કલાપીનો કેકારવ/કાશ્મીરનું સ્વપ્ન

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← કેલિસ્મરણ કલાપીનો કેકારવ
પ્રકરણનું નામ કાશ્મીરનું સ્વપ્ન
કલાપી
કાશ્મીરમાં વિયોગ →


<poem> ક્યાંઈ છે ખુબ ધીટ વનનાં ઝાઝાં ફૂલોથી ભર્યાં, વેલીના નવરંગથી લટકતાં સારાં પટોળાં ધર્યાં; ક્યાંઇ છે તૂટીને પડેલ ભુખરાં પાનો વિના ઝાડવાં, જોગીનો ધરી વેષ ભેખ લઈને જાણે બિચારાં પડ્યાં.

ક્યાંઈ છે સુઘરી તણા લટકતા માળા નદીની પરે, નીચે મોર કળા કરે પ્રિય કને લીલા ગલીચા પરે; ક્યાંઈ છે ફરતાં યૂથો ગજ તણાં ભાંગે ધણી ડાળીને, તેઓનાં બચલાં રમે જલ વિષે માતા કને દોડીને.

છે ક્યાંઇ અતિ ઘોર ગંભીર ગુફા, કાળી ઘટા ઝાડની, કાળી તે દિસતી છવાઇ જઈને અંધારી છે તે ઘણી; વ્હે છે જોસ ભરી નદી અહિં તહિં, નાળાં પડ્યાં વિખરી, કુંજોમાં ઝરણાં વહે ખળકતાં, છોળો ઉડે પાણીની.

જ્યાં છે એવી નદી ઘણી, બરફના ઝાઝા જ્યહાં ડુંગરા, એવો કાશ્મીર દેશ છોડી દઈને જાઉં હવે હું ક્યહાં? <poem>

૧૮૯૨

*