કલાપીનો કેકારવ/સીમા

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← મહાત્મા મૂલદાસ કલાપીનો કેકારવ
સીમા
કલાપી
આધીનતા →
મંદાક્રાંતા


સીમા

જોડી જોડી, ત્રિપુટી કહીં ને મંડળી ચારની કૈં,
ને ક્યાંહી તો રસિક દિલના કાફલા સાથ ચાલે;

બેતાલો કે બસુર નહિ કો કમ્પતો તાર ભાસે,
એ વીણાના સ્વરથી સઘળો માર્ગ મીઠો બને છે.

ફેલાવાને ઉરઉદધિની ઊર્મિઓ ઉછળે છે.
ઊર્મિ ઊર્મિ જરી અડકતાં ઐક્ય કેવું ધરે છે?
જૂદા રંગો ભળી ગળી જતાં એકરંગી બને છે,
ને તેમાં ના નજર કરતાં ફાટ સાંધો દિસે છે.

મેળો મીઠો, અરર! પણ આ એક બે ચાર દીનો,
સીમા આવી! બસ અટકવું! કોઈનો તાર તૂટ્યો!
તૂટ્યો વા તે ઉતરી જ ગયો! મેળ પાછો મળે ના!
તાણો ખેંચો પણ નવ ચડે! ધૂન એવી મચે ના!

હું બોલું તે કબૂલ કરવા દિલ તે 'ના' કહે છે!
હું જોઉં જ્યાં ગિરિ ચળકતો ખાડ તે ત્યાં જુવે છે!
કાંટા ખૂંચે મુજ જિગરની ગોદમાં આવતાં, ને
હું ખીલું ત્યાં અરર! ઢળતી કેમ મૂર્ચ્છા જ તેને?

સીમા આવી મુજ દિલ તણા સોબતી દિલની ત્યાં,
એ હૈયું તો મુજ હૃદયની સાથ રે! વિસ્તરે ના;
એ જોડાયું જગત સહ ને બન્ધ આ તોડી ઉડે,
સીમા તેની, મુજ હૃદયની દૂરના અંતરે છે.

મ્હારી દૃષ્ટિ સમય વહતાં કાંઈ જૂદી થઈ છે;
તે દૃષ્ટિમાં વિકૃતિ સમયે કાંઈ જૂદી કરી છે;
ફાંટા ફૂટ્યા અમ હૃદયના માર્ગમાં ઉલટા છે,
'તે ક્યાં! હું ક્યાં!' અરર! રડવું એ જ ભાગ્યે લખ્યું છે!

એ સીમાની ઉપર પગલું દેઈ ઓળંગશે એ,
ત્યાં તો સીમા મુજ જીવિતની આવશે વા જશે એ;
એ તેની સીમા ઉપર લટકું આમ બન્ધાઈ દોરે,
દોરી તૂટે જીવિતની છતાં બન્ધ તો કેમ તૂટે?

રે! રે! સીમા પ્રતિ હૃદયની આમ જૂદી હશે શું?
રે! સીમાની ઉપર ચડવું કોઈને સ્હેલ ના શું?
વીણાતારો બસુર બનતાં એ જ કમ્પાવવા શું?
રે! સીમાએ કટુ વિષભર્યું આમ મીઠાશમાં શું?


કિન્તુ મીઠી કવિતા છે સીમાએ પગ મૂકતાં,
સિન્ધુના ઊર્મિ ઊર્મિએ નાચે છે ઉરનાવડાં.

૨૮-૫-૧૮૯૬