, અમને એક સુતારને છોકરે આવું કહ્યું ને.


🌿

રાજાએ તો દંડ કર્યો ને
છોકરાને તો કાળી રાતે કાઢી મૂક્યો
કાળું વસ્ત્ર પહેરવા આપ્યું,
કાળી ઘોડી ચડવા આપી,
કાળું અન્ન ખાવા આપ્યું.
જતાં જતાં જાય છે.
એક રાજા યજ્ઞ કરતો હશે
ત્યાં જઈને ઊભો.
ભાઈ ભાઈ પીરસવા રહેજે ને !
ના બા, તમે રાજાલોક,
હું સુતારનો છોકરો, કેમ રહેવાય ?
રહેવાય તોય રહે, ના રહેવાય તોય રહે.
એ તો પીરસવા રહ્યો.
બધા લોકો જમવા આવ્યા ને
સાતે રાણીઓ જમવા આવી ને.
કોળણ રાણી પૂછે: મા મા, શું પહેરું ?
તો કહે, ઝાડે ફરવાનો સાલ્લો સ્તો !
રાણીએ ઝાડે ફરવાનો સાલ્લો પહેર્યો
પછી પૂછે: મા મા, શું પહેરું ?
તો કહે, ઝાડે ફરવાનું કાપડું સ્તો !
રાણીએ ઝાડે ફરવાનું કાપડું પહેર્યું.


પછી પૂછે: મા મા, શું લઉં ?
તો કહે, ઝાડે ફરવાનો ચડવોસ્તો !
રાણીએ ઝાડે ફરવાનો ચડવો લીધો.
એ તો જમવા આવી ને,
ઉકરડાની ટોચે બેઠી.
છોકરો પીરસતો પીરસતો માની ઘાલે આવ્યો.
કાપડાની કસ તૂટી.
છઠ્ઠીનાં ધાવણ છૂટ્યાં.
રાજાજીએ પાનાં કાઢ્યાં...પુસ્તક કાઢ્યાં
પે'લું પાન બ્રહ્માનું
બીજું પાન હૃદયનું
ત્રીજે પાને ગાયમાનાં વ્રત નીકળ્યાં:
ઊંચી ખડકી નીચી ખડકી

મેં વાવ્યાં તલ ને તુલસી
તલ તુલસી ગિરીધારીલાલ
મેં પૂજ્યા શ્રાવણિયા ચાર
એક શ્રાવણ ચૂકી
ચોરનો અવતાર ચૂકી
રામબાઈ શામબાઈ રૂડાં ગામ
મેં પરણાવ્યા અમરખાન
અમરખાનની સાત રાણીઓ
હિંડોળાખાટે હીંચે છે
પાન પિચકારી મારે છે
હસે તો હીરા ગરે
બોલે તો મોતી ગરે
હીંડે તો કંકુનાં પગલાં પડે
જે ગાયમા! તમારાં સત
ને અમારાં વ્રત પરિપૂર્ણ ઊતારજો !


  1. આ વાર્તા ગુજરાતમાં ઉમરેઠ તરફ કહેવાય છે.
  2. ૧ ટાઢી શિયળ : શીતળા સાતમ