કલાપીનો કેકારવ/કાશ્મીરમાં વિયોગ
Appearance
← કાશ્મીરનું સ્વપ્ન | કલાપીનો કેકારવ કાશ્મીરમાં વિયોગ કલાપી |
પ્રીતિની રીતિ → |
૨-કાશ્મીરમાં વિયોગ
મનહર
વાદળે જળે ભરેલે આવી વીંધ્યા ડુંગરોને,
કોતરોની માંહીંથી પાણી વહે છે તે થકી:
વાદળું વિયોગનું ભર્યું આ આવ્યું મન પર,
અશ્રુધારા વહે દિનરાત ચક્ષુ માંહીંથી,
વિજળીનો કડેડાટ તોડી પાડે શિખરોને,
વિરહનો માર છેદે હ્રદયના મર્મને;
વૃક્ષના ઘસારા થકી પર્વતોમાં આગ બળે,
શશાંક સમીર થકી દિલ ખાખ થાય છે.
છરેરા ને ખીણ બધાં છાઈ ગયાં ઘાસ વડે,
ઝૂકી રહી હાર, ઝાડ, વેલી પર પુષ્પની;
કામથી રોમાંચ વાર વાર થાય શરીરમાં,
થર થર ધ્રુજે દેહ મદનપીડા થકી.
બરફના કણ ઘણા ચોટી રહ્યા ટોચ પર
જીગરમાં પડ્યાં કાણાં મનોજનાં શરથી;
દિસતો સૂરજ નથી, અંધકારમાં વ્યાપી ગયો,
જીવ કેમ જતો નથી શરીરની મહીંથી?