લખાણ પર જાઓ

કલાપીનો કેકારવ/એક પ્રેમ

વિકિસ્રોતમાંથી
← અશ્રુસ્થાન કલાપીનો કેકારવ
એક પ્રેમ
કલાપી
દિલને રજા →


એક પ્રેમ

હકીમ કે તબીબની તલબ નથી મને!
નફસની પરવા નથી: ન ઇશ્કની મને!

માશૂક નથી મિસ્કીન છું: જહાંગીર છું મને!
ખલ્કની તમા નથી: સુલતાન છું મને!

પરિવાર મ્હારો હું જ છું: મસ્તાન છું મને!
બેઝાર હું આજે ફરું: ગુલતાન છું મને!

પ્રેમગુલ ચૂમ્યાં ઘણાં: ખાર ભોંકાયા મને!
દફે-ખૂન દિલ દર્દ-કર્તા દસ્ત લાધ્યું ના મને!

સખા જોયા મેં ઘણા: સખી જોઈ એક મેં!
ઉમેદ બર આવી નહીં: શું કહું ખાલેક નેકને!

દ્વૈતપ્રેમી જે હતો અદ્વૈતપ્રેમી હું થયો!
બ્રહ્માંડ મ્હારું: બ્રહ્મ મ્હારું: બ્રહ્મવાદી હું થયો!
૧૪-૧૨-’૯૨