કલાપીનો કેકારવ/એ ચ્હેરો

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← તે મુખ કલાપીનો કેકારવ
એ ચ્હેરો
કલાપી
હ્રદયપ્યાલું →


એ ચ્હેરો

પ્રેમી આંખો કુદરત બધી શીદ જોવાઈ જાશે ?
જેને લાદ્યું મધુર મધુર મુખડું આંખ કાં ખોલશે તે ?
જેને ખોળે જગત સઘળું ખેલવા ખેલ આવે,
દેશે દેશો વન વન થઈ શીદને આથડે તે?

તારા, ભાનુ, મધુર ફુલડાં, વેલડી ને ઝરા, વા
સૌન્દર્યોનાં જગતફલકે ચિત્રની સૌ સુરેખા;
એ સૌ ભાસે મૃદુ વદનના શેષના રંગ મીઠા,
એ સૌ કોઈ મૃદુ વદનના આશરામાં પડેલા.

આ હૈયાનું મધુર મુખડું વિશ્વનું મધ્યબિન્દુ,
સૌન્દર્યોનું વહન જગતે એ જ મ્હોંથી વહન્તું;
એ મ્હોનું હું સ્મરણ કરતાં ઝિન્દગી ગાળતો છો,
ચાલ્યા જાતા શશી, રવિ, ગ્રહો આથમી કે ઉગી છો.

આ સંસારે કંઈ મૃદુ મુખે હાસ્ય મ્હેં કૈંક જોયાં,
જોયાં નેત્રો ટમટમ થઈ અશ્રુનાં પૂર વ્હેતાં;
લજ્જાળુ મ્હોં નમી સ્મિત કરે, એ ય ભાવો નિહાળ્યા,
એ ચ્હેરાની નકલ વિણ તો ક્યાંય સૌન્દર્ય છે ના.

૨૬-૩-૧૮૯૭