કલાપીનો કેકારવ/આધીનતા

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← સીમા કલાપીનો કેકારવ
આધીનતા
કલાપી
અર્પણપાત્ર →
મંદાક્રાંતા


આધીનતા

ન્હાનાં ન્હાનાં વન વન તણાં ઊડતાં પંખિડાં કૈં,
કેવાં શીખો મધુર ગીતડાં સર્વ આધીનતાથી?
પેલી જોડી લટુપટુ થઈ વૃક્ષમાં ત્યાં ઉડે છે,
પાંખે પાંખે નયન નયને વ્યાપ્ત આધીનતા છે.

પેલો ભૃંગે ફુલ ફુલ પરે એ જ આધીનતાની
ચોટી ઉડી ભણણણ કરી ગાય છે ગુંજ ગુંજી!
પુષ્પોની એ મધુરજભરી પાંખડી પાંખડીથી
ગોષ્ટી રેલે રસ છલકતે એ જ આધીનતાની!

ઊગે ચન્દ્રે ખૂબસૂરતીથી વિશ્વ રેલાવનારો
પીવા પ્યાલો કુમુદીદિલથી એ જ આધીનતાનો;
રે! બીડાયો કમલપુટમાં, હાય! આધીન ભૃંગ,
ના શું તેને શશીકિરણને ઝાંખવા હોંશ હોય?

ઓહો! મીઠી કુદરત તણાં બાલુડાં બાપુ વ્હાલાં!
હોજો સૌને અનુકૂલ સદા આમ આધીનતા આ!
બ્હોળું છે આ જગત તહીંથી કાંઈ વીણી જ લેતાં,
છો માની ત્યાં જગત સઘળું મગ્ન આધીન ર્‌હેતાં!

મ્હારે રોવું મુજ હૃદયનું કાંઈ છે દર્દ કિન્તુ
રોઈ ગાઈ તમ હૃદયને ચેતવી જાઉં, બાપુ!
રે! ના વારૂં તમ જિગરની કાંઈ આધીનતા, હું,
એ તો હું એ દરદ સહતાં મૃત્યુ સુધી ન ત્યાગું.

મેં ચૂંટ્યું'તું મમ હૃદયનું સ્થાન આધીનતાનું,
કેવું મીઠું રસિક દ્રવતું પુષ્પ વા પ્રેમ જેવું!
બાઝ્યું ચોટ્યું મુજ જિગરના છેક ઊંડાણ માંહીં,
પીને પાયો રસ હૃદયનો ખૂબ આનન્દ માંહીં.

છોડ્યું મેં તો કુદરત મહીં એકલા ખેલવાનું,
નિર્માયું તે મુજ મન ગમ્યું કોટડીમાં પુરાવું;
બીજાં જેવી મુજ હૃદયની કાંઈ પીડા નથી આ,
અશ્રદ્ધા કે મરણ દુઃખનાં કાંઈ અશ્રુ નથી આ.

હા! જીવે છે પણ હૃદય ના ગન્ધ આપી શકે તે,
હું જીવું છું મુજ જિગરને ખાકમાં ભારવાને!
એ ચાહે છે મુજ હૃદયને તેટલો હુંય ચાહું,
એ ચ્હેરો તો કુદરત મહીં સર્વમાં જોઉં છું હું.

ત્હોયે એ તો જીવિત વહશે અન્ય આધીનતામાં!
રે! આ મ્હારૂં જીવિત વહતું અન્ય આધીનતામાં!
ઇચ્છા જૂદી અમ હૃદયની ઈશની જૂદી ઇચ્છા!
એ નિર્માયા અજબ દુખિયા ખેલ આધીનતાના!

રે! પંખીડાં! મધુપ, શશી રે! ફૂલડાં બાપલાં હા!
રે! શું સ્હેશે તમ હૃદય સૌ આમ આધીનતામાં?
સ્હેજો સ્હેજો પણ હૃદય સૌ પૂર્ણ આધીન ર્‌હેજો,
લ્હાવો લેજો દિલ સળગશે ત્હોય આધીનતાનો.

સ્વચ્છન્દી છો સુખ સમજતાં શુષ્ક સ્વાતન્ત્ર્ય માંહીં,
એ શું જાણે પ્રણયી દિલની વાત આધીનતાની?
દુઃખે સુખે દિલ થડકતાંથાય આધીનને જે,
તે લ્હાણું તો હૃદયરસનું માત્ર આધીન જાણે.

૨૯-૫-૧૮૯૬