લખાણ પર જાઓ

કલાપીનો કેકારવ/હ્રદયપ્યાલું

વિકિસ્રોતમાંથી
← એ ચ્હેરો કલાપીનો કેકારવ
હ્રદયપ્યાલું
કલાપી
રોનારાં →


હ્રદયપ્યાલું

હ્રદયનું આ ભરી પાતાં ત્હને પ્યાલું ડરૂં કાંઈ !
ધરૂં છું ત્હોય પાવાને ! ધરૂં કે ના ? ડરૂં કાંઈ !

ખુમારીમાં સદા રોતાં મ્હને તો સ્વાદ છે આવ્યો :
મગર એ આગને પીતાં બળે હૈયું, ડરૂં કાંઈ!

પ્રિયે ! ફોરૂં જરી પીતા બગીચા લાખ ખીલે છે;
મગર કાંટા ભરી વાડો, ત્હને લેતાં, ડરૂં કાંઈ !

હ્રદયનું તોડતાં તાળું, મજા તો ખૂબ ઊંડી છે;
મગર ઉંડાણમાં તુંને કઈ જાતાં, ડરૂં કાંઈ!

રડું છું હું, હસે છે તું, ઘટેના ભેદ એ પ્રેમે;
પરન્તુ તોડતાં એવી જુદાઈ હું ડરૂં કાંઈ !

બને તો તું હસાવીને સુખે દિલ ફેરવી આ લે;
કહું છું ત્હોય કે હસતાં હવે તો હું ડરૂં કાંઈ!

ત્હને રોતી કરૂં તે તો બનાવું તો બને તેવું;
હસે તેને રડાવું કાં ? કરૂં સાથી ? ડરૂં કાંઈ !

હસે તું તે વિસામો કૈં હતો - તે હાલ ક્યાં હાવાં?
વિસામાની નહીં આશા, કહેતાં એ ડરૂં કાંઈ !

છતાં આશાભરી પ્રીતિ; ન કાંપ્યાલું ત્હને પાવું ?
ઉરે આશા ધરૂં ના કાં ? ધરૂં કે ના ? ડરૂં કાંઈ ?

૩-૯-૧૮૯૭